29 August, 2012

પુસ્તકો મૂકવાના ક્રિએટિવ નુસખા


મારી જેમ તમને ઘરમાં પુસ્તકો, ફાઈલો વગેરે મૂકવાની જગ્યા ઓછી પડતી હશે. મારો એક મિત્ર તો ઘરમાં પુસ્તકો જ નહીં, વર્ષોવર્ષના છાપા સંગ્રહવાનો શોખીન છે. પરંતુ લગ્ન થયા પછી ભાભી સામે એનું કશું ચાલતું નથી એ જુદી વાત છે. (પ્લીઝ એનું નામ જાહેરમાં ના પૂછતા, ફોન કરજો કહીશ.) એની વે, હું તો જૈન હોવાથી અપરિગ્રહ (સંગ્રહખોરી નહીં કરવામાં)માં માનું છું અને અમુક પુસ્તકો ઘરમાં રાખી મૂકવાના બદલે ‘જૂના પુસ્તકો વેચતા ફેરિયા’ને આપી દેવામાં શાણપણ સમજુ છું. પરંતુ મારી પત્નીને મારી આ આદત પસંદ નથી. તેથી મેં ઘરમાં પુસ્તકો મૂકવા આખરે શું કરવું જોઈએ એવો ટાઈમપાસ કરવા ઈન્ટરનેટના દરિયામાં ધૂબાકા મારીને કેટલાક તસવીરી ઉકેલો શોધી કાઢ્યા છે, જે અહીં તમારી સાથે શેર કરું છું.


માળિયામાં જૂની નિરસણી પડી હોય તો ઉત્તમ 


જૂની નિસરણીને સરળતા ખાતર આવી રીતે પણ મૂકી શકાય


જો તમારી પાસે વધુ પડતા પુસ્તકો
હોય તો  આવું  કરી શકાય

બે નિસરણીને આવી રીતે ગોઠવીને વચ્ચે પાટિયા મૂકી દો

માળિયામાં જેટલો ભંગાર વધારે એટલો વધારે ફાયદો 


પાટિયામાં કાણાં પાડીને, દોરડામાં ગાંઠો મારી આવી
રીતે લટકાવીને બહુ બધા પુસ્તકો મૂકી શકાય 

જૂની ટિપોઈ અને કપડા મૂકવાના સ્ટેન્ડમાંથી પુસ્તક સ્ટેન્ડ


કબાટના બે હેન્ડલ, બે દોરી અને એક પાટિયું કમસેકમ બાળકોના પુસ્તકો માટે ઉત્તમ


ડ્રોઅર ખુલ્લું રાખવાની રીત પણ ખોટી નહીં


વધુ પુસ્તકો મૂકવા રોડ ફર્નિચર ઉત્તમ 


જૂની લોખંડની પાઈપ અને લેમ્પ પણ બની શકે પુસ્તક સ્ટેન્ડ 


જો તમે પ્લમ્બર હોવ અને વધુ પાઈપો હોય તો તો ઘી-કેળાં

આવું ટેબલ પણ બહુ બધા પુસ્તકો માટે શ્રેષ્ઠ 

જાડા પૂંઠા પર કાણાં પાડીને પેન્સિલ અને દોરીઓ વડે
બનાવેલું  સ્ટેન્ડ બાળકોના રૂમમાં સ્ટાઈલિશ લાગે

જૂના પાટિયા, ટેબલો વગેરેનું  ક્રિએટિવ પુસ્તક સ્ટેન્ડ 

ધ્યાનથી જુઓ, પરદાના કાપડ અને
પાઈપનું પુસ્તક સ્ટેન્ડ 


જૂનો રેડિયો પણ થોડું કામ કાઢી આપે


માળિયામાં પડેલું મોટા ભાગનું કામ આવે


એકાદ પુસ્તક આવી રીતે પણ...


જૂના પાટિયાના બોક્સ બનાવી, પાછળ ડિઝાઈનર પેપર લગાવી દો 

છે ને સ્ટાઈલિશ ટેબલ 

26 August, 2012

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ‘સીમી’નો નવો ચહેરો?


આજે સાયબર ટેક્નોલોજીના જમાનામાં દરેક દેશે જાણી લેવું જોઈએ કે, તેમની પાસે સાયબર ક્રાઈમને રોકવા માટે પૂરતું માળખું તેમજ આવા ગુનેગારોને કડક સજા કરવા કાયદો છે કે નહીં? ધર્મ, જાતિ, ભાષા વગેરેનું અપાર વૈવિધ્ય ધરાવતા ભારત જેવા દેશ માટે તો આ અત્યંત જરૂરી છે. ઈન્ટરનેટ સ્વતંત્રતાની આક્રમક તરફેણ કરનારા લોકો પણ વિવિધ વેબસાઈટો પર અપલોડ કરાતા કોમવાદી લાગણીઓ ઉશ્કેરે એવા કન્ટેન્ટનો સજ્જડ વિરોધ કરે છે, જેના કારણે દેશના હજારો ઈશાન ભારતીયોને બિસ્તરા પોટલા લઈને રાતોરાત વતનમાં જવાની ફરજ પડી હતી. આસામની ઘટના વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારના સતત આશ્વાસન છતાં ઈશાન ભારતીયોએ વતન તરફ ‘ભાગવાનું’ ચાલુ રાખ્યું એ પાછળ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સ્થિતિમાં લોકોને ઉશ્કેરતા વીડિયો, તસવીરો કે ધમકીભર્યા મોબાઈલ મેસેજના કારણે પૂર્વોત્તર ભારતના લોકોમાં ભયનું મોજું વ્યાપી ગયું હતું. પરિણામે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે 309 વેબસાઈટ અને સોશિયલ નેટવર્ક સાઈટો પર નફરત ફેલાવતા એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા તેમજ જથ્થાબંધ એસએમએસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, આ નફરતની આગ ફેલાવવા પાછળ કોનું ભેજું હતું? કેન્દ્ર સરકાર કહી રહી છે કે, પાકિસ્તાનસ્થિત હરકત ઉલ જિહાદ અલ ઈસ્લામી (હુજી) અને ભારતની પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓએ આવું ભડકાઉ કન્ટેન્ટ અપલોડ કર્યું હતું અને જથ્થાબંધ મેસેજ કર્યા હતા. પરંતુ પીએફઆઈ આવી કોઈ પણ પ્રવૃત્તિ પાછળ પોતાનો હાથ હોવાનો ઈનકાર કરી રહી છે.


તમિળનાડુમાં પોલીસ વિરુદ્ધ દેખાવો કરી રહેલા પીએફઆઈના કાર્યકરો 

આમ દેશભરના ઈશાન ભારતીયોએ વતન તરફ હિજરત ચાલુ કરી ત્યારે પીએફઆઈ પ્રકાશમાં આવી હતી. આ સંસ્થા અત્યાર સુધી મોટે ભાગે દક્ષિણ ભારતમાં સક્રિય હોવાનું મનાઈ રહ્યું છે. હજુ જુલાઈ 2012માં કેરળ પોલીસના ઈન્ટેલિજન્સ વિંગના એડિશનલ ડીજીપી સિદ્દિક રાવથેરે કેરળ હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે, “પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી)નું જ નવું રૂપ છે, અને આ સંસ્થા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ છે.” આ એફિડેવિટમાં સ્પષ્ટ કહેવાયું છે કે, આ સંસ્થા નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ જેવા છેતરામણાં નામે આત્યંતિક વિચારો ફેલાવવામાં માહેર છે. ‘સીમી’ પર પ્રતિબંધ મૂકાયો એ પહેલાં તે બિલકુલ પીએફઆઈ જેવું જ કામ કરતી હતી. ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધાયેલી પીએફઆઈના તમામ સભ્યો ‘સીમી’ના પૂર્વ મુસ્લિમ સભ્યો છે, જેમનું લક્ષ્ય ભારતમાં ચુસ્ત ઈસ્લામિક વિચારો ફેલાવવાનું છે. નવાઈની વાત તો એ છે કે, પીએફઆઈએ 15મી ઓગસ્ટે કેરળમાં ચાર સ્થળે ‘ફ્રીડમ પરેડ’ યોજવા માટે જુલાઈ 2012માં પોલીસની મંજૂરી માંગી હતી. પરંતુ ‘ફ્રીડમ પરેડ’ જેવું શંકાસ્પદ નામ ધરાવતી રેલીને પોલીસે મંજૂરી ના આપતા પીએફઆઈએ કેરળ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે, કેરળ હાઈકોર્ટે પણ ત્રીજી ઓગસ્ટે આ પ્રકારની પરેડ કરવાથી રાજ્યની કોમી શાંતિ જોખમમાં મૂકાઈ શકે છે એમ કહીને પીએફઆઈની ‘ફ્રીડમ પરેડ’ યોજવાની અપીલ ફગાવી દીધી હતી.

પીએફઆઈ પોતાની સત્તાવાર વેબસાઈટ પર જણાવે છે કે, “હાલનું સામાજિક-આર્થિક વિકાસ મોડેલ દેશના લોકોની ગરીબી અને પછાતપણું દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે...” “પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા રાષ્ટ્રના વંચિત અને કચડાયેલા વર્ગના સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય વિકાસની દિશામાં સંકલન અને સંચાલન પૂરું પાડવાનો એક પ્રયાસ છે. આ એક ભેદભાવ રહિત સમાજ રચવાનો પ્રયાસ છે, જ્યાં તમામને સ્વતંત્રતા, ન્યાય અને રક્ષણ મળતું હોય.” જોકે, આવી ડાહી વાતો કરતી પીએફઆઈએ તાજેતરમાં જ કેરળમાં તાલીબાનોને શરમાવે એવા કૃત્ય કર્યા હતા. પીએફઆઈના સાત કાર્યકરોએ કેરળના પારાવૂરમાં આઠમી ઓગસ્ટે સ્થાનિક મસ્જિદ સમિતિના એક સભ્ય નસીર વનિયાક્કડ પર તલવારો અને પાઈપો વડે હુમલો કરીને રહેંસી નાંખ્યો હતો. નસીરનો વાંક ફક્ત એટલો જ હતો કે, સ્થાનિક મસ્જિદ સમિતિમાં તેનું જૂથ પીએફઆઈના સભ્યો કરતા વધુ મજબૂત થઈ ગયું હતું.

કેરળ પોલીસે ખૂબ ઝડપથી નસીર પર હુમલો કરનારા 19 લોકોને ઓળખી કાઢ્યા હતા, પરંતુ હજુ સુધી ફક્ત પાંચ આરોપીની ધરપકડ થઈ શકી છે. આ આરોપીઓના રિમાન્ડ રિપોર્ટમાં પોલીસે લખ્યું છે કે, આ કેસમાં કુલ 19 દોષિત છે, અને આ તમામ આરોપી પીએફઆઈ અને હાલ પ્રતિબંધિત સંસ્થા ‘સીમી’ના જ પૂર્વ કાર્યકરો છે. નોંધનીય છે કે, ચોથી જુલાઈ, 2010ના રોજ પીએફઆઈના કાર્યકરોએ ટી.જે. જોસેફ નામના પ્રોફેસરનો જમણો હાથ કાપી નાંખ્યો હતો. પીએફઆઈનું કહેવું હતું કે, જોસેફે એક પ્રશ્નપત્રમાં મોહમ્મદ પયગંબરની નિંદા થાય એ મુજબનો પ્રશ્ન પૂછ્યો છે. નસીર પરના હુમલાને દક્ષિણ ભારતા અખબારોએ ‘તાલિબાની હુમલો’ કહીને વખોડી કાઢ્યો હતો. કારણ કે, નસીરના હાથ, પગ પર એટલા ક્રૂર પ્રહાર કરવામાં આવ્યા હતા કે, ડૉક્ટરો પણ નસીરનો દેહ જોઈને સમસમી ગયા હતા. ડૉક્ટરોએ નસીરને બચાવી લીધો હતો, પરંતુ તેનો જમણો પગ ફરી ક્યારે સાજો થશે એ કહી શકાય એમ નથી. આઘાતજનક વાત તો એ છે કે, પોતાની સામે પડનારાને શારીરિક પંગુ બનાવી નાંખવો એ પીએફઆઈની નીતિ છે. નસીર પર જીવલેણ હુમલો કરનારા કાર્યકરોએ કબૂલ્યું હતું કે, તેઓ ભારતીય બંધારણ ફગાવીને ઈસ્લામિક કાયદાનું શાસન લાવવા માંગે છે.

બીજી તરફ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓએ કેન્દ્ર સરકારને સંકેત આપ્યા છે કે, દક્ષિણ ભારતમાં ઈસ્લામિક કોર્ટનું અસ્તિત્વ હોઈ શકે છે, અને તેઓ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સંગઠિત થઈ શકે છે. વર્ષ 2010માં પ્રોફેસર જોસેફ પર તાલિબાન સ્ટાઈલમાં હુમલો થયો એ કેરળમાં તાલિબાન ઈસ્લામિક કોર્ટ હોવાનો પહેલો સંકેત હતો. એવા અહેવાલ છે કે, કેરળ સહિતના રાજ્યોમાં પ્રવર્તમાન ઈસ્લામિક કોર્ટો મિલકત અને કૌટુંબિક ઝઘડાઓનું ઈસ્લામિક કાયદા મુજબ નિવારણ લાવે છે. જોકે, કેરળના ગૃહ મંત્રી કોટિયેરી બાલાક્રિષ્નન જણાવે છે કે, “ધાર્મિક વડાઓ આવા ઝઘડાના ઉકેલ લાવે છે, પરંતુ રાજ્યમાં તાલિબાન મોડેલ કોર્ટ હોવાના કોઈ પુરાવા નથી.”

જોકે તાલિબાન કોર્ટ હોય કે ન હોય તેનાથી વધુ મહત્ત્વનું એ છે કે, ‘હુજી’ અને પીએફઆઈ જેવા સંગઠનો દેશમાં આતંકવાદ ફેલાવવામાં રસ રાખી રહ્યા છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના સૂત્રો જણાવે છે કે, “આસામમાં આતંકવાદ ફેલાવવામાં ‘હુજી’ને રસ છે. તેઓ નવા ભરતી થયેલા લોકોનો દેશના વિવિધ ભાગમાં હુમલા કરવા ઉપયોગ કરી શકે છે.” જોકે, આસામ ઘટના વખતે અફવા ફેલાવવામાં પોતાનો હાથ હોવા મુદ્દે પીએફઆઈના અધ્યક્ષ અબુ રહેમાન અને કર્ણાટકના પ્રમુખ અશરફ મૌલવી સ્પષ્ટ ઈનકાર કરતા કહે છે કે, અમને બદનામ કરવા પાછળ ‘કોમવાદી બળો’નો હાથ છે. પરંતુ દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને કેરળમાં પીએફઆઈ દ્વારા કરાયેલા તાલિબાની કૃત્યો કંઈક જુદુ જ બયાન કરે છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

25 August, 2012

મળો...હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળ લેખિકાઓને


આજે પણ પુરુષપ્રધાન સમાજમાં કેટલાક ક્ષેત્રોમાં પુરુષો મહિલાઓને જલદીથી સ્વીકારી શકતા નથી. મહિલાઓ ભલે કોર્પોરેટ વિશ્વમાં નોકરી કરતી થઈ હોય પરંતુ ત્યાં પણ તેમની સાથે ભેદભાવયુક્ત વર્તન કરવામાં આવે છે. જોકે, આ વાત કેટલી વાજબી છે તે અંગે અહીં વાત નથી કરવી. ભારતમાં વર્ષોથી એક ક્ષેત્રમાં પુરુષો જેટલી જ મહિલાઓની પણ બોલબાલા રહી છે, અને તે છે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી. અત્યાર સુધી તમે મધુબાલાથી લઈને કેટરિના કૈફની સફળતાની ગાથાઓ સાંભળી હશે. પરંતુ આજે આપણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત સફળતા મેળવનારી એવી મહિલાઓની વાત કરવી છે, જે સ્ટાર કે સુપસ્ટાર નથી. આ મહિલાઓ મુંબઈના કોઈ મૉલમાં ખરીદી કરવા જાય તો તેમની ઓટોગ્રાફ લેવા ટોળેટોળાં નથી વળતા. એટલું જ નહીં, ફિલ્મના શોખીન લોકોએ પણ તેમના નામ કદાચ સાંભળ્યા નહીં હોય! આમ છતાં, ફિલ્મ દિગ્દર્શકો અને નિર્માતાઓએ તેમને મળવા એપોઈન્ટમેન્ટ લેવી પડે છે, અને ફિલ્મ સ્ટારો પણ તેમના સલાહ-સૂચનો મુજબ વર્તતા હોય છે. હા, આજે આપણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘બિહાઈન્ડ ધ કેમેરા’ કામ કરી રહી હોય એવી ફિલ્મ રાઈટરોની વાત કરવી છે. ‘અગ્નિપથ’, ‘વિકી ડૉનર’ અને ‘શાંઘાઈ’માં શું સામ્યતા છે? હા, તમને ખ્યાલ હશે કે આ ત્રણેય ફિલ્મો વર્ષ 2012માં પ્રદર્શિત થઈ છે. પરંતુ એક વાત ઘણાં ઓછા લોકો જાણે છે કે, આ ત્રણેય ફિલ્મની વાર્તા મહિલાઓએ લખી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ તપાસીએ તો ફિલ્મની વાર્તા, સંવાદો અને ગીતો લખવામાં પુરુષોનો જ ઈજારો રહ્યો છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, આજે આ ક્ષેત્રમાં અનેક મહિલાઓ કાઠું કાઢી રહી છે.


ઊર્મિ જુવેકર
ઊર્મિએ વર્ષ 2003માં પ્યાર કા સુપરહિટ ફોર્મુલાજેવી હળવી વાર્તા લખીને ફિલ્મ લેખનમાં ઝંપલાવ્યા બાદ આજ સુધી પાછુ વળીને જોયું નથી. ત્યાર પછી ઊર્મિએ ઓયે લકી, લકી ઓયે’, ‘આઈ એમઅને શાંઘાઈજેવી ફિલ્મ લખીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન બનાવી લીધું છે. જૂન 2012માં પ્રદર્શિત થયેલી શાંઘાઈફિલ્મનું બજેટ રૂ. 18 કરોડ હતુ, અને તેણે બોક્સ ઓફિસ પર રૂ. 35 કરોડનો નફો કર્યો હતો. ઊર્મિ કહે છે કે, ‘શાંઘાઈની સૌથી સારી વાત એ જ હતી કે, દિબાકરે (ફિલ્મ દિગ્દર્શક) મને હું ઈચ્છુ તેમ શાંઘાઈલખવાની છૂટ આપી હતી. આ ફિલ્મમાં ઊર્મિએ જ્યારે કોઈ સમાજમાં પોલિટિકલ એક્ટિવિસ્ટની હત્યા થાય ત્યારે શું થાય એ વાત કરી છે. ઊર્મિ કહે છે કે, “હું બદલાની ભાવના પર આધારિત ફિલ્મ નહોતી બનાવવા માંગતી, કે બિન-અદાલતી ઉકેલો પણ નહોતી આપવા માંગતી. હું ન્યાય પર ફિલ્મ બનાવવા ઈચ્છતી હતી. પરંતુ ન્યાય શું છે? ન્યાય બહુ જટિલ છે. ગુજરાત કે જેસિકા લાલ કેસ જુઓ. અનેક કુટુંબો દિગ્મૂઢ છે, તૂટી ગયા છે અને ન્યાય મળ્યા પછી જ તેઓ આગળ વધી શકશે. ફિલ્મોમાં આવુ કશું હોતુ નથી. બદલો લેવો સરળ છે, બંદૂક ખરીદો અને વિલનને મારી નાંખો. હારી જાઓ અથવા ગોળીથી મારી નાંખો. પરંતુ શાંઘાઈમાં કહેવાયું છે કે, કોઈ નિર્દોષ નથી, તેથી ન્યાય પણ મર્યાદિત મળે છે.આમ ઊર્મિની તમામ ફિલ્મોમાં કથાવસ્તુ અત્યંત ઊંડી હોય છે, પરંતુ તે સરળ રીતે કહેવાઈ હોય છે. એટલે જ ઊર્મિ કહે છે કે, “અનેક ફિલ્મોમાં ટ્વિસ્ટ, ટર્ન અને જાતભાતના પ્લોટ હોય છે, પરંતુ શાંઘાઈમાં એવું નથી. તેમાં આત્મમંથનની તક મળે છે. ફિલ્મ લખતી વખતે સંવાદો પર કાબૂ રાખવો મારા માટે અધરો હતો. શાંઘાઈમાં કોઈ ચમકીલા સંવાદો નથી. આ ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ અસર છોડતી જાય છે.

અદ્વૈતા કાલા
ફિલ્મ દિગ્દર્શક સુજોય ઘોષ સાથે મળીને ‘કહાની’ જેવી ફિલ્મ લખનાર અદ્વૈતા કાલાનું નામ આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગૂંજી રહ્યું છે. કેમ નહીં, ફક્ત રૂ. આઠ કરોડનું બજેટ ધરાવતી ‘કહાની’ મહિલા કેન્દ્રિત ફિલ્મ હતી, પરંતુ માર્ચ 2012માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મે બોક્સઓફિસ પર રૂ. 104.43 કરોડનો જંગી નફો કર્યો હતો. આ ફિલ્મ ફક્ત બોક્સઓફિસ પર હીટ નહોતી ગઈ, પરંતુ ફિલ્મ સમીક્ષકોએ પણ તેના ખૂબ વખાણ કર્યા હતા. અદ્વૈતાને ટ્રાવેલિંગનો જબરદસ્ત શોખ છે. તેઓ મહિનાના અડધા દિવસ શહેરની બહાર જ હોય છે. વળી, તેમને ભારતીય રેલવે પણ ખૂબ પસંદ છે, અને મોટે ભાગે રેલવેમાં જ પ્રવાસ કરે છે. અદ્વૈતા માને છે કે, ભારતનું વૈવિધ્ય જોવા અને માણવાનો શ્રેષ્ઠ રસ્તો ભારતીય રેલવે છે. અદ્વૈતા આ શોખના કારણે જ ફિલ્મ ‘કહાની’માં એક અજાણી મહિલાની નજરે કોલકાતા શહેરની સફર કરાવવામાં સફળ થયા છે. વળી, અદ્વૈતાએ તો ‘કહાની’માં એક એવી મહિલાની નજરે કોલકાતા શહેરની સફર કરાવી છે, જે ગર્ભવતી છે, એકલી છે અને પોતાના પતિને શોધવા માટે શહેરમાં આવી છે. આ થ્રીલર ફિલ્મમાં અદ્વૈતાએ ગૂંથેલા તાણાવાણાએ દર્શકોને છેલ્લી ઘડી સુધી જકડી રાખ્યા હતા. નોંધનીય છે કે, ફિલ્મો લખવાનું શરૂ કર્યું એ પહેલાં અદ્વૈતા ‘ઑલમોસ્ટ સિંગલ’ નામની નવલકથા લખી ચૂક્યા છે, જે યુવા વાચકોમાં ખાસ્સી લોકપ્રિય થઈ હતી.

જૂહી ચતુર્વેદી
જૂહીએ ફિલ્મ લેખનમાં ઝંપલાવ્યું એ પહેલાં તે એડવર્ટાઈઝમેન્ટના ક્ષેત્રે કામ કરતા હતા. તેણે પોતાની પહેલી ફિલ્મ વિકી ડૉનરથી જ જોરદાર સફળતા મેળવી છે. બોલિવૂડની ટીપિકલ ફિલ્મોથી અલગ જ વાર્તા ધરાવતી વિકી ડૉનરઓછા બજેટની હોવા છતાં મજબૂત વાર્તાના કારણે હીટ ગઈ હતી. જૂહીએ આ ફિલ્મમાં વીર્યદાન જેવા અઘરા અને સૂગ ધરાવતા વિષય પર સ્ટોરી લખીને ઈન્ડસ્ટ્રીના અનેક ખેરખાંનું ધ્યાન ખેંચ્યુ છે. જૂહીએ સાબિત કરી દીધું છે કે, જો તમે નવો આઈડિયા લઈને આવશો તો તમે પુરુષ છો કે મહિલા એવું કોઈ નહીં જુએ. જૂહી શૂજિત સિરકાર સાથે એક લવ સ્ટોરી પર કામ કરતી હતી ત્યારે તેઓ કોઈ સારી સ્ટોરી વિશે ચર્ચા કરતા હતા. પરંતુ ઘણાં દિવસો સુધી કોઈ સારો સ્ટોરી આઈડિયા મળતો ન હતો. છેવટે એક દિવસ સફરજનપડ્યું. જૂહીને વીર્યદાન કરતા એક યુવાન પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો, જેને એવી યુવતી સાથે પ્રેમ થઈ જાય છે જે માતા બની શકે એમ ન હતી. પછી તો જૂહીએ પોતાની એડવર્ટાઈઝિંગની તાલીમ કામે લગાડી, અને પોતાની જાતને સતત પ્રશ્નો પૂછ્યા કે, લોકો કેમ આ ફિલ્મ જોવા જશે?, આ ફિલ્મ બીજાથી અલગ કેવી રીતે હશે? આ વિચાર પ્રક્રિયામાંથી વિકી ડૉનરજેવી હટ કેવાર્તા સર્જાઈ. આ ફિલ્મનું બજેટ ફક્ત રૂ. પાંચ કરોડ હતું, પરંતુ બોક્સ ઓફિસ પર તેણે રૂ. 46 કરોડનો નફો કર્યો હતો.

અનુષા રીઝવી
અનુષા રીઝવીએ ખેડૂતોની આત્મહત્યા જેવા મુદ્દે પીપલી લાઈવજેવી કટાક્ષયુક્ત વાર્તા લખવાની સાથે આ ફિલ્મનું દિગ્દર્શન, સ્ક્રીનપ્લે રાઈટિંગ પણ સંભાળીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પોતાની કાબેલિયતનો પરિચય આપ્યો છે. ફિલ્મ દિગ્દર્શન અને લેખનમાં ઝંપલાવતા પહેલાં અનુષા એનડીટીવીમાં પત્રકાર હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેંટ સ્ટીફન કોલેજમાંથી ઈતિહાસમાં સ્નાતકની પદવી મેળવી છે. આ ફિલ્મની સફળતા પછી અનેક પત્રકારો અનુષાને સવાલ કરે છે કે, “શું પીપલીની પત્રકાર નંદિતા મલિક તમે અસલી જિંદગીમાં જોયેલું કોઈ પાત્ર છે?” આ અંગે તેઓ કહે છે કે, “નંદિતાનું પાત્ર આત્મકથાત્મક છે, અને ફિલ્મના બાકીના પાત્રો પણ અસલી જિંદગીમાં જોયેલા લોકોથી જ પ્રભાવિત છે. આમ પણ, લેખક કે ફિલ્મમેકરનું પહેલું કામ મોટે ભાગે આત્મકથાત્મક જ હોય છે.સ્ત્રીઓ દ્વારા કરાતા લેખન વિશે અનુષાનું માનવું છે કે, સ્ત્રી કે સ્ત્રી દ્વારા કહેવાતી વાર્તામાં કોઈ ખાસ ફર્ક નથી હોતો, પરંતુ તેમની દૃષ્ટિમાં ચોક્કસ ફર્ક હોય છે. જ્યારે લાગણીઓને ભારપૂર્વક રજૂ કરાય છે ત્યારે સ્ત્રી-પુરુષ અલગ પડે છે. આ મુદ્દે તેઓ કહે છે કે, “જેમ કે, મેં મારી ફિલ્મમાં સ્ત્રીઓની એક વાત ભારપૂર્વક રજૂ કરી છે કે, વિશ્વભરમાં 70 ટકા મજૂરી સ્ત્રીઓ દ્વારા થાય છે. પરંતુ આપણે આવી વાત પર ધ્યાન નથી આપતા. આમ છતાં શહેરો અને ગલીઓના નામ અસલી જિંદગીમાં કે ફિલ્મોમાં સ્ત્રીઓ સાથે ભાગ્યેજ જોડાયેલા હોય છે.” ‘પીપલી લાઈવરૂ. દસ કરોડમાં બની હતી, અને બોક્સઓફિસ પર તેણે રૂ. 30 કરોડનો નફો કર્યો હતો.

ઈલા બેદી દત્તા
અમિતાભ બચ્ચનને લઈને યશ જોહરે બનાવેલી ‘અગ્નિપથ’ની રિમેક બનાવવા માટે કરણ જોહેરે ઈલા બેદી દત્તા અને કરણ મલહોત્રાને સ્ક્રીનપ્લે રાઈટિંગની જવાબદારી સોંપી હતી. કોઈ જૂની ફિલ્મની રિમેક જેવું અઘરું કામ ઈલાને સોંપવાનું કારણ એટલું જ હતું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી ટેલિવિઝન લેખન ક્ષેત્રે સક્રિય ઈલા દર્શકોની નાડ બરાબર પારખે છે. વળી, એક એક્શન ડ્રામા ફિલ્મ લખીને ઈલાએ મહિલાઓ એક્શન ફિલ્મો ન લખી શકે એ માન્યતા પણ તોડી નાંખી છે. ઈલાને નાનપણથી ઘરમાં જ લેખન કરવાની પૂરતી મોકળાશ મળી હતી. કારણ કે, તેમના પિતા નરેન્દ્ર બેદી જાણીતા ફિલ્મ દિગ્દર્શક હતા, જ્યારે દાદા રાજેન્દ્રસિંહ બેદી ઉર્દૂ નાટ્યકાર, હિન્દી ફિલ્મ દિગ્દર્શક અને સ્ક્રીન રાઈટર હતા. ઈલા કહે છે કે, “હું ઘરમાં જ ઈન્ડસ્ટ્રી જેવું વાતાવરણ અનુભવતી હતી.” આ પ્રકારના વાતાવરણમાં ઉછેર થવાના કારણે જ કદાચ ઈલા એવું કહે છે કે, “એક મહિલા તરીકે મારી સાથે ક્યારેય ભેદભાવભર્યું વર્તન થયું નથી. અહીંના લોકો ખૂબ સહકાર આપે છે. અત્યારે તો ઈન્ડસ્ટ્રીમાં ક્રિએટિવિટી જ સર્વસ્વ છે, મજબૂત કન્ટેન્ટ જ તમારો ‘હીરો’ છે.”

ભાવની ઐયર
ભાવની ઐયર ‘બ્લેક’ અને ‘ગુઝારિશ’ જેવી બે ફિલ્મો લખીને પોતાની પ્રતિભાનો પરિચય આપી ચૂક્યા છે. જોકે હાલ તેઓ અનિલકપૂરના બહુચર્ચિત પ્રોજેક્ટ ‘24’ સાથે સંકળાયેલા છે, જે વિદેશી ટીવી સીરિઝ પરથી ભારતીય ટેલિવિઝન માટે પણ બની રહ્યો છે. જોકે, ભાવની ઐયર પણ આત્મવિશ્વાસ ધરાવતી આધુનિક મહિલા છે, અને કદાચ એટલે જ તેઓ માને છે કે ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે ભેદભાવભર્યું વર્તન નથી થતું. આ વાત સમજાવતા તેઓ કહે છે કે, “ઈન્ડસ્ટ્રીમાં પડદા પાછળ કામ કરતા પુરુષ અને મહિલાઓનો રેશિયો અસમતોલ છે એ વાત સાચી. પરંતુ આ માટે ભેદભાવ કે બીજા કોઈ કારણ જવાબદાર નથી. બહુ સીધુ ગણિત છે કે, આ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો અહીં આવે છે, અને જેમની પાસે ટેલેન્ટ છે તેઓ સફળ થાય છે.” સ્ક્રીન રાઈટિંગમાં સૌથી મહત્ત્વનું પાસું કયું છે એવા સવાલનો જવાબ આપતા ભાવની કહે છે કે, “જ્યારે તમે સ્ક્રીપ્ટ સોંપો છો ત્યારે તમે જે કોઈ પાત્રોનું સર્જન કર્યું છે તે.” નોંધનીય છે કે, ભાવની ‘મૈ ઐસા હી હૂં’, ‘સ્વામી’, ‘ભ્રમ’, અને ‘લવ સ્ટોરી-2050’ જેવી ઓછા બજેટની ફિલ્મોનું સ્ક્રીનપ્લે રાઈટિંગ પણ કરી ચૂક્યા છે.

રાજશ્રી ઓઝા
રાજશ્રીએ વર્ષ 2002માં ‘બદગર’થી હિન્દી લેખન અને દિગ્દર્શનમાં ઝંપલાવ્યુ હતું. ત્યાર પછી તેમણે ‘યાત્રા’, ‘ચૌરાહે’ અને ‘આઈશા’ જેવી ઓછા બજેટની ફિલ્મોનું દિગ્દર્શન, સ્ક્રીનપ્લે રાઈટિંગ કર્યું છે. હિન્દી ફિલ્મ લેખનમાં અત્યારે મહિલાઓની સ્થિતિ વિશે તેઓ કહે છે કે, “અત્યારે લોકોની દૃષ્ટિ ખાસ્સી બદલાઈ છે, અને વધુને વધુ મહિલાઓ આ ક્ષેત્રે આવી રહી છે.” રાજશ્રીને ફિલ્મ લેખનમાં ખરી ઓળખ વર્ષ 2007માં આવેલી ‘ચૌરાહે’થી મળી હતી. આ ફિલ્મમાં તેમણે માનવીય સંબંધોના તાણાવાણા કળાત્મક રીતે રજૂ કર્યા છે. આ ફિલ્મ જાણીતા હિન્દી સાહિત્યકાર નિર્મળ વર્માની ચાર વાર્તાઓ પર આધારિત છે. આ અંગે રાજશ્રી કહે છે કે, “ફિલ્મ બનાવવા મારી પાસે પૈસા ન હતા, કોઈ સંપર્કો નહોતા. મારી પાસે ફક્ત ડિપ્લોમા વખતે બનાવેલી ફિલ્મ ‘બડગર’ હતી. આ ફિલ્મ પણ જગ સરૈયાની ટૂંકી વાર્તા પર આધારિત હતી. હું વિચારતી હતી કે, આ ફિલ્મ નિર્મળજીને ગમશે. પછી તો નિર્મળજીએ મને તેમની કોઈ પણ વાર્તા પસંદ કરવાની છૂટ આપી હતી. પરંતુ મેં જ્યારે તેમને કહ્યું કે, મારે એક નહીં, ચાર વાર્તા જોઈએ છે ત્યારે તેમને નવાઈ લાગી. મારે તેમને સમજાવવા પડ્યા કે, હું ચાર વાર્તા ભેગી કરીને જટિલ માનવીય સંબંધો દર્શાવવા માંગુ છુ.” આ ફિલ્મમાં વિક્ટર બેનર્જી એક વૃદ્ધની ભૂમિકામાં છે, જે એક વિદેશી મહિલાના પ્રેમમાં પડે છે. આ વિદેશી મહિલાનું પાત્ર કિરા ચેપ્લીને ભજવ્યું છે, જે ચાર્લી ચેપ્લિનના દોહિત્રી છે.

મેઘા રામાસ્વામી
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી ગ્રેજ્યુએટ થનારા મેઘા રામાસ્વામીએ બિજોય નામ્બિયારની ‘શૈતાન’માં સહ-લેખિકા તરીકે કામ કરીને ફિલ્મ લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. મેઘા પણ મેટ્રો ગર્લ છે, અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે એ વાતને સંપૂર્ણ ફગાવી દે છે. 30 વર્ષીય મેઘા કહે છે કે, “બોલિવૂડમાં આવી વાત કરવી અયોગ્ય છે. અહીં દરેક પોતાની મરજી મુજબની વાર્તા લખી શકે છે, અને યોગ્ય લોકો સમક્ષ તેની રજૂઆત પણ કરે છે. જો તમારી વાર્તામાં દમ હશે, તો એક દિવસ કામ થશે.” મેઘા સોની તારાપોરવાલાને યશ આપે છે જેમણે વર્ષ 1988માં મીરા નાયર સાથે ‘સલામ બોમ્બે’ની સ્ટોરી લખીને આજની મહિલાઓને એક દિશા ચીંધી હતી. આ બદલાવ લાવવા બદલ મેઘા હની ઈરાની અને કામના ચંદ્રા જેવી ફિલ્મ લેખિકાઓને પણ આદરપૂર્વક યાદ કરે છે. નોંધનીય છે કે, હની ઈરાની ‘ડર’, ‘ક્યા કહેના’, ‘કોઈ મિલ ગયા’, અને ‘ક્રિશ’ જેવી કુલ 15 ફિલ્મ  લખી ચૂક્યા છે. જ્યારે કામના ચંદ્રાએ ‘પ્રેમરોગ’, ‘ચાંદની’, ‘1942- એ લવ સ્ટોરી’, ‘ભૈરવી’, ‘કરીબ’ અને ‘ગજગામિની’ જેવી ફિલ્મોનું લેખન સંભાળ્યુ હતુ.

આમ, આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ લેખન ક્ષેત્રે પુરુષોનું વર્ચસ્વ રહ્યું નથી. વાર્તા જ નહીં, સંવાદો અને સ્ક્રીનપ્લે રાઈટિંગ જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓ આગળ વધી રહી છે. રાજશ્રી ઓઝાની ‘આઈશા’ના સંવાદો, સ્ક્રીપ્લે રાઈટિંગમાં રીતુ ભાટિયા અને દેવિકા ભગત નામની મહિલાઓ પણ સહભાગી હતી. રીતુએ અગાઉ ‘લંડન પેરિસ ન્યૂયોર્ક’ના સંવાદો લખ્યા હતા, જ્યારે દેવિકા ‘બચના એ હસીનો’ અને ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’ જેવી સફળ ફિલ્મોનું સ્ક્રીનપ્લે રાઈટિંગ કરી ચૂક્યા છે. મહિલાઓ લેખનના સાથે દિગ્દર્શન, ફિલ્મ એડિટિંગ, સિનેમેટોગ્રાફી, કોરિયોગ્રાફી અને મ્યુઝિક જેવા ક્ષેત્રોમાં પણ પુરુષની બરાબરી કરી રહી છે. આ સિવાય પણ અનેક મહિલાઓ ટેલિવિઝન કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કરી રહી હશે એ વાતમાં કોઈ શંકા નથી.

23 August, 2012

ઓલિમ્પિક મેડલ અને જીડીપી વચ્ચેનો સંબંધ


ઓલિમ્પિક પૂરો થયાના આટલા દિવસો પછી પણ ભારતીય મીડિયા ‘ઓલિમ્પિક હેંગઓવર’માંથી બહાર આવ્યું નથી. ઓલિમ્પિકમાં વિશ્વના કુલ 79 દેશોએ ભાગ લીધો હતો, અને ચંદ્રકો જીતવામાં ભારતનું સ્થાન તેમાં 55મું છે. આ વખતે બ્રિટિશ ખેલાડીઓએ પણ ઘરઆંગણે ઉજ્જવળ દેખાવ કરીને અમેરિકા અને ચીન પછી પોતાના દેશને ત્રીજું સ્થાન અપાવ્યું છે. ઓલિમ્પિકમાં સામાન્ય રીતે અમેરિકા, ચીન અને રશિયાનો ટોપ થ્રીમાં સમાવેશ થતો હોય છે. આ વખતે ભારતે પણ કુલ છ- બે રજત અને ચાર કાસ્ય ચંદ્રક જીતીને રેકોર્ડ સુધાર્યો છે. સૌથી મોટી વાત તો એ છે કે, ઓલિમ્પિક અગાઉ ભારતે પાંચ ચંદ્રક જીતવાની આશા રાખી હતી. કદાચ અત્યાર સુધી પહેલીવાર એવું બન્યું છે કે, ભારતે રમતગમતમાં ધાર્યા કરતા વધુ સફળતા મળી હોય! બીજી તરફ, ભારતમાં મીડિયા જગતમાં સતત એવી ચર્ચા છે કે, સવા અબજના દેશમાં ફક્ત છ મેડલ? જોકે, વાત પણ સાચી છે. ભારત સુપરપાવર બનવાની અને ચીન સાથે હરીફાઈ કરવાના સપનાં જોતો દેશ છે, તો પછી રમતગમતની દુનિયામાં પણ તે કેમ ‘શક્તિ પ્રદર્શન’ નથી કરી શકતો. આ માટે ભ્રષ્ટાચારથી લઈને રમતગમત પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સહિતના અનેક કારણો આપવામાં આવે છે. આખરે ઓલિમ્પિકમાં ઉજ્જવળ દેખાવ કરતા દેશોની સફળતાનું રહસ્ય શું હોય છે?



એક વાત સ્પષ્ટ છે કે, વધુ વસતી ધરાવતા દેશો ઓલિમ્પિકમાં અગ્રેસર હોય છે. આ માટે એવો તર્ક કરાય છે કે, તમારી પાસે જેટલી વધુ વસતી, તેટલા તમારી પાસે વધુ સારા ખેલાડીઓ. વર્ષ 2008માં બેજિંગ ઓલિમ્પિકમાં ચીનના ખેલાડીઓએ ઘરઆંગણે 51 સુવર્ણ ચંદ્રક જીતીને પોતાની તાકાતનો પરચો દેખાડ્યો હતો. સુવર્ણ ચંદ્રક જીતવામાં અમેરિકા બીજા સ્થાને હતું, પરંતુ સૌથી વધુ કુલ 110 ચંદ્રકો તો અમેરિકાએ જ જીત્યા હતા. વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા ત્રણ દેશો જ ઓલિમ્પિકમાં પહેલાં અને બીજા સ્થાને હતા. થોડા વર્ષો પહેલાંના આંકડા જોઈએ તો પણ કંઈક આવા જ આંકડા મળે છે. વર્ષ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન જ કુલ 68 સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. જ્યારે વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં પણ અમેરિકા, ચીન પહેલાં ત્રણમાં હતા, અને તે વખતે રશિયા બીજા સ્થાને હતું. રશિયા વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો નવમો દેશ છે. તેની પહેલાં વર્ષ 1996માં એટલાન્ટા ઓલિમ્પિકમાં ચીન ચોથા સ્થાને હતું, અને પહેલાં ત્રણમાં અમેરિકા, રશિયા અને જર્મની હતું. જર્મની પણ બહુ મોટી વસતી ધરાવતો દેશ છે. જોકે ભારત જેવા વિશાળ વસતી ધરાવતા દેશને આ થિયરી લાગુ નથી પડતી. ભારત સૌથી વધુ વસતી ધરાવતો વિશ્વનો બીજા નંબરનો દેશ છે. આમ છતાં, વર્ષ 1960થી 2000 સુધી ભારત ફક્ત બે સુવર્ણ ચંદ્રક જીતી શક્યો છે. આ સ્થિતિ બદલ સ્પોર્ટ્સ એનાલિસ્ટો ભારતના અત્યંત નીચા માથાદીઠ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન)ને જવાબદાર ઠેરવી રહ્યા છે.

જેમ કે, બેજિંગ ઓલિમ્પિક ટેબલને જોતા જણાય છે કે, પહેલાં આઠ દેશોની સરેરાશ આવક ઘણી વધારે છે. જે દેશના લોકો પાસે પૂરતી આવક હોય છે, તે સમાજના લોકો રમતગમત પાછળ વધુ સમય, નાણાં ખર્ચી શકે છે અને તેમાં આગળ વધવા મરણિયા પ્રયાસ પણ કરી શકે છે. આમ તો ચીનમાં પણ માથાદીઠ જીડીપી ઘણું નીચું છે, પરંતુ તે આંકડો ભારત કરતાં ત્રણ ગણો વધારે છે. આ ઉપરાંત ભારત અને ચીનમાં પ્રવર્તતી સત્તામાં પણ ખાસ્સો ફર્ક છે. ચીનમાં આપખુદ સરકાર છે, જે રમતગમત પાછળ બેફામ નાણાં ખર્ચે છે. તમે બેડમિન્ટન અને સ્વિમિંગમાં ચીનની સફળતા જોઈ શકો છો. વિશ્વના અનેક અર્થશાસ્ત્રીઓએ જે તે દેશની આર્થિક તાકાતના આધારે તે દેશ કેટલા ચંદ્રક જીતશે એની ગણતરી હતી. જોકે, આ સિવાય પણ અનેક પરિબળો સારો એવો ભાગ ભજવે છે. જેમ કે, કઝાકિસ્તાન જેવો નાનકડો દેશ વેઈટ લિફ્ટિંગમાં અધધ નાણાં ખર્ચે છે. કૉલ્ડ વૉર વખતે સોવિયેટ યુનિયન પણ શક્તિ પ્રદર્શન કરવાની લ્હાયમાં રમતગમત પાછળ બેફામ ખર્ચ કરતું હતું, અને બીજી તરફ આર્થિક-રાજકીય સ્તરે તેણે ટકી રહેવા મરણિયા પ્રયાસ કરવા પડતા હતા. સોવિયેટ યુનિયન વર્ષ 1972થી સતત ત્રણ ઓલિમ્પિકમાં સૌથી વધુ સુવર્ણ ચંદ્રક જીત્યું હતું. એવી જ રીતે, વર્ષ 2008માં ક્યુબા પોતાના કરતા અનેકગણા મોટા અને ધનવાન પાડોશી દેશ બ્રાઝિલથી વધુ ચંદ્રકો જીત્યું હતું.

લંડન ઓલિમ્પિક પહેલાં પ્રતિષ્ઠિત અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સ, લંડને ચાર આર્થિક મોડેલનો અભ્યાસ કરીને કયો દેશ, કેટલા ચંદ્રક જીતશે એ અંગે અનુમાન કર્યું હતું. આ અનુમાનોને મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ સહમતિ આપી હતી. તેમની ધારણા હતી કે, લંડન ઓલિમ્પિકમાં અમેરિકા 39 (46), ચીન 37 (38), બ્રિટન 24 (29), રશિયા 12 (24), દક્ષિણ કોરિયા 12 (13), અને જર્મની 9 (11) સુવર્ણ ચંદ્ર જીતશે. કૌંસમાં આપેલા આંકડા વિવિધ દેશોએ જીતેલા વાસ્તવિક સુવર્ણ ચંદ્રકો દર્શાવે છે. નવાઈની વાત તો એ છે કે, અર્થશાસ્ત્રીઓએ વિવિધ દેશો માટે કરેલા અનુમાનો મોટે ભાગે વાસ્તવિક આંકડાઓની ઘણાં નજીક છે. તેમના મતે, કોઈ પણ દેશની વસતી, માથાદીઠ જીડીપી, ભૂતકાળનો દેખાવ અને ઓલિમ્પિક કયા દેશમાં યોજાઈ રહ્યો છે- તેના આધારે કયો દેશ કેટલા ચંદ્રકો જીતશે તેનું ચોક્કસ અનુમાન કરી શકાય છે. આ ઉપરાંત ખેલાડીઓ માટે તાલીમનું માળખું અને ખેલકૂદના સાધનોની સુવિધા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

કોઈ પણ દેશની વસતી અને જીડીપી રમતગમતના દેખાવ પર સ્પષ્ટ અસર કરે છે. વિશાળ વસતી ધરાવતા દેશ પાસે વધુ ખેલાડીઓ હોવાથી ચંદ્રક જીતવાની તક વધુ હોય છે. જ્યારે ઊંચા જીડીપીનો અર્થ છે કે, તે દેશ પાસે રમતગમતનું માળખું વિકસાવવા અને ચંદ્રકો જીતી શકે એવા ખેલાડીઓને તાલીમ આપવા પૂરતા નાણાં છે. પછી, ભૂતકાળનો દેખાવ જોવામાં આવે છે. ઓલિમ્પિકની કોઈ રમતમાં મેડલ જીત્યા પછી જે તે દેશમાં તે રમતની ઘેલછામાં વધારો થાય છે, અને તેને વધુ ભંડોળ મળે છે. જેમ કે, અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં, સાઈનાએ બેડમિન્ટન અને સુશીલકુમારે કુશ્તીમાં ચંદ્રક જીત્યા પછી ભારતમાં આ રમતોનું મહત્ત્વ વધ્યું છે, અને હવે તેમને પૂરતા નાણાં પણ મળી રહ્યા છે. ત્યાર પછીનું મહત્ત્વનું પાસું છે, ઓલિમ્પિક ક્યાં યોજાઈ રહ્યો છે, એટલે કે, હોમ એડવાન્ટેજ. ક્રિકેટઘેલા લોકો જાણે છે કે, ભારતની ક્રિકેટ ટીમનો ઘરઆંગણે અને વિદેશની પિચો પરના દેખાવમાં કેટલો ફર્ક છે. ઓલિમ્પિકમાં પણ જ્યાં ખરેખર ઓલિમ્પિક રમાવાનો છે ત્યાં તાલીમ લેવાના ઘણાં મનોવૈજ્ઞાનિક લાભ મળે છે. એટલું જ નહીં, જે દેશમાં ઓલિમ્પિક યોજાયો હોય ત્યાંના ખેલાડીઓને સ્પોન્સરશિપ પણ વધુ મળે છે. જેમ કે, વર્ષ 2004માં બ્રિટિશ ખેલાડીઓને 79 મિલિયન પાઉન્ડની સ્પોન્સરશિપ મળી હતી. પરંતુ આ વખતના લંડન ઓલિમ્પિકમાં બ્રિટિશ ખેલાડીઓને 264 મિલિયન પાઉન્ડની સ્પોન્સરશિપ મળી હતી. છેલ્લાં દસ વર્ષનું ઓલિમ્પિક ટેબલ જોતા માલુમ પડે છે કે, જે દેશમાં ઓલિમ્પિક યોજાયો હોય તે દેશ 54 ટકા વધુ ચંદ્રકો જીતે છે.

કેટલીક ખર્ચાળ રમતોમાં ગરીબ દેશો ભાગ પણ લઈ શકતા નથી. જેમ કે, ઈક્વેસ્ટ્રિયન, સેઈલિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ. આ રમતો રનિંગ, કુશ્તી કે બેડમિન્ટન કરતા ઘણી ખર્ચાળ છે. ઓછી જીડીપી ધરાવતા દેશ માટે આ રમતના ખેલાડીઓને તૈયાર કરવા લગભગ અશક્ય છે. જેમ કે, ઈથોપિયામાં દર 60 લાખની વસતીએ ફક્ત એક સ્વિમિંગ પુલ છે. હાલ ઈથોપિયાની અંદાજિત વસતી સાડા આઠ કરોડ છે. ઘણીવાર એવું બને છે કે, ગરીબ દેશે કેટલીક રમતમાંથી બહાર નીકળી જવું પડે છે. એક સમયે હોકીમાં ભારતનો ડંકો વાગતો હતો. ઓલિમ્પિકમાં વર્ષ 1928થી 1968 સુધીના હોકીના તમામ સુવર્ણ ચંદ્રક ભારતના નામે છે. પરંતુ પછી ભારત અચાનક હોકીમાં નબળું કેમ પડી ગયું? સ્પોર્ટ્સ એનાલિસ્ટો જણાવે છે કે, જ્યારથી હોકી ઘાસના મેદાન પરથી સિન્થેટિક પિચ પર રમાવાની ચાલુ થઈ ત્યારથી ભારત ફક્ત એક ચંદ્રક જીતી શક્યું છે. સાયકલિંગ, રોવિંગ જેવી રમતોમાં કેમ ધનિક દેશો જ ઉજ્જવળ દેખાવ કરે છે. કારણ કે, આ રમતો અત્યંત ખર્ચાળ છે અને ગરીબ દેશોને તેનો ખર્ચ પોસાય એમ નથી. આવા વિવિધ પાસાંને ધ્યાનમાં રાખીને સંશોધકોએ અનુમાન કર્યુ છે કે, વર્ષ 2016ના રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં બ્રાઝિલ 15 ચંદ્રકો જીતીને 21મા સ્થાને રહેશે.

આ અંગે ગરીબ દેશોને એવી સલાહ આપવામાં આવે છે કે, વધુને વધુ ચંદ્રકો જીતવા માટે તમે જે રમતમાં સૌથી વધુ સારો દેખાવ કરી શકતા હોવ તે રમતમાં તમારા શ્રેષ્ઠ ખેલાડીઓને ઉતારો. આ રમતો પાછળ પૂરતા નાણાં ખર્ચો અને ચંદ્રકો જીતવા તે રમત અને ખેલાડીમાં પૂરેપૂરો વિશ્વાસ રાખો. જોકે, અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ વાજબી રીતે જ એવી દલીલ કરે છે કે, ભારત જેવા દેશે કે જ્યાં જીવનજરૂરી ચીજવસ્તુઓની પણ અછત છે તેણે ચંદ્રકો જીતવા શા માટે ખર્ચ કરવો જોઈએ? આ ઉપરાંત એક એવી પણ દલીલ કરાય છે કે, શું આપણે રમતગમતમાં વિજેતાઓ પેદા કરીને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આવી સફળતા મેળવી શકીશું? આ અર્થશાસ્ત્રીઓની દલીલ છે કે, ગરીબ દેશો માટે શિક્ષણ, ઘર અને આરોગ્ય પાછળ ખર્ચ કરવો વધુ હિતાવહ છે. રમતગમત તો ફક્ત મનોરંજન છે, જ્યારે બાકીની તમામ જરૂરિયાતો છે. પરંતુ રમતગમતની તરફેણ કરતા અર્થશાસ્ત્રીઓ કહે છે કે, રમતગમતમાં સફળતા સૂક્ષ્મ રાષ્ટ્રીય ભાવના પેદા કરે છે અને પ્રજાનો ઉત્સાહ વધે છે. રમતગમતમાં ઉજ્જવળ દેખાવ કરતા દેશના લોકો અન્ય ક્ષેત્રમાં પણ આત્મવિશ્વાસથી સારો દેખાવ કરવા પ્રેરાય છે.

આમ રમતગમતમાં સારો દેખાવ કરવા રોકાણ કરવું જરૂરી છે. વિશ્વનો આર્થિક ઈતિહાસ સાક્ષી છે કે, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, જર્મની અને અમેરિકામાં પણ આર્થિક સફળતા અને રમતગમતમાં દેખાવ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આર્થિક તાકાત વધતા સરકાર રમતગમત સહિતના ક્ષેત્રોમાં સારો ખર્ચ કરી શકે છે, અને સફળતાનું ચક્ર શરૂ થઈ જાય છે. પરંતુ આર્થિક શક્તિ નબળી પડતા જ ચંદ્રકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઘટી જાય છે. તો પછી ભારત જેવો નીચો જીડીપી ધરાવતો દેશ રમતગમત પાછળનો ખર્ચ કેવી રીતે કરી શકશે? અર્થશાસ્ત્રીઓ પાસે કદાચ આનો જવાબ નહીં હોય!

ઓલિમ્પિક 2040માં ચંદ્રકો જીતવામાં ભારત બીજા નંબરે હશે

ઓલિમ્પિક દરમિયાન અનેક અર્થશાસ્ત્રીઓ વસતી, માથાદીઠ જીડીપી, ભૂતકાળનો દેખાવ અને ઓલિમ્પિક કયા દેશમાં રમાઈ રહ્યો છે તેના આધારે ભવિષ્યના વિવિધ ઓલિમ્પિકમાં કોણ વિજેતા બનશે એની ભવિષ્યવાણીઓ કરી છે. પરંતુ આપણને પ્રશ્ન થવો સ્વભાવિક છે કે, ભારત ઓલિમ્પિકમાં ક્યારે અગ્રેસર બનશે? આ અંગે ભારતીય અમેરિકન પત્રકાર ફરીદ ઝકરિયા ભવિષ્ય ભાખતા જણાવે છે કે, વર્ષ 2040નો કોઈ ઓલિમ્પિક નાઈજિરિયા કે લાઓસમાં રમાઈ રહ્યો હશે. વિશ્વમાં વિકસતા બજાર ધરાવતા દેશોની બોલબાલા હશે. આ દેશો અડધાથી પણ વધુ ચંદ્રકો જીતતા હશે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ આવશે, વર્ષ 2050 સુધીમાં ચારમાંથી એક ચાઈનીઝની ઉંમર 65 વર્ષથી વધુ હશે. જાપાનમાં પણ આવું થશે. ઓલિમ્પિક ટેબલ પર નજર કરતા જણાય છે કે, છેલ્લાં કેટલાક વર્ષોથી જાપાન ઓછા ચંદ્રકો જીતી રહ્યું છે. હવે, યુવાન વસતી અને ઝડપથી વિકસતા અર્થતંત્રો ધરાવતા દેશો સારો દેખાવ કરશે. તેથી મારું માનવું છે કે, વર્ષ 2040માં અમેરિકા, ભારત, ચીન, ઈન્ડોનેશિયા અને બ્રાઝિલ એમ પાંચ દેશો આ જ ક્રમમાં ચંદ્રકો જીતશે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

20 August, 2012

ભારત રહી રહીને જાગ્યું: હવે ઘૂસણખોરોની ઓળખ ઝડપથી કરાશે


બાંગલાદેશથી આસામમાં આવેલા ઘૂસણખોરો અને સ્થાનિક બોડો સંપ્રદાય વચ્ચે થયેલી હિંસક અથડામણો અચાનક કોમી સ્વરૂપ ધારણ કરી લેશે અને આ આગ દેશભરમાં ફેલાઈ જશે એની કોઈને કલ્પના સુદ્ધાં ન હતી. ભારતે આઝાદી વખતે શરણાર્થીઓથી ભરેલી બિહામણી ટ્રેનો જોઈ હતી, પરંતુ આઝાદીના 65 વર્ષ પછી આજની પેઢીને ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારતના શરણાર્થીઓથી ભરેલી ટ્રેનો જોવા મળી રહી છે. જોકે, એ વખતે ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત તરફ ટ્રેનો દોડી રહી હતી. જ્યારે અત્યારે દેશની અંદર જ ઈશાન ભારતીયોથી ભરેલી ટ્રેનો દોડી રહી છે.

આસામની હિંસાનો બદલો લેવાની સાચી-ખોટી અફવાઓના કારણે દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા લાખો ઈશાન ભારતીયોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું છે. આસામમાં થયેલી હિંસક અથડામણો બાદ મહારાષ્ટ્ર, હૈદરાબાદ, તામિલનાડુ અને કર્ણાટકના વિવિધ શહેરોમાંથી હજારો લોકો સામૂહિક સ્થળાંતર કરી રહ્યા છે. ખાસ કરીને મુંબઈ, પૂણે અને મૈસુરમાં ઈશાન ભારતીય પર થયેલા હુમલા અને ત્યાર પછી એસએમએસ, ઈમેલના માધ્યમથી અપાયેલી બદલો લેવાની ધમકીઓના કારણે સંપૂર્ણ સ્થિતિ અફવા ફેલાવનારા લોકોની તરફેણમાં થઈ ગઈ. આઘાતજનક વાત તો એ છે કે, આવી અફવાઓના કારણે ઈશાન ભારતીયોએ આસામ તરફ સામૂહિક સ્થળાંતર શરૂ કર્યું છે, અને આસામમાં પણ વાતાવરણ અત્યંત તંગ છે. આ સ્થિતિમાં કર્ણાટકના બેંગલુરુ શહેરમાંથી જ 30 હજાર લોકો વિવિધ ટ્રેનોમાં આસામ પહોંચી ગયા છે.

બેંગલુરુથી ટ્રેનમાં બેસી આસામ જતા ઈશાન ભારતીયો
વડાપ્રધાન મનમોહનસિંહના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી ઈફતાર પાર્ટીમાં તેમણે હુમલાઓને લઈને ઊડી રહેલી અફવાઓ અંગે કહ્યું હતું કે, “આપણે બધાએ સાથે મળીને જોવાનું છે કે, જે અફવાઓ ચાલી રહી છે, એસએમએસ મોકલાઈ રહ્યા છે તેનાથી પૂર્વોત્તરના લોકોમાં ડર પેદા ન થાય. આપણે કોઈ પણ કિંમતે શાંતિ રાખવાની છે.જોકે લોકો પર આ વાતની બિલકુલ અસર નથી અને તેમનું સામૂહિક સ્થળાંતર અવિરત ચાલુ છે. રેલવે તંત્રના જણાવ્યા મુજબ, 18 ઓગસ્ટ સુધીમાં જ 12 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થઈ ગયુ છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લોકોને જે તે પ્રદેશ નહીં છોડવા સમજાવાઈ રહ્યા છે, તો બીજી તરફ રેલવે તંત્રે બેંગલુરુથી પૂર્વોત્તરના રાજ્યોમાં જતી વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવી પડી છે. કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરની સ્થળાંતર નહીં કરવાની વારંવારની અપીલ પછી પણ લોકોના મિજાજમાં કોઈ ફર્ક ન પડતા તેમણે ખુદ ગૃહ મંત્રીને રેલવે સ્ટેશન પર મોકલ્યા હતા. અહીં તેમણે ઈશાન ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષાની પૂરતી ખાતરી આપીને કર્ણાટક નહીં છોડવા સમજાવ્યા હતા. આમ છતાં અફવાઓને પગલે સર્જાયેલું ભયનું વાતાવરણ એટલું મજબૂત છે કે, લોકો ટસના મસ થતા નથી. આ સ્થિતિમાં તકવાદીઓ પૂર્વોત્તર રાજ્યોના ભાઈ-બહેનોનું દિલ જીતવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, અને પૂર્વ ભારતમાં ઘૂસણખોરીના પ્રશ્ને સત્તાધીશો ઊંઘતા ઝડપાયા છે.

હાલના સંજોગોમાં દેશના તમામ રાજકીય પક્ષોએ ઈશાન ભારતીયોને પૂરતી સુરક્ષાની ખાતરી આપી છે. પરંતુ ભયભીત લોકો કોઈનું સાંભળવા તૈયાર નથી. આ સ્થિતિમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલુ થઈ ગયો છે. બેંગલુરુમાં સર્જાયેલી સ્થિતિ બદલ કેટલાક લોકો કર્ણાટકની ભાજપ શાસિત સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, બેંગલુરુમાં તો હજુ સુધી એક પણ હિંસક ઘટના બની નથી, તેમ છતાં કેમ આટલા મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે. કારણ કે, મોટા ભાગના લોકોને હાલની સરકારમાં બિલકુલ વિશ્વાસ નથી. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે, લોકોમાં મનમાં ડરનો માહોલ એટલો સજ્જડ છે કે, તેઓ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી. બેંગલુરુમાં હોટેલોમાં અને સુરક્ષાકર્મીઓ તરીકે બહુ મોટી સંખ્યામાં ઈશાન ભારતીયો કામ કરે છે. તેઓને તેમના ઘરેથી સતત ફોન કૉલ્સ આવી રહ્યા છે અને પરિવારજનો તેમને આસામ આવી જવા કહી રહ્યા છે. બેંગલુરુથી ટ્રેનમાં આસામ જતા કેટલાક લોકો એક ટીવી ચેનલને જણાવતા હતા કે, “અમને રસ્તામાં ઊભા રાખીને પૂછવામાં આવતું હતુ કે, ‘શું તમે આસામના છો?આ ઘટનાથી અમે ગભરાઈ ગયા છીએ.” 

આ પ્રકારની ઘટનાથી અન્ય ઈશાન ભારતીયોમાં પણ ભયનું વાતાવરણ સર્જાવુ સ્વભાવિક છે. બેંગલુરુથી પોતાના મિત્રો સાથે ફક્ત એક બેગ લઈને આસામ જતો બિકાશ જણાવે છે કે, ‘અમે આસામી ટીવી ચેનલ પર આસામની હિંસાના દૃશ્યો જોયા હતા, અને અમે સાંભળ્યુ છે કે, આ ઘટનાઓનો અમારી સાથે બદલો લેવાશે. હવે જ્યાં સુધી સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી અમે અહીં નહીં આવીએ.બીજી તરફ, મુંબઈની હિંસા પછી ઈશાન ભારતીયોએ એસએમએસ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ તેમજ મિત્રો પાસેથી સાંભળ્યું છે કે, 20 ઓગસ્ટે ઈદ પછી કંઈકઅજુગતી ઘટના બનશે. આ સ્થિતિમાં સામૂહિક ડરનું વાતાવરણ સર્જાયું છે, અને લોકો સામાન્ય ઘટનાને પણ અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે.

આ સ્થિતિને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે મહત્ત્વનું પગલું લેતા 17 ઓગસ્ટથી સતત 15 દિવસ માટે બલ્ક એસએમએસ અને એમએમએસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી તરફ, આસામના કોમી રમખાણોમાંથી પદાર્થપાઠ લઈને કેન્દ્ર સરકારે ઘૂસણખોરોની ઓળખ કરવાના કામમાં પણ ઝડપ વધારી છે. આસામમાં આ વર્ષના અંત સુધીમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનસીઆર)નું કામ શરૂ થઈ જશે એવા અહેવાલ છે. આ સાથે બાંગલાદેશી ઘૂસણખોરોને ઓળખવા વૈજ્ઞાનિક તપાસ કરવાનો પણ વિચાર કરાઈ રહ્યો છે. એટલું જ નહીં, કેટલાક શંકાસ્પદ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવાનો પણ નિર્ણય લેવાયો છે. બે વર્ષ પહેલાં જ આ રજિસ્ટરને અપડેટ કરવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં આ કામને લઈને હંગામો મચી ગયો હોવાથી તે બંધ કરવાની ફરજ પડી હતી. નવાઈની વાત તો એ છે કે, આ રજિસ્ટર છેક વર્ષ 1951માં અપડેટ કરાયું હતું.

આસામ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં કેન્દ્રના રાષ્ટ્રીય વસતી રજિસ્ટરની સાથે રાજ્યની વસતી ગણતરી માટે એનસીઆરની પણ વ્યવસ્થા કરાઈ હોય. કારણ કે, મૂળ આસામનો નાગરિક કોને ગણવો તે મુદ્દો આઝાદીકાળથી વિવાદિત છે. આમ તો, આસામ કે તેની બહાર રહેતા એવા લોકો કે જે આસામી ભાષા સાથે જોડાયેલા હોય તેને આસામી ગણવામાં આવે છે. પરંતુ આસામી નાગરિકની આ વ્યાખ્યાએ જાતભાતના વિવાદો સર્જ્યા અને રાજકારણીઓએ તેનો ભરપૂર ફાયદો પણ ઉઠાવ્યો. છેવટે માર્ચ 2007માં આસામ સરકારે આસામના નાગરિકની વ્યાખ્યા નક્કી કરવા એક સમિતિની રચના કરી, જેમાં નક્કી કરાયું કે, “જે પણ નાગરિકનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ-1951માં હોય તેઓ અને તેમના પૂર્વજોને આસામી ગણવાં.આસામમાં બોડો લોકોની સાથે બાંગલાદેશી ઘૂસણખોરોને પણ જાતભાતના લાભ મળે છે, અને એક અંદાજ પ્રમાણે આસામમાં 30 ટકા વસતી બાંગલાદેશીઓની છે. બોડો લોકોની માગ છે કે, આ તમામ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને બાંગલાદેશ પરત મોકલવામાં આવે, જેથી સ્થાનિક લોકોને રાજ્યના સંસાધનોનો પૂરતો લાભ મળે. જોકે, મત બેંકના રાજકારણના પાપે આટલા વર્ષો પછી લાખો બાંગલાદેશીઓની ઓળખ કરવી ઘણી અઘરી છે.

મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો સામે બાંગલાદેશનું આકરું વલણ

બાંગલાદેશ પોતાના પાડોશી દેશ મ્યાનમારમાંથી આવતા વિસ્થાપિતો પ્રત્યે અત્યંત આકરું વલણ રાખે છે. મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોને વર્ષોથી અન્યાય કરાય છે એ જગજાહેર વાત છે. આમ તો, મ્યાનમારમાં તેમની વસતી દસેક લાખ જેટલી છે, પરંતુ મ્યાનમાર સરકારે વર્ષ 1982માં કાયદો પસાર કરીને એવું નક્કી કર્યું હતું કે, રોહિંગ્યા મુસ્લિમો ક્યારેય મ્યાનમારના નાગરિક નહીં બની શકે. પરિણામે બાંગલાદેશ પણ સતત ઘૂસણખોરીનો સામનો કરી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 1991-92માં જ બે લાખ 70 હજાર રોહિંગ્યા મુસ્લિમોએ બાંગલાદેશમાં શરણ લીધું હતુ. છેવટે બાંગલાદેશ સરકારે ઘૂસણખોરી પ્રત્યે સખતાઈથી કામ લેવાનું શરૂ કર્યું. પરંતુ રોહિંગ્યા મુસ્લિમોની કફોડી સ્થિતિને પગલે શેખ હસીના સરકારે આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પોતાની સરહદો ખુલ્લી કરવી પડી હતી. આ દરમિયાન શેખ હસીનાએ કહ્યું હતું કે, પહેલેથી જ વસતી વધારાનો સામનો કરી રહેલા બાંગલાદેશ પાસે જમીન અને સંસાધનોની કમી છે, અને હવે તે રોહિંગ્યા વિસ્થાપિતોનો ભાર સહન કરી શકે એમ નથી. હાલ બાંગલાદેશ ચારેક લાખ વિસ્થાપિતોને પોષી રહ્યું છે. 

મ્યાનમારમાં કોમી હિંસાથી બચવા જળમાર્ગે ભાગીને આવેલા
એક રોહિંગ્યા મુસ્લિમ જૂથના આગેવાનની બાંગલાદેશ સરહદ
પર લશ્કર સમક્ષ આશ્રય માટે વિનવણી : એપી
હાલમાં જ બાંગલાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ રોહિંગ્યા મુસ્લિમો આતંકવાદીઓ સાથેના જોડાણોને લઈને શંકા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરતા કહ્યું હતું કે, “મ્યાનમાર સરહદ પર જમાતે ઈસ્લામી નામનું આતંકવાદી જૂથ મજબૂત સ્થિતિમાં છે, અને તેથી જ આપણે સામૂહિક ઘૂસણખોરીના કારણો જાણવા ઊંડી તપાસ કરવી જોઈએ.રોહિંગ્યા સોલિડેરિટી ઓર્ગેનાઈઝેશન સહિતની સંસ્થાઓ બાંગલાદેશ અને બહારના આતંકવાદી જૂથો સાથે સારા સંબંધ ધરાવે છે એ પણ જગજાહેર છે. બીજી તરફ, મ્યાનમાર સરકાર પણ રોહિંગ્યા મુસ્લિમોને ઈસ્લામિક બળવાખોરોગણાવી રહી છે. આપણે સમજી શકીએ છીએ કે, આ સ્થિતિમાં રોહિંગ્યા મુસ્લિમોને ભડકાવવા મુસ્લિમ આતંકવાદીઓ માટે કેટલું સહેલું કામ છે.

આ દરમિયાન રાષ્ટ્રીય લઘુમતી પંચે ભારત સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, “આસામના બોડો જિલ્લાઓમાં રહેતા મુસ્લિમો આતંકવાદીઓ બની જઈ શકે છે. કારણકે, બોડો લોકોને બોડો લિબરેશન ટાઈગર્સે એકે 47 જેવા હથિયારો આપ્યા છે, જ્યારે બાંગલાદેશી મુસ્લિમો પાસે હથિયારો નથી. આ સ્થિતિમાં કેટલાક આતંકવાદી જૂથો બોડોલેન્ડના મુસ્લિમોને મદદ કરી શકે છે.લઘુમતી પંચના સભ્ય સૈયદા હમીદ અને કે.એન. દારૂવાલાએ બોડોલેન્ડ ટેરિટોરિયલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ્સ એટલે કે, કોકરાજાર, ગોસાઈગાઓ, ધુબરી અને બિલારીપરા જેવા જિલ્લાઓની મુલાકાત લઈને આ અહેવાલ તૈયાર કર્યો છે. જોકે, આપણા રાજકારણીઓ લઘુમતી પંચના અહેવાલને ગંભીરતાથી લેશે, કે પછી તેને પણ એક અફવાગણીને ભૂલી જશે એ તો સમય જ બતાવશે.

નોંધઃ બંને તસવીર નેટ પરથી લીધી છે.