01 July, 2015

‘મીઠી’ શેરડીની જન્મદાત્રી અને ગાંધીવાદી વિજ્ઞાની


ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને એ યુવતી મહારાષ્ટ્રના વર્ધા આશ્રમમાં આવે છે. જોકે, આશ્રમમાં આત્માને ટાઢક મળે એવું પ્રફૂલ્લિત (ફૂલ-છોડ વાવીને) વાતાવરણ સર્જવાનો કોઈએ પ્રયાસ સુદ્ધાં નહોતો કર્યો. એ તો એવી આશાએ આવી હતી કે, ગાંધીના આશ્રમમાં રહેવું એટલે ઋષિમુનિઓની જેમ અત્યંત સુંદર આશ્રમમાં રહેવાનું! આશ્રમની દીવાલો પર સુંદર ચિત્રકામ હશે! સુંદર પ્લેટમાં પારિજાતના ફૂલો સાથે સરસ રીતે મોસંબી ગોઠવાઈ હશે! આવી રોમેન્ટિકકલ્પનાઓ સાથે આવેલી એ યુવતીને મહારાષ્ટ્રના વર્ધા આશ્રમનું શુષ્કવાતાવરણ જોઈને કલ્ચરલ શૉકલાગવો સ્વાભાવિક હતો. વળી, આ યુવતીને પંડિત જવાહરલાલ નહેરુએ વ્યક્તિગત આમંત્રણ આપીને ભારત બોલાવી હતી, એટલે એ બહુ સમજી-વિચારીને ભારત આવી હતી. કોણ હતી એ યુવતી? એ વિદેશી હતી? નહેરુએ તેને ભારત કેમ બોલાવી હતી?

આ યુવતી એટલે પ્લાન્ટ અને એનિમલ ટેક્સોનોમી (જૈવિક રચનાના આધારે સજીવોને વર્ગીકૃત કરવાનું વિજ્ઞાન) ક્ષેત્રે જેના સન્માનમાં ઈકે જાનકી અમ્મલ નેશનલ એવોર્ડઅપાય છે એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિજ્ઞાની ડૉ. જાનકી અમ્મલ એડાવલથ કક્કત. આટલું લાંબુ અને અઘરું નામ ધરાવતી આ યુવતીએ કારકિર્દી માટે પણ ઘણો અઘરોવિષય પસંદ કર્યો હતો. ભારત આઝાદ થયું એ પહેલાં જ ડૉ. જાનકી અમ્મલ વર્ષ ૧૯૪૦માં લંડન જઈને બોટની જિનેટિક્સ (વનસ્પતિ જનીનવિજ્ઞાન)માં સંશોધનો કરીને નામના મેળવી ચૂક્યા હતા. આ સંશોધનો વિવિધ વનસ્પતિઓની ઉત્ક્રાંતિ સમજવામાં ઘણાં મહત્ત્વના હતા. તેમણે વર્ષ ૧૯૪૫માં જાણીતા બ્રિટિશ વનસ્પતિ વિજ્ઞાની સી.ડી. ડાર્લિંગ્ટન સાથે મળીને વનસ્પતિ વિજ્ઞાન માટે મહત્ત્વનું ધ ક્રોમોસોમ એટલાસ ઓફ કલ્ટિવેટેડ પ્લાન્ટ્સનામનું સંશોધિત પુસ્તક લખ્યું હતું. ઈથનોબોટની એટલે કે લોકો અને વનસ્પતિ વચ્ચેના ઐતિહાસિક-સાંસ્કૃતિક સંબંધને સમજવાની શાખામાં પણ તેમણે નોંધપાત્ર સંશોધન કર્યું હતું. મેગ્નોલિયા નામના ફૂલો પર પણ તેમણે ઊંડું સંશોધન કર્યું હતું. એટલું જ નહીં, મેગ્નોલિયાની એક નવી જાત પણ વિકસાવી હતી, જેને તેમના જ નામ પરથી મેગ્નોલિયા કોબુસ જાનકી અમ્મલનામ અપાયું છે. વર્ષ ૧૯૪૦થી ૧૯૪૫ સુધી ડૉ. જાનકી અમ્મલ લંડનની જ્હોન ઈન્સ હોર્ટિકલ્ચરલ ઈન્સ્ટિટયુશનમાં આસિસ્ટન્ટ સાયટોલોજિસ્ટ હતા, જ્યારે વર્ષ ૧૯૪૫થી ૧૯૫૧ સુધી તેમણે વાઈસ્લીની રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટીના સાયટોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી હતી.

નહેરુનું વ્યક્તિગત આમંત્રણ

વર્ષ ૧૯૫૧માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ડૉ. જાનકી અમ્મલને બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા (બીએસઆઈ)ની ગાડી પાટે ચઢાવવા આમંત્રિત કર્યા હતા. આ આમંત્રણ સ્વીકારીને તેમણે બીએસઆઈના ડિરેક્ટર જનરલનો હોદ્દો સંભાળ્યો હતો. દેશભરની વનસ્પતિનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ તેમાંથી આર્થિક લાભ મેળવવા, તેની વૈજ્ઞાનિક સમજ કેળવવી જરૂરી હતી. આ હેતુ સિદ્ધ કરવા છેક વર્ષ ૧૮૯૦માં બીએસઆઈની સ્થાપના કરાઈ હતી, પરંતુ ડૉ. જાનકી અમ્મલે બીએસઆઈનું કામકાજ સંભાળ્યા પછી વર્ષ ૧૯૫૪માં દેશભરની વિવિધ વનસ્પતિઓ અને તેની પેટા જાતિઓનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરીને સુવ્યવસ્થિત નોંધ કરવાની શરૂઆત થઈ. અહીં આવીને તેમણે અલ્હાબાદની સેન્ટ્રલ બોટનિકલ લેબોરેટરીના વડાં તેમજ જમ્મુની રીજનલ રિસર્ચ લેબોરેટરીમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે પણ સેવા આપી. આરોગ્યથી લઈને આર્થિક ઉપાર્જન માટે વનસ્પતિની વિવિધ જાતિઓનું મહત્ત્વ સમજીને ડૉ. જાનકી અમ્મલે લખનઉ અને જમ્મુમાં બોટનિકલ ગાર્ડન વિકસાવ્યા હતા. ટ્રોમ્બેના ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં પણ તેમણે થોડો સમય સેવા આપી હતી.

ડૉ. જાનકી અમ્મલ

નહેરુ સુધી તેમની પ્રસિદ્ધિની સુગંધ પહોંચી એ પહેલાં નોબલ વિજેતા ભૌતિક વિજ્ઞાની સી.વી. રમણે તેમને નેશનલ સાયન્સ અકાદમીના ફાઉન્ડેશન ફેલો બનાવ્યા હતા. યુનિવર્સિટી ઓફ મદ્રાસે તો સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન બોટનીના નિવૃત્ત વિજ્ઞાની તરીકે પણ તેમની સેવા લીધી હતી. ફેબ્રુઆરી ૧૯૮૪માં તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી મદ્રાસ નજીક સેન્ટર્સ ફિલ્ડ લેબોરેટરીમાં સંશોધન કરતા હતા. વર્ષ ૧૯૭૭માં ડૉ. જાનકી અમ્મલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

ગળથૂથીમાં જ મળી સંશોધનવૃત્તિ

જાનકી અમ્મલનો જન્મ ચોથી નવેમ્બર, ૧૮૯૭ના રોજ કેરળના થલ્લાસેરીમાં થયો હતો. તેમના પિતા દીવાન બહાદુર એડાવલથ કક્કત ક્રિશ્નન એ વખતની મદ્રાસ પ્રેસિડેન્સીના ન્યાયાધીશ હતા. ઈકે ક્રિશ્નનને પણ વનસ્પતિ વિજ્ઞાનમાં એટલો ઊંડો રસ હતો કે, તેઓ ઘરના બગીચાની વનસ્પતિઓની પણ વૈજ્ઞાનિક નોંધો રાખતા હતા. તેઓ તત્કાલીન વિજ્ઞાનીઓ અને વિદ્વાનો સાથે પત્રવ્યવહાર કરીને સંપર્કમાં રહેતા હતા. દીવાનજી ઘરે સાયન્સ જર્નલો મંગાવીને વિજ્ઞાન જગતના વૈશ્વિક પ્રવાહોથી પણ વાકેફ રહેતા હતા. તેઓ પણ પક્ષીઓ અને ઉત્તર મલબાર જેવા વિષય પર બે પુસ્તક લખી ચૂક્યા હતા. દીવાનજીને બે પત્ની થકી કુલ ૧૯ સંતાન હતા. તેમની બીજી પત્ની દેવી અમ્માએ ૧૩ સંતાનને જન્મ આપ્યો હતો, જેમાંનું એક સંતાન એટલે ડૉ. જાનકી અમ્મલ. આશ્ચર્યની વાત તો એ છે કે, આટલા લાઈવપરિવાર વચ્ચે પણ દીવાનજી રાજવહીવટથી લઈને લેખન, વાંચન કરતા હતા અને તમામ સંતાનોને ઉચ્ચ સંસ્કાર, શિક્ષણ આપવામાં પણ સફળ રહ્યા હતા.

એ વખતના દક્ષિણ ભારતીય સમાજમાં યુવતીઓને ફાઈન આર્ટ્સ જેવી વિદ્યાશાખામાં ઉચ્ચ શિક્ષણ લઈને વિદ્વાન પુરુષ સાથે પરણી જવાની સલાહઅપાતી હતી. દીવાનજીનો પરિવાર પણ તેમાંથી બાકાત ન હતો. જોકે, જાનકીએ થલ્લાસેરીની સ્થાનિક સ્કૂલમાં શિક્ષણ લઈને મદ્રાસની ક્વિન મેરી કોલેજમાંથી બોટનીનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. વર્ષ ૧૯૨૧માં તેમણે પ્રેસિડેન્સી કોલેજમાંથી બોટનીમાં ઓનર્સની ડિગ્રી મેળવી. અહીંના વિદ્વાન શિક્ષકોની અસર હેઠળ જ જાનકીને સાયટોજિનેટિક્સ (વનસ્પતિ કોષનું માળખું અને કાર્ય સમજાવતું વિજ્ઞાન)માં રસ પડ્યો હતો. એ પછી વર્ષ ૧૯૨૫માં જાનકી અમ્મલ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનમાં બોટનીમાં માસ્ટર્સ કરીને ભારત પરત ફર્યા. અહીં આવીને તેઓ ફરી એકવાર વિમેન્સ ક્રિશ્ચિયન કોલેજમાં શિક્ષક તરીકે જોડાયાં અને આ નોકરીની સાથે તેમનું સંશોધન કાર્ય અવિરત ચાલુ હતું. છેવટે વર્ષ ૧૯૩૧માં યુનિવર્સિટી ઓફ મિશિગમાંથી પીએચ.ડી. પૂરું કરીને તેઓ ડૉ. જાનકી અમ્મલ બન્યાં. આ ડિગ્રીના આધારે, એ જ વર્ષે તેઓ ત્રિવેન્દ્રમની મહારાજા કોલેજ ઓફ સાયન્સમાં અધ્યાપક તરીકે જોડાયાં. જોકે, વર્ષ ૧૯૩૪માં ડૉ. જાનકી અમ્મલનો સંશોધન જીવ તેમને કોઈમ્બતુરની સુગરકેન બ્રિડિંગ ઈન્સ્ટિટયુટમાં ખેંચી ગયો.

મદન મોહન માલવિયાનું દૂરંદેશીપણું

કોઈમ્બતુરના સુગરકેન બ્રિડિંગ ઈન્સ્ટિટયુટની સ્થાપના વર્ષ ૧૯૧૨માં થઈ હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક અને વિદ્વાન સ્વાતંત્ર્ય સેનાની મદન મોહન માલવિયાએ વર્ષ ૧૯૧૦માં સૂચન કર્યું હતું કે, ભારતે પોતાની શેરડીની જાત સુધારવી જોઈએ કારણ કે, ભારતમાં ઓછી મીઠાશ અને રસ ધરાવતી શેરડી થતી હોવાથી વિદેશી હુંડિયામણ ખર્ચીને પપુઆ ન્યુ ગીનીની શેરડી આયાત કરવી પડે છે. જો ભારતમાં જ શેરડીની સારી જાતો વિકસાવવામાં આવે તો શેરડીના ખેડૂતોનું ભવિષ્ય સુધરી જાય... વનસ્પતિ જનીન વિજ્ઞાનમાં મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતા ડૉ. જાનકી અમ્મલે વર્ષ ૧૯૩૪માં અહીં જોડાયા પછી શેરડી સાથે સંકળાયેલી ઘાસ અને વાંસની વિવિધ પ્રજાતિઓના જનીનોનો અભ્યાસ કરીને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શેરડીની અનેક હાઈબ્રિડ જાતો વિકસાવી હતી. આ શેરડી વધુ મીઠાશ અને રસ ધરાવતી હતી તેમજ તેનો પાક પણ વધુ લઈ શકાતો હતો. એ વાતમાં કોઈ શંકા નથી કે, ૨૧મી સદીના ભારતનો શેરડી, ખાંડ અને ગોળનો ધમધમતો વેપાર ડૉ. જાનકી અમ્મલના અથાક સંશોધનોને આભારી છે. આજે બ્રાઝિલ પછી શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ ભારત છે. આ વર્ષે પહેલો વરસાદ થયો ત્યારે દેશભરમાં સૌથી વધારે, ૪૧ લાખ હેક્ટરથી પણ વધુ જમીન પર, શેરડીની જ વાવણી થઈ છે. આ આંકડો અનાજ અને કઠોળના વાવણી વિસ્તારથી ચાર ગણો, તેલીબિયા અને ચોખાથી બમણો, જ્યારે કપાસથી દોઢો છે.

નેશનલ ટાસ્ક ફોર્સ ફોર વિમેન ઈન સાયન્સના આંકડા પ્રમાણે, આજેય વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરતી સ્ત્રીઓ ૩૭ ટકા, મહિલા શિક્ષક-અધ્યાપક ૧૫ ટકા અને ફેલોશિપ-એવોર્ડ જેવા સન્માન મેળવનારી મહિલાઓ માંડ ચાર ટકા છે, ત્યારે ડૉ. જાનકી અમ્મલે એ જમાનામાં વિપરિત સ્થિતિમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉજ્જવળ સિદ્ધિઓ હાંસલ કરી હતી. કોઈમ્બતુરની લેબોરેટરીમાં એક અપિરિણિત સ્ત્રી તરીકે તેમને પુરુષ કર્મચારીઓનો ત્રાસ વેઠવો પડ્યો હતો. વર્ષ ૧૯૪૦માં ૪૩ વર્ષની ઉંમરે તેઓ લંડન જતાં રહ્યાં હતાં એ પાછળ આ પરિબળ પણ જવાબદાર હતું. આવી મુશ્કેલીઓ વચ્ચે પણ અડગ મનની આ વિજ્ઞાનીએ ભારત, અમેરિકા અને બ્રિટનમાં એક સંન્યાસિનીની જેમ સંશોધન કાર્ય કર્યે રાખ્યું હતું. તેઓ બ્રિટન હતા ત્યારે તો દ્વિતિય વિશ્વયુદ્ધ ચાલતું હતું. તેમના ઘર અને લેબોરેટરીની બહાર બોમ્બના સતત અવાજ સંભળાતા હતા. વિશ્વમાં ખાદ્ય પુરવઠાની અછત હતી એટલે બ્રિટનમાં દર અઠવાડિયે નિશ્ચિત કરેલું જ કરિયાણું મળતું હતું. જેમ કે, દર અઠવાડિયે ફક્ત એક જ ઈંડુ. જોકે, ડૉ. જાનકી અમ્મલ ગાંધીવિચારોથી અસર તળે હોવાથી તેમની જરૂરિયાતો અત્યંત ઓછી હતી અને કદાચ એટલે જ આ મુશ્કેલીઓ પણ તેમના સંશોધન પર હાવિ થઈ શકી ન હતી!

સદનસીબે નહેરુની સમજાવટથી તેઓ બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાની જવાબદારી સંભાળવા વર્ષ ૧૯૫૧માં ભારત પરત ફર્યા અને એ પછી જે થયું એ ઈતિહાસ છે.

4 comments: