23 December, 2012

ડેવિડ ધવન ‘ચશ્મે બદ્દુર’નો જાદુ પુનઃજીવંત કરશે


ભારતીય સિનેમાની રોમેન્ટિક કોમેડી ફિલ્મોની યાદીમાં નિશંકપણે સઈ પરાંજપેની ‘ચશ્મે બદ્દુર’ને સ્થાન આપી શકાય. વર્ષ 1981માં આવેલી આ ફિલ્મને દર્શકો અને વિવેચકો બંનેને પસંદ પડી હતી. જોકે, ‘ચશ્મે બદ્દુર’ એક રોમેન્ટિક કોમેડી હોવા છતાં તેમાં બાલીશ દૃશ્યો ન હતા. કેટલાક ફિલ્મ વિવેચકોના મતે તો આ ફિલ્મ પછી ફરી એકવાર સ્વચ્છ અને ઉચ્ચ કક્ષાનું મનોરંજન પીરસતી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ‘ચશ્મે બદ્દુર’ પછી જ ફારૂક શેખ અને દીપ્તિ નવલની જોડી પણ એ વખતના મધ્યમવર્ગીય સમાજમાં ખૂબ લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મ પછી જ તેમણે ‘સાથ સાથ’ અને ‘કથા’ જેવી હીટ ફિલ્મો આપી હતી. ‘ચશ્મે બદ્દુર’ની સફળતાથી પ્રભાવિત થઈને ધર્મેન્દ્રએ પોતાના બેનર હેઠળ બની રહેલી એક બિગ બજેટ કોમેડી ફિલ્મ માટે સઈ પરાંજપેને સાઈન કર્યા હતા. સઈએ ધર્મેન્દ્રની સાથે શબાના આઝમીને લઈને ‘બિચ્છુ’ નામની આ ફિલ્મ શરૂ પણ કરી, પરંતુ કમનસીબે આ ફિલ્મ ક્યારેય પૂરી ન થઈ શકી. ખેર, હવે ડેવિડ ધવન ‘ચશ્મે બદ્દુર’ની રિમેક લઈને આવી રહ્યા છે.

સઈ પરાંજપેની ‘ચશ્મે બદ્દુર’માં સિદ્ધાર્થ પરાશર (ફારૂક શેખ) અને નેહા રાજન (દીપ્તિ નવલ) મુખ્ય ભૂમિકામાં છે. સિદ્ધાર્થ, ઓમી (રાકેશ બેદી) અને જોમો (રવિ બાસવાની) સાથે રહીને દિલ્હી યુનિવર્સિટીમાં ભણતા હોય છે. ત્રણેય રૂમ-મેટમાં સિદ્ધાર્થ પુસ્તકિયો કીડો છે, જ્યારે ઓમી અને જોમો ફિલ્મો, નાટકો, છોકરીઓની પાછળ પાગલ છે. આ ત્રણેય મિત્રો વચ્ચે એક જ વાત કોમન છે, સ્મોકિંગ. હવે, તેમની પાડોશમાં નેહા રાજન (દીપ્તિ નવલ) રહેવા આવે છે. ઓમી અને જોમો તેને પ્રભાવિત કરવા પ્રયાસ કરે છે. નેહાને લઈને ઓમી અને જોમો એકબીજા સામે ઘણું જુઠ્ઠાણું ચલાવે છે. પરંતુ ડૉર ટુ ડૉર જઈને ‘ચમકો’ વૉશિંગ પાઉડર વેચતી નેહા એક દિવસ તેમના ઘરે આવી પહોંચે છે. તેને જોઈને ઓમી અને જોમો છોભીલા પડી જાય છે, અને તેમની હાલત જોવા જેવી થાય છે.

‘ચશ્મે બદ્દુર’ (1981)નું પોસ્ટર

આ દરમિયાન સિદ્ધાર્થ અને નેહા એકબીજાને પસંદ કરવા લાગ્યા હોય છે, પરંતુ સિદ્ધાર્થના મિત્રોને આ સંબંધ પસંદ નહીં હોવાથી તેમને છૂટા પાડવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ, ત્રણેય મિત્રો અને સ્થાનિક દુકાનદાર લલ્લન મિયાં વચ્ચેની વાર્તા પણ ચાલતી રહે છે. મિયાં પાસેથી ઉધાર સિગરેટો લઈને તેમના પર દેવું થઈ ગયું હોય છે. આ ઉપરાંત ફિલ્મમાં અપહરણની પણ વાત છે. ઓમી નેહા સાથે લગ્ન કરવા પોતાના મિત્રો અને નેહાની દાદી સાથે મળીને નેહાનું અપહરણ કરે છે. પરંતુ કમનસીબે તેનું સાચુકલી ગેંગ દ્વારા અપહરણ થઈ જાય છે. જોકે, આવી ગુંચવાડાભરેલી વાર્તામાં સતત હાસ્ય છલકાતું રહે છે.

હવે, ડેવિડ ધવનની ‘ચશ્મે બદ્દુર’ની ખાસ વાત એ છે કે, આ ફિલ્મની વાર્તા પણ સઈ પરાંજપેએ જ લખી છે. જેમાં સિદ્ધાર્થની ભૂમિકા પાકિસ્તાની ગાયક, સંગીતકાર, ગીતકાર, અભિનેતા અને ચિત્રકાર અલી ઝફર કરી રહ્યો છે. ‘તેરે બિન લાદેન’, ‘લવ કા ધ એન્ડ’, ‘મેરે બ્રધર કી દુલ્હન’ અને ‘લંડન પેરિસ ન્યૂયોર્ક’ જેવી ફિલ્મોથી જાણીતો થયેલો અલી ઝફર ભારતીય દર્શકો માટે જાણીતો ચહેરો છે. ‘ચશ્મે બદ્દુર’ની ઓફર કેવી રીતે થઈ હતી એ અંગે અલી કહે છે કે, “ડેવિડ ધવને મને ફોન કરીને આ ફિલ્મ ઓફર કરી હતી. આ પહેલાં હું તેમને ક્યારેય મળ્યો ન હતો. પરંતુ મને જેટલા લોકો ઓળખતા હતા તેમણે મને ડેવિડ ધવન સાથે કામ કરવાની સલાહ આપી. કારણ કે, જે ફિલ્મ સાથે તેમનું નામ જોડાયેલું હોય છે તે બ્લોકબસ્ટર જ હોય છે. તેથી હું તેમને રૂબરૂ મળ્યો. તેઓ મને ખૂબ જ પ્રેમાળ લાગ્યા. તેમણે મને જે સ્ક્રીપ્ટ સંભળાવી તે અત્યંત કોમેડી હતી. હવે આ ફિલ્મને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું.”

આ ફિલ્મ સાઈન કરતાં પહેલાં અલીએ સઈની ‘ચશ્મે બદ્દુર’ જોઈ હતી. આ ફિલ્મની સરળતા અને નિર્દોષતા અલીને સ્પર્શી ગઈ હતી. અલી હસીને કહે છે કે, “ત્રણેય મિત્રો ચમકો વૉશિંગ પાઉડરનો ઉપયોગ કરે છે તે દૃશ્ય મને ખૂબ જ ગમ્યું. હું ફારૂકભાઈનો પણ બહુ મોટો ચાહક છું. તેમના સમયના કલાકારોમાં તે બધાથી અલગ હતા અને મને નથી લાગતું કે, હું તેમના પેંગડામાં પગ નાંખી શકું.” જોકે, સઈ પરાંજપેને લાગે છે કે, ફારૂક શેખ અને અલી જફરમાં ગજબનું સામ્ય છે. તેઓ કહે છે કે, “શેખ અને જફર બંને ભદ્ર સમાજના સંસ્કારી યુવકો છે. તે બંનેના ચહેરા પર માસુમિયત છલકે છે. જ્યારે મેં અને મારી સહ-લેખિકા રેણુકાએ આજના જમાના પ્રમાણે ‘ચશ્મે બદ્દુર’ લખવાનું શરૂ કર્યું ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે, ફારૂકની ભૂમિકામાં અલી જ હશે.”


ડાબેથી સિદ્ધાર્થ, તાપ્તી, દિવ્યેન્દુ અને અલી

જોકે, આ ફિલ્મમાં ગાયક તરીકે પણ અલી જફરની પસંદગીથી ઘણાં લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ ડેવિડ ધવનનું કહેવું છે કે, “અલીએ ‘લવ કા ધ એન્ડ’માં જે ગીતો ગાયા હતા તે મને ખૂબ જ પસંદ પડ્યા હતા. આ ફિલ્મની ગાયકીમાં પણ મારે આવી ‘કન્ટેમ્પરરી ફિલ’ જોઈતી હતી.” એવું કહેવાય છે કે, ‘ચશ્મે બદ્દુર’ની રિમેકના કાસ્ટિંગમાં ડેવિડ ધવને કોઈ કચાશ રાખી નથી. દીપ્તિ નવલની ભૂમિકામાં તેમણે તમિળ અભિનેત્રી તાપ્તી પન્નુ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તાપ્તીની આ પહેલી હિન્દી ફિલ્મ હશે, પરંતુ તે દસથી પણ વધુ તમિળ, તેલુગુ અને મલયાલમ ફિલ્મ કરી ચૂકી છે. વર્ષ 2008ની ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં તાપ્તી ‘પેન્ટાલૂન્સ ફેમિના મિસ ઈન્ડિયા ફ્રેશ ફેસ’ અને ‘ફેમિના મિસ બ્યુટિફૂલ ફેસ’ ટાઈટલ જીતી હતી.

ડેવિડ ધવને રવિ બાસવાનીની ભૂમિકા માટે ‘રંગ દે બસંતી’ ફેઈમ તમિળ અભિનેતા સિદ્ધાર્થ પર પસંદગી ઉતારી છે. આ અંગે તેઓ કહે છે કે, “રવિની ભૂમિકા કોને સોંપવી તે ઘણું અઘરું કામ હતું. કારણ કે, સઈની ‘ચશ્મે બદ્દુર’નો તે એકમાત્ર સભ્ય છે, જે આજે હયાત નથી. હું તેને ખૂબ જ મિસ કરું છું. મેં અને રવિએ કારકિર્દી શરૂ કરી ત્યારે અમે રૂમ-મેટ હતા. તેથી હું ખૂબ જ સાચવીને આ ભૂમિકા કોઈ કલાકારને સોંપવા માંગતો હતો. મારે એવી કોઈ વ્યક્તિને તેની ભૂમિકા આપવી હતી જે તેને ન્યાય આપી શકે.” આ ઉપરાંત રાકેશ બેદીની ભૂમિકામાં ‘પ્યાર કા પંચનામા’ ફેઈમ દિવ્યેન્દુ શર્માની પસંદગી કરવામાં આવી છે.

આ અંગે દિવ્યેન્દુ કહે છે કે, “આટલી જબરદસ્ત ફિલ્મનો હિસ્સો બનીને તેમજ રાકેશ બેદીની ભૂમિકાને લઈને હું ખૂબ જ આતુર છું. પોતાના કોમિક ટાઈમિંગને લઈને તેઓ આખા દેશના માનીતા અભિનેતા બની ગયા હતા.” આ પાત્રને પૂરતો ન્યાય આપવા માટે દિવ્યેન્દુ રાકેશ બેદીને પણ મળી આવ્યો છે. તે કહે છે કે, “હું સઈ પરાંજપેની ફિલ્મોનો ચાહક છું અને ‘ચશ્મે બદ્દુર’ તો મેં અસંખ્ય વાર જોઈ છે.” એ વાતમાં કોઈ શંકા નથી કે, દિવ્યેન્દુ રાકેશ બેદીના પાત્રને સુંદર રીતે ભજવશે.

ડેવિડ ધવન
ડેવિડ ધવન કહે છે કે, “રાકેશ બેદીનું પાત્ર ભજવવા માટે મારે કોઈ સ્પોન્ટેનિયસ, ફની અને ઈન્ટેલિજન્ટ કલાકાર જોઈતો હતો. તમે વિચારી શકો છો કે, રીશીકપૂર અને અનુપમ ખેર પણ આ ફિલ્મમાં છે. વળી, અલી અને સિદ્ધાર્થ પણ મુખ્ય ભૂમિકામાં છે. તેથી એક ત્રીજો અભિનેતા પણ પડદા પર મજબૂત હોવો જરૂરી હતો, અને તે સ્પાર્ક મને દિવ્યેન્દુમાં દેખાયો. તે ખૂબ જ શક્તિશાળી અભિનેતા છે.” હા, આ ફિલ્મમાં રીશીકપૂર પણ છે, જે સઈદ જાફરીની લલ્લન મિયાંની ભૂમિકામાં છે. જ્યારે અત્યાર સુધી 450થી પણ વધુ ફિલ્મોમાં વૈવિધ્યસભર ભૂમિકા ભજવનારા અનુપમ ખેર કારકિર્દીમાં પહેલીવાર ત્રેવડી ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેઓ લશ્કરી અધિકારી, પોલીસ અધિકારી અને સામાન્ય માણસની ભૂમિકામાં નજરે પડશે. 

ઓરીજિનલ ‘ચશ્મે બદ્દુર’માં અમિતાભ બચ્ચન અને રેખાએ પણ એક નાનકડું દૃશ્ય ભજવ્યું હતું. જોકે, ડેવિડ ધવનની રિમેકમાં તેઓ નહીં હોય, પરંતુ ફારૂક શેખ અને દીપ્તિ નવલ નાનકડી ભૂમિકામાં જરૂર હશે. એવી જ રીતે, જૂહી ચાવલા પણ ‘સરપ્રાઈઝ રોલ’માં છે. ડેવિડ ધવન કહે છે કે, આમ તો અમે એક યુવતી અને ત્રણ યુવકવાળી ઓરીજિનલ સ્ટોરીમાં કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ નવી વાર્તામાં અમે બીજા બે યુવકો પણ ઉમેર્યા છે. આ ફિલ્મ 22મી ફેબ્રુઆરીએ પ્રદર્શિત થઈ રહી છે અને ફારૂક શેખ, નસીરુદ્દીન શાહ અને દીપ્તિ નવલ જેવા અનેક ધુરંધર કલાકારો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નોંધઃ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. 

No comments:

Post a Comment