13 April, 2015

'એપલ વૉચઃ કાંડા ઘડિયાળ નહીં પણ ક્રાંતિકારી વિચાર


સ્માર્ટફોને આપણા જીવનમાં વિનાશ વેર્યો છે. સ્માર્ટફોનમાં બઝ થયું નથી કે સ્ક્રીનમાં મ્હોં ઘુસાડયું નથી. દરેક વ્યક્તિ સતત નોટિફિકેશન ચેક કર્યા કરે છે. લોકો સતત મોબાઈલ સ્ક્રીનમાં જોયા કરે છે. ડિનર ટેબલ પર બઝ થાય તો પણ સીધો ખિસ્સામાં હાથ નાંખીને સ્ક્રીન ચેક કરાય છે. લોકોને આ લેવલનું એન્ગેજમેન્ટ જોઈએ છે એ વાત સાચી પણ આપણે કોઈની સાથે હોઈએ ત્યારે આ ટેક્નોલોજીમાં થોડી વધુ 'ઉપયોગી' કેવી રીતે બનાવી શકાય? આપણે એવું કોઈ ડિવાઈસ બનાવી શકીએ કે જેનો લોકો કલાકો સુધી ઉપયોગ જ ના કરે? એ ડિવાઈસ બધા નોટિફિકેશનને ફિલ્ટર કરીને ફક્ત જરૂરી માહિતી જ આપે તો કેવું!

આવા વિચારો સમાજશાસ્ત્રીઓને આવે ત્યાં સુધી ઠીક છે પણ એપલના ધુરંધર એન્જિનિયરોને આ વિચારો આવી રહ્યા હતા. એટલે તેમણે વિચાર્યું કે, સ્માર્ટફોનને ટક્કર મારે એવું કોઈ ડિવાઈસ બનાવીએ તો ટેક્નોલોજીની દુનિયામાં મોટી ક્રાંતિ આવી જાય. આજના સ્માર્ટફોનનો વિકાસ થતા વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયાએ 30 કરતા પણ વધારે વર્ષ ખર્ચ્યા છે અને વર્ષ ૨૦૧૧માં એપલ સ્માર્ટફોન સામે લડવાનું વિચારી રહ્યું હતું. આ જ વિચારમાંથી જન્મ થાય છે, એપલ વૉચનો. સામાન્ય રીતે, એપલ કંપનીમાં નવા પ્રોજેક્ટની ગુપ્તતા અને ઉચ્ચ અધિકારીઓના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને મીડિયાથી સલામત અંતર રાખવાનો નિયમ પાળવામાં આવે છે. એપલ વૉચ ૨૪મી એપ્રિલે બજારમાં મૂકાઈ રહી છે ત્યારે એપલ વૉચના સોફ્ટવેર એન્જિનિયર કેવિન લિન્ચે પરંપરાથી વિરુદ્ધ જઈને એપલ વૉચ કેમ અને કેવી રીતે બનાવાઈ એ વિશે અત્યંત રસપ્રદ માહિતી આપી છે.

'વિયરેબલ સ્માર્ટફોન' નહીં

એપલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ઓફ ડિઝાઈન જોનાથન ઇવ, હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાય અને એપલ વૉચના સોફ્ટવેર હેડ કેવિન લિન્ચ સ્માર્ટફોનની મર્યાદાઓ પર સતત વિચાર કરી રહ્યા હતા. હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાયનું કામ એપલની દરેક પ્રોડક્ટનો યુઝર્સ અત્યંત સરળતાથી ઉપયોગ કરી શકે એ જોવાનું છે. ડાયને વિચાર આવ્યો કે, સ્માર્ટફોન સામે ઝીંક ઝીલી શકે એવું ડિવાઈઝ બનાવવા તે વિયરેબલ એટલે કે પહેરી શકાય એવું હોય તો યુઝર્સ તેની સાથે નેચરલી જોડાઈ શકે. આ કારણોસર એપલે રિસ્ટ વૉચ બનાવવાનો નિર્ણય કર્યો. જોકે, એપલ વૉચ ડેવલપ કરવાનો હેતુ સ્માર્ટફોનનો ઉપયોગ મર્યાદિત થાય એ હતો. આ માટે તેમાં સમય જોવા સિવાય મોબાઈલમાં હોય એ ફિચર્સ ઉમેરવા પડે. જેમ કે, એપલ વૉચમાં આઈ ફોન સાથે કનેક્ટ હોય ત્યારે કોલ રીસિવ, મેસેજિંગ સહિત ફિટનેસ એપ, વોકી ટોકી, જીપીએસ, વ્યૂ ફાઈન્ડર, સિરિ (પર્સનલ આસિસ્ટન્ટ) વગેરે સુવિધા ઉમેરવામાં આવી. એપલ વૉચનો આઈ ફોનની જેમ ક્રેડિટ કાર્ડ તરીકે અને મ્યુઝિક સાંભળવા પણ ઉપયોગ થઈ શકે છે.

સ્પોર્ટ્સ, એલ્યુમિનિયમ અને ગોલ્ડ એપલ વૉચ

હવે એન્જિનયરોને વિચાર આવ્યો કે આટલા ફિચર્સ ઉમેર્યા પછી એ જ મુશ્કેલી થશે. સ્માર્ટફોનમાં નોટિફિકેશન આવ્યા કરે છે એમ એપલ વૉચમાં પણ સતત નોટિફિકેશન આવશે. એપલનું માનવું  હતું કે, કોઈ સામે હોય ત્યારે સ્માર્ટફોન સ્ક્રીન પર નજર કરી લેવી દરેક સમાજે સ્વીકારી લીધું છે. એ અસભ્યતાની નિશાની નથી, પણ કોઈ સામે હોય ત્યારે કાંડે પહેરેલી ઘડિયાળમાં જોવું એ અસભ્યતામાં ખપી શકે છે. એપલ કોઈ પણ સંજોગોમાં એપલ વૉચને 'વિયરેબલ સ્માર્ટફોન' નહોતી બનાવવા માગતી. કારણ કે, લોકોને એવું લાગે કે આ હાથે પહેરવાનો મોબાઈલ ફોન છે તો એપલ વૉચ સરેઆમ નિષ્ફળ જાય.

સમય બચાવતી મોડર્ન ટેક્નોલોજી

એન્જિનિયરો નહોતા ઈચ્છતા કે, હવે લોકો ચોરે ને ચૌટે સ્માર્ટફોનને બદલે એપલ વૉચ મચેડતા જોવા મળે. જો લોકો લાંબો સમય હાથ આડો કરીને આવું કર્યા કરે તો એપલ વૉચથી વહેલા કંટાળી જાય. આ મુશ્કેલીના ઉપાયરૂપે સોફ્ટવેર હેડ કેવિન લિન્ચ અને તેમની ટીમે ક્વિકબોર્ડ ટેક્નોલોજી વિકસાવી છે. ક્વિકબોર્ડ એક પ્રકારનો રોબોટ છે, જે મેસેજ વાંચીને વિકલ્પ આપે છે. જેમ કે, મેસેજ આવે કે આજે ડિનરમાં પંજાબીની ઈચ્છા છે કે પિઝા પાર્ટી કરવી છે? તો ક્વિકબોર્ડમાં તુરંત જ બે વિકલ્પ આવશે, પંજાબી કે પિઝા? આ માટે યુઝર્સ ફક્ત ટચ કરીને જવાબ આપી શકશે. એટલે કે ટાઈપ કરવાની અને મેસેજ કરીને સેન્ડ કરવા માટે વધારાના કોઈ બટન દબાવવાની જરૂર જ નહીં રહે.

એપલના ચિફ ટેક્નોલોજી ડિઝાઈનર જોનાથન ઈવ

એપલ વૉચમાં શોર્ટ લુક ફિચર પણ છે, જેની મદદથી એપલ વૉચ યુઝર્સના રસ અને ગમા-અણગમાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. યુઝર્સને કાંડા પર પલ્સ (નોર્મલ વાઇબ્રેશન) મળે તો તેનો અર્થ છે કે, મેસેજ આવ્યો. મેસેજ જોવા યુઝર્સ કાંડુ ઊંચુ કરીને જુએ કે, 'મેસેજ ફ્રોમ હોમ' અને તુરંત જ કાંડુ નીચું કરી દે તો નોટિફિકેશન જતું રહેશે અને મેસેજ અનરીડ રહેશે. એવી જ રીતે, યુઝર્સ કાંડુ બે સેકન્ડ ઊંચુ રાખશે તો મેસેજ આપોઆપ સ્ક્રીન પર આવી જશે. શોર્ટ લુક ટેક્નોલોજી યુઝર્સની પ્રતિક્રિયા સમજીને કામ કરે છે. એપલે ટચ સ્ક્રીન માટે ફોર્સ ટચ ટેક્નોલોજી શોધી છે. આ ટેક્નોલોજી યુઝર્સને ક્યાં ટેપિંગ કરવાનું છે એ તો ઠીક, કેટલા ફોર્સથી ટચ કરવાનું છે એ પણ કહે છે. જેમ કે, ઈમોજિસ (સ્માઈલી) પર લાંબુ પ્રેસ કરીને તેનો કલર બદલી શકાય છે. આ સિવાય 'ગ્લાન્સ' નામનું ફિચર પણ છે, જેમાં ન્યૂઝથી લઈને સ્પોર્ટ્સ સ્કોર એક જ જગ્યાએ જોઈ શકાશે. 

આ ટેક્નોલોજીનો હેતુ સ્માર્ટફોનની જેમ વૉચમાં વારંવાર જોઈને સમય ના બગડે એ છે. આમ, બિનજરૂરી નોટિફિકેશનને કાબૂમાં રાખવા તેમજ જવાબ આપવા માટે વૉચમાં ઓછામાં ઓછો સમય જોવું પડે એ માટે હાઈ ટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.

સફળતાનો આધાર હ્યુમન ઈન્ટરફેસ

જો સોફ્ટવેર જટિલ હોય તો એપલ વૉચ પણ 'એલિયન' જેવી લાગત. જે વસ્તુ હાથ પર પહેરવાની છે એમાં 'ફેશન'નું તત્ત્વ જેટલું જરૂરી હતું એટલું જ જરૂરી હતું હ્યુમન ઈન્ટરફેસ. કોઈ પણ ડિવાઈસને મેસેજ આપવા સોફ્ટવેરને કમાન્ડ આપવો પડે અને સોફ્ટવેરને કમાન્ડ આપવા ટચ સ્ક્રીન, માઉસ, માઈક્રોફોન કે જોયસ્ટિક વગેરે ટેક્નોલોજી કામમાં આવે. સાદી ભાષામાં કહીએ તો હ્યુમન ઈન્ટરફેસ એટલે ડિવાઈસમાં સોફ્ટવેર, હાર્ડવેર અને યુઝર્સને પરસ્પર જોડતી ટેકનિક. એપલ વૉચ સાથે યુઝર્સ કેવી રીતે અત્યંત સરળતાથી કનેક્ટ થઈ શકે એ મુદ્દે ભેજામારી ચાલતી હતી ત્યારથી જ એપલ જાણતી હતી કે, એપલ વૉચની સફળતાનો આધાર ઈન્ટરફેસ પર છે. એપલ વૉચમાં નોટિફિકેશન માટે પલ્સ એટલે કે નોર્મલ વાઇબ્રેશન મળે એ અયોગ્ય છે કારણ કે, કાંડા પર વારંવાર નોટિફિકેશનના વાઇબ્રેશન મળે તો યુઝર્સ કંટાળી જાય. આ મુશ્કેલીનો ઉપાય શોધવાનું કામ હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાય અને તેમની ટીમનું હતું.

હ્યુમન ઈન્ટરફેસ ગ્રૂપના વડા એલન ડાય

આ માટે ડાય અને તેમની ટીમે કાંડા પર હળવેકથી આંગળી અડકાવવા જેવી ફિલ આપે એવી ટેક્નોલોજી ડેવલપ કરી છે. આ ટેક્નોલોજીને ટેક્ટિક એન્જિન નામ અપાયું છે, જે કાંડા પર ફોન કૉલ કે ટ્વિટ કે ન્યૂઝ નોટિફિકેશન માટે જુદી જુદી ઝડપે અને જુદી જુદી શક્તિથી વાઇબ્રેશન આપે છે. કેટલાક નોટિફિકેશન માટે બે કે તેથી વધારે વાઇબ્રેશન પણ છે. જેમ કે, એક જ વાઇબ્રેશન મળે તો ફોન કૉલ અને લાં..બુ વાઇબ્રેશન મળે તો જરૂરી મીટિંગમાં જવાનો સમય થઈ ગયો છે એમ. આ કામ બોલવામાં જેટલું સહેલું છે એટલું જ કરવામાં અઘરું હતું. ફેસબુક કે ટ્વિટરનું નોટિફિકેશન મળે તો તેનું વાઇબ્રેશન  કેવું હોઈ શકે? બહુ જ અગત્યનો મેસેજ આવે તો તેના વાઇબ્રેશન કેવા હોય? આ માટે એલન ડાય અને તેમની ટીમે જુદા જુદા અવાજો રેકોર્ડ કર્યા અને તેને વાઇબ્રેશનનું રૂપ આપ્યું. આ ઉપરાંત નાનકડા ડાયલમાં સ્પષ્ટ વાંચી શકાય અને વાંચવામાં ભૂલ ના પડે એ માટે અક્ષરોને હળવા ખૂણાવાળા ચોરસાકાર (સ્ક્વેર) રખાયા છે.

જોબ્સના મૃત્યુ પછીનું સપનું

એપલના સ્થાપક સ્ટિવ જોબ્સનું ઓક્ટોબર ૨૦૧૧માં મૃત્યુ થયું એ પછી તુરંત જ ચિફ ટેક્નોલોજી ડિઝાઈનર જોનાથન ઇવે એપલ વૉચનું સપનું જોયું હતું. જોબ્સના મૃત્યુ પછી ઇવ એલન ડાય અને બીજા કેટલાક એન્જિનિયરોને બોલાવીને આ વાત કરે છે. એ વખતે એપલના ખેરખાં એન્જિનિયરો એપલની ઓપરેટિંગ સિસ્ટમ સેવન (આઈઓ-૭) પર કામ કરી રહ્યા હતા અને ૨૪ કલાક ડિઝાઈન સ્ટુડિયોમાં જ રહેતા હતા. દિવસે આઈઓ-૭ પર કામ કરીને રાત્રે એપલ વૉચના ફંકશનની ચર્ચા થતી. એપલ વૉચ બનાવવાનો નિર્ણય કર્યા પછી ઇવ હોરોલોજી (ઘડિયાળ શાસ્ત્ર)માં ઊંડો રસ લે છે અને નાનામાં નાની વાતોની ચર્ચા કરીને ભવિષ્યના આકાર લેનારા ડિવાઈસના આખરી સ્વરૂપ પર મ્હોર મારે છે.

એપલ વૉચના મેકિંગની કેવિન લિન્ચે આપેલી માહિતી એક બ્રાન્ડનો જન્મ કેવી રીતે થાય છે એની પણ વાત કરે છે. લોકો કોઈ ફિલ્મ, મ્યુઝિક આલબમ કે કોઈ પુસ્તકની આતુરતાથી રાહ જોતા હોય એવું આપણે ઘણી વાર સાંભળ્યું છે, જોયું છે પણ એપલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બનાવતી બ્રાન્ડ હોવા છતાં વિશ્વભરના કરોડો લોકો તેની આતુરતાથી રાહ જુએ છે એના પાછળ વિઝનરી લીડર સ્ટિવ જોબ્સે ઊભું કરેલું અનોખું કોર્પોરેટ કલ્ચર અને ટ્રેડિશન છે.

લિન્ચ અને જોબ્સ વચ્ચે ઐતિહાસિક મતભેદ

કેવિન લિન્ચ એપલમાં જોડાયા એ પહેલાં એડોબમાં ચિફ ટેક્નોલોજી ઓફિસર હતા. એડોબનું લોંગ ટર્મ ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ ઊભું કરવા ઈનોવેટિવ સોફ્ટવેર એન્જિનિયરિંગની જવાબદારી લિન્ચ પાસે હતી. લિન્ચ ઈચ્છતા હતા કે, મોબાઈલમાં એનિમેશન અને વીડિયો સ્ટ્રીમિંગ માટે એડોબની ફ્લેશ પ્લેયર ટેક્નોલોજીનો ઉપયોગ થાય. આઈ ફોન માટે ફ્લેશ પ્લેયર ટેક્નોલોજી ઉત્તમ છે એવું સ્ટિવ જોબ્સને ઠસાવવા એડોબ અને કેવિન લિન્ચે ઘણાં પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન એપ્રિલ ૨૦૧૦માં સ્ટિવ જોબ્સ એપલની વેબસાઈટ પર 'થોટ્સ ઓન ફ્લેશ' નામનો ૧,૭૦૦ શબ્દોનો એક લેખ લખીને સાબિત કરે છે કે, ફ્લેશ ટેક્નોલોજી મોબાઈલમાં ના ચાલે કારણ કે, આ ટેક્નોલોજી બેટરીખાઉ છે, ટચસ્ક્રીનની મુશ્કેલીઓ છે અને પાર વગરના બગ્સ છે. આ ટેક્નોલોજી કમ્પ્યુટર યુગમાં શોધાઈ હતી અને ફક્ત કમ્પ્યુટર માટે યોગ્ય છે, નાનકડા મોબાઈલ માટે નહીં. મોબાઈલ યુગમાં ઓછો પાવર વાપરતા ડિવાઈઝ અને ટચ ઈન્ટરફેસની જરૂર હોય અને ત્યાં ફ્લેશ ટૂંકુ પડે છે...

એપલ વોચના સોફ્ટવેર ડિઝાઈનર કેવિન લિન્ચ

આમ છતાં, એડોબ પોતાની વાતને વળગી રહે છે અને ફ્લેશના લાઈટ વર્ઝન બજારમાં મૂકે છે. આ ટેક્નોલોજીને ગૂગલ, બ્લેકબેરી અને નોકિયા સ્વીકારે છે. જોકે, તમામને ફ્લેશના કારણે પર્ફોર્મન્સની મુશ્કેલી પડે છે અને સ્ટિવ જોબ્સ દરેક બાબતમાં સાચા સાબિત થાય છે. આ દરમિયાન જોબ્સના મૃત્યુ પછી વર્ષ ૨૦૧૩માં કેવિન લિન્ચને એપલમાં નોકરીની ઓફર મળે છે. આ ઓફર લિન્ચ સ્વીકારી લે છે પણ એપલમાં તેમણે શું કરવાનું છે, તેમનો પગાર અને હોદ્દો શું રહેશે એવી કોઈ માહિતી અપાતી નથી. લિન્ચને ફક્ત એટલો જ ખ્યાલ હોય છે કે તેમનો હોદ્દો વાઈસ પ્રેસિડેન્ટ ઓફ ટેક્નોલોજી કે એવો કંઈક છે અને તેમણે એકદમ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. નોકરીના પહેલાં દિવસે એપલમાં અન્ય અધિકારીઓ સાથે તેમની ઓળખાણ પણ કરાવાતી નથી અને સીધા ડિઝાઈન સ્ટુડિયોમાં લઈ જવાય છે.

આ પ્રોજેક્ટ શરૂ કરાય છે ત્યારે એપલ પાસે આઈડિયા સિવાય કંઈ જ નથી હોતું પણ કેવિન લિન્ચ સાબિત કરે છે કે, એપલે તેને લાવીને કોઈ ભૂલ નથી કરી.

નોંધઃ એપલે દસમી એપ્રિલે એપલ વૉચનું પ્રિ-ઓર્ડર બુકિંગ શરૂ કર્યાના પહેલા જ દિવસે દસ લાખ પીસ વેચાઈ ગયા હતા. 

3 comments:

  1. વાહ મજા આવી ગઈ.

    ReplyDelete
  2. એક બ્રાન્ડ કેવી રીતે સર્જાય છે અને લોકોના મગજ પર શા માટે તે રાજ કરે છે, તેનું આ ઉદાહરણ છે. એપ્પલ વોચ પાછળ થતી મહેનતની સ્ટોરી અને માહિતી વાંચવાની મજા પડી ગઈ..

    ReplyDelete
  3. Thx a lott Jaywantbhai, Rahul and Sandeep.

    ReplyDelete