10 July, 2018

હાયર એજ્યુકેશન: સ્વાયત્તતા અને રાજકારણ


ભારતમાં ઉચ્ચ શિક્ષણની મુશ્કેલીઓના ઉકેલની વાત આવે ત્યારે સ્વાયત્તતા (ઓટોનોમી)નો મુદ્દો અચૂક છેડાય છે. આપણે હજારો વાર સાંભળી ચૂક્યા છીએ કે, શૈક્ષણિક સંસ્થાઓની ફલાણી-ઢીંકણી સમસ્યાઓનો અંત લાવવા સ્વાયત્તતા આપી દેવી જોઈએ. જાણે સ્વાયત્તતા જ ઉચ્ચ શિક્ષણની બધી મુશ્કેલીની દવા હોય! રાજકારણીઓ પણ હવે આ ભાષા બોલે છે, પણ પ્રાઈવેટ કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા છીનવવાનું કામ રાજકારણીઓ જ કરે છે. જો તેમણે શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવી હોય તો આપી દે. એમાં ચોળીને ચીકણું કરવાની ક્યાં જરૂર છે? આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે, યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરની નિમણૂક પ્રક્રિયામાં સુધારો કરાશે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક  જેટલું જ મહત્ત્વ, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓની નિમણૂકનું પણ છે.

આપણી યુનિવર્સિટીઓના વડાઓ અને અધ્યાપકો પર અવારનવાર હુમલા થાય છે. કદાચ શિક્ષકના હોદ્દાની ગરિમા ભૂંસાઇ ગઇ હોવાથી આવી ઘટનાઓ વધી ગઇ છે. દુનિયાને ગુરુશિષ્યની પરંપરાની ભેટ આપનારા આ દેશમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આદરણીય સંબંધ દિવસે ને દિવસે ખતમ થઇ રહ્યો છે. ગયા અઠવાડિયે જ કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓએ એક અધ્યાપકનું મ્હોં કાળા રંગથી રંગી દીધું. વિદ્યાર્થીઓ પોતાના ગુરુનું આવું અપમાન કરી રહ્યા હતા ત્યારે કેમેરા પણ હતા, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ ડર કે શરમ ન હતા. આ પ્રકારના દૃશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે, ભારતમાં શિક્ષણનું ભવિષ્ય શું છે?

આ પ્રકારના દૃશ્યો એટલા સામાન્ય બની ગયા છે કે, તે આપણી સંવેદનના ઝકઝોરી શકતા નથી. શિક્ષક દિવસ ભલે પાંચમી સપ્ટેમ્બરે આવે છે, પણ, એક શિક્ષક ૩૬૫ દિવસ શિક્ષક હોય છે. આ વિદ્યાર્થીઓએ અધ્યાપક પર યુનિવર્સિટીની ચૂંટણીમાં મતદાતા પત્રકોમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો. શું આ એટલો મોટો આરોપ છે કે, કેમેરા સામે અધ્યાપકનું મ્હોં કાળું કરીને તેમનું હળહળતું અપમાન કરવામાં આવે? કોઈ પણ અધ્યાપક ગમે તેટલો મોટો ગુનેગાર હોય તો પણ વિદ્યાર્થીઓને આવું વર્તન કરવાનો હક નથી. વ્યક્તિની નહીં પણ હોદ્દાની ગરિમા જેવી પણ કોઈ ચીજ હોય છે. કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે, એ અધ્યાપક ક્લાસરૂમમાં ભણાવતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ તેમને ખેંચીને ત્યાંથી લઈ ગયા અને એ પછી તેમનું મ્હોં કાળું કરી દીધું.




યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આવું કરવાની સ્વાયત્તતા આપી નથી, પરંતુ એ વિદ્યાર્થીઓએ જાતે જ લઈ લીધી. કોઈ પણ વિદ્યાર્થીઓ રાજકીય પક્ષના ટેકા વિના આવા કારસ્તાન ના કરી શકે. કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકનું મ્હોં કાળું કરનારા વિદ્યાર્થીઓ પણ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અથવા તેના સમર્થકો હતા. થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશના અલીગઢની શિવદાનસિંહ ઇન્ટર કોલેજના એક દલિત અધ્યાપકનો વિવાદાસ્પદ વીડિયો પણ સામે આવ્યો હતો. આ અધ્યાપકે એક અખબારની સ્ટોરીનું કટિંગ કરીને ફેસબુક પર પોસ્ટ કર્યું હતું, જેનું શીર્ષક હતું 'ભારત કે ભવિષ્ય કા નિર્માણ કરના હૈ તો બ્રાહ્મણવાદ કો પૈરો તલે કુચલ ડાલો.'

આ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ત્યાં સુધી તો બધું બરાબર હતું, પરંતુ ત્યાં કોલેજ સાથે લેવાદેવા ન હતી ત્યાં ભાજપના સ્થાનિક નેતા પણ પહોંચ્યા. એ અધ્યાપકને ફેસબુક પર જ જાહેરમાં માફી માંગવા ફરજ પડાઈ. અહંકારમાં મદમસ્ત નેતાજીને એ પછી પણ સંતોષ ના થયો એટલે તેમને પોલીસની હાજરીમાં જ એક અધ્યાપકને પગમાં પડીને માફી માંગવા મજબૂર કર્યા. એક શિક્ષકને થોડી જ મિનિટોમાં લાચાર બનાવી દેવાયો. કોઈ પણ દેશ-સમાજ માટે લાચાર શિક્ષક બહુ જ મોટી શરમ છે. સ્થાનિક સ્તરે આ પ્રકારના વીડિયો વાયરલ થયા પછી શિક્ષક કયા મોંઢે વિદ્યાર્થીઓ સામે ગયા હશે! કોઈને પગમાં પડીને માફી માંગવાનું કહેવું એ સામંતવાદી-જમીનદારી માનસિકતા નથી? આ શિક્ષકે જે અખબારનું કટિંગ મૂક્યું હતું કે તેમાં એવો દાવો કરાયો હતો કે, બ્રાહ્મણવાદને કચડી નાંખવાનું સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. જોકે, એ ખોટી વાત છે.

અહીં કોઈ એક પક્ષના નેતાની વાત નથી. બધા પક્ષના નેતાઓ એકસરખા જ હોય છે. વાંક કદાચ આપણો છે. મૂળ મુદ્દો એ છે કે, આ નેતાઓને આવી સ્વાયત્તતા આપી કોણે? યુજીસીએ? હવે સરકારે ધ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા (રીપિલ ઓફ યુજીસી એક્ટ) એક્ટ ૨૦૧૮ હેઠળ યુજીસી ખતમ કરીને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયાની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે દેશની પ્રજા કોઈ સૂચન કરવા માંગતી હોય તો સમય પણ અપાયો છે, પણ ફક્ત દસ દિવસ. સરકારનું કહેવું છે કે, અમે ઉચ્ચ શિક્ષણનું નિયમન (રેગ્યુલેટિંગ) કરતી સંસ્થાઓને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ, જેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુને વધુ સ્વાયત્તતા મળી શકે. જોકે, અત્યારે હાયર એજ્યુકેશનમાં ટોપ બોડી યુજીસી હોવા છતાં રાજ તો રાજકારણીઓનું જ છે, અને, યુજીસીના બદલે જે સંસ્થા ઊભી કરાશે તેમાં એવું નહીં થાય એની શું ગેરંટી!

એટલે જ એ સવાલ કરવો જરૂરી છે કે, યુજીસીમાં એવું શું નથી, જે નવા શિક્ષણ આયોગમાં સમાવી લેવાયું છે? રાજકારણીઓ ધારે તો નવા શિક્ષણ આયોગની સ્વાયત્તતા છીનવી જ શકે છે. ભારતીય શિક્ષણની જે કોઈ વિકરાળ મુશ્કેલીઓ યુજીસી સામે છે, એ નવા આયોગ સામે પણ હશે જ. આપણી શિક્ષણને લગતી મુશ્કેલીઓ એટલી ઊંડી અને વ્યાપક છે, જેનો કોઈ નવા આયોગની રચનાથી ઉકેલ આવે એ શક્ય જ નથી. દેશમાં કલા, સાહિત્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કોઈ જવા નથી માંગતું કારણ કે, આખો સમાજ મની ઓરિએન્ટેડ થઇ ગયો છે એના મૂળમાં સમગ્ર શિક્ષણ જગતની મુશ્કેલીઓ છે. તેમાં વિદ્યાર્થીઓનો વાંક નથી કારણ કે, ભારત જેવા વિકાસશીલ દેશમાં પૈસાથી જ સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જ વિદ્યાર્થીઓ દિલની વાત સાંભળવાના બદલે પૈસા વધારે મળે એ તરફ ઘેંટાની જેમ ચાલવા માંડે છે.

ઉચ્ચ શિક્ષણની બદતર હાલતનું એક નાનકડું ઉદાહરણ જોઈએ. હાલ દેશમાં એક લાખ શિક્ષકોની અછત છે. દેશના વિવિધ રાજ્યોના શિક્ષકો અને અધ્યાપકોના પગાર પણ એકસરખા નથી. ૨૫મી જૂને ઝારખંડ સેન્ટ્રલ યુનિવર્સિટીએ વેબસાઈટ પર જાહેર કર્યું હતું કે, તેઓ માસિક પગાર રૂ. ૫૫ હજારના ફિક્સ પગારથી ૬૪ આસિસ્ટન્ટ પ્રોફેસર (ટેમ્પરરી)ની ભરતી કરવા માંગે છે. ત્યાર પછી ૧૨ જ કલાકમાં યુનિવર્સિટીએ સુધારો કર્યો કે, રૂ. ૫૫ હજાર નહીં પણ રૂ. ૩૫ હજારનો માસિક પગાર મળશે. ફક્ત અડધા દિવસમાં જંગી પગાર ઘટાડો કરી દેવાયો. દિલ્હી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આવો જ હોદ્દો ધરાવતા પ્રોફેસરને માસિક રૂ. ૬૫ હજાર પગાર મળે છે. આમ, દેશની બે યુનિવર્સિટીના એક જ સરખા હોદ્દા ધરાવતા પ્રોફેસરોનો પગાર અલગ અલગ છે. મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તો રૂ. વીસ હજારના પગારદાર પ્રોફેસરો પણ છે. આ શિક્ષકો સાથે ક્રૂર મજાક છે.

આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે? શક્ય જ નથી કારણ કે, શિક્ષકને જ અન્યાયની ભાવના થઈ રહી હોવાથી એક સામાન્ય ઉમેદવાર જ પ્રોફેસરની નોકરી સ્વીકારશે અને એ પણ મજબૂરીમાં. થોડા સમય પહેલાં જ સમાચાર હતા કે, દેશની પ્રીમિયમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ્સમાં પણ એક તૃતિયાંશ હોદ્દા ખાલી છે. સરકારે જ આપેલા આંકડા પ્રમાણે, નવી સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ૫૩.૨૮ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ૪૭ ટકા હોદ્દા ખાલી છે. નવી-જૂની આઈઆઈટીમાં ૩૫ ટકા નિમણૂકો બાકી છે. દેશભરના આઈઆઈએમમાં સરેરાશ ૨૬ ટકા અને આઈઆઈએમ-ઇન્દોરમાં તો ૫૧ ટકા જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે, એપ્રિલ ૨૦૧૭ના આંકડા પ્રમાણે હરિયાણા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ૭૫ ટકા, દિલ્હી યુનિવર્સિટીમાં ૫૪.૭૫ ટકા અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ૬૪ ટકા હોદ્દા ખાલી છે. દેશના સાતેય એઇમ્સમાં પણ ૭૧ ટકાથી વધુ હોદ્દા (ટીચિંગમાં) ખાલી છે. અન્ય મેડિકલ કોલેજોની હાલત પણ બદતર છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીઓ તો સ્વાયત્ત હોવાનું કહેવાય છે, અને છતાં આ હાલ છે. જો દેશભરના નાગરિકો નક્કી કરે કે, હવે આપણે એવી જ યુનિવર્સિટીમાં સંતાનોને મોકલીશું, જ્યાં પૂરતા શિક્ષકો હશે. તો તમે ક્યાં મોકલશો? હાલમાં બીજા એક દુ:ખદ સમાચાર વાંચવા મળ્યા હતા કે, રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાં બીએસસી થર્ડ યરના ૮૦ ટકા અને પહેલા વર્ષમાં ૫૬ ટકા વિદ્યાર્થી નાપાસ થઇ ગયા છે. આઘાતજનક વાત એ છે કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નકલખોરી વિરોધી અભિયાન (ટીવી મીડિયામાં) ચાલી રહ્યું હોવાથી પરીક્ષા આપવા જ નહોતા આવ્યા અને એટલે નાપાસ થયા હતા. સ્નાતકની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ ફક્ત નકલખોરી નહીં કરવા દેવાના કારણે નાપાસ થયા હતા. આ બાબતથી કોઈની લાગણી કેમ દુભાતી નથી? શું આ આપણી સામાજિક શરમ નથી? રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટીની પણ અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓની સામે શિક્ષકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. કાનપુર અને બુંદેલખંડ યુનિવર્સિટીમાં પણ ૫૦ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

આજે આપણી પાસે નથી સારા વિદ્યાર્થીઓ અને નથી શિક્ષકો. જો આ સ્થિતિને કાબૂમાં નહીં લેવાઇ તો ઉચ્ચ શિક્ષણનું ભવિષ્ય શું હશે એ આપણે સમજી શકીએ છીએ! આ તો ફક્ત તાજા સમાચારોની સાથે રજૂ કરેલી નાનકડી વિચાર કણિકાઓ છે, જેને ઉચ્ચ શિક્ષણની બદતર હાલતનું ‘ટ્રેલર’ કહી શકાય.

No comments:

Post a Comment