31 December, 2012

...એન્ડ એવોર્ડ ગોઝ ટુ સીએમ


જો તમે શીર્ષક વાંચીને કંઈક જુદું સમજ્યા હોવ તો સ્પષ્ટતા કરી લઈએ કે, આ લેખ ચૂંટણીમાં સતત ત્રીજી જીત મેળવીને વિરોધીઓની બોલતી બંધ કરી દેનારા સીએમ એટલે કે, ચિફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને નહીં પણ કોમન મેન- આમ આદમીને સમર્પિત છે. આમ તો આપણે ટ્વેન્ટી-20 ક્રિકેટ, ફેસબુક પોસ્ટ, ટ્વિટ અને 24x7 ન્યૂઝ ચેનલના જમાનામાં જીવીએ છીએ, જ્યાં દરેક સમાચાર થોડા કલાકો પછી ઈતિહાસ બની જાય છે. વર્ષ 2012માં પણ આમ આદમી એટલે કે, સામાન્ય માણસ માટે મહત્ત્વની અનેક ઘટનાઓ બની જે અત્યારે ભલે લોકોને યાદ નહીં હોય પરંતુ લોકશાહી માટે તે તંદુરસ્ત નિશાની હતી. આ વર્ષે સામાન્ય માણસોએ ભ્રષ્ટાચાર, કાળું નાણું, બળાત્કાર, ન્યુક્લિયર પ્લાન્ટ અને જનલોકપાલ જેવા ‘વિરોધ કરવા લાયક’ મુદ્દા પર જાહેર માર્ગો પર અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આક્રોશ ઠાલવીને રાજકારણીઓ પર દબાણ ઊભું કર્યું. તેથી આ વર્ષે સામાન્ય માણસ, આમ આદમી કે કોમન મેન ખરેખર એવોર્ડને લાયક છે.

હા, સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ સામાન્ય માણસમાં રોજ કમાઈને રોજ ખાતા ખેતમજૂર માંડીને એરકન્ડિશન્ડ ઓફિસમાં લેપટોપ પર કામ કરતા બિઝનેસ એક્સિક્યુટિવનો સમાવેશ થતો હતો. તેઓનો રોષ વ્યક્ત કરવાનો પ્રકાર ભલે જુદો જુદો હતો, પરંતુ તે તમામની આંખોમાં દેખાતા જ્વાળામુખીની વિનાશક તાકાત એકસરખી હતી. સામાન્ય માણસ રસ્તા પર રેલીઓ, બેનરો અને ધરણાં કરીને પોતાના રોષ ઠાલવતા હતા, જ્યારે યુવાનો અને અન્ય શિક્ષિત વર્ગ સોશિયલ મીડિયાની મદદથી પોતાના દિલની વાત કહેતી હતી. સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા યુવાનોને ક્યારેક ‘ઈન્ટરનેટ જનરેશન’નું સંબોધન કરીને બહુ હળવાશથી લેવામાં આવે છે, પરંતુ ખાડી દેશોમાં સોશિયલ મીડિયાની મદદથી રાજકારણીઓ સામે ઊભો થયેલો જુવાળ અને અણ્ણા હજારે આંદોલન વખતે સોશિયલ મીડિયાની પ્રચંડ શક્તિનો આપણા રાજકારણીઓને અંદાજ આવી જ ગયો છે. અને કદાચ એટલે જ તેઓ સેન્સરશિપની મદદથી લોકશક્તિને ઓછી કરવા પ્રયત્નશીલ છે.

હવે રાજકારણીઓએ સમજી લેવું પડશે કે, આ સામાન્ય માણસના દિલમાં ભભૂકતો આ લાવા કોઈ એકાદ ઘટનાથી નહીં પણ રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીના કારણે ઉત્પન્ન થયો છે. મોંઘવારી અને તેના કારણે સર્જાતી નાણાભીડ, રાજકારણીઓના ભ્રષ્ટાચાર, કાળું નાણું, ગુંડાગર્દી, ઘરફોડ ચોરીઓ, બળાત્કાર, બેકારી, જાહેર માર્ગો પર યુવતીઓની ખુલ્લેઆમ છેડતી, બળાત્કારો, સ્થાનિક તંત્રના અણઘડ વહીવટને કારણે ટ્રાફિક અને તૂટેલા ફૂટેલા રસ્તા પર રોજેરોજ ભોગવવી પડતી હાલાકી તેમજ બાળકોના એડમિશન લેવામાં પડતી મુશ્કેલી જેવા અનેક કારણોથી સામાન્ય માણસ જબરદસ્ત આક્રોશમાં જીવી રહ્યો છે. એક વાત નક્કી છે કે, આઝાદી પછી સામાન્ય માણસ અને રાજકારણીઓ વચ્ચેનો સંવાદ સતત ઘટતો ગયો છે અને આ બંને વચ્ચેની ખાઈ દિવસે ને દિવસે પહોળી થઈ રહી છે.

કલાકો સુધી સતત પાણીમાં ઊભા રહીને વિરોધ કરનારા
મધ્યપ્રદેશના ખેડૂતોના  પગ કોહવાઈ ગયા હતા 

એકવાર ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી નિરાંત, એ માનસિકતામાંથી રાજકારણીઓએ જલદીથી બહાર આવી જવું પડશે. કારણ કે, ભારતીય ચૂંટણી પદ્ધતિમાં જેને સૌથી વધુ મત મળે એ જીતી જાય એ જ સૌથી મોટી ખામી બની ગઈ છે. કરિશ્માઈ નેતાઓએ એ વાત યાદ રાખવી જોઈએ કે, રાજકારણમાં પ્રશંસા અને વ્યક્તિપૂજા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. ખરેખર એક બુદ્ધિશાળી ટીકાકાર એકસો પ્રશંસકો કરતા વધુ સારો હોય છે. કારણ કે, સ્વતંત્ર વિચારો ધરાવતા લોકો એ ‘ટોળું’ નથી. તાજેતરમાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વૉચ ડૉગ સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ખાડી દેશોમાં અને યુરોપમાં ફેલાયેલા લોક આંદોલનો ભ્રષ્ટાચાર સામેના આક્રોશમાંથી પેદા થયા છે. આ સંસ્થાએ કુલ 183 દેશમાં ઊંડો અભ્યાસ કરીને આ તારણ આપ્યું હતું. ગ્લોબલ ફાઈનાન્સિયલ ઈન્ટિગ્રિટી દર વર્ષે ભ્રષ્ટાચારના કારણે કયા દેશને કેટલું નુકસાન થયું એ અંગેના આંકડા બહાર પાડે છે.

આ સંસ્થાના આંકડા મુજબ, વર્ષ 2011માં ભ્રષ્ટાચારના કારણે ભારતને 21 લાખ કરોડનું જંગી નુકસાન થયું હતું. બીજી તરફ, ભ્રષ્ટાચારીઓના કરોડો ડૉલર રૂપિયા વિદેશી બેંકોમાં જમા પડ્યા છે. કદાચ એટલે જ વર્ષ 2012માં સામાન્ય માણસે ભ્રષ્ટાચાર સામે કરેલું આંદોલન સૌથી મહત્ત્વનું કહી શકાય. અણ્ણા હજારેની આગેવાનીમાં ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન બેનર હેઠળ બે વર્ષ પહેલાં શરૂ થયેલા આ લોક આંદોલનમાં સામાન્ય માણસ ખૂબ મોટી સંખ્યામાં જોડાયો હતો. આ આંદોલનનો મુખ્ય હેતુ જન લોકપાલ સ્થાપવાનો અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા કડક બનાવવાનો છે. ખેર, આ આંદોલન કેટલું સફળ થયું કે થશે એ કરતા અહીં સામાન્ય માણસે તેમાં કેટલા જુસ્સાથી ભાગીદારી નોંધાવી એ મુદ્દો મહત્ત્વનો છે. આ આંદોલન રાજકીય છે કે બિનરાજકીય તેના કરતા પણ લાખો સામાન્ય માણસો તેમાં જોડાયા તે વાત મહત્ત્વની છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલે તો ‘આમ આદમી’નો મૂડ જોઈને આમ આદમી પક્ષની જ સ્થાપના કરી દીધી.

ઘણાં લોકોને એવું લાગી શકે છે કે, આમ આદમી ફક્ત થોડો સમય રોષ કાઢીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને રાજકારણીઓ થોડો સમય નિવેદનો, મગરના આંસુ અને સમિતિની મદદથી ‘ડેમેજ કંટ્રોલ’ કરીને ફરી એકવાર લાલ લાઈટોમાં ફરવા માંડે છે. પરંતુ સાવ એવું પણ નથી. મધ્યપ્રદેશમાં સપ્ટેમ્બર, 2012માં ખંડવા પાસેના ગોધલગાવના ખેડૂતોને ‘જળ સત્યાગ્રહ’થી મળેલી સફળતા એ લોક આંદોલનનું ઉત્તમ ઉદાહરણ છે. મધ્યપ્રદેશના દસેક જિલ્લાના લોકો બે દાયકાથી ઓમકારેશ્વર, ઈન્દિરા સાગર અને મહેશ્વર એમ ત્રણ હાઈડ્રોપ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહ્યા હતા. કારણ કે, આ પ્રોજેક્ટે તેમની જમીન ડૂબાડી દીધી હતી. સરકાર અને નર્મદા બચાવો આંદોલન વચ્ચેની લાંબી કાનૂની લડત પછી સર્વોચ્ચ અદાલતે વર્ષ 2011માં ઓમકારેશ્વર ડેમની ઊંચાઈ 189થી વધારીને 193 અને ઈન્દિરા સાગર ડેમની ઊંચાઈ 260થી વધારીને 262 કરવાની મંજૂરી આપી હતી. આ વર્ષે વરસાદ સારો થતાં ડેમો ભરાઈ ગયા, અને 150થી વધુ ગામો ડૂબી ગયા. જોકે, સર્વોચ્ચ અદાલતે એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિસ્થાપિતોનું યોગ્ય પુનર્વસન ન થાય ત્યાં સુધી ડેમમાં પાણીનું સ્તર ન વધારવું. પરંતુ સરકારો પુનર્વસન ભૂલી ગઈ અને વળતર આપીને છૂટી ગઈ. જોકે, કેટલાક લોકો તો વળતર ન મળ્યાનો પણ દાવો કરે છે.

એસ.પી. ઉદયકુમાર 

આ ઘટનાથી વ્યથિત 150 ગામના ખેડૂતોએ સતત 17 દિવસ પાણીમાં ઊભા રહીને સરકાર સામે ‘જળ સત્યાગ્રહ’ નામે જંગ છેડ્યો. સરકારે હંમેશાંની જેમ આ આંદોલનની અવગણના કરી, પરંતુ આખા દેશના મીડિયામાં આ ખેડૂતોની તસવીરો છપાઈ અને સરકાર પર દબાણ ઊભું થયું. પરિણામે સરકારે બંને ડેમમાં પાણીનું સ્તર ઘટાડવુ પડ્યું. જોકે, આ સફળતા ટૂંકા ગાળાની પણ હોઈ શકે છે, પરંતુ તેનાથી સામાન્ય માણસે સામુહિક શક્તિ શું છે તે સમજવાનું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, લોકશાહી સમાજમાં સામાન્ય માણસે ‘સામુહિક શક્તિ’નો યોગ્ય દિશામાં, યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખી લેવું જોઈએ. કારણ કે, જ્યાં સુધી સામાન્ય માણસ જ્ઞાતિ-જાતિના ભેદભાવ અને ટૂંકા ગાળાના સ્વાર્થમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી રાજકારણીઓ રાજાશાહી ભોગવતા રહેશે. પરંતુ 2012ના વર્ષમાં સામાન્ય માણસે વિવિધ તબક્કે પોતાની શક્તિનો પરચો બતાવ્યો એ આનંદની વાત છે.

એવી જ રીતે, વર્ષ 2012માં તામિલનાડુમાં એસ.પી. ઉદયકુમારે સામાજિક નેતાગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઉદયકુમાર સામાન્ય શિક્ષક, લેખક અને સામાજિક કાર્યકર છે. તેઓ સાઉથ એશિયન કોમ્યુનિટી ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ નામની સંસ્થા હેઠળ સામાન્ય લોકોને સાથે રાખીને તિરુનવેલીના કુડનકુલનમાં આકાર લઈ રહેલા ન્યુક્લિયર પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. આ પ્લાન્ટથી 30 કિલોમીટર દૂર એક ગામમાં રહેતા ઉદયકુમારે આસપાસના ગામોમાં વસતા અર્ધશિક્ષિત અને અભણ લોકોને ન્યુક્લિયર પાવરની સમજ આપીને આ આંદોલન માટે તૈયાર કર્યા હતા. ઉદયકુમારનું માનવું છે કે, આ પ્લાન્ટથી ‘ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડિયા’ને જ ફાયદો છે, સામાન્ય માણસને નહીં. આ પ્લાન્ટ જાપાનના ફુકુશિમા પ્લાન્ટ જેવી હોનારત સર્જી શકે છે અને તેની 30 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા દસ લાખ લોકોનું જીવન ભયમાં છે. જર્મનીએ પણ દેશની 23 ટકા વીજળી પૂરી પાડતા 17 ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરી દીધા છે. પરંતુ ભારત સરકાર પ્લાન્ટના ન્યુક્લિયર કચરાનો કેવી રીતે નિકાલ કરશે એ વિશે કશું બોલતી નથી. તેઓ અમને પૂરેપૂરી વાત જણાવતા જ નથી.

જોકે, પોલિટિકલ સાયન્સમાં પીએચ.ડી.ની ડિગ્રી ધરાવનારા એ.પી. ઉદયકુમારે સામાન્ય માણસોને સાથે રાખીને ભૂખ હડતાળ, જાહેર સભાઓ, સેમિનારો કર્યા, માથે મુંડન કરાવ્યા, રસ્તાઓ પર રસોઈ કરી અને ન્યુક્લિયર પ્લાન્ટના મોડેલની જાહેર માર્ગો પર આગચંપી કરી. આમ સતત 197 દિવસની લડાઈ ચાલી. છેવટે છઠ્ઠી ફેબ્રુઆરી, 2012ના રોજ બહેરી સરકારના કેન્દ્રીય મંત્રી વી. નારાયણસામીએ ઉદયકુમારની એનજીઓ પર વિદેશી ભંડોળ લેવાનો આરોપ મૂક્યો અને તેમની ત્રણ એનજીઓના લાયસન્સ રદ કર્યા. પરંતુ ઉદયકુમારે હિંમતથી આ બધાનો સામનો કર્યો અને ભારત સરકારે ન્યુક્લિયર પ્લાન્ટમાં સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા છે કે નહીં તેનો અહેવાલ આપવા એક સમિતિની નિમણૂક કરી. તમિલનાડુ સરકારે પણ ચાર નિષ્ણાતોની સમિતિ બનાવીને ન્યુક્લિયર પ્લાન્ટમાં તકેદારી માટે જરૂરી એવો અહેવાલ આપ્યો. તમિલનાડુમાં વીજળીની અછત હોવાથી આ પ્લાન્ટ ચાલુ થશે, પરંતુ આ ઘટનામાં પણ સામાન્ય માણસની સામુહિક તાકાતને પરિણામે આખા દેશનું ધ્યાન એક ઘટના તરફ ગયું અને સરકારે તકેદારી માટે વિચારવું પડ્યું તે વાત મહત્ત્વની છે.

ગાંધી બાપુની તસવીર લઈને પગપાળા દિલ્હી જઈ રહેલા  સત્યાગ્રહીઓ

ગુજરાતના મહુવા નજીક આકાર લેનારો નિરમા સિમેન્ટ પ્લાન્ટ પણ સામાન્ય માણસોના પ્રચંડ વિરોધના કારણે જ રદ કરવો પડ્યો છે. આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર નવ ગામમાંથી આખેઆખા સાત ગામની જમીન આપી દેવા તૈયાર થઈ ગઈ હતી. ખેડૂતો આવિકાસને કેવી રીતે મંજૂર કરે? છેવટે નિરમાએ જૂન 2012માં સિમેન્ટ પ્લાન્ટ માટે રાજસ્થાનમાં જમીન શોધવાનું શરૂ કરવું પડ્યું હતું. એવી જ રીતે, એકતા પરિષદે ગ્વાલિયરથી દિલ્હી સુધી 50 હજાર ખેડૂતોની પદયાત્રા યોજીને કેન્દ્ર સરકાર પર જમીનસુધારાના કાયદા ઘડવાનું દબાણ ઊભું કરવા ઐતિહાસિક પદયાત્રા યોજી હતી. બીજી ઓક્ટોબર, 2012ના રોજ ગાંધીજીના જન્મદિવસથી યોજાયેલી આઠ દિવસ પછી આ પદયાત્રા 11મી ઓક્ટોબરે આગ્રા પહોંચી અને કેન્દ્ર સરકારે જમીન સુધારણા અને વંચિતોને જમીન વહેંચવાનું વચન આપ્યું હતું. કહેવનો અર્થ એ છે કે, ગયા વર્ષે સામાન્ય માણસો અનેકવાર પોતાના હક્ક માટે આગળ આવ્યા અને સરકારે તેની નોંધ લેવી પડી.

આવા જનાક્રોશ પાછળ લોકોની અસુરક્ષિતતાની લાગણી અને સામાન્ય માણસના સતત સંઘર્ષમાંથી ઉદભવેલી નિરાશા જવાબદાર છે. દિલ્હીમાં ચાલુ બસે 23 વર્ષીય યુવતી પર થયેલા સામુહિક બળાત્કાર અને તેના મૃત્યુની ઘટના પછી સામાન્ય માણસના ગુસ્સાના કારણે જ આળસુ વહીવટી તંત્રમાં સ્ફૂર્તિ આવી છે. આ યુવતીને વધુ સારવારની બહાનું કાઢીને તાત્કાલિક સિંગાપોર ખસેડી દેવાઈ હતી. કારણ કે, રાજકારણીઓ સારી રીતે જાણતા હતા કે, આ યુવતીને વધુ સમય સુધી દિલ્હીમાં રાખશે તો તેમની શું હાલત થઈ શકે છે અને લોકોનો ગુસ્સો તેમના પર કેવો ભડકી શકે છે! કારણ કે, સામાન્ય માણસ સતત એવી લાગણી અનુભવી રહ્યો છે કે, પોલીસનો કાફલો અમારા નહીં, પણ રાજકારણીઓની ખડેપગે સુરક્ષા માટે છે. આ પ્રકારની સામુહિક લાગણી કોઈ અણછાજતી ઘટનાને પણ નોંતરી શકે છે એ રાજકારણીઓએ સમજી લેવું પડશે.

રોજિંદી મુશ્કેલીઓથી કંટાળેલા ટોળાને હિંસક બનતા વાર નથી લાગતી. આવો સમાજ માનસિક વિકારોથી પીડાતો હોય છે. બ્રેડ ચોરી કરતા પકડાયેલા ભૂખ્યા બાળકને મૃત્યુ ના થાય ત્યાં સુધી માર મારવો એ આવા જ રોગિષ્ટ સમાજનું લક્ષણ છે. આમ છતાં સામાન્ય માણસ સારા-નરસાનું ભાન રાખીને, ટોળાશાહીથી દૂર રહીને તેમજ નવા વિચારો માટે મગજની બારી ખુલ્લી રાખીને વિરોધ પ્રદર્શન કરે તો તેને ચોક્કસ સફળતા મળે છે એ વાતમાં કોઈ શંકા નથી.

No comments:

Post a Comment