25 June, 2013

શ્રીનગરમાં લાલચોકની મુલાકાતનું સાહસ


કાશ્મીર પ્રવાસ ભાગ-1માં આપણે પટનીટોપ, શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગમાં પડેલી મુશ્કેલીઓ વિશે જાણ્યું. હવે ભાગ-2માં વાંચો નફરત અને ધિક્કારના પાટનગર શ્રીનગર પ્રવાસનું વર્ણન...

શ્રીનગરમાં અમે બે રાત્રિ હાઉસબોટમાં રોકાવાના હતા. દૂરથી જોયું તો દાલ સરોવર ખૂબ જ મનોહર લાગતું હતું, પરંતુ હાઉસબોટમાં રોકાયા ત્યારે ખબર પડી કે આપણે જો શહેરોને કોંક્રિટનું જંગલ કહેતા હોઈએ તો દાલ સરોવરને શિકારા અને હાઉસબોટનું જંગલ કહેવું પડે. પાણી પર તરતી શિકારા અને હાઉસબોટ આપણને જાણે કે નવા જ શહેરમાં આવી ગયા હોઈએ તેવો અનુભવ કરાવે છે. શરૂઆતમાં થોડી વાર આ દૃશ્ય જોવામાં કદાચ સારું લાગે, પરંતુ બાદમાં સરોવરનું શહેરીકરણ થયું હોવાનું લાગ્યા વગર રહેતું નથી. હાઉસબોટના રૂમ ખૂબ જ સાંકડા અને બંધિયાર હોય છે અને હવા-ઉજાસ માટે બારીઓ ખોલવામાં આવે તો મચ્છર અને અન્ય જીવજંતુઓનું જોખમ રહે છે. વળી, હાઉસબોટમાં બાથરૂમ-સંડાસનો કચરો ક્યાં ઠલવાય છે અને ન્હાવા-ધોવા માટેનું પાણી ક્યાંથી આવે છે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે અહીં ક્યાંય ડ્રેનેજ લાઈનો નંખાઈ હોય એવું જણાતું નથી. આ બાબતનો પુરાવો એ વાત પરથી મળે છે કે હાઉસબોટમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધાં હોતી નથી. હાઉસબોટમાં રહેનાર વ્યક્તિએ બજાર કરતાં બમણા ભાવે લોકલ કંપનીનું મિનરલ વોટર ખરીદવું પડે છે.

ગુલમર્ગથી થાકીને આવ્યા હોવાથી હાઉસબોટમાં પહેલી રાત ખૂબ સરસ રીતે પસાર થઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે અમે શ્રીનગર લોકલમાં ફરવા ગયા. સૌપ્રથમ અમે શ્રીનગરના પ્રખ્યાત મુઘલ ગાર્ડન-નિશાતમાં ગયા. ઉનાળો  હોવાથી અહીં ફૂલોનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ વિશાળ જગ્યામાં પથરાયેલો નિશાત ગાર્ડન ધોમધખતા તાપમાં પણ ઠંડક આપતો હતો. આ બગીચામાં પાંગરેલા ફૂલોના ખજાના અને તેની સુંદરતા વિશે જે વાંચ્યું હતું તેમાંથી નહીંવત વસ્તુઓ અમે માણી શક્યા. જોકે અમે ઉનાળામાં ગયા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું બાદમાં અમને સમજાયું. નિશાત ગાર્ડનમાંથી અમે બહાર નીકળ્યા ત્યારે પે એન્ડ પાર્કના એક કર્મચારી સાથે કોઈ વ્યક્તિ ઝઘડી રહી હતી. ખૂબ મોટા અવાજે ઝઘડો થતો હોવાથી અમે કુતુહલવશ ત્યાં પહોંચ્યાં અને ઝઘડો કરી રહેલી વ્યક્તિને આ અંગેનું કારણ પૂછ્યું. તે વ્યક્તિએ કહ્યું કે હું અહીંનો સ્થાનિક ડ્રાઈવર છું અને પ્રવાસીઓને લઈને આવ્યો છે. પાર્કિંગના સ્ટાફનો કર્મચારી મને પ્રવાસી સમજીને કાશ્મીરી ભાષામાં ગંદી ગાળો (ગાળો અહીં લખી શકાય તેમ નથી) આપતો હતો. તે વ્યક્તિની હિંમત કઈ રીતે થઈ મને ગાળો આપવાની

દાલ સરોવરમાં હાઉસ બોટ

ડ્રાઈવરની વાત સાંભળીને મને થયું કે અત્યાર સુધી અમે જેટલી જગ્યાએ ફર્યા છીએ તે દરેક જગ્યાએ સ્થાનિક લોકોએ અમને તેમની ભાષામાં આવી જ ગાળો આપી હશે ને! અમારા જેવા કેટલાય પ્રવાસીઓને તેઓ આ રીતે ગાળો આપતા હશે! પ્રવાસીઓને તેઓ આટલી બધી નફરત શા માટે કરે છે? જે પ્રવાસીઓના કારણે કાશ્મીરનું અર્થતંત્ર ચાલે છે, તે જ પ્રવાસીઓ પ્રત્યે આટલો બધો અણગમો હોય તો પ્રવાસીઓએ શા માટે કાશ્મીર જવું જોઈએ? નિશાત ગાર્ડન, શાલિમાર ગાર્ડન અને ચશ્મ-એ-શાહી બાદ અમે શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકમાં જવાનું વિચાર્યું. આ દરમિયાન બપોર થઈ ગઈ હોવાથી અમે દાલ સરોવર પાસે આવેલી એક શાકાહારી હોટલમાં ભોજનની વિધિ આટોપી અને લાલ ચોક જવા નીકળી ગયા. અમારી કારના કેપ્ટને સ્પષ્ટ શબ્દોમાં લાલ ચોક નહીં જવાની સલાહ આપી હોવા છતાં અમે નવું સાહસ ખેડવા નીકળ્યા.

રીક્ષા કરીને અમે લાલ ચોકના બજારની એકદમ મધ્યમાં ઉતર્યા. અમારા ઉતરતાની સાથે જ સેંકડો નજરો અમારા તરફ તાકવા લાગી. શરૂઆતમાં અમને આ સાહજિક લાગ્યું, પરંતુ ધીમે-ધીમે સમજાયું કે આ નજરોમાં અમારા જેવા પ્રવાસીઓ માટે ભારોભાર અણગમો હતો. નજરોની ભાષા સમજવામાં કદાચ અમારી ભૂલ થઈ હશે તેવું વિચારી અમે આગળ વધ્યા. એક દુકાનદારને કાશ્મીરી ડ્રેસનો ભાવ પૂછ્યો, તે વ્યક્તિએ એટલી તોછડાઈથી જવાબ આપ્યો કે અમે તેની દુકાનમાં જવાની હિંમત કરી નહીં. બાદમાં ડ્રાયફ્રુટની દુકાનમાં પણ અમને તેવો જ અનુભવ થયો. અમારે લાલ ચોકમાંથી ખરીદી કરવી હતી અને કાશ્મીરની પ્રખ્યાત વસ્તુઓ ઘરે લાવવી હતી, પરંતુ અમારી સાથે વાત કરવા કોઈ તૈયાર થતું ન હતું. આખરે અમે લાલ ચોકમાંથી રવાના થવાનું જ ઉચિત સમજ્યું. શ્રીનગરના લાલ ચોકમાં નહીં જવાની અમને શા માટે સલાહ અપાઈ હશે તે અમને હવે સમજાઈ ગયું હતું.

લાલ ચોકના બજારનું એક દૃશ્ય

આ સમયે મને અમારા એક પરિચિત ટુર ઓપરેટર સાથે બનેલી ઘટના યાદ આવી. આ ટુર ઓપરેટર ગાંધીનગરમાં રહે છે અને તેઓ દર વર્ષે કાશ્મીરમાં પોતાની ટુર લઈને જાય છે. તેમના વ્યાપારિક હિતને ધ્યાનમાં રાખીને અહીં તેમનું નામ લખતો નથી. આ ટુર ઓપરેટર ફેબ્રુઆરી મહિનામાં લક્ઝરી લઈને પ્રવાસે ગયા હતા. કુખ્યાત આતંકવાદી અફઝલને ફાંસી અપાઈ ત્યારે તેઓ શ્રીનગરમાં ફરતા હતા. નવમી ફેબ્રુઆરીએ અફઝલને ફાંસી અપાયા બાદ શ્રીનગરનું વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું પણ આટલી હદે સ્થિતિ ખરાબ હશે તેની તેમને ખબર ન હતી. દાલ સરોવર સ્થિત રાજ્ય પોલીસ વડાની ઓફિસ અને સીઆરપીએફના કેમ્પની નજીકથી તેમની બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બસ પર પથ્થરમારો થયો. આગળ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી. જેમ-તેમ કરીને તેમણે બસને સીઆરપીએફના કેમ્પમાં ઘૂસાડી દીધી અને ફરજ પરના જવાનોને રક્ષણ આપવા વિનંતી કરી. સ્થિત પારખીને જવાનોએ બસના તમામ યાત્રીઓનું રક્ષણ કર્યું અને સ્થિતિમાં સુધારો આવ્યા બાદ તેમને સુરક્ષિત રીતે હોટલ સુધી પહોંચાડી દીધા. અફઝલને ફાંસી અપાયા બાદ સરકારે સલામતી બંદોબસ્ત વધારી દીધો હતો, પરંતુ અમે ગયા ત્યારે લશ્કર અને સીઆરપીએફની મોટા ભાગની ટુકડીઓ ખસેડી લેવાઈ હતી. આ ટુકડીઓ ખસેડીને સ્થાનિક અને કેન્દ્રીય નેતાઓએ લોકસભા ચૂંટણીના દાવ-પેચ રમવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગ્યું.

કાશ્મીરનું મોટાભાગનું અર્થતંત્ર પ્રવાસીઓ પર નિર્ભર છે અને તેમાં પણ મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતના હોય છે. આ પ્રવાસીઓની સલામતી માટે સ્થાનિક પોલીસ પૂરતી નથી. આ કામ આર્મી કે સીઆરપીએફને જ સોંપી દેવું જરૂરી છે. એક વર્ષ અગાઉ શ્રીનગરમાં લશ્કર અને સીઆરપીએફના જવાનોને ઠેર-ઠેર તૈનાત કરાયા હતા. અમદાવાદ રહેતા મારા સાળા મનીષભાઈ ગત સપ્ટેમ્બરમાં શ્રીનગર ગયા ત્યારે તેમને કોઈ વાતનો ભય ન હતો. શિકારામાં બેઠા બાદ શિકારાના ચાલકે તેમની પાસેથી વધારે પૈસા પડાવવાનો પેંતરો ગોઠવવા માંડ્યો હતો. તેણે અગાઉ નક્કી કરેલા રૂ. ૫૦૦ ઉપરાંત વધારાના રૂ. ૫૦૦ ચૂકવવા માટે શિકારા ચાલક દર બે મિનિટે મનીષભાઈને આગ્રહ કરતો હતો. શિકારાની મજા ધીમે-ધીમે સજામાં બદલાતી હોવાનું જાણીને મનીષભાઈએ તેને કહ્યું કે, “હવે તુ મને કિનારા પર જ લઈ જા. મારે તારી સાથે નથી ફરવું. હું આર્મીને તારી ફરિયાદ કરીશ. આર્મીનું નામ સાંભળતા જ તે વ્યક્તિએ હોઠ સીવી લીધા અને કિનારા પાસે પહોંચ્યા બાદ વિનંતી કરી કે, આર્મીને મારી ફરિયાદ કરશો તો તેઓ મને મારશે.કોઈ પ્રવાસી સાથે ખરાબ વર્તન થયાની ફરિયાદ કરવામાં આવે તો આર્મીના જવાનો તેને ગંભીરતાથી લે છે.

કાશ્મીરમાં લશ્કર-સીઆરપીએફની હાજરી હોય તો શું થઈ શકે છે અને તેમને હટાવી લેવામાં કેટલું જોખમ રહેલું છે તે દર્શાવતા બે વાસ્તવિક કિસ્સા ઉપર જણાવ્યા છે. અમારા પ્રવાસના સમયગાળા દરમિયાન શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ સહિતના મોટા ભાગના સ્થળોએ લશ્કર કે સીઆરપીએફના જવાનોની હાજરી નહીંવત હતી. રાજ્ય સરકારે પ્રવાસીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે, પરંતુ આ વિભાગના જવાનો ભાગ્યે જ ક્યાંક નજરે ચડ્યા હતા. કદાચ લશ્કરના જવાનો સોનમર્ગ અને ગુલમર્ગમાં હોત તો અમને જે દુઃખદ અનુભવો થયા તે ન થયા હોત.

લાલ ચોકમાંથી પરત ફર્યા બાદ અમે દાલ સરોવરની આસપાસની દુકાનોમાં ફર્યા અને રાત્રે ભરાતા બજારમાં ખરીદી કરી. આ ખરીદી વખતે અમને કેટલાક ગુજરાતી પ્રવાસીઓ મળ્યા, જેઓ સોનમર્ગ અને ગુલમર્ગ જઈને આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓને પણ અમારા જેવા જ અનુભવ થયા હતા. શ્રીનગરમાં અમારી તે છેલ્લી રાત હતી અને તે ક્યારે સવાર પડે તેની રાહ જોતાં અમે સૂઈ ગયા. શ્રીનગરથી પહેલગામ, વૈશ્નોદેવી થઈને અમે જમ્મુ પહોંચ્યા અને જમ્મુથી ટ્રેન પકડીને ભારે હૈયે કાશ્મીરમાં ફરી નહીં આવવાનો સંકલ્પ કર્યો. અમારી સાથે ટ્રેનમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના કેટલાક પ્રવાસીઓ હતા. આ તમામ પ્રવાસીઓને તેમના કાશ્મીર પ્રવાસ અંગે પૂછ્યું તો તેઓ પણ પોતાના આ પ્રવાસ દુઃખદ ગણાવતા હતા અને ફરીથી કાશ્મીર નહીં જવાની ઈચ્છા ધરાવતા હતા.
                                                                                                    (સંપૂર્ણ)
નોંધઃ લાલ ચોકના બજારની તસવીર ગૂગલ પરથી લીધી છે.

No comments:

Post a Comment