20 December, 2013

કલમ 377 મુદ્દે સર્વોચ્ચ અદાલતની ટીકા અયોગ્ય

સર્વોચ્ચ અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 377ને યોગ્ય ઠેરવી છે એ વાતને એક અઠવાડિયું થઈ ગયું છે પણ આ મુદ્દે લોકોનો આક્રોશ દિવસે ને દિવસે વધુ તીવ્ર થઈ રહ્યો છે. દંડ સંહિતાની કલમ 377 મુજબ, ભારતીય કાયદા મુજબ પુરુષ કે સ્ત્રીના સમલૈંગિક જાતીય સંબંધો અકુદરતી છે અને કાનૂની રીતે પણ ગુનો છે. સર્વોચ્ચ અદાલતના કોઈ ચુકાદાનો આ પહેલાં ક્યારેય આટલો સજ્જડ વિરોધ નથી થયો એટલો આ મુદ્દાને લઈને થઈ રહ્યો છે. આ સંવેદનશીલ મુદ્દામાંસેક્સનું તત્ત્વ તો કેન્દ્રસ્થાને હતું જ અને આ વિરોધવંટોળમાં સેલિબ્રિટીઓ જોડાતા તેમાં ગ્લેમરનું તત્ત્વ પણ ભળ્યું છે. આ કારણોસર મીડિયામાં આ ચુકાદાની અયોગ્ય રીતે ટીકા થઈ રહી છે અને સાચો મુદ્દો હંમેશાંની જેમ ભૂલાઈ ગયો છે.

હવે, સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ જી. એસ. સિંધવીની ખંડપીઠે આપેલો ચુકાદો બંધારણીય રીતે યોગ્ય કેમ છે તેની વાત કરીએ. સર્વોચ્ચ અદાલતે આપેલા કુલ 92 પાનાંના ચુકાદાનો અભ્યાસ કરતા જણાય છે કે, આ ચુકાદો સમલૈંગિક વિરોધી નથી. કદાચ તેને આપણેજૂનાપુરાણા વિચારોથી પ્રભાવિત કહીએ તો એ વાત કદાચ અંશતઃ સાચી છે. કારણ કે, સર્વોચ્ચ અદાલતે એલજીબીટી સમુદાય એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરોના હકો મુદ્દે કંઈ કહેવાનું હતું જ નહીં. વાત એમ છે કે, વર્ષ 2003માં નાઝ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરીને દંડ સંહિતાની કલમ 377ને દૂર કરવાની માગ કરી હતી. આ સંસ્થા પુરુષ સમલૈંગિકોમાં (ગે સમુદાય) એચઆઈવી/એઈડ્સ અટકાવવા કાર્યરત છે. આ અરજીમાં નાઝ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, આ કલમના કારણે ગે સમુદાયને પોલીસનો ભારે ત્રાસ સહન કરવો પડે છે અને આ કલમનો ડર બતાવીને પોલીસ તેમનું બ્લેકમેઇલિંગ કરે છે, તેમની પર અત્યાચાર કરે છે વગેરે. પરિણામે આસેક્સ્યુઅલ માઈનોરિટીને સમાજથી અળગા થઈને રહેવું પડે છે.


દિલ્હી હાઈકોર્ટે આ અરજી સ્વીકારી ત્યારે પણ આ મુદ્દાને રાષ્ટ્રીય મીડિયામાં સ્થાન મળ્યું હતું. આ કલમ આજકાલની નહોતી પણ 150 વર્ષ પહેલાં ભારતીય દંડ સંહિતામાં તેનો સમાવેશ કરાયો હતો. પરંતુ દિલ્હી હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી થયા પછી એચઆઈવી/એઈડ્સ ક્ષેત્રે કામ કરતા સામાજિક કાર્યકરો, માનવાધિકારવાદીઓ અને ઉદાર વિચારો ધરાવતા લોકોએ કલમ 377ની આકરી ટીકા કરી હતી. સમલૈંગિકોના હક માટે લડતા લોકોનું કહેવું છે કે, આ કલમના કારણે જ તેમની સાથે ભેદભાવભર્યું વલણ અપનાવવામાં સરકારી તંત્રને મદદ મળે છે. નવાઈની વાત તો એ છે કે, કલમ 377ની મદદથી 150 વર્ષમાં માંડ 200 લોકોને દોષિત સાબિત થઈ શક્યા છે. પરંતુ નાઝ ફાઉન્ડેશનની અરજી પછી 150 વર્ષ જૂનો આ કાયદો રાતોરાત જાણીતો થઈ ગયો અને જેની પહેલાં ક્યારેય ચર્ચા પણ નહોતી થતી તે એલજીબીટી સમુદાયની મૂળભૂત સ્વતંત્રતાનો વિરોધી ગણાવા લાગ્યો.

જોકે, દિલ્હી હાઈકોર્ટના ચુકાદાથી પણ કેટલાકના પેટમાં તેલ રેડાયું અને આ વાત સર્વોચ્ચ અદાલતમાં પહોંચી. કલમ 377ના કારણે સમલૈંગિકો સાથે સરકારી તંત્ર કે પોલીસ દ્વારા ભેદભાવયુક્ત વલણ અપનાવવામાં આવે છે એ મુદ્દે નાઝ ફાઉન્ડેશન સર્વોચ્ચ અદાલતમાં પુરાવા રજૂ ના કરી શક્યું. વળી, આ કલમના કારણે સમલૈંગિકોના જીવનને ભય હોય એવું પણ નહોતું. તેથી સર્વોચ્ચ અદાલતે આ અરજીને ‘’ઓછા શબ્દોમાં વ્યક્ત કરેલીગણાવતા કહ્યું છે કે, અરજીકર્તાએ એચઆઈવી/એઈડ્સ ક્ષેત્રે તેઓ જે કંઈ કામ કરી રહ્યા છે એ મુદ્દે માહિતી આપી છે. કલમ 377ના કારણે સમલૈંગિકોના માનવાધિકારોનો ભંગ થતો હોય, જાહેરમાં તેમના પર હુમલો, અત્યાચાર થતા હોય કે કોઈ સરકારી તંત્ર દ્વારા તેમની સાથે ભેદભાવયુક્ત વલણ રખાતું હોય એ ક્યાંય સાબિત નથી થતું.

સર્વોચ્ચ અદાલતનું કામ કાયદાનું અર્થઘટન કરવાનું છે, કાયદો બનાવવાનું નહીં. મૂળ વાત એ છે કે, જો દેશમાં બાબા આદમના જમાનાના કાયદા અમલમાં હોય તો તેને દૂર કરવાનું કે કાયદાનું વિસ્તરણ કરવાનું કામ અદાલતોનું નહીં પણ સંસદનું છે. જો પોલીસ સહિતના સરકારના કોઈ પણ વિભાગ દ્વારા કાયદાના દુરુપયોગના પુરાવા જ ના હોય તો સર્વોચ્ચ અદાલતમાં તે કાયદો દૂર કરવાની દલીલ ટકી કેવી રીતે શકે? ટૂંકમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદોકાયદાકીય રીતેએકદમ યોગ્ય છે. કમનસીબે આ વાતને અયોગ્ય રીતે ચગાવાઈ રહ્યો હોવાથી આ સંવેદનશીલ મુદ્દાની સાચી દિશામાં ચર્ચા થવાના બદલે લોકો અયોગ્ય રીતે સર્વોચ્ચ અદાલતની જ ટીકા કરવા માંડ્યા છે.

આ સંવેદનશીલ મુદ્દે કાયકાદીય સુધારા જરૂરી 

દેશભરમાં સર્વોચ્ચ અદાલત સામે ટીકાનો વરસાદ વરસતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખોટો સંદેશ પહોંચ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રે (યુએન) પણ ભારતની ટીકા કરતા કહ્યું છે કે, સમલૈંગિકોના અધિકારો પર પ્રતિબંધ એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા બરાબર છે. કારણ કે, ભારતે પણ સંયુક્ત રાષ્ટ્રના એ કરારનામામાં સહી કરી છે જેમાં સમજૂતીપૂર્વકના સમલૈંગિક સંબંધોને વ્યક્તિગત ગણી આવા સંબંધો ધરાવતા લોકોના નાગરિક અને રાજકીય અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ખેર, સર્વોચ્ચ અદાલતે તો તેના સ્તરે જે કરવાનું હતું તે કરી દીધું છે હવેનું કામ સંસદનું છે. કારણ કે, ઉપર કહ્યું તેમ કાયદો ઘડવાનું કે બંધારણની કલમોમાં સુધારા કરવાનું કામ અદાલતનું નહીં પણ સંસદનું છે.

વળી, એલજીબીટી સમુદાયની જાતીયતાને લગતો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. ભલે, કરોડોની વસતી ધરાવતા આ દેશમાં તેમનું પ્રમાણ ગમે તેટલું ઓછું હોય પણ તેમને બંધારણીય હકો આપવા કાયદાનું વિસ્તરણ કરવું અત્યંત જરૂરી છે. વિશ્વના તમામ પ્રગતિશીલ સમાજોમાં એલજીબીટીને સ્વીકાર્ય ગણવામાં આવ્યા છે. એશિયાના 22 અને આફ્રિકાના 38 દેશોમાં આ બાબત સ્વીકાર્ય નથી અને હવે ભારતનો પણ તેમાં સમાવેશ થઈ ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રના કરારનામામાં ભારતે સમલૈંગિકોના અધિકારોનો સ્વીકાર કર્યો છે એ બાબત જોતા એવું માનવું પડે છે, આ મુદ્દે ભારત સરકારનું વલણ ઉદાર છે. પરંતુ હવે આ મુદ્દાની ચર્ચાએ જોર પકડ્યું છે તો સરકારે 150 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરીને સમલૈંગિકોને પણ નાગરિક અને રાજકીય અધિકારો આપવાની પહેલ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં પોલીસ સહિતના સરકારી તંત્ર દ્વારા થતા ભેદભાવના પુરાવા રજૂ થઈ ના શક્યા એ અલગ વાત છે. જોકે, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ કલમ હેઠળનિર્દોષ સમલૈંગિકને પણ આજીવન કેદની સજા ફટકારી શકાય છે, અને આ કલમનો દુરુપયોગ કરીને પોલીસ સમલૈંગિકો પર અત્યાચાર નહીં કરે એવું આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી. હવે, કલમ 377માં સુધારાનો નિર્ણય કરીને સંસદે આ વિવાદ પર હંમેશાં માટે પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ

નોંધઃ વિરોધ પ્રદર્શનની પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

1 comment:

  1. સર્વોચ્ચ અદાલતે કલમ ૩૭૭ મુદ્દે આપેલા ચુકાદાનું ટેક્નિકલ વિશ્લેષણ સરસ રીતે રજૂ કર્યું છે. આ મુદ્દે ચર્ચાઓ આડી દિશામાં ફંટાઈ છે અને આ લેખમાં ચર્ચાને યોગ્ય દિશામાં લઈ જવાનો સરસ પ્રયાસ કર્યો છે. સાચ્ચે જ, સુ્પ્રીમ કોર્ટ તો ૩૭૭ મુદ્દે બિલ્કુલ સાચી છે.. હવે કાયદામાં પરિવર્તન કરવું, રદ કરવો કે બદલી નાંખવો એ સંસદના ક્ષેત્રમાં આવે છે...માટે સુપ્રીમના ચુકાદા સામેની ટીકાઓ બિલ્કુલ અયોગ્ય જ છે.. જો કે જે લોકો સમલૈંગિક સંબંધોમાં માને છે એને આવા ટેક્નિકલ મુદ્દાની ચર્ચા કરતા તેમના સંબંધો અને તેમને જોઇતી ફ્રીડમમાં વધુ રસ હોય છે.. ખેર, રાહુલ ગાંધી અને યુપીએ સરકાર કંઈ કરે કે ના કરે, સમલૈંગિકોને નાખુશ નહીં કરે એવું દેખાય છે...

    ReplyDelete