23 October, 2016

ભૂખ એટલે નસોમાં બળેલા લોહીની વરાળ


ભૂખ તો બધાને લાગે છે. પશુઓ, પક્ષીઓ, જળચરો અને વૃક્ષોને પણ ભૂખ લાગે છે પણ ભૂખનો 'સ્વાદ' બહુ ઓછા લોકોને ખબર હોય છે. ભૂખનો સ્વાદ એટલે શું?

ભૂખ રોજેરોજ કરોડો લોકોને મળવા આવે છે પણ બહુ ઓછા લોકો તેને રોટીથી ભગાડે છે, ભગાડી શકે છે. દુનિયામાં લાખો લોકો એવા પણ છે, જેમની પાસે ભૂખને મારવા રોટી નથી. આ એવા લોકો છે જે ભૂખ્યા રહીને ભૂખને મારે છે, ભૂખનો શિકાર કરે છે. જોકે, ભૂખનો શિકાર કરવામાં તેમને વારંવાર સફળતા નથી મળતી. એક દિવસ ભૂખ આવે છે, બિલ્લી પગે, અને ખુદ શિકારીનો જ શિકાર કરીને જતી રહે છે, બિલ્લી પગે. આ એવા કમનસીબો હોય છે, જેમને ભૂખે બરાબર સ્વાદ ચખાડ્યો હોય છે. ભૂખનો સ્વાદ એટલે મોતનો સ્વાદ. એટલી બધી ભૂખ કે પછી ક્યારેય ભૂખ આવવાને લાયક જ નથી રહેતી. ભૂખ જ્યાં આવે છે એ શરીરનું જ અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય છે.

ભૂખ લાગે ત્યારે જેમની પાસે તૈયાર ટિફિન હોય છે, ભાવતું ભોજન રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરવાની કે ઘરે મમ્મી-પત્ની પાસે ભાવતું ભોજન બનાવડાવવાની ચોઈસ હોય છે, એ લોકો નસીબદાર છે. આપણા જેવા કરોડો લોકોને ભૂખનો અસલી સ્વાદ ખબર નથી પણ આપણે ભૂખ એટલે શું એ સમજી જરૂર શકીએ.

*** 
  
દુનિયામાં સૌથી વધારે અનાજ અને દૂધનું ઉત્પાદન કરતા ભારતમાં દર વર્ષે અનેક લોકો ભૂખ અને કુપોષણથી મરી જાય છે. અમેરિકાની ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટ દર વર્ષે કયા દેશમાં કેટલા લોકો ભૂખે મરે છે અને કુપોષણથી કમોતે મરે છે એના આંકડા જાહેર કરે છે. જેમ વિવિધ દેશના જીડીપી, માથાદીઠ આવક અને ફુગાવાના આંકડા હોય છે એવી જ રીતે, ભૂખના પણ આંકડા હોય છે. આ આંકડા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જીએચઆઈ) તરીકે ઓળખાય છે.





આ વર્ષે જાહેર કરાયેલા જીએચઆઈ પ્રમાણે, સૌથી વધારે ભૂખે મરતા ૧૧૮ દેશમાં ભારતને ૯૭મું સ્થાન મળ્યું છે. જોકે, જીએચઆઈમાં ક્રમનું નહીં, પણ વસતીના પ્રમાણમાં કયા દેશમાં કેટલા ટકા લોકો વધારે ભૂખ અને કુપોષણથી પીડાય છે એનું મહત્ત્વ વધારે હોય છે. જીએચઆઈમાં ભારતનું સ્થાન આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત નાઇજર, ચાડ, ઇથિઓપિયા, સિયેરા લિયોન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશો સાથે છે. ભારતનો જીએચઆઈ સ્કોર (ટકા નહીં) આ બધા દેશો જેવો જ છે. જેમ કે, વર્ષ ૨૦૧૬માં ભારતનો જીએચઆઈ સ્કોર ૨૮.૫ છે, જ્યારે પાકિસ્તાનનો ૩૩.૪ ટકા છે. એટલે કે ભારત કરતા પાકિસ્તાનમાં વધારે લોકો ભૂખમરા અને કુપોષણથી પીડાય છે. પાડોશી દેશોમાં ભારતની સ્થિતિ એકમાત્ર પાકિસ્તાન કરતા સારી છે. રાષ્ટ્રવાદીઓ માટે આ 'આનંદના' સમાચાર છે. ખેર, એ સિવાય બાંગ્લાદેશ (૨૭.૧), શ્રીલંકા (૨૫.૫), મ્યાંમાર (૨૨), નેપાળ (૨૧.૯) અને ચીન (૭.૭) વગેરે દેશોના બાળકોની સ્થિતિ ભારત જેટલી બદતર નથી. રાષ્ટ્રવાદીઓ માટે આ 'આંખ આડા કાન કરવા' જેવા સમાચાર છે.

ભારત મોટો દેશ છે એટલે તેના હાલ ખસ્તા છે એવી દલીલો આપણી પલાયનવાદી માનસિકતાની નિશાની છે. ભારતની વસતી વધારે છે એટલે વધારે લોકો ભૂખે મરે છે કે કુપોષણથી પીડાય એ વાત સાચીપરંતુ વસતી તો ચીનમાં પણ વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રાજકીય વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓ ભારતની સરખામણી ચીન સાથે કરે છે કારણ કેઆ બંને દેશ લગભગ સરખી મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે. હવે ચીનના આંકડા જુઓ. ચીનનો જીએચઆઈ સ્કોર ફક્ત ૭.૯ છેજ્યારે ભારતનો ૨૮.૫ ટકા. ભારતની કુલ વસતીના ૧૫.૨ ટકા લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છેજ્યારે ચીનમાં ફક્ત ૮.૮ ટકા. એવી જ રીતેભારતમાં કુપોષિત માતાના કારણે જન્મથી જ કુપોષણનો કાયમી ભોગ બનેલા બાળકો ૩૮.૭ ટકા છેજ્યારે ચીનમાં આ આંકડો ૮.૧ ટકા છે. ભારતમાં ગર્ભવતીઓને પોષણયુક્ત ભોજન નહીં મળતું હોવાથી આ આંકડો આટલો ઊંચો છે. 

ચીનમાં પણ વસતી વધારાની મુશ્કેલી છે પણ ચીને દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ સામે લડવા જડબેસલાક યોજનાઓ બનાવી છે. ભારતમાં પણ ભૂખમરા અને કુપોષણ સામે લડવા વિશ્વની સૌથી મોટી યોજનાઓ ચાલે છે, મધ્યાહ્ન ભોજન અને આંગણવાડી. જોકે, આ પ્રકારની યોજનાઓમાં પણ બાળકોના હિસ્સાનું ઘણું બધું ભોજન નાના-મોટા રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ જ હજમ કરી જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં અનેક લોકો આ યોજનાઓમાંથી જ તગડા થયા છે, આર્થિક અને શારીરિક એમ બંને અર્થમાં.

એવું પણ નથી કે, ભારતમાં અન્નનું ઉત્પાદન ઓછું થાય છે. દેશમાં ૧૨૫ કરોડ લોકોને બે ટંક ભોજન આપી શકાય એનાથી પણ વધારે અન્નનું ઉત્પાદન થાય છે. ભારત તો હરિયાળી અને શ્વેત ક્રાંતિના ગુણગાન ગાતા થાકતું નથી. નવાઈની વાત એ છે કે, વર્ષ ૨૦૦૮માં પંજાબ જેવા હરિયાળી ક્રાંતિના 'પોસ્ટર બોય' રાજ્યનો જીએચઆઈ સ્કોર ૩૦.૯ એટલેે કે 'એક્સ્ટ્રિમલી એલાર્મિંગ'ના ખાનામાં હતો. એવી જ રીતે, શ્વેત ક્રાંતિ માટે દેશવિદેશમાં નામના પામેલા સમૃદ્ધ ગુજરાતના દોઢ લાખ બાળકો સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન એટલે કે અત્યંત ગંભીર કુપોષણનો ભોગ બનેલા છે.

ભારત જાતભાતના વિરોધાભાસોથી ભરેલો દેશ છે. અહીં એક તરફ લાખો લોકો ભૂખે મરે છે અને બીજી તરફ, ગોદામોના અભાવે કે ખામીયુક્ત જાહેર વિતરણ વ્યવસ્થાના કારણે જગતના તાતે લોહી-પરસેવો સીંચીને પકવેલું લાખો ટન અન્ન સડી જાય છે. તાજા આંકડા પ્રમાણે, ભારતમાં દર વર્ષે આશરે ૬૭ કરોડ ટન અન્નનો બગાડ થાય છે, જેની કિંમત આશરે રૂ. ૯૨ હજાર કરોડ જેટલી થાય છે! આ આંકડામાં ફક્ત ગોદામોમાં અને ટ્રાન્સપોર્ટેશન વખતે બગડી જતા અન્નનો સમાવેશ કરાયો છે, હોટેલ-રેસ્ટોરન્ટ અને લગ્નોમાં વેડફાતા રાંધેલા ખોરાકનો નહીં.

'સંવેદનશીલ દેશપ્રેમીઓ' દલીલ કરે છે કે, દેશ મોટો છે એટલે મેનેજમેન્ટ થઈ શકતું નથી પણ આ બધી બકવાસ દલીલો છે. મેનેજમેન્ટ કરવું સરળ પડે એટલે જ તો દેશ રાજ્યો, જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યો છે. ભૂખ અને કુપોષણ સામે લડવા આ બધી જ યોજનાઓનો ઉપરથી નીચે સુધી અમલ થાય જ છે, પણ મૂળ મુદ્દો ભ્રષ્ટાચાર, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓનો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતને સ્થાન અપાવવામાં આ પ્રકારના પરિબળો પણ એટલા જ કારણભૂત છે.

વર્ષ ૨૦૧૩માં સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કરીને ભૂખ અને કુપોષણ સામે લડવા ત્રણ મોટી યોજનાનો અમલ કર્યો હતો, પરંતુ આ યોજનાઓ વચ્ચે પણ સંકલનનો અભાવ છે. જેમ કે, શહેરોમાં આંગણવાડીઓ ચલાવવાનું કામ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈસીડીએસ) હેઠળ થાય છે, જ્યારે ગર્ભવતીઓ-બાળકોના આરોગ્ય માટે તેમની સાથે સંપર્કમાં રહેવાનું અને તેમની જરૂરિયાતો સંતોષવાનું કામ મ્યુનિસિપાલિટીઓ કરે છે. મુશ્કેલી એ છે કે, આઈસીડીએસ અને મ્યુનિસિપાલિટીનું તંત્ર એકબીજા સાથે કામ કરવાના બદલે સ્વતંત્ર રીતે કામ કરે છે. પરિણામે યોજનાનો અમલ બિનઅસરકારક રીતે થાય છે. ગુજરાતમાં પણ આ ફરિયાદો થઈ ચૂકી છે. આ તો શહેરોની વાત થઈ, પણ આટલા વર્ષો પછીયે ભારતના હજારો ગામડામાં ગર્ભવતી સ્ત્રીઓ અને નવજાત શિશુઓના પોષણ અંગે પાયાની સમજણ અને જાગૃતિ સુદ્ધાં નથી.

કદાચ એટલે જ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં કહેવાયું છે કે, ભારત સરકારે 'સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ' અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી ભૂખ અને કુપોષણ જેવી મુશ્કેલીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું આયોજન કર્યું છે, પરંતુ ભારત સરકારને તેમાં સફળતા નહીં મળે... 

શું આપણે ધારીએ તો આ શબ્દોને ખોટા ના પાડી શકીએ?

જીએચઆઈનું માપ કેવી રીતે કઢાય છે?

ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયુટે વિશ્વભરમાં ભૂખથી થતા મોત સામે લડવા વર્ષ ૨૦૦૬થી ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર કરવાનું શરૂ કર્યું હતું. આ ઈન્ડેક્સનું માપ કાઢવા મુખ્ય ચાર માપદંડનો આધાર લેવાય છે. ૧. વસતીના પ્રમાણમાં કુપોષણથી પીડાતા લોકો. ૨. પાંચ વર્ષથી ઓછી ઉંમરના સંપૂર્ણ કુપોષિત બાળકોની ટકાવારી ૩. કુપોષિત માતાના કારણે જન્મથી જ કુપોષણનો કાયમી ભોગ બનેલા બાળકોની ટકાવારી અને ૪. ભૂખમરા-કુપોષણના કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ પામતા બાળકો. આ ચારેય માપદંડો પ્રમાણે ભારતની સ્થિતિ ભયાનક છે.

આ સંસ્થા ફક્ત ઈન્ડેક્સ જાહેર કરીને બેસી નથી રહેતી, પરંતુ વિકાસશીલ દેશોને ભૂખ અને કુપોષણ સામે લડવા કૃષિ વિજ્ઞા, ટેક્નોલોજી, જાહેર વિતરણ વ્યવસ્થા અને ક્લાઈમેટ ચેન્જ જેવા તમામ મુદ્દે મદદરૂપ થાય છે.

(શીર્ષક પંક્તિ : ચંદ્રકાંત બક્ષી)

18 October, 2016

દાલ સે દાલ મિલા...


વિશ્વને કઠોળનું મહત્ત્વ સમજાવવા યુનાઈટેડ નેશન્સે વર્ષ ૨૦૧૬ને 'ઈન્ટરનેશનલ યર ઓફ પલ્સ' જાહેર કર્યું છે. ભારત જેવા કુપોષણથી પીડાતા અને જેની ૩૭ કરોડથી પણ વધુ વસતી શાકાહારી છે તેમના માટે તો કઠોળ બીજા કોઈ પણ દેશ કરતા ઘણાં મહત્ત્વના હોવા જોઈએ, પરંતુ એવું નથી. કેમ?

વારતહેવારે આપણે સમાચારો વાંચીએ સાંભળીએ છીએ કે, કઠોળના ભાવમાં ફરી તોતિંગ વધારો... ભાવવધારો કાબૂમાં લેવા સરકાર કઠોળની આયાત કરશે... વગેરે. આમ છતાં, કઠોળનો ભાવવધારો ડુંગળી જેટલો રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો નથી બની શકતો. આમ આદમી આ સમાચારો ઉપરછલ્લા વાંચીને ભૂલી જાય છે. ખરેખર તો ડુંગળીના ભાવવધારા વખતે થાય છે એના કરતા પણ વધારે હોબાળો કઠોળના ભાવ વધે ત્યારે થવો જોઈએ, પરંતુ એવું થતું નથી. એનું કારણ એ છે કે, આપણને જીભના ચટાકા વગર નથી ચાલતું પણ પોષક દ્રવ્યોથી ભરપૂર આહાર વિના ચાલી જાય છે.

જસ્ટ કિડિંગ, જોક અપાર્ટ.

તુવેર, મગ, અડદ, ચણા, વાલ, અને ચોળા જેવા તમામ કઠોળનું જન્મસ્થાન ભારતીય ઉપખંડ છે. એટલે જ ભારતના તમામ વિસ્તારોના મુખ્ય ભોજનમાં સદીઓથી જુદા જુદા સ્વરૂપે કઠોળ ખવાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રનું મુખ્ય ભોજન દાળ-ભાત-શાક-રોટલી છે અને મ્હોં મીઠું કરવા પૂરણપોણી ખવાય છે, ઉત્તર ભારતમાં રાજમા-ચાવલની બોલબાલા છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દાલ-બાટી, સ્ટફ્ડ દાળની પૂરી અને દાળ કચોરી વધારે ખવાય છે તો દક્ષિણ ભારતની ઈડલી હોય કે દોસા- સાંભર વિના ભોજન અધૂરું છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં દાલમાની બોલબાલા છે તો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યો માંસાહારી હોવા છતાં અનેક વાનગીની ગ્રેવીમાં કઠોળનો મોટા પાયે ઉપયોગ થાય છે. આમ છતાં, ભારતમાં કઠોળનું ઉત્પાદન અનાજ કરતા અનેકગણું ઓછું થાય છે અને મુખ્ય ભોજનમાંથી કઠોળનું મહત્ત્વ ધીમે ધીમે ભૂંસાતુ ગયું છે. આવું કેમ?

આ સ્થિતિના મૂળિયા હરિયાળી ક્રાંતિમાં પડેલા છે.

કેવી રીતે? ચાલો ટૂંકાણમાં સમજીએ.
* * *

કટ ટુ ૧૯૬૦. આઝાદી પછીના એ વર્ષો હતા. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ કોઈ પણ સંજોગોમાં દેશને અન્ન ઉત્પાદન બાબતે પગભર બનાવવા માગતા હતા. આ દરમિયાન ભારતીય કૃષિ વિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથન અને અમેરિકન કૃષિ નિષ્ણાત નોર્મન બર્લોએ વધુને વધુ ઉત્પાદન કરી આપે એવા ઘઉંના બીજ વિકસાવ્યા. એવી જ રીતે, લેબોરેટરીઓમાં વધુ ઉત્પાદન આપતા ચોખાના બીજ પણ વિકસાવાયા. પ્રાથમિક તબક્કે ઘઉં અને ચોખાનું વધુને વધુ ઉત્પાદન કરવાની યોજનાઓ ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં લાગુ કરાઈ. એ દિવસોમાં આવી રીતે શરૂ થયેલો ઘઉં અને ચોખા પ્રેમ અત્યારે આપણને ભારે પડી રહ્યો છે.




હરિયાળી ક્રાંતિ વખતે ઘઉં અને ચોખાનું એટલું જંગી ઉત્પાદન થયું કે, અન્નની અછતનો પ્રશ્ન તો ઉકેલાઈ ગયો, પરંતુ એ પછી આપણે કઠોળની હરિયાળી ક્રાંતિ કરવા પર ભાર જ ના આપ્યો. અત્યારે દેશમાં લાખો લોકો ભૂખે-તરસે મરે છે એનું કારણ અનાજ-પાણીની અછત નહીં પણ તેનું 'ક્રિમિનલ મિસમેનેજમેન્ટ' જવાબદાર છે. એવી જ રીતે, લાખો ભારતીયો કુપોષણથી પીડાય છે એનું કારણ કઠોળ જેવા પોષક દ્રવ્યોથી ભરપૂર અન્ન મોંઘું છે, એ પણ છે. હરિયાળી ક્રાંતિ પછીના ૫૬ વર્ષમાં અનાજનું ઉત્પાદન સાડા આઠસો (૮૫૦) ગણું વધ્યું છે, જ્યારે કઠોળના ઉત્પાદનમાં માંડ ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં અનાજનો પાક લેવાતી ૫૮ ટકા જમીનને સિંચાઈ પહોંચી ગઈ છે, જ્યારે કઠોળનો પાક લેવાય છે એવી માંડ ૧૬ ટકા જમીન પર સિંચાઈની સુવિધા છે. આ સ્થિતિના કારણે જ સરકારે કરોડો રૂપિયા ખર્ચીને તુવેર જેવા મુખ્ય કઠોળની જંગી આયાત કરવી પડે છે. ભારતમાં એક કરોડ, ૮૦ લાખ ટન તુવેર દાળનું ઉત્પાદન થાય છે, જે વિશ્વના કુલ ઉત્પાદનના ૨૫ ટકા બરાબર છે. આમ છતાં, સરકારે ૫૫ લાખ ટન તુવેર દાળની આયાત કરવી પડે છે. આટલી આયાત કરવા ભારત સરકારની તિજોરીમાંથી દર વર્ષે આશરે ચાર અબજ ડૉલરનો ખર્ચ થાય છે.

હવે અડધી સદી પછી કેન્દ્ર સરકારો કુપોષણ જેવી મહા મુશ્કેલી સામે લડવા કઠોળનો શસ્ત્રની જેમ ઉપયોગ કરવા મથામણ કરી રહી છે. વર્ષ ૨૦૦૯થી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અભિયાન હેઠળ કઠોળનું ઉત્પાદન વધારવા તનતોડ પ્રયાસ શરૂ કરાયા હતા, પણ તેમાં હજુ મોટી સફળતા મળી નથી. આ અભિયાન હેઠળ જ મધ્યાહ્ન ભોજન અને આંગણવાડી યોજનાઓમાં ચણા ચિક્કી અને લચકો-દાળભાતનું વિતરણ કરવાની યોજનાઓ ચાલી રહી છે. જો કઠોળનું જંગી ઉત્પાદન કરીને તેને 'મધ્યમ અને ગરીબ વર્ગ માટે પણ સસ્તું' બનાવી શકાય તો જ દેશભરના યુવાનોનું આરોગ્ય વિકસિત દેશોની પ્રજા જેવું થઈ શકે! આ વાત બોલવામાં જેટલી સહેલી છે એટલી જ અઘરી છે. હાલ દેશમાં કરોડો લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, જેમાં ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યોનો પણ સમાવેશ થાય છે. જે લોકોને બે ટંક ખાવાનું જ નસીબ નથી એમના આરોગ્યનો મુદ્દો સરકાર પર છોડી દઈએ પણ મધ્યમ અને શ્રીમંત વર્ગમાં પણ કુપોષણ વકર્યું છે, એનું શું? એ માટે આર્થિક સંકડામણ નહીં પણ ખાણીપીણીની કુટેવો અને અસંતુલિત ડાયેટ જવાબદાર છે.

આ વર્ગ ખરીદ શક્તિ ધરાવે છે પણ 'પહેલું સુખ તે જાતે નર્યા'નું હાર્દ નથી સમજતો. તેઓ કઠોળ, શાકભાજી-ફળો, સૂકામેવા જેવા પોષણક્ષમ આહારના બદલે હોટેલ ફૂડ પાછળ વધારે ખર્ચ કરે છે. બીજી તરફ, મધ્યમ વર્ગે એક મહત્ત્વની વાત સમજવા જેવી છે. શાકભાજી અને ફળોના ઊંચા ભાવના કારણે કઠોળ હવે તેમના માટે ‘વાસ્તવિક અર્થમાં’ મોંઘા નથી રહ્યા. કેમ કે, મધ્યમ વર્ગીય લોકો પણ દર મહિને શાકભાજી-ફળફળાદિ માટે ચોક્કસ બજેટની ફાળવણી કરતા જ હોય છે. જો તેઓ સમગ્ર પરિવારનું ડાયેટ સંતુલિત કરવા ઈચ્છતા હોય તો અઠવાડિયામાં બે-ચાર દિવસ શાકભાજી, ફળો કે જંક ફૂડની બાદબાકી કરીને કઠોળનો ઉમેરો કરી શકે છે. એટલે આર્થિક દૃષ્ટિએ વિચારીએ તો પણ આઝાદી પછીના છ દાયકામાં આપણા ડાયેટમાં કઠોળનું મહત્ત્વ ઓછું થયું એ સ્થિતિ સામે લડવું બહુ અઘરું નથી. ટૂંકમાં કઠોળ સરવાળે મોંઘા નહીં પડે એની ગેરંટી કારણ કે, નિયમિત કઠોળ ખાવા એ લાંબા ગાળાના આરોગ્ય માટે પણ ઉત્તમ છે.

કઠોળમાં પ્રોટીનની સાથે ફાયબર, આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને વિટામિન સી, ઈ જેવા એન્ટિ-ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પોટેશિયમ પણ પ્રચુર માત્રામાં હોય છે, જે સોડિયમની અસર ઘટાડીને બ્લડ પ્રેશન નીચું રાખવામાં મદદ કરે છે. શરીર માટે હાનિકારક સોડિયમ 'રેડી ટુ ઇટ' નમકીન અને બ્રેડની વાનગીઓમાં મોટા પ્રમાણમાં હોય છે. જો અત્યાર સુધી 'પડીકા'થી જ પેટ ભર્યું હોય તો તેની આડઅસરો રોકવા કઠોળ ઉત્તમ છે. કઠોળમાં આઈસોફ્લેવોન્સ અને ફાયટોસ્ટેરોલ્સ નામના કેન્સરનું જોખમ ઘટાડતા તત્ત્વો પણ હોય છે. આ ઉપરાંત કઠોળમાં કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયરોગનું જોખમ ઘટાડતું લાયઝિન નામનું તત્ત્વ પણ હોય છે. કઠોળ રોજેરોજ ખાવામાં આવે તો થોડા જ સમયમાં લોહીની નળીઓમાં જમા થયેલો કોલેસ્ટ્રોલ જેવો કચરો સાફ થવા લાગે છે.

જો કઠોળને અનાજ સાથે રાંધવામાં આવે તો પ્રોટીનની ગુણવત્તા ઓર સુધરે છે. કઠોળ વિટામિન સી સાથે (વાંચો લીંબુ નીચોવીને) લેવામાં આવે તો લોહીમાં ખૂબ ઝડપથી આયર્ન અને ફોલિક એસિડ ભળે છે. અનાજ અને કઠોળ બંનેનો ઉપયોગ કરીને બનાવાતી ભારતની અનેક સંસ્કૃતિની વાનગીઓમાં આ બધા જ તત્ત્વોનો ભરપૂર (જો યોગ્ય રીતે બનાવામાં આવે તો) લાભ મળે છે. જેમ કે, દાળભાત, દાળઢોકળી, ખીચડી, રાજમા ચાવલ, બેસન ભાખરી, ભેળપુરી, ઈડલી સંભાર અને વરણ ભાત વગેરે. વરણ ભાત મહારાષ્ટ્ર-ગોઆની જાણીતી વાનગી છે. વરણ ભાતનો દેખાવ અને સ્વાદ ગુજરાતી લચકો-દાળભાત જેવો હોય છે. ગણેશચતુર્થીના નૈવેધમાં પણ વરણ ભાતનો સમાવેશ થાય છે. એકના બદલે બે-ચાર દાળ ભેગી કરીને તૈયાર કરેલી આવી વાનગીઓ તો પોષક દ્રવ્યોનો ઉત્તમ સ્રોત છે.

કઠોળ અન્ન સુરક્ષા અને પોષણની દૃષ્ટિએ તો ખરા જ, પર્યાવરણની દૃષ્ટિએ પણ એટલા જ મહત્ત્વના છે. ઘઉં અને ચોખા જેવી વધારે ઉપજ આપતી પેદાશો કરતા કઠોળનો પાક ઓછા પાણીએ લઈ શકાય છે. ચોખા માટે તો ખેતર પાણીમાં ડૂબાડેલું રાખવું પડે છે. માંસની સરખામણીએ પણ કઠોળનું ઉત્પાદન ૫૦ ટકા ઓછા પાણીએ કરી શકાય છે. આમ, કઠોળનો પાક પાણી બચાવવામાં પણ ઉપયોગી છે. વળી, કઠોળને પ્રતિ એકર ઓછામાં ઓછા ખાતર અને જંતુનાશકોની જરૂર પડે છે. કઠોળમાં કુદરતી રીતે જ પ્રચૂર માત્રામાં નાઈટ્રોજન તત્ત્વો આવેલા છે, જેના કારણે નાઈટ્રોજનયુક્ત ખાતરની જરૂર પડતી નથી. નાઈટ્રોજનયુક્ત ખાતરનું ઉત્પાદન કરતી વખતે કાર્બન પ્રદૂષણ થાય છે. એ રીતે કઠોળનો વધુને વધુ પાક લઈને હવાઈ પ્રદૂષણ ઘણું ઘટાડી શકાય છે. આ ઉપરાંત અનાજના પાક સાથે કઠોળની ફેરબદલી અને એક જ ખેતરમાં બીજા પાક સાથે કઠોળનું ઊભા પટ્ટામાં ઉત્પાદન જેવા સીધાસાદા ઉપાયો અજમાવીને દર વર્ષે કઠોળનું ઉત્પાદન વધારી શકાય છે. પાક લેવાની આ પદ્ધતિથી જમીનની ગુણવત્તા પણ સુધરે છે. એ માટે બહુ ખેડૂતોને બહુ ખર્ચ કરવાની જરૂર નથી પડતી.

આમ, કઠોળ ફક્ત માણસજાત માટે જ નહીં પણ પર્યાવરણના ત્રણેય મહત્ત્વના તત્ત્વો હવા, પાણી અને જમીન માટે પણ અત્યંત લાભદાયી છે.

11 October, 2016

ભુતાન : નાનો પણ રાઈનો દાણો


આજકાલ દુનિયાના બધા જ દેશો ક્લાઈમેટ ચેન્જ, એન્વાયર્મેન્ટ ફ્રેન્ડ્લી, ઈકો ફ્રેન્ડ્લી અને સસ્ટેઇનેબલ લિવિંગની વાતો કરે છે, પરંતુ એ દિશામાં નક્કર કામ બહુ ઓછા દેશો કરી રહ્યા છે. વિકસિત દેશો માટે પર્યાવરણની ઘોર ખોદતી વિકાસની દોડ અટકાવવી મુશ્કેલ છે, જ્યારે ભારત-ચીન જેવા વિકાસશીલ દેશો બીજા કરતા પાછળ તો નહીં રહી જઈએ નેએવા ડરે ઔદ્યોગિકીકરણ અને પર્યાવરણનું સંતુલન રાખીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ વાત અલગ છે કે, આ સંતુલન રાખવામાં તેઓ સરેઆમ નિષ્ફળ ગયા છે. જોકે, ભુતાન જેવો નાનકડો દેશ ગ્રીન મેનેજમેન્ટકરીને જે રીતે આગળ વધ્યો છે એ જોઈને અમેરિકા અને યુરોપના દેશો પણ મ્હોંમાં આંગળા નાંખી ગયા છે. અત્યારે ભુતાન વિશ્વનો ગ્રીનેસ્ટ કન્ટ્રીગણાય છે.

વિશ્વ બેંકે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ભુતાન વિશ્વનો એકમાત્ર કાર્બન નેગેટિવ દેશ છે. એટલે કે ભુતાન પૃથ્વી પરની એકમાત્ર જગ્યા છે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ જોઈએ એના કરતા વધારે છે. ભુતાન વર્ષે સરેરાશ ૨.૨ મિલિયન ટન કાર્બન વાયુઓ ઉત્પન્ન કરે છે, પરંતુ હજુયે ત્રણ ગણા વધારે કાર્બન વાયુઓ ઉત્પન્ન થાય તો પણ ભુતાનના જંગલો ગ્રહણ કરી લેવા સક્ષમ છે. વર્ષ ૧૯૭૦માં ભુતાને બંધારણીય ફેરફારો કરીને નક્કી કર્યું હતું કે, દેશની ૬૦ ટકા જમીન પર જંગલો હોવા જોઈએ. જોકે, ભુતાને ધાર્યું હતું એના કરતા પણ દસ ટકા વધારે લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હિમાલયની ગોદમાં આવેલા આ પહાડી દેશની ૭૦ ટકા જમીન પર ગાઢ જંગલો છે. ભુતાનમાં આવેલી હિમાલયની પહાડીઓ પણ વૃક્ષોથી ઢંકાયેલી છે, જ્યારે ભારતમાં મોટા ભાગના હિમાલયન પહાડોના જંગલો પાંખા થઈ ગયા છે. અત્યારે ભુતાન ગ્રીન લિવિંગનું પોસ્ટર બોય છે.


ભુતાન કૉલિંગ ;)

તમને એવો વિચાર આવી શકે છે કે, ભુતાન નાનકડો દેશ હોવાથી આ સફળતા હાંસલ કરી શક્યો હશે! જોકે, આ દલીલ અર્ધસત્ય છે. ભુતાનમાં માંડ સાડા સાત લાખ જેટલી વસતી છે એ વાત ખરી પણ માલદીવ અને લક્ઝમબર્ગ જેવા નાનકડા દેશો પણ ક્યારેય આવી સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી, તો સ્વિત્ઝર્લેન્ડ, સ્વિડન, જર્મની અને ઓસ્ટ્રિયા જેવા ગ્રીનેસ્ટ દેશોમાં પણ જોઈએ એના કરતા ઓછો ઓક્સિજન છે. ભુતાનમાં ઔદ્યોગિકીકરણ નથી, ટેક્નોલોજી નથી અને બધાને શહેરી જીવન નસીબ નથી એ વાત સાચી, પણ વિશ્વના સૌથી સુખી દેશોમાં ભુતાનનો સમાવેશ થાય છે, એ હકીકત છે. અર્થતંત્ર કેટલું વિકસિત છે એનો અંદાજ કાઢવા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન હોય છે એવી જ રીતે, ભુતાનમાં ગ્રોસ નેશનલ હેપ્પીનેસનું માપ કાઢવામાં આવે છે.

ભુતાનની ગ્રીન સક્સેસનો શ્રેય ભુતાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકને જાય છે. વર્ષ ૧૯૭માં વાંગચુકે વિશ્વને ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સનો વિચાર આપ્યો હતો. તેઓ એક એવા સમાજનું નિર્માણ કરવા માગતા હતા જ્યાં ભૌતિકવાદ નહીં પણ બૌદ્ધવાદના પાયામાં પર ઊભી થયેલી આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ થતું હોય! એક તરફ આખું વિશ્વ જીડીપી પર નજર રાખીને વિકાસની આંધળી દોડ લગાવી રહ્યું હતું ત્યારે આવો વિચાર કરીને તેનો આત્મવિશ્વાસથી અમલ કરવો એ ખરેખર ક્રાંતિકારી પગલું હતું. ગ્રોસ હેપ્પીનેસ ઈન્ડેક્સ માપવા ભુતાને ચાર માપદંડ નક્કી કર્યા હતા. ૧. સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ જેનાથી ભવિષ્યમાં નુકસાન ના થાય અને માનવજાત પર ખતરો તોળાયેલો ના રહે. ૨. પ્રિઝર્વેશન એન્ડ પ્રમોશન ઓફ કલ્ચરલ વેલ્યૂઝ એટલે સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન અને તેને પ્રોત્સાહન. ૩. કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્વાયર્મેન્ટ એટલે કુદરતનું સંવર્ધન. ૪. ગુડ ગવર્નન્સ એટલે યોગ્ય શાસનવ્યવસ્થા. છેલ્લાં ચારેક દાયકાથી ભુતાન આ માપદંડોને ચુસ્ત રીતે વળગીને આગળ વધી રહ્યું છે. વાંગચુકે દાયકાઓ પહેલાં વિચાર કર્યો હતો કે, જીડીપીમાં તો માણસ કેટલો સુખી કે દુ:ખી છે એની ગણતરી જ કરાતી નથી!

ભુતાને ગ્રોસ નેશનલ હેપ્પીનેસ સેન્ટર ઊભું કર્યું છે, જે સમયાંતરે સર્વેક્ષણ કરીને ચકાસણી કરી લે છે કે દેશવાસીઓ સુખી છે કે નહીં! વર્ષ ૨૦૧૫માં કરાયેલા સર્વેક્ષણ પ્રમાણે ભુતાનના ૯૧ ટકા લોકોને જીવનથી સંતુષ્ટ છે, સુખી છે. ભુતાનમાં કોઈ પણ નીતિવિષયક નિર્ણયોના કેન્દ્રમાં પ્રજાનું સુખ અને આનંદ હોય છે. અનેક વૈજ્ઞાનિક અભ્યાસ પરથી સાબિત થયું છે કે, જે દેશમાં પહાડો-નદીઓ-જમીન પ્રદૂષણ મુક્ત છે, હવાઈ પ્રદૂષણ નહીંવત છે, શહેરો-ગામો સુંદર છે અને લોકો કુદરતની વધારે નજીક છે- એવા પ્રદેશના લોકો વધારે પ્રફૂલ્લિત છે તેમજ માનસિક રીતે સ્વસ્થ અને આનંદી છે. ભુતાને તો જંગલોને સુંદર રાખવા પણ જડબેસલાક પ્રવાસન નીતિ બનાવી છે. અહીં ચંગુમંગુપ્રવાસીઓનો પ્રવાહ કાબૂમાં રાખવા પ્રવાસીદીઠ ૨૫૦ ડૉલર વસૂલાય છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય પ્રવાસીને આ નિયમ લાગુ નથી પડતો! ભારતમાં તો સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં જાય છે એવા હિમાચલ પ્રદેશના સિમલા, કુલુ અને મનાલીમાં જમીન-પાણી અને હવાઈ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું હોવા છતાં પ્રવાસન તંત્ર કુંભકર્ણ નિદ્રામાં લન છે. એક સમયે સફેદ રૂ જેવી દેખાતી સિમલા-મનાલીની સફેદ વાદીઓ હવાઈ પ્રદૂષણના કારણે કાળી પડી ગઈ છે. હિમાચલ પ્રદેશની જમીન અને નદીઓમાં નમકીન, ગુટકા, બિસ્કિટ અને પાણીના પાઉચનું પ્રદૂષણ પણ ચરમસીમાએ પહોંચી ગયું છે. નિંભર સરકાર અને સ્વાર્થી પ્રજા પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય!

ભુતાનમાં અનેક રેસ્ટોરન્ટ-હોટેલમાં એડવાન્સમાં ફૂડ ઓર્ડર કરવું પડે છે કારણ કે, તેઓ અન્નનો બગાડ સહન નથી કરી શકતા. ભુતાનના રાજા વાંગચુકે વર્ષો પહેલાં ફોસિલ ફ્યૂઅલના બદલે હાઈડ્રોપાવરના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ભુતાનને પહાડી પ્રદેશોમાં ધસમસતી, નીચે પડતી નદીઓ પર બંધ બાંધીને જંગી વીજ ઉત્પાદન કરવાનો પણ કુદરતી લાભ મળ્યો છે. અહીંની માંડ ૨.૯ ટકા જમીન સપાટ છે, બાકીની જમીન પહાડી વિસ્તાર અને નાની-મોટી ટેકરીઓથી છવાયેલી છે. આ પ્રકારની જમીન હોવાથી ખેડૂતો જંગલો સાફ કરીને જંગલ-જમીનને ખેતીલાયક બનાવી શકે એમ જ નથી. ખેડૂતોને વીજળી મફત અપાય છે. વીજળી મફ મળતી હોવાથી તેઓ ઊર્જા મેળવવા જંગલોના સૂકા લાકડા પર નજર જ નથી બગાડતા.

જોકે, ભુતાન અત્યારે જુદા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આ નાનકડો દેશ ભારત અને ચીન જેવા સૌથી વધારે વસતી ધરાવતા બે મહાકાય દેશોના પાપ સહન કરી રહ્યો છે. ભારત અને ચીનના ભયાવહ્ પ્રદૂષણના કારણે હિમાલયના હિમપર્વતો પીગળી રહ્યા છે. ક્લામેટ ચેન્જની અસરોને પગલે ભુતાન સામે પૂર, ભારે વરસાદ, દુકાળ અને તાપમાનમાં વધારો જેવી સમસ્યાઓ મ્હોં ફાડીને ઊભી છે. ક્યારેક તો ભુતાનના થિમ્પુનું તાપમાન કોલકાતા કરતા પણ વધારે હોય છે! ભુતાન મહેનત કરીને ગ્રીનેસ્ટ બન્યું છે પણ ભારત, ચીન અને બાંગ્લાદેશનું પ્રદૂષણ તેના કાબૂમાં નથી. બીજી તરફ, ભુતાનમાં વર્ષ ૧૯૯૯ સુધી ટેલિવિઝન અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો, પરંતુ આજના ભુતાનની યુવા પેઢી આ બંને માધ્યમોથી વિશ્વના ગાઢ સંપર્કમાં રહે છે. તેઓ પણ શહેરી જીવનશૈલીનું સપનું જોઈ રહ્યા છે. આ કારણસર લોકો શહેરોમાં સ્થાયી થઈ રહ્યા છે અને ખેતી પર નભતા લોકોની સંખ્યા ઘટી રહી છે. આ કારણસર ભુતાનની મોટા ભાગની જરૂરિયાત આયાત પર નિર્ભર છે, જેમાંથી ૫૦ ટકા આયાત ભારતમાંથી થાય છે.

આ પ્રકારના આર્થિક મોડેલના કારણે ભુતાનમાં બેકારી થોડીઘણી વધી છે. બેકારીના કારણે યુવાનોમાં અસંતોષ પણ છે. ભુતાનના અનેક યુવાનો પોતાની જ જમીન ખેડવા તૈયાર નથી. ભુતાન સરકાર તેમને બ્લુ કોલર જોબ આપે છે, તો તેઓ વ્હાઈટ કોલર જોબની માગ કરે છે. અહીં દરેક યુવાનને પોતાની કાર પણ જોઈએ છે કારણ કે, ભુતાનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અપૂરતું છે, ધીમું છે અને મોંઘું પણ છે. વર્ષ ૨૦૧૪માં તો ભુતાન સરકારે વિદેશી કારની આયાત પર ૧૦૦ ટકા કરવેરો ઝીંક્યો હતો. આમ છતાં, લોકો ભારતમાંથી કાર ખરીદી રહ્યા છે.

ટૂંકમાં, એવું નથી કે ભુતાનનો ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સ ઊંચો હોવાના કારણે અહીં બધા યુવાનો બુદ્ધનો માર્ગપકડી લીધો છે. મહત્ત્વની વાત એ પણ છે કે, આ બધી મુશ્કેલીઓનો ઉપાય શોધવા ભુતાન જેવો નાનકડો દેશ વિશ્વ તરફ નજર રાખીને રોજેરોજ કંઈક નવું શીખી રહ્યો છે. તમે ભુતાન જાઓ ત્યારે કોઈ યુવાન સાથે વાત કરજો. તમને એવું ચોક્કસ સાંભળવા મળશે કે, પરિવર્તન અનિવાર્ય છે, એ થવું જ જોઈએ, અમને પણ સારી નોકરીઓ જોઈએ છે પણ પર્યાવરણના ભોગે નહીં. અમે અમારો દેશ ગંદો કરવા નથી માગતા...

તમને નથી લાગતું કે, આખા વિશ્વએ નાનકડા ભુતાન પાસેથી કંઈક શીખવું જોઈએ?

05 October, 2016

પેપર બેગ, પડીકું અને લુગડાની થેલી


યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક અમેરિકન ઈન્વેન્ટરને 'ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ' આપવાનું કામ કરે છે. માર્ચ ૨૦૧૬માં આ સંસ્થામાં 'પેપર બેગ'ની પેટન્ટ માટે અરજી આવી હતી. બે અઠવાડિયા પહેલાં જ આ અરજી સ્વીકારી લેવાઈ અને હવે પેપર બેગની પેટન્ટ આપવી કે નહીં એની વિચારણા થઈ રહી છે. દુનિયા માટે પેપર બેગ પેટન્ટેડ થઈ જશે એ તો સમાચાર છે જ, પરંતુ એનાથીયે વધારે રસપ્રદ વાત એ છે કે પેપર બેગની પેટન્ટ માટેની અરજી એપલે કરી છે. હા, એ જ 'એપલ' જે દુનિયાભરમાં આઈ ફોન, આઈ પોડ, આઈ પેડ, મેક બુક, એપલ વૉચ અને એપલ ટીવી જેવી હાઈટેક પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. સ્ટિવ જોબ્સ (ફાઉન્ડર), ટિમ કૂક (સીઈઓ), જોનાથન ઈવ (ચિફ ડિઝાઈન ઓફિસર), કેવિન લિન્ચ (એપલ વૉચ સોફ્ટવેર હેડ) અને એલન ડાય (હ્યુમન ઈન્ટરફેસ ગૂ્રપ હેડ) જેવા ટેક્નોલોજિસ્ટો સાથે જે કંપનીનું નામ જોડાયેલું હોય એ કંપની હવે પેપર બેગ બનાવશે? એપલે માર્ચ ૨૦૧૬માં પેપર બેગની પેટન્ટ મેળવવા અરજી કરી ત્યારે સિલિકોન વેલીના અનેક ધુરંધરોને પણ આ પ્રશ્ન થયો હતો!

આ સમાચાર પછી ટેક્નોલોજિસ્ટો તો ઠીક, સામાન્ય માણસોએ પણ બે ઘડી એવી કલ્પના કરી હતી કે, એપલ હવે હાઈટેક પેપર બેગ બનાવશે, જેમાં વાયરલેસ ચાર્જિંગ થતું હશે! બ્લૂટૂથ પણ હશે! મ્યુઝિક પણ વાગતું હોઈ શકે છે! ભલું પૂછવું. જોકે, પેપર બેગમાં આવું કશું નથી. આ પેટન્ટની અરજીમાં એપલે પેપર બેગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, ''એક રિટેઇલ પેપર બેગ કે જે ૬૦ ટકા રિ-સાયકલ કરી શકાય એવા પેપરમાંથી બનાવાઈ હશે... આવી રિટેઇલ બેગનો ઉપયોગ ચીજવસ્તુ મૂકવા માટે થાય છે... ગ્રાહકો રિટેઇલ સ્ટોરમાંથી ખરીદી કર્યા પછી જેનો ઉપયોગ કરે એ માટે રિટેઇલ બેગનો ઉપયોગ કરે છે...''

એપલે  રજૂ કરેલી ટેકનિકલ વિગતો સાથેની એપલ બેગનો મેપ


એપલે પેપર બેગની આવી 'સરળ' વ્યાખ્યા કરી એટલે કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી છે. જોકે, બેગ આટલી સીધીસાદી હોય તો તેની પેટન્ટ શક્ય જ નથી. એપલે તેની અરજીમાં 'હાઈટેક' પેપર બેગની વ્યાખ્યાની સાથે ઊંડી ટેકનિકલ વિગતો પણ આપી છે અને એટલે જ તેની અરજી સ્વીકારાઈ છે. એપલે એક એવી પેપર બેગની પેટન્ટ માટે અરજી કરી છે, જે એસબીએસ (સોલિડ બ્લિચ્ડ બોર્ડ) પેપરમાંથી બનાવાઈ હશે અને તેનું ૬૦ ટકા મટિરિયલ રિસાયકલ થઇ શકે એવું હશે. એટલે કે, એકવાર પેપર બેગ કચરામાં ફેંકી દીધા પછી, ભીની થઈ ગયા પછી અને ગમે એટલા દિવસ દરબદર ઠોકરો ખાધા પછીયે તે રિસાયકલિંગ કરવાને લાયક રહેશે. કાગળનો ટુકડો પ્લાસ્ટિકની સરખામણીથી જમીનમાં ઝડપથી ઓગળી જાય એટલા માત્રથી ઈકો ફ્રેન્ડ્લી નથી થઈ જતો. જે મટિરિયલનો વારંવાર ઉપયોગ શક્ય હોય એટલું એ વધારે ઈકો ફ્રેન્ડ્લી ગણાય. એપલની પેપર બેગનું મટિરિયલ આવું હશે! 

આ તો ઈકો ફ્રેન્ડ્લી મટિરિયલની વાત થઈ, પણ એપલની પેપર બેગ સામાન્ય બેગ કરતા મજબૂત અને ટકાઉ હશે. સામાન્ય પેપર બેગ જ્યાંથી ફાટી જાય છે ત્યાં વધારે જાડા કદનો પેપર હશે. આ ઉપરાંત પેપર બેગના હેન્ડલ માટે પાડેલા કાણાં આગળથી પણ પેપર ફાટશે નહીં કારણ કે, ત્યાં પણ એપલના પ્રોડક્ટ એન્જિનિયરોએ જાડા કાગળ, રિવેટ અને દોરીના હેન્ડલની કારીગરી કરી છે. આ બેગને ગડી કરીને મૂકી રાખવાથી પણ કાગળ સહેલાઈથી ફાટશે નહીં. એકવાર બેગમાં ચીજવસ્તુ મૂક્યા પછી પેપર પર ક્યાં દબાણ આવે છે એનું પણ પૂરતું ધ્યાન રાખીને પેપર બેગ ડિઝાઈન કરાઈ હશે. એટલે કે પેપર બેગનો કાગળ બધે જ એકસરખી જાડાઈ ધરાવતો નહીં હોય પણ જ્યાં જેટલી જરૂર હશે એવી જ રીતે તેનું ડિઝાઈનિંગ કરાયું હશે. છેલ્લાં ઘણાં મહિનાથી એપલના પસંદગીના સ્ટોરમાં ગ્રાહકોને આવી બેગ આપીને પૂરતી ચકાસણી પણ કરી લેવાઈ છે.

પ્રોડક્ટ ડિઝાઈનિંગમાં ક્યાં, શું, કેટલું મહત્ત્વનું છે એ વાત ઘણી મહત્ત્વની છે. આઈ ફોનનું જ ઉદાહરણ લો. દુનિયાભરની કંપનીઓએ સ્માર્ટફોનમાં ૨ જીબી અને ૩ જીબી રેમ આપતી હતી ત્યારે આઈ ફોન ૬ સુધી એપલ ફક્ત એક જીબી રેમ આપતી હતી. અત્યારના લેટેસ્ટ આઈફોન ૭માં એપલે પહેલીવાર ૨ જીબી રેમ આપી છે. આ મુદ્દે સવાલ પૂછતા સ્ટિવ જોબ્સે કહ્યું હતું કે, નાનકડા સ્માર્ટફોનમાં અત્યારે વધારે રેમની નહીં પણ સ્માર્ટ એન્જિનિયરિંગની જરૂર છે. એકદમ સાચી વાત. આઈ ફોનમાં ઓછી રેમ હોવા છતાં તે ક્યારેય હેંગ નથી થતો. આજેય આઈફોનની સ્પિડ કે હીટિંગ જેવા મુદ્દે કોઈ સવાલ નથી ઊઠાવી શકતું. કોઈ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની જેમ કાગળની સીધી સાદી બેગ બનાવવામાં પણ એપલે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખ્યું છે. આ લેખ સાથેની તસવીર પર નજર કરો.


 ફ્રાન્સિસ વૉલ અને તેમણે બનાવેલું મશીન, વિખ્યાત ઈન્વેન્ટર માર્ગારેટ નાઈટ અને ચાર્લ્સ સ્ટિલવેલ 

આ પહેલાં ક્યારેય કોઈએ પેપર બેગ વિશે આટલો ઝીણવટપૂર્વક વિચાર નથી કર્યો. દુનિયાભરમાં દાયકાઓથી પેપર બેગનો ઉપયોગ થાય છે પણ આટલા વર્ષોમાં તેની ડિઝાઈનમાં ખાસ ફેરફારો નોંધાયા નથી. અમેરિકામાં શૉપિંગ કલ્ચર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી પેપર બેગનું માસ પ્રોડક્શન કરવાની દિશામાં સંશોધનો શરૂ થઈ ગયા હતા. ઈસ. ૧૮૫૨માં અમેરિકાના પેન્સિલવેનિયાના ફ્રાન્સિસ વૉલે નામના ઈન્વેન્ટરે પેપર બેગ બનાવવાનું મશીન બનાવ્યું હતું, જેને સહેલાઈથી પેટન્ટ મળી ગઈ હતી. આ મશીનના કારણે જ પેપર બેગનું માસ પ્રોડક્શન શક્ય બન્યું હતું. આ મશીન પર ભરોસો કરીને જ વૉલ અને તેના ભાઈએ યુનિયન પેપર બેગ મશીન કંપનીની સ્થાપના કરી હતી. આ મશીનના આધારે વૉલ બ્રધર્સ એક જ વર્ષમાં ૪૦ લાખ ડૉલર કમાયા હતા. આ આંકડા પરથી કલ્પના થઈ શકે છે કે, અમેરિકામાં આટલા વર્ષો પહેલાં પેપર બેગની કેટલી બધી ખપત થતી હશે! બાદમાં વૉલ બ્રધર્સની કંપની ઈન્ટરનેશનલ પેપર્સે ખરીદી લીધી હતી. ટેનેસીના મેમ્ફિસમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઈન્ટરનેશનલ પેપર્સ ફક્ત પેપર અને પલ્પ ક્ષેત્રે કાર્યરત હોવા છતાં તેમાં ૬૫ હજાર લોકો કામ કરે છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં પણ આ કંપની નોંધાયેલી છે.

જોકે, આ પેપર બેગની ડિઝાઈન એક મોટા પરબીડિયા જેવી સીધીસાદી હતી. એટલે ઈસ. ૧૮૭૧માં ૧૯મી સદીના વિખ્યાત મહિલા ઈન્વેન્ટર માર્ગારેટ નાઈટે તળિયામાં ચીજવસ્તુઓ મૂકવા લંબચોરસ જગ્યા મળે એવી પેપર બેગ બનાવવાનું મશીન બનાવ્યું. આજેય વૉશિંગ્ટન ડીસીના સ્મિથસોનિયન મ્યુઝિયમમાં આ મશીન સચવાયેલું છે. એ પછી ઈસ. ૧૮૮૩માં ચાર્લ્સ સ્ટિલવેલ નામના અમેરિકન ઈન્વેન્ટરે ચોરસ તળિયું હોવા છતાં સહેલાઈથી વાળીને-ગડી કરીને મૂકી શકાય એવી પેપર બેગ ડિઝાઈન કરી. એ બેગનું માસ પ્રોડક્શન કરવા સ્ટિલવેલે પણ મશીન તૈયાર કર્યું. આ એકેય પેપર બેગમાં હેન્ડલ ન હતા. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વર્ષ ૧૯૧૨માં વૉલ્ટર ડ્યુબનર નામના ઈન્વેન્ટરે દોરીના હેન્ડલ ધરાવતી પેપર બેગ બનાવી. વળી, આ બેગ ૩૪ કિલો જેટલું વજન ઉઠાવી શકવા સક્ષમ હતી. આ કારણસર વર્ષ ૧૯૧૫ સુધી તો અમેરિકામાં લાખોની સંખ્યામાં આ બેગનું વેચાણ થયું.

એટલું જ નહીં, વૉલ્ટરના કારણે જ અમેરિકા-યુરોપના સ્ટોર્સ-મૉલમાં કાગળની બેગની હેન્ડલવાળી બેગ ધીમે ધીમે પ્રચલિત થઈ ગઈ. યાદ રાખો, પેપર બેગ ઈકો ફ્રેન્ડ્લી હોવાના કારણે નહીં પણ માસ પ્રોડક્શન કરતા મશીનો અસ્તિત્વમાં આવ્યા હોવાથી લોકપ્રિય થઈ હતી. એટલે જ વર્ષ ૧૯૭૦માં પ્લાસ્ટિક બેગ બજારમાં આવી અને થોડા જ સમયમાં દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગઈ. વજનમાં હલકી, મજબૂત, ટકાઉ તેમજ જાતભાતના રંગ અને ડિઝાઈનમાં ઉપલબ્ધ હોવાના કારણે પ્લાસ્ટિક બેગે ખૂબ ઝડપથી પેપર બેઝનું સ્થાન લઈ લીધું. આજેય દુનિયાભરમાં છુટક અપવાદોને બાદ કરતા પ્લાસ્ટિક બેગની જ બોલબાલા છે.

જો એપલ પેપર બેગ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર સફળતા મેળવી શકશે તો ફરી એકવાર દુનિયામાં પેપર બેગનો ઉપયોગ વધશે. લોકો પર્યાવરણની ચિંતા કરીને નહીં પણ બ્રાન્ડ અને ફેશન સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખીને એપલ પેપર બેગનો ઉપયોગ કરશે. પશ્ચિમી સંસ્કૃતિમાં સિસ્ટમ, સ્ટાઈલ અને આર્ટની બોલબાલા છે, જ્યારે ભારતમાં એવું નથી. આજેય અહીં ભજીયા, પાપડીથી માંડીને અનાજ, કઠોળ અને લોટ સહિતની ચીજવસ્તુઓ પડીકામાં મળે છે, જે પેપર બેગનું જ એક સ્વરૂપ છે પણ તેમાં સ્ટાઈલ નથી, કળા નથી. પશ્ચિમમાં ખરીદી કર્યા પછી પ્લાસ્ટિકની થેલી અપાય છે એવી જ રીતે, ભારતમાં ખરીદી કરવા જતી વખતે ઘરેથી લુગડાની થેલી લઈ જવાતી. નકામા કપડામાંથી બનાવાયેલી આવી થેલીનો આજેય અનેક લોકો ઉપયોગ કરે છે. દાદી કે નાનીએ સીવેલી એ થેલીનો ત્રણ-ચાર પેઢી સુધી ઉપયોગ થતો. આ પ્રકારની થેલીમાં નાના-મોટા તમામ પ્રકારના પડીકા અને સરસામાન સમાઈ જતો. એ લુગડાની થેલીનું આયુષ્ય પૂરું થયા પછી તેના લુગડાનો પણ બીજા કામમાં ઉપયોગ કરાતો.

પેપર બેગ કરતા પણ કદાચ વધારે ઈકો ફ્રેન્ડ્લી એ લુગડાની થેલી હતી, રાધર છે.