નવેમ્બર ૧૯૭૮ના
દિવસોની વાત છે. ઈન્દિરા ગાંધીએ કર્ણાટક લોકસભાની ચિકમંગલુર બેઠક પરથી પેટા
ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ મરણિયા
થઇને છેલ્લો દાવ ખેલી રહ્યા હતા કારણ કે, ૧૯૭૭ની
લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરીને કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ગુમાવી
ચૂકી હતી. કોંગ્રેસની હારનું મુખ્ય કારણ હતું, ઈન્દિરા
ગાંધીએ લાદેલી કટોકટી. કટોકટીના કારણે સર્જાયેલા ઈન્દિરા ગાંધી વિરુદ્ધના જુવાળમાં
આઝાદી પછી પહેલીવાર ભારતમાં કોંગ્રેસની નહીં, પણ
ક્રાંતિકારી નેતા જયપ્રકાશ નારાયણે સ્થાપેલી જનતા પાર્ટીની સરકાર બની હતી. એ સ્થિતિમાં
કોંગ્રેસે ‘મેડમ’ને ઉત્તર ભારતમાંથી નહીં પણ દક્ષિણ ભારતની એક ‘સુરક્ષિત’ બેઠક
પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો કારણ કે, ઉત્તર ભારતમાં જનતા પાર્ટી સામે
કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો ખરાબ રીતે હાર્યા હતા. એ સુરક્ષિત બેઠક એટલે
કર્ણાટકનું ચિકમંગલુર.
દક્ષિણ ભારતના કોંગ્રેસી નેતા ડી.
બી. ચંદ્રે ગૌડાએ ખાસ ઈન્દિરા ગાંધી માટે ચિકમંગલૂર બેઠક ખાલી કરી હતી. ઈન્દિરા ગાંધી ચિકમંગલુરમાં જીતે
એવી પૂરેપૂરી શક્યતા હોવાથી જનતા પાર્ટીને એવા કરિશ્માઇ નેતાની જરૂર હતી, જે કોંગ્રેસના સૌથી ‘મજબૂત’ ઉમેદવારને ચૂંટણીના
રણમેદાનમાં ચકનાચૂક કરી નાંખે. જનતા પાર્ટીની આ શોધ રાજકુમાર પર આવીને અટકી. જો રાજકુમાર
ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડવા તૈયાર થાય તો જનતા પાર્ટીની જીત લગભગ નક્કી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી અને જનતા પાર્ટીએ
વીરેન્દ્ર પાટિલને ચૂંટણીમાં
ઊભા રાખવા પડ્યા. કહેવાની જરૂર નથી કે, એ ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી જીતી ગયા.
કોણ હતા રાજકુમાર?
અને તેમણે કેમ ચૂંટણી લડવાની કેમ ના પાડી હતી?
***
રાજકુમાર એટલે કન્નડ
ફિલ્મ સ્ટાર સિંગાનાલ્લુરુ પુટ્ટાસ્વામયા મુથુરાજુ. વિશાળ ચાહક વર્ગ ધરાવતા
રાજકુમાર કોઈ સામાન્ય સુપરસ્ટાર ન હતા. કર્ણાટકની પ્રજા તેમને પૂજતી હતી.
રાજકુમારની ફિલ્મોની રિલીઝ વખતે કર્ણાટકમાં ઉત્સવનો માહોલ સર્જાતો. તેમના જન્મ
દિવસની આખા કર્ણાટકમાં ઉજવણીઓ થતી અને કરોડો ચાહકો તેમના દર્શન કરીને ધન્યતા
અનુભવતા. કન્નડો માટે તેઓ સાક્ષાત દેવ હતા. રાજકુમાર ફક્ત ઠાલી લોકપ્રિયતા ધરાવતા
અભિનેતા ન હતા, પરંતુ ભારતીય સિનેમાના
ઉત્તમોતમ અભિનેતાઓમાં પણ તેમનું નામ અચૂક મૂકાય છે. ભારતીય સિનેમામાં પ્રદાન બદલ
૧૯૮૩માં પદ્મભૂષણ અને ૧૯૯૫માં દાદાસાહેબ ફાળકે સન્માન મેળવી ચૂકેલા રાજકુમાર
ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડીને ફિલ્મોની જેમ રાજકીય ઈતિહાસમાં પણ અમર થઇ શકે એમ
હતા.
રાજકુમાર |
જોકે,
એવું ના થયું. આખા દેશના આશ્ચર્ય વચ્ચે તેમણે કોઈ જ કારણ આપ્યા વિના
ચૂંટણી લડવાની ના પાડી દીધી. એ પછી રાજકુમારે અનેક ફિલ્મોમાં કામ કર્યું અને
ઈન્ટરવ્યૂ પણ આપ્યા, પરંતુ જનતા પાર્ટીની અનેક વિનંતીઓ પછીયે
ઈન્દિરા સામે ચૂંટણી નહીં લડવાના નિર્ણય વિશે તેમણે ક્યારેય ફોડ ના પાડ્યો. આ રહસ્ય આશરે ૪૦
વર્ષ સુધી અકબંધ રહ્યું. હાલમાં જ ૨૩મી એપ્રિલે રાજકુમારની ૯૦મી જન્મજયંતિની ઉજવણી
થઈ ત્યારે તેમના પુત્ર રાઘવેન્દ્ર રાજકુમારે આ હકીકત વિશે ઘટસ્ફોટ કર્યો. વર્ષ
૨૦૦૫માં રાજકુમાર ઢીંચણના ઓપરેશન માટે ચેન્નાઇની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ
વખતે રાજકુમારે પુત્ર રાઘવેન્દ્રને બોલાવીને ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી નહીં
લડવાનું તેમજ ફૂલ ટાઈમ રાજકારણમાં નહીં ઝંપલાવવાના કારણો જણાવ્યા હતા.
આ કારણો અત્યારના
રાજકારણીઓ અને ફિલ્મ સ્ટારો માટે ખાસ પ્રેરણાદાયી છે. રાજકુમારનું ઈન્દિરા ગાંધી
સામે ચૂંટણી નહીં લડવાનું કારણ એ હતું કે, જનતા
પાર્ટી ફક્ત ઈન્દિરા ગાંધીને હરાવવા માટે તેમનો ‘ઉપયોગ’ કરવા માંગતી હતી. એ વાત
રાજકુમારને ખટકતી હતી. રાજકુમાર માનતા કે, રાજકારણમાં
કોઈ 'પોઝિટિવ ચેન્જ' માટે તેમને ચૂંટણી
લડવાનું કહ્યું હોત તો વાત અલગ હતી, પરંતુ 'કોઈને પાડી દેવા' રાજકારણીઓ તેમનો શસ્ત્ર તરીકે
ઉપયોગ કરવા માંગતા હતા. આ દરમિયાન રાજકુમારે પુત્ર રાઘવેન્દ્રને બીજી પણ એક વાત
કહી હતી કે, 'મને ગોકક આંદોલન ભાગ લેવા અનેક લોકોએ અપીલ કરી
હતી. તેમાં મેં ઉત્સાહભેર ભાગ લીધો કારણ કે, ત્યાં મારી જરૂર હતી. એ ચળવળમાં ભાગ લઈને
હું કંઇક હકારાત્મક પ્રદાન આપી શકતો હતો.'
રાજકુમાર અમિતાભ બચ્ચન અને નીચે (ડાબે) રાજકપૂર સાથે |
કર્ણાટક સરકારની
સ્કૂલોમાં કન્નડ ભાષા ફરજિયાત શીખવાડાય એ માટે ગોકક આંદોલન થયું હતું. વર્ષ
૧૯૫૬માં અસ્તિત્વમાં આવ્યા પછી કર્ણાટકે 'ત્રિ
ભાષા' થિયરી અપનાવી હતી, જેના કારણે
કન્નડ વિદ્યાર્થીઓ સ્કૂલોમાં
હિન્દી, અંગ્રેજી
અને સંસ્કૃત શીખતા હતા પણ સ્કૂલિંગ પૂરું થઈ જાય ત્યાં સુધી કન્નડ ભાષા શીખવાનું
નસીબ નહોતું થતું. આ દરમિયાન કન્નડ અને અંગ્રેજી સાહિત્યના વિદ્વાન વિનાયક
ક્રિશ્ના ગોકકની આગેવાનીમાં બનેલી સમિતિએ સૂચન કર્યું કે,
રાજ્ય સરકારની તમામ સ્કૂલોમાં કન્નડ ભાષા ફરજિયાત ભણાવવી જ જોઈએ.
વિનાયક ક્રિશ્ના ગોકક એટલે ૨૦મી સદીના સૌથી મોટા મહાકાવ્ય 'ભારત
સિંધુ રશ્મિ' બદલ ૧૯૯૦માં પાંચમા જ્ઞાનપીઠ પુરસ્કારથી
સન્માનિત સાહિત્યકાર. વર્ષ ૧૯૬૧માં તેમને પદ્મશ્રી સન્માન પણ મળ્યું હતું. આમ,
ગોકક પણ કર્ણાટકના પ્રાદેશિક અભિમાનનું મહત્ત્વનું પરિબળ હતા,
જેથી તેમણે કન્નડ ભાષા વિશે કરેલા સૂચનની ધારી અસર થઇ અને
કર્ણાટકમાં કન્નડ ભાષાની તરફેણમાં જોરદાર આંદોલન થયું, જે 'ગોકક આંદોલન' તરીકે ઓળખાયું.
એ આંદોલનની જવાબદારી રાજકુમારે લીધી હતી,
અને, કર્ણાટક સરકારે સ્કૂલોમાં ફરજિયાત કન્નડ
ભાષા દાખલ કરવી પડી હતી. રાજકુમાર અસલી હીરો નહીં પણ સુપરહીરો હતા. જાન્યુઆરી
૧૯૮૦માં ઈન્દિરા ગાંધીનો ફરી એકવાર રાજકીય ઉદય થયો. આ દરમિયાન જનતા પાર્ટી અને
કર્ણાટકના સ્થાનિક પક્ષોના નેતાઓ રાજકુમારને રાજકારણમાં ઝંપલાવવા ઘણાં વર્ષો સુધી
ભારે દબાણ કરતા રહ્યા. કર્ણાટકના પાડોશી રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ફિલ્મ
સ્ટારોએ ભારતીય રાજકારણમાં ઝંપલાવીને 'હીરોપંથી' શરૂ કરી દીધી હતી. સાઠના
દાયકામાં તમિલનાડુમાં 'એમજીઆર' તરીકે જાણીતા ફિલ્મ સ્ટાર એમ. જી. રામચંદ્રનનો સૂરજ સોળે કળાએ તપતો હતો.
એમજીઆર ૧૯૫૩ સુધી કોંગ્રેસના સભ્ય હતા અને ફક્ત ખાદી પહેરતા. એ પછી તેઓ સી.એન. અન્નાદુરાઇની પ્રેરણાથી
દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)માં જોડાઇને દ્રવિડિયન રાષ્ટ્રવાદી નેતા તરીકે
ઉભર્યા.
રાજકુમાર ધર્મેન્દ્ર અને ફિલ્ડમાર્શલ કે.એમ. કરિઅપ્પા સાથે |
એવી જ રીતે,
એન.ટી. રામારાવે ૨૪મી માર્ચ, ૧૯૮૨ના રોજ
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ની સ્થાપના કરીને રાજકારણમાં કાઠું કાઢ્યું. રાજકુમાર
પણ કન્નડોના નેતા બનીને મુખ્યમંત્રી બની શકે એટલી લોકપ્રિયતા અને આર્થિક શક્તિ
ધરાવતા હતા. વળી, રાજકુમારને તો બીજા પક્ષોના રાજકારણીઓનો પણ
ટેકો હતો. વર્ષ ૧૯૫૬માં કર્ણાટક બન્યું ત્યારે સાંસ્કૃતિક રીતે તે ત્રણ ભાગમાં
વહેંચાયેલું હતું. પહેલો- હૈદરાબાદ કર્ણાટક, બીજો- મુંબઇ કર્ણાટક અને
ત્રીજો- જૂનું મૈસુર. હૈદરાબાદ પર નિઝામોએ શાસન કર્યું હોવાથી ત્યાંની સંસ્કૃતિ
અલગ હતી, જ્યારે મુંબઇ કર્ણાટક પર
મરાઠી પ્રભાવ વધારે હતો અને મૈસુર કર્ણાટકમાં મૈસુરના રાજવી પરિવારનું શાસન હતું.
કર્ણાટકનો આ હિસ્સો પહાડો અને દરિયાઇ પટ્ટીથી છવાયેલો છે.
રાજકુમાર આ ત્રણેય
કર્ણાટકમાં વસતી પ્રજા પર એકસરખો જાદુ ધરાવતા હતા. ત્રણેય પ્રદેશોમાં વસતા
કન્નડોમાં તેઓ અપ્પાજી (પિતા), અન્નાવરુ
(મોટા ભાઇ), નટા સાર્વભૌમા (અભિનેતાઓનો રાજા), બંગરડા મનુષ્ય (સોનાનો માણસ), વરા નટા (ઇશ્વરીય દેન
ધરાવતો અભિનેતા) અને રાજાન્ના (ભાઈ રાજકુમાર) જેવા હુલામણા નામે ઓળખાતા. આમ છતાં,
રાજકુમાર રાજકારણથી દૂર રહ્યા, અને, આ માટે તેમણે આપેલા કારણો ચોંકાવનારા છે. આ વિશે રાઘવેન્દ્ર કહે છે કે,
'મારા પિતા માનતા કે, રાજકારણી બનવા તેમના
પાસે પૂરતું શિક્ષણ ન હતું. તેમણે બીજું પણ એક કારણ આપ્યું હતું. તેઓ કહેતા કે,
એક લોકપ્રિય અભિનેતા તરીકે હું જવાબદાર રહેવા ઇચ્છું છું. ફક્ત
રાજકીય લાભ ખાટવા હું મારા ચાહકોને મારી સાથે જોડી ના શકું...'
દક્ષિણ ભારતની રાજનીતિના બે દિગ્ગજ અભિ‘નેતા’ એન.ટી. રામારાવ અને એમ.જી. રામચંદ્રન |
રાજકુમારની આ વાત
હંમેશા પ્રસ્તુત રહેશે. આજકાલ ફિલ્મ સ્ટાર તો ઠીક, ધર્મગુરુઓ,
બાપુઓ, બાબાઓ અને યોગીઓ પણ તેમના ઘેંટા જેવા કંઠીબાજ ચેલાઓની રાજકીય
ઉશ્કેરણી કરતા ખચકાતા નથી, ત્યારે
રાજકુમારની વાત વધુ પડતી નૈતિક લાગી શકે. રાજકુમાર દૃઢપણે માનતા કે, ઈશ્વરે મને ફક્ત ફિલ્મોમાં અભિનય કરવા માટે બનાવ્યો છે અને એ જ મારા
જીવનનું મુખ્ય લક્ષ્ય છે. એંશીના દાયકામાં રાજકુમાર પરિવાર સાથે ચેન્નાઇમાં એક
ભવ્ય બંગલૉમાં રહેતા હતા. રાજકુમારને રાજકીય મેદાનમાં ખેંચી લાવવા ત્યાં પણ મોટા
નેતાઓની અવરજવર શરૂ
થઈ ગઈ હતી. એ વખતે રાજકુમાર તેમના પત્ની પાર્વથામ્મા સાથે તમિલનાડુ જતા રહ્યા હતા
કારણ કે, તેઓ ફિલ્મ અને અભિનય પર ધ્યાન
કેન્દ્રિત કરવા માંગતા હોવાથી ફક્ત ફિલ્મી હસ્તીઓને મળવા માંગતા હતા. પાછલી
જિંદગીમાં પણ રાજકુમાર તમિલનાડુના ઇરોડ જિલ્લામાં ગજનુરમાં આવેલા તેમના ભવ્ય ફાર્મ
હાઉસમાં રહેવા જતા રહ્યા હતા.
૩૦મી જુલાઈ,
૨૦૦૦ના રોજ ચંદન ચોર વીરપ્પને એ જ ઘરમાંથી રાજકુમાર, તેમના જમાઇ ગોવિંદરાજુ અને અન્ય બેનું અપહરણ કર્યું હતું. વીરપ્પનની
તમિલનાડુ સરકાર સમક્ષ માંગ હતી કે, તેની ગેંગના સભ્યોને તાત્કાલિક
મુક્ત કરાશે તો
જ તેઓ રાજકુમારને છોડશે. આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા અને તમિલનાડુ તો ઠીક,
કર્ણાટક સરકાર પણ ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગઇ. રાજકુમારના અપહરણની
સુપ્રીમ કોર્ટે પણ અત્યંત ગંભીર નોંધ લીધી અને કહ્યું કે, તમિલનાડુ
સરકારે 'માફ ના કરી શકાય એવી' ભૂલ કરી
છે કારણ કે, સરકારને એક વર્ષ પહેલાં જ ગુપ્ત માહિતી મળી ગઇ
હતી કે, વીરપ્પન રાજકુમારનું અપહરણ કરી શકે છે. જોકે,
સરકારે પણ રાજકુમારને આ વાત જણાવીને ફાર્મહાઉસમાં નહીં રહેવાની
ચેતવણી આપી હતી, પરંતુ રાજકુમારે આ વાત ગંભીરતાથી ના લીધી.
ત્યાર પછી તમિલનાડુ સરકારે વીરપ્પનને ઝડપી લેવા રાજ્ય પોલીસ વડાની આગેવાનીમાં
સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી, પરંતુ વીરપ્પન હાથમાં ના
આવ્યો. છેવટે ૧૦૮ દિવસ બાદ, ૧૫મી નવેમ્બર ૨૦૦૦ના રોજ,
વીરપ્પને રાજકુમારને
સહી-સલામત મુક્ત કરી
દીધા. જોકે,
વીરપ્પન જેવા ઘાતકી ગુનેગારે રાજકુમારને છોડી કેમ દીધા એ આજે પણ એક
રહસ્ય છે.
વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું ત્યારે પ્રસિદ્ધ થયેલી કેટલીક તસવીર |
આજેય રાજકીય
વિશ્લેષકો દૃઢપણે માને છે કે, રાજકુમાર
ચિકમંગલુર બેઠક પરથી ચૂંટણી ના લડ્યા એટલે ઈન્દિરા ગાંધી જીતી ગયા. જો
રાજકુમાર ચૂંટણી લડ્યા હોત
તો ઇન્દિરા ગાંધીનો રાજકીય વનવાસ વહેલો શરૂ થઇ ગયો હોત, પરંતુ શું તેમની હત્યા પણ ના થઇ હોત?
જોકે,
ઈતિહાસમાં 'જો અને તો'ના ક્યારેય
જવાબ નથી મળતા!
Very important information. Politicians and so called intellectual turned pathetic actors of current era should learn how to leave public life and acting frm Rajkumar.
ReplyDeleteYes. Thanks :)
DeleteIf I don't forget ,Sushma Swaraj had fought against Indira Gandhi.
ReplyDeleteNo never.
Deleteઆ વાતની ખબર આજે જ પડી. આવા એક્ટરો પણ હોય છે. રાજકુમારને સો સલામ અને વંદન.
ReplyDelete:) Keep WORTH Reading, Keep Sharing.
Deleteઆવી વ્યક્તિઓ હવે મળે? અત્યારે તો લાલો લાભ વગર ના લોટે!
ReplyDeleteબહુ ઓછી. તમાકુની એડ કરતા ખચકાતા નથી ને આપણા સો કોલ્ડ હીરો...
Deleteયાદગાર ચિકમંગલૂર !
ReplyDeleteધન્ય રાજકુમાર...!!
જો અને તો માટે અમારા સ્નેહી કહેતા...જો ફોઈને મુછ હોત તો ?
કાકો કહેત
:))))))))
Delete