ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો
ફિવર પૂરજોશમાં જામ્યો છે, દુનિયાની અનેક ચુનંદા ફૂટબોલ ટીમો બહાર ફેંકાઈ
ગઈ છે અને વૉટ્સએપ પર ભારતીય ફૂટબોલની મજાક કરતા મેસેજ ફરી રહ્યા છે ત્યારે ભારતના
ફૂટબોલ ઈતિહાસના સુવર્ણ પ્રકરણને યાદ કરવાના બહાને આપણા બે પોતીકા ફૂટબોલ સ્ટારને
યાદ કરીએ. આ બંને ફૂટબોલરે ભારતીય ફૂટબોલને કિક મારીને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકી
દીધો હતો પણ એ પછી આપણી સરકારો અને ફૂટબોલ સંસ્થાઓ એ વારસો આગળ ધપાવી ના શકી. જરા, વિગતે વાત કરીએ.
ભારતીય ફૂટબોલ
ટીમની ચીનની દીવાલ
કોલકાતાના ઈડન ગાર્ડન
સ્ટેડિયમની સામે કાળા રંગનું એક પૂતળું છે. પૂતળાની નીચે બંગાળી ભાષામાં કંઈક
લખ્યું છે. એ વિશે કોઈ બંગાળીને પૂછીએ ત્યારે ખબર પડે છે કે, આ ગોસ્થા બિહારી
પાલનું પૂતળું છે. જોકે, પ્રાદેશિક અભિમાનથી ફાટફાટ સરેરાશ બંગાળી પણ તેમના વિશે ખાસ
કંઈ જાણતો નથી હોતો. ઈડન ગાર્ડનથી ઓતરામ ઘાટ સુધી જતા રસ્તાનું નામ પણ 'ગોસ્થા પાલ માર્ગ' છે પણ લગભગ કોઈ
બંગાળી આ રસ્તાને એ નામથી નથી ઓળખતો. પૂતળું જોઈને ફક્ત એટલું અનુમાન લગાવી શકાય
છે કે, ગોસ્થા પાલ
જાણીતા ફૂટબોલર હોવા જોઈએ. ઇડન ગાર્ડન માર્ગ પર આવેલી વિખ્યાત મોહન બાગાન ફૂટબોલ
ક્લબે ગોસ્થા પાલ સિવાય એક પણ ફૂટબોલરનું લાઈફસાઈઝ પૂતળું મૂકાવ્યું નથી. આ સન્માન
મેળવનારા તેઓ પહેલાં ફૂટબોલર છે.
ગોસ્થા પાલ કોઈ સામાન્ય ફૂટબોલર ન હતા. બ્રિટીશ ભારતમાં તેઓ ભારતીય ફૂટબોલ ટીમની 'ચિનેર પ્રાચીર' એટલે કે ચીનની દીવાલ કહેવાતા. અખંડ ભારતના બાંગ્લાદેશમાં આવેલા ફરીદકોટમાં ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ તેમનો જન્મ થયો હતો. ઘોડિયામાં હતા ત્યારે જ પરિવાર સાથે કોલકાતા આવીને વસી ગયા. ગોસ્થાએ ૧૧ વર્ષની વયે ઉત્તર કોલકાતાની કુમારતુલી ક્લબમાં ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જુલાઈ ૧૯૧૧ના એક દિવસે સખત વરસાદ વચ્ચે કુમારતુલી પાર્કમાં કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા, જેમાં પંદરેક વર્ષના ગોસ્થા પણ હતા. કાલીચરણ મિત્રા નામના ફૂટબોલરે આત્મવિશ્વાસથી ડિફેન્ડ કરતા ગોસ્થાને જોયા. મિત્રા ઉત્તમ ફૂટબોલર હોવાની સાથે બ્રિટીશરોનું પ્રભુત્વ ધરાવતા ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશનના સભ્ય પણ હતા. તેઓ તુરંત જ ગોસ્થાની કાબેલિયત પારખી ગયા. મિત્રાએ ગોસ્થાનું નામ-ઠામ જાણી લીધું અને તેમને દુખીરામ મજૂમદાર પાસે લઈ ગયા.
ગોસ્થા પાલ |
ગોસ્થા પાલ કોઈ સામાન્ય ફૂટબોલર ન હતા. બ્રિટીશ ભારતમાં તેઓ ભારતીય ફૂટબોલ ટીમની 'ચિનેર પ્રાચીર' એટલે કે ચીનની દીવાલ કહેવાતા. અખંડ ભારતના બાંગ્લાદેશમાં આવેલા ફરીદકોટમાં ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ તેમનો જન્મ થયો હતો. ઘોડિયામાં હતા ત્યારે જ પરિવાર સાથે કોલકાતા આવીને વસી ગયા. ગોસ્થાએ ૧૧ વર્ષની વયે ઉત્તર કોલકાતાની કુમારતુલી ક્લબમાં ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જુલાઈ ૧૯૧૧ના એક દિવસે સખત વરસાદ વચ્ચે કુમારતુલી પાર્કમાં કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા, જેમાં પંદરેક વર્ષના ગોસ્થા પણ હતા. કાલીચરણ મિત્રા નામના ફૂટબોલરે આત્મવિશ્વાસથી ડિફેન્ડ કરતા ગોસ્થાને જોયા. મિત્રા ઉત્તમ ફૂટબોલર હોવાની સાથે બ્રિટીશરોનું પ્રભુત્વ ધરાવતા ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશનના સભ્ય પણ હતા. તેઓ તુરંત જ ગોસ્થાની કાબેલિયત પારખી ગયા. મિત્રાએ ગોસ્થાનું નામ-ઠામ જાણી લીધું અને તેમને દુખીરામ મજૂમદાર પાસે લઈ ગયા.
દેશદાઝથી લાલઘૂમ
મોહન બાગાનમાં પ્રવેશ
૧૯મી સદીના બંગાળમાં અનેક
બાળકોને ઉત્તમ ફૂટબોલ રમતા કરવાનું શ્રેય દુખીરામ મજૂમદારને જાય છે. તેઓ ૧૮૮૪માં
સ્થપાયેલી આર્યન ફૂટબોલ ક્લબના 'ફાધર ફિગર' ગણાતા. એ વખતે બંગાળમાં બે એલિટ ફૂટબોલ ક્લબ
હતી, મોહન બાગાન અને
આર્યન. મજૂમદારે ગોસ્થાને તાલીમ આપવાનું શરૂ કર્યું અને એ પછી જે કંઈ થયું, એ ઈતિહાસ છે. એ
દિવસોમાં મોહન બાગાન અને આર્યન વચ્ચે સારામાં સારા ફૂટબોલ ખેલાડીઓને પોતાની
ક્લબમાં લઈ આવવાની હોડ હતી. મોહન બાગાનના પ્રતિભાશાળી ફૂટબોલર રાજેન સેને પણ ૧૬
વર્ષના મજબૂત કદકાઠી ધરાવતા ગોસ્થા પાલને પોતાની ક્લબના સભ્ય બનાવી દીધા. રાજેન
સેન બ્રિટીશરોને હરાવનારી લોકપ્રિય ફૂટબોલ ક્લબ મોહન બાગાનના આગળ પડતા સભ્ય હતા.
દુખીરામ મજુમદાર |
અંગ્રેજોનું પ્રભુત્વ
ધરાવતું ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશન પોતાના સ્થાપના વર્ષ ૧૮૯૩થી દર વર્ષે 'ઈન્ડિયન ફૂટલોબ
એસોસિયેશન (આઈએફએ) શિલ્ડ' નામની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજતું. આ
ટુર્નામેન્ટમાં અંગ્રેજ લશ્કરની વિવિધ ટીમોની જ જીત થતી. જોકે, ૧૯૧૧માં બંગાળી
યુવકોની મોહન બાગાન ક્લબે ઈસ્ટ યોર્કશાયર રેજિમેન્ટને ૨-૧થી હરાવી અને એ પરંપરા
તૂટી. એ ટીમને જીતાડવામાં રાજેન સેને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતના ગરીબ
અને મધ્યમ વર્ગના યુવકોએ પહેલીવાર ગોરા લશ્કરી સાહેબોને હરાવ્યા હતા. ભારતીય
ફૂટબોલ ઈતિહાસની એ સૌથી મહત્ત્વની ક્ષણ હતી. રમતના મેદાન પર થતી હરીફાઈને પણ
અંગ્રેજો 'રાજ સામેના પડકાર'ના રૂપમાં જોતા.
એવી જ રીતે, ભારતીયો પણ
શોષણખોર બ્રિટીશ રાજના ખેલાડીઓને હરાવીને જીતનો સંતોષ અને ઉન્માદ અનુભવતા.
આ પ્રકારના માહોલમાં
ગોસ્થા પાલે સત્તરેક વર્ષની ઉંમરે રાષ્ટ્ર દાઝથી લાલઘૂમ મોહન બાગાન ફૂટબોલ ટીમમાં
રમવાનું શરૂ કર્યું.
મોહન બાગાનનું
નામ વિદેશોમાં ગૂંજતુ કર્યું
ગોસ્થા પાલ ૧૯૧૩માં
પહેલીવાર ડેલહાઉસી ફૂટબોલ ક્લબ સામેની મેચ રમ્યા, પરંતુ ડિફેન્ડર તરીકે સારો દેખાવ ના કરી શક્યા અને
વિરોધી ટીમે બે ગોલ ફટકારી દીધા. એ વખતના અનેક ફૂટબોલ ખેલાડીઓની જેમ ગોસ્થા પણ
ખુલ્લા પગે રમતા,
પરંતુ ડેલહાઉસી જેવા ખૂબ ઠંડા પ્રદેશમાં બર્ફીલા કરાથી
ભરેલા મેદાનમાં તેઓ કૌવત ના બતાવી શક્યા. કોલકાતાના ફૂટબોલ ચાહકોએ એ નાનકડા
છોકરાનો એવો હુરિયો બોલાવ્યો કે, ગોસ્થા એવું જ માનવા લાગ્યા કે આટલી મોટી
ક્લબમાં મારી કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઇ ગઇ. તેમણે ધારી લીધું કે, હવેની મેચમાં તેઓ
'આઉટ' છે. જોકે, તેમના આશ્ચર્ય
વચ્ચે રાજેન સેને ગોસ્થોની ફિલ્ડ પોઝિશન ચેન્જ કરીને તેમને બીજીવાર ચાન્સ આપ્યો. એ
પછી ગોસ્થા પાલ સળંગ ૨૨ વર્ષ, ૧૯૩૫ સુધી, મોહન બાગાન માટે ફૂટબોલ રમ્યા. ગોસ્થા પાલ બહુ
જ બધા ગોલ કરનારા ખેલાડી ન હતા, પરંતુ તેમના કાર્યકાળમાં જ ભારતીય યુવાનોમાં
ફૂટબોલે લોકપ્રિયતા હાંસલ કરી હતી.
આઈએફએ શિલ્ડની એક મેચમાં
ગોસ્થા પાલે ડ્યૂક ઓફ કોર્નવૉલ્સ લાઇટ ઇન્ફન્ટ્રી- રંગૂન નામની અંગ્રેજ ટીમ સામે
કરેલા દેખાવ પછી 'ધ ઇંગ્લિશમેન' નામના એક બ્રિટીશ
અખબારે તેમને ભારતીય ટીમની ગ્રેટ વૉલ ઓફ ચાઇનાનું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧થી ૧૯૨૬
સુધી તેઓ મોહન બાગાન ફૂટબોલ ટીમના કેપ્ટન રહ્યા. તેમના કારણે જ ૧૯૨૩માં (૧૯૧૧ પછી
પહેલીવાર) મોહન બાગાન આઈએફએ શિલ્ડ ટ્રોફીમાં ફાઇનલમાં પહોંચી. જોકે, જીતી ના શકી.
મોહન બાગાન ક્લબે ૧૯૧૧માં આઈએફએ શિલ્ડમાં પહેલીવાર ઇસ્ટ યોર્કશાયર રેજિમેન્ટને હરાવી એ ભારતીય ફૂટબોલરોની ટીમ |
એજ વર્ષે બોમ્બેમાં
આયોજિત પ્રતિષ્ઠિત રોવર્સ કપની ફાઈનલમાં પણ મોહન બાગાન પહોંચી હતી. ગળાકાપ હરીફાઈ
ધરાવતી એ ટુર્નામેન્ટમાં પહેલીવાર ભારતીય ખેલાડીઓની કોઈ ટીમે આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ
અંગ્રેજ લશ્કરની ડરહામ લાઇટ ઇન્ફન્ટ્રી સામે તેમની હાર થઇ. એ મેચ પછી જ બ્રિટીશ
ભારતમાં ગોસ્થા પાલને લિજેન્ડરી સ્ટેટસ મળ્યું. ગુલામી કાળના એ વર્ષોમાં અંગ્રેજ
અધિકારીઓને ભારતીય યુવકો હંફાવે એ વાત જ ભારતીય દર્શકોને 'કિક' આપતી હતી. યાદ
રાખો, અંગ્રેજ શાસનમાં
ભારતીય ફૂટબોલ ટીમના ખેલાડીઓ ગાંઠનું ગોપીચંદન કરીને રમતા, આપણી ક્લબો
આર્થિક રીતે શક્તિશાળી નહીં હોવાથી કોચિંગ માટે પણ ખર્ચ કરી શકે એમ ન હતી. એ
જમાનામાં ગોસ્થા પાલ મોહન બાગાનને આ ઊંચાઈ સુધી લઈ ગયા હતા.
ક્રિકેટ મેચમાં
ધોતી પહેરીને અનોખો સત્યાગ્રહ
ઈસ. ૧૯૨૪માં પહેલીવાર
વિદેશ (શ્રીલંકા) રમવા જતી ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું સુકાન ગોસ્થા પાલને
સોંપાયું હતું. મોહન બાગાન ક્લબને ૧૯૨૫માં વિશ્વની બીજા
નંબરની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરાન્ડ કપમાં રમવાનું આમંત્રણ મળ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગોસ્થા પાલે મોહન બાગાનને
સેમી ફાઈનલ સુધી પહોંચાડી, પરંતુ અંગ્રેજોની શેરવૂડ ફોરેસ્ટ સામે તેઓ ટકી
ના શક્યા. આજે દંતકથા સમાન ગણાતી મોહન બાગાન ફૂટબોલ ક્લબને મજબૂત કરવામાં તેમજ
ઉત્તરપૂર્વ ભારતમાં ફૂટબોલને લોકપ્રિય કરવા ગોસ્થા પાલે 'ખરા અર્થમાં' લોહી અને પરસેવો
એક કર્યા હતા. તેઓ બૂટ પહેર્યા વિના ફૂટબોલ રમતા ત્યારે અંગ્રેજ ખેલાડીઓ મજબૂત
બૂટથી જાણી જોઇને ઇજા કરીને ભારતીય ખેલાડીઓને લોહીલુહાણ કરી નાંખતા.
મહાત્મા ગાંધીના વિચારોથી
પ્રભાવિત થઇને રમતના મેદાન પર સૌથી પહેલો 'અનોખો' સત્યાગ્રહ કરવાનો શ્રેય પણ ગોસ્થા પાલને જાય
છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મોહન બાગાન ક્લબ એક સમયે ક્રિકેટ પણ રમતી.
ક્રિકેટમાં મોહન બાગાનની કટ્ટર હરીફ ટીમ હતી, કોલકાતા ક્રિકેટ ક્લબ. અંગ્રેજોનું પ્રભુત્વ
ધરાવતી આ ક્લબ સામે ૧૯૨૮માં યોજાયેલી એક મેચમાં ગોસ્થા પાલ અને બીજા કેટલાક
ક્રિકેટર ધોતી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. તેમનો વિરોધ ગોરા રેફરીઓની અન્યાયી
રંગભેદી નીતિ સામે હતો. જોકે, શરૂઆતમાં એકેય ગોરા ક્રિકેટરે વિરોધ ના કર્યો
પણ ગોસ્થા પાલે ચાર બૉલમાં બે વિકેટ લેતા જ અંગ્રેજી ક્રિકેટરોએ એમ્પાયર સમક્ષ
વિરોધ નોંધાવ્યો કે, ધોતી 'દેશી' યુનિફોર્મ છે. ક્રિકેટ માટે એ પેન્ટ જ સૌથી
યોગ્ય ડ્રેસ છે.
ગોસ્થા પાલની યાદમાં બહાર પાડેલી ટપાલ ટિકિટ |
અંગ્રેજોએ એમ્પાયરને કહી
દીધું કે, ગોસ્થા પાલ સહિત
બધા ક્રિકેટરો પેન્ટ પહેરશે તો જ મેચ ચાલુ રહેશે. જોકે, તેઓ રાજી ના થયા
અને મેચ અટકી ગઇ. એ પછી સતત છ વર્ષ સુધી મોહન બાગાન અને કોલકાતા ક્રિકેટ ક્લબ
એકબીજા સાથે ના રમ્યા. ગોસ્થા પાલ પર મહાત્મા ગાંધીના આઝાદીના આંદોલનનો એટલો
પ્રભાવ હતો કે, ૧૯૩૪માં તેમણે
રંગભેદ વિરોધી આંદોલનને ટેકો જાહેર કરવા દક્ષિણ આફ્રિકા રમવા જતી ભારતીય ટીમનું
કેપ્ટનપદ સંભાળવાની ના પાડી દીધી હતી.
અંગ્રેજ સૈનિક
સાથે ગોસ્થાની માતાનો ભેટો
ગોસ્થા પાલ ભારતભરમાં
(અખંડ ભારત) કેટલા લોકપ્રિય હશે એ વાતનું અનુમાન એક કિસ્સા પરથી આવી શકે છે.
૧૯૪૮માં ગોસ્થા પાલના માતા નવીન કિશોરી દેવી પુત્રને મળવા રેલવેમાં બાંગ્લાદેશથી
કોલકાતા આવી રહ્યા હતા. ભારતના ભાગલા થઇ ચૂક્યા હતા, જેથી ભારતીય અને અંગ્રેજ સૈનિકો ગમે ત્યારે, ગમે તે વ્યક્તિને
પકડીને પૂછપરછ કરતા. નવીન કિશોરી દેવી લોખંડની નાનકડી પેટી લઇને જતા હતા એટલે એક
અંગ્રેજ સૈનિકે તેમને પકડયા. તેમણે કહ્યું કે, હું વિધવા છું અને મારા પુત્રને મળવા જઇ રહી
છું. આમ છતાં, અંગ્રેજ સૈનિકે
તેમની પેટીના તાળા ખોલાવ્યા. પેટીમાં તો થોડા કપડાં અને ગોસ્થા પાલની એક તસવીર
હતી. એ જોઈને પેલા સૈનિકે પૂછ્યું કે, આ તસવીર કેમ સાથે રાખી છે?
ત્યારે વૃદ્ધાએ જવાબ આપ્યો કે, એ મારો પુત્ર છે. આ વાત સાંભળીને અંગ્રેજ સૈનિકે હતપ્રત થઇને પૂછ્યું કે, તમે ગોસ્થા પાલના માતા છો? એ પછી તેણે વૃદ્ધાની માફી માંગી અને ટ્રેનમાં બારી પાસે બેસાડીને રવાના કર્યા. જોકે, આ ઘટનાથી ગોસ્થા પાલના માતા ગભરાઇ ગયા. તેઓ પુત્રને મળ્યા ત્યારે આ વાત જણાવીને સૌથી પહેલો સવાલ કર્યો કે, તુ કરે છે શું? ત્યારે ગોસ્થા પાલ ખડખડાટ હસી પડ્યા અને માતાને જવાબ આપ્યો, 'કશું નથી કરતો, ફક્ત બોલને કિક મારવાનું કામ કરું છું.'
ત્યારે વૃદ્ધાએ જવાબ આપ્યો કે, એ મારો પુત્ર છે. આ વાત સાંભળીને અંગ્રેજ સૈનિકે હતપ્રત થઇને પૂછ્યું કે, તમે ગોસ્થા પાલના માતા છો? એ પછી તેણે વૃદ્ધાની માફી માંગી અને ટ્રેનમાં બારી પાસે બેસાડીને રવાના કર્યા. જોકે, આ ઘટનાથી ગોસ્થા પાલના માતા ગભરાઇ ગયા. તેઓ પુત્રને મળ્યા ત્યારે આ વાત જણાવીને સૌથી પહેલો સવાલ કર્યો કે, તુ કરે છે શું? ત્યારે ગોસ્થા પાલ ખડખડાટ હસી પડ્યા અને માતાને જવાબ આપ્યો, 'કશું નથી કરતો, ફક્ત બોલને કિક મારવાનું કામ કરું છું.'
આ કિસ્સો જાણીતા ફૂટબોલ
રિસર્ચર અને ગોસ્થા પાલના પુત્ર નિલાંશુ પાલે નોંધ્યો છે.
***
૨૭મી એપ્રિલ, ૧૯૬૨ના રોજ ભારત
સરકારે ગોસ્થા પાલનું પદ્મ શ્રી આપીને સન્માન કર્યું. ૧૯૯૮માં ગોસ્થા પાલના માનમાં
તેમની તસવીર સાથેની ટપાલ ટિકિટ પણ બહાર પડાઈ. આ બંને સન્માન મેળવનારા તેઓ દેશના
પહેલા ફૂટબોલર છે. ગોસ્થા પાલ પછી બીજા પણ એક ફૂટબોલરને પદ્મ પુરસ્કારથી સન્માનિત
કરાયા.
એ વાત અહીં બીજા લેખમાં.
એ વાત અહીં બીજા લેખમાં.
આજના યુવાનોમાં પણ ક્રિકેટ ઉપરાંત ફૂટબોલનો ક્રેઝ વધી રહ્યો છે. રોનાલ્ડો,મેસ્સી વગેરેના ફેન બને છે એવા સમયે તમારો આ લેખ ઘણો જ સમયસરનો તેમજ જરૂરી હતો, જેથી આપણા દેશનું આ રમતમાં યોગદાન પણ સહુના ધ્યાનમાં આવે. સુરતની પાસે રાંદેરમાં જીમખાના ફૂટબોલ કલબ પણ ઘણી લોકપ્રિય હતી અને મોહન બાગાન કલબની ટીમ સાથે રમતા પણ હતા. એ વિષેનો પણ એક લેખ આપ રિસર્ચ કરીને મુકશો તો અમો સુરતીઓને ઘણો ખુશી થશે.
ReplyDeleteથેંક્સ સર, જૂના પુસ્તકો ખાંખાખોળા કરી રહ્યો હતો ત્યારે સુરતની જીમખાના ફૂટબોલ ક્લબનો એકવાર ઉલ્લેખ વાંચ્યો હતો, પણ એ વિશે ખાસ કંઈ ખબર નથી. લખીશું ક્યારેક :) કિપ વર્થ રીડિંગ, કિપ શેરિંગ...
Delete