તમે મોડી રાત્રે ટેલિવિઝન પર
બોલિવૂડના કોઈ હીરો-હીરોઈનના મિક્સ ફોટોશૉપ્ડ ફોટોગ્રાફની બાજુમાં એક આકર્ષક લેડી
એન્કર દર્શકોને અત્યંત સહેલા પ્રશ્નો પૂછીને ઈનામ જીતવાની ઓફર કરતી જોઈ હશે. વળી,
આ બકવાસ કરતી મોડેલ આટલા સહેલા પ્રશ્નના જવાબનો પણ સતત અણસાર (હિંટ) આપતી હશે, અને
ઈનામની રકમ પણ વધારતી જતી હશે. પરંતુ એવું ક્યારેય જોવામાં આવ્યું નથી કે,
ઓડિયન્સમાંથી કોઈએ આ મોડેલને ફોન કરીને તેના પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હોય. વળી,
ફોન કરનારી વ્યક્તિ આટલા સહેલા પ્રશ્નનો પણ હંમેશાં ખોટો જ જવાબ આપે છે. સતત બકવાસ
કરતી આ મોડેલને જોઈને આપણે થાકી જઈએ અને કોઈ બીજી ચેનલ પર જઈએ ત્યારે ટેલિશૉપિંગ
કાર્યક્રમોનું પ્રસારણ શરૂ થઈ ગયું હોય છે. આ પ્રકારના કાર્યક્રમોમાં પણ
ચિત્રવિચિત્ર પ્રોડક્ટનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવતું હોય છે. જેમ કે, ‘રૂપમરિટ’
નામની એક બ્રાન્ડ તમારી સ્કીન હોય તેના કરતા અનેકગણી ઊજળી કરી દેવાનો દાવો કરે છે,
તો ‘સુરક્ષાકવચ’ નામની એક પ્રોડક્ટ તમને બુરી નજરથી બચાવવાનો દાવો કરે છે.
એક સમય હતો જ્યારે અનેક ચેનલો મોડી
રાત્રે ખાસ શૉ કે પછી ફિલ્મો દર્શાવાતી હતી. પરંતુ અત્યારના ઈન્ડિયન મિડનાઈટ
ટેલિવિઝન સ્લૉટ્સમાં ટેલિમાર્કેટિંગના ઢંગધડા વગરના શૉ અને બોલિવૂડ ગેમ શૉની
બોલબાલા છે. આ પ્રકારના શૉમાં સતત ટેલિફોન નંબર ફ્લેશ થતા રહે છે અને એક મોડેલ
મસમોટી ઈનામી રકમ જીતવા ગ્રાહકોને ફોન કરવા સતત લલચાવતી રહે છે, અથવા પોતાની
પ્રોડક્ટ તમારા માટે અત્યંત જરૂરી હોવાથી તે ખરીદી લો એવું કહેતી રહે છે. બીજી
તરફ, મોડી રાત્રે બોલિવૂડ ધમાલ કે ક્રિકેટ હાઉઝએટ જેવા ઈન્ટરએક્ટિવ ગેમ શૉ પણ
દર્શાવાતા હોય છે, જેમાં દર્શકોને બોલિવૂડ, ક્રિકેટ વગેરેને લગતા અત્યંત સરળ
પ્રશ્નો પૂછવામાં આવે છે. ટેલિમાર્કેટિંગ શૉ મોટે ભાગે હિન્ડી ડબ્ડ કાર્યક્રમો
પ્રસારિત કરતી ડિઝની, નિકલઓડેન કે હંગામા જેવી ચેનલો પર દર્શાવાતા હોય છે. વળી, આ
ચેનલો રોજ રાત્રે એક જ પ્રોગ્રામનું વારંવાર પ્રસારણ કરતી રહે છે.
જોકે, આ ચેનલો તેમના વિવિધ
પ્રોગ્રામની ‘રીપિટ વેલ્યૂ’ બરાબર સમજે છે. સેલકાસ્ટના એક્ઝિક્યુટિવ વાઈસ
પ્રેસિડેન્ટ પ્રદીપ મેનન કહે છે કે, “ટેલિવિઝનનું ઓડિયન્સ ત્રણ પ્રકારનું હોય છે.
એક નિયમિત દર્શકો, બીજા એકના એક કાર્યક્રમો જોઈને કંટાળી ગયેલા દર્શકો અને ત્રીજા વર્ગમાં
એવા દર્શકો હોય છે જે વારંવાર ચેનલ બદલીને જાતભાતના કાર્યક્રમો જોવાની મજા લે છે.”
સેલકાસ્ટ પ્રોડક્શન હાઉસ ઈમેજિન શૉબિઝ, એનડીટીવી ઈમેજિન, ઈન્ડિયા ટીવી, ઈ-24, ઝી
ટીવી અને યુ ટીવી બિંદાસ જેવી ચેનલો માટે ગોલ્ડ સેફ, બોલિવૂડ તંબોલા અને ક્રિકેટ
હાઉઝએટ જેવા કાર્યક્રમો બનાવી ચૂક્યું છે. મેનન ઉમેરે છે કે, “આ પ્રકારના શૉ ગેમને
અત્યંત રસપ્રદ બનાવીને, ઈનામની રકમ વધારતા જઈને ટૂંકા ગાળામાં જ દર્શકોની સંખ્યા
વધારી શકે છે.”
આ સાંભળીને તમને લાગ્યું હશે કે,
આવા શૉ જોતા દર્શકો મોટે ભાગે બોલિવૂડ સ્ટારના ક્રેઝી ફેન્સ, શૉપોહોલિક કે પછી બહુ
ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની ઈચ્છા ધરાવતા યુવાનો હશે. પરંતુ તમને જાણીને નવાઈ
લાગશે કે, બહુ મોટો વર્ગ ફક્ત જિજ્ઞાસા ખાતર આવા શૉ જોવા લલચાતો હોય છે. જોકે,
જ્યારે તમે ટેલિવિઝન સ્ક્રીન પર ફ્લેશ થતા ટેલિફોન નંબર ડાયલ કરો છો ત્યારે તમારું
બિલ અત્યંત ઝડપથી ચડતું હોય છે. બોલિવૂડ સ્ટાર કે જાણીતા ક્રિકેટરને દર્શકો ઓળખી ન
શકે એ પ્રકારના શૉ શોખથી નિહાળતા અજય પ્રભુ જણાવે છે કે, “આવા અચરજ પમાડે એવા શૉ મારા
માટે તો સ્ટ્રેસ-બુસ્ટરનું કામ કરે છે.”
તેઓ કહે કે, “એકવાર હું
ઈમેજિન શૉ બિઝ પર તંબોલા એપિસોડ જોઈ રહ્યો હતો, જેમાં રાણી મુખરજીનો ક્લૉઝ-અપ
દર્શાવાઈ રહ્યો હતો. કોઈ પણ તેને જોઈને ઓળખી શકે એમ હતું. આમ છતાં એન્કર એક પછી એક
હિંટ આપતી જતી હતી કે, ‘રાજા કા અપોઝિટ ક્યા હૈ’, ‘દિલ બોલે હડિપ્પા’, ‘કરણ જોહર
ઓર શાહરૂખખાન કી ફેવરિટ’ વગેરે. મને હંમેશાં આશ્ચર્ય થાય છે કે, આખરે આવા સહેલા
પ્રશ્નનો કોઈ જવાબ કેમ નથી આપી શકતું. મને આવા શૉ ખૂબ હાસ્યાસ્પદ લાગે છે.”
જોકે, પ્રદીપ મેનનનો સૂર પ્રભુ
કરતા થોડો અલગ છે. આ શૉની સફળતાથી ખુશખુશાલ તેઓ કહે છે કે, “સામાન્ય રીતે અમારા
શૉમાં એક માણસ તો વિજેતા જાહેર થતો જ હોય છે, જ્યારે કોઈ સારા દિવસે તો અમે ચારેક
જણને વિજેતા ઘોષિત કરીએ છીએ.” હવે તેઓ ઝી ટીવી પર ‘ઈન્સોમ્નિયા’ નામનો એન્ટરટેઈનમેન્ટ
કમ ઈન્ટરએક્ટિવ ગેમ શૉ લઈને આવી રહ્યા છે.
ટેલિવિઝન પર રાત્રે 11 વાગ્યા પછી
પ્રસારિત થતાં મોટા ભાગના ટેલિમાર્કેટિંગ શૉ રહસ્યમય કેમ હોય છે? આ પ્રકારના મોટા ભાગના શૉમાં
વિવિધ પ્રોડક્ટનું વેચાણ કરવા તેના ખરીદારોના અનુભવો વર્ણવીને દર્શકોને લલચાવાનો
પ્રયાસ થાય છે. જેમ કે, એક સ્લિમ યુવતી કોઈ એક્સરસાઈઝ મશીન બતાવીને દર્શકોના મનમાં
એવું ઠસાવવાનો પ્રયાસ કરે છે, તે આ મશીનના કારણે જ આટલું સુંદર ફિગર બનાવી શકી છે.
વળી, ક્યારેક તો તે એવું પણ કહેશે કે, “આ મશીનની મદદથી મેં બે જ મહિનામાં 20 કિલો
વજન ઉતાર્યું છે.” જ્યારે અન્ય કોઈ સુંદરી ચહેરા પરના ડાઘ દૂર કરવાનું ‘જાદુઈ
ક્રીમ’ વેચતી જોવા મળશે.
એડવર્ટાઈઝિંગ પ્રોફેશનલ શીતલ કરમકર
કહે છે કે, “જો કોઈ ‘આકર્ષક યુવતી’ ટેલિવિઝન પર આવી પ્રોડક્ટ વેચતી હશે ત્યારે તમે
પણ આપોઆપ તે ચેનલ પર થોડી વાર તો અટકી જ જશો. જ્યારે તે યુવતી કહે કે, તમારે
તમારું વજન કાબૂમાં રાખવા આ વસ્તુ લેવી જ જોઈએ તો તમને પણ તે ખરીદવાની લાલચ થશે.”
આવા કાર્યક્રમો જે તે ચેનલ સહિત લગભગ બધાને ફાયદાકારક નીવડે છે. એનડીટીવી ઈમેજિનના ક્રિયેટિવ હેડ નિખિલ મધોક કહે છે કે, “આવા કાર્યક્રમો પ્રસારિત કરવા ચેનલો સારી રકમની વસૂલાત કરે છે. આમ છતાં આવા શૉના કન્ટેન્ટની સંપૂર્ણ જવાબદારી ચેનલની નહીં પણ ફક્ત પ્રોડક્શન હાઉસની જ રહે છે. અમે તેમનો કાર્યક્રમ પ્રસારિત કરવા ફક્ત સ્લોટની ફાળવણી કરીએ છીએ.”
ફોન કૉલની કમાણી વિશે ખુલાસો કરતા
મેનન કહે છે કે, “આ પ્રકારના શૉમાં કન્ટેન્ટ પ્રોવાઈડરને સેલ ફોન કંપની તેમનું
કમિશન ચૂકવતી હોય છે. તેથી જ આવા શૉમાં ફક્ત મોબાઈલ ફોનથી જ કૉલ કરી શકાય છે, અને
તે માટે પ્રતિ મિનિટ રૂ. 12 વસૂલવામાં આવે છે. અમને વધુમાં વધુ 120 દિવસ પછી અમારો
હિસ્સો મળી જાય છે, કારણકે આ નફો સીધો સેલ ફોન કંપનીઓને મળતો હોય છે. પરંતુ 60 ટકા
જેટલો નફો સેલ ફોન કંપનીઓ જ લઈ જાય છે.”
અત્યારે તો એવું જ કહી શકાય કે,
ભારતીય ટેલિવિઝન પર મોડી રાત્રે પ્રસારિત થતા શૉની ગુણવત્તા તળિયે જઈ રહી છે.
really informative article
ReplyDeleteThanking you
ReplyDelete