28 November, 2014

ચલો એકબાર ફિરસે હો જાયે, ‘ચાય પે ચર્ચા’


ભારતમાં મહિલા અધિકારોની વાત કરવી બેધારી તલવાર પર ચાલવા જેવું કામ છે. હાલમાં જ સર્વોચ્ચ અદાલતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી શકશે એવો ચુકાદો આપીને સિને કોસ્ચ્યુમ્સ, મેકઅપ આર્ટિસ્ટ એન્ડ હેરડ્રેસર્સ એસોસિયેશનના ૫૭ વર્ષ જૂના તુઘલકી નિયમનો છેદ ઉડાવી દીધો. મહિલા મેકઅપ આર્ટિસ્ટનો માર્ગ મોકળો કરવાનો ચુકાદો આપતી વખતે અદાલતે દેશની સૌથી પ્રોગ્રેસિવ ગણાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ મહિલાઓ સાથે રખાતા જાતીય ભેદભાવ પર ટિપ્પણી કરી અને એટલે તે દેશભરના અખબારોમાં મોટા સમાચાર બન્યા. આ એસોસિયેશનના નિયમો પર નજર કરતા જણાય છે કે, તેના નિયમોમાં જાતીય ભેદભાવ કરતા તુઘલકી નિર્ણયોનું તત્ત્વ વધારે છે. જેમ કે, એક જૂના નિયમ પ્રમાણે મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી શકતી ન હતી, તો પુરુષો પણ હેરડ્રેસર તરીકે કામ કરી શકતા ન હતા. આજથી પાંચ દાયકાથી પણ વધુ સમય પહેલાં આ નિયમો બનાવવા પાછળનો હેતુ ઈન્ડસ્ટ્રીમાં એક વ્યક્તિને એકસાથે બે વ્યવસાયની મંજૂરી નહીં આપવાનો હતો. એટલે પુરુષોએ ફક્ત મેકઅપ અને મહિલાઓએ ફક્ત હેરડ્રેસિંગનું કામ કરવાની છૂટ હતી.

મેકઅપ આર્ટિસ્ટ ચારુ ખુરાનાની અરજી પર સર્વોચ્ચ અદાલતે મહિલાઓને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરવાની મંજૂરી તો આપી દીધી પણ આજેય પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની છૂટ નથી. સર્વોચ્ચ અદાલતનું કામ મહિલા આર્ટિસ્ટને કામ કરવાની મંજૂરી માગતી અરજી પર ચુકાદો આપવાનું હતું પણ બીજા જરીપુરાણા નીતિનિયમો ફગાવી દેવાનું કામ એસોસિયેશનનું છે. આ ચુકાદા પછી પણ પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની મંજૂરી નહીં હોવાથી અનેક સવાલો ત્યાંના ત્યાં રહી ગયા છે. જેમ કે, પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની મંજૂરી નહીં આપી હોવાથી તેઓ અન્યાયની ભાવનાથી પીડાઈને મહિલા મેકઅપ આર્ટિસ્ટ સાથે વધુ ભેદભાવ નહીં રાખે? આ ચુકાદા પછી મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ અને હેરડ્રેસર એમ બંને વ્યવસાય એકસાથે અપનાવશે તો પુરુષો સાથે મોકળાશથી કામ કરી શકશે? કામના સ્થળે મહિલાઓએ પુરુષોની સીધી કે આડકતરી હેરાનગતિ સહન નહીં કરવી પડે? પ્રોગ્રેસિવ ગણાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'ક્રાઉડ પુલર' અભિનેત્રીને પણ અભિનેતા કરતા ઓછી ફી મળતી હોય ત્યારે આવા સવાલો થવા સ્વાભાવિક છે. જોકે, આ ચુકાદા પછી આવા જટિલ મુદ્દાની ચર્ચા કરવાના બદલે તેને ફક્ત મોટી જીત તરીકે વધાવીને ભૂલી જવાયો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વી.સી. ઝમીરુદ્દીન શાહ 

કોઈ પણ મુશ્કેલીને આક્રમકતાથી રજૂ કરીને તેનો કામચલાઉ ઉપાય શોધવો અથવા તેને ભૂલી જવી એ આપણી રાષ્ટ્રીય બીમારી છે. સાચી દિશામાં ચર્ચા કરીને અને મુશ્કેલીઓના મૂળ સુધી પહોંચીને તેનો કાયમી ઉકેલ લાવવામાં આપણે માનતા નથી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થિનીઓ પર પ્રતિબંધના વિવાદમાં પણ કંઈક આવું જ થયું. આ લાઈબ્રેરીનો ઉપયોગ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અબ્દુલ્લા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ નથી કરી શકતી, પરંતુ યુનિવર્સિટીની મેડિકલ, એન્જિનિયરિંગ, બી.કોમ. અને એલએલ.બી. કોલેજમાં અભ્યાસ કરતી પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ તેનો ઉપયોગ કરી શકે છે. જો એક જ કોલેજની વિદ્યાર્થિનીઓ આ લાઈબ્રેરીનો ઉપયોગ કરી શકતી ના હોય તો ફક્ત જાતીય ભેદભાવની ફરિયાદો કરીને આ મુદ્દાને ભૂલાવી દેવો ના જોઈએ, પરંતુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહના વિવાદાસ્પદ નિવેદનના કારણે કમનસીબે એવું જ થયું. મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ મૌલાના આઝાદ લાઈબ્રેરીમાં કેમ નથી આવી શકતી એ મતલબના સવાલનો જવાબ આપતા વાઈસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ઝમીરુદ્દીન શાહે કહ્યું હતું કે, “અહીં છોકરીઓને આવવાની મંજૂરી આપીશું તો છોકરાઓની સંખ્યા ચાર ગણી વધી જશે.”

ઝમીરુદ્દીન શાહનું નિવેદન વખોડવાલાયક જ હતું પણ યુનિવર્સિટીના નિયમની વાત છે ત્યાં સુધી તેમાં જાતીય ભેદભાવનું તત્ત્વ ન  હતું. ૧૯૬૦માં મૌલાના આઝાદ લાઈબ્રેરીની સ્થાપના થઈ ત્યારથી અહીં મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ આવી શકતી નથી. કારણ કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મહિલા કોલેજને પોતાની લાઈબ્રેરી, સાયબર કાફે અને બ્યુટી પાર્લર પણ છે. જો યુનિવર્સિટીના હોદ્દેદારો ખરેખર તાલિબાની માનસિકતા ધરાવતા હોય તો ત્યાં મહિલાઓ માટે સાયબર કાફે કે બ્યુટી પાર્લર કેવી રીતે હોઈ શકે? આ વિદ્યાર્થિનીઓ માટે મહિલા કોલેજની લાઈબ્રેરીની સાથે મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીના ઓનલાઈન એક્સેસની સુવિધા પણ છે. પરંતુ ઝમીરુદ્દીન શાહને 'સબસે તેઝ' આડે હાથ લેવાની લ્હાયમાં ફક્ત જાતીય ભેદભાવ અને તાલિબાની માનસિકતાના મુદ્દા ઉછળ્યા. બીજી તરફ, ટેલિવિઝન ચેનલોની ચર્ચામાં ગમે તે ભોગે સમાનતાની માગણી કરતા બૌદ્ધિકોએ પણ સમગ્ર વિવાદને મોટા ભાગે જાતીય ભેદભાવની ઉપરછલ્લી દૃષ્ટિએ જોયો અને જટિલ કહી શકાય એવા મુદ્દા ભૂલાઈ ગયા.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અધ્યાપિકા ફૈઝા અબ્બાસીએ એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલની ચર્ચામાં આવો જ એક મુદ્દો છેડતા કહ્યું હતું કે, ''...આ નિયમથી મહિલાઓને અન્યાય થતો નથી. કારણ કે, મહિલા કોલેજમાં છોકરાઓ પણ જઈ શકતા નથી. સેન્ટ્રલ લાઈબ્રેરીમાં અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ નથી જઈ શકતી પણ તેમની સિનિયર જઈ જ શકે છે. આ વાતને જાતીય ભેદભાવની રીતે નહીં પણ સાંસ્કૃતિક મર્યાઓની રીતે મૂલવવી જોઈએ. કાલે યુવકો પણ મહિલા કોલેજની લાઈબ્રેરીમાં જવાની મંજૂરી માગશે તો શું અમે એવું કરી શકીએ?''  આ જ ચર્ચામાં અબ્બાસીની સાંસ્કૃતિક મર્યાદાની દલીલને ટેકો આપતા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સ્થાપક સભ્ય કમાલ ફારૃકીએ કહ્યું હતું કે, 'અબ્દુલ્લા મહિલા કોલેજ મુસ્લિમ યુવતીઓને કોલેજ સુધી લઈ આવવાનો એક માર્ગ છે...” આ દલીલ ખૂબ જ મહત્ત્વની છે. જે દેશ-સમાજમાં છોકરીઓ છોકરા સાથે ભળે નહીં ફક્ત એટલા જ કારણથી શિક્ષણથી વંચિત રખાતી હોય ત્યારે આ મુદ્દાને જાતીય ભેદભાવથી ઉપર ઉઠીને જોવો જોઈએ.

જેમ કે, યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ફક્ત જગ્યાના અભાવે મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને પ્રવેશ નથી અપાતો. ચાલો આ વાત માની લઈએ, પરંતુ દબાણને વશ થઈને સંચાલકો મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને સેન્ટ્રલ લાઈબ્રેરીમાં જવાની મંજૂરી આપે એમાં પણ અનેક ભયસ્થાનો છે. આવા નિયમો હળવા કર્યા પછી અહીં ફક્ત મહિલા કોલેજના બહાને અભ્યાસ કરવા આવી શકતી યુવતીઓની સંખ્યામાં ઘટાડો થશે તો જવાબદાર કોણ? કારણ કે, અબ્દુલ્લા મહિલા કોલેજમાં ભણતી મોટા ભાગની વિદ્યાર્થિનીઓના માતાપિતા ખૂબ જ રૃઢિચુસ્ત છે. તેઓ નથી ઈચ્છતા કે તેમની પુત્રીઓ યુવકો સાથે ભળે. અહીં અભ્યાસ કરતી મોટા ભાગની વિદ્યાર્થિનીઓને તેમના માતાપિતાએ ફક્ત મહિલા કોલેજના બહાને સ્નાતક થવાની મંજૂરી આપી હોય છે. આજે પણ મહિલા કોલેજો યુવતીઓને કોલેજ સુધી લાવીને શિક્ષિત કરવાનો એક સરળ રસ્તો છે. મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓની સુરક્ષા મુદ્દે પણ એવી દલીલ થઈ કે, યુવતીઓ પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના ગમે ત્યાં જઈ શકવી જોઈએ કારણ કે, તેમની સુરક્ષાની જવાબદારી સંચાલકોની છે. ફક્ત સાંભળવામાં સારી અને તાળી-ઉઘરાઉ દલીલો કરનારાએ એ પણ વિચારવું જોઈએ કે, દેશભરમાં મહિલાઓ સામેની ગુનાખોરી સતત વધી રહી હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ અગમચેતી રાખવી જરૃરી નથી? ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મહિલા સ્કૂલ-કોલેજો છે અને તેમાં યુવતીઓ માટે ચોક્કસ નીતિનિયમો હોય જ છે, રાખવા પડે છે.

મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થિનીઓના પ્રવેશનો મુદ્દો ખોટી રીતે રજૂ થયો એનો અર્થ એ નથી કે, યુનિવર્સિટીમાં જાતીય ભેદભાવ રખાતો નથી. મુદ્દો એ છે કે, ખોટી દિશામાં ચર્ચા કરવામાં આવતા યોગ્ય મુદ્દાની ચર્ચા જ ના થઈ અને અનેક સવાલો ત્યાંના ત્યાં જ રહ્યા.જેમ કે, પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીઓ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ભલે જઈ શકતી હોય પરંતુ ૧૩૦૦ લોકોને બેસવાની ક્ષમતા ધરાવતી લાઈબ્રેરીમાં યુવતીઓ માટે ફક્ત ૧૨ જ બેઠકો અનામત છે. ચર્ચા કરવા માટે આ મુદ્દો મહત્ત્વનો નથી? અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની વાત છે ત્યાં સુધી મહિલાઓને સમાન હક્કનો મુદ્દો અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓને સેન્ટ્રલ લાઈબ્રેરીમાં પ્રવેશથી ઘણો આગળ ચર્ચાવો જોઈતો હતો. અહીંના મુખ્ય કેમ્પસમાં યુવતીઓ આઈ-ટીઝિંગ જેવા કારણોસર યુવકોની જેમ છૂટથી ફરી શકતી નથી. યુનિવર્સિટી કેમ્પસમાં પણ યુવતીઓની સુરક્ષાના પ્રશ્નો માટે આટલું સજાગ રહેવું પડે એ યુવકો માટે શરમજનક વાત નથી? અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આજે પણ વહીવટથી લઈને શિક્ષણ સુધીના તમામ સ્તરે પુરુષપ્રધાન માનસિકતા અને ઈસ્લામિક મૂલ્યોના નામે દંભ છવાયેલો છે.

અહીંના વિદ્યાર્થી  યુનિયનોમાં યુવતીઓની હિસ્સેદારી નહીંવત છે. વિદ્યાર્થી યુનિયનના ત્રણ મહત્ત્વના હોદ્દામાંથી અત્યાર સુધી ફક્ત એક હોદ્દા માટે એક જ યુવતી ચૂંટણી લડી હતી અને તે હારી ગઈ હતી. આ તો વિદ્યાર્થીઓની વાત થઈ. અત્યાર સુધી એકેય મહિલા શિક્ષક સ્ટાફ એસોસિયેશનની ચૂંટણી લડી નથી. અહીં નાટક, સાહિત્ય અને સંગીતની ઈતર પ્રવૃત્તિ કરતી ત્રણ મોટી ક્લબ છે પણ અત્યાર સુધી એકેય ક્લબનો ચાર્જ મહિલાએ સંભાળ્યો નથી. સામાન્ય અપવાદોને બાદ કરતા મુખ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી મોટા ભાગની યુવતીઓ દૂર જ રહે છે. અહીં શિક્ષકો ફક્ત લેક્ચર લઈને જતા રહે છે. તેઓ યુવકો-યુવતીઓને સાથે રાખીને કોઈ મુદ્દે ચર્ચા કરી શકતા નથી. વિદ્યાર્થી ચળવળમાં મદદ કરતા શિક્ષકોને દંડ કરાય છે અને તેમની નોકરી જોખમમાં મૂકાય છે. વહીવટી તંત્રથી વિરુદ્ધની કોઈ પણ વાતનું સમર્થન કરતા શિક્ષકોને ઈસ્લામના વિરોધીઓ ગણીને ચૂપ કરી દેવાય છે. યુનિવર્સિટીના વહીવટમાં અપારદર્શકતા કે ભ્રષ્ટાચારની વાત કરાય ત્યારે સંસ્થાને બદનામ કરવાનું કાવતરું કહીને આખી વાત ઉડાવી દેવાય છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ કામના કલાકો દરમિયાન ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ છે. કારણ કે, જુલાઈ 2014માં ઈતિહાસ વિભાગના એસોસિયેટ પ્રોફેસર નદીમ રેઝાવીએ વાઈસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહને ફેસબુક પર બે અકલકહ્યા હતા. એ પહેલાંના વાઈસ ચાન્સેલરને પણ તેમણે ફેસબુક પર લૂટિયા ચોરકહ્યા હતા. આ ઘટના પછી યુનિવર્સિટીએ પ્રો. રેઝાવીને સસ્પેન્ડ કર્યા અને ફેસબુક પર કામના કલાકો દરમિયાન પ્રતિબંધ મૂકી દીધો. આ ઘટના બાદ પણ ફક્ત એ જ ચર્ચા થઈ કે, આજકાલ ફેસબુક ખૂબ ઉપયોગી માધ્યમ હોવાથી યુનિવર્સિટીએ તેના પર પ્રતિબંધ ના મૂકવો જોઈએ અને પ્રો. રેઝાવી સાથે સંચાલકોએ અન્યાય કર્યો છે. આ ધમપછાડામાં ફક્ત એવો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો કેઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તાલીબાની માનસિકતા ધરાવતા સંચાલકોથી ખદબદે છે. શું આ ઘટના બાદ એ ચર્ચા ના થવી જોઈએ કે, પ્રો. રેઝાવીએ કરેલો ફેસબુકનો ઉપયોગ યોગ્ય છે? કામના કલાકો દરમિયાન ફેસબુક પર પ્રતિબંધથી વિદ્યાર્થીઓને શું નુકસાન થશે?

વિચારવાનું આપણે પણ છે, ખાલી યુનિવર્સિટીએ નહીં. શું કહો છો?

21 November, 2014

સુસાઈડ ટુરિઝમઃ આત્મહત્યાનો પણ ધંધો કરતું સ્વિત્ઝર્લેન્ડ


આજકાલ સ્વિત્ઝર્લેન્ડનું નામ લઈએ એટલે સ્વિસ બેંકો કે કાળું નાણું જેવા શબ્દો કાને પડઘાય છે. જોકે, એકાદ મહિનાથી આ સિવાયના કારણોસર પણ સ્વિત્ઝર્લેન્ડની દુનિયાભરના મીડિયામાં નોંધ લેવાઈ રહી છે. સ્વિસ બેંકમાં ખાતું ધરાવનારને ગુપ્તતાનો લાભ મળે છે, એવી જ રીતે અહીં 'ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ' કે 'ડેથ વિથ ડિગ્નિટી'નો પણ વિશિષ્ટ લાભ મળે છે. ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ એટલે સામાન્ય ભાષામાં ડોક્ટરની દેખરેખ હેઠળ પ્રતિષ્ઠાપૂર્વકની આત્મહત્યા. આ પદ્ધતિમાં વ્યક્તિ રીબાઈ રીબાઈને મૃત્યુ પામવાના દુખમાંથી છુટકારો મેળવવા ડોક્ટરની મદદથી મૃત્યુ પામતી હોવાથી તેને પ્રતિષ્ઠા સાથેની આત્મહત્યા કહેવાય છે. ઈન્સ્ટિટયુટ ઓફ લિગલ મેડિસિન ઈન ઝ્યુરિકના નિષ્ણાતોએ 'લો, એથિક્સ એન્ડ મેડિસિન' નામની જર્નલમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડને લગતું સંશોધન પેપર પ્રકાશિત કર્યું એ પછી આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. આ પેપરના આંકડા મુજબ, વર્ષ ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે ૬૧૧ વિદેશીઓએ સ્વિત્ઝર્લેન્ડ જઈને ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડની સુવિધાનો લાભ લીધો હતો. 

ભારતમાં પણ મુંબઈની અરુણા શાનબાગના કિસ્સા પછી ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને યુથેનેશિયા (મર્સી કિલિંગ)ની ચર્ચાએ જોર પકડ્યું હતું. ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને યુથેનેશિયા વચ્ચે પાતળી ભેદરેખા છે. યુથેનેશિયામાં ક્યારેક ડોક્ટર જ સ્વજનોની સંમતિથી દર્દીને જીવલેણ દવા આપે છે. એ વખતે દર્દી કોમામાં હોય કે માનસિક રીતે બિમાર હોય તો તેની સંમતિ ના લેવાઈ હોય એવું બની શકે છે, એટલે આ પદ્ધતિ મર્સી કિલિંગ કે એક્ટિવ આસિસ્ટેડ સુસાઈડ તરીકે ઓળખાય છે. જ્યારે ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડમાં દર્દીની વિનંતી, ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા અને મેડિકલ સ્ક્રીનિંગ પછી જ ડોક્ટર દર્દીને મૃત્યુ પામવામાં મદદ કરે છે. અરુણા શાનબાગના કેસ પછી ભારતમાં ફક્ત પેસિવ આસિસ્ટેડ સુસાઈડને જ મંજૂરી મળી છે, જેમાં દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ ખસેડવાની તેમજ દવાઓ અને નળી વાટે ખોરાક બંધ કરવાની જ મંજૂરી હોય છે.



અત્યારે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જેવા દેશોમાં યુથેનેશિયા કાયદેસર છે, જ્યારે સ્વિત્ઝર્લેન્ડ, અલ્બેનિયા, કોલમ્બિયા, જાપાનમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ કાયદેસર છે. અમેરિકાના વોશિંગ્ટન, વર્મોન્ટ, ઓરેગોન, ન્યૂ મેક્સિકો અને મોન્ટાના તેમજ કેનેડાના ક્યુબેકમાં પણ ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ કાયદેસર છે. જોકે, આ તમામ જગ્યાએ ચોક્કસ કાયદાકીય અને મેડિકલ પ્રક્રિયા પછી જ દર્દીને આવી મંજૂરી અપાય છે. દર્દીને રોગમાંથી મુક્ત કરવાની અને તેનું દર્દ ઓછું કરવાની શક્યતા તેમજ દર્દીને મરવાની ઇચ્છા જેવા અનેક માપદંડો ચકાસ્યા પછી જ આ લાભ મળે છે. આજે પણ વિશ્વના મોટા ભાગના દેશોમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ ગેરકાયદે છે, જ્યારે અનેક દેશોમાં તેને લગતા કાયદા જ નથી અથવા તો અસ્પષ્ટ છે.

જર્મની જેવા દેશોમાં તો આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા અને ફોજદારી કાયદા વિરોધાભાસી છે. જેમ કે, જર્મન ડોક્ટર દર્દીને આસિસ્ટેડ સુસાઈડ માટે જીવલેણ દવા પ્રિસ્ક્રાઈબ કરી શકતા નથી, પરંતુ જર્મનીનો નાગરિક કોઈની મદદ વિના જીવલેણ દવા લઈ શકે છે. કારણ કે, જર્મનીના ફોજદારી કાયદા મુજબ, જીવલેણ દવા લઈને આત્મહત્યાનો પ્રયાસ ગુનો નથી. કોઈને આત્મહત્યા કરવા માર્ગદર્શન કે પ્રોત્સાહન આપવું એ પણ સજાપાત્ર નથી. આવા કિસ્સાને સચ્ચાઈની એરણ પર ચકાસવા જર્મનીએ બીજા પણ કેટલાક કાયદા ઘડાયા છે. જર્મનીમાં આસિસ્ટેડ સ્યુસાઈડ અને એક્ટિવ આસિસ્ટેડ સ્યુસાઈડ એમ બે શબ્દોનો ઉપયોગ કરીને કાયદો ઘડાયો છે. કારણ કે, અહીં હિટલર યુગની કડવી યાદો તાજી નહીં કરવાનો વણલિખિત નિયમ હોવાથી 'યુથેનેશિયા' શબ્દનો ઉપયોગ નથી કરાતો. (વર્ષ ૧૯૩૯થી ૧૯૪૧ દરમિયાન નાઝીઓએ જર્મનીમાં ૭૦ હજારથી પણ વધુ લોકોને જીવલેણ ઝેર આપીને મારી નાંખ્યા હતા એ કલંકિત પ્રકરણ વિશ્વના ઈતિહાસમાં 'યુથેનેશિયા પ્રોગ્રામ' તરીકે નોંધાયેલું છે.)

વિશ્વના મોટા ભાગના દેશોના આવા જટિલ કાયદાઓની સામે સ્વિત્ઝર્લેન્ડમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા હાસ્યાસ્પદ કહી શકાય એટલા હળવા છે. અહીં પણ ડોક્ટર જીવલેણ ડ્રગ આપીને દર્દીને મરવામાં મદદ કરી શકતા નથી, પરંતુ કોઈને મરવામાં મદદરૂપ થતી વખતે 'કંઈક મેળવવા'નો હેતુ ના હોય તો સ્વિત્ઝર્લેન્ડ સરકારને વાંધો નથી. સ્વિત્ઝર્લેન્ડમાં આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા એટલા બધા હળવા છે કે, અહીં વિદેશી નાગરિકો પણ 'સુસાઈડ' કરવા આવી શકે છે. નવાઈની વાત તો એ છે કે, સ્વિસ કાયદા પ્રમાણે કંઈક મેળવવાનો હેતુ ગેરકાયદે હોવા છતાં ત્યાંની સરકાર ફી લઈને ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડમાં મદદરૂપ થતી સંસ્થાઓને 'ધંધો' કરવા દે છે. ડિગ્નિટાઝ  આ પ્રકારની સેવા આપતી સ્વિત્ઝર્લેન્ડની સૌથી મોટી અને વિશ્વભરમાં જાણીતી સંસ્થા છે. આવી સંસ્થાના સભ્ય બનવા માટે પાંચ હજાર ડોલર જેવી તગડી રકમ ચૂકવવી પડે છે. આ સંસ્થાઓનું કામ પણ સ્વિસ બેંકો જેવું જ છે. તેઓ તેમના ગ્રાહકોના આર્થિક કે શારીરિક બિમારીને લગતા ડેટા ગુપ્ત રાખે છે. સુસાઈડ ટુરિઝમમાંથી સ્વિત્ઝર્લેન્ડ સરકાર કેટલી આવક કરે છે તેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં આત્મહત્યા માટે આવતા પ્રવાસીઓ બે-ગણા વધ્યા છે.

જર્મનીના મેડિકલ કોડ મુજબ, આત્મહત્યા માટે મદદ કરવી એ અનૈતિક છે, પણ સ્વિસ ડોક્ટર ચોક્કસ સંજોગોમાં દર્દીને મૃત્યુ પામવામાં મદદરૂપ થઈ શકે છે. સ્વિત્ઝર્લેન્ડમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડનો લાભ લેવા માટે બ્રિટિશરો પછી જર્મન પ્રવાસીઓ સૌથી વધુ આવે છે. યુ.કે.ના ચારેય દેશોમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ ગેરકાયદે હોવાથી તેઓ મરવા માટે સ્વિત્ઝર્લેન્ડ આવે છે, જ્યારે જર્મનો મરતા મરતા કાયદાની આંટીઘૂંટીથી બચવા માટે સ્વિત્ઝર્લેન્ડ આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૩૧ દેશોના પ્રવાસીઓએ ફિઝિશિયન આસિસ્ટેડ સ્યુસાઈડના હેતુથી સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત લીધી છે. આ નાગરિકોમાં ૨૩ વર્ષના યુવાનોથી લઈને ૯૦ વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે. સ્વિત્ઝર્લેન્ડના સુસાઈડ ટુરિઝમના તરફદારોની દલીલ છે કે, આ તમામ નાગરિકો જીવલેણ રોગોથી પીડાતા હોવાના કારણે સ્વિત્ઝર્લેન્ડમાં આસિસ્ટેડ સુસાઈડનો લાભ લેવા આવ્યા હતા. જોકે, એક અહેવાલ પ્રમાણે વર્ષ ૧૯૯૮થી આસિસ્ટેડ સુસાઈડના હેતુથી સ્વિત્ઝર્લેન્ડ આવેલા એક હજારમાંથી ૨૧ ટકા જેટલા પ્રવાસીઓ જીવલેણ બીમારીથી પીડાતા ન હતા.

છેલ્લાં બે દાયકામાં વિશ્વના અનેક દેશોમાં વિવિધ મેડિકલ કેસ સામે આવ્યા પછી ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને મર્સી કિલિંગની ચર્ચાએ જોર પકડ્યું છે. વર્ષ ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન આર્ટિફિશિયલ રેસ્પિરેટર, ફિડિંગ ટયૂબ્સ અને ડાયાલિસિસ મશીનો જેવી મેડિકલ ટેક્નોલોજીના કારણે જીવલેણ રોગથી પીડાતા દર્દીઓને જીવિત રાખવા સરળ બન્યા છે. આવી રીતે ફક્ત ટેક્નોલોજીના સહારે પથારીમાં જીવન ગુજારી રહેલા દર્દીઓનું જીવન ક્યારેક અત્યંત દુષ્કર બની જતું હોય છે. અમુક પ્રકારના કેન્સરમાં દર્દીને અત્યંત પીડાદાયી સારવાર આપીને વર્ષો સુધી જીવિત રખાય છે. જોકે, આવી રીતે જીવતો દર્દી ખરેખર 'જીવિત' જ ના હોય એવું બની શકે છે. અમેરિકા, કેનેડા તેમજ યુરોપિયન દેશોમાં આવા કિસ્સા સામે આવ્યા પછી આસિસ્ટેડ સુસાઈડ અને મર્સી કિલિંગની તરફેણમાં સૂર ઉઠ્યો  છે. અમેરિકા, કેનેડા અને યુરોપના મોટા ભાગના નાગરિકો સ્વેચ્છાએ મૃત્યુ પામવાના કાયદા ઘડવાના હિમાયતી છે.

જોકે, આ પ્રકારના કાયદા બનાવવામાં મેડિકલ એથિક્સથી લઈને ધર્મ સુધીની અનેક અડચણો છે. આવા કાયદાની વિરુદ્ધ મેડિકલ જગતમાંથી પણ એવો સૂર ઉઠયો છે કે, લોકોને મરવાની છૂટ આપતા કાયદા બનાવવા કરતા દર્દીની વધુ સારી રીતે કાળજી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લોકોને મરવાની છૂટ આપતો કાયદા બનાવીએ એના કરતા કેવા કેસમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ કે મર્સી કિલિંગની મંજૂરી મળી શકે એની રૂપરેખા ધરાવતી માર્ગદર્શિકા પણ ઘડી શકાય. જે દેશોમાં આવા કાયદા છે ત્યાં પણ દર વખતે તેનું આંધળુ અનુસરણ કરીને દર્દીને મરવાની કે મારવાની મંજૂરી અપાતી નથી. આવા કાયદા ઘડતા પહેલાં પથારીવશ દર્દીઓ પર મૃત્યુ પામવાનું આડકતરું દબાણ, મૃત્યુની મંજૂરી આપવામાં ડોક્ટરની જટિલ ભૂમિકા, હત્યાને પણ ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડમાં ખપાવી દેવાનો ભય તેમજ ડિફરન્ટલી એબલ્ડ લોકો પ્રત્યે સામાજિક ભેદભાવ જેવા અનેક ભયસ્થાનો છે.

હિંદુ સહિત વિશ્વના મોટા ભાગના ધર્મો પણ અકુદરતી મૃત્યુનો અને આવા કાયદાનો વિરોધ કરે છે. અરુણા શાનબાગના કિસ્સા પછી ભારતમાં પણ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મગુરુઓનો મત જાણવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ ધર્મો એકસૂરે એક્ટિવ આસિસ્ટેડ સુસાઈડનો વિરોધ કરે છે. જોકે, જૈન ધર્મ સંથારા અને હિંદુ ધર્મ પ્રયોપવેશ નામની ધાર્મિક વિધિ હેઠળ વ્યક્તિને અન્ન-જળ છોડીને મૃત્યુ પામવાની મંજૂરી આપે છે. અરુણા શાનબાગના કિસ્સા પછી ભારતમાં પણ ફક્ત પેસિવ આસિસ્ટેડ સુસાઈડ જ કાયદેસર છે.

અરુણા શાનબાગનો કિસ્સો શું છે?

અરુણા શાનબાગના બહુચર્ચિત  કિસ્સા પછી ભારતમાં મર્સી કિલિંગ અને ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડની ચર્ચા થઈ હતી. ઉત્તરપ્રદેશના હલ્દીપુર ગામમાં જન્મેલી અરુણા શાનબાગ મુંબઈની કિંગ એડવર્ડ હોસ્પિટલમાં જુનિયર નર્સ તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન ૨૭મી નવેમ્બર, ૧૯૭૩ની રાત્રે અરુણા હોસ્પિટલના ભોંયરામાં કપડાં બદલતી હતી ત્યારે સોહનલાલ વાલ્મિકી નામના સફાઈ કામદારે તેના પર જાતીય હુમલો કર્યો હતો. સોહનલાલે અરુણાને ડોગ ચેઈનથી ગૂંગળાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ હુમલાના શારીરિક અને માનસિક આઘાતને લીધે અરુણાના મગજને ઓક્સિજન પ્રવાહ આપતી સિસ્ટમ ખોરવાઈ જતા તે કોમામાં ચાલી ગઈ હતી. અરુણાની ગરદનના ઉપરના મણકાને ગંભીર નુકસાન થતાં તેણે દૃષ્ટિ અને શ્રવણશક્તિ પણ ગુમાવી દીધી હતી. આ ઘટના બાદ તેને લાઈફ સપોર્ટ સિસ્ટમની મદદથી મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં જીવિત રખાઈ છે.

અરુણા શાનબાગ યુવાનીમાં અને હોસ્પિટલના બિછાને

આ દરમિયાન 'અરુણા'ઝ સ્ટોરીઃ અ ટ્રુ એકાઉન્ટ ઓફ અ રેપ એન્ડ ઈટ્સ આફ્ટલમેથ'ના લેખિકા પિંકી વિરાણીએ અરુણાના મર્સી કિલિંગ માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આ અરજીમાં દલીલ કરાઈ હતી કે, અરુણાને પરાણે જીવિત રાખવી એ તેના માન-સન્માન સાથે જીવવાના અધિકારનો ભંગ કરે છે. જોકે, વિવિધ સુનવણીઓ પછી સાતમી માર્ચ, ૨૦૧૧ રોજ સર્વોચ્ચ અદાલતે અરુણાના મર્સી કિલિંગને લગતી અરજી ફગાવી દીધી હતી. એક્ટિવ આસિસ્ટેડ સુસાઈડ કે મર્સી કિલિંગ માટે દેશમાં ચોક્કસ કાયદાના અભાવે અરુણા શાનબાગના મર્સી કિલિંગને મંજૂરી મળી ન હતી. જોકે, આ ચુકાદામાં અદાલતે એક માર્ગદર્શિકા નક્કી કરીને પેસિવ આસિસ્ટેડ સુસાઈડ એટલે કે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ અને નળી વાટે અપાતો ખોરાક કે પાણી ચોક્કસ સંજોગોમાં બંધ કરવાનો નિર્ણય લેવાની મંજૂરી આપી હતી.

ખેર, ચોક્કસ કાયદાના અભાવે અરુણા શાનબાગ આજે ૪૧ વર્ષ પછીયે હોસ્પિટલમાં પથારીવશ અવસ્થામાં જીવિત છે.

નોંધઃ બંને તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

13 November, 2014

નાઈજિરિયા અને સેનેગલનું 'ઓપરેશન ઈબોલા'


વર્ષ ૧૯૯૫માં હોલિવૂડના દિગ્દર્શક વોલ્ફાન્ગ પીટરસનની 'આઉટબ્રેક' નામની મેડિકલ ડિઝાસ્ટર થ્રીલર ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ અમેરિકાના 'ન્યૂયોર્કર' મેગેઝિનના પત્રકાર અને લેખક રિચર્ડ પ્રિસ્ટનના વર્ષ ૧૯૯૪માં આવેલા 'ધ હોટ ઝોન' નામના ઈબોલા વાયરસ પર લખાયેલા પુસ્તક પરથી પ્રેરિત હતી. જોકે, આ ફિલ્મમાં ઈબોલાને 'મોટાબા' નામ અપાયું હતું. આઉટબ્રેકમાં મોટાબા વાયરસ આફ્રિકાના રિપબ્લિકન ઓફ કોંગોમાંથી અમેરિકાના કેલિફોર્નિયાના એક નાના શહેર સુધી કેવી રીતે પહોંચે છે અને ઈબોલા સામેની લડાઈ શરૂ થાય છે એવી વાત છે. ‘આઉટબ્રેક’ બોક્સઓફિસ પર હીટ ગઈ એ દરમિયાન કોંગોમાં ઈબોલા ત્રાટક્યો હતો એટલે અમેરિકામાં પણ ચણભણ થઈ કે, જો અમેરિકામાં ખરેખર આવો કોઈ વાયરસ ત્રાટકે તો શું થાય? શું અમેરિકા પોતાને ઈબોલાથી મુક્ત કરી શકે? ‘આઉટબ્રેક’ રિલીઝ થયાના દસ વર્ષ પછી થયું એવું કે, ઈબોલા અમેરિકા પહોંચ્યો તો ખરો પણ મોટો ઉત્પાત મચાવી ના શક્યો. બીજી તરફ, પશ્ચિમ આફ્રિકાના નાઈજિરિયા અને સેનેગલમાં ઈબોલા ઉત્પાત મચાવવાની તૈયારીમાં હતો ત્યારે આ બંને દેશોએ સમયસૂચકતા વાપરીને ઈબોલાને સફળતાપૂર્વક મ્હાત આપી છે.



વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO)એ માર્ચ ૨૦૧૪માં દક્ષિણ આફ્રિકાના ગિની નામના નાનકડા દેશમાં ઈબોલા વાયરસથી રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં લાઈબેરિયા, નાઈજિરિયા, સેનેગલ, સિયેરા લિયોન અને છેક અમેરિકા સુધી ઈબોલા પહોંચ્યો ત્યારે 'હુ'એ ઓગસ્ટ ૨૦૧૪માં ઈબોલાથી ફેલાઈ રહેલા ચેપને 'ઈન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી હતી. રસપ્રદ વાત એ છે કે, અમેરિકા સહિતના દેશો ભૌગોલિક રીતે આફ્રિકાથી ઘણાં દૂર હોવા છતાં ઈબોલાથી ભયભીત છે, જ્યારે 'હુ'એ ઈબોલાગ્રસ્ત દેશોના પાડોશીઓ સેનેગલ અને નાઈજિરિયાને ઓક્ટોબર મહિનામાં 'ઈબોલા ફ્રી' જાહેર કર્યા છે. અત્યંત ઝડપથી ફેલાતા ઈબોલા વાયરસ વિશે વિજ્ઞાાન પણ ખાસ કંઈ જાણતું નહીં હોવાથી નાઈજિરિયા અને સેનેગલે ઈબોલા સામેની લડાઈમાં મેળવેલી જીત મહત્ત્વની  છે. ભારતમાં પણ ઈબોલાના પ્રવેશની શક્યતા નકારી શકાય એમ નથી ત્યારે આ બંને દેશો ઈબોલામુક્ત કેવી રીતે થયા એ જાણવું રસપ્રદ રહેશે. જોકે, આ લડાઈનું મહત્ત્વ સમજવા ઈબોલા વાયરસ વિશે થોડી જાણકારી...

ઈબોલા, એક બેકાબૂ વાયરસ

વર્ષ ૧૯૭૬માં ઝેર (હાલનું કોંગો) અને સુદાનમાં એક ચેપી વાયરસ ઓળખાયો અને સંશોધકોએ કોંગોની ઈબોલા નદી પરથી તેને ઈબોલા નામ આપ્યું. ઈબોલાની સૌથી ખતરનાક વાત એ છે કે, થોડાં થોડાં વર્ષે માથું ઉચકતો આ વાયરસ વચ્ચેના સમયમાં ક્યાં રહે છે એ વિશે વિજ્ઞાનીઓ હજુ પણ બેખબર છે. વૈજ્ઞાાનિક ભાષામાં કહીએ તો, આ વાયરસનો રિઝર્વર હોસ્ટ એટલે કે એ કયા સજીવમાં રહે છે એ વિજ્ઞાાનીઓ જાણતા નથી. ઈબોલાની રસી બનાવવા આ વાત જાણવી જરૂરી છે. નિષ્ણાતોનું અનુમાન છે કે, ઈબોલા ફ્ટ બેટ તરીકે ઓળખાતા આફ્રિકન ચામાચિડિયા જેવા કોઈ પ્રાણીમાં જીવતા હોઈ શકે છે. ઈબોલાનો રિઝર્વર હોસ્ટ શોધવા વિજ્ઞાનીઓએ ઈબોલા વાયરસને ફ્રૂટ બેટમાં દાખલ કરી જોયા હતા, પરંતુ આ વાયરસની તેમના પર કોઈ જ અસર થઈ ન હતી. જોકે, હજુ સુધી ફ્રૂટ બેટ સહિતના એક પણ પ્રાણીમાંથી પહેલેથી સક્રિય ઈબોલા વાયરસ મળ્યો નથી. આ પહેલાં આફ્રિકામાં વર્ષ ૧૯૭૬, ૧૯૯૫, ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ ઈબોલાથી રોગચાળો ફેલાયો હતો.

આ વાયરસ માણસમાં કેવી રીતે આવે છે એ વિશે વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, આફ્રિકન ચામાચિડિયા, હરણ કે ચિમ્પાન્ઝી જેવા પ્રાણીના અત્યંત નિકટના સંસર્ગમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી ઈબોલા માણસમાં પ્રવેશે છે. આ ઉપરાંત ચેપી લોહી, પરસેવો કે મળ-મૂત્રના સંસર્ગથી પણ તે ફેલાય છે. ઈબોલાગ્રસ્ત ચેપી વાતાવરણમાંથી પણ તે માણસમાં પ્રવેશી શકે છે. ઈબોલાથી મૃત્યુ પામેલી વ્યક્તિની અંતિમવિધિ વખતે લાશના સીધા સંપર્કથી પણ તેનો ચેપ લાગી શકે છે. ઈબોલાનો ચેપ લાગ્યા પછી અચાનક તાવ અને શારીરિક નબળાઈ, ઝાડા-ઉલટી, બ્લડ પ્રેશરમાં અનિયમિતતા અને શરીરમાં બાહ્ય અને આંતરિક રક્તસ્રાવ થાય છે. આ વાયરસથી મૃત્યુ પામેલા શરીરમાં ઈબોલા વાયરસ ભયાવહ માત્રામાં વધી જાય છે. ઈબોલાગ્રસ્ત દર્દીની સારવાર કરતા ડોક્ટર કે નર્સ જરાસરખી ચૂક કરે તો તેઓ પણ ઈબોલાનો ભોગ બની શકે છે. ઈબોલાનો ચેપ લાગ્યા પછી ૯૦ ટકા લોકો મોતને ભેટે છે.

બંને દેશોમાં ઈબોલા-પ્રવેશ

ઈબોલા જેવા અત્યંત ઝડપથી ફેલાતા વાયરસને રોકવા માટે ઈબોલાગ્રસ્ત તેમજ સંભવિત ઈબોલાગ્રસ્ત દર્દીઓને ઓળખીને તેમને અન્ય લોકોથી દૂર લઈ જઈ તાત્કાલિક સારવાર શરૂ કરવી પડે. ૧૭ કરોડથી પણ વધુ વસતી ધરાવતા નાઈજિરિયામાં અનેક વિસ્તારો ગીચ વસતી ધરાવે છે, જ્યારે માંડ ૧,૯૬,૭૧૨ સ્ક્વેર કિ.મી. જેટલું ક્ષેત્રફળ ધરાવતા સેનેગલમાં પણ ૧.૩૫ કરોડથી વધુ વસતી છે. આવા ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં સંભવિત ઈબોલાગ્રસ્ત દર્દીઓ શોધવા કેટલા કઠિન હોય એ સમજી શકાય એમ છે. નાઈજિરિયામાં સૌથી પહેલાં ૨૦મી જુલાઈએ પેટ્રિક સોયર નામના લાઈબેરિયન-અમેરિકન ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટ ઈબોલાનો ભોગ બન્યા હતા. પેટ્રિક લાઈબેરિયાથી ફ્લાઈટમાં નાઈજિરિયાના ગીચ શહેર લાગોસમાં એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરની તપાસમાં પેટ્રિક ઈબોલાનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ પાંચ દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. પેટ્રિક મૃત્યુ પામ્યા એ પહેલાં તેમનાથી ૧૯ લોકોને ચેપ લાગી ચૂક્યો હતો, જેમાંના આઠ દર્દીઓ થોડા થોડા દિવસના અંતરે મોતને ભેટ્યા હતા.

એવી જ રીતે, ગિનીથી જમીન માર્ગે આવેલા એક વિદ્યાર્થી થકી ઈબોલા સેનેગલમાં ઘૂસ્યો હતો. આ યુવક સેનેગલની રાજધાની ડકારમાં પ્રવેશ્યો ત્યારે તેને ઈબોલાગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. તે ગિનીથી ડકાર આવ્યો ત્યાં સુધીમાં ૭૪ લોકોના સંસર્ગમાં આવ્યો હતો. આ વાતને ગંભીરતાથી લઈને સેનેગલ સરકારે તમામ ૭૪ લોકોની ઓળખ કરીને તેમને ૨૧ દિવસ માટે અન્ય લોકોથી દૂર કરી દીધા હતા. આ લોકોનું દિવસમાં બે વાર મેડિકલ ચેકઅપ કરાતું હતું. કારણ કે, માનવશરીરમાં પ્રવેશ્યા પછી ઈબોલા વાયરસના લક્ષણો વધુમાં વધુ ૨૧ દિવસમાં દેખાવાની શરૂઆત થાય છે. એટલે નાઈજિરિયા અને સેનેગલમાં એક પણ વ્યક્તિ ઈબોલાગ્રસ્ત નહોતી ત્યારથી ૪૨ દિવસ (તકેદારી ખાતર) રાહ જોઈને 'હુ'એ બંને દેશોને 'ઈબોલા ફ્રી' જાહેર કર્યા છે.

યુદ્ધના ધોરણે લડાઈની શરૂઆત

ઈબોલાની અત્યંત ઝડપથી ફેલાવાની શક્તિ જોતા બંને દેશો માટે તેના સામેની લડાઈ કોઈ યુદ્ધથી કમ ન હતી. પશ્ચિમ આફ્રિકામાં ઈબોલા સક્રિય થયા પછી નાઈજિરિયામાં ૧૯ અને સેનેગલમાં ફક્ત એક ઈબોલાગ્રસ્ત દર્દી નોંધાયો હતો. આ દર્દીઓ આખા દેશમાં રોગચાળો ફેલાવી શકતા હતા, પરંતુ એ પહેલાં જ બંને દેશોની સરકારોએ યુદ્ધના ધોરણે કેટલાક નિર્ણયો કર્યા. કારણ કે, બેમાંથી એક પણ દેશનું તંત્ર કેટલા ઈબોલાગ્રસ્ત દર્દીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે એ જાણતું ન હતું. ઈબોલાનો ચેપ લાગ્યા પછી દર્દીમાં તાત્કાલિક લક્ષણો દેખાય એવું દરેક વખતે થતું નથી. આ પ્રકારના છેતરામણા વાયરસનો ભોગ બનેલાને શોધવા જ મુશ્કેલ હોય ત્યાં તેમની સારવારનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ દરમિયાન બંને દેશોએ પોતાના નાગરિકોને ઈબોલાનો ભોગ બનેલા લાઈબેરિયા, સિયેરા લિયોન અને ગિનીમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

સેનેગલ તો ગિની જેવા ઈબોલા ઝોન સાથે ૨૦૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. પરંતુ ઓગસ્ટમાં ઈબોલાગ્રસ્ત વિદ્યાર્થીની ઓળખ થયા પછી સરહદની સાથે હવાઈ અને દરિયાઈ માર્ગ પણ બંધ કરી દેવાયા હતા. જોકે, યુનાઈટેડ નેશન્સની ભલામણ પછી સેનેગલે ઈબોલા ઝોનમાં કામ કરવા આવતા સ્વૈચ્છિક સંસ્થાઓના સ્ટાફ માટે હવાઈ માર્ગ શરુ કર્યો હતો. નાઈજિરિયા કોઈ ઈબોલા ઝોન દેશ સાથે સરહદ ધરાવતો નથી, પરંતુ પેટ્રિક સોયરના મૃત્યુ પછી નાઈજિરિયાએ લાઈબેરિયા અને સિયેરા લિયોન સાથેના હવાઈમાર્ગ પર અંકુશ મૂકી દીધો. મહત્ત્વની વાત એ છે કે, નાઈજિરિયાએ આ દેશોમાં જવા પર પ્રતિબંધ નહોતો મૂક્યો, પરંતુ ઈબોલા ઝોનમાંથી આવતા તમામ મુસાફરનું એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરાતું હતું.

ઈબોલા પ્રવેશ પછી બંને દેશોએ સંકલન માટે ઈન્સિડન્ટ-મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરી હતી. આ સિસ્ટમ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરથી છેક રાજ્ય અને ગ્રામ્ય સ્તરના અધિકારીઓ એકબીજા સાથે તેમજ આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. સેનેગલમાં પેલા ઈબોલાગ્રસ્ત વિદ્યાર્થીએ (નામ ગુપ્ત રખાયું છે) પ્રવેશ કર્યો ત્યારે તેણે પોતે ઈબોલાનો સંભવિત દર્દી હોવાથી ગિનીમાં આરોગ્યતંત્રની દેખરેખ હેઠળ હતો એ વાત છુપાવી હતી. જોકે, તે ગિનીથી સેનેગલમાં પ્રવેશ્યો એ પહેલાં ઈન્સિડન્ટ-મેનેજમેન્ટ સિસ્ટમ થકી એક સંભવિત ઈબોલાગ્રસ્ત દર્દી દેશમાં પ્રવેશ્યો છે એ વાત સેનેગલે ગિનીના રેકોર્ડમાંથી જાણી લીધી હતી. આ દરમિયાન સેનેગલમાં તેનું મેડિકલ ચેકઅપ કરાતા તેને ઈબોલાનો ચેપ  લાગી ચૂક્યો હોવાનું માલુમ પડયું હતું. આ વિદ્યાર્થી તમામ પ્રકારના મેડિકલ ચેકઅપમાં ખરો ઉતર્યો એ પછી ૧૮મી સપ્ટેમ્બરે તેને ગિની પરત જવાની મંજૂરી અપાઈ હતી.

ઈબોલાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવનારા લોકોને પણ બંને દેશોમાં ઝડપથી ઓળખીને સતત ૨૧ દિવસ સુધી ખાસ ઊભી કરેલી મેડિકલ સિસ્ટમની દેખરેખ હેઠળ રખાતા હતા. કોઈ પણ વ્યક્તિમાં ચેપના લક્ષણો દેખાય તો તેને જુદો પાડીને તાત્કાલિક સારવાર શરૂ કરાતી હતી. આ માટે બંને દેશોના તંત્રએ ત્રણેક મહિના સુધી હજારો ઘરોમાં જઈને ઈબોલાના સંભવિત દર્દીઓને ઓળખ કરવાનું અત્યંત કપરું કામ સફળતાપૂર્વક પાર પાડયું હતું. આ ઉપરાંત ઈબોલાની સાચી સમજ આપવા તેમજ અફવાઓ ના ફેલાય એ માટે બંને દેશોએ ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયા પર પણ આક્રમક અભિયાન કર્યું હતું. આફ્રિકન દેશોમાં રેડ ક્રોસ, ડોક્ટર્સ વિથાઉટ બોર્ડર સહિતની અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના તાલીમબદ્ધ નિષ્ણાતો ઈબોલાને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બંને દેશોએ તેમને પૂરેપૂરો સહકાર આપ્યો હતો. બંને દેશોએ સતત ત્રણ મહિના ચલાવેલું 'ઓપરેશન ઈબોલા' જોઈને વિશ્વ દંગ રહી ગયું છે અને 'હુ'એ તેમને ઈબોલામુક્ત જાહેર કરવા પડયા છે.

આફ્રિકાના ઈબોલાગ્રસ્ત દેશોમાંથી સૌથી વધારે હવાઈ મુસાફરો કયા દેશોમાં જાય છે એની યાદીમાં ચીનનો ક્રમ ૧૦મો છે, જ્યારે ભારતનું સ્થાન ૧૩મા નંબરે છે. ઈબોલા ઝોન ગણાતા દેશોમાં ભારતીયોની વસતી આશરે ૫૦ હજાર છે અને એટલે ભારતમાં ઈબોલા પ્રવેશની શક્યતા નકારી શકાતી નથી. આ સંજોગોમાં વસતી વધારા અને જાહેર આરોગ્ય માટે કુખ્યાત ભારત જેવા દેશે નાઈજિરિયા અને સેનેગલની ઈબોલા સામેની લડાઈ યાદ રાખવા જેવી છે.