07 August, 2012

ભાઈબહેનઃ આત્મીયતા, પ્રેમ અને અતૂટ બંધનનો સંબંધ


 અરે, મારા ભાઈએ આ પ્રસંગમાં હાજરી આપવા મને રીતસર વિનવણી કરી હતી. પણ હું અત્યારે 82 વર્ષની છું, ત્યાં કોઈ સંજોગોમાં જઈ શકું એમ નહોતી. હું ખૂબ તણાવમાં હતી, પરંતુ આખો કાર્યક્રમ મેં ટેલિવિઝન પર જોયો હતો અને મારા આનંદનો પાર નહોતો. હું અનેકવાર રાઈસિના હિલ ગઈ છું. તે જ મને ત્યાં લઈ જતો હતો. આજે મને એટલો બધો આનંદ છે કે તે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. ઘણી જૂની યાદ તાજી થઈ ગઈ છે. હવે તો બસ હું મારો ભાઈ અહીં આવે તેની રાહ જોઈ રહી છું.આ પ્રેમાળ શબ્દો છે નવનિયુક્ત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના બહેન અન્નપૂર્ણા મુખરજીના. પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિપદ માટે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમના 82 વર્ષીય બહેન પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં પોતાના નાનકડા ઘરમાં ટીવી પર આ કાર્યક્રમ જોઈ રહ્યા હતા.

પ્રણવ મુખરજી બહેન અન્નપૂર્ણા સાથે
માણસના જીવનમાં આમ તો અનેક સંબંધો હોય છે, પરંતુ ભાઈબહેનનો સંબંધ બીજા બધા સંબંધ કરતા અલગ છે. કદાચ એટલે જ ભારતમાં હજારો વર્ષોથી ભાઈબહેનના પરસ્પર પ્રેમને દર્શાવવા ખાસ રક્ષાબંધનનો તહેવાર ઊજવાય છે. દરેક ભાઈબહેન બાળપણમાં એકબીજા સાથે ઝગડ્યા હોય છે અને બહારની વ્યક્તિ સાથે ઝગડો થાય ત્યારે એકબીજાનો પક્ષ પણ લીધો હોય છે. બાળપણમાં એવી અનેક ઘટનાઓ બની હોય છે જેને ભાઈબહેન ક્યારેય ભૂલી શકતા નથી. તેથી જ કહેવાય છે કે, બાળપણની યાદો અને બાળપણના સપનાંની વાતો ભાઈબહેન જ ઉત્તમ રીતે કરી શકે છે. આ ઉંમરે પણ અન્નપૂર્ણા દેવીને એ દિવસ બરાબર યાદ છે જ્યારે પ્રણવદાએ તેમની સમક્ષ પુનર્જન્મમાં ઘોડો બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ કહે છે કે, “બહુ વર્ષો પહેલાં મારો ભાઈ સાંસદ હતો ત્યારે અમે દિલ્હીમાં રાઈસિના હિલ નજીક અમારા બંગલૉની પરસાળમાં બેસીને ચ્હા પીતા હતા. ત્યાંથી રાષ્ટ્રપતિ ભવનનો તબેલો દેખાતો હતો. ત્યારે પ્રણવદાએ ઘોડા જોઈને મને કહ્યું હતું કે, આ ઘોડાઓને કેટલા જલસા છે, તેમણે કંઈજ કરવાનું હોતું નથી અને બધા તેમની કાળજી લઈ રહ્યા છે. મારી ઈચ્છા છે કે, આવતા જન્મમાં ભગવાન મને રાષ્ટ્રપતિ ભવનનો ઘોડો બનાવે.

આ સંસ્મરણો યાદ કરતા અન્નપૂર્ણા દેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તેઓ કહે છે કે, આ સાંભળતા જ મેં તેને જવાબ આપ્યો હતો કે, “અરે તુ રાષ્ટ્રપતિ ભવનના તબેલાનો ઘોડો કેમ બનીશ. એકવાર તુ રાષ્ટ્રપતિ બનીશ. આજે એ સપનું હકીકત બની ગયું છે.તેઓ ગર્વથી કહે છે કે, મેં 44 વર્ષ પહેલાં જ કહી દીધું હતું કે, તે એક દિવસ રાષ્ટ્રપતિ બનશે. આ તો થઈ મહામહિમ રાષ્ટ્રપતિની વાત, પરંતુ કોઈ સામાન્ય માણસના જીવનમાં પણ બહેનનું એટલું જ મહત્ત્વ છે.

એ.આર. રહેમાન 
રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રક્ષા કવચ બાંધીને નિઃસ્વાર્થ પણે પોતાનો પ્રેમ દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં સ્ત્રીનો સંબંધ જુદી-જુદી રીતે હોય છે, પરંતુ તેમાં સૌથી પ્રેમાળ સંબંધ ભાઈબહેનનો જ હોય છે. આ સંબંધ અન્ય કોઈ પણ સંબંધ કરતા વિશેષ વ્હાલો હોય છે. કારણ કે, જો બહેન નાની હોય તો તે ભાઈ સાથે પિતા જેવી હૂંફ અને સુરક્ષા અનુભવે છે. જ્યારે મોટી હોય તો માતાની ગરજ સારે છે, અને તોફાની ભાઈ પર પિતા જેવી ધાક પણ બહેન જ રાખે છે. છેવટે બહેન પરણીને સાસરે જતી રહે ત્યારે સંજોગો એવા હોય છે કે, ભાઈબહેન એકબીજાથી દૂર થતા જાય છે, પરંતુ તેમની વચ્ચેની લાગણી એવી જ રહે છે.

એ.આર. રેહાના
ઓસ્કાર વિનર મ્યુઝિશિયન અલ્લારખા રહેમાનની 47 વર્ષીય બહેન રેહાના શેખર ગળગળા અવાજ સાથે કહે છે કે, “મારા સંગીતકાર પિતા આર.કે. શેખરના મૃત્યુ સમયે હું ફક્ત 10 વર્ષની હતી, અને ઘરની જવાબદારી રહેમાનના શિરે આવી પડી હતી. તે મારાથી 15 મહિના નાનો હોવા છતાં મારી અને બીજી બહેનોની કાળજી લેતો. તે મારા માટે ભાઈ કરતા પિતા વધુ હતો. તે અમને પિતાની ખોટ સાલવા દેવા માંગતો ન હતો. મારા મનમાં તેના માટે ખૂબ ઊંડો આદર છે.આવી જ એક યાદ વાગોળતા રેહાના કહે છે કે, “વર્ષ 1996માં હું જીવનમાં પહેલી જ વાર એક ટ્રૂપ સાથે પર્ફોર્મન્સ આપવા મલેશિયા ગઈ હતી. એ મારા માટે બહુ મોટો દિવસ હતો. આ શૉ પત્યા પછી બધા જ સંગીતકારો રહેમાનની આસપાસ વીંટળાઈ ગયા અને તેનો આભાર માનતા હતા. પરંતુ મેં તેનો આભાર માનતા જ તે મારી તરફ હસ્યો અને કહ્યું, અરે તેમાં શેનો આભાર?”

સ્ટિવ જોબ્સ 
ભાઈબહેનની ઊંડી આત્મીયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય તો તે છે સ્ટિવ જોબ્સ અને મોના સિમ્પસન. મોના સિમ્પસને ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં કહ્યું છે કે, “હું સિંગલ મધર સાથે ઉછરેલી એકમાત્ર સંતાન હતી. મને ખબર હતી કે, અમે ગરીબ છીએ અને મારા પિતા સીરિયા સ્થાયી થઈ ગયા છે. હું કલ્પના કરતી કે, તેઓ ઓમર શરીફ જેવા લાગતા હશે. હું આશા રાખતી હતી કે, તેઓ પૈસાદાર અને દયાળુ હશે અને એક દિવસ અમને મદદ કરવા આવશે. થોડા સમય પછી હું મારા પિતાને મળી પણ ખરી, મેં મારી જાતને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો કે, તેઓ એક દિવસ બદલાઈ જશે, તેઓ કંઈજ બોલતા નહીં, કારણકે તેઓ એક અવ્યવહારુ ક્રાંતિકારી હતા. તેઓ આરબો માટે નવું વિશ્વ રચવા માગતા હતા. એક નારીવાદી સ્ત્રી એવો પુરુષ શોધતી રહી જે પોતાને પ્રેમ કરે. દાયકાઓ પછી મને મારા પિતા મળ્યા અને મને લાગ્યું કે, તેઓ મને પ્રેમ કરશે. છેવટે હું 25ની થઈ અને એક એવા પુરુષને મળી જે મને પ્રેમ કરતો, તે મારો ભાઈ હતો.


મોના સિમ્પસન
અબ્દુલફત્તાહ જ્હોનજન્દાલી અને જોઆન કેરોલ શિબલ વર્ષ 1955માં લગ્ન વિના એક પુત્રના માતાપિતા બન્યા. તેથી તેમણે પોલ જોબ્સ અને ક્લેરા જોબ્સ નામના દંપતિને પોતાનો પુત્ર દત્તક આપી દીધો. આ છોકરો એટલે કમ્પ્યુટર પાયોનિયર સ્ટિવ જોબ્સ. વર્ષ 1980માં સ્ટિવ પોતાની અસલી માતા જોઆનને મળ્યો, જેણે સ્ટિવને તેની બાયોલોજિકલ બહેન વિશે માહિતી આપી. છેવટે સ્ટિવ અને મોના મળ્યા અને પાક્કા મિત્રો બની ગયા. પરંતુ વર્ષ 1986 સુધી તેમણે પોતે ભાઈબહેન છે એ દુનિયાથી છુપાવ્યું. છેવટે મોનાએ પોતાની પહેલી નવલકથા એનીવ્હેર બટ હિયરની લૉન્ચિંગ પાર્ટીમાં દુનિયાને પોતાનો ભાઈની ઓળખ આપી. આ પ્રસંગે મોનાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, “તે મને નિયમિત રીતે મેનહટન મળવા આવતો. અમે એકબીજાની ખૂબ નજીક છીએ. હું તેને ખૂબ ખૂબ ચાહુ છું.ત્યારે સ્ટિવ જોબ્સે પણ બહેન પ્રત્યે પોતાનો ઊંડો પ્રેમ દર્શાવતા કહ્યું હતું કે, “આખી દુનિયામાં મારી સૌથી અંગત મિત્ર કોઈ હોય તો તે છે મારી બહેન મોના. ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ હું તેની સાથે દર બે દિવસે તો વાત કરી જ લેતો.

સૂરજ બરજાત્યા અને કવિતા બરજાત્યા 
વિશ્વના ગમે તે ખૂણામાં માતા કે પિતાનો સંતાનો સાથેનો, ભાઈબહેનનો કે પછી દોસ્તીના સંબંધ એક જેવા જ હોય છે. વળી, ભારતમા તો સંયુક્ત કુટુંબની પરંપરાના બીજ આજે પણ જીવંત હોવાથી ભાઈઓ માટે પિતરાઈ કે માસિયાઈ બહેનનું પણ અનોખું મહત્ત્વ હોય છે. રાજશ્રી પ્રોડક્શનના માલિક સૂરજ બડજાત્યાના પિતરાઈ બહેન કવિતા બડજાત્યા કહે છે કે, “અમારું કુંટુંબ આજે પણ સંયુક્ત છે, અમે કૌટુંબિક રીતે જ નહીં, પ્રોફેશનલ રીતે પણ એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલા છીએ. આજે હું વો રહેનેવાલી મહલો કીઅને યહાં મેં ઘર ઘર ખેલીએમ બે હીટ સીરિયલ સૂરજ થકી જ આપી શકી છું. આખરે તે મારો ગુરુ છે.

કવિતા ભૂપતિ ચઢ્ઢા
સાઉથ પાર્કનામના વિશ્વવિખ્યાત એનિમેટેડ કોમેડી શૉના સર્જકો ટ્રે પાર્કર અને મેટ સ્ટોને એકવાર કહ્યું હતું કે, “મને લાગે છે કે, જેમને ભાઈ કે બહેન છે તેમને ખ્યાલ જ નથી હોતો કે તેઓ કેટલા નસીબદાર છે. હા, તેઓ કદાચ ખૂબ ઝગડતા હશે પણ તેઓ એ વાતે સજાગ હશે કે, આખરે આપણું કહેવાય એવું કોઈ છે.મહેશ ભૂપતિ અને કવિતા ભૂપતિ-ચઢ્ઢાનો સંબંધ પણ કંઈક આવો જ છે. હાલ 35 વર્ષીય કવિતા મહેશ ભૂપતિએ સ્થાપેલી સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ માર્કેટિંગ એજન્સી ગ્લોબોસ્પોર્ટના સીઈઓની જવાબદારી સંભાળી રહ્યા છે. કવિતા કહે છે કે, “આ કંપનીમાં જેમ જેમ મારી ભૂમિકા બદલાતી ગઈ તેમ તેમ મહેશ સાથેના સંબંધ પણ મજબૂત થતા ગયા. અમે એકબીજાથી બિલકુલ અલગ છીએ, અને ભાઈબહેન હોવાથી ઝગડો કરવાનો પણ અમને હક છે. પરંતુ સમય જતાં અમે એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા.

મહેશ ભૂપતિ 
મહેશનું મોટા ભાગનું બાળપણ ટેનિસ કોર્ટ પર જ વિત્યું છે, અને તે જાણીતો ટેનિસ ખેલાડી બન્યો ત્યાં સુધી વિવિધ કેમ્પમાં હાજરી આપવા સતત ટ્રાવેલિંગ કરતો રહેતો. કવિતા કહે છે કે, “ટેનિસના કારણે અમે એકબીજાને બહુ ઓછો સમય આપ્યો છે, પણ અમારી વચ્ચે ઊંડી આત્મીયતા છે.મહેશ સાથેનું જીવનનું એક યાદગાર સંસ્મરણ વાગોળતા કવિતા કહે છે કે, “એક દિવસ વિમ્બલ્ડન વખતે હું તેના માટે ચપાટી અને ઈંડા ભૂરજી લઈ ગઈ હતી, જે મેં જાતે તૈયાર કરી હતી. પરંતુ છેવટે તે બિલકુલ ખાવા લાયક રહી ન હતી. આમ છતાં મહેશ તે આરામથી ખાઈ ગયો, કારણકે તે રસોઈ મેં તૈયાર કરી હતી.

No comments:

Post a Comment