06 June, 2017

અનાજ, વીજળી અને પાણીનું જટિલ ગણિત


પાણીની નિકાસ કરતા દેશોમાં પહેલો નંબર પાકિસ્તાનનો છે પણ ત્રીજા નંબરે છે ભારત. આ પ્રકારના સમાચાર વાંચીને એવો સવાલ થઈ શકે કે, નદીઓના પાણીને લઈને તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યો વચ્ચે ભારત-પાકિસ્તાન જેવો માહોલ સર્જાય છે ત્યારે વળી આપણે પાણીની ય નિકાસ કરીએ છીએ? રાજ્યો રાજ્યો વચ્ચે તો ઠીક, દેશમાં અનેક શહેર, જિલ્લા, ગામ અને સોસાયટીઓમાં પાણીના કારણે વારંવાર તંગદિલી સર્જાય છે. જોકે, આપણે પાણીની સીધેસીધી નહીં પણ આડકતરી કે અજાણતા જ નિકાસ કરીએ છીએ!

ભારત જેવા કૃષિપ્રધાન દેશે લાખો લિટર પાણીની નિકાસ કેવી રીતે થઈ જાય છે એનું ગણિત સમજવું ઘણું જરૂરી છે. જેમ કે, ભારતમાં એક કિલોગ્રામ ચોખાના પાકને સરેરાશ ત્રણથી ચાર હજાર લિટર પાણી જોઈએ. એવી જ રીતે, પંજાબ અને હરિયાણામાં એક કિલોગ્રામ ચોખાનો પાક લેવા પાંચેક હજાર લિટર પાણી જોઈએ. વર્ષ ૨૦૧૫માં ભારતે એક કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. બસ, મુશ્કેલી અહીંથી જ શરૂ થાય છે. આ ચોખાની નિકાસની સાથે ભારતે એ વર્ષે ૩૦થી ૫૦ બિલિયન ક્યુબિક મીટર પાણીની નિકાસ પણ કરી દીધી. ભારતના કૃષિ નિષ્ણાતો આ વાતથી સારી રીતે વાકેફ છે. કૃષિવિજ્ઞાનીઓ પણ પાણીનું ગણિત સમજાવતા જાતભાતના અહેવાલો તૈયાર કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ મુશ્કેલીનું નિવારણ કરવા જડબેસલાક યોજના બનાવવી પડે અને પછી તેનો એવી જ રીતે અમલ કરવો પડે. આપણે યોજનાઓ તો બનાવીએ છીએ પણ એનો અમલ કરવામાં કંગાળ છીએ.

ભારતમાં નદી-નાળા અને નહેરો થકી સિંચાઈ વ્યવસ્થા અત્યંત કંગાળ હોવાથી લાખો ખેડૂતોનો પાણીનો પ્રાથમિક સ્રોત ભૂગર્ભ જળ છે. આ કારણસર દેશના તમામ સમૃદ્ધ રાજ્યોમાં જમીની પાણીના તળ વધુને વધુ નીચે જઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૦માં દેશભરમાં જમીન નીચેથી ૭૫ ક્યુબિક કિલોમીટર પાણી ખેંચાયું હતું. એ પાણીનો પણ બેફામ વેડફાટ થાય છે એ પાછો અલગ મુદ્દો છે. પાકિસ્તાને પણ ૨૦૧૦માં હજારો ટન અનાજની નિકાસ કરી હતીજે પકવવા માટે ૭.૫ ક્યુબિક કિલોમીટર પાણી વપરાયું હતું. એક ક્યુબિક મીટર એટલે ૧૦૦ અબજ લિટર. પાકિસ્તાને આટલા પાણીની અનાજના સ્વરૂપમાં નિકાસ કરી દીધી હતી. એશિયાના બે સૌથી મોટા કૃષિપ્રધાન દેશ ભારત અને પાકિસ્તાનમાં માથાદીઠ પાણી પહેલેથી ઓછું છે. આમ છતાંઆ બંને દેશ દર વર્ષે હજારો લિટર પાણીની અજાણતા જ નિકાસ કરી દે છે.  આ બંને દેશની સાથે વાત એટલા માટે કેભૂગોળ અને પર્યાવરણની રીતે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. 
ખાંડના ઉત્પાદનમાં પણ પાણીનું ગણિત સમજવા જેવું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે ભયાનક દુકાળ પડે છે, જે કુદરતી કરતા માનવસર્જિત વધારે છે. મહારાષ્ટ્રમાં ખાંડ માફિયા અને રાજકારણીઓની મિલિભગતના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, અહીં અનેક ખાંડ સહકારી મંડળીઓ અને સુગર મિલોના પ્રમોટરો રાજકારણીઓ છે. એ લોકોને પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ હજારો લિટર પાણી પી જતી શેરડીની ખેતી કરાવવામાં જ રસ છે. આ મુદ્દે વિવાદ થાય છે ત્યારે રાજકારણીઓ દલીલ કરે છે કે, મહારાષ્ટ્રમાં માંડ ચાર ટકા જમીન પર જ શેરડીની ખેતી થાય છે. સાંભળવામાં જોરદાર લાગતી આ દલીલ સામેવાળાને ચૂપ કરી દે છે, પરંતુ એ છેતરામણી દલીલ છે. રાજકારણીઓ એવું નથી કહેતા કે, ચાર ટકા જમીનમાં પકવવામાં આવતી શેરડી મહારાષ્ટ્રના કૂવા અને સિંચાઈનું ૭૧ ટકાથી પણ વધુ પાણી પી જાય છે. શેરડીની જેમ કોઈ પણ કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતી વખતે પાણીની ગણતરી કરવી જરૂરી છે. મહારાષ્ટ્રનો દુકાળ માનવસર્જિત છે, કુદરતી નહીં. વરસાદ ભલે આકાશમાંથી પડે છે, પરંતુ દુકાળનું સર્જન તો પૃથ્વી પર જ થાય છે.

કયા વિસ્તારમાં, કયો પાક લેવો જોઈએ?, કઈ ચીજનું ઉત્પાદન કરવાના બદલે આયાત કરવી સસ્તી પડશે? તેમજ કયા ઉત્પાદનની વાસ્તવિક કિંમત વધારે છે?- આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા પાણીને પણ ગણતરીમાં લેવું જોઈએ એવું અનેક કૃષિ અહેવાલોમાં વાંચવા મળે છે. કૃષિ ઉત્પાદનોની વાસ્તવિક કિંમતમાં પાણી અને વીજળીના મૂલ્યનો પણ સમાવેશ કરવો પડે. એવી જ રીતે, કૃષિ ક્ષેત્રે પાણીની જેમ વીજ વપરાશનું પણ આગવું ગણિત છે. હાલમાં જ પંજાબે પાકિસ્તાનને થોડી વધારે વીજળી વેચવા કેન્દ્ર સરકારની મંજૂરી લીધી હતી. જોકે, આ વીજળી પેદા કરવા પણ ભારતની જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ભારત જેવો દેશ કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતી વખતે પાણીની જેમ ઊર્જા એટલે કે વીજળીની પણ નિકાસ કરે છે.

પાણી અને વીજળીના ગણિતને સમજવા બીજું પણ એક ઉદાહરણ જોઈએ. દેશ આઝાદ થયા પછી પંજાબે હરિયાળી ક્રાંતિનો જબરદસ્ત લાભ લેવાનું શરૂ કર્યું. પંજાબના ખેડૂતો કપાસનો વધુને વધુ પાક લેવા માટે હાઇબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કરતા. આ બિયારણોના ઉપયોગથી કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. પંજાબી ખેડૂતો માલદાર થઈ રહ્યા હતા તેથી ખુશ હતા. આમ આદમી ખુશ હતો એટલે સરકારને પણ ખાસ કંઈ પડી ન હતી. આવું અનેક વર્ષો ચાલ્યા પછી હરિયાળી ક્રાંતિની આડઅસરો સામે આવવા લાગી. હાઇબ્રિડ કોટન બિયારણોમાં એક નવા જ પ્રકારની જીવાત આવી, જે અમેરિકન બોલવૉર્મ તરીકે ઓળખાય છે. કપાસમાં જીવાત તો પહેલા પણ થતી હતી, પરંતુ એ જીવાત એટલી ખાઉધરી ન હતી. નવી નવી જીવાતો માટે નવી દવાઓનો ઉપયોગ કરાયો, જે પાછી માનવશરીર માટે ખતરનાક હતી. જૂની જીવાત થોડો ઘણો પાક ખાઈ જતી, પરંતુ અમેરિકન બોલવૉર્મની કપાસની ભૂખ કુંભકર્ણ જેવી હતી.

આ સ્થિતિમાં પંજાબમાં કપાસના ખેડૂતો રાતોરાત પાયમાલ થવા લાગ્યા, હોબાળો થયો. રાજ્ય સરકારે કપાસ ખરીદવાની ખાતરી આપી અને ટેકાના ભાવ જાહેર કર્યા. સરકારે નિષ્ણાતો જોડે અહેવાલો તૈયાર કરાવીને ખેડૂતોને કપાસની ખેતી બંધ કરવાની અપીલ કરી, અભિયાનો ચાલ્યા પણ આ દરમિયાન એક મોટી ભૂલ થઈ ગઈ. સરકારે કપાસની ખેતી બંધ કરનારા ખેડૂતોને ડાંગરનો પાક લેવા પ્રોત્સાહન આપ્યું. જોકે, પંજાબની ભૂગોળ અને વાતાવરણ માટે ડાંગરનો પાક નવો હતો. ડાંગરને તો કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી જોઈએ, પરંતુ આ વાત યાદ આવી ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું.

વિચાર કરો. પંજાબમાં કપાસનો પાક તો કેનાલોના પાણીથી પણ લેવાઈ જતો, પરંતુ ડાંગર તો જન્મોજન્મની તરસી હોય એમ પાણી પીતી. ડાંગરની તરસ છીપાવવા ખેડૂતોએ ટ્યૂબવેલો વસાવી અને જમીનમાંથી પાણી ખેંચવાનું શરૂ કર્યું. પંજાબમાં જમીની પાણીની સપાટી ૫૦૦ ફૂટ નીચે મળે છે, જે તમામ રાજ્યોમાં સૌથી ઊંડું છે. હવે પંજાબ અને કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા પ્રોત્સાહન આપે છે. આજેય પંજાબમાં પાણીની તંગી છે. સરકાર ડેમો બનાવે છે પણ એ પાણી દૂરસુદુરના વિસ્તારોમાં પહોંચાડવા સિંચાઈ વ્યવસ્થા જોઈએ અને એ તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. સિંચાઈ માટે કરોડોના ખર્ચ પછીયે દેશની ૫૦ ટકા જમીન પાણી માટે તરસે છે. પાણીનો સંગ્રહ તો થઈ ગયો પણ વૉટર મેનેજમેન્ટ નથી. વરસાદ થોડો ઘટે કે પછી નહીંવત થાય તો ખેડૂતોની આત્મહત્યામાં વધારો થાય છે.

ભારતમાં ટપક સિંચાઈથી ખેતીને પણ વધુને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે કારણ કે, તેમાં ઓછા પાણીથી વધારે પાક લઈ શકાય છે અને ઊર્જાની પણ બચત થાય છે. આ સ્થિતિમાં અનાજની સાથે પાણી-વીજળીની વર્ચ્યુઅલ નિકાસ કરી દેવી કેવી રીતે પોસાય? દેશના જ વિવિધ રાજ્યો વચ્ચે પાણીની નિકાસ થાય છે, એ પાછો અલગ મુદ્દો છે. જેમ કે, ગુજરાત અને કર્ણાટક જેવા પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાંથી જળસમૃદ્ધ રાજ્યોમાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરાય છે. એવી જ રીતે, વીજ અછત ધરાવતા રાજ્યમાંથી વીજ સમૃદ્ધિ ધરાવતા રાજ્યમાં નિકાસ થાય છે. ભારતમાં વીજળી પેદા કરવા પાણીનો મહત્તમ ઉપયોગ થાય છે અને એ પાણીથી ખેતી કરવા ફરી પાછો વીજળીનો ઉપયોગ થાય છે. એટલે જ અનેક દેશો ફક્ત પાણી, પર્યાવરણ અને વીજળી બચાવવા અનાજની આયાત કરે છે. કદાચ ભારત સરકાર માટે આવો નિર્ણય લેવો અત્યારે અઘરો છે, પરંતુ આપણે વૈજ્ઞાનિક ખેતી જરૂર કરી શકીએ છીએ. આપણી મોટા ભાગની મુશ્કેલીઓ વૈજ્ઞાનિક અભિગમના અભાવના કારણે છે. બળદના બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી વૈજ્ઞાનિક ખેતી નથી થઈ જતી!

વૈશ્વિક કૃષિ વેપારના કારણે પૃથ્વીના પેટાળનું ૧૧ ટકા પાણી ઓછું થઈ ગયું છે. આ પ્રક્રિયા હજુયે ચાલુ છે. એ પાણીનો ૨૫ ટકા હિસ્સો તો એકલા ભારત-પાકિસ્તાન અને અમેરિકાએ જ ખાલી કરી દીધો છે. કૃષિ વેપારમાં વરસાદી પાણીની પણ નિકાસ થઈ જાય છે, પરંતુ નિષ્ણાતો ફક્ત જમીની પાણીના આંકડા જ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. નિકાસ થઈ જતા પાણીમાં વરસાદી પાણીનો હિસ્સો કેટલો?- એ નક્કી કરવું કૃષિવિજ્ઞાનીઓ માટે પણ અઘરું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પાણી નહીં અપાતું હોવાના કારણે પાણીના ઘણાં મોટા હિસ્સાનું બાષ્પીભવન પણ થઈ જાય છે. એ રીતે પણ પાણીનો વેડફાટ થાય છે.

ભારતના પેટાળનું અને વરસાદનું સૌથી વધારે પાણી ઘઉં પી જાય છે કારણ કે, લગભગ બધા જ રાજ્યોમાં ઘઉંની ખેતી થાય છે. એ પછી ચોખા, કપાસ, શેરડી અને ગૌમાંસનો ક્રમ આવે છે. હા, ગૌમાંસની સૌથી વધારે નિકાસ કરતો દેશ ભારત છે. તાજા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૬-૧૭માં ભારત ત્રણ લાખ ટન ઘઉં અને ૧.૭૦ કરોડ ટન ચોખાની નિકાસ કરશે. આ બંને ઉત્પાદનોની નિકાસની સાથે સાથે ભારત આડકતરી રીતે પાણી અને વીજળીની પણ નિકાસ કરે છે. શું આ નિકાસથી આપણને ફાયદો છે?

ભારતે સુપરપાવર બનવા અનાજ, પાણી અને વીજળી વચ્ચેનો સંબંધ સમજવાનો સમય થઈ ગયો છે કારણ કે મોંઘવારી, ફુગાવો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે.

No comments:

Post a Comment