કેરળના કોચીના કિલ્લામાં પ્રવેશ કરતા જ વિશ્વવિખ્યાત કલાકારોના ચિત્રો,
શિલ્પો અને જાતભાતના
ઈન્સ્ટૉલેશન જોવા મળે છે. અહીં દુબઈમાં પોતાની લાલચટક ફેરારી કારમાં બેઠેલા એમ.એફ. હુસૈનની તસવીર પણ જોવા મળે છે,
તો અતુલ ડોડિયા મહાન
ભારતીય કલાકારોના પોટ્રેટ સાથે ઓળખાણ કરાવે છે.
કોચીના કિલ્લામાં આવેલા એસ્પિનવૉલ
હાઉસમાં 12મી ડિસેમ્બર, 2012થી કોચી-મુઝિરિસ બિનિઅલ નામે એક ભવ્ય આર્ટ ફેર શરૂ થયો છે.
આ આર્ટ ફેર સતત ત્રણ
મહિના સુધી એટલે કે 13મી માર્ચ, 2012 સુધી ચાલવાનો છે. આયોજકોનું કહેવું છે કે,
અહીં પ્રથમ દિવસે જ લગભગ
દસેક હજાર કલાકારોએ નોંધણી કરાવી દીધી હતી.
કેરળનું કોચી-મુઝિરિસ બિનિઅલ ભારતમાં યોજવામાં આવેલું સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય
કલા પ્રદર્શન છે. કદાચ એટલે જ વિશ્વભરના કલાકારો અને કલા વિવેચકો આ આર્ટ ફેર
પર બાજનજર રાખી રહ્યા છે. આ પ્રકારના આર્ટ ફેરમાં જાહેર સ્થળે જ કલાત્મક રીતે
કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત કલાકૃતિઓના પ્રદર્શન માટે મોટે ભાગે ઐતિહાસિક
સ્થળોની કે બહુ ઉપયોગમાં ના લેવાતી હોય એવી બિલ્ડિંગની પસંદગી કરવામાં આવે છે.
મુઝિરિસ કોડુન્ગલ્લુરમાં
આવેલું દરિયા કિનારાનું બંદરીય શહેર છે. થોડા વર્ષો પહેલાં આ બંદર પરથી જ સ્થાનિક લોકો વિદેશીઓ સાથે
મરીમસાલાનો વ્યાપાર કરતા હતા. તેથી અહીં એક કિલ્લો પણ બાંધવામાં આવ્યો હતો.
કોચી-મુઝિરિસ બિનિઅલ અંતર્ગત કિલ્લાની અંદર અને બહારના અનેક
સ્થળોએ દુનિયાભરના કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
જેમાં ચિત્રો,
શિલ્પો,
ફિલ્મો,
ઈન્સ્ટૉલેશન અને ન્યૂ
મીડિયા એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સ પણ જોવા મળે છે.
આયોજકોના મતે,
કોચી-મુઝિરિસ બાયનેલમાં 24 દેશના 1,300 કલાકારોએ ભાગ લીધો છે.
એક સમયે ખંડેર ભાસતું એસ્પિનવૉલ હાઉસ અત્યારે કલાત્મક પ્રવૃત્તિથી ધમધમતું થઈ ગયું છે |
કોઈ પણ આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનની જેમ કોચી-મુઝિરિસ બાયનેલમાં પણ કલાને લગતા વાર્તાલાપો,
પરિસંવાદો,
શિબિરો અને અન્ય
શૈક્ષણિક પ્રવૃત્તિનું પણ આયોજન થઈ રહ્યું છે.
આ પ્રકારના કાર્યક્રમોનો
હેતુ સ્થાનિક કલાકારો અને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો હોય છે.
આયોજકોને આશા છે કે,
ત્રણ મહિનામાં તેઓ આઠેક
લાખ મુલાકાતીઓને આકર્ષી શકશે. આ કલા પ્રદર્શન યોજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા એક આયોજક
કહે છે કે, કોચીના કિલ્લાની બહાર તમે કારની લાંબી લાઈનો જોઈ શકો છો અને
સાંજ થતા અહીં તમને માણસોના ટોળેટોળા જોવા મળશે.
જાણીતા લેખક પોલ ઝકરિયા
કહે છે કે, “કેરલની સમકાલીની કલાના ઈતિહાસમાં બિનિઅલ ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ શકે છે. મલયાલીઓ ફિલ્મો, નાટકો અને અન્ય કલા પ્રદર્શનોમાં ખાસ્સા ઉત્સાહથી ભાગ લે છે.
પરંતુ અહીં બાયનેલની ખોટ
વર્તાતી હતી. મને આશા છે કે, મારા સાથીદારો તેનો પૂરેપૂરો લાભ ઉઠાવશે. તેનાથી કેરલના પ્રવાસન ઉદ્યોગને પણ ફાયદો થશે.”
આ આર્ટ ફેરથી ખુશખુશાલ કલાકારો કહે છે કે,
કેરલમાં અત્યાર સુધી મ્યુઝિયમ
કે ગેલેરી કલ્ચરની બહુ જ મોટી ખોટ વર્તાતી હતી.
પરંતુ કોચી-મુઝિરિસ બાયનેલની શરૂઆતથી તે ખોટ થોડીઘણી પણ ભરપાઈ થઈ શકે
એમ છે. આ અંગે જાણીતા કલાકાર બોઝ ક્રિષ્ણામાચારી કહે છે કે,
“અમે ઝીરોથી શરૂઆત કરી
હતી અને એ વખતે અમારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે કલ્ચર પોલિસી જેવું કશું ન હતું.
પરંતુ બાયનેલના કારણે
ભારતમાં સમકાલીન કલાને લગતી કોઈ પ્રવૃત્તિ શરૂ થઈ છે.” જ્યારે આ કલા પ્રદર્શનમાં કો-ક્યુરેટર તરીકે સેવા આપી રહેલા રિયાઝ કોમુ કહે છે કે,
“અમે એક ચળવળનો ભાગ બની
શક્યા છીએ અને દુનિયાના કલાના નકશામાં ભારતને મૂકવાનો અમને ગર્વ છે. લોકો સુધી સંદેશ પહોંચાડવી એ આપણી ફરજ છે.”
જુદા જુદા વાસણોનો ઉપયોગ કરી બનાવેલી સુબોધ ગુપ્તાની ‘ધ લાઈન ઓફ કંટ્રોલ’ કલાકૃતિ |
એલ્યુમિનિયમ અને લાકડામાંથી બનાવેલું કલાકાર સુંદરમ શેટ્ટીનું શિલ્પ |
કેરલનું કોચી અને મુઝિરિસ એક સમયે મરીમસાલાના વેપારનું કેન્દ્ર ગણાતું હતું.
જોકે આ વેપાર મોટે ભાગે ઈંગ્લિશ,
ડચ અને પોર્ટુગિઝોએ
વહેંચી લીધો હતો. બસ, આ વાતને ધ્યાનમાં રાખીને જ ક્યુરેટરોએ કોચી-મુઝિરિસ બિનિઅલ માટે આ સ્થળની પસંદગી કરી હતી.
જોકે,
આ માટે તેમને
મુશ્કેલીમાંથી પણ પસાર થવું પડ્યું હતું. કારણ કે, કોચી-મુઝિરિસ બાયનેલને મળેલા પ્રચંડ પ્રતિસાદના કારણે ક્યુરેટરોએ
એક-બે નહીં પણ સતત દસ વાર કલા પ્રદર્શનની જગ્યા વધારવા જાતભાતના નુસખા અજમાવવા
પડ્યા હતા. એવી જ રીતે તમામ કલાકારોને પણ તેમના ઈન્સ્ટૉલેશનને ધ્યાનમાં
રાખીને જ જગ્યા ફાળવવામાં આવે છે.
જેમ કે, કલાકારો ક્રિસ્ટોફર સ્ટોર્ઝ અને શીલા ગૌડાએ જાતભાતના 170
પત્થરનું ઈન્સ્ટૉલેશન
કર્યું છે. એક સમયે કોચીના મરીમસાલા બજારમાં મસાલાનું વજન કરવા માટે આ
પત્થરોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પ્રકારના બજાર સો-બસો વર્ષ પહેલાં જેટી તરીકે ઓળખાતા હતા.
ક્રિસ્ટોફર ઉત્સાહપૂર્વક
કહે છે કે, “અહીં પ્રદર્શિત કરેલા તમામ પત્થરની એક આગવી કહાની છે. એક સમયે તે અહીંના લોકોના જીવનનો અભિન્ન હિસ્સો હતા,
પરંતુ હવે આ પ્રકારના
પત્થરોની કોઈ જરૂરિયાત નહીં હોવાથી તે રસ્તામાં ફેંકી દેવાયા છે.” શીલાનું કહેવું છે કે,
“કંઈક આવા જ કારણોસર આ
પત્થરોને અહીં લાવવા જરૂરી હતા. કારણ કે, તેની સાથે યાદો અને કહાનીઓ જોડાયેલી છે.”
જોકે, કેરલના અનેક સ્થાનિક કલાકારોએ કલાકૃતિઓ પસંદ કરવામાં પારદર્શકતા નહીં જાળવી
હોવાના આરોપો મૂકતા આ આર્ટ ફેર વિવાદમાં ઢસડાયો છે.
બીજી તરફ,
કેરલના જ અનેક કલાકારોએ
આવા આરોપોને ફગાવી દીધા છે અને કોચી-મુઝિરિસ બાયનેલમાં સહકાર આપવાનું પસંદ કર્યું છે.
નોંધનીય છે કે,
‘ફોર્બ્સ’
મેગેઝિને વર્ષ 2012ના મહત્ત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોની યાદીમાં ભારતમાંથી
ફક્ત કોચી-મુઝિરિસ બાયનેલનો જ સમાવેશ કર્યો છે. કારણ કે, આ પ્રદર્શનમાં ત્રણેક મહિનામાં જ આઠ લાખ જેટલા વિદેશી પ્રવાસીઓ આવશે એવો
નિષ્ણાતોનો અંદાજ છે.
બાયનેલની શરૂઆત ક્યાંથી થઈ હતી?
બોઝ ક્રિષ્ણામાચારી અને રિયાઝ કોમુ |
ઈટાલીના વેનિસ શહેરમાં દર બે વર્ષે સમકાલીન કલાકારોને પ્રોત્સાહિત કરવાના
હેતુથી એક ભવ્ય આર્ટ ફેરનું આયોજન કરવામાં આવે છે.
બિનિઅલ ઈટાલિયન શબ્દ છે,
અને તેનો અર્થ થાય છે ‘દર બે વર્ષે’. સૌથી પહેલો બિનિઅલ વર્ષ 1895માં યોજાયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે,
વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ પણ
આ જ આર્ટ ફેરનો હિસ્સો છે. જેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે,
આ આર્ટ ફેરનું આયોજન
કેટલા મોટા પાયે કરવામાં આવતું હશે! એટલું જ નહીં, આ આર્ટફેર અંતર્ગત વેનિસ બિનિઅલ ઓફ આર્કિટેક્ચરનું પણ આયોજન
કરાય છે અને વર્ષ 1999થી તેમાં ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ કન્ટેમપરરી ડાન્સ પણ
ઉમેરવામાં આવ્યો છે. આ દરમિયાન વર્ષ 2010માં મુંબઈ સ્થિત કલાકારો બોઝ ક્રિષ્ણામાચારી અને રિયાઝ
કોમુને કેરલના સંસ્કૃતિ મંત્રી એમ.એ. બેબીએ વેનિસ બિનિઅલ પ્રકારના આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનને
કેરલમાં શરૂ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. તેમનો હેતુ ભારતના સમકાલીન કલાકારોને એક મજબૂત માધ્યમ પૂરું
પાડવાનો હતો. આ વિચારમાંથી જ કોચી-મુઝિરિસ બાયનેલનો જન્મ થયો છે.
આમ હાલ વિશ્વભરમાં વેનિસ
બાયનેલની 150થી પણ વધુ આવૃત્તિનું આયોજન કરાય છે.
જોકે,
વિવિધ દેશોમાં યોજાતા આ
પ્રકારના આર્ટ ફેરમાં સ્થાનિક કલા-સંસ્કૃતિ, ફિલ્મો, નાટકો, સંગીત અને સાહિત્ય વગેરેને જ વધુમાં વધુ પ્રોત્સાહિત
કરવામાં આવે છે.
નોંધઃ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.
No comments:
Post a Comment