26 January, 2015

રોક ક્લાઈમ્બિંગ કરીને ઈતિહાસ સર્જનારા બે સાહસવીરો


ક્રિકેટમાં લોર્ડ્સ, ટેનિસમાં વિમ્બલડન અને પર્વતારોહણમાં માઉન્ટ એવરેસ્ટ જેવું જ મહત્ત્વ રોક ક્લાઈમ્બિંગની દુનિયામાં કેલિફોર્નિયાના યોસેમાઈટ નેશનલ પાર્કના અલ કેપિટન રોકનું છે. ૯૧૪ મીટર ઊંચા ગ્રેનાઈટના બનેલા આ ધારદાર ખડક પર ચઢાણ કરવું એ દરેક પ્રોફેશનલ ક્લાઈમ્બરનું સપનું હોય છે. અલ કેપિટનની દીવાલ પર શારીરિક સંતુલન ટકાવી રાખવા સતત પ્રેક્ટિસ કરીને તૈયાર કરેલા મજબૂત આંગળા, લાંબા સમય સુધી દર્દ સહન કરી શકે એવા મસલ્સ, યોગ ગુરુ જેવી ફ્લેક્સિબિલિટી અને ઝીરો બોડી ફેટ હોવી જરૂરી છે. એવી જ રીતે, દિવસે ચામડી બાળી દેતી ગરમી અને રાત્રે હાડ થીજાવી દે એવી ઠંડીમાં ખડકની દીવાલો પર હાર નહીં માનીને ટકી રહેવા માનસિક સંતુલન ટકાવી રાખવું પણ એટલું જ જરૂરી છે. અલ કેપિટન પર ક્લાઈમ્બિંગ ટૂલ્સ વિના ચઢાણ કરવું એટલે મોતને તેડું આપવા બરાબર છે, પરંતુ ટોમી કોલ્ડવેલ અને કેવિન જોર્ગેસન નામના બે અમેરિકન સાહસિકોએ સતત ૧૯ દિવસ સુધી ફ્રી ક્લાઈમ્બિંગ કરીને અલ કેપિટનની ટોચ પર પહોંચવાની સિદ્ધિ નોંધાવી છે. નેશનલ જિયોગ્રાફિક જેવી પ્રતિષ્ઠિત ચેનલના નિષ્ણાતોએ ટોમી અને કેવિનની સફળતાને ૨૧મી સદીની રમતજગતની ભવ્યાતિભવ્ય સિદ્ધિ તરીકે બિરદાવી છે.

૩૬ વર્ષીય ટોમી અને ૩૦ વર્ષીય કેવિને રોક ક્લાઈમ્બિંગ માટે દુનિયાના સૌથી અઘરા ખડક પર ૨૭મી ડિસેમ્બર, ૨૦૧૪એ ચઢાણ શરૂ કર્યું હતું અને ૧૪મી જાન્યુઆરી, ૨૦૧૫એ સતત ૧૯ દિવસની શારીરિક અને માનસિક રીતે તોડી નાંખતી સફર પછી તેઓ ટોચ પહોંચ્યા હતા. દુનિયાની સૌથી ઊંચી બુર્જ ખલીફા બિલ્ડિંગ (૮૨૮ મીટર) કરતા પણ ઊંચી અલ કેપિટનની ડૉન વૉલ પર ફ્રી ક્લાઈમ્બિંગ કરીને પહોંચવું અત્યંત જોખમી છે. રોક ક્લાઈમ્બિંગના મુખ્ય ત્રણ પ્રકાર છેઃ એઈડ ક્લાઈમ્બિંગ, ફ્રી ક્લાઈમ્બિંગ અને ફ્રી સોલો. એઈડ ક્લાઈમ્બિંગમાં નાયલોનના દોરડાની નિસરણી તેમજ ખડકોમાં બોલ્ટ વગેરે ફિટ કરીને હાર્ડવેર સપોર્ટ લેવાય છે, જે પ્રમાણમાં સરળ છે. ફ્રી ક્લાઈમ્બિંગમાં ક્લાઈમ્બરની પકડ છટકે તો બચવા માટે સેફ્ટી રોપ હોય છે, પરંતુ ક્લાઈમ્બરો હાર્ડવેર (બોલ્ટ અને અન્ય ટૂલ્સ) સપોર્ટ વિના એકબીજાની મદદથી ચઢાણ કરે છે. ટોમી અને કેવિન આ સ્ટાઈલથી ઉપર સુધી પહોંચ્યા હતા. ફ્રી સોલો સ્ટાઈલમાં દોરડાની મદદ વિના ચઢાણ કરાય છે. આવી રીતે ચઢાણ કરતી વખતે પકડ ઢીલી થાય તો જીવલેણ સાબિત થાય છે. ગમે તેવો ખેરખાં રોક ક્લાઈમ્બર અલ કેપિટનના એક પણ રુટ પર ફ્રી સોલો ચઢાણ કરતો નથી.

ટોમી અને કેવિને આ રુટ પરથી ડૉન વૉલનું ચઢાણ કર્યું હતું

એક અઘરી પિચને પાર પાડવાનો પ્રયાસ કરી રહેલો કેવિન
 
ડૉન વૉલની ભવ્યતા દર્શાવતો એરિયલ વ્યૂ 

ફ્રી સોલો તો ઠીક, ડૉન વૉલ પર અત્યાર સુધી કોઈએ ફ્રી ક્લાઈમ્બિંગ પણ કર્યું નથી. દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થતો હોય ત્યારે દિવસો સુધી ફ્રી ક્લાઈમ્બિંગ કરીને ટોચ પર પહોંચવું આ સિદ્ધિ પહેલાં અશક્ય મનાતું હતું. ઉત્તરાયણમાં એક-બે દિવસ ધાબામાં ગાળ્યા પછી મ્હોં અને હાથ-પગની ચામડી તેમજ માંજાના કારણે આંગળીઓના કેવા હાલહવાલ થાય છે એ આપણે ઘણી વાર અનુભવ્યું છે, તો પછી સતત ૧૯ દિવસ સુધી ખડકોની ધાર પર આંગળી અને પગના ટેરવાની તાકાતથી ત્રણ હજાર ફૂટનું ચઢાણ કરવું કેટલું કઠિન હોય એ સમજી શકાય એમ છે. થોડી ઘણી પ્રેક્ટિસ પછી ઝડપથી જાડી થઈ જતી ચામડી રોક ક્લાઈમ્બિંગમાં આશીર્વાદ સમાન છે કારણ કે, આવી ચામડીની મદદથી ક્લાઈમ્બર ખડકની ધાર પર આંગળી રાખીને સમગ્ર શરીરનું સંતુલન રાખી શકે છે અને દર્દ પણ ઓછું થાય છે. જોકે, ગમે તેવી ચામડી દિવસની સખત ગરમી અને રાતની ભયાનક ઠંડીમાં જવાબ દઈ દે છે. આ માટે તે બંને રોક ક્લાઈમ્બરો રાત્રે બે-ત્રણ વાર ઉઠીને આંગળીઓ પર લોશન લગાવી લેતા હતા.

સામાન્ય રીતે રોક ક્લાઈમ્બરો યોસેમાઈટ નેશનલ પાર્કમાં ઊનાળા સિવાય કોઈ મોટા સાહસ કરતા નથી. અહીં રોક ક્લાઈમ્બિંગ માટે મેથી ઓક્ટોબર શ્રેષ્ઠ સમય મનાય છે. જોકે, ટોમી અને કેવિને છ વર્ષ પહેલાં નવેમ્બરમાં અલ કેપિટનની ખડકાળ દીવાલ ખૂંદવાની શરૂઆત કરી હતી, પરંતુ તેમણે અનુભવ્યું કે નવેમ્બરમાં પણ દસ-પંદર દિવસ સુધી ચઢાણ કરવા માટે ખડકો ઘણાં ગરમ કહેવાય. છેવટે તેમણે દિવસની ગરમીથી બચવા જાન્યુઆરીની રાત્રિઓમાં હેડ લેમ્પની મદદથી ડૉન  વૉલ પર ચઢાણ કરવાનું નક્કી કર્યું. ક્લાઈમ્બિંગ માટે ઠંડુ વાતાવરણ વધારે અનુકુળ છે કારણ કે, ઠંડા વાતાવરણમાં હથેળીમાં પરસેવો નહીંવત થતો હોવાથી પકડ મજબૂત રહે છે. ટોમી અને કેવિન ચઢાણ કરતા પહેલાં હાથનો પરસેવો અને ખડકોની ઝીણી ધૂળ સાફ કરવા હથેળીમાં આલ્કોહોલ ઘસતા. આલ્કોહોલના કારણે ખડકની સપાટી પર બાઝી ગયેલા ભેજનું બાષ્પીભવન થઈ જતું અને ટેરવાની પકડ વધુ મજબૂત બનતી. હાથ આલ્કોહોલથી સાફ કર્યા પછી જ તેઓ ક્લાઈમ્બિંગ ચોક (શુદ્ધ મેગ્નેશિયમ કાર્બોનેટ) હાથમાં ઘસતા. ખડકની પાતળી ધાર પર પકડ મજબૂત રાખવા ક્લાઈમ્બિંગ ચોક જરૂરી હોય છે, પરંતુ તેનાથી આંગળીઓની ચામડી સૂકાઈ ના જાય એનું પણ એટલું જ ધ્યાન રાખવું પડે છે. ચામડી સૂકાઈને ફાટી જાય તો ચઢાણ થઈ શકતું નથી અને પકડ ઢીલી થઈને અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

ટોમી (આગળ) અને કેવિન આવી રીતે આરામ કરી લેતા હતા

મજબૂત ટેપિંગ માટે આંગળી પર જ સુપર ગ્લૂનો ઉપયોગ કરતો કેવિન

ગ્રેનાઈટના ધારદાર ખડકોથી ફાટેલી ચામડી ઝડપથી સાજી થાય એ માટે ટોમી અને કેવિન ગ્રેપ-સિડ ઓઈલ, મીણ અને વિટામિન ઈ નો ઉપયોગ કરતા. ફાટેલા ટેરવાને વધુ ઈજાથી બચાવવા તેમજ આંગળીઓની ફ્લેક્સિબિલિટી જળવાઈ રહે એ માટે તેઓ એથ્લેટિક ટેપ (અસલી ચામડી જેવી જ અનુભૂતિ કરાવે એવી પાતળી પણ મજબૂત ટેપ)નો ઉપયોગ કરતા હતા, પરંતુ સતત ઘસારાથી આ ટેપ પણ ઉખડી જતી અને તેમની પકડ ઢીલી થઈ જતી. વળી, ટોમી અને કેવિને દિવસો સુધી ચઢાણ કરવાનું હોવાથી કસીને ટેપિંગ કરી શકતા ન હતા કારણ કે, આમ કરવાથી આંગળીઓમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જવાનો ભય હતો. આ કારણોસર ટેપ ચોંટાડવા તેઓ આંગળીઓ પર જ સુપર ગ્લૂનો ઉપયોગ કરતા હતા. રોક ક્લાઈમ્બિંગમાં ટેપ ચોંટાડવાનું પણ શાસ્ત્ર હોય છે અને બંને ક્લાઈમ્બરે સ્થિતિને અનુરૂપ જુદી જુદી ટેપિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ટેપિંગ યોગ્ય રીતે ના થયું હોય તો સંતુલન રાખવામાં મુશ્કેલી પડે છે અને ખડકો પર હાથ, પગ, ખભા અને કમર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહે ત્યારે જે સ્નાયુઓને શ્રમ પડે ત્યાં લેક્ટિક એસિડ જમા થાય છે. આ એસિડ અસહ્ય દર્દ સર્જે છે. ટોમી અને કેવિને સખત થાક પછી સૂઈ જવા પોર્ટાલેજિસ (દીવાલ પર લટકાવીને તેમાં સૂઈ શકાય એવો તંબૂ)નો ઉપયોગ કરતા હતા. રોક ક્લાઈમ્બિંગને લગતી આવી કોઈ પણ નાનકડી બાબતમાં ગાફેલ રહેવાથી જીવલેણ અકસ્માત અથવા સમગ્ર મિશન નિષ્ફળ જવાની શક્યતા હતી.

આટલા દિવસો સુધી શારીરિક અને માનસિક સંતુલન ટકાવી રાખવા ટોમી અને કેવિન પાસે ખોરાક અને પાણીનો સંગ્રહ કરવા ભારેખમ બેગ પણ હતી, જે જથ્થો તેમને તળેટીમાંથી પોતાની ટીમ તરફથી મળતો હતો. આ પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે ટોમી અને કેવિને ડૉન વૉલની ભૂગોળ સામે પણ બાથ ભીડવાની હતી. ઊભી તિરાડો ધરાવતા ખડકોમાં ક્લાઈમ્બિંગ કરવું પ્રમાણમાં સરળ હોય છે કારણ કે, તેમાં હાથ અને પગ જમાવીને આગળ વધી શકાય છે, પરંતુ ડૉન વૉલ સીધીસટ્ટ છે. તિરાડો ધરાવતા ખડકોને જમીન પરથી બાઈનોક્યુલરથી અભ્યાસ કરીને રુટ નક્કી કરી શકાય છે પણ  ડૉન વૉલના એકદમ સીધા ખડકો પર આવું શક્ય નથી. સીધા ખડકો પર અધવચ્ચે પહોંચ્યા પછી આગળ જવાનો રસ્તો શોધવો ભારે પડી શકે છે. આ સ્થિતિમાં ચઢાણ વખતે ખડકોને સમજીને આગળ વધવાની અને કેવિનને ગાઈડ કરવાની જવાબદારી ટોમીએ બખૂબી નિભાવી છે. કદાચ એટલે જ આ સિદ્ધિનો પહેલો શ્રેય ટોમીને અપાય છે. ટોમી અને કેવિને ફ્રી ક્લાઈમ્બિંગ વખતે જેનો ઉપયોગ કરાય છે એ સેફ્ટી રોપનો ઉપયોગ કર્યો હતો, પરંતુ બેમાંથી એકેય ક્લાઈમ્બરે ૧૯ દિવસમાં એકપણ વાર પકડ છોડીને લટકી જવા તેનો ઉપયોગ કર્યો ન હતો. નેશનલ જિયોગ્રાફિકે તો ટોમી કોલ્ડવેલને અત્યારથી જ વર્ષ ૨૦૧૫નો 'એડવેન્ચરર ઓફ ધ યર' ખિતાબ આપી દીધો છે.

રોક ક્લાઈમ્બિંગ અને ડૉન વૉલ વિશે આટલું જાણ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે, આ બંને સાહસિકોની સફળતાને ૨૧મી સદીની રમત જગતની ભવ્યાતિભવ્ય સિદ્ધિ કેમ ગણવામાં આવે છે!

એક આંગળી કપાઈ ગયા પછીયે સિદ્ધિના શિખરો સર કર્યા

અમેરિકાના કોલોરાડોનો રહેવાસી ટોમી કોલ્ડવેલ ફક્ત ત્રણ વર્ષની વયે રોક ક્લાઈમ્બિંગ શરૂ કરીને, ૧૬ વર્ષની વયે દિગ્ગજ ક્લાઈમ્બરોને હરાવીને નેશનલ રોક ક્લાઈમ્બિંગ ચેમ્પિયન બન્યો હતો. વર્ષ ૧૯૯૯માં અહીંના જ એક રુટ પર ટોમીએ ફ્રી ક્લાઈમ્બિંગ કર્યું હતું, પરંતુ આ રુટ ડૉન વૉલ જેટલો અઘરો ન હતો.  ડૉન વૉલ પર ફ્રી ક્લાઈમ્બિંગ કરવાની લાલચમાં ટોમીએ અહીંના ૧૩માંથી ૧૧ રુટ પર ફ્રી ક્લાઈમ્બિંગ કર્યું છે. એકવાર તો તેણે ફક્ત પ્રેક્ટિસ ખાતર ૨૪ કલાકમાં બે રુટ પર સફળતાપૂર્વક ફ્રી ક્લાઈમ્બિંગ કર્યું હતું. આ દરમિયાન વર્ષ ૨૦૦૧માં ટોમીએ એક અકસ્માતમાં ડાબા હાથની પહેલી આંગળી ગુમાવી દીધી હતી. એક ક્લાઈમ્બર માટે પહેલી આંગળી શું હોય છે એ ટોમી સારી રીતે જાણતો હતો. તબીબો આંગળી ચોંટાડી શકવા સક્ષમ હતા, પરંતુ એ પછી તે ક્લાઈમ્બિંગ ના કરી શકે એવું તબીબોનું કહેવું હતું. બસ વાત ખતમ. ટોમી આંગળી ચોંટાડવાની ના પાડે છે અને પાંચ જ મહિના પછી અલ કેપિટનની ત્રણ હજાર ફૂટ ઊંચી સેલેથ વૉલ પર ૨૪ કલાકથી ઓછા સમયમાં ફ્રી ક્લાઈમ્બિંગ કરે છે. ટોમીએ ફક્ત પ્રેક્ટિસ માટે કરેલા આવા અનેક અખતરા વિશ્વ વિક્રમ તરીકે નોંધાઈ ગયા છે. વર્ષ ૨૦૦૭માં ટોમી અને બેથ રોડન (એ પણ લિજેન્ડ મહિલા રોક ક્લાઈમ્બર છે)ના છુટાછેડા થાય છે. બેથથી છુટા પડીને અત્યંત વ્યથિત ટોમીને લાગતું હતું કે, હવે તે ડૉન વૉલનું ચઢાણ નહીં કરી શકે.

ટોમી કોલ્ડવેલ અને કેવિન જોર્ગેસન
રેબેકા અને ટોમી તેમના પુત્ર સાથે

આ દરમિયાન વર્ષ ૨૦૦૮માં 'ધ પ્રોગ્રેસન' નામની ક્લાઈમ્બિંગ ડોક્યુમેન્ટ્રી બનાવવા તે નેશનલ જિયોગ્રાફિકના એક પ્રોજેક્ટ સાથે સંકળાય છે, જેને કલ્ટ ક્લાસિક સ્પોર્ટ્સ ફિલ્મનો દરજ્જો મળ્યો છે. આ ડોક્યુમેન્ટ્રી યોસેમાઈટ નેશનલ પાર્કથી થોડે દૂર સાન્તા રોઝામાં જન્મેલો અને ઉછરેલો કેવિન જોર્ગેસન જોવે છે અને ટોમીને ઈ-મેઈલ કરીને પોતાની સાથે ડૉન વૉલનું સાહસ કરવા વિનંતી કરે છે. વર્ષ ૨૦૦૯ સુધી તો કેવિને અલ કેપિટનના એક પણ ખડક પર સામાન્ય ચઢાણ સુદ્ધાં કર્યું ન હતું. જોકે, કેવિને ફક્ત ૧૧ વર્ષે જિમ્નેશિયમમાં રોક ક્લાઈમ્બિંગ શરૂ કર્યું હતું અને તે પણ ૧૬ વર્ષે ઈનડોર ક્લાઈમ્બિંગ ચેમ્પિયન બન્યો હતો. ૧૬મા જન્મ દિવસે કેવિને ડૉન વૉલની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી તે દર જન્મ દિવસે ત્યાં જાય છે. બીજી તરફ, ટોમીના જીવનમાં રેબેકા પિશ નામની યુવતી આવી. એ યુવતી રોક ક્લાઈમ્બિંગ વિશે કશું જાણતી નહોતી, પરંતુ ટોમીને ડૉન વૉલ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહિત કરવા તેણે પણ રોક ક્લાઈમ્બિંગ શરૂ કર્યું. રેબેકા ટોમીનું મન બીજે વાળીને તેને દુઃખ-આઘાતની લાગણીમાંથી બહાર લાવવા ઈચ્છતી હતી. તેણે જ ટોમીને કેવિન સાથે ડૉન વૉલ પ્રોજેક્ટ પૂરો કરવા પ્રોત્સાહિત કર્યો હતો. એ વખતે ટોમીએ પણ અનુભવ્યું કે, કેવિન જેવા તરવરિયા યુવાનને તૈયાર કરવાની આ જ તક છે. છેવટે ટોમી અને કેવિને ૨૭મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ ડૉન વૉલનું ચઢાણ શરૂ કર્યું અને એ પછી જે કંઈ થયું તે ઈતિહાસ છે.

ટોમીએ આતંકવાદીઓનો પણ સામનો કર્યો હતો

રોક ક્લાઈમ્બિંગની દુનિયામાં લિવિંગ લિજેન્ડનું બિરુદ મેળવી ચૂકેલા ટોમી કોલ્ડવેનના જીવનમાં એક રસપ્રદ ઘટના બની હતી. વર્ષ ૨૦૦૨માં ટોમી કોલ્ડવેલ, જ્હોન ડિકી, જેસન સ્મિથ અને બેથ રોડન (એ વખતે ગર્લફ્રેન્ડ) કિર્ગિસ્તાનના પહાડોમાં રોક ક્લાઈમ્બિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન અક્સુ વેલીમાં ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાનના આતંકવાદીઓએ તેમને બંદી બનાવી લીધા. આ દરમિયાન આતંકવાદીઓ અને કિર્ગિસ્તાનના લશ્કર વચ્ચે જોરદાર અથડામણ થઈ. આ અફડાતફડીમાં ચારેય ક્લાઈમ્બર સાથે ફક્ત એક જ આતંકવાદી રહ્યો. છેવટે છ દિવસની રઝળપાટથી ત્રાસેલા ટોમીએ ટોમી એક દિવસ લાગ જોઈને એ આતંકીને ખડકની ધાર પરથી ખાઈમાં ફેંકી દીધો, અને, ત્રણેય સાથીદારોને ૨૯ કિલોમીટરનું અંતર કાપીને સુરક્ષિત સ્થળે લઈ ગયો. જોકે, જંગલની બહાર નીકળ્યા પછી એક માણસની હત્યા કર્યાની લાગણીથી ટોમી અત્યંત દુઃખી થઇ ગયો, પરંતુ તેને એક દિવસ સમાચાર મળ્યા કે, જે આતંકવાદીને તેણે ધક્કો માર્યો હતો તે હજુ જીવિત છે. આ સમાચાર સાંભળીને સૌથી વધારે ખુશ ટોમી થયો હતો. 

19 January, 2015

નોન-રેસિડેન્ટ એલિયને પણ અમેરિકાને ટેક્સ ચૂકવવો પડશે?


૨૧મી સદીની શરૂઆતના પહેલા દાયકા સુધી 'મંગળ પર માણસ' વિષય સાયન્સ કરતા સાયન્સ ફિક્શનમાં વધારે સફળ રહ્યો. જોકે, અમેરિકન અવકાશ સંસ્થા નાસા નજીકના ભવિષ્યમાં આ મ્હેણું ભાંગે એવી પૂરેપૂરી શક્યતા છે. આજે ભારત જેવા વિકાસશીલ દેશો પણ મંગળ પર માનવ સહિતનું યાન મોકલવા તનતોડ મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ ઈસરોના અધ્યક્ષ કે. રાધાક્રિશ્નને એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, ઈસરો વર્ષ ૨૦૨૧ સુધીમાં હ્યુમન મિશન ટુ માર્સની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ તો મંગળ પર વનસ્પતિના બીજ મોકલીને ત્યાં જ નાનકડો છોડ વિકસાવવાના પ્રયોગો કરવાની પણ શરૂઆત કરી દીધી છે કારણ કે, મંગળની ધરતી પર છોડનો વિકાસ જેટલો સારી રીતે થશે એટલું ત્યાં માણસો માટે રહેવું સરળ હશે. થોડું કુતુહલ થાય એવી વાત તો એ છે કે, આ પ્રયોગોની સફળતા પછી અમેરિકા મંગળ પર માનવ વસાહતો સ્થાપવામાં સફળ થાય તો ત્યાંનું કરવેરાનું માળખું કેવું હશે, એ દિશામાં પણ અત્યંત ધીમી અને રસપ્રદ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

એક સમયે અશક્ય અને હાસ્યાસ્પદ લાગતા અનેક શોધ-સંશોધનો પછી થયેલા પરિવર્તનો આજે ખૂબ જ સહજ બની ગયા છે. એટલે એવું માનવાનું બિલકુલ કારણ નથી કે, આ તો બહુ દૂરની વાત છે. વિજ્ઞાનીઓની મંગળ ગ્રહની સમજમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. મંગળ પર વસાહતો સ્થાપવા માટે આર્થિક શક્તિ અને સંશોધનોની દૃષ્ટિએ સૌથી આગળ કોઈ દેશ હોય તે અમેરિકા છે. હાલમાં જ અમેરિકાએ મંગળ સુધી માણસોને પહોંચાડવા ડિઝાઈન કરેલા 'રોકેટ શિપ'નું ટેસ્ટિંગ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, હોલિવૂડની ફિલ્મોએ સર્જેલા ઉન્માદને પગલે અનેક લોકો ફક્ત વિજ્ઞાનીઓના પ્રયોગોમાં મદદરૂપ થવા સ્વૈચ્છિક રીતે મંગળ પર જવા તૈયાર છે. આ લોકો સારી રીતે જાણે છે કે, આ પ્રયોગોના ચક્કરમાં તેઓ મંગળ પરથી ક્યારેય પાછા ના આવે એવું પણ બની શકે છે!  એટલે અમેરિકન વિજ્ઞાનીઓ મંગળ પર માનવ વસાહતો સ્થાપવામાં સફળ થાય તો ત્યાં લોકો રહેવા જવા તૈયાર નહીં થાય એવું માનવાનું પણ કોઈ કારણ નથી. આ ઉપરાંત માણસ મંગળ પર સરળતાથી જીવી શકે એ માટે વિજ્ઞાનીઓ સતત પ્રયોગો કરી રહ્યા છે.

મંગળ પર માણસોની કોલોનીની કાલ્પનિક તસવીર

માણસજાતે આદિમાનવમાંથી 'માણસ' બનવા સુધીની સફરમાં અગ્નિ, પૈડું, ખેતી, સાટા પદ્ધતિ (ચલણના અભાવે પરરસ્પરની જરૂરિયાતો સંતોષવા માટે અસ્તિત્વમાં આવેલું આદાનપ્રદાન. જેમ કે, અનાજના બદલામાં શાકભાજી), ચલણ (કરન્સી) અને પ્લાસ્ટિક મની શોધવા માટે કરોડો વર્ષો ખર્ચી નાંખ્યા, પરંતુ મંગળવાસીઓએ આ માટે આટલા વર્ષોનો ભોગ નહીં આપવો પડે. અહીં રહેતા લોકો માટે અમેરિકા 'રેડીમેઇડ બજાર'ની સ્થાપના કરીને તેઓ ગુજરાન ચલાવી શકે એવી વ્યવસ્થા કરશે અને એ બજાર માટે કરવેરાનું માળખું પણ તૈયાર કરશે. અમેરિકા શરૂઆતના વર્ષોમાં મંગળ માટે નવું ચલણ રજૂ નહીં કરે, પણ ડોલરથી જ કામકાજ આગળ ધપાવશે. હાલ વિશ્વભરમાં ફેલાયેલા અમેરિકનોને વર્લ્ડવાઈડ સિસ્ટમ ઓફ ટેક્સેશન હેઠળ આવરી લેવાયા છે, પરંતુ એ પછી 'નોન-રેસિડન્ટ એલિયન'ને પણ આ કાયદા લાગુ પડશે.

અમેરિકન કોંગ્રેસે વર્ષ ૧૯૮૬માં જ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ અમેરિકને અવકાશી પ્રવૃત્તિથી કરેલી આવક અમેરિકામાંથી થયેલી જ ગણાશે અને તેના પર કરવેરો લાગશે. મંગળ પર માનવ વસાહતો સ્થાપ્યા પછી ત્યાં જન્મેલા લોકો એવી દલીલ પણ કરી શકે છે કે, અમે અમેરિકનો નહીં પણ નોન-રેસિડેન્ટ એલિયનો હોવાથી ફક્ત અમેરિકામાં કરેલી કમાણી પર જ કરવેરો ચૂકવવા બંધાયેલા છીએ, મંગળ પર કરેલી કમાણી પર નહીં. જોકે, અમેરિકાની ખંધી વિદેશનીતિ જોતા એવી થોડી પણ શક્યતા નથી કે, તેઓ નાસાના સંશોધનો તેમજ અમેરિકન નાગરિકોને મંગળ પર મોકલવા માટે કરેલા જંગી ખર્ચ પછી લાલ ગ્રહ પર આવી સ્થિતિ ઊભી થવા દે.

અમેરિકન કાયદો વિદેશમાં કમાયેલી એક લાખ ડોલર સુધીની આવકને કર માફી આપે છે. જો મંગળ વિદેશમાં ગણાઈ જાય તો કોઈ મુશ્કેલી જ નથી, પરંતુ અમેરિકા એવું થવા દે તો તેને મંગળની કુદરતી સંપત્તિથી ભરપૂર જમીન ગુમાવવી પડે. એટલે મંગળ એ વિદેશ નહીં પણ અમેરિકાનું જ 'પરગણું' ગણાશે અને ત્યાં રહેતા લોકો અમેરિકાને કાયદેસર રીતે કરવેરા ચૂકવવા બંધાયેલા હશે. આ ઉપરાંત મંગળ પર માનવ વસાહતો સ્થાપવા માટે શરૂઆતમાં હાઈલી સ્કિલ્ડ (મોટે ભાગે જુદા જુદા ક્ષેત્રના વિજ્ઞાનીઓ) લોકોને પસંદ કરાયા હશે, જે ત્યાં કામ કરીને ઓછામાં ઓછી એક લાખ ડોલરથી વધુ કમાણી કરતા હશે. આ સ્થિતિમાં મંગળવાસીઓને કર માફીની સુવિધા મળે એવી શક્યતા નહીવત છે. જોકે, મંગળ પર માનવ વસાહતો અને કરવેરાનું માળખું ઊભું કરવાનું અમેરિકાનું સપનું ત્યારે જ શક્ય બને, જ્યારે અમેરિકાને કોઈ મુશ્કેલી વિના મંગળની ધરતીની માલિકી મળી જાય.

૧૦મી ઓક્ટોબર, ૧૯૬૭ના રોજ થયેલી આઉટર સ્પેસ ટ્રિટી પ્રમાણે અમેરિકા કાયદેસર રીતે મંગળની ધરતી પર માલિકીનો દાવો ના કરી શકે. ૨૭મી જાન્યુઆરી, ૧૯૬૭ના રોજ અમેરિકા, યુ.કે. અને સોવિયેત યુનિયને સંયુક્ત રીતે આ સંધિ કરીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી, જેના પર મે ૨૦૧૩ સુધી એકસોથી પણ વધારે દેશો સહી કરી ચૂક્યા છે. આ સંધિ હેઠળ અવકાશમાં ચંદ્ર સહિતની કોઈ પણ અવકાશી મિલકતનો ઉપયોગ કરવાના કાયદા-કાનૂન બનાવવામાં આવ્યા છે. આમ, અમેરિકાને મંગળની જમીનની માલિકીને લગતો કોઈ વિવાદ સર્જાય તો અમેરિકાએ મંગળ પરનું કરવેરા માળખું વર્જિન આઈલેન્ડ્સ જેવી ટેરિટરીને ધ્યાનમાં રાખીને ઘડવું પડે એવી પણ શક્યતા છે. કેરિબિયનમાં આવેલા આ ટાપુઓ સામૂહિક રીતે વર્જિન આઈલેન્ડ તરીકે ઓળખાય છે, જે અમેરિકાનો જ હિસ્સો ગણાય છે. આ સિવાય પણ કેટલાક રસપ્રદ પ્રશ્નો છે. મંગળ ગ્રહનું એક વર્ષ ૬૮૬ દિવસનું છે, તો શું મંગળવાસી કરદાતાઓ માટે સ્થાનિક કેલેન્ડર લાગુ કરાશે કે પછી પૃથ્વીના કેલેન્ડર પ્રમાણે જ તેમને હિસાબ-કિતાબ રાખવાની મંજૂરી અપાશે?

જોકે, અત્યારે અમેરિકન સરકાર આ સવાલોની ખાસ ચિંતા કર્યા વિના મંગળ પર માનવ વસાહત ઊભી કરવાની દિશામાં ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૧૫ના પહેલાં અઠવાડિયે જ નાસાના વિજ્ઞાનીઓએ મંગળના પાતળા વાતાવરણમાં યાન ઉતારવા માટે હાયપરસોનિક ઈનફ્લેટેબલ એરોડાયનેમિક ડિસિલેરેટરનું ટેસ્ટિંગ કર્યું હતું. આ સાધનની મદદથી યાન મંગળની દક્ષિણે આવેલા મેદાનમાં ઉતરાણ કરશે. રોકેટની મદદથી મહાકાય યાનનું ચંદ્રની ધરતી પર ઉતરાણ શક્ય છે, પરંતુ મંગળના વાતાવરણમાં તે શક્ય નથી. એક વાર મંગળ પર પહોંચવાની ટેકનિકલ મુશ્કેલીઓનો અંત આવી જશે એ પછી 'મંગળ પર કરવેરા' જેવા જટિલ વિષયની ચર્ચા જોર પકડશે.

મંગળ પર ફૂલોના બીજ અને પૃથ્વીની હવા લઈ જવાશે!

નાસાએ 'માર્સ પ્લાન્ટ એક્સપિરિમેન્ટ' (એમપીએક્સ) પ્રોગ્રામ હેઠળ વર્ષ ૨૦૨૦માં મંગળ પર એરેબિડોપ્સિસ (કોબીજ અને રાઈ સાથે સંકળાયેલા નાનકડા ફૂલોના છોડ)ના બીજ મોકલવાની તૈયારી શરૂ કરી છે, જે વર્ષ ૨૦૨૧માં મંગળ પર પહોંચી જશે. આ બીજ મૂકવા માટે નાસા નાના અને સસ્તા ઉપગ્રહોમાં લગાડવામાં આવતા ક્યુબસેટ બોક્સનો ઉપયોગ કરશે. વર્ષ ૨૦૨૦માં મંગળ પર જનારા મંગળ યાનની બહારની સપાટી પર આ બોક્સ જોડી દેવામાં આવશે. આ બોક્સમાં એરેબિડોપ્સિસના ૨૦૦ બીજની સાથે પૃથ્વીની હવા પણ હશે. પ્લાન્ટ બાયોલોજીમાં સંરચના સમજવા આ છોડનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. યાન મંગળની સપાટીનો સ્પર્શ કરશે ત્યારે બીજને પાણી મળશે અને બે અઠવાડિયા સુધી તેનો ઉછેર કરાશે. વિજ્ઞાનીઓને આશા છે કે, આ છોડનો પંદરેક દિવસનો વિકાસ જોઈને જ ખ્યાલ આવી જશે કે, મંગળ પરના હાઈ રેડિયેશન અને ઓછા ગુરુત્વાકર્ષણની મુશ્કેલીઓ સામે કેવી રીતે બાથ ભીડવાની છે!

જોકે, વિજ્ઞાનીઓ જાણે છે કે, મંગળ પર શ્વાસ ના લઈ શકાય એટલી પાતળી હવા છે, કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ખૂબ ઊંચું છે અને સૂર્યના કારણે રેડિયેશન પણ જોખમકારક સ્તરે છે. વળી, અહીં સરેરાશ તાપમાન માઈનસ ૬૩ ડિગ્રી સેલ્સિયસ હોય છે. આ વાતાવરણમાં ખેતી કેવી રીતે શક્ય બનશે?, આ સવાલનો જવાબ પણ આ પ્રયોગમાંથી જ મળશે. કારણ કે, મંગળ પર એક કિલો ખાદ્યસામગ્રી પહોંચાડવાનો ખર્ચ ૨૩ હજાર ડોલર જેટલો આવશે. અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત હ્યુમન ટુ માર્સ સમિટ ૨૦૧૪માં એમપીએક્સના ડેપ્યુટી પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર હીથર સ્મિથે કહ્યું હતું કે, ''... મંગળ પર લાંબો સમય ટકી રહેવા માટે આપણે ત્યાં કમસેકમ છોડનો વિકાસ કરી શકવા સક્ષમ હોવા જોઈએ. મંગળ પર પહોંચવાનું આ પહેલું પગથિયું છે. અમે મંગળ બીજ મોકલીને તેનો વિકાસ જોવા માગીએ છીએ...''

એરેબિડોપ્સિસ પહેલો બહુકોષીય જીવ હશે જે પૃથ્વી સિવાયના ગ્રહ પર વિકસિત થશે, જીવન ગુજારશે અને ત્યાં જ મૃત્યુ પામશે.

નોંધઃ તસવીર ગૂગલ પરથી લીધી છે. 

ઉત્તર કોરિયાની સાયબર વોર ક્ષમતાના લેખાજોખા


સોની એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ઉત્તર કોરિયાના માથાફરેલ સરમુખત્યાર કિમ જોંગ ઉન કિમ જોંગ ઉનની ઠેકડી ઉડાવતી 'ધ ઈન્ટરવ્યૂ' નામની પોલિટિકલ કોમેડી ફિલ્મ બનાવી એ પછી તેના પર થયેલા સાયબર હુમલાના આઘાતમાંથી કંપનીના સંચાલકો હજુ પણ બહાર આવ્યા નથી. આ ફિલ્મ રિલીઝને પગલે ઉત્તર કોરિયાએ આતંકવાદી હુમલાની ધમકી આપી હોવાથી અમેરિકા સ્વાભાવિક રીતે જ સાયબર હુમલા માટે દોષનો ટોપલો ઉત્તર કોરિયા પર ઢોળે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, ટેક્નોલોજીની દૃષ્ટિએ સજ્જ એવી હાઈટેક સોની કંપની પર સાયબર હુમલો કરવાની ઉત્તર કોરિયા જેવા પછાત દેશ પાસે ક્ષમતા છે? આ સવાલોનો જવાબ મેળવતા પહેલાં એક ફિલ્મના કારણે કોઈ ફિલ્મી પ્લોટ જેવી સમગ્ર ઘટનાની ટૂંકમાં જાણકારી.

ફિલ્મ બનાવવા જતા 'ફિલમ' ઉતરી

'ધ ઈન્ટરવ્યૂ' ફિલ્મની વાર્તા સ્કાયલાર્ક નામના અમેરિકાના જાણીતા ટોક શોના હોસ્ટ ડેવ સ્કાયલાર્ક અને તેના પ્રોડયુસર એરન રેપોપોર્ટની આસપાસ ગૂંથાયેલી છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ આ બંનેની મદદથી કિમ જોંગ ઉનનો ઈન્ટરવ્યૂ લેવાના બહાને તેની હત્યાનું કાવતરું ઘડે છે. આ ફિલ્મથી ઉત્તર કોરિયા છંછેડાય છે અને અમેરિકાને ધમકી આપે છે કે, જો ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર કોલમ્બિયા પિક્ચર્સ રિલીઝ માટે થોડું પણ આગળ વધશે તો અમે તમારી સામે 'દયાહીન' પગલાં લઈશું. આ ધમકીથી ગભરાઈને સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ (કોલમ્બિયા પિક્ચર્સની પેરેન્ટ કંપની) નવેમ્બરમાં રિલીઝ થનારી 'ધ ઈન્ટરવ્યૂ'ની ડિસેમ્બર સુધી પાછી ઠેલે છે. આ દરમિયાન કંપની કિમ જોંગ ઉનની હાંસી ઉડાવતા અનેક દૃશ્યો પર કાતર ફેરવે છે.

‘ધ ઈન્ટરવ્યૂ’ના એક દૃશ્યમાં એરન રેપોપોર્ટ (સેઠ રોજન)
અને ડેવ સ્કાયલાર્ક (જેમ્સ ફ્રાન્કો)

આમ છતાં, નવેમ્બરમાં પોતાને 'ગાર્ડિયન ઓફ પીસ' તરીકે ઓળખાવતું એક હેકર જૂથ સોની પિક્ચર્સ એન્ટરટેઈન્મેન્ટની કમ્પ્યુટર સિસ્ટમ હેક કરીને કંપનીને કરોડોના ખાડામાં ઉતારી દે છે. નવેમ્બરના સાયબર હુમલા પછી છેક ૧૬મી ડિસેમ્બરે આ જૂથ ફરી ફરી એકવાર સાયબર હુમલો કરીને 'ધ ઈન્ટરવ્યૂ'ને સિનેમાઘરોમાં રિલીઝ કરાય તો આતંકવાદી હુમલાની ધમકી આપે છે. આ ધમકી પછી ૧૭મી ડિસેમ્બરે અમેરિકાના મોટા ભાગના સિનેમાઘરો સુરક્ષાના કારણોસર ફિલ્મ શો રદ્ કરે છે. છેવટે દબાણને વશ થઈને સોની કંપની ૨૪મી ડિસેમ્બરે પસંદગીના સિનેમાઘરોમાં અને ૨૫મી ડિસેમ્બરે ઓનલાઈન રેન્ટલ, પરચેઝ ધોરણે ફિલ્મ રિલીઝ કરે છે. જોકે, આ વિવાદો પછીયે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થાય છે. આમ, સોની માટે 'ધ ઈન્ટરવ્યૂ' ઐતિહાસિક રીતે 'મોંઘી' ફિલ્મ સાબિત થાય છે.

ઉત્તર કોરિયા પાસે સાયબર આર્મી?

'ધ ઈન્ટરવ્યૂ'ની રિલીઝ સામે સૌથી મોટો વાંધો ઉત્તર કોરિયાને હતો અને સોની પરના સાયબર હુમલાને તે  ખુલ્લેઆમ યોગ્ય ઠેરવે છે. બસ, આ કારણથી ઉત્તર કોરિયા પર શંકા થવી સ્વાભાવિક છે. જોકે, ઉત્તર કોરિયમાં મોટા ભાગના લોકોએ ઈન્ટરનેટ જોયું સુદ્ધાં નથી. દેશમાં લાખો લોકો ગરીબીમાં સબડે છે અને કુપોષણથી પીડાય છે. પરંતુ દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીઓનો દાવો છે કે, ઉત્તર કોરિયા પાસે વિશ્વના કોઈ દેશ પાસે ના હોય એવું સાયબર આર્મી છે. વર્ષ ૨૦૧૦માં દક્ષિણ કોરિયાની ઈન્ટેલિજન્સ એજન્સીએ ઉત્તર કોરિયાના વર્ષ ૨૦૦૯ના કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને સાબિત કર્યું હતું કે, ઉત્તર કોરિયા પાસે બેથી ત્રણ હજાર જેટલા પ્રોફેશનલ હેકર છે. આ હેકરોને હાઈટેક કમ્પ્યુટર સ્કૂલમાં તાલીમ અપાય છે. આ સાયબર આર્મીનો મુખ્ય હેતુ દક્ષિણ કોરિયા પર સાયબર હુમલા કરવાનો હોય છે. તેઓ દક્ષિણ કોરિયા પર સતત સાયબર હુમલાની પ્રેક્ટિસ કરીને હેકિંગ કૌશલ્યની ધાર કાઢતા રહે છે, જેમાંના કેટલાક હેકરો ચીનમાં પણ કાર્યરત છે. છેલ્લાં બે દાયકામાં આ હેકરોએ છેતરામણાં માલવેર વિકસાવવામાં પણ મહારથ હાંસલ કરી  લીધી છે.

કિમ જોંગ ઉન સાયબર આર્મીના અધિકારીઓ સાથે?

ઉત્તર કોરિયાની સરમુખત્યારશાહીના અનેક વિરોધીઓ દક્ષિણ કોરિયા ભાગી જવામાં સફળ થયા છે, જેમાંના એક પ્રોફેસર કિમ હ્યુન્ગ કવાન્ગ પણ છે. પ્રો. કવાન્ગે  દક્ષિણ કોરિયામાં રહેતા ઉત્તર કોરિયનો માટે ઓક્ટોબર ૨૦૦૮માં નોર્થ કોરિયા ઈન્ટલેક્ચ્યુઅલ્સ સોલિડારિટી નામના જૂથની રચના કરી છે. પ્રો. કવાન્ગ ઉત્તર કોરિયાની પ્યોંગયાંગ કમ્પ્યુટર ટેક્નોલોજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર ટેક્નોલોજીની તાલીમ આપતા હતા.  સોની પરના સાયબર હુમલા બાદ પ્રો. કવાન્ગે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૦૩માં ઉત્તર કોરિયાથી ભાગીને દક્ષિણ કોરિયા પહોંચ્યો એ પહેલાં મેં ત્યાંના ઔદ્યોગિક શહેર હેમહંગની યુનિવર્સિટીમાં બે દાયકા સુધી વિદ્યાર્થીઓને હેકિંગની તાલીમ આપી હતી. આ દરમિયાન અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને વધુ તાલીમ માટે ચીન અને રશિયા પણ મોકલાતા હતા. વર્ષ ૨૦૦૯માં ઉત્તર કોરિયાના સ્વ. વડા કિમ જોંગ ઈલે દેશના 'સાયબર કમાન્ડ'ની ક્ષમતા ત્રણ હજાર કરવાનો હુકમ કર્યો હતો.

અમેરિકા અને દક્ષિણ કોરિયાની ઈન્ટેલિજન્સ એજન્સીઓ માને છે કે, ઉત્તર કોરિયા આક્રમક રીતે પોતાની  સાયબર વોર ક્ષમતા વધારી રહ્યું છે કારણ કે, ન્યુક્લિયર બોમ્બની સરખામણીએ માલવેર બનાવવા સસ્તા  છે. માલવેર બનાવવામાં સમય પણ ઓછો લાગે છે. સાયબર હુમલા કરવામાં ઓળખ છતી થઈ જવાની સંભાવના પણ નહીવત હોય છે. વળી, પાકિસ્તાનનું એકમાત્ર લક્ષ્યાંક જેમ ભારત હોય છે એમ ઉત્તર કોરિયાની યુદ્ધ નીતિના કેન્દ્રસ્થાને દક્ષિણ કોરિયા હોય છે. વિશ્વના સૌથી હાઈટેક દેશોમાંના એક દક્ષિણ કોરિયાનું આઈટી નેટવર્ક વિશાળ છે, જ્યારે પછાત ઉત્તર કોરિયામાં ગણ્યા ગાંઠયા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાથી ઉત્તર કોરિયાએ સાયબર યુદ્ધમાં કશું ગુમાવવાનું નથી.

શંકા કરવામાં પણ શંકા-કુશંકા

આ સાયબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ હોવાના મજબૂત ટેકનિકલ કારણો પણ છે. સોની પર જે પ્રકારના માલવેર (કમ્પ્યુટરને નુકસાન કરતા અને હેકરોને કમ્પ્યુટરનો કન્ટ્રોલ મળી જાય એવા છેતરામણા કોડ)થી સાયબર હુમલો કરાયો હતો એવા જ કોડનો ઉપયોગ ઉત્તર કોરિયા આ પહેલાં પણ કરી ચૂક્યું છે. સોની પરના સાયબર હુમલામાં જે માલવેરનો ઉપયોગ કરાયો છે તેનું એન્ક્રિપ્શન અલગોરિધમ, ડેટા ડિલિશન મેથડ અને કોમ્પ્રોમાઈઝ્ડ નેટવર્ક પણ પહેલાંના માલવેર જેવા જ છે. આ માલવેર વિકસાવવા કોરિયન ભાષાનો જ ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત એફબીઆઈની સાયબર વિંગે ટ્રેક કરેલા ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસ પણ ઉત્તર કોરિયા સાથે સંકળાયેલા છે. દક્ષિણ કોરિયા પર જુલાઈ ૨૦૦૯થી માર્ચ ૨૦૧૩ સુધી અનેક મોટા સાયબર હુમલા થયા છે, જેમાં 'ભૂતિયા' કમ્પ્યુટરની મદદથી સરકારી વેબસાઈટો પર ટ્રાફિક સર્જીને કમ્પ્યુટર સિસ્ટમ લકવાગ્રસ્ત કરી દેવી, બેંકિંગ સિસ્ટમ ખોરવી નાંખવી અને અખબારોની વેબસાઈટો પરથી એડિટોરિયલ ડેટા ડિલિટ કરી દેવા જેવા હુમલા સામેલ છે.

સોનીની વેબસાઈટ પર ‘ગાર્ડિયન ઓફ પીસ’નો ચેતવણી આપતો સંદેશ

ઉત્તર કોરિયાના દોરીસંચારની શક્યતા ધરાવતા આ સાયબર હુમલાની ડિજિટલ પેટર્ન પણ સોની પરના  સાયબર હુમલાને મળતી આવે છે. આમ છતાં, અમેરિકાના અનેક સાયબર સિક્યોરિટી નિષ્ણાતો સોની પરના સાયબર હુમલા માટે ઉતાવળે ઉત્તર કોરિયાને જવાબદાર ઠેરવવા બદલ અમેરિકન સરકારની ટીકા કરે છે. કારણ કે, આ પ્રકારના માલવેરને કોઈ પણ વ્યક્તિ કે જૂથ ખરીદી શકે છે. એવી જ રીતે, હેકરો ઉત્તર કોરિયાના આઈપીનો ઉપયોગ કરીને પણ હુમલો કરી જ શકે છે. આ સાયબર હુમલાનો ઘટનાક્રમ પણ શંકાસ્પદ છે. હેકરોએ સોનીને પહેલો ઈ-મેઈલ કરીને પૈસાની વાત કરી હતી પણ 'ધ ઈન્ટરવ્યૂ'નો ઉલ્લેખ સુદ્ધાં નહોતો કર્યો. અમેરિકન મીડિયામાં 'ધ ઈન્ટરવ્યૂ' અને હેકિંગ વચ્ચે કોઈ સંબંધ હોવાની વાત ચગી એ પછી હેકરોએ ફિલ્મ મુદ્દે ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. આ ઈ-મેઈલ પણ સારું અંગ્રેજી જાણતી વ્યક્તિએ અંગ્રેજી કાચું હોવાનો ઢોંગ કરાતો હોય એવી રીતે લખ્યા છે. આ કારણોસર અમેરિકાના અનેક સાયબર સિક્યોરિટી નિષ્ણાતોએ સાયબર હુમલા પાછળ સોનીના જ કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી હોવાની થિયરી રજૂ કરી છે!

ઉત્તર કોરિયા પર શંકા નહીં કરવાનું વધુ એક કારણ સોની પરના સાયબર હુમલાનો ઈતિહાસ છે. સાયબર હુમલાની દુનિયામાં સોની કંપની હેકરોની સોફ્ટ ટાર્ગેટ છે. સોનીના પ્લે સ્ટેશન પર વારંવાર સાયબર હુમલા થાય છે. વર્ષ ૨૦૦૦માં સોનીએ લાખો મ્યુઝિક સીડીમાં એવી કારીગરી કરી હતી કે, યુઝર્સ જેવી કમ્પ્યુટરમાં સીડી નાંખે કે તુરંત જ તેની જાણ બહાર એક સોફ્ટવેટ કમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ થઈ જાય. આ પાછળ સોનીનો હેતુ યુઝર્સ મ્યુઝિક આલબમની ગેરકાયદે કોપી ના કરે એ હતો. જોકે, આ વાતથી ગુસ્સે થઈને કેટલાક હેકરોએ વર્ષ ૨૦૦૭ સુધી સોની પર જોરદાર સાયબર હુમલા કર્યા હતા.

ખેર, અમેરિકા કે દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા સામે હજુ સુધી ઠોસ પુરાવા ભેગા કરી શક્યું નહીં હોવા છતાં આ શંકાઓને સિફતપૂર્વક ભૂલી જાય છે. જોકે, કમ્પ્યુટર સિસ્ટમ પર મહત્તમ આધાર રાખતા આ બંને દેશોે છેલ્લાં વર્ષોના અનુભવમાંથી બોધપાઠ લઈને સાયબર આતંક સામે ટકી રહેવાની ગંભીરતા સારી રીતે સમજી ચૂક્યા છે.

સાયબર ગુંડાગીરી કે ક્રિયેટિવ ગુંડાગીરી?

'ગાર્ડિયન ઓફ પીસ' હેકર જૂથે ૨૪મી નવેમ્બરે સોની પિક્ચર્સની તમામ કંપનીઓના કર્મચારીઓ-અધિકારીઓની અંગત માહિતી, ઉચ્ચ અધિકારીઓએ એકબીજાને કરેલા ઈ-મેઈલ, તમામ એક્ઝિક્યુટિવના પગારના ધોરણો અને અન્ય લાભો તેમજ સોની ફિલ્મ્સની રિલીઝ ના થઈ હોય એવી ફિલ્મો ચોરી લીધી હતી. આ સાયબર હુમલાને અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ 'એક્ટ ઓફ વોર' નહીં પણ 'સાયબર વેન્ડલિઝમ' ગણાવ્યું હતું. એટલે ઓબામાના મતે, આ કોઈ મોટા સાયબર યુદ્ધની શરૂઆત નહીં પણ ફક્ત સાયબર ગુંડાગીરી હતી. આ દરમિયાન સોનીએ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેતા અમેરિકન મીડિયા અને હોલિવૂડ સેલિબ્રિટીએ રાઈટ ટુ ફ્રી સ્પિચ અને રાઈટ ટુ ક્રિયેટિવ એક્સપ્રેશનનો હવાલો આપીને કંપનીની ટીકા કરી હતી. જોકે, કોઈ દેશના વડાની ઠેકડી ઉડાવતી અને તેની હત્યાનું કાવતરું સફળ થાય એવી વાર્તા ધરાવતી ફિલ્મ માટે રાઈટ ટુ ક્રિયેટિવ એક્સપ્રેશનની દુહાઈ આપવી કેટલી યોગ્ય છે? શું આ ક્રિયેટિવિટીના નામે ગુંડાગીરી નથી? ઉત્તર કોરિયા, ઈરાન કે ચીન અમેરિકન પ્રમુખની હત્યાનું કાવતરું પાર પડે એવી વાર્તા ધરાવતી ફિલ્મ બનાવે તો અમેરિકા સહન કરી શકશેજોકે, 'સમરથ કો નહીં દોષ ગુંસાઈ'ના ન્યાયે અમેરિકાએ આવા સવાલોના જવાબો ભાગ્યે જ આપવાના હોય છે. 

07 January, 2015

આતંકવાદના ચક્રવ્યૂહમાં ફસાયેલું પાકિસ્તાન


પાકિસ્તાનના પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલમાં તહેરિક એ તાલિબાન-પાકિસ્તાને ૧૩૨ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા ના હોત તો પાકિસ્તાને ઝાકી ઉર રહેમાન લખવીને વધુ ત્રણ મહિના જેલમાં મોકલ્યો હોત? શું લખવીના જામીનનો ભારતે પ્રચંડ વિરોધ કર્યો એટલે પાકિસ્તાને લખવી પર રાતોરાત નવો કેસ કરીને તેને જેલમાં મોકલવાની હિંમત કરી હતી? પેશાવરની સ્કૂલના હત્યાકાંડ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે, અમે જાહેર કરીએ છીએ કે સારા અને ખરાબ તાલિબાનો જેવું કશું હોતું નથી. અમે છેલ્લો આતંકવાદી મરશે નહીં ત્યાં સુધી આતંકવાદ સામેની લડાઈ ચાલુ રાખીશું. શું પાકિસ્તાનને રાતોરાત આતંકવાદ એ આતંકવાદ છે એવું જ્ઞાન થઈ ગયું છે? કદાચ નવાઝ શરીફ આતંકવાદનો ખાત્મો ઈચ્છે એમ માની લઈએ તો પણ શું પાકિસ્તાન સરકાર આતંકવાદ સામેની લડાઈ પૂરા જોશથી શરૂ કરી શકશે? શું પાકિસ્તાન ભારતને લાભ થાય એવી આતંકવાદ સામેની ખરી લડાઈ શરૂ કરી શકે? આવા તમામ અઘરા સવાલોનો સીધોસાદો જવાબ છે, ના.

આ સવાલોના જવાબો શોધવા જરા ઊંડે ઉતરીએ. તહેરિક એ તાલિબાન-પાકિસ્તાન અફઘાનિસ્તાનની ઉત્તર-પશ્ચિમ સરહદે અર્ધ-સ્વાયત્ત આદિવાસી વિસ્તારોમાં મજબૂત બેઝ ધરાવે છે. આ જૂથનો મુખ્ય હેતુ પાકિસ્તાનમાં શરિયત કાનૂન લાગુ કરવાનો, પાકિસ્તાન સરકારનો સહકાર ના મળે તો તમામ હથકંડા અજમાવીને સરકારનો પ્રતિકાર કરતા રહેવાનો તેમજ તાલિબાની જૂથો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી રહેલા પાકિસ્તાન-નાટોના લશ્કર સામે લડતા રહેવાનો છે. તહેરિક એ તાલિબાન-પાકિસ્તાનના પ્રવક્તા મુહમ્મદ ઓમર ખોરાસાનીએ પેશાવર સ્કૂલના હત્યાકાંડની જવાબદારી સ્વીકારીને કહ્યું હતું કે, ''પાકિસ્તાની લશ્કરે વર્ષ ૨૦૧૪માં ઉત્તર વજિરિસ્તાનમાં તાલિબાનો વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન 'ઝર્બ એ અઝ્બ' (શાર્પ એન્ડ કટિંગ એટેક્સ)નો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે સ્કૂલને નિશાન બનાવી છે કારણ કે, લશ્કર પણ અમારા પરિવારોને નિશાન બનાવે છે. અમે ઈચ્છીએ છીએ કે, તેઓ પણ અમારા જેવું દુઃખ અનુભવે...''

ઝાકી ઉર રહેમાન લખવી (વચ્ચે) અને હિઝ્બ ઉલ મુજાહિદ્દીનનો
વડો (જમણે) સૈયદ સલાહુદ્દીન

આ નિવેદન પછી જ નવાઝ શરીફે 'સારા અને ખરાબ તાલિબાન'વાળું નિવેદન કરવું પડયું હતું. કારણ કે, ઓપરેશન ઝર્બ એ અઝ્બના ઘણાં સમય પહેલાં સુધી પાકિસ્તાનમાં રાજકીય, લશ્કરી અને પ્રજાકીય વર્તુળમાં તાલિબાનો સામે વ્યાપક પ્રમાણમાં સહાનુભૂતિ હતી. પાકિસ્તાનનો સરેરાશ નાગરિક માનતો હતો કે, કાશ્મીરની આઝાદી માટે લડનારા તેમજ અમેરિકા જેવા દેશોના લશ્કરો સામે લડતા તાલિબાનો સારા, પણ પાકિસ્તાનમાં હુમલા કરતા તાલિબાનો ખરાબ. જોકે, મે ૨૦૧૧માં અમેરિકાએ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેનનો ખાત્મો કર્યા પછી તાલિબાનોએ પાકિસ્તાનની પણ શેહશરમ રાખવાનું છોડી દીધું હતું. લાદેનના મોતના ઘણાં સમય પહેલાથી અમેરિકાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન માટે પાકિસ્તાન પર ધોંસ વધારી હતી, જે આજે પણ યથાવત્ છે. આ સ્થિતિમાં અમેરિકા તરફથી મળતી આર્થિક મદદની લાલચે પણ પાકિસ્તાને તાલિબાની જૂથો પર હુમલો નહીં કરવાની 'ગોઠવણ' અશક્ય બની ગઈ છે.

ભારતમાં આતંકવાદની 'નિકાસ' બેરોકટોક ચાલુ રાખવા પાકિસ્તાનને અમેરિકા સાથે સીધેસીધી દુશ્મની પોસાય એમ નથી. પાકિસ્તાને દેખાડા ખાતર પણ અમેરિકા અને નાટોના લશ્કરને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી જૂથો વિરુદ્ધની લશ્કરી કાર્યવાહીમાં સાથ આપવો પડે છે. આ સંજોગોમાં આતંકવાદી જૂથો પાકિસ્તાન સરકારને ભીંસમાં લેવા સતત હુમલા કર્યા કરે છે. છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા રોજિંદી ઘટના બની ગઈ છે, જેનાથી પાકિસ્તાન સરકાર અને લશ્કર પણ ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે, આઠમી જૂન, ૨૦૧૪ના રોજ દસ આતંકવાદીઓએ કરાચીના ઝીણા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓટોમેટિક વેપન, રોકેટ લોન્ચર, સુસાઈડ વેસ્ટ અને ગ્રેનેડ જેવા હથિયારોથી કરેલો હુમલો આતંકવાદી જૂથો માટે ઘાતક સાબિત થયો. આ ઘટનામાં ૩૬ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન ચળવળમાં સંકળાયેલા મૂળ ઉઝબેક આતંકવાદીઓએ કર્યો હતો, જે તમામ તહેરિક એ તાલિબાનના સભ્યો હતા. તહેરિક એ તાલિબાને આ હુમલાની સત્તાવાર જવાબદારી પણ સ્વીકારી હતી.

આ હુમલાના અઠવાડિયા પછી ૧૫મી જૂન, ૨૦૧૪ના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદે ઉત્તર વજિરિસ્તાનમાં (અર્ધ સ્વાયત્ત આદિવાસી વિસ્તારનો હિસ્સો) ઓપરેશન ઝર્બ એ અઝ્બ હેઠળ આક્રમક હવાઈ હુમલા કરીને તહેરિક એ તાલિબાન-પાકિસ્તાન, લશ્કર એ જ્હાંગ્વી, જુન્દુલ્લાહ, અલ કાયદા, ઈસ્ટ તુર્કમેનિસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ, ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન અને હક્કાની નેટવર્કના ૧૦૫ આતંકવાદીઓનો સફાયો કરી નાંખ્યો હતો. પાકિસ્તાનની વિવિધ લશ્કરી પાંખના ૩૦ હજાર સૈનિકોથી શરૂ કરાયેલા ઝર્બ એ અઝ્બ ઓપરેશનનો મુખ્ય હેતુ ઉત્તર વજિરિસ્તાનના તમામ વિદેશી અને પાકિસ્તાની આતંકવાદી જૂથોનો સફાયો કરવાનો છે. આ ઓપરેશનને પાકિસ્તાનના રાજકીય, લશ્કરી અને પ્રજાકીય વર્તુળોમાંથી જોરદાર આવકાર મળ્યો હતો. પાકિસ્તાનના બે સૌથી મોટા અને મજબૂત ધામક સંગઠન ઓલ પાકિસ્તાન ઉલેમા કાઉન્સિલ અને કાઉન્સિલ ઓફ ઈસ્લામિક આઈડિયોલોજીએ પણ આતંકવાદ વિરુદ્ધ જેહાદનો ફતવો બહાર પાડયો છે. પાકિસ્તાની લશ્કર દાવા પ્રમાણે, આ ઓપરેશન હેઠળ ઉત્તર વજિરિસ્તાનમાંથી ૯૦ ટકા આતંકવાદીઓનો સફાયો કરી દેવાયો છે. આ ઓપરેશનના વિરોધમાં જ તહેરિક એ તાલિબાને પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કર્યો હતો.

પાકિસ્તાને ભારતની બરબાદી માટે ઊભા કરેલા આતંકવાદી જૂથો આજે તેના જ માટે કેવી રીતે માથાનો દુઃખાવો બની ગયા છે એનું આ નાનકડું ઉદાહરણ છે. ઓપરેશન ઝર્બ એ અઝ્બને પાકિસ્તાનમાં વ્યાપક પ્રતિસાદ મળવાનું કારણ પાકિસ્તાનની ધરતી પર સતત થઈ રહેલા હુમલા છે. આ હુમલામાં સામાન્ય નાગરિકોથી લઈને સૈનિકોના મોત થતા રહે છે. પેશાવર સ્કૂલ પરના હુમલા પછી નવાઝ શરીફે સારા કે ખરાબ આતંકવાદી વચ્ચે કોઈ ભેદ ના હોય એમ નહીં, પણ સારા કે ખરાબ તાલિબાન વચ્ચે કોઈ ભેદભાવ નહીં હોવાની વાત કરી હતી. પાકિસ્તાન માટે ઝાકી ઉર રહેમાન લખવી આજે પણ સારો આતંકવાદી જ છે કારણ કે, લખવી તો લશ્કર એ તૈયબાનો આતંકવાદી છે અને પાકિસ્તાનમાં બેઠા બેઠા કાશ્મીરની આઝાદી માટે ચળવળ કરતો 'લડવૈયો' છે. લશ્કર એ તૈયબાનો મુખ્ય હેતુ જ કાશ્મીરને ભારત પાસેથી 'આઝાદ' કરાવવાનો છે. આ જૂથ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પાકિસ્તાની લશ્કરની મદદથી બેરોકટોક તાલીમ કેમ્પ ચલાવી શકે છે. લશ્કર એ તૈયબા સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક શાસન સ્થાપવાનો લાંબા ગાળાનો હેતુ પણ ધરાવે છે.

ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા, યુરોપિયન યુનિયન, યુ.કે. અને પાકિસ્તાને પણ લશ્કર એ તૈયબા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ પ્રતિબંધ પણ પાકિસ્તાને દેખાડા ખાતર મૂકવો પડયો છે. ભારત અને અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોના મતે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ લશ્કર એ તૈયબાને તમામ મદદ કરે છે. લખવીએ મુંબઈ હુમલામાં ભાગ લેવા બદલ પાકિસ્તાનસ્થિત અજમલ કસાબના પરિવારને ખુલ્લેઆમ રૂ. દોઢ લાખ ચૂકવ્યા હતા. મુંબઈ હુમલા બાદ જીવિત પકડાયેલા કસાબની ઓન-રેકોર્ડ કબૂલાતો પછી પાકિસ્તાન સરકાર ભારે ભીંસમાં આવી હતી. બીજી તરફ, લશ્કર એ તૈયબા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાકિસ્તાન પર અમેરિકાનું ભારે દબાણ હતું. પરિણામે સાતમી ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ પાકિસ્તાને મુઝફ્ફરાબાદ નજીક પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં લશ્કર એ તૈયબાના તાલીમ કેમ્પ પર દરોડા પાડીને લખવી સહિત ૧૨ આતંકવાદીની ધરપકડ કરી હતી. જોકે, પાકિસ્તાન સરકારે પોતાના કોઈ પણ નાગરિકને ભારતને સોંપવાની ઘસીને ના પાડતા કહ્યું હતું કે, મુંબઈ હુમલામાં સામેલ લોકો સામે પાકિસ્તાન જ કાર્યવાહી કરાશે. છેવટે ૨૫મી નવેમ્બર, ૨૦૦૯ના રોજ પાકિસ્તાની એન્ટિ-ટેરરિઝમ કોર્ટે મુંબઈ હુમલાના કાવતરામાં સામેલ લખવી સહિત કુલ સાત લોકો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી પરંતુ આ બધું જ ફક્ત દેખાડા ખાતર હતું એ ખૂબ ઝડપથી સાબિત થઈ ગયું.

કારણ કે, રાવલપિંડી મધ્યસ્થ જેલમાં લખવી માટે ખાસ લક્ઝુરિયસ સેલ ઊભો કરાયો હતો. અહીં તેના માટે ટેલિવિઝન અને અખબારોની પણ સુવિધા હતી. આ જેલમાંથી લખવી ઈચ્છે ત્યારે પોતાના પરિવારજનો અને મિત્રોને મળવા બહાર જઈ શકતો. એવી જ રીતે, કોઈ પણ વ્યક્તિ લખવીને બેરોકટોક મળવા પણ આવી શકતી, જેમાં અનેક લોકો આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હતા. એવું પણ કહેવાય છે કે, તેઓ લખવી પાસે આતંકવાદી પ્રવૃત્તિને લગતા સલાહસૂચન લેવા પણ આવતા હતા. લખવી જેલમાં હતો ત્યારે એક બાળકનો બાપ પણ બન્યો હતો. છેવટે છ વર્ષ પછી ૧૮મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ પાકિસ્તાનની એન્ટિ-ટેરરઝિમ કોર્ટે મુંબઈ હુમલામાં લખવીની સામેલગીરીના પુરાવાના અભાવે તેને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો. આ ચુકાદાના બે દિવસ પહેલાં જ પેશાવરની સ્કૂલ પર હુમલાનો બનાવ બન્યો હોવાથી પાકિસ્તાને મજબૂરીમાં લખવીને ફરી એકવાર જેલમાં મોકલવો પડયો છે. હાલ, લખવી પાકિસ્તાન સરકારની કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહ્યો હશે કે પહેલાંની જેમ જેલમાં બેઠા બેઠા જલસા કરતો હશે? કદાચ લખવીને હવે જલસા નહીં હોય, એવી શંકા કરવી પણ કેટલી યોગ્ય છે?

ખેર, પાકિસ્તાનના આતંકવાદ સામેના યુદ્ધના ધોરણો બેવડા હોવાથી ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સહેલાઈથી અંત આવે એ શક્ય જ નથી. પાકિસ્તાનના રાજકીય પક્ષોએ સત્તામાં ટકી રહેવા માટે કાશ્મીર મુદ્દો સળગતો રાખવો પડે છે. લખવી તો એક પ્યાદું માત્ર છે, જે પાકિસ્તાનની ભારત સામે આતંકવાદના માર્ગે લડતા રહેવાની વ્યૂહનીતિમાં ભેરવાઈ ગયું છે. આજે પણ પાકિસ્તાને ઉછરેલા આવા હજારો લખવીઓ પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ સક્રિય છે, જેમની સામે લશ્કરી કાર્યવાહી કરવામાં આવે તો તેઓ પણ તહેરિક એ તાલિબાન જેવો હત્યાકાંડ સર્જી શકે છે. નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન આતંકના આ ચક્રવ્યૂહમાંથી બહાર આવે એવી કોઈ શક્યતા નથી.