21 December, 2020

કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક : ફિટનેસ, માઈન્ડ અને ઈમોશન્સનો એસિડ ટેસ્ટ


હિમાલયની વાદીઓમાં વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે, અને છતાં, મેં બેઝ કેમ્પ પર રેઈનકોટ ભૂલી જવાનું હિમાલયન બ્લન્ડર કર્યું હતું. આ ભૂલ મને બહુ જ ભારે પડવાની હતી. જોકે, જિંદગીમાં કરેલી નાની-મોટી ભૂલો જ રસપ્રદ કહાનીઓને જન્મ આપતી હોય છે. 

***

મેં દુનિયામાં ક્યાંય કાશ્મીર જેવું સૌંદર્ય જોયું નથી. ત્યાં હિમાલયના પહાડો વચ્ચે જતા એવું લાગે છે કે, કાશ્મીર ખીણ તો ખૂબ જ નાની છે અને પહાડો ખૂબ મોટા. કાશ્મીરનું એ દૃશ્ય મહાકાય હિમાલય વચ્ચે મિનિયેચર પેઇન્ટિંગ દોર્યું હોય એવું લાગે છે. એ નજારો ભવ્ય હોય છે. અને હા, ત્યાંના લોકો પણ ખૂબ સુંદર હોય છે... 

કાશ્મીર વિશેનું આ ક્વૉટ જાણીતા લેખક સલમાન રશદીનું છે. આ ક્વૉટનો અક્ષરશઃ અનુભવ કરવો હોય તો કાશ્મીરમાં નહીં પણ કાશ્મીર ખીણના અંતરિયાળ વિસ્તારોમાં રખડપટ્ટી કરવી પડે. કાશ્મીર ખીણ વિશે આતંકથી લઈને તેના સૌંદર્ય વિશે ઘણું બધું વાંચ્યા-સાંભળ્યા પછી મારે પણ ત્યાંના બર્ફીલા પહાડી જંગલોમાં ઓતપ્રોત થઈ જવું હતું. એક પત્રકાર તરીકે કાશ્મીર ખીણની ભૂગોળને નજીકથી સમજવી હતી, ખીણ વિસ્તારમાં રહેતા લોકોને મળવું હતું અને કાશ્મીર ખીણ એક્સપ્લોર કરવી હતી. છેવટે આ કીડાને શાંત કરવા ઓગસ્ટ 2017માં મેં કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક કરવાનું નક્કી કર્યું. કાશ્મીરનું અસલી સૌંદર્ય કાશ્મીર ખીણના ‘વર્જિન’ જંગલોમાં પથરાયેલું છે, અને ત્યાં સુધી પહોંચવાનો એક જ રસ્તો છે, બેકપેક તૈયાર કરો અને પહાડ ચઢવા માંડો. થોડા વર્ષો પહેલાં ભારતીય સેના ત્યાં જવાની મંજૂરી નહોતી આપતી, પરંતુ અત્યારે ત્યાં જઈ શકાય છે. 

કાશ્મીર ગ્રેટ લેક્સ સામાન્ય રીતે દસેક દિવસનો ટ્રેક છે પણ એવું કહેવાય છે કે, એ દસ દિવસની યાદો જીવનભર પીછો નથી છોડતી. કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક શ્રીનગરથી એંશી કિલોમીટર દૂર ગંદેરબલ જિલ્લામાં સોનબર્ગથી શરૂ થાય છે. અહીંના ઘાસિયા મેદાનો સૂર્યકિરણો ઝીલીને સોના જેવા પીળા રંગની કાશ્મીરી શાલ ઓઢી લે છે. એટલે આ પ્રદેશને નામ મળ્યું ‘સોનમર્ગ’. સોનમર્ગ એટલે સોનાના ઘાસના મેદાનો. વિદેશીઓ સોનમર્ગને ‘મિડોઝ ઓફ ગોલ્ડ’ કહે છે. આજે તો સોનમર્ગ ટુરિસ્ટ હબ છે પણ ચીને સદીઓ પહેલાં જે સિલ્ક રૂટ બનાવ્યો હતો, તે વાયા સોનમર્ગથી ખાડી (ગલ્ફ) દેશો સુધી જતો હતો. સોનમર્ગ તેના ગ્લેશિયર્સના કારણે ભારતીય સેના માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે. સોનમર્ગનું આવું જ એક સુંદર ગ્લેશિયર એટલે થાજીવાસ. ‘બજરંગી ભાઈજાન’ના મોટા ભાગના પહાડી દૃશ્યોનું શૂટિંગ થાજીવાસમાં થયું હતું. 



સોનમર્ગમાં હિમાલયના પહાડી જંગલોની તળેટીમાં આવેલું યૂથ હોસ્ટેલનું બિલ્ડિંગ, જ્યાં અમારો પહેલો બેઝ કેમ્પ હતો. 

થાજીવાસ પહોંચતા જ અંદાજ આવી જાય છે કે, નીચાણવાળા ટુરિસ્ટ પોઈન્ટ પર આવું અલૌકિક સૌંદર્ય છે તો કાશ્મીર ખીણના ‘અનટચ્ડ’ પ્રદેશો કેવા હશે! ઊનાળામાં પ્રવાસીઓ ટટ્ટુ પર બેસીને થાજીવાસ જાય અને સાંજ સુધીમાં પાછા આવી જાય, પરંતુ ટ્રેકર્સને એક્લિમટાઈઝેશન વૉકના ભાગરૂપે ટ્રેક કરીને થાજીવાસ જવું પડે. એક્લિમટાઈઝ કે એક્લિમેશન એટલે જે તે સ્થળના વાતાવરણ-હવામાનને અનુકૂળ થવાની પ્રક્રિયા. એક્લિમટાઈઝેશન વૉક પછી ટીમ લીડરને દરેક ટ્રેકરની ફિટનેસનો અંદાજ આવી જાય, અને ટ્રેકરને પણ પોતાની ક્ષમતાની ખબર પડી જાય! થાજીવાસ ગયા પછી અનેક લોકો ગ્રેટ લેક્સ જવાનું માંડી વાળે છે. 

હિમાલયમાં ઊંચાઈવાળા વિસ્તારની હવા પાતળી હોય, વાતાવરણ ખૂબ ઠંડુ હોય, દિવસ અને રાતના તાપમાનમાં બહુ મોટો ફેરફાર હોય. આ પ્રકારના વાતાવરણમાં ઉલટી જેવું થવું, માથું દુઃખવું અને થોડું ચાલતા જ શ્વાસ ફૂલવા માંડે વગેરે થાય. એટલે પ્લેન (સપાટ) રીજનમાંથી હાર્શ માઉન્ટેઇન ટેરેઇનમાં હ્યુમન બોડીને સેટ થવા બે દિવસનું એ વૉર્મ અપ સેશન જરૂરી છે. ટ્રેકના પહેલાં બે દિવસ 8,792 ફૂટની ઊંચાઈએ આવેલા સોનમર્ગમાં જ વીતે, જેમાં એક્લિમટાઈઝેશન વૉકથી માંડીને બીજા ટ્રેકર્સ સાથે ઓરિએન્ટેશન હોય. અમારા 27 લોકોના ગ્રૂપમાં 55થી 70 વર્ષની ઉંમરના ચારેક ટ્રેકર પણ સામેલ હતા, જેમાં એક સિનિયર સિટીઝન દંપત્તિ પણ હતું. અમે ત્રીજા દિવસે બેકપેક તૈયાર કરીને સવારે દસ વાગ્યે સોનમર્ગથી 11,948 ફૂટની ઊંચાઈએ આવેલા નીચનાઈ કેમ્પ જવા ટ્રેક શરૂ કર્યો. 

નીચનાઇ જતી વખતે રસ્તામાં પાછું વળીને નીચનાઇ ખીણની ક્ષિતિજ જોઇએ ત્યારે અલૌકિક દૃશ્યો દેખાવાનું શરૂ થઈ ગયું. હિમાલયની તળેટીની ગંદકી અને ત્યાં પડેલા ફૂડ પેકેટ, રેપર્સ, પાણીની બોટલોનું પ્રમાણ ઉપર ચઢતી વખતે ઘટી રહ્યું હતું. આટલા સુંદર સ્થળે પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ જોઈને મને ઘણું દુઃખ થયું. આશરે સાત કલાક નીચનાઇ ખીણ સહિતના વિસ્તારોમાંથી પસાર થઇને અમે સોનમર્ગથી આઠેક કિલોમીટર દૂર આવેલા નીચનાઈ પહોંચ્યા. નીચનાઈ એટલે ગ્રેટ લેક્સનો સૌથી પહેલો હાઈ ઑલ્ટિટ્યુડ બેઝ કેમ્પ. ત્યાં હાઈ ઑલ્ટિટ્યુડની પહેલી રાત્રિ હતી એટલે બધા જ ટ્રેકર ટેન્ટમાં જઈને સ્લિપિંગ બેગમાં ઘૂસીને વહેલા સૂઈ ગયા. એ રાત્રે મોટા ભાગના ટ્રેકર્સે મહિનાઓ પછી અત્યંત ગાઢ નિદ્રાનો અનુભવ કર્યો. 


સોનમર્ગ બેઝકેમ્પથી એક્લિમટાઈઝેશન વૉક શરૂ કરતી વખતે જોવા મળેલું સૌંદર્ય. અહીં રસ્તાની સાથે સાથે
સિંધ નાલા નદી વહે છે અને તેની આસપાસ જવાનોને તાલીમ આપવા ભારતીય સેનાના કેટલાક કેમ્પ પણ છે. 

ચોથા દિવસની વહેલી સવારે ઊઠીને હું ટેન્ટની બહાર આવ્યો ત્યારે એક વિશાળ પહાડ જાણે મારી રાહ જોઈને ઊભો હતો! એ પહાડની વિશાળતા જોઈને મને લાગ્યું કે, તેજથી ફાટફાટ કોઈ ધ્યાનસ્થ ઋષિ મારી રાહ જોઈ રહ્યા છે અને આંખ બંધ કરીને બેઠેલા એ ઋષિએ અનુભવી પણ લીધું કે, હું આવી ગયો છું! હું પણ એ વિશાળ પહાડ સામે પડેલા એક પથ્થર પર થોડી વાર બેસી રહ્યો. બસ એમ જ. એ દિવસે કાશ્મીર ખીણમાં હિમાલયને અત્યંત નજીકથી જોઈને બધા જ ટ્રેકર્સ સ્ફૂર્તિલા અને ખુશખુશાલ દેખાતા હતા. નીચનાઈ કેમ્પમાં અમે દૈનિક ક્રિયાઓ પતાવીને કોફી-ચ્હા, નાશ્તો કર્યો અને લંચ પેક લઈને વિષ્ણુસર જવા ઉપડ્યા. 

વિષ્ણુસર જવા દરિયાઈ સપાટીથી 13,858 ફિટ ઉપર આવેલો નીચનાઈ પાસ ક્રોસ કરવો પડે. આ ટ્રેકની સૌથી પહેલી ચેલેન્જ જ નીચનાઈ પાસ છે. ‘માઉન્ટેઇન પાસ’ એટલે પર્વતમાળાઓની વચ્ચેથી ખીણના કિનારે કિનારે આગળ નીકળતો રસ્તો. આશરે 12 કિલોમીટર ચાલીને નીચનાઈથી વિષ્ણુસર પહોંચતા સાત કલાક લાગે, પરંતુ રસ્તામાં જોવા મળતું કુદરતી સૌંદર્ય ટ્રેકર્સને શારીરિક અને માનસિક રીતે થાકવા નથી દેતું. વિષ્ણુસર બેઝ કેમ્પ પહોંચતા કેમ્પ લીડરે અમારું સ્વાગત કર્યું, ઈન્ટ્રોડક્શન કર્યું અને ધીમેથી કહ્યું ‘પેલી ટેકરીની પાછળ વિષ્ણુસર છે, તમે ત્યાં જઈને સમય વીતાવી શકો છો...’ 

એ શબ્દો સાંભળીને બધામાં અચાનક જ શક્તિ આવી ગઈ. ટ્રેકર્સની નજર ચાર દિવસથી હિમાલયના સુંદર અલ્પાઈન સરોવરો જોવા તરસતી હતી. અમે ખૂબ ઝડપથી ટેકરી ઓળંગીને વિષ્ણુ સરોવરના કિનારે પહોંચ્યા. કેટલાક ટ્રેકર્સ પહેલીવાર અલ્પાઈન ઓલિગોટ્રોફિક લેક જોઈ રહ્યા હતા. અલ્પાઇન લેક એટલે દરિયાઇ સપાટીથી ઉપર બર્ફીલા પહાડો વચ્ચે આવેલા સરોવરો. આ પ્રકારના સરોવરોમાં સૂક્ષ્મ જીવન ખૂબ જ ધીમેથી પનપતું હોય, લીલ-શેવાળ પણ નહીંવત હોય. ઇકોલોજીની ભાષામાં તેને ‘ઓલિગોટ્રોફિક’ કહેવાય. કુદરતી કરામત જુઓ. ઊંચાઈ પર ઓક્સિજન ના હોય પણ અલ્પાઇન ઓલિગોટ્રોફિક લેકના પાણીમાં ઓક્સિજન પ્રચુર માત્રામાં હોય અને તેનું પાણી હાઇ ડ્રિકિંગ ક્વોલિટી ધરાવતું હોય. હિમાલયની નદીઓ અને ઝરણાને આ પ્રકારના ઓક્સિજન પ્રચુર તળાવોમાંથી જ પાણી મળે છે. એટલે જ ઉંચાઈ પર મળતું કુદરતી પાણી પીવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળતી. આ પાણીમાં ટ્રાઉટ જેવી કેટલીક પ્રજાતિની માછલીઓની વસતી પણ વધારે હોય. વિષ્ણુસરમાં પણ બ્રાઉન ટ્રાઉટ નામની માછલીઓ મોટા પ્રમાણમાં છે. 

કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેકનું સૌથી મોટું આકર્ષણ રસ્તામાં જોવા મળતા પાંચ અલ્પાઇન સરોવર જ છે, જેમાંના કેટલાકનું નામકરણ ભગવાનોના નામ પરથી કરાયું છે. વિષ્ણુ-સર એટલે વિષ્ણુ ભગવાનનું સરોવર. 12,170 ફૂટ ઊંચાઈએ આવેલા વિષ્ણુસર સહિતના બધા જ સરોવરોની સરેરાશ લંબાઇ વધુમાં વધુ એક કિલોમીટર અને લંબાઇ અડધો કિલોમીટર. વર્ષોથી મૌન ધારણ કરીને શાંતિ અનુભવી રહેલા કોઈ રહસ્યમય સંતના ચહેરા જેવા વિષ્ણુસરના શાંત પાણીના મનોમન ઘૂંટડા લેતી વખતે અહેસાસ પણ નથી થતો કે, હિમાલય પર્વતમાળાઓની ટોચ પરથી હરણાની જેમ ફલાંગો મારીને નીચે ઉતરતી નીલમ નદીને વિષ્ણુસરમાંથી જ પાણી મળે છે. કોઇ નદીના મુખ સુધી પહોંચવાનો અનુભવ અલૌકિક હોય છે અને કાશ્મીર ખીણમાં તો આવો ભરપૂર અનુભવ મળે છે. 



પાંચમા દિવસે વહેલી સવારે અમે વિષ્ણુસરથી ગડસર સરોવર જવા નીકળ્યા. ત્યાં પહોંચવા 13,763 હજાર ફૂટની ઊંચાઈએ આવેલો ગડસર પાસ ક્રોસ કરવાનો હતો. ગડસર પાસ પર ચારેક હજાર મીટરની ઊંચાઈએ પહોંચીએ ત્યારે આ ટ્રેકનો સૌથી જોખમી રસ્તો શરૂ થાય, પરંતુ એ જ સ્થળેથી વિષ્ણુસર અને કિશનસર એકસાથે જોઇ શકાય છે. કિશનસર એટલે કૃષ્ણ ભગવાનનું સરોવર. કિશનસરને ગડસર પાસ નજીક આવેલા ગ્લેશિયરમાંથી પાણી મળે છે. કિશનસરની નાનકડી ધારાઓમાંથી જ વિષ્ણુસરનું સર્જન થાય છે. આમ, વિષ્ણુસર અને નીલમ નદીના પાણીનો સ્રોત એક જ છે, કિશનસર. 

કાશ્મીરમાં ઠંડી પડે ત્યારે આ બધા જ અલ્પાઈન લેક થીજી જાય. સામાન્ય લોકો માટે ત્યાં જવું અશક્ય છે, પરંતુ ગરમીના દિવસોમાં સ્થાનિક પશુપાલકો આ સરોવરોની આસપાસના લીલોતરીભર્યા મેદાનોમાં ઘેંટા-બકરા ચરાવતા જોવા મળે છે. ગડસર પાસ ક્રોસ કરીને ગડસર પહોંચતા આશરે દસેક કલાક થઈ જાય. ગડસર 10,777 ફૂટની ઊંચાઈએ આવેલું નયનરમ્ય સરોવર છે. આ સરોવરની આસપાસનો પ્રદેશ રંગબેરંગી જંગલી ફૂલોથી છવાયેલો છે. જાણે કુદરતે ગડસરને આપેલી ફોટોફ્રેમ. આ દૃશ્ય જોઈને મને મોગલ રાજા જહાંગીરના પેલા વિખ્યાત શબ્દો યાદ આવી ગયા, જે તેમણે 17મી સદીમાં કાશ્મીરનું સૌંદર્ય જોઈને જ ઉચ્ચાર્યા હતા. 

ગર ફિરદોસ બાર-રુહે જમીન અસ્ત, હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્તો... 

પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો એ અહીં છે, અહીં છે, અહીં છે... 

ગડસરમાં એક યાદગાર રાત્રિ વીતાવીને છઠ્ઠા દિવસે સવારે આઠેક વાગ્યે અમે સતસર જવા નીકળ્યા. એ દિવસે હિમાલયની વાદીઓમાં સૂરજનું જોર ઓછું હતું અને ધીમે ધીમે વરસાદ પણ વરસી રહ્યો હતો. મારા સિવાય બધા જ ટ્રેકર્સે રેઈનકોટ પહેર્યો હતો. હિમાલયની વાદીઓમાં વાતાવરણ ગમે ત્યારે બદલાઈ જાય છે, અને છતાં, મેં બેઝ કેમ્પ પર રેઈનકોટ ભૂલી જવાનું હિમાલયન બ્લન્ડર કર્યું હતું. આ ભૂલ મને બહુ જ ભારે પડવાની હતી. જોકે, જિંદગીમાં કરેલી નાની-મોટી ભૂલો જ રસપ્રદ કહાનીઓને જન્મ આપતી હોય છે. 

અને, મારી સાથે પણ એવું જ થયું. શું થયું? 

વાંચો આવતા અંકે... 

1 comment:

  1. નયનરમ્ય તસવીરો અને હૃદયગમ્ય આલેખન સારુ અભિનંદન.
    હિમાલયને ફાવે એવું હોય તો, એકાદ સાહસ-પ્રવાસ આપણે સાથે કરીએ તો કેવું રૂડું?!

    ReplyDelete