જો બે છોકરા જણતી મા મેડલ જીતી શકે છે,
તો તમે બધા પણ આ કરી શકો
છો. મારું જ ઉદાહરણ લો અને હંમેશા ઝઝૂમતા રહો...
આ શબ્દો છે, લિજેન્ડરી ફિમેલ બોક્સર મેરી કોમના. બે છોકરાની મા બનીને બોક્સિંગ જેવી ફૂલ કોન્ટેક્ટ
ગેમમાં ચેમ્પિયન બનવું એ સ્પોર્ટ્સ હિસ્ટરીની અજોડ ઘટના છે. આજની પેઢી મણિપુરને
પાંચ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચનારી મેરી કોમથી ઓળખે છે. મણિપુરમાં સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિમાં ઉછરેલી છોકરીને વિમેન એમ્પાવરમેન્ટ કે મહિલા
સશક્તિકરણ શું છે એ ખબર નહીં હોય, પરંતુ તેમનો જિંદગી પ્રત્યેનો અભિગમ મેરી કોમ જેવો જ લડાયક
હોય છે.
ઇમા કિથિલ પર હિસ્ટરી ચેનલની શોર્ટ ફિલ્મ
એક સરેરાશ ભારતીય ઉત્તરપૂર્વ ભારતની અનેક જાણીતી બાબતોથી અજાણ હોય છે. આવી જ
એક જાણીતી પણ અજાણી વાત એટલે મણિપુરનું ‘ઇમા કિથિલ’. ઇમા કિથિલ ઇમા કિથિલ ફક્ત
મહિલાઓ દ્વારા સંચાલિત બજાર છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આવેલા આ બજારમાં
પાંચેક હજાર દુકાનો છે, જે દરેકની દુકાનદાર મહિલા છે. ઇમા કિથિલ મેઇતેઇ કે મણિપુરી
ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'માતાઓનું બજાર' એવો થાય છે. સમગ્ર એશિયામાં ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત
આટલું મોટું બજાર જોવા મળતું નથી. અમુક લોકોનો દાવો છે કે,
વિશ્વમાં પણ ક્યાંય
મણિપુરના ઇમા કિથિલ જેવું બજાર નથી! દુનિયામાં અનેક સ્થળે મહિલાઓ દુકાન પર બેસીને
માલસામાન વેચતી હોય એવા બજારો છે, પરંતુ એ બજારમાં પુરુષો પણ હોય છે. ઇમા કિથિલમાં ફક્ત
પરિણિત સ્ત્રીઓ જ દુકાનદારી કરી શકે છે. એટલે વિદેશીઓ તેને 'મધર્સ માર્કેટ' તરીકે ઓળખે છે.
કુપ્રથામાંથી આકાર પામ્યું અનોખું 'બજાર'
દુનિયાના બીજા કોઈ પણ બજારથી ઇમા કિથિલ બિલકુલ અલગ છે. ઇમા કિથિલ દાયકાઓથી
આકાર લઇ રહેલા સમૃદ્ધ ઇતિહાસના પાયા પર રચાયેલું છે. ઇસ. ૧૫૩૩માં ઇમા કિથિલની શરૂઆત
થઇ હતી. આ અનોખા બજારના પાયામાં ગરીબી, ગુલામી, મજબૂરી, બહાદુરી અને શૌર્ય જેવા અનેક રંગ ભળેલા છે. ૧૬મી સદીમાં
દેશના અનેક વિસ્તારોની જેમ ઉત્તરપૂર્વ ભારતમાં પણ લલ્લુપ-કાબા ઉર્ફ વેઠિયા
મજૂરીનું દુષણ ચરમસીમાએ હતું. સમાજના ઉચ્ચ વર્ગના (વાંચો,
ક્રૂર-અનૈતિક ધનિકો)
લોકો ગરીબોને 'વેઠ' એટલે કે મજૂરી કરાવવા રીતસરના ગુલામ બનાવતા. આ પ્રકારની મજૂરી કરવામાં
ગુલામોનું જીવન વીતી જતું, પરંતુ કમાણી નહીંવત થતી. ' ભગવદ્ગોમંડળ'માં 'વેઠ' શબ્દનો અર્થ જ 'વગર દામનું વૈતરું' અને 'જેમાં કોઈ વળતર ના હોય એવી મહેનત',
એવો અપાયો છે. મણિપુરના
ગરીબ મેઇતેઇ લોકો પણ આ પ્રકારની વેઠમાંથી બાકાત નહોતા રહી શક્યા.
મેઇતેઇ સ્ત્રીઓ દ્વારા સંચાલિત ઇમા કિથિલ |
મણિપુરના વેઠિયા મજૂરોએ ધનવાનોની જમીન-જાયદાત પર ખેતી અને બીજા કામ કરવા
મહિનાઓ સુધી ઘરેથી દૂર રહેવું પડતું. મણિપુરના લડાયક અને ખડતલ પુરુષોનો યુદ્ધોમાં
પણ ઉપયોગ કરાતો. આ સ્થિતિમાં તેઓ ક્યારેક મહિનાઓ સુધી ઘરે નહોતા જઇ શકતા. એ વખતે કૌટુંબિક
માલિકીની નાની-મોટી જમીન પર ખેતી કરવાનું કામ ઘરની સ્ત્રીઓ સંભાળતી. પુરુષોની
ગેરહાજરીમાં મેઇતેઇ સ્ત્રીઓ પશુપાલન કરતી અને કૃષિ ઉત્પાદનો વેચવા બજારમાં પણ જતી.
આમ, ઇમા
કિથિલને જન્મ આપવામાં લલ્લુપ-કાબા જેવી કુપ્રથાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
મણિપુરના હજારો ઘરોનું ચુલો બાળતું બજાર
એક સમયે વેઠિયા મજૂરોની વિધવા માતાઓ અને પત્નીઓ ગામને પાદરે કૃષિ આધારિત
પેદાશો વેચતી, પરંતુ હવે ઇમ્ફાલમાં એક મહાકાય બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં વેચાણ કરવા દરેક
મહિલાને નાનકડી જગ્યા ફાળવાય છે. એ જગ્યા બદલ નજીવી રકમ વસૂલાય છે. જેમ કે,
થોડા સમય પહેલાં એક
મહિનાનું ભાડું ફક્ત ચાળીસ રૂપિયા હતું. આજના આ સંગઠિત બજારમાં કાપડ,
ધાતુ,
માટી અને વાંસની કલાત્મક
ચીજવસ્તુઓ, ફેશનેબલ જ્વેલરી, મસાલા, જડીબુટ્ટીઓ અને ઔષધિઓ, શાકભાજી, ફળો, સૂકા માછલા અને 'મોરોક' ચિલી સહિત ઘણું બધું વેચાય છે. મોરોક મણિપુરની મરચાની
જાણીતી જાત છે, જે ભૂત જોલોકિયા, ઘોસ્ટ જોલોકિયા, ઘોસ્ટ પીપર, નાગા જોલોકિયા, રેડ નાગા અને નાગા કિંગ ચિલી જેવા અનેક નામે જાણીતી છે.
૨૦૦૯માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેની દુનિયાના સૌથી તીખા મરચા તરીકે નોંધ
લીધી હતી.
ઇમા કિથિલનું આજનું બિલ્ડિંગ |
ઇમા કિથિલમાં મહિલાઓએ યુનિયન પણ બનાવ્યું છે. આ યુનિયન બજારનું સંચાલન યોગ્ય
રીતે થાય અને કોઈ સ્ત્રીને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. કોઈ પણ મહિલાને
નાની-મોટી લોનની જરૂરિયાત પણ ઇમા કિથિલમાંથી પૂરી થઇ જાય છે. મહિલાઓ વધુ માલ
ખરીદવા માટે પણ લોન લઇ શકે છે, જે નફો કર્યા પછી યુનિયનને પરત કરી શકાય છે. ઇમા કિથિલના
કારણે મણિપુરના અંતરિયાળ વિસ્તારની અનેક મહિલાઓના ઘરનો ચુલો બળે છે. મણિપુરના
સ્થાનિક અર્થતંત્રને મજબૂતાઈ આપવામાં પણ ઇમા કિથિલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું
છે.
બ્રિટીશરો સામેના આંદોલનનું એપિસેન્ટર
ઇમા કિથિલ સાથે આઝાદીકાળની એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. બ્રિટીશ
રાજ વખતે મણિપુરને અન્યાય થતાં ઇમા કિથિલ આંદોલનના કેન્દ્ર તરીકે ઊભર્યું હતું.
વાત એમ હતી કે, બ્રિટીશરોએ ઉત્તરપૂર્વ ભારતમાં મણિપુરની આસપાસ લશ્કરી થાણાં ઊભા કર્યાં હતાં.
ત્યાં બ્રિટીશ રાજની સેવામાં તૈનાત બ્રિટીશ સૈનિકોને કરિયાણાની મોટા પાયે જરૂર
પડતી. આ જરૂરિયાત પૂરી કરવા બ્રિટીશ અધિકારીઓ મણિપુર સહિતના અનેક પ્રદેશોના મોટા
ભાગના ચોખા બ્રિટીશ સૈનિકો માટે રવાના કરી દેતા. મણિપુરના રાજાઓ પણ બ્રિટીશ રાજના
રબર સ્ટેમ્પ શાસકો હતા. આ સ્થિતિમાં મણિપુરી સ્ત્રીઓએ ઇમા કિથિલમાં જ બેઠકો,
ચર્ચાવિમર્શ અને
રેલીઓનું આયોજન કરીને બ્રિટીશરો સામે રણશિંગુ ફૂંક્યું હતું.
ઇમ્ફાલમાં આવેલું બ્રિટીશરો સામેના આંદોલનની યાદ કરાવતું સ્મારક |
આ આંદોલનને કચડી નાંખવા બ્રિટીશરોએ ઇમા કિથિલનું બિલ્ડિંગ વેચી કાઢવાની યોજના
બનાવી હતી, પરંતુ મણિપુરની મહિલાઓએ બ્રિટીશરોનો ઉગ્ર વિરોધ કર્યો. મણિપુરની મેઇતેઇ
ભાષામાં આ આંદોલન 'નુપી લાન' તરીકે ઓળખાય છે, જેનો અર્થ 'સ્ત્રીઓનું યુદ્ધ' એવો થાય છે. એ યુદ્ધમાં મણિપુરની મહિલાઓએ છેલ્લે સુધી હાર
નહોતી માની. છેવટે ૧૯૩૯માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા મણિપુર વૉર ઝોનમાં
ફેરવાઇ ગયું, થોડા સમય પછી જાપાને મણિપુરનો કબ્જો કર્યો અને આ આંદોલનનો અંત આવ્યો. મણિપુરના
જ નહીં, ભારતના ઈતિહાસમાં સૌથી અનોખા ગણાતા આ આંદોલનને પાઠયપુસ્તકોમાં ભણાવાતું નથી.
મણિપુરની જીવનશૈલીનું અભિન્ન અંગ
ઇમા કિથિલ એક નાનકડા વિસ્તારમાં વિકસેલી સમૃદ્ધ સંસ્કૃતિ છે,
જીવન જીવવાની પદ્ધતિ છે.
ઇમ્ફાલમાં અંધારુ વહેલું થતું હોવાથી ઇમા કિથિલમાં બીજી પણ એક ખાસ વાત જોવા મળે
છે. અહીં અનેક સ્ત્રીઓ માલસામાન બાંધીને ઘરે જતી રહે છે,
જ્યારે કેટલીક મહિલાઓ
પોતાની દુકાનમાં જ સાંજની રસોઇ બનાવે છે. સ્ત્રીઓ દુકાનમાં જ વાળુ કરી લે છે અને
પરિવારના બીજા સભ્યો માટે ઘરે પણ લઇ જાય છે. ઇમા કિથિલ મણિપુરના રાજકીય,
સામાજિક અને સાંસ્કૃતિક
પ્રવાહો સાથે અભિન્ન રીતે વણાઇ ગયું હોવાથી મહિલાઓ માટે જ નહીં, મણિપુરી પુરુષો
માટે પણ એક 'ઐતિહાસિક બજાર'થી ઘણું વધારે છે.
ફનેકઃ મણિપુરની ગલીઓથી બોલિવૂડ સુધી |
ઇમા કિથિલમાં મણિપુરની જ નહીં, ઉત્તરપૂર્વ ભારતની પરંપરાગત ફેશનનું પણ પ્રતિબિંબ ઝીલાય છે.
પૂર્વાંચલ હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે આવેલા ઇમ્ફાલની ગલીઓમાં વહેલી સવારથી જ ફનેક
અને ઇન્નાફિ પહેરીને ઇમા કિથિલ તરફ જતી સ્ત્રીઓનું સંગીત રેલાવા લાગે છે. ફનેક
એટલે ઉત્તરપૂર્વ ભારતમાં સ્ત્રીઓ દ્વારા કમરની નીચે પહેરાતું લુંગી જેવું રંગીન
વસ્ત્ર અને ઇન્નાફિ એટલે શાલ. ઇમા કિથિલ પર અનેક સંસ્થાઓએ ડોક્યુમેન્ટ્રી બનાવી છે,
અને,
હવે નિકિતા કાલા નામના
સ્ટાઇલિસ્ટ ફેશન આધારિત ફિલ્મ પણ બનાવી રહ્યા છે. મણિપુરના આ પરંપરાગત પોષાકથી
પ્રભાવિત થઇને અનેક ફેશન ડિઝાઇનરો ફનેક અને ઇન્નાફિનું મોડર્ન ફ્યૂઝન પણ કરી
ચૂક્યા છે. બોલિવૂડ 'ક્વિન' કંગના રણૌતના કારણે પણ ફનેકની લોકપ્રિયતા વધી છે.
... અને બંદૂકની ગોળીઓને ફનેકથી પડકારાઈ
આ એજ ફનેક છે, જેને 'બખ્તર' બનાવીને મણિપુરની ૧૨ 'ઇમા' (માતા)એ સંપૂર્ણ નગ્ન થઇને ભારતીય સેનાને લલકાર કર્યો હતો કે,
'ઇન્ડિયન આર્મી રેપ અસ...
વી ઑલ આર મનોરમા'સ મધર... કિલ અસ, રેપ અસ...' ૧૫મી જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ફાનેક રંગીન નહોતું પણ સફેદ હતું,
જેના પર લાલ શબ્દોમાં એ
આક્રોશ ચીતરાયો હતો. આ બારેય માતા ૩૨ વર્ષીય મનોરમા નામની યુવતીની હત્યાથી છિન્નભિન્ન
થઇ ગઇ હતી. શું થયું હતું, મનોરમા સાથે?
૧૦મી જુલાઈ, ૨૦૦૪ના રોજ ભારતીય સેનાના આસામ રાઇફલ્સ યુનિટના જવાનો મનોરમાને તેના ઇમ્ફાલના
ઘરેથી પૂછપરછ માટે લઇ ગયા. મણિપુરમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા)
હેઠળ ભારતીય સેનાને કારણ આપ્યા વિના કોઈ પણ વ્યક્તિની વૉરંટ વિના ધરપકડ કરવાનો,
પૂછપરછ કરવાનો અને ગોળી
મારવાનો અધિકાર અપાયો છે. મનોરમાને પણ લઇ ગયા અને બીજા દિવસે,
૧૧મી જુલાઈ,
૨૦૦૪ના રોજ તેનો
ચીંથરેહાલ મૃતદેહ મળ્યો. મનોરમાના જનનાંગોમાં ૧૬ ગોળી મરાઈ હતી અને તેના શરીરના
અનેક ભાગ પર છરાના ઊંડા ઘા હતા. શબપરીક્ષણમાં માલુમ પડ્યું હતું કે,
આ જઘન્ય હત્યા પહેલાં
તેના પર અનેકવાર બળાત્કાર ગુજારાયો હતો.
આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર સામે વિરોધ કરતી મણિપુરી મહિલાઓ, મનોરમા અને આફસ્પા હટાવવા ૧૬ વર્ષ ઉપવાસ કરીને અહિંસક આંદોલન ચલાવનારા ઇરોમ શર્મિલા |
કોઈ પણ સ્ત્રી માટે જાહેરમાં સંપૂર્ણ નગ્ન થવું કેટલું કપરું હોય છે એ સમજી
શકાય છે, પરંતુ મનોરમાનો ચીંથરેહાલ મૃતદેહ જોઈને ઇમા કિથિલમાં કામ કરતી ૧૨ માતા માટે નગ્ન થવું
સહેલું થઇ ગયું. આ સ્ત્રીઓએ આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર કાંગ્લા ફોર્ટ સામે
પહોંચીને બધા જ કપડાં ઉતાર્યા. એ દિવસે જવાંમર્દો હતપ્રત થઇ ગયા અને બંદૂકો કલાકો
સુધી ચૂપ થઇ ગઇ. આ અનોખા વિરોધની તસવીરોના ભારત સહિત દુનિયાભરમાં જબરદસ્ત
પ્રત્યાઘાત પડયા, પરંતુ થોડા જ સમયમાં બારેય માતાઓની ધરપકડ થઇ અને ત્રણ મહિના માટે જેલમાં ધકેલી
દેવાઇ. એ પછી મણિપુરમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો અને આસામ રાઇફલ્સે કાંગ્લા ફોર્ટ
ખાલી કરવો પડ્યો. ઇમ્ફાલ ખીણના સાત વિસ્તારમાંથી આફસ્પા હટાવાયો,
પરંતુ આજેય આ અન્યાયી
કાયદો મણિપુરમાં લાગુ છે. આ જ કાયદો હટાવવા મણિપુરના ઇરોમ શર્મિલાએ સતત ૧૬ વર્ષ
ઉપવાસ કર્યા હતા.
જોકે, આજેય નથી આ કાયદો હટ્યો કે નથી મનોરમાના હત્યારા પકડાયા.
આપણે બસ એટલું જ કહી શકીએ. ઇમા કિથિલ અમર રહો.
***
કેટલીક જરૂરી નોંધઃ-
- આફસ્પા હટાવવા ઇરોમ શર્મિલાએ પાંચમી નવેમ્બર, ૨૦૦૦ના રોજ ઉપવાસ શરૂ કર્યા. આ દરમિયાન તેમની અનેકવાર ધરપકડ થઇ, નાકમાં ટોટીઓ નાંખી પેટમાં પરાણે ખોરાક નંખાયો, પરંતુ તેમની ભૂખ હડતાળ ચાલુ રહી. છેવટે ૨૬મી જુલાઈ, ૨૦૧૬ના રોજ શર્મિલાએ ભૂખ હડતાળને આટોપી. જોકે, આફસ્પા ના હટ્યો.
- ઓક્ટોબર ૨૦૧૬માં શર્મિલાએ રાજકીય પક્ષ સ્થાપ્યો, પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ એલાયન્સ. ૨૦૧૭માં થોબુલમાંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોલી સિંઘ સામે ચૂંટણીમાં ઊભા રહ્યા. એ ચૂંટણીમાં ઇબોબી સિંઘના ૧૮,૬૪૯ સામે શર્મિલાને ફક્ત નેવું (૯૦) મત મળ્યા.
- મણિપુરની પ્રજા માટે વિશ્વની સૌથી લાંબી ભૂખ હડતાળ કરનારા ‘આયર્ન લેડી’ને મણિપુરની જ પ્રજાએ ફગાવી દીધા. કેમ? આફસ્પા હટાવવાની એ અહિંસક લડતમાં મણિપુરીઓને વિશ્વાસ નહોતો રહ્યો? કાશ એવું ના હોય!
- દેશપ્રેમનો અર્થ લશ્કર અને ‘ભારત માતા કી જય’ની નારેબાજીથી ઘણો વધારે છે. સેનાના જવાનો દેશની રક્ષા કરે છે એટલે તેમને ગુનાખોરી કરવાનો હક નથી મળતો. દેશના બીજા વિભાગોની જેમ સેનામાં પણ ભ્રષ્ટાચાર અને બીજા દુષણો છે જ. દેશના કાયદા-કાનૂન બધાને સમાન રીતે લાગુ પડે છે. આવી સીધી સાદી વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ હોવું જરૂરી નથી. અને હા, મણિપુરના લોકો પણ ભારતીયો જ છે.
- મણિપુરની ૧૨ મહિલા મનોરમા માટે નગ્ન થઈને વિરોધ કરવા તૈયાર થઇ ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હશે? અત્યારે આ મહિલાઓ શું કરી રહી છે? એ ઘટનાને આજે એ મહિલાઓ કેવી રીતે જોઈ રહી? આશરે ૬૦ વર્ષની આસપાસની આ મહિલાઓને જોઈને એક યુવાન સ્ત્રી પણ નગ્ન થઇને વિરોધ કરવા તૈયાર થઇ ગઇ હતી. આ વાત કોઈ સ્ત્રીએ ઘરે નહોતી જણાવી. એ ખૂબ જ હિંમતપૂર્વકનો નિર્ણય હશે, એ પણ આપણે કલ્પના કરી શકીએ છીએ. એ દિવસે મણિપુરની અમુક રૂઢિચુસ્ત સ્ત્રીઓ તેમના પતિને પગે લાગીને પણ આવી હતી.
- આ સામાન્ય મહિલાઓની અસામાન્ય હિંમત વિશે રજેરજની વિગત જાણવી હોય તો એવોર્ડ વિનિંગ મહિલા પત્રકાર ટેરેસા રહેમાનનું પુસ્તક ‘ધ મધર્સ ઓફ મણિપુરઃ ટ્વેલ્વ વિમેન હુ મેડ હિસ્ટરી’ મસ્ટ રીડ છે.
- આ સામાન્ય મહિલાઓની અસામાન્ય હિંમત વિશે રજેરજની વિગત જાણવી હોય તો એવોર્ડ વિનિંગ મહિલા પત્રકાર ટેરેસા રહેમાનનું પુસ્તક ‘ધ મધર્સ ઓફ મણિપુરઃ ટ્વેલ્વ વિમેન હુ મેડ હિસ્ટરી’ મસ્ટ રીડ છે.
હમ્મેશની જેમ, બહુ જ સંશોધન કરીને અજાણી, ગૌરવશીલ વીરતાની વાતોને ઉજાગર કરવા માટે ધન્યવાદ.
ReplyDeleteNice Article Vishalbhai. We as a Indian did not know more about Manipur, Arunachal pradesh and other east side of India. As a Indian, as a Individual this is shameful that we didn't know or do not want to know anything about what is happening there.
ReplyDelete