27 December, 2013

દક્ષિણ સુદાન ‘દેશ’ બનવાને લાયક નથી


દક્ષિણ સુદાનની એક દેશ તરીકે રચના થયાને હજુ માંડ ત્રણ વર્ષથી પણ ઓછો સમય થયો છે ત્યાં જ આખો દેશ કોમવાદ અને જાતિવાદના અજગરી ભરડામાં સપડાઈ ચૂક્યો છે. અહીં કોમી હત્યાકાંડોમાં અત્યાર સુધી હજારો લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ વખતે બળવાખોરોએ કરેલા એક હુમલામાં યુનાઈટેડ નેશન્સના પાંચ ભારતીય શાંતિદૂતો પણ માર્યા ગયા છે. આ પાંચેય ભારતીયો યુ.એન.ના અન્ય શાંતિદૂતો સાથે સુદાનમાં જીવના જોખમે પણ શાંતિ સ્થાપવા પ્રયત્નશીલ હતા. આફ્રિકન બાબતોના નિષ્ણાતોએ વિશ્વને ચેતવણી આપી છે કે, સુદાનમાં થઈ રહેલો હત્યાકાંડ એથનિક ક્લિનઝિંગ/વંશીય હત્યાકાંડમાં  ફેરવાઈ શકે છે. આમ તો સુદાનમાં વિવિધ જાતિઓ વચ્ચે વર્ષોથી લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. છેલ્લાં અનેક વર્ષોથી દક્ષિણ સુદાનની આવી વિવિધ જાતિઓ અંદરોદર તો લડી જ રહી છે અને થોડાં સમયથી તેઓ ઉત્તર સુદાન સરકાર સામે પણ બળવો કરી રહી છે.

સુદાનની સ્થિતિ સમજવા માટે થોડો ઈતિહાસ જોઈએ. રિપબ્લિક ઓફ ધ સુદાન ઉત્તર આફિક્રામાં આવેલો આરબ દેશ છે. સુદાનની ઉત્તરીય સરહદ ઈજિપ્ત, લાલ સમુદ્ર અને એરિટ્રિયા નામના નાનકડા દેશ અને પૂર્વીય સરહદ ઈથોપિયા સાથે વહેંચાયેલી છે. સુદાનની દક્ષિણ સરહદ દક્ષિણ સુદાન નામના હાલમાં જ નવા નવા બનેલા દેશ સાથે વહેંચાયેલી છે અને સુદાનની મુશ્કેલીની શરૂઆત જ અહીંથી થાય છે. જ્યારે સુદાનની દક્ષિણ પશ્ચિમી સરહદ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને પશ્ચિમી સરહદ ચાડ, લિબિયા જેવા દેશો સાથે વહેંચાયેલી છે. સુદાનની આસપાસ આવેલા તમામ દેશોમાં વત્તેઓછે અંશે અરાજકતા પ્રવર્તે છે. જુલાઈ 2011 સુધી સુદાનની ગણના આફ્રિકા અને આરબ વિશ્વના સૌથી મોટા દેશ તરીકે થતી હતી. પરંતુ નવમી જુલાઈ, 2011ના રોજ સુદાન સરકારે લોકમત મેળવીને 98.83 ટકા મતોની બહુમતી સાથે દેશનો દક્ષિણ ભાગ સ્વતંત્ર જાહેર કર્યો, જે દક્ષિણ સુદાન તરીકે ઓળખાય છે. હવે ઉત્તર સુદાનની રાજધાની ખાર્ટુમ અને દક્ષિણ સુદાનની રાજધાની જુબા છે.

દક્ષિણ સુદાન યુનાઈટેડ નેશન્સ અને આફ્રિકન યુનિયનનું સભ્ય રાષ્ટ્ર છે. પરંતુ આ દેશ તેની રચના થઈ ત્યારથી આંતરિક સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ સુદાનની રચના પછી સુદાન- ઉત્તર સુદાન તરીકે ઓળખાય છે. ઉત્તર સુદાન પણ યુ.એન., આફ્રિકન યુનિયન, આરબ લિગ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશનનું સભ્ય છે. હવે આ બંને દેશોમાં પ્રમુખીય લોકશાહી છે અને દેશનો વહીવટ સંસદ દ્વારા થાય છે. છેલ્લાં અનેક વર્ષોથી દક્ષિણ સુદાનમાં અનેક જાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ એક દેશ તરીકે રચના થયા પછી દક્ષિણ સુદાનની અનેક જાતિઓ અને બળવાખોર જૂથો દક્ષિણ સુદાનની સરકાર સામે પણ એક થઈને મેદાને પડ્યા છે. દક્ષિણ સુદાનમાં આજે પણ નાની-મોટી જાતિઓ-કબીલાઓનું વર્ચસ્વ છે અને તેઓ પોતપોતાના વિસ્તારોમાં ‘સમાંતર સરકાર’ ચલાવે છે. આ સ્થિતિમાં તેને એક દેશ કહી શકાય કે નહીં એ પણ એક પ્રશ્ન છે.

સાલ્વા કીર માયારદીત

રિક માચર 

ઉત્તર અને દક્ષિણ સુદાનમાં મોટા ભાગની વસતી મુસ્લિમોની છે, પરંતુ મુસ્લિમોની નૂર, દિનકા, બારી, મૂરલે અને ઝાંડે ભાષા બોલતી અનેક જાતિઓ વચ્ચે વર્ષોથી વેરભાવ છે. સમગ્ર સુદાનમાં કુલ 60 ભાષા બોલતા લોકો વસે છે. દક્ષિણ સુદાન સરકાર ખનીજતેલના ભંડારો સહિતના કુદરતી સ્રોતોનો ઉપયોગ કરીને યોગ્ય રીતે પ્રશાસન ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અહીંની અનેક શક્તિશાળી જાતિઓના આગેવાનોને સરકારથી વાંધો છે. કારણ કે, તેમને પણ ખનીજતેલના ભંડારો પર પોતાનું વર્ચસ્વ જોઈએ છે. આ સ્થિતિમાં વિવિધ જાતિઓના નેતાઓ તેમજ સરકારી અધિકારીઓ અને લશ્કર વચ્ચે વર્ચસ્વ માટે સંઘર્ષ ચાલતો રહે છે. દક્ષિણ સુદાનમાં બેકારીનું પ્રમાણ પણ ખૂબ ઊંચું છે અને સરકાર મહત્તમ લોકોને સરકારી નોકરી આપવાનો પ્રયાસ કરી રહી છે. આ સ્થિતિમાં જે લોકો વંચિત રહી જાય છે તેઓ હિંસક બળવાખોરોના જૂથોમાં જોડાઈ જાય છે. જે દેશના યુવાનો બેકાર હોય, કોમવાદી પરિબળો વર્ચસ્વ જમાવવા પ્રયત્નશીલ હોય અને સરકાર માટે વિકાસ કરવા વિદેશી તાકાતોની મદદ લેવી પડતી હોય ત્યારે દેશ કેવી દારૂણ સ્થિતિમાં ફસાઈ જાય એનું ઉત્તમ ઉદાહરણ દક્ષિણ સુદાન છે.

આ વખતે દક્ષિણ સુદાનના બળવાખોર જૂથોએ વિવિધ દેશોના શાંતિદૂતો (શાંતિ સ્થાપવા મોકલેલું લશ્કર)ની હાજરી હોવા છતાં રાજધાની જુબા પર કબ્જો જમાવીને વિશ્વને આંચકો આપ્યો છે. આ વિસ્તાર ખનીજતેલના ભરપૂર ઉત્પાદન માટે જાણીતો છે. છેલ્લાં કેટલાક વર્ષોથી દક્ષિણ સુદાનમાં અમેરિકા-બ્રિટનના લશ્કરી અધિકારીઓ તેમજ યુ.એન.ના ઉચ્ચ અધિકારીઓએ અડ્ડો જમાવ્યો હતો. પરંતુ અન્ય આરબ રાષ્ટ્રોની જેમ દક્ષિણ સુદાનમાં પણ પશ્ચિમી દેશો દ્વારા તેમના દેશમાં થતી ચંચુપાત સામે સ્થાનિક પ્રજા અને શાસકોના મનમાં ભારે ગુસ્સો ધરબાયેલો છે. વળી, તેઓ અંદરોદર પણ લડી રહ્યા છે. આ સ્થિતિમાં દક્ષિણ સુદાનની સ્થિતિ સુધારવા આવેલા અમેરિકન અને બ્રિટિશ નાગરિકો ખાસ ફ્લાઈટમાં પોતપોતાના દેશોની વાટ પકડી લીધી છે. દક્ષિણ સુદાનમાં અમેરિકા, બ્રિટન કે ભારતના શાંતિદૂતોને પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ પોતાના દેશોમાં ભાગવું પડે એ વાત સાબિત કરે છે કે, દક્ષિણ સુદાનમાં કેવું આતંકરાજ પ્રવર્તતું હશે!

આવી સ્થિતિમાં પણ યુ.એન.ના મહામંત્રી બાન કી-મૂને દક્ષિણ સુદાનની મુશ્કેલીઓનો અંત લાવવા માટે રાજકીય વાટાઘાટો પર ભાર મૂક્યો છે. દક્ષિણ સુદાનની સ્થિતિ વિશે બાન કી-મૂને સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “આ યુવાન દેશના સારા ભવિષ્ય અને તે અરાજકતામાં ના ફેરવાઈ જાય એ માટે હાલની સરકારે શક્ય એ તમામ પ્રયાસ કરવા જોઈએ. જો આપણે આવું નહીં કરી શકીએ તો તે એક વિશ્વાસઘાત ગણાશે કારણ કે, આ દેશની સ્વતંત્રતા માટે નાગરિકોએ ખૂબ લાંબો સંઘર્ષ કર્યો છે.” દક્ષિણ સુદાનના લશ્કરે શરૂઆતમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાની બડાઈ મારી હતી, પરંતુ હવે લશ્કરે પણ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે દેશ પર પોતાનો કાબૂ ગુમાવી દીધો છે. હાલ, દક્ષિણ સુદાનનો સૌથી મોટો ડર વંશીય કત્લેઆમનો છે. કારણ કે, સરકાર સામે લડતા બળવાખોર જૂથો જ અંદરોદર બાખડવા માંડે તો તેમની લડાઈમાં નિર્દોષ નાગરિકોની ભયાનક કત્લેઆમ થવાની સંભાવના છે.

સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટના જણાવ્યાનુસાર, “દક્ષિણ સુદાનના પ્રમુખ સાલ્વા કીર માયારદીતના દિનકા પ્રજાતિના એક સુરક્ષાકર્મીએ નૂર પ્રજાતિના એક સુરક્ષાકર્મીના શસ્ત્રો છીનવી લીધા હતા. જુબામાં આ કારણોસર છુટાછવાયા કોમી છમકલાં થયા અને ધીમે ધીમે કોમી દાવાનળ આખા દેશમાં ફેલાઈ ગયો છે.” સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટ દક્ષિણ સુદાનનું સત્તાવાર લશ્કર છે અને દેશના રાજકાજમાં તેનું સારું એવું વર્ચસ્વ છે. કારણ કે, દક્ષિણ સુદાનની સ્વતંત્રતા ઈચ્છતા કેટલાક લોકોએ વર્ષ 1983માં સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટ નામના સશસ્ત્ર જૂથની રચના કરી હતી. આ જૂથે દક્ષિણ સુદાનને એક સ્વતંત્ર દેશ બનાવવામાં લોહિયાળ જંગ ખેલ્યો હતો. સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટે દેશની અરાજકતા માટે આડકતરી રીતે પ્રમુખ અને ઉપ-પ્રમુખને જવાબદાર ઠેરવ્યા હતા.

આ વાત માનવાના કેટલાક ચોક્કસ કારણો પણ છે. પ્રમુખ સાલ્વા કીરે કોમી હિંસા માટે ઉપ-પ્રમુખ રિક માચર પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું છે કે, “ઉપ-પ્રમુખ રિક માચર દેશમાં બળવો કરાવવા ઈચ્છતા હતા.” આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોના મતે, રિક માચર નૂર પ્રજાતિના હોવાથી સાલ્વા કીરની વાતમાં સત્યતાનો અંશ હોઈ શકે છે. જે દેશના પ્રમુખ અને ઉપ-પ્રમુખ જેવા હોદ્દે બેઠેલા રાજકારણીઓ પણ જાતિવાદી માનસિકતાથી પીડાઈ રહ્યા હોય ત્યારે તેમના સુરક્ષાકર્મીઓની આવી માનસિકતા ના હોય તો જ નવાઈ. જોકે, રિક માચરે પ્રમુખ સાલ્વા કીરના આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે, “હું ફક્ત સાલ્વા કીરને સત્તાથી દૂર કરવા માગુ છું. કારણ કે, તેઓ લોકોને એક નથી કરી શકતા અને માણસોને માખીઓની જેમ મારે છે.” વિધિની વક્રતા તો એ છે કે, માણસોને માખીઓની જેમ મરતા બચાવવા ઈચ્છતા રિક માચરે દક્ષિણ સુદાનની આઝાદી માટે અત્યંત લોહિયાળ સંઘર્ષમાં અનેક નિર્દોષોને મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે.

કદાચ આ રાજકીય અરાજકતામાં પણ વધુ કેટલાક નિર્દોષોએ હોમાવું પડશે. તાજા અહેવાલ છે કે, યુનાઈટેડ નેશન્સે દિનકા જાતિના વિસ્થાપિતો માટે ઊભી કરેલી શિબિરોમાં નૂર જાતિનો એક સશસ્ત્ર બળવાખોર ઘૂસી ગયો હતો. નૂર જાતિના સૈનિકો દિનકા અને દિનકા જાતિના સૈનિકો નૂર લોકોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. દક્ષિણ સુદાનમાં જીવ બચાવવા 40 હજારથી પણ વધુ લોકોએ યુ.એન.ની શિબિરોમાં આશ્રય લેવો પડ્યો છે. જોકે, યુ.એન.ની કામગીરી જોતા એવી આશા રાખી શકાય કે દક્ષિણ સુદાનમાં સ્થિતિ ખૂબ ઝડપથી સામાન્ય થઈ જશે.  

No comments:

Post a Comment