06 August, 2018

મોબ લિન્ચિંગના જમાનામાં 'કાબુલીવાલા'ની પ્રસ્તુતતા


રહેમત કાબુલી માટે પણ તે સાવ નિશ્ચિંત ન હતી. એટલે તે મને કાબુલી તરફ ખાસ નજર રાખવાનો આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢું, તો તે મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી.

કદીયે શું કોઈના છોકરા ચોરાયા નથી?, શું કાબુલમાં ગુલામોનો વેપાર નથી ચાલતો?, આવડા મોટા કાબુલી માટે નાનકડી છોકરીને ઉપાડી જવી એ સાવ અશક્ય છે?

છેવટે મારે પણ કબૂલ કરવું પડ્યું કે, એવું બિલકુલ અશક્ય તો નથી પણ આ વાત મારા માન્યામાં નથી આવતી. જોકે, મારા શબ્દોની તેના પર કોઈ અસર નહોતી થતી. કાબુલીને લઈને તેનો ભય યથાવત્ રહેતો, પરંતુ મારી પત્નીને લઈને હું કાબુલીને વગર વાંકે ઘરે આવવાની મનાઈ ના ફરમાવી શક્યો અને તેઓ વચ્ચેની આત્મીયતાને રોકી ના શકાઈ.

આ લખાણ રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી વાર્તા 'કાબુલીવાલા'માંથી લેવામાં આવ્યું છે. 'કાબુલીવાલા' વાર્તા એક નવલકથાકારના મોંઢે કહેવાઈ છે, જેને ટાગોરે નામ નથી આપ્યું. ઉપરોક્ત લખાણમાં એ નવલકથાકાર તેની પત્નીની વાત કરે છે. તેની પત્ની રહેમત કાબુલીને લઈને ખૂબ જ શંકાશીલ હોય છે કારણ કે, અફઘાનિસ્તાનથી આવતા કાબુલીઓ છોકરાઓને ઉપાડી જાય એવી તેને શંકા છે. જોકે, પત્નીની ટકટક પછી પણ નવલકથાકાર તેને ઘરે આવતા રોકી નથી શકતો, અને, છેવટે રહેમત કાબુલી અને નવલકથાકારની પાંચ વર્ષની દીકરી મિની વચ્ચે ગાઢ આત્મીયતા બંધાઈ જાય છે.



સોશિયલ મીડિયાની બદોલત બાળકોને ચોરી જવાની અફવાઓનું બજાર ગરમ છે અને ટોળા હત્યા કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર 'કાબુલીવાલા' વાંચતી વખતે અત્યારનો માહોલ પડઘાય છે. આ વાર્તાના નામ  પરથી જ ખ્યાલ આવે છે કે, તેનું મુખ્ય પાત્ર 'કાબુલીવાલા' છે. કાબુલીવાલા ઉર્ફે રહેમત કાબુલી. કાબુલીવાલા દર વર્ષે કાબુલથી સૂકામેવા લઈને કોલકાતા વેચવા આવતો. એટલે તેના નામ પાછળ કાબુલીવાલાનું લટકણિયું લાગી ગયું હતું. તે મોટો વેપારી ન હતો, પરંતુ છૂટક સૂકોમેવો વેચીને ગુજરાન ચલાવતો. કાબુલી લોકોને ઉધાર માલ પણ આપતો અને વતન જતી વખતે ઉઘરાણી કરી લેતો.

નવલકથાકારના ઉચ્ચ મધ્યમવર્ગીય બંગાળી પરિવાર સાથે કાબુલીનો પરિચય પણ આ જ રીતે થયો હતો. નવલકથાકારનું ઘર પણ રસ્તા પર હતું. તેઓ ત્યાં બેસીને જ લખતા. કાબુલી નવલકથાકારના ઘર નજીકથી જાય ત્યારે મિનીને અચૂક યાદ કરે. મિની ખૂબ જ બોલબોલ કરતી બાળકી હતી, જે એકાગ્રચિત્તે નવલકથા લખતા લેખક પિતાને જાતભાતના સવાલો પૂછીને પરેશાન કરતી, અને, એવું જ વર્તન કાબુલી સાથે પણ કરતી. નવલકથાકાર અને કાબુલીની ઉંમર લગભગ સરખી હતી. આ વાર્તામાં ટાગોરે નવલકથાકાર અને મિની (પિતા-પુત્રી)ના કાબુલી સાથેના સંબંધને આબાદ રીતે ઉપસાવ્યો છે. એવી જ રીતે, ટાગોરે કાબુલીનું વર્ણન પણ વાચક સામે દૃશ્ય ખડું થઈ જાય એ રીતે કર્યું છે. જુઓ, ટાગોરના જ શબ્દોમાં.

મિની ઓચિંતી અગડમ બગડમ રમવાનું છોડીને બારી પાસે દોડી અને જોરથી બૂમો મારવા લાગી. કાબુલીવાલા, એ ઈ કાબુલીવાલા.

મેલા ઢીલા કપડાં પહેર્યાં છે, માથે પાઘડી છે, ખભા પર ઝોળી છે અને હાથમાં બે ચાર સૂકામેવાની પેટીઓ છે. એવો એક ઊંચો કાબુલી ધીમે પગલે રસ્તા પરથી જતો હતો. તેને જોઈને મારી દીકરી કેટલી ખુશખુશાલ થઈ ગઈ એ કહેવું અઘરું છે. તેણે શ્વાસભેર બોલવાનું શરૂ કર્યું. મને થયું કે, હમણાં જ મારા પર આફત આવી સમજો અને મારું સત્તરમું પ્રકરણ અધૂરું રહી જશે.

જોકે, મિનીની બૂમો સાંભળીને કાબુલીએ હસીને મારા ઘર તરફ મોં ફેરવ્યું અને એ તરફ આવવા લાગ્યો. ત્યાં તો મિની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડીને ક્યાંક સંતાઈ ગઈ. તેના મનમાં એવું હતું કે, કાબુલીવાલાની ઝોળીની અંદર મિની જેવી બીજી બે-ચાર છોકરીઓ પૂરેલી છે...

આ વર્ણનમાં ટાગોરે કહી દીધું છે કે, કાબુલીનો પહેરવેશ અને દેખાવ બંગાળીઓથી અલગ છે. મિનીની માન્યતા છે કે, તેની ઝોળીમાં બીજી બે-ચાર બાળકી છે. આ વાત હળવાશથી કહેવાઈ છે પણ મિનીના મગજમાં આવો ખ્યાલ આવ્યો ક્યાંથી? એ વિશે ટાગોરે કોઈ ફોડ પાડ્યો નથી. નવલકથાકારની શંકાશીલ પત્નીએ જ કદાચ મિનીને આવું કહ્યું હતું કારણ કે, તે નહોતી ઈચ્છતી કે મિની કાબુલી સાથે વાતો કરે. જોકે, કાબુલીવાલાનો નવલકથાકાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવતો સમજદાર પુરુષ છે. તેને કાબુલી અને મિનીના સંબંધને લઈને કોઈ તકલીફ નથી. આ રીતે ટાગોરે કલમના જોરે માનવતામાં આશા જીવંત રાખી છે.

તપન સિંહાએ બનાવેલી બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’નું દૃશ્ય

ટાગોર લખે છે કે: દર વર્ષે જાન્યુઆરી અડધો પૂરો થાય કે તરત જ રહેમત કાબુલી વતન જતો રહેતો. આ દરમિયાન તે ઉધાર માલનું લેણું વસૂલવામાં ખાસ્સો વ્યસ્ત રહેતો. એ માટે તેને ઘરે ઘરે ફરવું પડતું. આમ છતાં, તે એકાદવાર તો મિનીને મળવા આવી જ પહોંચતો. એ જોઈને એમ લાગે કે, એ બંને વચ્ચે કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે. કોઈ વાર કાબુલી સવારે આવી ન શકે, તો સાંજે આવતો. અંધારિયા ઓરડામાંથી એ ખુલ્લા-પહોળા પાયજામા અને ઝોળીવાળા એ કદાવર માણસને જોઈને મનમાં કંઈક આશંકા પેદા થતી, પરંતુ મિનીને 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...' કહીને હસતી દોડતી જતી જોઉં ત્યારે એ જુદી જુદી ઉંમરના મિત્રો વચ્ચે હસીમજાક ચાલુ થાય ત્યારે મારું મન પ્રફૂલ્લિત થઇ જતું.

કાબુલી અફઘાનિસ્તાનનો પશ્તુન હતો. ઊંચો અને કદાવર હતો, પરંતુ મિનીને મળે ત્યારે બાળક સાથે બાળક જેવો નિર્દોષ બનીને મજાકમસ્તી કરતો. ત્યાર પછી વાર્તામાં ટાગોર કાબુલી માટે થોડા ક્રૂર થયા છે. થયું એવું કે, કોઈ વ્યક્તિએ કાબુલી પાસેથી રામપુરી શાલ લીધી હતી, પરંતુ તેણે જૂઠ્ઠું બોલીને પૈસા આપવાનો ઈનકાર કર્યો. આ બાબતે ઉગ્ર ઝગડો થતા કાબુલીએ તેને છરો ભોંકી દીધો. કાબુલીના હાથે હત્યા થઈ ગઈ. આ દરમિયાન પોલીસ કાબુલીને લઈને જઈ રહી હતી ત્યારે પણ મિની આવીને બૂમો મારે છે, 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...'  અને મિનીને જોતા જ કાબુલી ખુશ થઈ જાય છે. જેલ જતો હોય છે તો પણ!

કાબુલી વારંવાર મિનીને કહેતો હોય છે કે, તું સાસરે ના જતી. મિનીને ખબર નહોતી કે, સાસરું એટલે શું, પરંતુ તે કાબુલીને સામો સવાલ કરતી કે, તમે સાસરે જવાના છો? પોલીસ કાબુલીને લઈને જતી હતી ત્યારે પણ મિનીએ આ જ સવાલ કર્યો અને કાબુલીએ જવાબ આપ્યો કે, 'ત્યાં જ જઉં છું...' આ વાત કરીને ટાગોરે કાબુલીની બેફિકરાઈ દર્શાવી છે. રહેમત કાબુલીને ખૂન કેસમાં આઠેક વર્ષની જેલ થઈ. નવલકથાકાર પણ કાબુલીને ભૂલી ગયો અને મિની પણ મોટી થઈ ગઈ. મિનીની બહેનપણીઓની સંખ્યા વધતી ગઈ. નવલકથાકાર અને તેની પુત્રી વચ્ચે અંતર વધી ગયું છે, પરંતુ મિની લગ્ન કરીને સાસરે જશે એ વાતથી જ પિતા દુ:ખી છે.

આ વાત  પણ ટાગોરે મજબૂત રીતે રજૂ કરી છે, વાંચો : ...ત્યાં તો મારા મારા ઘર આગળ શરણાઈ વાગવી શરૂ થઈ ગઈ હતી. તેનો અવાજ જાણે મારી છાતીના હાડપિંજરમાંથી ધબકીને બહાર નીકળતો, અને, ભૈરવીના કરૂણ સૂરમાં નજીક આવી રહેલી વિયોગની વ્યથાને શરદના તડકાની સાથે આખી પૃથ્વી પર ફેલાવી દેતો હતો. આજે મારી મિનીના લગ્ન હતા. સવારથી ઘરમાં ભારે ધમાલ હતી. માણસોનું આવનજાવન ચાલુ હતું. આંગણામાં વાંસ નાંખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના તમામ ઓરડા અને પરસાળમાં તોરણો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ-દોડધામનો પાર ન હતો...

બિમલરોયે બનાવેલી ‘કાબુલીવાલા’નું પોસ્ટર, જેમાં કાબુલીની
ભૂમિકા બલરાજ સહાનીએ ભજવી હતી  

આમ, નવલકથાકારના ઘરમાં લગ્નપ્રસંગનો માહોલ બરાબર જામ્યો હતો ત્યાં જ રહેમત કાબુલી જેલમાંથી છૂટીને મિનીને મળવા આવી પહોંચ્યો. મિનીના પિતા શુભ દિવસે એક 'ખૂની'ને ઘરમાં જોઈને થોડા હલબલી ગયા અને તેને પાછા જવાનું કહ્યું, પરંતુ કાબુલીએ ડરતા ડરતા પૂછી લીધું કે, 'મિનીને જરા મળી શકાશે ખરું?' કાબુલીને અંદાજ ન હતો કે, મિની હવે બાળકી નથી. એ સાસરે જઈ રહી છે. તેને હતું કે, હમણાં જ મિની 'કાબુલીવાલા, એ...ઈ કાબુલીવાલા...' એવી બૂમો મારતી આવશે. જોકે, નવલકથાકાર કાબુલીને ભારપૂર્વક કહી દે છે કે, ઘરમાં ધમાલ હોવાથી મિનીને મળી નહીં શકાય. એ પછી કાબુલી સ્તબ્ધ થઈને થોડી વાર ઊભો રહી ગયો. સલામ, કહીને ભગ્ન હૃદયે પાછો વળી ગયો અને ફરી પાછા વળીને કહ્યું: આ અંગૂર-કિસમિસ અને બદામ મિની મારી કિકી માટે લાવ્યો છું. એને આપવાની કૃપા કરજો.

નવલકથાકારે એ લઈ લીધું અને પૈસા આપવા હાથ લંબાવ્યો ત્યારે તેણે એ પૈસા ના લીધા અને કહ્યું કે, 'મારે પણ દેશમાં આવી જ એક દીકરી છે. એનું મોં યાદ કરીને હું તમારી કિકી માટે જરાતરા સૂકોમેવો લઈ આવું છું. હું કંઈ વેપાર કરવા નથી આવતો.' આટલું બોલીને તેણે પહોળા અંગરખામાં છાતી પાસે રાખેલો એક ચોળાયેલો કાગળ કાઢીને નવલકથાકારને બતાવ્યો. કાગળ પર ફક્ત એક નાનકડા હાથની છાપ હતી. એ તેણે હાથ પર કાજળ લગાવીને લીધી હતી. દીકરીનું સ્મરણ આ રીતે છાતીસરસું રાખીને તે કોલકાતાના રસ્તાઓ પર સૂકોમેવો વેચવા આવતો. એ કાગળ જોઈને નવલકથાકારની આંખ ઊભરાઈ ગઈ. નવલકથાકાર ભૂલી ગયો કે કાબુલી મેવાવાળો છે અને તે બંગાળના ઉચ્ચ વંશનો સંસ્કારી પુરુષ છે. નવલકથાકારને અહેસાસ થયો કે, કાબુલી પણ તેના જેવો જ એક પિતા છે.

નવલકથાકારે તુરંત જ મિનીને અંદરના ઓરડામાંથી બોલાવી. કુટુંબની બીજી સ્ત્રીઓએ વિરોધ કર્યો પણ નવલકથાકારે તેને ધરાર બોલાવી. લાલ-રેશમી સાડીમાં સજ્જ મિની કપાળમાં ચંદન સાથે બહાર આવી. વધૂના વેશમાં તે શરમાતી સંકોચાતી આવીને ઊભી રહી અને કાબુલી તેને જોઈને ચોંકી ગયો. એ બંને વચ્ચે પહેલાની જેમ નિર્દોષ વાર્તાલાપ જામ્યો નહીં. તેણે મિનીને પૂછી લીધું કે, તું સાસરે ચાલી? મિની પહેલાની જેમ જવાબો આપી ના શકી. રહેમત કાબુલીનો સવાલ સાંભળીને શરમાઈને બસ ઊભી રહી.

મિનીના ગયા પછી કાબુલીને પણ ભાન થયું કે, કાબુલમાં તેની પુત્રી પણ સાસરે જવા લાયક થઈ ગઈ હશે. તે જમીન પર બેસી ગયો. આઠ વર્ષમાં તે પણ મોટી થઈ ગઈ હશે અને હવે કાબુલ જઈને તેની સાથે નવેસરથી ઓળખાણ કરવી પડશે. એ કોલકાતાની કોઈ ગલીમાં જઈને બેઠો એ પહેલાં નવલકથાકારે તેને પૈસાની એક મોટી નોટ હાથમાં પકડાવી દીધી અને કહ્યું કે, રહેમત તુ પણ દેશમાં તારી છોકરી પાસે પહોંચી જા. તમે બાપ-બેટી સુખેથી મળો તો મિનીનું કલ્યાણ થશે.

લગ્ન માટે બચાવેલા રૂપિયા કાબુલીને આપી દેવાથી નવલકથાકાર લગ્નમાં વીજળીનો ભપકો અને બેન્ડનો ખર્ચ કરી ના શક્યા. કેટલીક સ્ત્રીઓએ બબડાટ પણ કર્યો, પરંતુ છેલ્લી લીટીમાં ટાગોર પેલા નવલકથાકારના મોંઢે કહે છે કે: ...પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઉઠ્યો.
***

'કાબુલીવાલા' આશરે સવાસો વર્ષ પહેલાં, ૧૮૯૭માં, પ્રસિદ્ધ થઈ હતી. આ વાર્તા વાંચતી વખતે માલુમ પડે છે કે, એ વખતે કાબુલીઓ ગુલામીના વેપારમાં સંડોવાયેલા હશે! એક સરેરાશ બંગાળી તેમના પહેરવેશ, ખાન-પાન અને દેખાવના કારણે તેમને જુદી રીતે જોતો, પરંતુ ટાગોરે તેમની વાર્તામાં કાબુલીને 'ખૂની' દર્શાવીને ગુનેગાર નથી દર્શાવ્યો. આ ટાગોરના શબ્દોની તાકાત છે. ગુનાખોરી અટકાવવાનું કામ કાયદાનું છે અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસ જીવંત રાખવાનું કામ સાહિત્યનું. ટાગોરે આ કામ બખૂબી કરી બતાવ્યું છે.

'કાબુલીવાલા'નો ગુજરાતી સહિત અનેક ભાષામાં અનુવાદ થયો છે. ગુજરાતીમાં આ વાર્તા રમણલાલ સોની અને મહાદેવ દેસાઈ જેવા બે ધુરંધર સહિત અનેક લોકોએ અનુવાદ કરી છે. 'કાબુલીવાલા' પરથી આ જ નામે ૧૯૫૭માં બંગાળી અને ૧૯૬૧માં હિન્દી ફિલ્મ પણ બની ચૂકી છે, પરંતુ ટાગોરની વાર્તામાંથી પસાર થવાનો અનુભવ કંઈક ઓર જ છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

3 comments:

  1. Bahu j saras article bhai. Yad nathi kyare ketla varsho pahela a varta vanchi hati pan e varta mane etli sparshi gayi hati ke tena shabde shabda aje pan mane yad chhe - mini ne fari malva avta e kabulivala ni vyatha aje pan radavi jay chhe. Nice one. Kep it up bhai.

    ReplyDelete
  2. Brilliant. Fine and subtle .sensitive to the very heart of what the story is evoking.

    ReplyDelete