10 December, 2012

મિલ્ખા સિંઘ અને મેરી કોમની ફિલ્મી કહાની


ભારતમાં વિશ્વની કોઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કરતા સૌથી વધુ ફિલ્મો બને છે, પરંતુ આપણે ત્યાં સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ સ્ટારને કેન્દ્રસ્થાને રાખીને ખૂબ ઓછી ફિલ્મો બની છે. હિન્દી સિનેમાનો તાજેતરનો ઈતિહાસ તપાસીએ તો આમિર ખાનની ‘લગાન’, નાગેશ કુકુનુરની ‘ઈકબાલ’, યશરાજ બેનરની ‘ચક દે, ઈન્ડિયા’, અનુરાગ કશ્યપ લિખિત ‘ધન ધના ધન ગોલ’, નિખિલ અડવાણીની ‘પટિયાલા હાઉસ’ અને તિગ્માંશુ ધુલિયાની ‘પાન સિંઘ તોમર’ને સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ કહી શકાય. આમાંની કઈ ફિલ્મો શુદ્ધ સ્પોર્ટ્સ ફિલ્મ ગણાય તે ચર્ચાનો વિષય છે. જોકે હવે કોમનવેલ્થ ગેમ્સ 1958માં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનારા દોડવીર મિલ્ખા સિંઘ અને ઓલિમ્પિકમાં ભારતને કાસ્ય ચંદ્રક અપાવનારી એમ.સી. મેરી કોમના જીવન પરથી ફિલ્મ બની રહી છે. મિલ્ખા સિંઘના જીવન પર આધારિત ‘ભાગ મિલ્ખા ભાગ’ અને મેરી કોમના જીવન પરથી પ્રેરિત ફિલ્મોને આપણે શુદ્ધ સ્પોર્ટ્સ ફિલ્મ કહી શકીએ. કારણ કે, આ બંને ફિલ્મો આત્મકથાત્મક (બાયોપિક) છે.

રાકેશ ઓમપ્રકાશ મહેરાના મહત્ત્વાંકાંક્ષી પ્રોજેક્ટ ‘ભાગ મિલ્ખા ભાગ’માં ફરહાન અખ્તર મિલ્ખા સિંઘની ભૂમિકામાં છે. 29મી નવેમ્બરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ‘ભાગ મિલ્ખા ભાગ’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ટ્રેઈલર જોઈને અંદાજ આવી શકે છે કે, એક એથલેટ જેવું શરીર બનાવવા માટે ફરહાને કેટલી મહેનત કરવી પડી હશે! મિલ્ખાની ભૂમિકા ભજવવા માટે લાંબા વાળ-દાઢી ઉગાડીને પાઘડી પહેરી લેવી સહેલી હતી, પરંતુ એથલેટ જેવું શરીર બનાવવા માટે એક રનરનું ફિટનેસ રેજિમ અનુસરવું અત્યંત કપરું કામ હતું. પરંતુ ફરહાને 38 વર્ષની ઉંમરે આટલી આકરી શારીરિક તાલીમ લઈને લોકોને ચોંકાવી દીધા છે. આ અંગે ફરહાનના પ્રવક્તા કહે છે કે, “ફિલ્મના ટીઝર રિલીઝ થતાં જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મિલ્ખા જેવો દેખાવ બનાવવા તે લાંબા સમયથી મહેનત કરતો હતો. જોકે, ફિલ્મમાં તેનાથી ઘણું વધારે જોવાનું છે.”

‘ભાગ મિલ્ખા ભાગ’ના પોસ્ટરમાં દેખાઈ
રહેલું ફરહાન અખ્તરનું એથલેટિક બોડી 

‘ભાગ મિલ્ખા ભાગ’ સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે, આ ફિલ્મ માટે ફરહાને સખત મહેનત કરી છે. મિલ્ખા સિંઘની ભૂમિકા માટે ફરહાને સતત બે વર્ષ સુધી દોડવીરોના ફિટનેસ રેજિમ અનુસર્યું હતું. આ ઉપરાંત તેણે એથલેટને અપાતી અત્યંત અઘરી તાલીમમાંથી પણ પસાર થવું પડ્યું હતું. આપણે જોઈ શકીએ છીએ કે, ફરહાન તેની છેલ્લી બંને ફિલ્મો ‘કાર્તિક કૉલિંગ કાર્તિક’ અને ‘જિંદગી ના મિલેગી દોબારા’માં ખૂબ જ ચુસ્ત દેખાતો હતો. કારણ કે, એક એથલેટ જેવા દેખાવા માટે તેણે દોડવાની સાથે જિમમાં જઈને ચોક્કસ પ્રકારનું વર્કઆઉટ કરવું પડતું હતું. ફરહાને તેના શરીરને પહેલીવાર આટલું કષ્ટ આપ્યું હતું. તમને નવાઈ લાગશે કે, હવે ફરહાન સાચકલા રનર જેવો બની ગયો છે.

ફરહાનને નજીકથી જાણનારા લોકો કહે છે કે, તેણે મિલ્ખા સિંઘની ભૂમિકામાં ઢળવા માટે એટલા જોરદાર પ્રયાસ કર્યા છે કે, તે એથલેટથી પણ વધારે મિલ્ખા સિંઘ બની ગયો છે. આ અંગે ફરહાન અખ્તર કહે છે કે, “આ એક પડકાર હતો, પણ આ પડકાર ઝીલી લેવા હું ખૂબ ઉત્સાહી હતો. મિલ્ખા સિંઘની ભૂમિકા માટે મારે ફક્ત ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન નહોતું કરવાનું, મારે પંજાબી ભાષા પણ શીખવાની હતી. જોકે, પંજાબી ભાષા શીખવા માટે મેં સંવાદો સારી રીતે બોલાય અને કેટલાક દૃશ્યો સારી રીતે કરી શકાય એ પૂરતું જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તો પણ મારે ઘણી મહેનત કરવી પડે એમ હતી, કારણ કે આખી ફિલ્મમાં પંજાબની ફ્લેવર છે.”

ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર 

મિલ્ખા સિંઘ 

હાલ ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ પર ‘ભાગ મિલ્ખા ભાગ’નું ટ્રેલર જોઈને હજારો લોકો ફરહાનને અભિનંદન આપી રહ્યા છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ 13મી જુલાઈ, 2013ના રોજ રિલીઝ થવા તૈયાર છે. આ અંગે ‘ભાગ મિલ્ખા ભાગ’ના દિગ્દર્શક રાકેશ મહેરા કહે છે કે, “આ ફિલ્મમાં કોઈ એક રમત, ટ્રોફી કે ચંદ્રકની વાત નથી, પરંતુ ‘ભાગ મિલ્ખા ભાગ’માં મિલ્ખા સિંઘ પાસે જે જબરદસ્ત જુસ્સો છે, તેની વાત કરાઈ છે. આ જુસ્સાને હું વિશ્વભરમાં ફેલાવીને લોકોને તેમાંથી કંઈક શીખવવા માંગુ છું. મિલ્ખા સિંઘનું જીવન મુશ્કેલીઓથી ભરપૂર હતું અને આમ છતાં તે વિજેતા થયો. હું વિચારું છું કે, આવી અર્થસભર વાતને લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે.”

બીજી તરફ, સંજય લીલા ભણસાળી પણ છ વાર વિશ્વ ચેમ્પિયન રહી ચૂકેલી મેરી કોમના જીવન પરથી એક ફિલ્મ બનાવી રહ્યા છે. દિગ્દર્શક તરીકે સંજય લીલા ભણસાળી અને મેરી કોમના પાત્રમાં પ્રિયંકા ચોપરા હોવાથી સ્વાભાવિક રીતે જ આ ફિલ્મે અત્યારથી જ હાઈપ ઊભો કર્યો છે. વળી, મેરી કોમનું જીવન પણ બિલકુલ ફિલ્મી રહ્યું છે. મણિપુરના એક અંતરિયાળ ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી મેરી કોમે બે જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી ઓલિમ્પિક મેડલ જીત્યો હતો અને તે પણ પુરુષોના આધિપત્ય વાળી બોક્સિંગ જેવી અત્યંત આકરી મહેનત માંગી લે એવી રમતમાં. મેરી કોમ જાણીતી થઈ એ પહેલાં બસમાં ધક્કા ખાઈને, ઊભા ઊભા બોક્સિંગની પ્રેક્ટિસ કરવા જતી હતી. આવી હાડમારીઓ વેઠીને મેરી કોમ છ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી વિશ્વની એકમાત્ર મહિલા બોક્સર બની છે.

પ્રિયંકા ચોપરા બોક્સિંગ ગ્લવ્ઝમાં

એવું કહેવાય છે કે, મેરી કોમની ભૂમિકા કરવામાં પ્રિયંકા ચોપરાની સાથે દીપિકા પદુકોણે, કરીના કપૂર અને મિનિષા લાંબાના નામ પણ વિચારાયા હતા. આ દરમિયાન ભણસાળીએ તમામ અભિનેત્રીઓને ચારેક મહિના બોક્સિંગની આકરી તાલીમ લેવાની વાત કરી હતી. પરંતુ પ્રિયંકાએ મેરી કોમના પાત્રને પડદા પર જીવંત કરવા ખાસ રસ બતાવ્યો અને ખૂબ ઝડપથી બોક્સિંગની અત્યંત આકરી તાલીમ લેવાની પણ તૈયારી બતાવી. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર, આમ તો ચાર મહિના ખૂબ ઓછો સમય છે, પરંતુ પ્રિયંકા ભરપૂર આત્મવિશ્વાસુ હતી. તેને વિશ્વાસ હતો કે, આકરી તાલીમ લઈને તે મેરી કોમનું પાત્ર ભજવી શકશે. આ ભૂમિકામાં પ્રિયંકાની પસંદગીથી સૌથી વધુ ખુશ ખુદ મેરી કોમ હતી. તેણે કહ્યું હતું કે, “મારી ભૂમિકા ઘણી અભિનેત્રીઓ કરી શકે એમ છે. તે બધી જ ટેલેન્ટેડ છે. પરંતુ મારી ભૂમિકા પ્રિયંકા ભજવશે એ સાંભળીને હું ખુશ છું અને નસીબદાર છું.”

તાજેતરમાં જ અહેવાલ હતા કે, મેરી કોમના પાત્રમાં વાસ્તવિકતા લાવવા પ્રિયંકા મણિપુરના પ્રવાસે ગઈ હતી અને ત્યાં મેરી સાથે થોડા દિવસ ગાળ્યા હતા. આ ફિલ્મની તૈયારી વિશે વાત કરતા પ્રિયંકા કહે છે કે, “હું જિમ જઈને કસરત નથી કરતી અને એટલે હું નર્વસ છું. પરંતુ હવે ઝડપથી  બોક્સિંગની તાલીમ શરૂ કરવા તૈયાર છું. જોકે, હું તેનો સમય સાંભળીને ગભરાઈ ગઈ છું. કારણ કે, મેરી કોમ ત્રણેક કલાક પ્રેક્ટિસ કરે છે, અને એ પણ સવારે ચાર વાગ્યે ઉઠીને.” આ દરમિયાન એવી પણ વાતો વહેતી થઈ હતી કે, પ્રિયંકાને ખુદ મેરી કોમ તાલીમ આપવાની છે. પરંતુ આ ફિલ્મના દિગ્દર્શક ઓમંગ કુમાર કહે છે કે, “આ વાત સાચી નથી. હા તેને બોક્સિંગની સખત તાલીમ આપવાની છે. એ માટે અમે ખાસ કોચ રાખીશું. પરંતુ અત્યારે તેમનું નામ જાહેર કરવું ઘણું વહેલું છે. પ્રિયંકાની તાલીમ પૂરી થઈ ગયા પછી મેરી કોમ તેને બોડી લેન્ગ્વેજ અને મેનરિઝમ શીખવશે.”

ઓલિમ્પિકમાં કાસ્ય ચંદ્રક સાથે મેરી કોમ  
આ ફિલ્મ જોઈને દર્શકોને મેરી કોમની અનેક અજાણી વાતો જાણવા મળશે. જેમ કે, કૌટુંબિક જીવન અને બોક્સિંગની પ્રેક્ટિસ વચ્ચે સંતુલન સાધવા મેરીએ કેટલી મહેનત કરવી પડતી હતી તે કોઈ જાણતું નથી. આ ઉપરાંત મેરીના મેનેજર ઓનલેર કોમ સાથેના પ્રેમલગ્ન વિશે પણ લોકો જાણતા નથી. ફિલ્મમાં આ વાત બખૂબી વણી લેવાઈ છે. આ અંગે મેરી કોમ કહે છે કે, “મારા જીવન પરથી ફિલ્મ બનાવવા ઓમંગ (આ ફિલ્મના દિગ્દર્શક) મને ગયા વર્ષે મણિપુર મળવા આવ્યો હતો. મને ખૂબ આશ્ચર્ય થયું હતું. હું માની શકતી નહોતી કે આવું થઈ શકે છે. તેણે મને કહ્યું હતું કે, આ ફિલ્મ બનાવવા માટે તેને સારો નિર્માતા મળી ગયો છે, અને એ સંજય સર હતા.” 

નોંધનીય છે કે, દિગ્દર્શક તરીકે આ ઓમંગ કુમારની પહેલી ફિલ્મ છે. આ પહેલાં તેઓ ‘બ્લેક’, ‘સાંવરિયા’ અને ‘યુવરાજ’ સહિતની 14 જેટલી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ‘ઈશ્ક વિશ્ક’ અને ‘ના તુમ જાનો ના હમ’માં નાનકડી ભૂમિકા પણ ભજવી છે. ઓમંગ કુમારે પોતાની ફિલ્મમાં મેરી કોમને પ્રિયંકા ચોપરાની વિરોધી બોક્સર તરીકે નાનકડી ભૂમિકા કરવા મનાવી લીધી છે.

No comments:

Post a Comment