24 September, 2018

સમલૈંગિકતાઃ અરેબિયન નાઈટ્સ અને કરાચીના પુરુષ બજારો


આ વાત છે, ૧૯મી સદીની. વર્ષ ૧૮૪૨. આશરે ૧૭૬ વર્ષ પહેલાનું ભારત. ઉત્તર પૂર્વમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું. એ દિવસોમાં ભારત સહિત દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ફેં ફાટતી હતી. યુરોપથી લઈને આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં સફળતાપૂર્વક ઘૂસ માર્યા પછી બ્રિટીશરોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો. આ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આખા ભારત પર કબ્જો જમાવવાના ગુપ્ત હેતુથી ચાર્લ્સ જેમ્સ નેપિયર નામના બ્રિટીશ લશ્કરી અધિકારીને તેડું મોકલ્યું. નેપિયર યુવાનીમાં નેપોલિયનના લશ્કર સાથે પણ યુદ્ધ ખેલી ચૂક્યા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં નિમણૂક કરાઈ ત્યારે તેમની ઉંમર હતી ૬૦ વર્ષ. જોકે, કંપનીએ અનુભવી નેપિયરને યુદ્ધ કરવાનું નહીં પણ કરાચી બંદરને 'સુરક્ષિત' કરવાનું કામ સોંપ્યું હતું કારણ કે, બ્રિટીશ લશ્કર અફઘાનિસ્તાનમાં યુદ્ધ ખેલી રહ્યું હતું અને એ યુદ્ધ માટે જરૂરી પુરવઠો કરાચી બંદરેથી મોકલાતો હતો.

બોમ્બે પ્રેસિડેન્સીના લશ્કરનું મુખ્ય થાણું બોમ્બેમાં હોવાથી નેપિયરના કામકાજનું કેન્દ્ર પણ બોમ્બે હતું. બોમ્બેમાં હોવાથી તેમના માટે એ જાણવું અઘરું હતું કે, કરાચીમાં તૈનાત બ્રિટીશ અધિકારીઓ-સૈનિકો ફરજો પ્રત્યે કેટલા સજાગ છે. નેપિયરને એવી પણ શંકા હતી કે, બ્રિટીશ સૈનિકો કરાચીના વેશ્યાલયોની મુલાકાતો લેતા થઈ ગયા છે, જે ભવિષ્યમાં લશ્કરની શિસ્ત પર ગંભીર કરી શકે એમ હતું. આ બધું જાણવા શાતિર નેપિયરે ઉચ્ચ લશ્કરી અધિકારીઓ પાસે સત્તાવાર તપાસ અહેવાલ ના માંગ્યો પણ એક અત્યંત બુદ્ધિશાળી યુવાન સૈનિકને જાસૂસ તરીકે કરાચી મોકલ્યો. એ વર્ષ હતું ૧૮૪૫ અને જાસૂસ હતો રિચર્ડ ફ્રાન્સિસ બર્ટન. ઉંમર એની માંડ ૨૪ વર્ષ. બ્રિટીશ-આઈરિશ માતાપિતાનું સંતાન. જન્મ અને ઉછેરના વર્ષો ફ્રાન્સ અને ઈટાલીમાં. નેપિયરને અંદાજ પણ ન હતો કે, એક દિવસ આ છોકરો ઈતિહાસમાં ચતુર જાસૂસ, સૈનિક, નૃવંશશાસ્ત્રી, ઓરિયેન્ટેલિસ્ટ (પૂર્વીય દેશોની સંસ્કૃતિનો નિષ્ણાત) નકશાશાસ્ત્રી, તલવારબાજ, કવિ, ભાષાશાત્રી, અનુવાદક અને લેખક તરીકે ઓળખાવાનો છે. હા, લેખક અને એ પણ 'અરેબિયન નાઇટ્સ'નો લેખક.

ચાર્લ્સ જેમ્સ નેપિયર

નેપિયરના હુકમ પ્રમાણે બર્ટને કામ ચાલુ કર્યું અને એક દિવસ અહેવાલ રજૂ કર્યો કે, કરાચીમાં તૈનાત અનેક બ્રિટીશ સૈનિકો નિયમિત રીતે વેશ્યાલયોમાં જાય છે પરંતુ ત્યાં મહિલાઓ નહીં, યુવકો અને વ્યંડળો પોતાનું શરીર વેચે છે. કરાચીમાં આવા ત્રણ પુરુષ બજાર છે. આ વાત જાણીને નેપિયરના પગ નીચેથી ધરતી સરકી ગઈ. નેપિયર સ્વીકારી સુદ્ધાં નહોતા શકતા કે, સમલૈંગિકતા અને પુરુષ વેશ્યા જેવું પણ કંઈક હોય છે. બ્રિટીશરો માટે સમલૈંગિકતા મહા પાપ હતું. (એક આડ વાતઃ બ્રિટને લશ્કરમાંથી સમલૈંગિકો પરનો પ્રતિબંધ વર્ષ ૨૦૦૦માં દૂર કર્યો હતો, જ્યારે સમલૈંગિકોને લગ્નનો અધિકાર ૨૦૧૪માં આપ્યો હતો). કરાચીના એ પુરુષ વેશ્યાલયોનો બિનસત્તાવાર અહેવાલ નેપિયરે દબાવી દીધો કારણ કે, એ સનસનીખેજ અહેવાલ જોઈને નેપિયરની હકાલપટ્ટી થઈ શકતી હતી. નેપિયર પર પોતાના જ સૈનિકોની જાસૂસી કરાવવાનો 'ગુનો' સાબિત થઈ શકતો હતો.

જોકે, તેમને આઘાત લાગવાનું બીજું પણ એક કારણ હતું, બર્ટનની ઠંડકભરી રજૂઆત. બ્રિટીશરો સમલૈંગિક શારીરિક સંબંધને પાપ ગણતા, પરંતુ બર્ટને કોઈની શેહશરમ રાખ્યા વિના એક તબીબ અને મનોવિજ્ઞાનીની જેમ વૈજ્ઞાનિક આધારો આપીને આ વાત રજૂ કરી. આખાયે અહેવાલમાં બર્ટન સમલૈંગિકો પ્રત્યે બિલકુલ જજમેન્ટલ નહોતો થયો, અને, નૈતિકતાનો તો સરેઆમ છેદ ઉડાવી દીધો હતો. નેપિયરને આ વાત ખટકી. એ અહેવાલમાં બર્ટને યુવાન છોકરાઓની કિંમત વ્યંડળ કરતા વધુ કેમ હોય છે એ મુદ્દો ગંભીરતાથી છેડ્યો હતો, જે આજેય વાંચવા-સાંભળવામાં આઘાતજનક છે. આ અહેવાલ તૈયાર કરવા બર્ટને અનેકવાર પુરુષ વેશ્યાલયોની મુલાકાત લીધી હતી. એટલે જ કેટલાક ઈતિહાસકારો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે, બર્ટન બાયસેક્સ્યુઅલ હોઈ શકે છે!

 રિચર્ડ બર્ટનના જુદા જુદા રૂપ 

રિચર્ડ ફ્રાન્સિસ બર્ટનની સાહસવૃત્તિથી ભરપૂર જિંદગી પર નજર કરીએ તો આ પ્રકારની શંકા થવાના મજબૂત કારણો પણ મળે છે. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં સૈનિક તરીકે જોડાયો ત્યારે તેનું પોસ્ટિંગ ૧૮મી બોમ્બે નેટિવ ઈન્ફન્ટ્રીમાં કરાયું હતું, જેનું વડુંમથક ગુજરાતમાં હતું. બર્ટન જુદા જુદા પ્રદેશોના લોકોના વર્તન, મનોવિજ્ઞાન, રીતરિવાજો, સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને સેક્સ્યુઅલ બિહેવિયરમાં ઊંડો રસ લેતો. એક ખૂબ જ રસપ્રદ વાત. બર્ટને ગુજરાતમાં સમય વીતાવ્યો ત્યારે ગુજરાતી ભાષા શીખી હતી. આ સિવાય ભારતમાં તે હિંદુસ્તાની, મરાઠી, પંજાબી, સિંધી, ફારસી અને ઉર્દૂ પણ શીખ્યો. એક નાગર બ્રાહ્મણ પાસે હિંદુ ધર્મનું જ્ઞાન મેળવતો. બર્ટને દાવો કર્યો હતો કે, મારા બ્રાહ્મણ શિક્ષકે મને દીક્ષા આપીને જનોઈ પહેરવાની મંજૂરી આપી છે. જોકે, આ દાવાને લઈને ઈતિહાસકારો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે. ભારતમાં તેણે પહેલીવાર મદારીઓ જોયા. મદારીઓ પાસેથી તેણે સાપ પકડવાની અને માંકડા પાળવાની વિદ્યા શીખી. તેને આશા હતી કે, એક દિવસ તે પાલતુ બંદરોની ભાષા પણ શીખી લેશે. ભારતની આદિજાતિઓ સાથે રખડપટ્ટી કરીને તે બાજ પાળીને શિકાર કરવાની કળા પણ શીખ્યો અને એક પુસ્તક લખ્યું, 'ફાલ્કનરી ઈન ધ વેલી ઓફ ઈન્દૂસ'.

કંઈક નવી વાત જાણવાના હેતુથી બર્ટન સાધુ-બાવા સાથે અનેકવાર અફીણ અને ભાંગનો નશો કરવા પહોંચી જતો. બર્ટનનું વર્તન જોઈને બ્રિટીશરોને પણ શરૂઆતમાં તે અસંસ્કૃત (અનસિવિલાઈઝ્ડ) લાગતો, પરંતુ એવું હતું નહીં. આત્યંતિક કહી શકાય એવી કુતુહલવૃત્તિના કારણે બર્ટન એવું વર્તન કરતો. એકવાર બર્ટન કોલેરામાં પટકાયો અને યુરોપ પાછો જતો રહ્યો, પરંતુ ૧૮૫૧માં વધુ આક્રમક થઈને બહાર આવ્યો. એ વર્ષે રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ આફ્રિકામાં કેટલાક મહત્ત્વાકાંક્ષી એક્સપ્લોરેશન કરવાનું નક્કી કર્યું. બર્ટનને ફેલોશિપ લઈને કામ કરવાની તક મળી ગઈ. ભારતમાં તે મુસ્લિમ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે ઘણું બધું શીખ્યો હતો, જે તેને આફ્રિકાના ઈસ્લામિક દેશોમાં કામ લાગવાનું હતું. બર્ટન થોડા જ સમયમાં આફ્રિકા પહોંચી ગયો અને ૧૮૫૩માં એક સાહસભર્યો નિર્ણય લીધો, હજ કરવાનો. એ જમાનામાં કોઈ બિન-મુસ્લિમ મક્કા-મદીના જતા પકડાય તો ક્રોસ પર લટકાવીને મારી નંખાતા અથવા ગુલામ તરીકે વેચી દેવાતા. જોકે, બર્ટન કોઈ પણ સાંસ્કૃતિક માહોલની રીતભાત શીખીને તેમાં સહેલાઈથી પોતાની જાતને ઢાળી શકતો. હજ કરવા તે હાજી અબ્દુલ્લા યઝદી નામ અપનાવીને સિંધ પ્રાંતના મુસ્લિમ યાત્રાળુઓના જૂથમાં જોડાઈ ગયો. બર્ટન સિંધી ભાષા પણ જાણતો. જોખમો ખેડવાની સાથે તે સાવચેત પણ રહેતો. હજ કરતા પહેલાં તેણે સુન્નત સુદ્ધાં કરાવી લીધી હતી. 

હજ વખતે બર્ટને તૈયાર કરેલો પોતાનો સ્કેચ

એ પ્રવાસમાં લૂંટારુઓએ બર્ટનના કાફલા પર જીવલેણ હુમલો કરીને તેના ૧૨ સાથીદાર અને સાત ઊંટને મારી નાંખ્યા. આવી મુશ્કેલીઓ વેઠીને તે મક્કા પહોંચ્યો અને ત્યાં જઈને તમામ ધાર્મિક વિધિ-પ્રાર્થનામાં ભાગ લીધો અને બધું બરાબર સમજીને પાછો ફર્યો. બર્ટન પહેલાં એક-બે યુરોપિયને હજ કરી હતી, પરંતુ બર્ટને આખીયે હજ યાત્રાની રજેરજની વિગતો સમજાવતું પુસ્તક લખ્યું, 'પિલગ્રિમેજ ટુ અલ મદીના એન્ડ મક્કા'. એટલું જ નહીં, તેણે હજ વખતે પહેરેલા સફેદ ડગલા પર મસ્જિદનું ચિત્ર પણ દોરી લીધું. આ તો નાનકડી શરૂઆત હતી. આફ્રિકાના અંતરિયાળ પ્રદેશોમાં ડોકિયું કરવા માંગતી રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૫૪માં બર્ટનને યમન મોકલ્યો. ત્યાંથી બર્ટનને હરાર (આજનું ઈથોપિયા)માં પ્રવેશીને સ્થાનિક સ્થિતિનો વિગતવાર અહેવાલ આપવાનો હતો. એ પ્રદેશોમાં જઈને બર્ટન આફ્રિકાના મહાકાય સરોવરો જોવા માંગતો હતો. એ જાદુઈ સરોવરોની વાતો તેણે આરબ વેપારીઓ અને પ્રવાસીઓ પાસેથી સાંભળી હતી. બર્ટને ઈથોપિયાના અંતરિયાળ વિસ્તારોમાં જઈને એ સપનું પણ પૂરું કર્યું. તેના પહેલાં એકેય યુરોપિયન ઈથોપિયામાં પ્રવેશ્યો પણ ન હતો. એ પ્રવાસમાં પણ તેણે સોમાલિયન લૂંટારુઓનો સામનો કર્યો, ઈજાગ્રસ્ત થયો અને જેલમાં પણ ગયો. રોયલ જિયોગ્રાફિક સોસાયટીની દૃષ્ટિએ એ પ્રવાસ નિષ્ફળ હતો, પરંતુ બર્ટન પાસે અનુભવનો ખજાનો હતો. તેણે એક પુસ્તક લખ્યું, 'ફર્સ્ટ ફૂટસ્ટેપ ઈન ઈસ્ટ આફ્રિકા'. આફ્રિકામાં ગાળેલા સમય દરમિયાન બર્ટન હિબ્રુ, એગબા, સ્વાહિલી અને અસાન્તે જેવી ભાષાઓ શીખ્યો.

૧૮૫૬માં રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ફરી એકવાર બર્ટનને ટાન્ઝાનિયા-ઝાંઝીબાર મોકલવાનું નક્કી કર્યું. ત્યાં જઈને બર્ટને સ્થાનિક સંસ્કૃતિ અને વેપારની શક્યતાઓ વિશે અહેવાલ તૈયાર કરવાનો હતો. આ પ્રવાસની સાથે તેણે એક બહુ જ મોટી સિદ્ધિ હાંસલ કરી, નાઈલ નદીનું મૂળ શોધવાની. આ ઉપરાંત તેણે અનેક સરોવરોના વિગતવાર નકશા પણ તૈયાર કર્યા. બર્ટને કરેલું કામ બ્રિટીશ રાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું હતું. રઝળપાટ કરતી વખતે બર્ટને સાહિત્ય ક્ષેત્રે પણ એક જબરદસ્ત કામ કર્યું, આફ્રિકાના વિખ્યાત પુસ્તક 'વન થાઉઝન્ડ એન્ડ વન નાઈટ્સ'નો પહેલો અંગ્રેજી અનુવાદ કરવાનું. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિને બર્ટને, ‘ધ બુક ઓફ ધ થાઉઝન્ડ નાઈટ્સ એન્ડ નાઈટ’ જેવું સ્ટાઈલિશ નામ આપ્યું. આજે આ પુસ્તકને દુનિયા 'અરેબિયન નાઈટ્સ' તરીકે ઓળખે છે. આ પુસ્તક કોઈ એક જ લેખકનું સર્જન નથી. આઠમીથી ૧૩મી સદી ઈસ્લામનો સુવર્ણયુગ ગણાય છે. એ ગાળામાં આફ્રિકા અને દક્ષિણ એશિયામાં સુંદર લોક સાહિત્ય સર્જાયું. અનેક લેખકોએ, અનેક સદીઓ સુધી આ સાહિત્યને એકઠું કર્યું, જેનું સમયાંતરે એક પુસ્તકના સ્વરૂપમાં સર્જન થયું. આપણે 'અરેબિયન નાઇટ્સ'ને 'અલીબાબા અને ચાલીસ ચોર', 'અલાદ્દીનનો ચિરાગ', 'સિંદબાદ અને નાવિક'ની વાર્તાઓના કારણે જાણીએ છીએ, પરંતુ તેના દસ દળદાર ભાગમાં બીજું પણ ઘણું બધું છે.


અરેબિયન નાઈટ્સના દસમા ભાગમાં બર્ટને સમલૈંગિકો
વિશે લખેલા નિબંધ, ‘ટર્મિનલ’ની ઝલક 

રોયલ જિયોગ્રાફિક સોસાયટીના મેગેઝિનમાં બર્ટનને અપાયેલી શ્રદ્ધાંજલિ. બર્ટનના નામની
પાછળ બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત  કે.સી.એમ.જી. પુરસ્કારનું લટકણિયું છે, જેનો અર્થ
નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સેંટ માઈકલ એન્ડ સેંટ જ્યોર્જ એવો થાય છે

આ પુસ્તકના દસમા ભાગમાં 'ટર્મિનલ' નામના નિબંધમાં બર્ટને સમલૈંગિકતા અને આફ્રિકાના (ખાસ કરીને ઇસ્લામિક દેશોમાં) લોકોના સેક્સ્યુઅલ બિહેવિયર વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી છે. સેક્સને લગતી વાતો પર ખૂબ ભાર મૂક્યો હોવાથી બર્ટને કરેલા અનુવાદની એ વખતે ટીકા પણ થઈ હતી. બિભત્સ લખાણને લગતા કાયદાના કારણે તેનું પુસ્તક પ્રકાશિત કરવા કોઈ તૈયાર પણ ન હતું. જોકે ભારતમાં કાર્યરત કામસૂત્ર સોસાયટીએ અગાઉથી લવાજમ ભરનારા ગ્રાહકો માટે તે ખાનગી ધોરણે છાપ્યું હતું. બ્રિટીશ લેખક અને અનુવાદક ફોર્સ્ટર ફિટ્સજેરાલ્ડ આર્બથનોટે આ સોસાયટી સ્થાપી હતી. કેટલાક લોકો બર્ટનને 'કામ સૂત્ર'ના લેખક તરીકે પણ ઓળખે છે પણ એ ગેરમાન્યતા છે. બર્ટનની સંસ્કૃત પર હથોટી નહોતી. 'કામ સૂત્ર'નો અનુવાદ ખુદ આર્બથનોટે કર્યો હતો. બર્ટને આફ્રિકાના 'કામ સૂત્ર' ગણાતા 'ધ પર્ફમ્યૂડ ગાર્ડન'નો અનુવાદ કર્યો હતો.

બર્ટને કુલ ૪૮ દળદાર પુસ્તક લખ્યા. આજેય દુનિયાભરમાં બર્ટન અને તેના પુસ્તકો વિશે લખાતું રહે છે. દુનિયાના અનેક દિગ્ગજ લેખકોએ બર્ટનનું જીવનચરિત્ર લખ્યું છે અને હોલિવૂડમાં પણ અનેક ફિલ્મો બની છે. બર્ટનના (૧૮૨૧-૧૮૯૦) મૃત્યુના ઘણાં સમય પછી 'ટાઈમ' મેગેઝિને તેને 'મોસ્ટ રિમાર્કેબલ મેન ઓફ હિઝ ટાઈમ' કહીને સન્માન આપ્યું હતું.

બર્ટન કહેતો કે, હું વિવિધ ધર્મોનો જેમ જેમ અભ્યાસ કરતો ગયો તેમ તેમ હું દૃઢપણે માનતો થઈ ગયો કે, માણસે પોતાની જાત સિવાય કોઈની પૂજા કરવાની જરૂર નથી...

18 September, 2018

નીલ આર્મસ્ટ્રોંગની મુંબઈ અને વાયા જયપુર દિલ્હી મુલાકાત


આ કમનસીબ ઘટના છે. અમેરિકાએ મેળવેલી એ સિદ્ધિ માટે જાણે તેઓ શરમ અનુભવી રહ્યા છે. આ તો ભયંકર બાબત કહેવાય. તમે નીલ આર્મસ્ટ્રોંગ અથવા ચંદ્ર પર એપોલો ૧૧એ ઉતરાણ કર્યું એ વાત યાદ કરો એટલે તમારા મગજમાં અમેરિકાનો ઝંડો આવવો જ જોઈએ. આ જ કારણથી હું એ ફિલ્મ નહીં જોઉં...

‘ફર્સ્ટ મેન’માં આર્મસ્ટ્રોંગની ભૂમિકામાં રયાન ગોસલિંગ

નિવેદન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. ચંદ્રની ધરતી પર જનારા પહેલા માનવી નીલ આર્મસ્ટ્રોંગના જીવન પર આધારિત 'ફર્સ્ટ મેન' ફિલ્મના વિરોધમાં તેમણે આ જાહેરાત કરી હતી. 'ફર્સ્ટ મેન' હજુ અમેરિકામાં રિલીઝ પણ નથી થઈ, ૧૨મી ઓક્ટોબરે થવાની છે. વાત એમ છે કે, ૨૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં 'ફર્સ્ટ મેન' પ્રદર્શિત કરાઈ અને કેટલાક વિવેચકોએ વાંધો ઉઠાવ્યો કે, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર અમેરિકાનો ધ્વજ ફરકાવતા હોય એ દૃશ્ય ફિલ્મમાં હોવું જ જોઈએ, પણ નથી! આ વાતથી અનેક અમેરિકનોની લાગણી દુભાઈ. એ પછી ફિલ્મનો વિરોધ કરવા અનેક લોકોએ, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર અમેરિકન ઝંડો ફરકાવતા હોય, એવી તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર પર 'પ્રાઉડ ટુ બી એન અમેરિકન', 'એપોલો ૧૧', 'રોડ ટુ એપોલો ૫૦', 'જુલાઈ ૧૯૬૯', 'ઓનર' અને 'વન નેશન' જેવા હેશટેગનો ટ્રેન્ડ શરૂ થયો અને નીલ આર્મસ્ટ્રોંગની સિદ્ધિઓ વિશે ફરી એકવાર ચર્ચા છેડાઈ.

***

આ ફિલ્મ હજુ ભારતમાં રિલીઝ થઈ નથી, પરંતુ આપણે નીલ આર્મસ્ટ્રોંગે ભારતની મુલાકાત લીધી હતી એ વિશે એક-બે ઐતિહાસિક ઘટના યાદ કરીએ. 

૨૬મી ઓક્ટોબર, ૧૯૬૯ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઑલ્ડરિન અને માઈકલ કોલિન્સ વ્હાઈટ હાઉસના એક ખાસ વિમાનમાં મુંબઈની મુલાકાતે આવ્યા હતા. બપોરે આશરે ૨:૪૫ વાગ્યે તેમના વિમાને મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે મુંબઈ એરપોર્ટ પર વીસેક હજાર લોકો તેમને જોવા ઊમટી પડ્યા હતા. આર્મસ્ટ્રોંગ પછી ચંદ્રની ધરતી પર પગ મૂકનારા બીજા માણસ હતા, બઝ ઑલ્ડરિન. આર્મસ્ટ્રોંગ અને ઑલ્ડરિને ચંદ્ર પર બે કલાક અને એક મિનિટનો સમય વીતાવ્યો હતો. એ વખતે માઈકલ કોલિન્સે ચંદ્ર પર પાર્ક કરેલા અવકાશયાનનું સુકાન સંભાળ્યું હતું. મુંબઈમાં આ ત્રણેય અવકાશયાત્રીના સ્વાગતની જવાબદારી અમેરિકાના ભારતસ્થિત રાજદૂત કેનેથ કિટિંગને સોંપાઈ હતી. સુરક્ષાના પ્રશ્નો અત્યંત જટિલ હતા. અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશી સિદ્ધિઓ મેળવવા ગળાકાપ હરીફાઈ ચાલી રહી હતી. અવકાશયાત્રીઓનું અપહરણ થઈ જવાનો પણ અમેરિકાને ડર હતો.


નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઑલ્ડરિન અને માઈકલ કોલિન્સ
અવકાશયાત્રીઓને ખુલ્લી કારમાં બેસાડીને મુંબઈમાં હોટેલ તાજ સુધી લઈ જવાયા
એ ‘લાઈફ’ મેગેઝિનની આર્કાઈવમાંથી લીધેલી દુર્લભ તસવીર

આ પ્રકારના જોખમો વચ્ચે પણ અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને ત્રણેય અવકાશયાત્રીને વિશ્વ પ્રવાસે મોકલવાનો નિર્ણય લીધો હતો. નિક્સન ઈચ્છતા હતા કે, અમેરિકાએ અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી દુનિયા વાકેફ થાય. નિક્સન રશિયનોને બતાવી દેવા માંગતા હતા કે, અવકાશ ક્ષેત્રે અમેરિકા સામે તમારો ગજ વાગી શકે એમ નથી. આ અવકાશયાત્રીઓ મુંબઈ આવતા પહેલાં દુનિયાના ૧૯ દેશનો પ્રવાસ કરી ચૂક્યા હતા. મુંબઈ એરપોર્ટ પરથી બહાર નીકળતા જ આર્મસ્ટ્રોંગ સહિત ત્રણેય અવકાશયાત્રીને ખુલ્લી કારમાં બેસાડીને માહિમ, પ્રભાદેવી, વરલી નાકા, હાજી અલી, કેમ્પ્સ કોર્નર, ચોપાટી, મરીન ડ્રાઈવ અને આઝાદ મેદાન થઈને હોટેલ તાજ લઈ જવાયા. રોડ શૉમાં આશરે દસ લાખ ભારતીયોએ ત્રણેય અવકાશયાત્રીનું અભિવાદન કર્યું, જેમાં ભારતના પરમાણુ બોમ્બના પિતામહ્ ગણાતા રાજા રામન્ના અને તેમના પુત્રી નિરુપા પણ સામેલ હતા. એ જ દિવસે સાંજે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં રામન્ના અને આર્મસ્ટ્રોંગની મુલાકાત થઈ. એ વખતે એટમિક કમિશનના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ હતા. તેમણે આર્મસ્ટ્રોંગને હાથીની મૂર્તિ ભેટમાં આપી હતી.

તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી આ પ્રકારનો મેગા શૉ રાજધાની દિલ્હીમાં થાય એમ ઈચ્છતા હતા, પરંતુ કદાચ અમેરિકાએ સુરક્ષાના કારણસર મુંબઈને પસંદ કર્યું હતું. મુંબઈ મુલાકાત પછી ત્રણેય અવકાશયાત્રીએ દિલ્હીની ઊડતી મુલાકાત લીધી હતી. એ પહેલાં બીજી પણ એક રસપ્રદ ઘટના બની. આ ત્રણેય અવકાશયાત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકા તેમના પ્રવાસનું ચોક્કસ આયોજન જ નહોતું કર્યું. વિશ્વના અનેક દેશોના સરકારી મહેમાન તરીકે જવાનું હોવા છતાં અમેરિકા છેલ્લી ઘડીએ તેમના પ્રવાસની તારીખો, સમય અને સ્થળ બદલી નાંખતુ. આ કારણસર તેઓ મુંબઈ પણ એક દિવસ વહેલા પહોંચ્યા હતા. મુંબઈની મહેમાનગતિ માણ્યા પછી ત્રણેય અવકાશયાત્રીને એક જ વિમાનમાં બેસીને દિલ્હીથી બીજા કોઈ દેશના પ્રવાસે જવાનું હતું. જોકે, અમેરિકાએ એ યોજના રદ કરી અને ત્રણેયને એક દિવસ રાજસ્થાન મોકલીને જયપુર રોકાવાની વ્યવસ્થા કરી.


ઓમકારસિંઘની (જમણે) ડેવિડ રોજર્સ અને નીલ આર્મસ્ટ્રોંગ સાથે
તેમના ઘરની દીવાલ પર શોભતી તસવીર (સૌજન્યઃ સંગીતા પ્રવીણેન્દ્ર)
રાજસ્થાનના એક ખેતરમાં (વચ્ચે ડાર્ક ટી-શર્ટમાં )  નીલ આર્મસ્ટ્રોંગ
(સૌજન્યઃ અમેરિકન દૂતાવાસ, દિલ્હી)

આ દરમિયાન જયપુરમાં એક આઈએએસ અધિકારીને આર્મસ્ટ્રોંગ સાથે 'ક્વૉલિટી ટાઈમ' વીતાવવાની તક મળી હતી. એ સરકારી અધિકારી એટલે રાજસ્થાન કૃષિ વિભાગના તત્કાલીન ઉપ સચિવ ઓમકારસિંઘ ઠાકુર. અત્યારે તેમની ઉંમર ૯૮ વર્ષ છે, પરંતુ યાદશક્તિ એટલી મજબૂત છે કે આર્મસ્ટ્રોંગ સાથેની મુલાકાત વિશે તેઓ મીડિયાકર્મી સાથે વિગતવાર વાત કરી શકે છે. ઓમકાર સિંહ અને આર્મસ્ટ્રોંગની મુલાકાત રસપ્રદ રીતે થઈ હતી. એ જમાનામાં અમેરિકાએ વિકાસશીલ દેશોમાં ખેતી, પશુપાલન અને માછીમારી જેવા ઉદ્યોગો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું હતું. પીસ કોર્પ્સ નામની સંસ્થાની મદદથી અમેરિકા રાજસ્થાનમાં પણ આ કામ કરતું હતું. રાજસ્થાનના વિવિધ જિલ્લામાં પીસ કોર્પ્સના ૧૧ કાર્યકર હતા, જેમના વડા બ્રેડમેન નામના એક અમેરિકન હતા. બ્રેડમેને જ ઓમકારસિંઘને ફોન કરીને કહ્યું હતું કે, સાંજે તૈયાર રહેજો, એક ખાસ મહેમાનને મળવાનું છે. એ મહેમાન કોણ એ બ્રેડમેન કહેવા નહોતા માંગતા, પરંતુ ઓમકારસિંઘની જિદ સામે તેઓ ઝૂકી ગયા. નીલ આર્મસ્ટ્રોંગનું નામ સાંભળતા જ ઓમકારસિંઘ ચોંક્યા. તેમણે બ્રેડમેનને તુરંત જ પૂછ્યું કે, આ વિશે કોણ જાણે છે? બ્રેડમેને કહ્યું: કોઈ નહીં, તમે પણ કોઈને ના કહેતા...

જોકે, આર્મસ્ટ્રોંગને ગૂપચૂપ મળવાના સપનાં જોતા ઓમકારસિંઘ એક વાતથી પરેશાન હતા. આર્મસ્ટ્રોંગ સરકારી મહેમાન હતા અને પોતે ઉચ્ચ સરકારી અધિકારી. એટલે જ્યાં સુધી રાજસ્થાનના તત્કાલીન મુખ્ય મંત્રી મોહનલાલ સુખડિયા કે તેમના મુખ્ય સચિવનું આમંત્રણ ના મળે ત્યાં સુધી આર્મસ્ટ્રોંગને મળી ના શકે. ચાલાક બ્રેડમેને તેનો પણ રસ્તો કાઢ્યો. બ્રેડમેને આર્મસ્ટ્રોંગ સાથેની મુલાકાત માટે પોતાનું ઘર પસંદ કર્યું અને નક્કી કર્યું કે, મુખ્ય મંત્રી અને મુખ્ય સચિવ સાથે આર્મસ્ટ્રોંગની ઉડતી મુલાકાત કરાવીને વિદાય કરી દેવા અને ત્યાર પછી ઓમકારસિંઘને બોલાવીને શાંતિથી વાતો કરવી. આ યોજના ધાર્યા પ્રમાણે સફળ રહી. મોહનલાલ સુખડિયા આર્મસ્ટ્રોંગ સાથે થોડો સમય વીતાવીને નીકળી ગયા અને મુખ્ય સચિવ રાજસ્થાનમાં હાજર નહીં હોવાથી આવી ન શક્યા. 

મુલાકાતમાં બ્રેડમેને પીસ કોર્પ્સ-તહેરાનના વડા ડેવિડ રોજર્સને પણ સામેલ કર્યા હતા. આર્મસ્ટ્રોંગ અમેરિકાથી પોતાની સાથે બર્બન વ્હિસ્કી લાવ્યા હતા. આર્મસ્ટ્રોંગ સાથે બ્રેડમેન, ઓમકારસિંઘ અને રોજર્સે ગપ્પા મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન બીજા પણ કેટલાક મહેમાનો હતા, જે બધા સામે બ્રેડમેનના પત્નીએ કથ્થક નૃત્ય રજૂ કર્યું. તેઓ જયપુર ઘરાનાના વિદ્યાર્થિની હતા. એ નૃત્ય જોઈને આર્મસ્ટ્રોંગ ખુશખુશાલ થઈ ગયા હતા. અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, આર્મસ્ટ્રોંગ જેવા 'સેલિબ્રિટી' અવકાશયાત્રી પીસ કોર્પ્સના અધિકારી બ્રેડમેનનું અને બ્રેડમેન ઓમકારસિંઘનું આટલું સન્માન કેમ કરતા હતા? રસપ્રદ વાત એ છે કે, આર્મસ્ટ્રોંગ પણ એક સમયે પીસ કોર્પ્સ’માં કામ કરતા હતા અને તેથી ભારતમાં ચાલતી વિવિધ કૃષિલક્ષી યોજનાઓમાં તેમને ખાસ રસ હતો, જ્યારે બ્રેડમેન અને ઓમકારસિંઘ ખાસ મિત્રો હતા. ઓમકારસિંઘ પહેલાંના કૃષિ સચિવ સાથે બ્રેડમેનને જામતું નહી, યોજનાઓ અટવાઈ જતી, પરંતુ ઓમકારસિંઘના હકારાત્મક વલણથી બ્રેડમેન ખુશ હતા. 
ઈન્દિરા ગાંધી સાથે નીલ આર્મસ્ટ્રોંગ

જયપુરમાં ઓમકારસિંઘ સાથે બહુ બધી વાતો કર્યા પછી આર્મસ્ટ્રોંગની જયપુર જોવાની પણ ઈચ્છા હતી, જે પૂરી ના થઈ. તેમણે એ જ દિવસે દિલ્હી જવા નીકળવું પડ્યુંઓમરકારસિંઘે પાછલી જિંદગીમાં બે વાર અમેરિકાની મુલાકાતે ગયા, પરંતુ આર્મસ્ટ્રોંગને એક પણ વાર મળી ના શક્યા. અમેરિકાની બીજી મુલાકાત વખતે ઓમકારસિંઘે વૉશિંગ્ટન મ્યુઝિયમની મુલાકાત લઈને સંતોષ માન્યો હતો, જ્યાં આજેય એપોલો- પ્રદર્શિત કરાયેલું છે, જેમાં બેસીને આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયા હતા. 

આર્મસ્ટ્રોંગની સેન્સ ઓફ હ્યુમર કેટલી તેજ હતી, એ વાતની સાબિતી આપતો એક કિસ્સો જોઈએ. દિલ્હીમાં આર્મસ્ટ્રોંગની મુલાકાત વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને વિદેશ મંત્રી નટવર સિંઘ સાથે થઈ. આ મુલાકાત વખતે નટવર સિંઘે વાતવાતમાં આર્મસ્ટ્રોંગને કહ્યું કે, ૨૦મી જુલાઈ, ૧૯૬૯ના રોજ તમે ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાના હતા એ દૃશ્ય જોવા અમારા 'મેડમ' પરોઢિયે સાડા ચાર વાગ્યા સુધી જાગ્યા હતા. આ વાત સાંભળીને આર્મસ્ટ્રોંગે સિક્સર ફટકારતા કહ્યું કે, 'તમને તકલીફ પડી એ બદલ મેડમ પ્રાઈમ મિનિસ્ટર હું તમારી માફી માંગુ છું. હવે બીજી વાર ચંદ્ર પર જઈએ ત્યારે અમે પૃથ્વી પરના સમયને ધ્યાનમાં રાખીશું.' ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ (જન્મઃ પાંચમી ઓગસ્ટ, ૧૯૩૦) નું અવસાન થયા પછી ખુદ નટવરસિંઘે આ વાત કરી હતી.

આ મહાન અવકાશયાત્રીએ પાછલી જિંદગી ઓહાયોમાં એક ફાર્મ ખરીદીને પશુપાલન કરવામાં વીતાવી હતી. એ સિવાય તેઓ ફક્ત શિક્ષણ ક્ષેત્રમાં રસ લેતા. નીલ આર્મસ્ટ્રોંગે નવેમ્બર ૧૯૭૦માં પણ ફરી એકવાર દિલ્હીની મુલાકાત લીધી હતી. એ વખતે તેમણે બલૂનિંગ ક્લબ ઓફ ઈન્ડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી નવેમ્બર ૧૯૯૫માં તેઓ છેલ્લીવાર ભારતમાં મુંબઈના મહેમાન બન્યા હતા. 

17 September, 2018

ઈકો વિલેજ: ભારતના સાચા વિકાસનો જવાબ


સુરત નજીક એક નાનકડું ગામ છે, ધજ. થોડા સમય પહેલાં આ ગામને દેશનું સૌથી પહેલું ઈકો વિલેજ જાહેર કરાયું હતું. ઈકો વિલેજ એટલે સ્થાનિક લોકો અને પર્યાવરણ એ બંનેને ધ્યાનમાં રાખીને વિકસાવેલું મોડેલ. આ પ્રકારના ગામમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી હોય એ તમામ બાબત પર ભાર મૂકાયો હોય. ટકાઉ એટલે એવો વિકાસ જેનાથી માણસો અને પર્યાવરણને લાંબા ગાળે નુકસાન ના થાય. જેમ કે, પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા, વરસાદી પાણી વહી ના જાય એ માટે રિચાર્જવેલ, સજીવ ખેતીને પ્રોત્સાહન, બાયોગેસ-સૌર અને પવન ઊર્જાનો મહત્તમ ઉપયોગ, પ્રવાહી અને ધન કચરાના નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, બાયોટોઈલેટ તેમજ ખેડૂતો કૃષિ અને ગ્રામીણ મહિલાઓ પશુપાલન કે હસ્તકલા જેવા પરંપરાગત વ્યવસાયમાં આગળ વધી શકે એ બધી જ સુવિધા.

ઈકો વિલેજના આ પાયાના માપદંડો છે, પરંતુ સ્થાનિક વસતીની સંસ્કૃતિ, પરંપરાઓ, પર્યાવરણ અને જરૂરિયાતો મુજબ તેમાં ફેરફારો થઈ શકે. ધજ ગામ હવે પાંચેક લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. અગાઉ ધજમાં વરસાદી પાણી વહી જતું, પરંતુ હવે ત્યાં પાંચ રિચાર્જ વેલ છે, જેના કારણે ભૂગર્ભ જળસપાટી પણ ઊંચી આવી છે. લોકો સૌરઊર્જાનો ઉપયોગ કરે છે એટલે વીજળી પર આધાર નથી રાખવો પડતો. વીજળી બચે એ પાછો બીજો ફાયદો. જો ગામડાંમાં 'સ્વચ્છ' ઊર્જાને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તો થોડા વર્ષોમાં અડધા ભારતને આપોઆપ એક્સટર્નલ ગ્રીડમાંથી મુક્તિ મળી જાય. આ ઉપરાંત ધજ ગામે બાયોગેસ અપનાવતા આસપાસના જંગલ વિસ્તાર પર ભારણ ઘટ્યું છે. વાયુ પ્રદૂષણ પણ ઓછું થયું છે. બાયોગેસ મળવાથી લોકો પ્રેશરકૂકરનો ઉપયોગ કરે છે, જેના કારણે નાનકડા ઘરોમાં રસોઈ કરતી મહિલાઓના શ્વાસમાં ચૂલાના ઝેરી ધુમાડા જતા નથી. અમેરિકાની મિશિગન યુનવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઈકો વિલેજનો અભ્યાસ કરવા ધજની મુલાકાત લઈ ચૂક્યા છે.

શું આપણે ભારતના સાતેક લાખ ગામડાંને ઈકો વિલેજમાં પરિવર્તિત ના કરી શકીએ? દેશની વસતી ૧૩૨ કરોડ અને ૪૨ લાખે પહોંચી ગઈ છે. પર્યાવરણના મુખ્ય ચાર સ્રોત પાણી, વાયુ, ઊર્જા અને જમીન ખૂટી ગયા છે અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાંથી મોટા શહેરો તરફ સ્થળાંતર વધી રહ્યું છે, જેના કારણે બેફામ શહેરીકરણ, ગીચતા, બિમારીઓ, ગંદી ઝૂંપડપટ્ટીઓ, ટ્રાફિક અને પાર્કિંગ સહિતની મુશ્કેલીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરોને જોઈને ગ્રામીણ ભારતમાં હજુ પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે, વિકાસના ફળ તમામ લોકો સુધી પહોંચ્યા નથી. આર્થિક અસમાનતા વધી રહી છે. નાના અને મધ્યમ ખેડૂતોની આવક સતત ઘટી રહી છે.



આ સ્થિતિમાં ગામડાંમાં રહેતા યુવકો ખેતીમાં શું કામ રસ લે? ખેડૂતોની તો ધૂમ કમાણી કરે છે અને તેઓ કરવેરા પણ ભરતા નથી એવી દલીલ કરનારાને ખબર નથી કે, ગ્રામીણ ભારતમાં જેની પાસે જમીન છે એ ધનવાન છે, બાકીનો બહુ જ મોટો વર્ગ નાના ખેડૂતો અને ખેતમજૂરોનો છે. શહેરો કરતા ગામોમાં આર્થિક અસમાનતાનો પ્રશ્ન વધુ ઊંડો છે. ખેડૂતોની આત્મહત્યાના સત્તાવાર (રિપીટ, સત્તાવાર) આંકડા પર નજર કરો. દેશના તમામ રાજ્યોમાં ગામડાં વધારે છે પણ ૫૦ ટકાથીયે વધુ વસતી શહેરોમાં છે. જોકે, ગામડા ખાલી થવાનું કારણ એકલું રોજગારી નથી. ગામમાં રહેતો માણસ સારા જીવનધોરણની શોધમાં શહેર તરફ જાય છે. જેમ કે, શહેરોમાંથી અમેરિકા કે બીજા કોઈ દેશમાં સ્થાયી થતાં બધા જ લોકો કંઈ ડૉલરને પ્રેમ નથી કરતા. અનેક લોકો ફક્ત 'ક્વૉલિટી ઓફ લાઈફ' માટે બીજા દેશમાં જાય છે. આપણા અનેક મિલિયોનેર્સ-બિલિયોનેર્સ વિદેશોના નાગરિક છે, એનું કારણ પણ આ. એવી જ રીતે, ગામડાંમાં રહેતા માણસને પણ સારું શિક્ષણ અને આગળ વધવાની 'તક' જોઈએ છે. કોને પોતાના મૂળિયા તરફ જોડાઈ રહેવું ના ગમે?

ઈકો વિલેજની બીજી એક મહત્ત્વની શરત એ પણ છે કે, ગામડાં નજીક જ લોકોને ઉત્તમ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મળવું જોઈએ. ટૂંકમાં ગામડાંના લાખો રોજગારીની શોધમાં, વધુ કમાણીની લાલચમાં અને બાળકોને સારું શિક્ષણ આપવાના હેતુથી શહેરો તરફ આવી રહ્યા છે. આ બધું તેઓને ગામડાંમાં કે ગામડાં નજીક મળવું જોઈએ. શહેરીકરણ સાથે એક બીજો પણ મુદ્દો ગાઢ રીતે જોડાયેલો છે, પર્યાવરણ. દુનિયાભરના પર્યાવરણમાં મોટા પાયે ફેરફારો થવાના કારણે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. વળી, ભારતમાં બંધના પ્રમાણમાં સિંચાઈનું નેટવર્ક ઓછું છે. આ બંધ પાછા ભારે વરસાદના કારણે ભરાઈ જાય ત્યારે દરવાજા ખોલી નંખાય છે અને એમાં સૌથી પહેલો ભોગ લેવાય છે, ઊભા પાકનો. છેક ઉપરથી નીચે સુધી તમામ સ્તરે આવા મિસ મેનેજમેન્ટના કારણે કૃષિ અર્થતંત્રની ઘોર ખોદાઈ રહી છે. એક સમયે ભારતનું શહેરી અર્થતંત્ર પણ ખેડૂતોના કારણે ધબકતું રહેતું, પરંતુ આજના ખેડૂત દેવાના બોજ તળે દબાયેલા છે અને કૃષિ ધિરાણોની યોજનાઓ પણ અસરકારક નીવડી નથી. કૃષિ ધિરાણ યોજનાઓના આંકડા કહે છે કે, ભારતમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત રાખવા બનાવેલી કૃષિ યોજનાઓનો ભાગ્યેજ સારી રીતે અમલ થયો છે.

વળી, ભારતમાં પર્યાવરણને લગતા કાયદાનો અમલ ઢીલો છે, જેના કારણે ઔદ્યોગિકીકરણથી વધારે નુકસાન થઈ રહ્યું છે. શહેરોમાં રોજગારી ઊભી કરવાની યોજનાઓના અમલથી, નથી શહેરોમાં લાંબા ગાળાનો ફાયદો દેખાઈ રહ્યો, કે નથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતાઈ મળી રહી. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી યોજનાઓનો અમલ એટલો બધો બિનઅસરકારક છે કે, ત્યાં આકર્ષક રોજગાર ઊભા થાય એ પહેલાં લોકો શહેરોના ઔદ્યોગિક વિસ્તારો તરફ આવી જાય છે. દેશમાં સાત લાખ ગામડાં છે અને ગામડાંનો મુખ્ય વ્યવસાય સીધી કે આડકતરી રીતે કૃષિ જ છે. જો લાખો લોકો કૃષિથી દૂર જવાનું આવી જ રીતે ચાલશે તો ગ્રામીણ અર્થતંત્રની કમર તૂટી નહીં જાય?

કૃષિ અર્થતંત્રના જાણકારોનું માનવું છે કે, ગ્રામીણ ભારતનું અર્થતંત્ર ચેતનવંતુ કરવા એક ફૂલપ્રૂફ યોજનાની જરૂર છે. દેશમાં પાણી, જમીન અને ઊર્જાને લગતા વિપુલ સ્રોત છે. આ બધાનું યોગ્ય આયોજન કરવામાં આવે તો આપણે સ્વનિર્ભર થઈ શકીએ. આજે પણ ગામડાંમાં ખૂબ જ સારું વાતાવરણ છે, પૂરતા કુદરતી સ્રોતો છે અને આપણે તેને પ્રદૂષિત નહીં કરી દેવા જોઈએ. કેન્દ્ર સરકાર જ દરેક રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરનું આયોજન કરીને 'ઈકો વિલેજ'ની યોજનાનો અમલ કરાવી શકે. આ પ્રકારની યોજનાથી ગ્રામીણ ભારત જ નહીં, શહેરી ભારતની સુરત પણ બદલી શકાય. યુરોપના મોટા ભાગના દેશોએ ગ્રામીણ વિકાસ પર ઉદ્યોગો જેટલો જ ભાર મૂક્યો છે. જેમ કે, જર્મનીના ફ્રેઇમ્ટ નામના ઈકો વિલેજની વસતી ૪,૩૦૦ છે. આ તમામ લોકો માટે બાયોગેસ પ્લાન્ટ તેમજ સોલાર-વિન્ડ ઊર્જા પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૪ મિલિયન કિલોવોટ ઊર્જા મળે છે, જે તેમની જરૂરિયાત કરતા ત્રણ લાખ કિલોવોટ વધારે છે. જર્મનીના અનેક ગામો જરૂરિયાત કરતા ૩૦૦ ગણી વધારે ઊર્જાનું ઉત્પાદન કરે છે અને ભારતના કુદરતી સ્રોતો જોતા અહીં પણ આવું અર્થતંત્ર વિકસાવવાની પૂરેપૂરી શક્યતા છે. યુરોપના અનેક દેશોના ગામડાંરૂરિયાત કરતા વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે અને તેનું વેચાણ કરીને વર્ષેદહાડે લાખો યુરોની આવક પણ કરે છે.

ભારતમાં પણ ૨૦૧૩ની શરૂઆતમાં ઈકો વિલેજ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન પૂણે જિલ્લાની ૭૫૩ ગ્રામ પંચાયતોએ કેન્દ્ર સરકારે શરૂ કરેલી ઈકો વિલેજ યોજના માટે અરજી કરી હતી. જોકે, વાત આગળ ના વધી. આ યોજનાનો અમલ કરતી વખતે સરકારે લાંબા ગાળાના લક્ષ્યાંકો રાખવાના બદલે ફક્ત વૃક્ષો ઊગાડવાની અને અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા જેવી બાબતો પર જ ભાર મૂક્યો. છેવટે ઈકો વિલેજ યોજનાનો અમલ ઉપરછલ્લો, લોકરંજક અને ચૂંટણીલક્ષી બનીને રહી ગયો અને તેનો ફાયદો જ ના મળ્યો. યુરોપના જર્મની અને ફ્રાંસ જેવા અનેક દેશોમાં ઈકો વિલેજના કોન્સેપ્ટને ખૂબ જ આવકાર મળ્યો છે અને તેનો યોગ્ય રીતે અમલ પણ થઈ શક્યો છે, પરંતુ ભારત ગામડાંઓનો દેશ હોવા છતાં આ દિશામાં કોઈ જ ધ્યાન નથી અપાતું.

ઈકો વિલેજ કોન્સેપ્ટને અમલમાં મૂકીને યુરોપ 'ચેન્જ' લાવી શકે છે, તો ભારત કેમ નહીં? બસ જરૂર છે, રાજકીય ઈચ્છા શક્તિની!

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે. 

04 September, 2018

પૂરગ્રસ્ત કેરળની દિલધડક કહાની: ઓપરેશન કુટ્ટાનાડ


કેરળના લોકો છેલ્લાં ૧૦૦ વર્ષમાં ના આવ્યું હોય એવા ભયાવહ્ પૂરનો ભોગ બન્યા છે કારણ કે, ત્યાંના લોકો ગૌમાંસ ખાય છે. મલયાલી લોકો શાકાહારી હોત તો પૂ ના આવ્યું હોત! આ તેમનું જ પાપ છે.

કેરળના સબરીમાલા મંદિરમાં પાપીઓ મહિલાઓને પ્રવેશ આપવાની જિદ કરી રહ્યા છે એટલે ખુદ ભગવાન કુદરતી પ્રકોપનું રૂપ લઈને મલાયલીઓ પર તૂટી પડ્યા છે.

કેરળના પૂરમાં ફક્ત ધનિકોને જ નુકસાન થયું છે કારણ કે, ત્યાં તો ગરીબો છે જ નહીં. કેરળમાં ગરીબો નથી એટલે તમારે મદદ કરવી હોય તો પૈસા નહીં મજૂરો મોકલો, અને છતાં તમે પૈસા મોકલો તો ફલાણી સંસ્થાને જ મોકલજો.

કેરળમાં લાખો લોકો 'નાસ્તિક' ડાબેરીઓને મત આપે છે, એટલે ઈશ્વર તેમને સજા કરી રહ્યો છે...

કેરળમાં પૂ આવ્યા પછી ફૂલ ફ્લેજમાં બચાવકાર્ય શરૂ થતાં જ સોશિયલ મીડિયામાં કંઈક આ પ્રકારનો અત્યંત નિમ્ન કક્ષાનો 'રાજકીય એજન્ડા' શરૂ થઈ ગયો હતો. રાજકારણીઓના હાથા બનીને સામાન્ય લોકો પણ કુદરતી હોનારતને 'રાજકીય ચશ્મા' ચઢાવીને જોવા લાગ્યા હતા. કોઈ દરેક બાબતને 'કેસરી' ચશ્માથી જોવા લાગ્યું તો કોઈએ 'લીલા' કે 'લાલ' ચશ્મા પહેરી લીધા. આ બધી ભાંગજડ વચ્ચે પણ કેરળના પૂરમાં અનેક 'અનસંગ હીરો'એ માણસાઈના જોરે આવા રાક્ષસોને હરાવ્યા. કેરળના આવા જ એક કેટલાક હીરોની વાત કરીએ, જેમણે ફક્ત ત્રણ દિવસમાં ત્રણ લાખથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાનું દિલધડક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. 

***

આખો દેશ ૧૫મી ઓગસ્ટની 'રજાનો આરામ' ભોગવીને ૧૬મી ઓગસ્ટે ફરી એકવાર દોડી રહ્યો હતો ત્યારે કેરળ થંભી ગયું હતું. એ દિવસે કેરળના અલપ્પુઝા જિલ્લાના કુટ્ટાનાડ અને ચેંગનુર તાલુકાના બે બંધ ભારે વરસાદના કારણે છલોછલ ભરાઈ ગયા હતા. અનરાધાર વરસાદના કારણે બંને બંધ ખોલવા પડે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી. વળી, કુટ્ટાનાડ નીચાણવાળો વિસ્તાર. દુનિયામાં બહુ ઓછા સ્થળે દરિયાઈ સપાટીથી નીચેના પ્રદેશોમાં ખેતી થાય છે. કુટ્ટાનાડ એ પૈકીનું એક. અહીં દરિયાઈ સપાટીથી ૦.૬થી બે મીટર જેટલી નીચી સપાટીએ ખેતી થાય છે. આશરે ૨.૬૦ લાખ જેટલી વસતી ધરાવતા કુટ્ટાનાડમાં બે બંધના પાણી ફરે વળે તો મકાનો ધરાશાયી થાય, વૃક્ષો તૂટી પડે, ઊભો પાક પણ નષ્ટ થઈ જાય અને હજારો લોકોના મોતનું તાંડવ ખેલાવાની પૂરેપૂરી શક્યતા! આ સ્થિતિમાં પણ બે બંધના દરવાજા થોડી વારમાં ખૂલવાના જ હતા. કરવું શું? કુટ્ટાનાડમાંથી એકસાથે હજારો લોકોને રાહત છાવણીમાં કેમ લઈ જવા? આવું રેસ્ક્યૂ ઓપરેશન કરવાનો તો સમય જ નથી. માંડ ત્રણેક દિવસ બચ્યા છે.

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ઉપગ્રહમાંથી લીધેલી પૂર પહેલાની અને
પૂર પછીની કેરળની તસવીર. બીજી તસવીરમાં દેખાતો કાળો ભાગ
પૂરના કારણે થયેલી ખાનાખરાબી અને નષ્ટ થઈ ગયેલી ખેતી દર્શાવે છે.

૧૬મી ઓગસ્ટની એક સવારે કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક અને અલપ્પુઝાના સબ કલેક્ટર ક્રિશ્ના તેજા માયલાવારાપુ આ જ સવાલની આસપાસ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. માંડ અર્ધો કલાક ચર્ચા કરીને યુવાન આઈએએસ અધિકારી ક્રિશ્ના તેજાએ ક્ષણનોય વિલંબ કર્યા વિના મક્કમ અવાજમાં કહી દીધું કે, આખું કુટ્ટાનાડ અને ચેંગનુર ખાલી કરાવીશું... આ પ્રકારના નિર્ણય લેવા જબરદસ્ત સાહસ અને ઈચ્છાશક્તિ જોઈએ. નાણા મંત્રી આઈઝેક અને સબ કલેક્ટર ક્રિશ્ના તેજા વચ્ચેની ચર્ચા પૂરી થઈ ત્યાં જ સવારે દસેક વાગ્યે કલેક્ટર કચેરીમાં માહિતી મળી કે, બે બંધ ખોલી નાંખવામાં આવ્યા છે. આગામી ૪૮ કલાકમાં જ કુટ્ટાનાડમાં પાણીનું સ્તર જોખમી સ્તરે વધી જશે.

ક્રિશ્ના તેજાએ પૂરમાં પણ ફરજ બજાવવા આવેલા અમુક જિલ્લા અધિકારીઓની મીટિંગ બોલાવી. એ વખતે સવારના ૧૧:૦૦ વાગ્યા હતા. ક્રિશ્ના તેજાએ તેમનાથી ઘણી મોટી ઉંમરના અધિકારીઓને આદેશના સૂરમાં કહ્યું: ૪૮ કલાકમાં કુટ્ટાનાડમાંથી તમામ ઘર ખાલી કરાવવાના છે. જેમ બને તેમ ઝડપથી કામ ચાલુ કરો. આ દરમિયાન મોટા ભાગના અધિકારીઓને શંકા હતી કે, આવું ઓપરેશન શક્ય જ નથી. એ માટે પૂરતી સુવિધાઓ પણ નથી. અનેક લોકોએ ક્રિશ્ના તેજા સમક્ષ નારાજગી પણ દર્શાવી, પરંતુ નાણા મંત્રી આઈઝેક અને ક્રિશ્ના તેજા ઓપરેશન ચાલુ કરવા મક્કમ હતા. તેમનું કહેવું હતું કે, આપણે કોઈ પણ સંજોગોમાં આટલા બધા લોકોના જાન જોખમમાં ના મૂકી શકીએ. કુટ્ટાનાડ પહોંચવા માટે રસ્તા હોત તો બધાને સલામત સ્થળે ઝડપથી લઈ જઈ શકાય, પરંતુ રસ્તા તૂટી ગયા હતા અથવા પાણીમાં ડૂબેલા હતા. એટલે એક જ વિકલ્પ હતો, નાની-મોટી હોડીઓ લઈને ઘરે ઘરે પહોંચવું.

ક્રિશ્ના તેજાએ સવારે ૧૧:૦૦ વાગ્યે બોલાવેલી મીટિંગ મધરાત્રે ૩:૦૦ વાગ્યે પૂરી થઈ, ત્યાં સુધી તેઓ પોતાની ટીમ સમક્ષ એક ફૂલપ્રૂફ પ્લાન રજૂ કરી ચૂક્યા હતા. છેવટે મહા મુશ્કેલીઓ વચ્ચે ૧૭મી ઓગસ્ટના પરોઢિયે ૫:૩૦ વાગ્યે 'ઓપરેશન કુટ્ટાનાડ' શરૂ થયું. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, ઓપરેશન કુટ્ટાનાડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ૨૨૦ જવાનોની સાત ટીમ બનાવાઈ હતી. આ ઉપરાંત ચેંગાનુરમાં ભારતીય નૌસેનાની દસ અને સેનાની બે ટીમને સુકાન સોંપાયું. ફાયર બ્રિગેડ અને બીજી રેસ્ક્યૂ ટીમ પણ ૨૩ બોટ લઈને આવી પહોંચી, પરંતુ આટલી ઓછી હોડીઓથી કશું થઈ શકે એમ ન હતું.

કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક. પૂર દરમિયાન તેમણે ન્યૂઝ ચેનલો
પર આપેલા અનેક ઈન્ટરવ્યૂ યુ ટ્યૂબ પર અવેલેબલ છે

આ સ્થિતિમાં ઓપરેશન માટે વધુમાં વધુ હોડીઓ ભેગી કરવાનું કામ પણ ક્રિશ્ના તેજાએ શરૂ કર્યું. તેમણે કુટ્ટાનાડમાં ૨૫૦ હાઉસ બોટ, ૧૩૦ મોટર બોટ, ૫૦ સ્પિડ બોટ, નાના-મોટા તરાપા અને માછીમારોની હોડીઓ તેમજ આ હોડીઓ ચલાવી શકે એવા માણસો ભેગા કર્યા. દરેક હોડીમાં એક ટીમ લીડર નિમ્યો અને તેમને ઘરે ઘરે મોકલવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન માટે પોતાની હાઉસ બોટ આપવાની ના પાડી દીધી, પરંતુ સરકારે એલર્ટ જાહેર કરીને પોલીસને હાઉસ બોટ જપ્ત કરવાની સત્તા આપી દીધી હતી. એ સત્તાનો પણ લોકોને બચાવવા માટે ઉપયોગ કરાયો. આ દરમિયાન ક્રિશ્ના તેજાએ વધુ હોડીઓ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ પ્રમોશન કાઉન્સિલ્સની મદદ માંગી, અને, બચાવ કામગીરી માટે તબક્કાવાર કુલ ૨૦૦ નાની-મોટી હોડીઓ મળી ગઈ.

જોકે, આ ઓપરેશનની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે, લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવા તૈયાર ન હતા. દોઢ ડાહ્યા વડીલો રટણ કરતા હતા કે, કુટ્ટાનાડમાં ક્યારેય પૂરના પાણી આવ્યા જ નથી. આ પૂ અમને અસર નહીં કરે. ક્રિશ્ના તેજા બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતા, ત્યારે આવા જિદ્દી લોકોને સલામત સ્થળે લઈ આવવાનું કામ નાણા મંત્રી આઈઝેકે સંભાળી લીધું. તેમણે સલામત સ્થળે નહીં જવાની જિદ કરતા લોકોને ઘરોમાંથી કાઢવા દરેક હોડીમાં એક પોલીસ કે સેનાના જવાનને મોકલવાનું શરૂ કર્યું. યુનિફોર્મ જોઈને સામાન્ય લોકો 'હુકમ' માનવા લાગ્યા અને બચાવ ટીમનું કામ હળવું થઈ ગયું. આ કામગીરી ચાલુ હતી ત્યાં બંધના પાણી પણ ઘરોમાં ઘૂસવા માંડ્યા હતા, જેથી લોકો બચાવ ટીમ સાથે ફટાફટ હોડીઓમાં બેસીને સલામત સ્થળોએ જવા લાગ્યા. અમુક સ્થળે બચાવ કામગીરી માટે એરલિફ્ટિંગ પણ શરૂ કરાયું. આ ઓપરેશનમાં માછીમારો પણ હીરો સાબિત થયા. ફક્ત કુટ્ટાનાડમાં જ માછીમારોએ નિઃસ્વાર્થભાવે ૧૬ હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા.

અલપ્પુઝાના સબ કલેક્ટર ક્રિશ્ના તેજા (છેક ડાબે)

સામાન્ય રીતે, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત વખતે નેતાઓ હેલિકોપ્ટરમાંથી સર્વેક્ષણ કરતા હોય છે, ફૂડ પેકેટ ફેંકતા હોય છે, આઈએએસ અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને હુકમો છોડતા હોય છે અને આમ આદમી લાચાર બનીને સ્વકેન્દ્રિત બની જતો હોય છે. જોકે, ઓપરેશન કુટ્ટાનાડમાં ગંગા ઊલટી વહી રહી હતી. ભારતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એક મંત્રી ઘૂંટણસમા પાણીમાં ઉતરીને લોકોને સલામત સ્થળે જતા રહેવા સમજાવતો હતો, એક આઈએએસ અધિકારી પાણીમાં ઉતરીને બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતો અને માછીમારો જેવા સામાન્ય માણસો પણ 'સરકાર'ના હુકમનો ઉત્સાહથી અમલ કરી રહ્યા હતા. એક મંત્રી અને એક આઈએસ અધિકારીએ આ યોજના ફક્ત 'કાગળ' પર નહોતી બનાવી, પરંતુ 'ગ્રાઉન્ડ' પર તેનો જડબેસલાક અમલ પણ કર્યો. તેમણે સાબિત કરી દીધું હતું કે, ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવું અશક્ય લાગતું કામ પણ સહેલાઈથી પાર પાડી શકાય છે!

આ ઓપરેશનને મીડિયાથી ગુપ્ત રખાયું હતું કારણ કે, તેઓ નહોતા ઈચ્છતા કે અફવા કે ગભરાટ ફેલાવાના કારણે ધક્કામુક્કી થાય અને લોકોના જાન જાય! અલ્લપુઝાના જ રહેવાસી ધ્રુવ પંડ્યા નામના એક વકીલે આ ઓપરેશન વિશે ફેસબુક પર માહિતી આપી ત્યારે આ વાત માંડ અખબારો સુધી પહોંચી. ૧૮મી ઓગસ્ટની સાંજ સુધી કુટ્ટાનાડમાંથી અઢી લાખ અને ચેંગનુરમાંથી એક લાખ લોકો (ચોક્કસ આંકડો હજુ આવ્યો નથી) સલામત સ્થળે ખસેડાઈ ચૂક્યા હતા. હવે બધા જ સલામત સ્થળે હતા.

જોકે, બધા જ માટે ઓપરેશન કુટ્ટાનાડ પૂરું થઈ ગયું હતું ત્યારે પણ નાણા મંત્રી થોમસ આઈઝેક અને સબ કલેક્ટર ક્રિશ્ના તેજાએ જાહેર કર્યું કે, હજુ થોડું કામ બાકી છે. તેઓ કુટ્ટાનાડ અને ચેંગનુરમાં ફસાયેલા પ્રાણીઓને પણ સલામત સ્થળે પહોંચાડવા માગતા હતા. આ કામ પણ તેમની જ આગેવાનીમાં પૂરું થયું. પ્રાણીઓને પણ ઊંચાઈવાળા અને સલામત વિસ્તારોમાં લઈ જઈને ભોજન અપાયું.  

કુવૈતમાંથી ૧.૭૦ લાખ ભારતીયોને સલામત રીતે ભારત લાવવાની સત્ય ઘટના આધારિત 'એરલિફ્ટ' ફિલ્મ તમે જોઈ હશે! પૂરગ્રસ્ત કેરળની આ ઘટના પણ આવી જ એક સુંદર ફિલ્મને લાયક છે. શું કહો છો?

નોંધઃ પૂર વિશે વધુ કેટલીક માહિતી માટે ઉપરના લેખમાં મૂકેલી હાયપર લિંક અથવા લેખના અંતે મૂકેલા લેબલ્સ પર ક્લિક કરો.