17 August, 2018

ગદર : એક અમેરિકન કથા


અમેરિકાની સેન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ દિવસે ખાસ્સી ચહલપહલ હતી. દિવસ હતો, ૨૦મી નવેમ્બર, ૧૯૧૭. ભારતથી હજારો કિલોમીટર દૂર અમેરિકાની એ અદાલતમાં આરોપીઓ તરીકે ૧૭ ભારતીય, નવ જર્મન અને નવ અમેરિકનને હાજર કરાયા હતા. ભારતીયો પર બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર બળવાનું કાવતરું ઘડવાનો અને જર્મનો-અમેરિકનો પર તેમને મદદ કરવાનો આરોપ હતો. ઠાંસોઠાંસ ભરાયેલી અદાલતમાં દેશદાઝથી લાલઘૂમ સંખ્યાબંધ ભારતીયો ઊડીને આંખે વળગી રહ્યા હતા કારણ કે, તેમના માથા પર રંગબેરંગી પાઘડીઓ હતી. એમ પણ, એ દિવસે અદાલતમાં શીખોની સંખ્યા વધારે હતી. આ સુનવણી ૨૪મી એપ્રિલ ૧૯૧૮ સુધી એટલે કે કુલ ૧૫૫ દિવસ સુધી ચાલી, જેમાં તમામ ભારતીયોને ૨૨ મહિનાથી લઈને બે વર્ષ સુધીની જેલની સજા થઈ. એટલું જ નહીં, તે અમેરિકાના ઈતિહાસની સૌથી મોંઘી અદાલતી કાર્યવાહી સાબિત થઈ. એ જમાનામાં આ કેસની તપાસ માટે અમેરિકાને ૪.૫૦ લાખ ડૉલર અને બ્રિટનને અઢી મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થયો હતો.

ભારતના સ્વતંત્રતા સંગ્રામનું આ અત્યંત મહત્ત્વનું પ્રકરણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયું છે. હાલમાં જ અમેરિકાના ઓરેગન સ્ટેટે ભારતની આઝાદી સાથે સંકળાયેલા આ ઘટનાક્રમને સ્કૂલ અભ્યાસક્રમમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. શીખ ઈતિહાસકારોએ તો આ આંદોલન વિશે અઢળક સંશોધન કર્યું છે, પરંતુ આજેય એક સરેરાશ ભારતીય આ તવારીખથી પૂરતો વાકેફ નથી.

શું હતું એ કાવતરું? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ.

કાવતરું ઘડાયું એ વખતનું ભારત

ઇસ. ૧૯૦૦ સુધીમાં બ્રિટીશ રાજ સામેના સ્વાતંત્ર્ય સંગ્રામનું સુકાન મહદ્અંશે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના હાથમાં આવી ગયું હતું. આ દરમિયાન ૨૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું. એ વખતે કોંગ્રેસના નેતાઓ બે ભાગમાં વહેંચાયેલા હતા, જુવાળવાદી (એક્સ્ટ્રિમિસ્ટ) અને મવાળવાદી (મોડરેટ). કોંગ્રેસમાં મવાળવાદી નેતાઓનું વર્ચસ્વ હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન્દ્રનાથ બોઝની આગેવાનીમાં નક્કી કર્યું કે, પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટીશરોને સાથ આપવો, પરંતુ કોંગ્રેસના જ અનેક જુવાળવાદી નેતાઓ આ યુદ્ધને બ્રિટીશરો સામે જંગ છેડવાની સુવર્ણ તક તરીકે જોતા હતા. તેઓ માનતા હતા કે, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોની સંખ્યા સારી એવી છે. જો તેમને 'બળવો' કરાવવામાં સફળતા મળે તો દેશને બ્રિટીશ રાજમાંથી મુક્તિ અપાવી શકાય.

ભૂપેન્દ્રનાથ બોઝ 

પેરિસ પહોંચેલા શીખ સૈનિકો પૈકી એકના યુનિફોર્મમાં ગુલાબનું ફૂલ ખોસીને સ્વાગત કરતી
ફ્રેન્ચ મહિલા (ક્લોક વાઇઝ), જેરુસલેમમાં હોવિત્ઝર તોપો સાથે રાજપૂતાના સૈનિકો,
નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પર ગોરખા રાયફલ્સના સૈનિકો અને છેલ્લે
ફ્રાંસના સોમમાં બ્રિટીશરોની મદદે પહોંચેલા ભારતના બાયસિકલ ટ્રૂપ્સ.

જોકે, એવું ના થયું. ઊલટાનું પહેલા વિશ્વ યુદ્ધના ચારેક વર્ષના ગાળામાં બ્રિટીશ રાજ વતી ૧૩ લાખ ભારતીય સૈનિકો-મજૂરોએ યુરોપ, આફ્રિકન અને ખાડી દેશોમાં સેવા આપી. યુદ્ધના અંતે ૪૭,૭૪૬  ભારતીય સૈનિક શહીદ થયા અને ૬૫,૧૨૬ ઘાયલ થયા. યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી હતી. દુનિયાભરમાં આમ આદમી બેહાલ હતા અને ભારતીયો પણ તેમાંથી બાકાત ન હતા. યુદ્ધ પૂરું થયા પછી અંગ્રેજો ભારતીય અર્થતંત્રને પાટે ચઢાવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ ભારતને અનુદાન (ગ્રાન્ટ) પણ આપી  ના શક્યા અને કોંગ્રેસના નરમપંથી નેતાઓના ભ્રમ ભાંગી ગયા. આ સ્થિતિએ બ્રિટીશરો પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવાના આંદોલનનો જન્મ થયો, જેના આગેવાન હતા મોહનદાસ કરમચંદ ગાંધી. પહેલું વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું, જ્યારે 'બારિસ્ટર ગાંધી' નવમી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ આફ્રિકાથી ભારત પરત આવી ગયા હતા.

અંગ્રેજો પહેલા વિશ્વયુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે દેશભરમાં અનેક નાના-મોટા ક્રાંતિકારી નેતાઓએ તેમને પરેશાન કરવામાં કશું બાકી ના રાખ્યું. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિના એપિસેન્ટર પંજાબ અને બંગાળ હતા.  જોકે, આ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિની બ્રિટીશ રાજ પર ખાસ કંઈ અસર નહોતી થતી, પરંતુ અરાજકતાના એ માહોલમાં ક્રાંતિકારી નેતાઓને દેશભરમાં લોકપ્રિયતા અને સામાન્ય માણસોનો સાથ મળ્યો. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિને અંગ્રેજો પોલીસ અને જાસૂસી તંત્રની મદદથી અત્યંત કડક હાથે ડામી દેતા. આ દરમિયાન અનેક ક્રાંતિકારી નેતાઓ ભારત છોડીને અમેરિકા, કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં વિખરાઈ ગયા હતા. એ દેશોમાં રહીને ઉચ્ચ અભ્યાસ અને નોકરી-ધંધો કરતા અનેક યુવકો ભારતમાં બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવા નાની-મોટી પ્રવૃત્તિઓ કર્યા કરતા.

આ સ્થિતિને પારખીને જ બ્રિટીશ રાજે ક્રાંતિકારીઓને કડક હાથે ડામી દેવા માર્ચ ૧૯૧૫માં ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૫ની રચના કરી હતી.

...અને હજારો ગદરો ચૂપચાપ ભારત આવ્યા

પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયાના પાંચેક મહિના પહેલાં, ફેબ્રુઆરી ૧૯૧૫માં, અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર જંગ છેડવાનું અભૂતપૂર્વ કાવતરું ઘડ્યું. આ યુવાનો ગદર પાર્ટી નામની રાજકીય સંસ્થા હેઠળ એકજૂટ હતા. આ યોજનાનો અમલ કરવા ગદરના અગ્રણી સભ્યોને જર્મનીની બર્લિન સમિતિ, સેન ફ્રાન્સિસ્કોમાં આવેલું જર્મન દૂતાવાસ અને ભારત સહિત વિવિધ દેશોમાં રહીને ભૂગર્ભ પ્રવૃત્તિ કરતા ક્રાંતિકારીઓની પણ મદદ મળી હતી.

કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભગવાન સિંહ જ્ઞાનીના બે રૂપ

વિષ્ણુ ગણેશ પીંગળે (ક્લોકવાઈઝ), લાલા હર દયાલ (સૌથી મોટી તસવીર),
પંડિત કાંશી રામ અને ભાઈ પરમાનંદ

પહેલા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટન અને તેના સાથી દેશોની જર્મની સામેની દુશ્મનાવટ ચરમસીમાએ હતી. આ સ્થિતિનો લાભ લઈને ગદરના સભ્યોએ ભારતીય ક્રાંતિકારીઓને શસ્ત્રો અને દારૂગોળાનો જંગી જથ્થો આપવા જર્મનોને મનાવી લીધા. જર્મનીની મંજૂરી મળતા જ અમેરિકામાં ગદર પાર્ટીના નેતાઓ વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંઘ, સંતોક સિંઘ, પંડિત કાંશી રામ અને ભગવાન સિંઘ જ્ઞાની સહિત કુલ આઠ હજાર ક્રાંતિકારીઓ વિવિધ દેશોમાંથી તબક્કાવાર ભારત આવી ગયા. એ લોકોએ ભારતીય યુવાનો તેમજ અંગ્રેજોની સેનામાં નોકરી કરતા ભારતીય સિપાઈઓમાં ક્રાંતિ માટે ચેતના જગાવવાની જવાબદારી લીધી હતી. આ માટે તેઓ બેઠકો, ભાષણો અને સાહિત્યના વિતરણનું કામ કરતા. આ ઉપરાંત તેઓ સરકારી શસ્ત્રોની લૂંટ, અંગ્રેજ સેનામાં કાર્યરત ભારતીય સૈનિકોની ઉશ્કેરણી, બોમ્બ બનાવવાનું શીખવું અને બીજાને શીખવાડવું તેમજ અંગ્રેજ સેનાની છાવણીઓમાં ગાઢ સંપર્ક બનાવવા જેવી પ્રવૃત્તિઓમાં પણ જોરશોરથી કરતા.

આ જ ક્રાંતિકારી નેતાઓએ અંગ્રેજ સેનાની સિંગાપોર છાવણીમાં ૮૫૦ ભારતીય સૈનિકની ઉશ્કેરણી કરીને ભાંગફોડ કરાવી હતી. ગદર ચળવળનો સૌથી મહત્ત્વનો હિસ્સો બોમ્બ બનાવવાનો હતો, પરંતુ ક્રાંતિકારીઓને તેનું કોઈ જ્ઞાન ન હતું. આ કામમાં તેઓને કેલિફોર્નિયામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રનાથ બોઝની મદદ મળી હતી, જે તારકનાથ દાસ નામના બીજા એક બંગાળી બૌદ્ધિકના સાથીદાર હતા. આ સમગ્ર આયોજનમાં અમેરિકાસ્થિત ગદર પાર્ટીના સભ્યો ભારતના ક્રાંતિકારીઓને ભંડોળ પૂરું પાડતા. આ ઉપરાંત બ્રિટીશરોના કટ્ટર વિરોધી જર્મન નેતાઓ અને દુનિયામાં ફેલાયેલા બીજા ક્રાંતિકારીઓ સાથે સંવાદ સાધવામાં પણ અમેરિકાસ્થિત ક્રાંતિકારીઓની ભૂમિકા મહત્ત્વની રહેતી. બ્રિટનને આ વાત ખૂંચતી. તેઓ અમેરિકાને ગદર પાર્ટીના સભ્યોની પ્રવૃત્તિ પર રોક લગાવવાનું દબાણ કરતા, પરંતુ ક્રાંતિકારીઓ અમેરિકા વિરોધી પ્રવૃત્તિ નહીં કરતા હોવાથી બચી જતા. વળી, અમેરિકામાં કયા કાયદા હેઠળ તેમને રોકવા એ પ્રશ્ન તો હતો જ!

આ દરમિયાન બ્રિટન સરકારને લાગ્યું કે, જો અમેરિકા પહેલા વિશ્વયુદ્ધમાં આપણું સાથીદાર બને તો તેમને બ્રિટીશ રાજ વિરુદ્ધ ભાંગફોડ પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં લેવા મનાવી શકાય. છેવટે પહેલું વિશ્વ યુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું તેના માંડ છ મહિના પહેલાં, છઠ્ઠી એપ્રિલ ૧૯૧૭ના રોજ, અમેરિકાએ બ્રિટનને સાથ આપીને જર્મનો સામેના યુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યાં સુધી અમેરિકા 'તટસ્થ' હતું. અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારી કરી એ જ ગાળામાં, માર્ચ ૧૯૧૭માં, અમેરિકામાં ગદર પાર્ટીના સભ્યોની ધરપકડ શરૂ કરાઈ.

કાવતરું ઘડવા બદલ કોને સજા થઈ?

ગદર ચળવળનો ગૂમનામ ઈતિહાસ વાંચતી વખતે એવા અનેક ક્રાંતિકારીઓ સામે આવતા રહે છે, જેમના વિશે આપણી પાસે ખૂબ જ ઓછી અથવા નહીંવત માહિતી છે. આ ઉપરાંત એવા પણ નામો વાંચવા મળે છે, જે આપણે ક્યારેક સાંભળેલા છે પણ તેમણે વિદેશમાં રહીને દેશ માટે આપેલા બલિદાનોનો આપણને અંદાજ નથી. જે કોઈ ક્રાંતિકારીઓ વિશે માહિતી છે, તેમના વિશે પૂરતી માહિતી આપવા એક લેખ પણ ઓછો પડે!
બ્રિટીશ ઈન્ટેલિજન્સની નજર ચૂકવીને જાપાન જતા રહેલા રાશ બિહારી બોઝ
તેમની જાપાનીઝ પત્ની તોશિકો બોઝ સાથે અને ઈનસેટ તસવીરમાં જતીન મુખરજી

જેમ કે, તારકનાથ દાસ. ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાનું શીખવાડનારા આ બંગાળી બાબુ ગદરની થિંક ટેન્ક પૈકીના એક હતા. એક સમયે તેમણે લિયો ટોલ્સટોય સાથે પોતાની યોજનાઓની ચર્ચા કરી હતી. અતિ વિદ્વાન એવા તારકનાથ વિદેશમાં રહીને અનેક ભારતીય યુવાનોમાં દેશદાઝના સંસ્કાર રોપવામાં તેઓ સફળ રહ્યા હતા. આવું જ બીજું એક મહત્ત્વનું પાત્ર એટલે લાલા હરદયાલ. અમેરિકાના પેસિફિક કોસ્ટના કાંઠે ઉતરતા હજારો શીખ યુવાનોને ભારતમાં અંગ્રેજ શાસન સામે એકજૂટ કરવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેઓ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. ભારતમાં સંસ્કૃત વિષયમાં માસ્ટર ડિગ્રી લીધા પછી લાલા હરદયાલને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી હતી. એ પછી તેઓ 'કંઈક' કરવા માટે બ્રિટનથી લઈને ફ્રાંસ, અલ્જિરિયા જેવા દેશોમાં ફર્યા. આઈડેન્ટિટી ક્રાઈસીસની પીડામાં તેમણે હિંદુ-બૌદ્ધ ધર્મનો પણ ઊંડો અભ્યાસ કર્યો. એ વખતે તેમનો ભેટો વિખ્યાત આર્ય સમાજી ભાઈ પરમાનંદ સાથે થયો. તેઓ પણ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. પરમાનંદના આદેશથી લાલા હરદયાલ આર્ય સંસ્કૃતિનો પ્રચાર કરવા અમેરિકા જવા રવાના થયા અને ગદર ચળવળની થિંક ટેન્ક તરીકે ઊભર્યા.

ભારતસ્થિત હજારો ક્રાંતિકારીઓની મદદ વિના આ કાવતરાનો અમલ કરવો શક્ય ન હતો, પરંતુ ગદર પાર્ટીનું આંદોલન ભૂલાઈ જવાના કારણે ભારતમાં તેમને મદદ કરનારા અનેક ક્રાંતિકારીઓ પણ ભૂલાઈ ગયા. જેમ કે, જતીન મુખરજી. બંગાળમાં 'યુગાંતર' નામે ચાલતી ભૂગર્ભ ચળવળના તેઓ આગળ પડતા યુવા નેતા હતા. અમેરિકાથી આવેલા વિષ્ણુ ગણેશ પીંગળે અંગ્રેજો સામે સશસ્ત્ર બળવો કરવા સૌથી પહેલાં જતીન મુખરજીને જ મળ્યા હતા. બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવાના સપનાં જોતા એ ‘નવાસવા’ યુવાનો યોગ્ય લાગતા જ જતીન મુખરજીએ તેમની મુલાકાત રાશ બિહારી બોઝ સાથે કરાવી હતી. એ પછી અમેરિકાની ધરતી પર ઘડાયેલા કાવતરાનો ભારતમાં અમલ કરવામાં રાશ બિહારી બોઝે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

***

આ કાવતરું ઘડવા બદલ તારકનાથ અને ભગવાન સિંઘ જ્ઞાનીને સૌથી વધારે બે વર્ષની જેલ થઈ. બ્રિટન ઈચ્છતું હતું કે, આ તમામને અમેરિકા ડિપોર્ટ કરી દે, જેથી તેઓ સામે ભારતમાં કેસ ચલાવી શકાય. જોકે, અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેને કાયદા વિરુદ્ધનું ગણાવ્યું. આ કેસમાં જેલની સજા પામનારા અન્ય ૧૫ સભ્યમાં બિશન સિંઘ હિંદી, ચંદર કાન્તા ચક્રવર્તી, ધીરેન્દ્ર કુમાર સરહા, ગોવિંદ બિહારી લાલ, ગોધા રામ, ગોપાલ સિંઘ, ઈમામ દિન, મહાદેવ અબાજી નાંદેકર, મુન્શી રામ, નિરંજન દાસ, નિધારા સિંઘ, સુંદર સિંઘ ઘલ્લી, સંતોક સિંઘ, રામ સિંઘ અને રામ ચંદ્ર જેવા ક્રાંતિકારીઓ સામેલ હતા


અમેરિકામાં સજા પામનારા એ 17 ભારતીયો અને સુનવણી દરમિયાન વારંવાર ચમકેલા બીજા ચાળીસેક નામની યાદી

આ કેસની અમેરિકન મીડિયામાં 'હિંદુ જર્મન કોન્સ્પિરેસી' અને 'ગદર મ્યુટિની' તરીકે વ્યાપક નોંધ લેવાઈ હતી. ખાસ કરીને સુનવણીના છેલ્લા દિવસે રામ સિંઘ નામના ગદર પાર્ટીના એક સભ્યે પોતાના જ સાથીદાર રામ ચંદ્રની ભરચક અદાલતમાં ગોળી મારીને હત્યા કરી દેતા સનસનાટી મચી ગઈ હતી. એ પછી અદાલતમાં ઊભેલા એક પોલીસ જવાને પણ રામ સિંઘને તાત્કાલિક ગોળી મારી દીધી. રામ સિંઘને શંકા હતી કે, રામ ચંદ્રે ગદરના ભંડોળનો દુરુપયોગ કર્યો છે. આ કેસની ૧૫૫ દિવસની સુનવણીમાં લાલા હરદયાલ અને રાશ બિહારી બોઝ સહિત કુલ ૪૦ નામો વારંવાર ચમક્યા, પરંતુ તેમાંના મોટા ભાગના અમેરિકામાં ન હોવાથી બચી ગયા. આ ઘટના બ્રિટીશરો માટે મ્યુટિની (બળવો) હતી, આપણા માટે નહીં. ભારત માટે એ આઝાદીનું આંદોલન હતું.

ગદર પાર્ટીની રચનાનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આ પાર્ટીના સભ્યોને પ્રેરિત કરવામાં એક ગુજરાતીએ  પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગદર પાર્ટી એક અખબાર પણ પ્રકાશિત કરતી હતી, જેની ગુજરાતી આવૃત્તિનું તંત્રીપદ એક ગુજરાતી ક્રાંતિકારીને સોંપાયું હતું.

આવી બીજી ઘણી બધી વાતો આવતા અઠવાડિયે. 

નોંધઃ તમામ તસવીરો ગૂગલ પરથી લીધી છે, જ્યારે સત્તર ભારતીયો સહિત બીજા ચાળીસેક આરોપીઓના નામની યાદી બતાવતી તસવીર સાઉથ એશિયન અમેરિકન ડિજિટલ લાઇબ્રેરીની (ઓપન સોર્સ) છે. 

No comments:

Post a Comment