15 December, 2012

મસ્ક્યુલર બોડીની જોખમી ઘેલછા


વિજ્ઞાનીઓ પણ એ વાત સ્વીકારે છે કે, અત્યારે વિશ્વભરમાં આવા માનસિક રોગી યુવાનોની સંખ્યા ખતરનાક ઝડપે વધી રહી છે. અમદાવાદના એક જાણીતા જિમ્નેશિયમમાં 17 વર્ષની ઉંમરે જ બોડી બિલ્ડિંગ શરૂ કરનારો આકાશ પંડ્યા (નામ બદલ્યું છે) અઠવાડિયાના છ દિવસ બે કલાક હેવી વેઈટ કસરત કરે છે. શરીરમાં ચરબી વધાર્યા વિના મસલ્સ વધારવા તેણે પોતાના ડાયટમાં પ્રોટીન શેકનો ઉમેરો કર્યો છે. એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા આકાશનું કહેવું છે કે, “હું કોઈ વધારાના સપ્લીમેન્ટ્સ નથી લેતો, પણ હું કંઈક એવું કરવા માંગુ છું કે મારું બોડી થોડું ઝડપથી વધી જાય.

અત્યારે મુંબઈ, દિલ્હી, પૂણે જ નહીં, પણ અમદાવાદ અને સુરત સહિતના શહેરોના હજારો યુવાનો આકાશ જેવું ઈચ્છી રહ્યા છે. પરિણામે યુવાનો થોડા દિવસ સુધી જિમ્નેશિયમમાં પરસેવો પાડીને ધીરજ ગુમાવી બેસે છે અને મસ્ક્યુલર બોડી બનાવવા માટે સર્ટિફાઈડ કોચની સલાહ લીધા વિના જાતભાતની જાહેરાતોથી આકર્ષાઈને પ્રતિબંધિત સ્ટીરોઈડ્સનું સેવન કરવા લાગે છે. વિજ્ઞાન કહે છે કે, દરેક વ્યક્તિનું શરીર તેના જિનેટિક્સને આભારી હોય છે. હા, એનો અર્થ એ નથી કે તમે સારું મસ્ક્યુલર બોડી બનાવી ન શકો. પરંતુ આમ કરવા માટે નિષ્ણાતની માર્ગદર્શનમાં નિયમિત કસરત અને આકરું ડાયટ પૂર્વશરત છે. જોકે, આજકાલ યુવાનો મસલ્સ બનાવવા માટે સ્ટીરોઈડ્સ કે અન્ય સપ્લીમેન્ટ્સની જાહેરાતથી ભરમાઈને શૉર્ટકટ અપનાવે છે તે ખતરનાક સાબિત થઈ શકે છે.


નવાઈની વાત તો એ છે કે, ફિલ્મો અને ફેશનનો વ્યાપ વધવાના કારણે વિશ્વના લગભગ દરેક દેશના યુવક-યુવતીઓમાં પ્રતિબંધિત સ્ટીરોઈડ્સ લેવાનું ચલણ વધી રહ્યું છે. તાજેતરમાં જ ‘પીડિયાટ્રિક્સ’ નામની જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ લેખમાં જણાવાયું છે કે, અમેરિકામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જતા આશરે 40 ટકાથી પણ વધુ કિશોરો મસલ્સ બનાવવા માટે નિયમિત કસરત કરે છે. આ ઉપરાંત 38 ટકા કિશોરો પ્રોટીન સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરે છે અને આશરે છ ટકા કિશોરો તો જાતભાતના સ્ટીરોઈડ્સ પણ અજમાવી ચૂક્યા છે. આ અંગે અમેરિકન પીડિયાટ્રિક્સ એસોસિયેશને ચેતવણી ઉચ્ચારી છે કે, આ પ્રતિબંધિત સ્ટીરોઈડ્સની ભવિષ્યમાં બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

આ સર્વેક્ષણ અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેપોલિસ શહેરના 2,800 કિશોરો પૂરતું મર્યાદિત હતું. પરંતુ સંશોધકોનું કહેવું છે કે, આ સર્વેક્ષણમાં સમગ્ર અમેરિકાના કિશોરોની માનસિકતાનો પડઘો પડે છે. આ અંગે હાવર્ડ યુનિવર્સિટીમાં સાઈકિયાટ્રીના પ્રોફેસર અને બોડી બિલ્ડિંગ કલ્ચર ભણાવતા ડૉ. હેરિસન પોપ કહે છે કે, “છેલ્લાં ત્રીસ વર્ષમાં યુવાનોના શરીરને જોવાના અભિગમમાં જોરદાર બદલાવ આવ્યો છે. એકાદ પેઢી પહેલાં સમાજમાં ચરબી વગરના શરીરની આટલી ઘેલછા ન હતી.” મોટે ભાગે કોલેજિયન યુવાનોમાં મસ્ક્યુલર શરીર બનાવવાનો ઉત્સાહ જોવા મળે છે. અમેરિકાના અનેક પીડિયાટ્રિશિયનો સ્વીકારે છે કે, અમને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે, સ્કૂલમાં જતા બાળકોને પણ મસલ્સ બનાવવા છે અને આ માટે તેઓ ગમે તેવા પ્રતિબંધિત સ્ટીરોઈડ્સ લેતા પણ ખચકાતા નથી.

હાલ ભારતના મોટા શહેરોમાં પણ અમેરિકાના યુવાનો જેવી જ મુશ્કેલી જોવા મળી રહી છે. અમદાવાદમાં છેલ્લાં 25 વર્ષથી ફિટનેસ કોચ તરીકે કાર્યરત ધિરેન શાહ જણાવે છે કે, “જેવી રીતે છોકરીઓ પાતળી દેખાવા માટે એક-એક કેલરી ગણીને ખાય છે અને આરોગ્યને જોખમમાં મૂકે છે, એવી જ રીતે છોકરાઓ પણ મર્દાના દેખાવ મેળવવા તત્પર હોય છે. પરંતુ એ માટે ક્યારેક તેઓ આરોગ્ય સાથે છેડછાડ કરી બેસે છે. યુવતીઓમાં જેમ ઓછું ખાવાની ઘેલછા વધુ જોવા મળે છે, એમ પ્રતિબંધિત સ્ટીરોઈડ્સ લઈને કસરત કરતા યુવાનોની સંખ્યા પણ વધી રહી છે. હા, સારા મસલ્સ બનાવવા માટે એક્સ્ટ્રા સપ્લીમેન્ટ્સ જરૂરી છે, પરંતુ પ્રતિબંધિત સ્ટીરોઈડ્સ લેવા જરૂરી નથી.”

અમેરિકાના બોસ્ટન મેડિકલ સેન્ટરના મેડિસિનના પ્રોફેસર ડૉ. શેલેન્દર ભાસીન જણાવે છે કે, “સપ્લીમેન્ટ્સની મુશ્કેલી એ છે કે, તે મેડિકલ ઈન્ડસ્ટ્રીની જેમ નિયંત્રિત નથી. કેટલાક એનાબોલિક સ્ટીરોઈડ્સ અને હાઈ-ક્વૉલિટી પ્રોટીન સપ્લીટમેન્ટ્સ વધારે પડતા લેવાથી જોખમી પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને રોજિંદો ખોરાક છોડીને આવા સપ્લીમેન્ટ્સ લેવાથી ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.” તેઓ એ વાત પણ સ્વીકારે છે કે, આ દિશામાં હજુ પૂરતા સંશોધન થયા નથી. તેમનું કહેવું છે કે, મસલ્સ બનાવવા એનાબોલિક સ્ટીરોઈડ્સનો ઉપયોગ જોખમી છે. કારણ કે, આવા સ્ટીરોઈડ્સ પુરુષમાં ટેસ્ટેસ્ટેરોનનું ઉત્પાદન બંધ કરી દઈ શકે છે. કમનસીબે લાન્સ આર્મસ્ટ્રોંગ જેવી ઘટનાઓમાંથી યુવાનો એવું શીખે છે કે, સ્ટીરોઈડ્સ લેવાથી સફળ થઈ શકાય છે.

આજકાલ અનેક બાળકોના માતાપિતા સ્વીકારે છે કે, તેમના બાળકો સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશન ટીચરને ઝીણામાં ઝીણી વિગતોની પૂછપરછ કરે છે. “હું વજન કેવી રીતે ઘટાડી શકું?”, “મસલ્સ કેવી રીતે વધારાય?” જોકે, બાળકો કોઈ સ્પોર્ટ્સ માટે મજબૂત શરીર ઈચ્છતા હોય અને ફક્ત દેખાવ માટે મસલ્સ વધારવાની ઘેલછા રાખતા હોય તેમાં ઘણો ફર્ક છે. મનોવિજ્ઞાનીઓ જણાવે છે કે, ટેલિવિઝન પર આવતી જાહેરખબરો, વીડિયો ગેમ્સ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફોટો શેરિંગ જેવી પ્રવૃત્તિના કારણે પણ યુવાનોમાં સુંદર શરીર પાછળ એટલી જોરદાર ઘેલછા ઉત્પન્ન થાય છે કે જે ખૂબ સહેલાઈથી માનસિક રોગમાં પરિવર્તિત થઈ જાય છે. ખાસ કરીને અખબારો અને ટેલિવિઝન પર આવતી જાતભાતના સપ્લીમેન્ટ્સની જાહેરખબરોની યુવાનો ખૂબ સહેલાઈથી ભરમાઈ જાય છે. અખબારોમાં આવતી આવી જાહેરખબરોમાં મોટે ભાગે એક મસ્ક્યુલર બોડી ધરાવતા યુવાનની તસવીર હોય છે અને તેમાં કરાયેલા દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર હોતો નથી.

આ અંગે ધિરેન શાહ જણાવે છે કે, “તમે કોઈ સારા મસલ્સ ધરાવતા યુવકને પૂછો કે, તમે કયું ક્રિએટિન સપ્લીમેન્ટ્સ લો છો? આ સવાલનો મોટા ભાગના પાસે જવાબ નથી હોતો. એટલે કે, તેઓ એક્સપર્ટની સલાહ લીધા વિના ફક્ત જાહેરખબરોથી પ્રેરાઈને આવા દુસાહસ કરે છે.” અહીં કહેવાનો અર્થ એ નથી કે, મસલ્સ બનાવવા માટે સપ્લીમેન્ટ્સ ન લઈ શકાય. નિષ્ણાતો ફક્ત પ્રતિબંધિત સ્ટીરોઈડ્સ લઈને આરોગ્યને જોખમમાં ન મૂકવાની સલાહ આપે છે. જોકે, મસ્ક્યુલર બોડી બનાવવા માટે ફિટનેસ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ જ સપ્લીમેન્ટ્સ લેવા અને કસરત કરવી જોઈએ. બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપની તસવીરો જોઈને મસલ્સ બનાવવા આંધળી દોટ ન મૂકવી. કારણ કે, તેમણે ફિટનેસ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ ઘણાં વર્ષો સુધી નિયમિત કસરત કરીને એ સિદ્ધિ હાંસલ કરી હોય છે.

સોશિયલ નેટવર્કિંગથી મુશ્કેલીમાં વધારો

સમાજશાસ્ત્રીઓ સ્વીકારે છે કે, સોશિયલ નેટવર્કિંગ ટેક્નોલોજીની પણ યુવામાનસ પર ટેલિવિઝન કે ફિલ્મો જેટલી જ ઊંડી અસર પડે છે. અત્યારે ફેસબુક, ટ્વિટર અને ટમ્બલર જેવા સોશિયલ નેટવર્કના માધ્યમો પર અનેક યુવાનો રોજેરોજ શર્ટલેસ તસવીરો અપલોડ કર્યા કરે છે. આ ઉપરાંત ટીનએજ બોડીબિલ્ડિંગ કે ટીનએજ ડાયટ જેવા શીર્ષકો હેઠળ પણ જાતભાતની માહિતી અપલોડ કરાય છે. પરિણામે અનેક વેબસાઈટ્સે આવા કન્ટેન્ટને ‘એનોરેક્સિયા પ્રમોટેડ’ કહીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. અત્યારે પણ ફેસબુક પર એવા અનેક યુવાનો છે જેમણે પોતાના એબ્સ બતાવતી સંખ્યાબંધ તસવીરો અપલોડ કરી છે, અને આ તસવીરો સતત ‘શેર’ થઈ રહી છે. વેબસાઈટોમાં ફિલ્મ સ્ટારોની તસવીરો જોઈને નાનકડા બાળકો પણ મેસેજ બોર્ડ પર લખે છે કે, “એક દિવસ હું પણ તેના જેવું બોડી બનાવીશ.” બાળકો આવું સ્વપ્ન સેવે તે સારી વાત છે, પરંતુ તેઓ જિમમાં જાય કે કોઈ સપ્લીમેન્ટ્સ લે ત્યારે તેઓ કોઈ શોર્ટકટ અપનાવતા હોય તો તે વાતનું માતાપિતાએ પણ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે.

No comments:

Post a Comment