01 December, 2012

આમિર ખાનઃપરફેક્ટ, ક્રિએટિવ અને ઈનોવેટિવ


આમિરખાનનું નામ જે ફિલ્મ સાથે સંકળાયેલું હોય તેની રિલીઝ પહેલાં જોરશોરથી ચર્ચા ન થાય તો જ નવાઈ! જોકે, આમિર ખાનની ફિલ્મો જેટલી દમદાર હોય છે એટલું જ તેનું પ્રમોશન પણ. સામાન્ય રીતે એવું મનાય છે કે, કોઈ પણ ફિલ્મની પ્રિ-રિલીઝ ચર્ચા સારી રહી તો સમજવું તે બોક્સઓફિસ પર નુકસાન તો નહીં જ કરે. આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘તલાશ’ના પહેલાં બે દિવસના બોક્સ ઓફિસ આંકડા જોઈને પણ આવું જ લાગી રહ્યું છે. બીજી તરફ, આશરે રૂ. 40 કરોડમાં બનેલી આ ફિલ્મના સેટેલાઈટ હક્કો તેની રિલીઝ પહેલાં જ રૂ. 50 કરોડમાં વેચાઈ ગયા હતા. જોકે, ‘તલાશ’નું પ્રમોશન આમિર ખાનની અગાઉની ફિલ્મો કરતાં ઘણું અલગ હતું અને તેની ચોતરફ જોરશોરથી ચર્ચા પણ નહોતી થઈ.

આમિર ખાને છેલ્લે છેલ્લે કરેલા પ્રમોશનથી ‘તલાશ’ જેવી સસ્પેન્સ ફિલ્મના શરૂઆતના બોક્સ ઓફિસ આંકડા કેટલા પ્રભાવિત થયા હશે?‘તલાશ’ની રિલીઝના ગણતરીના દિવસો બાકી હતા એ પહેલાં જ લોકોમાં ફિલ્મની વાર્તા અંગે કુતુહલ ઊભું કરવામાં આમિર ઘણો સફળ રહ્યો હતો. એ દિવસોમાં આમિર ખાન કે ‘તલાશ’ને લઈને મીડિયામાં થયેલી ચર્ચા આ વાતની સાબિતી છે. આપણે એટલું તો સ્વીકારવું પડે કે, આમિર ફિલ્મની સ્ક્રીપ્ટ પર જેટલી મહેનત કરે છે, એટલી જ મહેનત ફિલ્મનાપ્રમોશન માટે પણ કરે છે. તેનું ક્રિએટિવ અને ઈનોવેટિવ ફિલ્મ પ્રમોશન એટલે જ જોવાલાયક બની જાય છે.


આમિર ખાન ‘તલાશ’ના સૂર્જનસિંઘ શેખાવતના ગેટ-અપમાં

‘તલાશ’ એક સસ્પેન્સ ડ્રામા ફિલ્મ હોવાથી આમિર ખાને ઘણાં લાંબા સમય સુધી ફિલ્મની વાર્તા અને તેના પાત્રો અંગે ચૂપકીદી સેવી હતી અને છેક રિલીઝ વખતે પ્રમોશન કર્યું હતું. કદાચ એટલે જ ફિલ્મ વિવેચકો ‘તલાશ’ને વર્ષ 2012ની સૌથી ‘અન્ડર હાઈપ્ડ’ ફિલ્મ ગણાવી રહ્યા છે. એટલું જ નહીં, ‘તલાશ’ એક સસ્પેન્સ ફિલ્મ હોવાથી નિર્માતાઓ આમિર ખાન, રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે ફિલ્મ સાથે સંકળાયેલાતમામ કલાકારો સાથે નોન-ડિસ્ક્લોઝર એગ્રિમેન્ટ પણ સાઈન કરાવ્યા હતા. ‘તલાશ’ના દિગ્દર્શક, સ્ક્રીપ્ટ રાઈટર અને સ્ક્રીનપ્લે રાઈટર રીમા કાગ્તી જણાવે છે કે, “અમે ‘જબ તક હૈ જાન’, ‘સન ઓફ સરદાર’ અને ‘ખિલાડી 786’ વચ્ચે સેન્ડવિચ થઈ જઈએ એવી સ્થિતિ હતી. આ ત્રણેય ફિલ્મોએ જોરદાર હાઈપ ઊભો કર્યો હતો. અમે આ ફિલ્મોથી વધુ મોટો અવાજ કરી શકતા હતા, જે અશક્ય હતું. અથવા અમે ધીમા અવાજે બોલી શકતા હતા. અમે બીજો વિકલ્પ પસંદ કર્યો. કારણ કે, આ એક સસ્પેન્સ ફિલ્મ હોવાથી અમે તેના વિશે વધુ કંઈ કહી શકીએ એવી સ્થિતિમાં જ નથી.”

આમિર સારી રીતે જાણે છે કે, મીડિયા માટે ‘તલાશ’ની વાર્તાનો ‘એક્સક્લુસિવ’ અહેવાલ કેટલો મહત્ત્વનો છે. એટલે જ આમિરે આ વખતે મીડિયા પાસે સામેથી જવામાં સાવચેતી રાખી હતી. ‘તલાશ’ની રિલીઝ પહેલાં આમિરે ગણ્યા ગાંઠ્યા જ ઈન્ટરવ્યૂ આપ્યા હતા અને એક મ્યુઝિક ઈવેન્ટમાં હાજરી આપી હતી. હા, તે સોની ટેલિવિઝન પર આવતી સુપરહીટ સિરિયલ ‘સીઆઈડી’માં દેખાયો હતો. કારણ કે, આ સિરિયલ ‘તલાશ’ના પ્રમોશન માટે એકદમ પરફેક્ટ છે. આ ઉપરાંત તેણે સ્ટાર પ્લસ પર ‘નઈ સોચ કી તલાશ, આમિર કે સાથ’ નામના એક સ્પેશિયલ શૉમાં ભાગ લીધો હતો. આ શૉમાં સ્ટાર પ્લસની ‘દિયા ઓર બાતી’, ‘મુજસે કુછ કહેતી હૈ યે ખામોશિયા’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘સાથ નિભાના સાથિયા’, ‘એક હજારોમેં મેરી બહેના હૈ’, અને ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’ જેવી વિવિધ સિરિયલના કલાકારોએ આમિર ખાનને ‘તલાશ’ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જોકે, આ શૉ પણ છેક ‘તલાશ’ની રિલીઝના આગલા દિવસે પ્રસારિત થયો હતો. ફિલ્મ પ્રમોશનનો આવો ક્રિએટિવ તુક્કો પણ પહેલાં કોઈએ અજમાવ્યો નથી.

સ્ટારના સ્પેશિયલ શૉ ‘નઈ સોચ કી તલાશ, આમિર કે સાથ’માં આમિર ખાન

‘તલાશ’ની રિલીઝનું એક જ અઠવાડિયું બાકી હતું ત્યારે તેણે દેશભરના નવ શહેરોમાં ક્રાઈમ રિપોર્ટર્સ અને ઈન્વેસ્ટિગેટિવ પત્રકારોને મળવાનું શરૂ કર્યું હતું. જોકે, આ શહેરોમાં પણ આમિરે પૂણે અને લખનઉ જેવા શહેરો પસંદ કર્યા હતા, પરંતુ મુંબઈ અને દિલ્હીની બાદબાકી કરી દીધી હતી. આમિરને નજીકથી જાણતા ઓળખતા લોકો કહે છે કે, આમિર ઘણાં સમયથી ઈન્વેસ્ટિગેટિવ પત્રકારો કેવી રીતે કામ કરે છે એ જાણવા માંગતો હતો અને ‘તલાશ’ના કારણે તેને આ તક મળી છે.

આ દરમિયાન આમિર ખાને ‘સત્યમેવ જયતે’ શૉમાં ભાગ લેનારા અબ્દુલ હકીમની હત્યા અંગે ઉત્તરપ્રદેશના મેરઠની મુલાકાત લીધી હતી. મેરઠના અદોલી ગામમાં રહેતો 29 વર્ષીય અબ્દુલ હકીમ બહુચર્ચિત ટેલિવિઝન શૉ ‘સત્યમેવ જયતે’માં હાજરી આપીને ખાપ પંચાયતો વિરુદ્ધ ખુલ્લેઆમ બોલ્યો હતો.મેરઠમાં આમિરે અબ્દુલની વિધવા અને તેની પુત્રીની રક્ષા માટે પોલીસને અપીલ કરી હતી. કારણ કે, અબ્દુલના ગામના લોકો અબ્દુલની વિધવા અને પુત્રીને મારી નાંખવાની ધમકીઓ આપી રહ્યા છે.ખરેખર ‘તલાશ’ની રિલીઝ વખતે અબ્દુલની હત્યા ફક્ત એક યોગાનુયોગ છે. આમિરે પણ કોઈ જાતનો શોરબકોર કર્યા વિના અને અબ્દુલના મોતનો મલાજો જાળવીને જ મેરઠની મુલાકાત લીધી હતી. જોકે, વાંકદેખા આ મુલાકાતને પણ ‘તલાશ’ માટેનો પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે.

ખેર, ‘જબ તક હૈ જાન’, ‘સન ઓફ સરદાર’ અને ‘ખિલાડી 786’ જેવી ફિલ્મોની સરખામણીમાં ‘તલાશ’ને અન્ડર હાઈપ્ડ રાખવાનો આમિરનો વ્યૂહ સફળ પુરવાર થયો અને ફિલ્મ અંગે લોકોની ઈંતેજારી આપોઆપ વધી ગઈ હતી. આમિર ખાને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી સાથે મળીને ‘તલાશ’ને વર્ષ 2012ની સૌથી ‘અન્ડર હાઈપ્ડ’ ફિલ્મ રાખવાની યોજના બનાવી હતી. આમિરને ડર હતો કે, કદાચ ‘તલાશ’ જેવી સસ્પેન્સ ડ્રામા ફિલ્મની વાર્તા લિક થઈ જાય તો બોક્સ ઓફિસના આંકડાને અસર થઈ શકે છે. ‘તલાશ’ના પ્રમોશન માટે લીધેલો આ નિર્ણય ખરેખર યોગ્ય હતો. ‘તલાશ’ની રિલીઝ ડેટ પણ નિર્માતાઓએ પૂરતા હોમવર્ક પછી નક્કી કરી હતી. છેલ્લાં કેટલાક વર્ષોથી મોટા સ્ટાર્સની ફિલ્મો જાહેર રજા કે તહેવારોના દિવસે રિલીઝ કરવાનો વણલખ્યો નિયમ છે. આમિરની અગાઉની ત્રણેય સુપરહીટ ફિલ્મો ‘3 ઈડિયટ્સ’, ‘ગજની’ અને ‘તારે જમીં પર’ પણ ક્રિસમસમાં રજૂ થઈ હતી. જ્યારે ‘તલાશ’દેશભરના 2,400 થિયટરમાં એક સામાન્ય શુક્રવારે રિલીઝ થવાની છે.

આમિર ખાન અન્ય સ્ટાર્સની જેમ ફિલ્મની રિલીઝ પહેલાં જાહેર સ્થળોએ જઈને હાથ ઊંચા કરીને સંતોષ નથી માની લેતો. તે ફિલ્મમેકિંગની જેમ પ્રમોશનમાં પણ પરફેક્શનિસ્ટ અને ઈનોવેટિવ છે. ‘3 ઈડિયટ્સ’ની રિલીઝ પહેલાં તેણે દેશભરના થિયેટરોમાં ચમકદાર રંગના ‘પ્લાસ્ટિક બમ’ની વહેંચણી કરી હતી. આ ઉપરાંત ‘3 ઈડિયટ્સ’ના પોસ્ટરમાં પણ તેણે આ હાસ્ય ઉપજાવે એવા તસવીરોનો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે ‘ગજની’ના પ્રમોશન માટે આમિર હેરડ્રેસરને લઈને અચાનક મલ્ટીપ્લેક્સ કે કોઈ જાહેર સ્થળે પહોંચી જતો હતો, અને ત્યાં જઈને કોઈને ‘ગજની’ સ્ટાઈલ વાળ કપાવી આપતો હતો.

‘તલાશ’નું  અન્ડરવૉટર દૃશ્ય ભજવતી રીમા કાગ્તી. રાણી મુખર્જી સાથે 

આમિર ખાન એક કલાકાર છે અને તેને પોતાની ફિલ્મનું પ્રમોશન કરવાનો પૂરેપૂરો હક્ક છે. વળી, આમિર પોતાની ફિલ્મનો પ્રચાર નિર્દોષ રીતે જ કરે છે. તેની ફિલ્મ સાથે રિલીઝ થતી અન્ય ફિલ્મને નીચી બતાવવી કે વાણીવિલાસ કરવો આમિરના સ્વભાવમાં નથી. એટલે જ અત્યારના ટેલેન્ટેડ સ્ક્રીપ્ટ રાઈટરો અને દિગ્દર્શકો આમિર સાથે વારંવાર કામ કરવા માંગે છે. અગાઉ આમિર પર એવા પણ આરોપો થયા છે કે, તે દિગ્દર્શકના દરેક કામમાં માથું મારતો રહે છે. પરંતુ હજુ સુધી ક્યારેય કોઈ દિગ્દર્શકે તેની સામે આવો આક્ષેપ નથી કર્યો. ઊલટાનું ‘તલાશ’ના દિગ્દર્શક રીમા કાગ્તી તો જણાવે છે કે, “હું આમિર સાથે બીજી વાર કામ કરીને મારા હાથ બંધાવવા છું. અમે બંને જે કંઈ કરીએ એ માટે અતિ ઉત્સાહી હોઈએ છીએ. તેથી અમે સાથે કામ કરીએ ત્યારે અમારી સ્થિતિ ‘હાઉસ ઓન ફાયર’ જેવી હોય છે.”

‘તલાશ’નું એક અન્ડરવૉટર દૃશ્ય કરવા આમિરે સ્વિમિંગની ત્રણ મહિના સુધી આકરી તાલીમ લીધી હતી અને પછી જ તે દૃશ્ય ભજવ્યું હતું. નવાઈની વાત એ છે કે, આમિરખાન ફક્ત ત્રણ જ મહિનામાં અન્ડરવૉટર સ્વિમિંગ શીખી ગયો હતો. આમ છતાં, આમિર તેનો શ્રેય પોતાના સ્વિમિંગ ટ્રેઈનરને આપે છે. કદાચ એટલે જ આમિર સાથે કામ કરનારા તમામ દિગ્દર્શકો તેને ‘પર્ફેક્શનિસ્ટ’ કહે છે. આ અંગે આમિર કહે છે કે, “હું નથી માનતો કે, હું પરફેક્શનિસ્ટ છું. મને લાગે છે કે, કોઈ એવું બની પણ ન શકે. હું મારા કામનો આનંદ લઉં છું અને તેથી હું ખૂબ જ કાળજીપૂર્વક કામ કરી શકું છું, અને લગભગ કોઈ પણ વસ્તુમાં ખામી ન રહી જાય તેનું ધ્યાન રાખું છું. જ્યાં સુધી ક્રિએટિવ ક્ષેત્રની વાત છે ત્યાં સુધી મને નથી લાગતું કે બધું જ પરફેક્ટ બની શકે. ક્રિએટિવિટીની દુનિયામાં કશું જ પરફેક્ટ નથી.”

No comments:

Post a Comment