11 October, 2016

ભુતાન : નાનો પણ રાઈનો દાણો


આજકાલ દુનિયાના બધા જ દેશો ક્લાઈમેટ ચેન્જ, એન્વાયર્મેન્ટ ફ્રેન્ડ્લી, ઈકો ફ્રેન્ડ્લી અને સસ્ટેઇનેબલ લિવિંગની વાતો કરે છે, પરંતુ એ દિશામાં નક્કર કામ બહુ ઓછા દેશો કરી રહ્યા છે. વિકસિત દેશો માટે પર્યાવરણની ઘોર ખોદતી વિકાસની દોડ અટકાવવી મુશ્કેલ છે, જ્યારે ભારત-ચીન જેવા વિકાસશીલ દેશો બીજા કરતા પાછળ તો નહીં રહી જઈએ નેએવા ડરે ઔદ્યોગિકીકરણ અને પર્યાવરણનું સંતુલન રાખીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ વાત અલગ છે કે, આ સંતુલન રાખવામાં તેઓ સરેઆમ નિષ્ફળ ગયા છે. જોકે, ભુતાન જેવો નાનકડો દેશ ગ્રીન મેનેજમેન્ટકરીને જે રીતે આગળ વધ્યો છે એ જોઈને અમેરિકા અને યુરોપના દેશો પણ મ્હોંમાં આંગળા નાંખી ગયા છે. અત્યારે ભુતાન વિશ્વનો ગ્રીનેસ્ટ કન્ટ્રીગણાય છે.

વિશ્વ બેંકે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ભુતાન વિશ્વનો એકમાત્ર કાર્બન નેગેટિવ દેશ છે. એટલે કે ભુતાન પૃથ્વી પરની એકમાત્ર જગ્યા છે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ જોઈએ એના કરતા વધારે છે. ભુતાન વર્ષે સરેરાશ ૨.૨ મિલિયન ટન કાર્બન વાયુઓ ઉત્પન્ન કરે છે, પરંતુ હજુયે ત્રણ ગણા વધારે કાર્બન વાયુઓ ઉત્પન્ન થાય તો પણ ભુતાનના જંગલો ગ્રહણ કરી લેવા સક્ષમ છે. વર્ષ ૧૯૭૦માં ભુતાને બંધારણીય ફેરફારો કરીને નક્કી કર્યું હતું કે, દેશની ૬૦ ટકા જમીન પર જંગલો હોવા જોઈએ. જોકે, ભુતાને ધાર્યું હતું એના કરતા પણ દસ ટકા વધારે લક્ષ્યાંક હાંસલ કર્યો છે. હિમાલયની ગોદમાં આવેલા આ પહાડી દેશની ૭૦ ટકા જમીન પર ગાઢ જંગલો છે. ભુતાનમાં આવેલી હિમાલયની પહાડીઓ પણ વૃક્ષોથી ઢંકાયેલી છે, જ્યારે ભારતમાં મોટા ભાગના હિમાલયન પહાડોના જંગલો પાંખા થઈ ગયા છે. અત્યારે ભુતાન ગ્રીન લિવિંગનું પોસ્ટર બોય છે.


ભુતાન કૉલિંગ ;)

તમને એવો વિચાર આવી શકે છે કે, ભુતાન નાનકડો દેશ હોવાથી આ સફળતા હાંસલ કરી શક્યો હશે! જોકે, આ દલીલ અર્ધસત્ય છે. ભુતાનમાં માંડ સાડા સાત લાખ જેટલી વસતી છે એ વાત ખરી પણ માલદીવ અને લક્ઝમબર્ગ જેવા નાનકડા દેશો પણ ક્યારેય આવી સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી, તો સ્વિત્ઝર્લેન્ડ, સ્વિડન, જર્મની અને ઓસ્ટ્રિયા જેવા ગ્રીનેસ્ટ દેશોમાં પણ જોઈએ એના કરતા ઓછો ઓક્સિજન છે. ભુતાનમાં ઔદ્યોગિકીકરણ નથી, ટેક્નોલોજી નથી અને બધાને શહેરી જીવન નસીબ નથી એ વાત સાચી, પણ વિશ્વના સૌથી સુખી દેશોમાં ભુતાનનો સમાવેશ થાય છે, એ હકીકત છે. અર્થતંત્ર કેટલું વિકસિત છે એનો અંદાજ કાઢવા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન હોય છે એવી જ રીતે, ભુતાનમાં ગ્રોસ નેશનલ હેપ્પીનેસનું માપ કાઢવામાં આવે છે.

ભુતાનની ગ્રીન સક્સેસનો શ્રેય ભુતાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકને જાય છે. વર્ષ ૧૯૭માં વાંગચુકે વિશ્વને ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સનો વિચાર આપ્યો હતો. તેઓ એક એવા સમાજનું નિર્માણ કરવા માગતા હતા જ્યાં ભૌતિકવાદ નહીં પણ બૌદ્ધવાદના પાયામાં પર ઊભી થયેલી આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ થતું હોય! એક તરફ આખું વિશ્વ જીડીપી પર નજર રાખીને વિકાસની આંધળી દોડ લગાવી રહ્યું હતું ત્યારે આવો વિચાર કરીને તેનો આત્મવિશ્વાસથી અમલ કરવો એ ખરેખર ક્રાંતિકારી પગલું હતું. ગ્રોસ હેપ્પીનેસ ઈન્ડેક્સ માપવા ભુતાને ચાર માપદંડ નક્કી કર્યા હતા. ૧. સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ જેનાથી ભવિષ્યમાં નુકસાન ના થાય અને માનવજાત પર ખતરો તોળાયેલો ના રહે. ૨. પ્રિઝર્વેશન એન્ડ પ્રમોશન ઓફ કલ્ચરલ વેલ્યૂઝ એટલે સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન અને તેને પ્રોત્સાહન. ૩. કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્વાયર્મેન્ટ એટલે કુદરતનું સંવર્ધન. ૪. ગુડ ગવર્નન્સ એટલે યોગ્ય શાસનવ્યવસ્થા. છેલ્લાં ચારેક દાયકાથી ભુતાન આ માપદંડોને ચુસ્ત રીતે વળગીને આગળ વધી રહ્યું છે. વાંગચુકે દાયકાઓ પહેલાં વિચાર કર્યો હતો કે, જીડીપીમાં તો માણસ કેટલો સુખી કે દુ:ખી છે એની ગણતરી જ કરાતી નથી!

ભુતાને ગ્રોસ નેશનલ હેપ્પીનેસ સેન્ટર ઊભું કર્યું છે, જે સમયાંતરે સર્વેક્ષણ કરીને ચકાસણી કરી લે છે કે દેશવાસીઓ સુખી છે કે નહીં! વર્ષ ૨૦૧૫માં કરાયેલા સર્વેક્ષણ પ્રમાણે ભુતાનના ૯૧ ટકા લોકોને જીવનથી સંતુષ્ટ છે, સુખી છે. ભુતાનમાં કોઈ પણ નીતિવિષયક નિર્ણયોના કેન્દ્રમાં પ્રજાનું સુખ અને આનંદ હોય છે. અનેક વૈજ્ઞાનિક અભ્યાસ પરથી સાબિત થયું છે કે, જે દેશમાં પહાડો-નદીઓ-જમીન પ્રદૂષણ મુક્ત છે, હવાઈ પ્રદૂષણ નહીંવત છે, શહેરો-ગામો સુંદર છે અને લોકો કુદરતની વધારે નજીક છે- એવા પ્રદેશના લોકો વધારે પ્રફૂલ્લિત છે તેમજ માનસિક રીતે સ્વસ્થ અને આનંદી છે. ભુતાને તો જંગલોને સુંદર રાખવા પણ જડબેસલાક પ્રવાસન નીતિ બનાવી છે. અહીં ચંગુમંગુપ્રવાસીઓનો પ્રવાહ કાબૂમાં રાખવા પ્રવાસીદીઠ ૨૫૦ ડૉલર વસૂલાય છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય પ્રવાસીને આ નિયમ લાગુ નથી પડતો! ભારતમાં તો સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં જાય છે એવા હિમાચલ પ્રદેશના સિમલા, કુલુ અને મનાલીમાં જમીન-પાણી અને હવાઈ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું હોવા છતાં પ્રવાસન તંત્ર કુંભકર્ણ નિદ્રામાં લન છે. એક સમયે સફેદ રૂ જેવી દેખાતી સિમલા-મનાલીની સફેદ વાદીઓ હવાઈ પ્રદૂષણના કારણે કાળી પડી ગઈ છે. હિમાચલ પ્રદેશની જમીન અને નદીઓમાં નમકીન, ગુટકા, બિસ્કિટ અને પાણીના પાઉચનું પ્રદૂષણ પણ ચરમસીમાએ પહોંચી ગયું છે. નિંભર સરકાર અને સ્વાર્થી પ્રજા પાસે બીજી અપેક્ષા પણ શું રાખી શકાય!

ભુતાનમાં અનેક રેસ્ટોરન્ટ-હોટેલમાં એડવાન્સમાં ફૂડ ઓર્ડર કરવું પડે છે કારણ કે, તેઓ અન્નનો બગાડ સહન નથી કરી શકતા. ભુતાનના રાજા વાંગચુકે વર્ષો પહેલાં ફોસિલ ફ્યૂઅલના બદલે હાઈડ્રોપાવરના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ભુતાનને પહાડી પ્રદેશોમાં ધસમસતી, નીચે પડતી નદીઓ પર બંધ બાંધીને જંગી વીજ ઉત્પાદન કરવાનો પણ કુદરતી લાભ મળ્યો છે. અહીંની માંડ ૨.૯ ટકા જમીન સપાટ છે, બાકીની જમીન પહાડી વિસ્તાર અને નાની-મોટી ટેકરીઓથી છવાયેલી છે. આ પ્રકારની જમીન હોવાથી ખેડૂતો જંગલો સાફ કરીને જંગલ-જમીનને ખેતીલાયક બનાવી શકે એમ જ નથી. ખેડૂતોને વીજળી મફત અપાય છે. વીજળી મફ મળતી હોવાથી તેઓ ઊર્જા મેળવવા જંગલોના સૂકા લાકડા પર નજર જ નથી બગાડતા.

જોકે, ભુતાન અત્યારે જુદા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આ નાનકડો દેશ ભારત અને ચીન જેવા સૌથી વધારે વસતી ધરાવતા બે મહાકાય દેશોના પાપ સહન કરી રહ્યો છે. ભારત અને ચીનના ભયાવહ્ પ્રદૂષણના કારણે હિમાલયના હિમપર્વતો પીગળી રહ્યા છે. ક્લામેટ ચેન્જની અસરોને પગલે ભુતાન સામે પૂર, ભારે વરસાદ, દુકાળ અને તાપમાનમાં વધારો જેવી સમસ્યાઓ મ્હોં ફાડીને ઊભી છે. ક્યારેક તો ભુતાનના થિમ્પુનું તાપમાન કોલકાતા કરતા પણ વધારે હોય છે! ભુતાન મહેનત કરીને ગ્રીનેસ્ટ બન્યું છે પણ ભારત, ચીન અને બાંગ્લાદેશનું પ્રદૂષણ તેના કાબૂમાં નથી. બીજી તરફ, ભુતાનમાં વર્ષ ૧૯૯૯ સુધી ટેલિવિઝન અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો, પરંતુ આજના ભુતાનની યુવા પેઢી આ બંને માધ્યમોથી વિશ્વના ગાઢ સંપર્કમાં રહે છે. તેઓ પણ શહેરી જીવનશૈલીનું સપનું જોઈ રહ્યા છે. આ કારણસર લોકો શહેરોમાં સ્થાયી થઈ રહ્યા છે અને ખેતી પર નભતા લોકોની સંખ્યા ઘટી રહી છે. આ કારણસર ભુતાનની મોટા ભાગની જરૂરિયાત આયાત પર નિર્ભર છે, જેમાંથી ૫૦ ટકા આયાત ભારતમાંથી થાય છે.

આ પ્રકારના આર્થિક મોડેલના કારણે ભુતાનમાં બેકારી થોડીઘણી વધી છે. બેકારીના કારણે યુવાનોમાં અસંતોષ પણ છે. ભુતાનના અનેક યુવાનો પોતાની જ જમીન ખેડવા તૈયાર નથી. ભુતાન સરકાર તેમને બ્લુ કોલર જોબ આપે છે, તો તેઓ વ્હાઈટ કોલર જોબની માગ કરે છે. અહીં દરેક યુવાનને પોતાની કાર પણ જોઈએ છે કારણ કે, ભુતાનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અપૂરતું છે, ધીમું છે અને મોંઘું પણ છે. વર્ષ ૨૦૧૪માં તો ભુતાન સરકારે વિદેશી કારની આયાત પર ૧૦૦ ટકા કરવેરો ઝીંક્યો હતો. આમ છતાં, લોકો ભારતમાંથી કાર ખરીદી રહ્યા છે.

ટૂંકમાં, એવું નથી કે ભુતાનનો ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સ ઊંચો હોવાના કારણે અહીં બધા યુવાનો બુદ્ધનો માર્ગપકડી લીધો છે. મહત્ત્વની વાત એ પણ છે કે, આ બધી મુશ્કેલીઓનો ઉપાય શોધવા ભુતાન જેવો નાનકડો દેશ વિશ્વ તરફ નજર રાખીને રોજેરોજ કંઈક નવું શીખી રહ્યો છે. તમે ભુતાન જાઓ ત્યારે કોઈ યુવાન સાથે વાત કરજો. તમને એવું ચોક્કસ સાંભળવા મળશે કે, પરિવર્તન અનિવાર્ય છે, એ થવું જ જોઈએ, અમને પણ સારી નોકરીઓ જોઈએ છે પણ પર્યાવરણના ભોગે નહીં. અમે અમારો દેશ ગંદો કરવા નથી માગતા...

તમને નથી લાગતું કે, આખા વિશ્વએ નાનકડા ભુતાન પાસેથી કંઈક શીખવું જોઈએ?

5 comments:

  1. ખરી વાત. ગત વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૫માં ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોગ્બેએ પણ મહાત્મા મંદિર ખાતે વિકાસ અને જનસુખાકારી માટે ગ્રોસ હેપ્પિનેસ ઇન્ડેક્સ અને પર્યાવરણને સાથે રાખીને વિકાસના મોડેલ પર ભાર મૂક્યો હતો અને વિશ્વના અનેક માંધાતાઓના પ્રવચન કરતાં તેમના પ્રવચનમાં સૌથી વધુ તાળઓ પડી હતી. 'ધર્મો રક્ષતિ રક્ષિત:' અર્થાત્ ધર્મની રક્ષા કરનારને ધર્મ રક્ષે છે. તેમ આજે પર્યાવરણ વિશે પણ કહી શકાય કે માનવજાત પર્યાવરણનું જતન કરશે તો પર્યાવરણ માનવજાતનું જતન કરશે.

    ReplyDelete
  2. ખૂબ સરસ લેખ. આજે જ્યારે રોકેટની ગતિએ માણસ વિકાસ પામી રહેલો દેખાય છે ત્યારે એ ખરેખર અસત્ય છે. કુદરતથી દૂર થઈને માણસ પોતે જ પોતાની ઘોર ખોદી રહ્યો છે ત્યારે આવું અશક્ય પગલું લઈને દૂનિયાને એક નવી જ રાહ ચીંધનાર દેશવાસીઓને સો સો સલામ.

    ધવલ સોની

    ReplyDelete
  3. nice one.. truly Bhutan is a heaven on earth..good that you covered Green Bhutan .. waiting to read about Bhutan's culture, people, food etc..
    :-)

    ReplyDelete
  4. Sandeep, Dhaval and Khushali, Thanks for your comments. Keep WORTH Reading, Keep Sharing.

    ReplyDelete