નેવુંના દાયકામાં
ઈન્ટરનેટની પહેલી તેજી આવી ત્યારે એવું કહેવાતું કે, ૨૧મી
સદીમાં ઈન્ટરનેટ જે વ્યક્તિના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું હશે તેઓ ઈન્ડિયન,
અમેરિકન કે ચાઈનીઝ સિટીઝનની જેમ 'નેટિઝન'
તરીકે ઓળખાશે! એટલે જ ધુરંધર ફ્યુચરોલોજિસ્ટ એલ્વિન ટોફલરે ગૂગલનો
ઉદ્ભવ થયો એ પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું કે, ૨૧મી સદી માહિતી
યુગની હશે! ગૂગલની શોધ થતા જ આ વાત વધુને વધુ મજબૂત રીતે સાબિત થવાની શરૂઆત થઈ ગઈ
હતી. ગૂગલ તમામ પ્રકારની માહિતીનો સ્રોત નહીં, ધસમસતો ધોધ
છે.
હાલના ગૂગલના ફેલાવાની સરખામણી રોમ કે બ્રિટીશ
સામ્રાજ્ય સાથે કરી શકાય! ગ્રીસના એલેક્ઝાન્ડર ધ ગ્રેટે છેક ભારત સુધી રોમન
સામ્રાજ્ય ફેલાવ્યું હતું. એ
પછી મજબૂત શાસકો તરીકે બ્રિટીશરોનો ઉદ્ભવ થયો. બ્રિટીશરોનું સામ્રાજ્ય પણ
દુનિયાભરમાં વિસ્તરેલું હતું. પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં સૂરજ ડૂબે તો પૂર્વ
ગોળાર્ધમાં ઊગે અને પૂર્વ
ગોળાર્ધમાં ડૂબે તો પશ્ચિમ ગોળાર્ધમાં ઊગે. એ ન્યાયે પૃથ્વીના બંને ગોળાર્ધના અનેક
દેશોમાં બ્રિટીશરોનું શાસન હોવાથી એવું કહેવાતું કે,
બ્રિટીશ સામ્રાજ્યનો સૂરજ કદી ડૂબતો નથી. જોકે,
રોમન રાજાઓ હોય કે બ્રિટીશ શાસકો, આ તમામે
પોતાનું સામ્રાજ્ય ફેલાવવા ખૂબ લાંબો સમય લીધો અને કત્લેઆમ પણ કરી, પરંતુ ગૂગલે એક પણ ગોળી છોડ્યા વિના ફક્ત બે દાયકામાં અમર્યાદ સત્તા હાંસલ
કરી છે. એટલું
જ નહીં, ગૂગલે પ્રાચીન રોમ કે બ્રિટીશ
સામ્રાજ્ય કરતા વધારે દેશોમાં કબજો કર્યો છે. હાલ દુનિયાના ૯૬ ટકા માનવ વિસ્તારની
સૌથી લોકપ્રિય વેબસાઈટ ગૂગલ અથવા યૂ ટ્યૂબ છે. નવેમ્બર ૨૦૦૬માં ગૂગલે
૧.૬૫ અબજમાં યૂ ટ્યૂબ પણ
ખરીદી લીધી હતી.
ગૂગલ આપણને સર્ચ,
ઈ મેઈલ, યૂ ટ્યૂબ,
મેપ્સ, ટ્રાન્સલેટ, પ્લસ,
ફોટોઝ, ડ્રાઈવ, કેલેન્ડર,
બુક્સ અને ક્રોમ સહિતની તમામ સુવિધા ફ્રીમાં આપે છે. કદાચ આ ફ્રી સર્વિસના કારણે જ ઈન્ટરનેટ સિટીઝન 'ગૂગલ સિટીઝન' બની ગયા છે. આપણે
એન્ડ્રોઈડ સ્માર્ટફોન ખરીદીએ ત્યારે પણ ગૂગલ કોન્ટેક્ટથી માંડીને ફોટોગ્રાફ્સ,
ફાઈલ્સ જેવો બધો જ ડેટા સાચવવાની ફ્રી સુવિધા આપે છે. વર્ષ ૨૦૧૬માં એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો
માર્કેટ શેર ૮૭.૬ ટકા હતો, જ્યારે આઈ
ફોનનો માંડ ૧૧.૭ ટકા. હવે તો ગૂગલ પાસે પોતાનો જ એક્સક્લુસિવ સ્માર્ટફોન છે, જે ટેકનિકલી ગૂગલ સાથે વધારે ગાઢ રીતે જોડાયેલો છે. દુનિયામાં કરોડો લોકો એવા છે, જે
ફેસબૂક કે ટ્વિટરમાં લોગ-ઇન થવા માટે પણ ગૂગલનો ઉપયોગ કરે છે. આમ,
ટૂથ પેસ્ટ લેવા જતી વ્યક્તિ દુકાનદાર પાસે 'કોલગેટ'
માગે, કંઈક એવી જ મજબૂત ઈજારાશાહી ઈન્ટરનેટની
દુનિયામાં ગૂગલ પાસે છે. જોકે, મુશ્કેલી પણ એ જ છે. એટલે જ
અમેરિકા જેવા દેશોએ ગૂગલ જેવી ટેક કંપનીઓ ઈન્ટરનેટની દુનિયામાં ઈજારાશાહી ઊભી કરીને યુઝર્સ સાથે અન્યાય
ના કરે એ માટે શું કરી શકાય, એ દિશામાં
વિચારવાનું શરૂ કરી દીધું છે.
સિલિકોન વેલીના ટેક્નોલોજી થિંકર્સ સવાલ કરી રહ્યા છે કે,
ઈન્ટરનેટ યુઝર્સ અત્યારે જે (થોડી ઘણી) સ્વતંત્રતા અને ગુપ્તતા
ભોગવી રહ્યા છે, એ ભવિષ્યમાં હેમખેમ રહેશે ખરી? ખાસ કરીને દુનિયાભરમાં ફેસબૂકે ફ્રી બેઝિક્સના નામે નેટ ન્યુટ્રાલિટી પર
પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો એ પછી આ પ્રશ્ન વધારે ગંભીર બની ગયો છે. સાદી
ભાષામાં કહીએ તો નેટ ન્યુટ્રાલિટી એટલે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ વેબસાઈટો-ડેટાને
એકસમાન મહત્ત્વ મળવું જોઈએ તે! અત્યારે આવું છે જ, પણ
ફેસબૂકના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગ ઈન્ટરનેટની દુનિયામાં પણ વર્ણવ્યવસ્થા લાવવા
માગતા હતા. આપણે ઈન્ટરનેટ ડેટા પ્લાન ખરીદ્યા પછી કમ્પ્યુટર કે સ્માર્ટફોનની મદદથી ઈચ્છીએ તે વેબસાઈટ પર જઈ શકીએ. ઈન્ટરનેટ વેચતી કંપનીનું કામ
ત્યાં પૂરું થઈ જાય પણ ફેસબૂકને તેનાથી સંતોષ નહોતો. ઝકરબર્ગ ઈચ્છતા હતા કે,
હું ભારત જેવા દેશોમાં ગામડે ગામડે ફ્રી ઈન્ટરનેટ આપું અને પછી
અમુકતમુક કંપનીઓ સાથે કરાર કરું અને એ કંપનીઓની વેબસાઈટ ઝડપથી ખૂલે એવી ગોઠવણ કરી
આપું!
એટલે કે,
ફેસબૂક અને ફ્લિપકાર્ટ કરાર કરે અને તમે એફબીના ફ્રી ઈન્ટરનેટ યુઝર
હોવ તો તમારા સ્માર્ટફોનમાં ફ્લિપકાર્ટ ઝડપથી ખૂલી જાય! ટૂંકમાં વેબસાઈટનો અપલોડ
ટાઈમ ફેસબૂક નક્કી કરે. આમ, ફેસબૂક સાથે
જે કંપનીઓ જોડાય એમને જલસા પણ જે કંપનીઓ ઈન્ટરનેટની દુનિયામાં ઓછું રોકાણ કરીને
ધંધો કરવા આવી છે એમનું તો અસ્તિત્વ છે કે નહીં એય ખબર ના પડે! હા,
તમે એફબીના ફ્રી ઈન્ટરનેટ યુઝર હોવ તો પણ એમેઝોન કે સ્નેપડીલ પરથી
ખરીદી કરી જ શકો, પણ એ વેબસાઈટો ટેકનિકલી પાવરફૂલ હોય તો પણ
ફ્લિપકાર્ટ જેવા ઝડપથી ખૂલવાના ફાયદા એને ના મળે. ફેસબૂક અને ફ્લિપકાર્ટે આવા
કરાર કરી પણ દીધા હતા, પણ ભારે
વિરોધ પછી ફ્લિપકાર્ટે એ કરાર રદ કર્યો અને ફેસબૂક પણ ભારતમાં ફ્રી બેઝિક્સ સર્વિસ
ચાલુ કરી ના શકી. ટૂંકમાં ફેસબૂક 'ફ્રી બેઝિક્સ'
જેવા છેતરામણા નામે સેવા નહીં પણ મેવા ખાવા માગતી હતી. ફેસબૂક ગરીબ
દેશોમાં ફ્રી ઈન્ટરનેટની મદદથી 'ગેરકાયદે ઈજારાશાહી' ઊભી કરીને રોકડી કરવા માગતી હતી.
દુનિયામાં આ પ્રકારની
ઈજારાશાહીનું ‘પોસ્ટર
બોય’
ગૂગલ છે. આ અત્યંત ગંભીર મુદ્દો છે. ઈન્ટરનેટનો કોમર્શિયલ ઉપયોગ શરૂ થયાના ૩૫ જ
વર્ષમાં સિલિકોન વેલીની ગણીગાંઠી કંપનીઓ દુનિયાભરમાં અમર્યાદ ઈજારાશાહી ભોગવી જ
રહી છે, પરંતુ હજુયે તેમને સંતોષ નથી.
અત્યારે અમેરિકામાં એટી એન્ડ ટી કંપનીએ ડેટા ફ્રી ટેલિવિઝન ઓફર કરી છે, જેને લઈને ફરી એકવાર નેટ ન્યુટ્રાલિટી અંગે વિવાદ સર્જાયો છે.
માઈક્રોસોફ્ટ,
એપલ, એમેઝોન જેવી કંપનીઓ એક્સક્લુસિવ પ્રોડક્ટ કે સર્વિસ વેચીને નામ અને દામ કમાઈ રહી છે, જ્યારે
ગૂગલ કે ફેસબૂક જેવી કંપનીઓ પાસે જુદા પ્રકારની સત્તા છે. આ પ્રકારની કંપનીઓ પાસે
જે સત્તા છે તેને હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર અને ટેક ગુરુ શોષાના ઝુબોફે 'સર્વેઇલન્સ
કેપિટાલિઝમ' નામ આપ્યું છે. સરળ ભાષામાં કહીએ તો, સર્વેઇલન્સ કેપિટાલિઝમ એટલે ડેટાના આધારે દુનિયાભરના લોકોની અંગત જિંદગીમાં ડોકિયું કરવાની સત્તા. આ કંપનીઓ ડેટાનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. આ ડેટા કેટલો અમૂલ્ય છે એવું દર્શાવવા એક નવો ભાષા પ્રયોગ પણ
અસ્તિત્વમાં આવ્યો છે, ડેટા ઈઝ ન્યૂ ઓઈલ.
આ ડેટા આપણે જ
કંપનીઓને આપી દઈએ છીએ. આપણે કોઈ કંપનીની વેબસાઈટ પર જઈએ ત્યારે 'આઈ એગ્રી'
પર ક્લિક કરીએ છીએ. તેનો અર્થ એ છે કે, હું થર્ડ પાર્ટીને મારી બધી માહિતી વાંચવાની મંજૂરી આપું છું. એ ક્લિક કરતી વખતે આપણે 'ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ' કદી વાંચતા નથી અને વાંચીએ તો
પણ કશું કરી શકતા નથી કારણ કે, જ્યાં સુધી 'આઈ એગ્રી' પર ક્લિક ના કરીએ ત્યાં સુધી વેબસાઈટમાં
આગળ જઈ શકાતું નથી! આ એક પ્રકારની દાદાગીરી છે. ૨૧મી સદીના નેટિઝનને સગવડ
જોઈતી હોય તો 'ફેસિલિટી' અને 'પ્રાઈવેસી' વચ્ચે 'ફેસિલિટી' જ પસંદ કરવી પડે છે, બંને સાથે મળતું નથી. ઈન્ટરનેટ સર્ચ ટ્રાફિક, ફેસબૂક લાઈક,
પોસ્ટ, હેશટેગ, ટ્વિટ,
બ્લોગ, યૂ ટ્યૂબ સર્ચ અને અપલોડ સહિતના સોશિયલ મીડિયા
બિહેવિયર થકી એક વ્યક્તિના, આખા સમાજના કે કોઈ વિસ્તારના
જાતભાતના ડેટા મેળવી શકાય છે. કયા વિસ્તારના લોકો કયા રાજકીય પક્ષ સાથે છે એનો પણ
અંદાજ મેળવી શકાય છે.
ઈન્ટરનેટ ટ્રાફિક
પરથી જાણકારી મળી છે કે, ઓનલાઈન પોર્ન જોવામાં
પાકિસ્તાન પહેલું છે, તો ભારત છઠ્ઠા નંબરે છે. એવી જ રીતે,
ઓનલાઈન શોપિંગના પણ દેશ અને વિસ્તાર પ્રમાણે આંકડા મેળવી શકાય છે. આ
બધો ડેટા છે, જેનો ગૂગલ જેવી કંપનીઓ ધંધો કરે છે પણ એમાંથી
આપણને કાણો પૈસોય મળતો નથી કારણ કે, એ લોકો નેટિઝનને 'ફ્રી સર્વિસ' આપી જ રહ્યા છે અને આપણને
તેની આદત થઈ ગઈ છે. આ ડેટાનો કેવી રીતે ઉપયોગ થાય છે એ નાનકડા ઉદાહરણથી
સમજીએ. તમે ગૂગલ પર ‘વિન્ટર સેલ’ સર્ચ કરીને સ્વેટર, લેધર જેકેટ વગેરે
જુઓ ત્યારે ગૂગલ એ ડેટા વાંચી લે છે. એ પછી તમે કોઈ પણ ન્યૂઝ વેબસાઈટ પર જાઓ તો ગૂગલ તમને એ
વેબપેજની બાજુમાં એ પ્રોડક્ટની એડ્સ બતાવ્યા કરશે! એટલું જ નહીં, ગૂગલ તમને ઈ મેઈલ પણ કર્યા કરશે.
આ પ્રકારના ડેટા પર
કબજો ધરાવતી ટેક કંપનીઓ અમેરિકા જેવા દેશો માટે પણ માથાના દુ:ખાવા સમાન છે. ટેક
કંપનીઓ જે ડેટા ભેગો કરે છે તેનો કેવી રીતે ઉપયોગ કરે છે એ દિશામાં દેખરેખ રાખવી અમેરિકા
માટે પણ ખૂબ જ અઘરું અને ખર્ચાળ છે. રાષ્ટ્રીય સુરક્ષા સિવાયના કોઈ પણ પ્રશ્ને આ
કંપનીઓને મનાવી શકાતી નથી કે તેમની સાથે દાદાગીરી પણ થઈ શકતી નથી! વળી, ગૂગલ જેવી કંપનીઓ સરહદ પાર
કોઈ બીજા દેશો સાથે શિંગડા ભરાવે તો પણ અમેરિકન સરકાર મધ્યસ્થી કરી શકતી નથી કારણ
કે, ગૂગલ કે ફેસબૂક જેવી કંપનીઓને એક જ દેશના
નહીં પણ જે તે દેશોના સ્થાનિક કાયદા લાગુ પડે છે. આ મુદ્દો સમજવા રાઈટ ટુ બી ફોરગોટનનો ચુકાદો ઉત્તમ ઉદાહરણ છે.
વર્ષ ૨૦૦૯માં સ્પેનનો
મારિયો કોસ્ટેજો ગોન્ઝાલેઝ ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ગૂગલ પર જોયું કે,
૧૬ વર્ષ પહેલાં હું આર્થિક સંકડામણમાં હતો ત્યારે મારા ઘરની હરાજી
થઈ ગઈ હતી અને આ બધું જ ગૂગલ પર દેખાઈ રહ્યું છે. આ માહિતી જોઈને મારિયો ખિન્ન
થઈ ગયો અને તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કરી દીધો. મારિયોનું કહેવું હતું કે,
આ વાત મને વારંવાર યાદ કરાવવાનો શું અર્થ? આ
પ્રકારની માહિતી મારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી અને માનહાનિ કરનારી
છે વગેરે... છેવટે
મે ૨૦૧૪માં યુરોપિયન કોર્ટે સ્પેનિશ કાયદાના આધારે મારિયોની તરફેણમાં ચુકાદો આપ્યો
ત્યારે ગૂગલ જેવી કંપનીઓનું ઓનલાઈન
માહિતી આપવાનું સ્વાતંત્ર્ય, વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સ્પેનનો ‘ખરાબ દિવસો ભૂલવાના હક્ક’નો કાયદો સામસામે ટકરાયા હતા.
આ સ્થિતિમાં
સ્વતંત્રતા અને ગુપ્તતા જેવા મુદ્દે અત્યંત સંવેદનશીલ વિકસિત દેશો પણ ચિંતા સેવી રહ્યા છે કે, આખરે
ઈન્ટરનેટ પર રાજ કરતી ટેક
કંપનીઓ પર કાબૂ કેવી રીતે રાખી શકાય! અત્યારે તો એવું
લાગે છે કે, ૨૧મી સદીમાં ઈન્ટરનેટનું
સંચાલન વિવિધ દેશોની સરકારો પાસે નહીં, પણ ગૂગલ કે ફેસબૂક જેવી ટેક
કંપનીઓ પાસે જ હશે!
જોકે, ઈતિહાસ ગવાહ છે કે, મહાન સામ્રાજ્યોનું સંચાલન કરવું અઘરું થઈ પડે છે! શું ગૂગલ સાથે પણ એવું જ થશે કે પછી ૨૧મી સદીમાં તેનું સામ્રાજ્ય ઓર મજબૂત થશે?
જોકે, ઈતિહાસ ગવાહ છે કે, મહાન સામ્રાજ્યોનું સંચાલન કરવું અઘરું થઈ પડે છે! શું ગૂગલ સાથે પણ એવું જ થશે કે પછી ૨૧મી સદીમાં તેનું સામ્રાજ્ય ઓર મજબૂત થશે?
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે ;)
No comments:
Post a Comment