25 May, 2013

સ્તન કેન્સરઃ મેસ્ટેક્ટોમી કેટલી જરૂરી?


એન્જેલિના જોલીએ સ્તન કેન્સરનું જોખમ ઘટાડવા માટે બંને સ્તન કઢાવી દીધા પછી ‘સ્તન કેન્સરની જાગૃતિ’ વિશે ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. મેડિકલની ભાષામાં આ સર્જરી મેસ્ટેક્ટોમી તરીકે ઓળખાય છે. એક હોલિવૂડ સ્ટાર અભિનેત્રી ડબલ મેસ્ટેક્ટોમી કરાવે ત્યારે બ્રેડ પિટથી લઈને બ્રેસ્ટ કેન્સરની ચર્ચા થવી સ્વાભાવિક છે. (કેટલાકને આમાં પણ વિદેશી કંપનીઓનું કાવતરું અને પબ્લિસિટી સ્ટંટની બૂ આવે છે) જોકે, પશ્ચિમી મીડિયાએ જોલીના નિર્ણયને હિંમતભર્યોગણાવ્યો છે. પરંતુ સ્ત્રીઓ ગભરાઈ જાય એ હદે આવેલા સ્તન કેન્સરના સમાચારોની ભરમાર વચ્ચે પણ અનેક સવાલો ફક્ત સવાલો જ રહી ગયા છે. સ્તન કેન્સરના દર્દીઓની સંખ્યા દુનિયાભરમાં ખૂબ ઝડપથી વધી રહી છે અને ભારત પણ તેમાં પાછળ નથી. આ સંજોગોમાં આપણે સ્તન કેન્સર અંગે થયેલા અધિકૃત સંશોધનોની મદદથી સ્તન કેન્સર, તેના વારસાગત જોખમો અને જિનેટિક ટેસ્ટિંગને લગતા મહત્ત્વના પ્રશ્નો સમજવાનો પ્રયાસ કરીશું.

કેન્સર માટે જવાબદાર જનીનો

સ્તન કેન્સરની સંભાવના ધરાવતી દરેક સ્ત્રીએ સ્તન કઢાવી નાંખવા જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ હા કે ના એટલો સીધોસાદો ના હોઈ શકે. સ્તન કેન્સર માટે બીઆરસીએ નામના જનીનો જવાબદાર હોય છે. એન્જેલિના જોલીના માતા માર્શલીન બટ્રાન્ડ એક દાયકા સુધી અંડાશયના કેન્સર સામે લડીને 56 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. માર્શલીનના બીઆરસીએ-1 નામના જનીનોમાં ખામી સર્જાઈ હતી અને આ જનીનો જોલીને વારસામાં મળ્યા હતા. આટલા વર્ષો સુધી જોલીને આ જનીનોથી ખતરો ન હતો, પરંતુ જોલીએ સ્તન કેન્સરની સંભાવના જાણવા માટે જિનેટિક ટેસ્ટિંગ કરાવતા માલુમ પડ્યું હતું કે, વારસામાં મળેલા ખામીયુક્ત જનીનોના કારણે તેની સ્તન કેન્સર થવાની સંભાવના 86 ટકા થઈ ગઈ છે. પરિણામે જોલીએ બંને ડબલ (બંને સ્તન) મેસ્ટેક્ટોમી કરાવવાનો અઘરો નિર્ણય લેવો પડ્યો હતો.

એન્જેલિના જોલી

કોઈ પણ સ્તનધારી જીવમાં બીઆરસીએ-1 અને બીઆરસીએ-2 (BRCA-1, BRCA-2) નામના જનીનો હોય છે. આ બંને જનીનો ખાસ પ્રકારનું પ્રોટીન પેદા કરીને ડીએનએનનું સમારકામ કરે છે. એટલે કે, આ જનીનોને નુકસાન પહોંચે ત્યારે ડીએનએનું સમારકામ ખોરંભે પડે છે અને કેન્સરનું જોખમ વધી જાય છે. સ્તરધારી સજીવમાં આ બંનેમાંથી એક પણ જનીનમાં ખામી સર્જાય ત્યારે સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે. જે સ્ત્રીના બીઆરસીએ જનીનમાં ખામી સર્જાઈ હોય તેને સામાન્ય સ્ત્રી કરતા સ્તન કેન્સર થવાની સંભાવના 60થી 80 ટકા વધારે હોય છે. આ ઉપરાંત તેમને અંડાશયનું કેન્સર થવાની શક્યતા પણ વધારે હોય છે. પરંતુ મેસ્ટેક્ટોમી કરાવ્યા પછી આ બંને કેન્સર થવાની સંભાવના 90થી 95 ટકા ઘટી જાય છે. જોકે, આ સર્જરી પછી પણ કેન્સર થઈ શકે છે. કારણ કે, ઓપરેશન વખતે તમામ કોષોનો નાશ કરવામાં સફળતા ના મળે એવું પણ બને, અને આ કેન્સરગ્રસ્ત કોષો બીજી વાર કેન્સરને જન્મ આપી શકે છે.

સ્તનધારી જીવોના બીઆરસીએ જનીનોમાં ખામી સર્જાવાની શક્યતા ઘણી ઓછી હોય છે. અમેરિકાના કુલ સ્તન કેન્સર દર્દીઓમાંથી ફક્ત પાંચથી દસ ટકા સ્ત્રીઓમાં જ જનીનિક ખામી હોય છે, જ્યારે બાકીના દર્દીઓને આ રોગ વારસામાં મળ્યો હોય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં સ્તન કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. એનો અર્થ એ છે કે, આ રોગ મોટા પાયે વારસામાં આવી રહ્યો છે. ભારતમાં પણ વીસથી 30 વર્ષની ચાર ટકા, 30થી 40 વર્ષની 16 ટકા, 40થી 50 વર્ષની 28 ટકા સ્ત્રીઓ સ્તન કેન્સરથી પીડાઈ રહી છે. કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ડિસિઝ ઈન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામપણ ભારતમાં સ્તન કેન્સરના દર્દીઓમાં વધારો થયાનું સ્વીકારે છે. ભારતમાં સ્તન કેન્સરથી પીડાતી પચાસ ટકા સ્ત્રીઓની ઉંમર પચાસ વર્ષથી ઓછી છે. બીજી તરફ, આ બિમારી નાની વયની છોકરીઓમાં પણ વધી રહી છે જે ખરેખર ચિંતાજનક છે.

વિશ્વભરના વિજ્ઞાનીઓએ આટલા વર્ષોમાં વિવિધ માનવસમાજોની જનીનિક પેટર્નનો અભ્યાસ કરતા માલુમ પડ્યું છે કે, અમુક સમાજમાં વારસાગત કે જનીનોના કારણે થતી બિમારી વધુ હોય છે. પશ્ચિમી દેશોમાં આ દિશામાં પણ ઊંડા સંશોધનો થયા છે અને થઈ રહ્યા છે. જેમ કે, વર્ષ 2012માં યુરોપમાં જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ, પૂર્વ અને મધ્ય યુરોપની યહુદી કુળની મહિલાઓના બીઆરસીએ-1 અને બીઆરસીએ-2 જનીનોમાં ખામી સર્જાવાની સંભાવના 2.5 ટકા હોવાનુ જાહેર કર્યું હતું. એટલું જ નહીં, આવા ખામીયુક્ત જનીનો ધરાવતી પચાસ ટકા સ્ત્રીઓ સાથે લોહીનો સંબંધ ધરાવતા અડધા સગાસંબંધીઓમાં પણ આ ખામીયુક્ત જનીનો હોય છે. 

ડૉ. શિચા કુમાર
.
સ્તન કેન્સર માટે આ સિવાય પણ કેટલાક જનીનો જવાબદાર છે. બીઆરસીએ પછી કેન્સર માટે સૌથી વધુ જવાબદાર જનીનોમાં ટીપી53 (TP53) અને પીટીઈએન (PTEN) છે, પરંતુ આ જનીનોના કારણે ભાગ્યે જ કેન્સર થાય છે અને આ દિશામાં હજુ કેટલાક સંશોધનો થઈ રહ્યા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી રોસવેલ પાર્ક કેન્સર ઈન્સ્ટિટ્યૂટે સ્તન કેન્સર માટે વ્યાપક સંશોધનો કર્યા છે. આ ઈન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર શિચા કુમાર કહે કે, “છેલ્લાં એક દસકામાં જનીનોના કારણે થતી બિમારીઓ સમજવામાં આપણે ઘણાં આગળ નીકળ્યા છીએ, પરંતુ હજુ મંજિલ ઘણી દૂર છે.”

સ્તન કેન્સરની વધુ પડતી જાગૃતિ

સ્તન કેન્સરનો ભય રાખીને દરેક સ્ત્રીએ જિનેટિક ટેસ્ટિંગ કરાવવું બિલકુલ જરૂરી નથી. અમેરિકા અને યુરોપના દેશોમાં પણ જિનેટિક ટેસ્ટિંગ અત્યંત ખર્ચાળ છે. અમેરિકામાં જિનેટિક ટેસ્ટિંગનો ખર્ચ ત્રણ હજાર ડૉલર જેટલો થાય છે. તાજેતરમાં જ બીઆરસીએ જનીનોના ટેસ્ટમાં ઈજારો ધરાવતી અમેરિકાની ‘માયરિઆડ જિનેટિક્સ’ નામની કંપનીનો વિવાદ થયો હતો. આ કંપનીના બીઆરસીએ જનીનોની પેટન્ટ કરાવવાના અધિકારને અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પડકારાયો છે. જોલીના ઓપરેશન પછી આ કંપનીના શેરના ભાવ ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. યાદ રાખો કે, બીઆરસીએ જનીનોમાં સર્જાતી દરેક ખામી કેન્સરમાં નથી પરિણમતી. માનવ શરીરના અનેક જનીનોમાં વારંવાર ખામી સર્જાતી જ હોય છે, પણ તેનાથી કોઈ રોગ કે મુશ્કેલી થાય એ જરૂરી નથી.

એવી જ રીતે, જનીનિક ખામી સર્જાયા પછી દરેકે મેસ્ટેક્ટોમી કરાવવી પણ જરૂરી નથી. દર્દીને કેન્સર થવાની સંભાવના હોય એ મુજબ સારવાર અપાય છે. બીઆરસીએમાં ખામી સર્જાયાનું નિદાન થયા પછી સ્તન કેન્સર થવાની સંભાવનાના આધારે સારવાર કરાય છે. જો કેન્સર થવાની સંભાવના ઓછી હોય તો સમયાંતરે મેમોગ્રાફી કરાવવાનો અને સાથે દવાઓ લેવાનો વિકલ્પ પણ છે. આવા દર્દીઓને ટેમોક્સિફેન અને હરસેપ્ટિન નામની દવાઓ અપાય છે, જે સ્તન કેન્સરનું જોખમ પચાસ ટકા જેટલું ઘટાડવામાં મદદ કરે છે. કેટલાક પ્રયોગો પછી એ વાત સ્વીકારાઈ છે કે, મેસ્ટેક્ટોમી સંપૂર્ણ સફળ સારવાર નથી. આ સારવાર જોખમી અને પીડાદાયક છે. આ ઓપરેશનથી ઈન્ફેક્શન થઈ શકે છે અને ક્યારેક ચામડીની સંવેદનશીલતા પર પણ વિપરિત અસર પડે છે.

ડૉ. ટોડ ટટલ

આમ છતાં અમેરિકા સહિતના દેશોમાં મેસ્ટેક્ટોમી કરાવનારી સ્ત્રીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પાછળ કેટલાક લોકો ‘સ્તન કેન્સરનો વધુ પડતા ભય’ને જવાબદાર માને છે. અમેરિકામાં આ મુદ્દે જાહેર ચર્ચાઓ થઈ ચૂકી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોટાના ચિફ ઓફ સર્જિકલ ઓન્કોલોજી ટોડ ટટલ જાહેરમાં કહે છે કે, “અત્યારે સ્ત્રીઓ સ્તન કેન્સરનો વધુ પડતો ભય રાખે છે.” ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “મેસ્ટેક્ટોમીમાં થઈ રહેલા વધારાને તમે વિજ્ઞાનીઓની જિનેટિક્સની સમજમાં વધારો કે અત્યાધુનિક સારવાર સાથે જોડી શકો છો. પરંતુ આ બધું યુરોપમાં પણ છે અને ત્યાં મેસ્ટેક્ટોમીનો ક્રેઝ નથી. અમેરિકામાં સ્તન કેન્સરને લઈને જાગૃતિ છે, પરંતુ હું તેને ‘સ્તન કેન્સરની વધુ પડતી જાગૃતિ’ કહું છું... સ્ત્રીઓ ભયભીત છે...”

અમેરિકાના યુનિવર્સિટી ઓફ મિશિગન કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરના એક સર્વેક્ષણ મુજબ, ડબલ મેસ્ટેક્ટોમી કરાવનારી 90 ટકા સ્ત્રીઓના ફક્ત એક જ સ્તનમાં કેન્સરનું જોખમ હતું, પરંતુ ભયભીત થઈને તે બીજા સ્તનની સર્જરી પણ કરાવતી હતી. આ સ્ત્રીઓમાંથી 70 ટકા તો એવી હતી જેમને બીજા સ્તનમાં કેન્સર થવાનું જોખમ નહીંવત હતું. ખરેખર એક સ્તનના કારણે બીજા સ્તનમાં કેન્સર થવાની સંભાવનામાં દર વર્ષે ફક્ત 0.7થી એક ટકો જેટલો જ વધારો થાય છે, જેથી સાઈઠ-સિત્તેર વર્ષના આયુષ્યમાં તેમાં જીવલેણ વધારો થઈ શકતો જ નથી.   

સ્તન કેન્સર અંગે થયેલા તાજા સંશોધનોમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જે સ્ત્રીઓના લોહીના સગાઈ ધરાવતા સગાસંબંધીને સ્તન કે અંડાશયનું કેન્સર થયું હોય અથવા સ્તન કેન્સરને લગતા લક્ષણો દેખાતા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરીને મેમોગ્રાફી કરાવવી જોઈએ. સ્તન કેન્સર થવાની સંભાવના ખૂબ વધારે હોય ત્યારે જ મેસ્ટેક્ટોમીનો નિર્ણય લેવાય છે. કારણ કે, આ સર્જરીના શારીરિક જોખમોની સાથે મનોવૈજ્ઞાનિક જોખમો પણ છે. વર્ષ 2005માં અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ, મેસ્ટેક્ટોમી કરાવેલી અનેક સ્ત્રીઓ તેમનું ‘સ્ત્રીત્વ’ ખતમ થઈ ગયાની લાગણીનો શિકાર થઈ હતી.

સ્તન કેન્સર અટકાવતા પદાર્થો

આલ્કોહોલ, તમાકુ અને કેફિન ધરાવતા પીણા સહિતના કોઈ પણ પ્રકારના તત્ત્વોનો અતિરેક કેન્સર થવાની સંભાવના વધારે છે. એવી જ રીતે, સૂકામેવા, સાલમન (એક પ્રકારની માછલી), બ્રોકોલી, ગ્રીન ટી, મરી, હળદળ, અખરોટ, દાડમ, દરેક પ્રકારની બેરી, દળ્યા વિનાનું અનાજ અને કઠોળમાં એવા તત્ત્વો રહેલા છે જે સ્તન કેન્સર અટકાવવામાં ભરપૂર મદદ કરે છે. આ ખાદ્યપદાર્થોનો શરીરને પૂરેપૂરો લાભ મળે એ માટે આલ્કોહોલ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ પીણાં, કેન્ડી, કેક, ચિપ્સ, સોડા અને માંસ તેમજ સેચ્યુરેટેડ કે ટ્રાન્સ ફેટ ધરાવતા ખાદ્યો સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ.

1 comment: