તાજેતરમાં જ સમાચાર હતા કે, યુરોપિયન કોકપિટ એસોસિયેશને આઠ દેશના છ હજાર પાઈલટ
પર કરેલા એક સર્વેક્ષણ મુજબ, યુ.કે.,
નોર્વે અને સ્વિડનના 54 ટકા જેટલા પાઈલટ પેસેન્જર એરક્રાફ્ટમાં પણ ઊંઘ ખેંચી લે છે.
બ્રિટનના તો દસમાંથી ચાર પાઈલટ કોકપિટમાં
ઘણી વાર ઉંઘી જાય છે. નવાઈની વાત તો એ છે કે, એ વખતે કો-પાઈલટ પણ ઉંઘતો હોય છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેટલાક
ઓટોમોબાઈલ એન્જિનિયરોએ કહ્યું છે કે, તેઓ ટૂંક જ સમયમાં લેંકેશાયરના વૉર્ટન
એરપોર્ટ પરથી સ્કોટલેન્ડ સુધી પાઈલટ વિનાનું એરક્રાફ્ટ ઉડાડશે. સંશોધકોને આશા છે કે,
નજીકના ભવિષ્યમાં ડ્રાઈવર વિહિન કાર કરતા પાઈલટ વિહિન એરક્રાફ્ટનો ખૂબ ઝડપથી વિકાસ થશે.
પાઈલટ વિહિન એરક્રાફ્ટના સંશોધકોનો
દાવો છે કે, તેમનું પાઈલટ વિહિન એરક્રાફ્ટ
અન્ય એરક્રાફ્ટની જેમ જ એરટ્રાફિક કંટ્રોલરની સૂચનાનો પ્રતિભાવ આપશે, પોતાનો રસ્તો
જાતે જ શોધશે અને તેના માર્ગમાં આવતા અન્ય એરક્રાફ્ટથી પણ હોંશિયારીપૂર્વક દૂર
રહેશે. આમ, આ એરક્રાફ્ટમાં ફક્ત પાઈલટ જ
નથી, બાકીની સંપૂર્ણ સિસ્ટમ સામાન્ય એરક્રાફ્ટની જેમ જ કામ કરે છે. આ એરક્રાફ્ટ
સ્કોટલેન્ડ સુધીની ઉડાન ભરીને ફરી પાછું વૉર્ટન એરપોર્ટ પર ઉતરશે.
આમ તો, એરક્રાફ્ટ ટેક્નોલોજીની દુનિયામાં પાઈલટ વિનાના એરક્રાફ્ટની નવાઈ નથી. છેલ્લાં વર્ષોમાં આર્મ્ડ
ફોર્સીસમાં પાઈલટ વિહિન એરક્રાફ્ટનો ભરપૂર
ઉપયોગ થયો છે, પરંતુ મોટે ભાગે ડ્રોન પ્રકારના આવા એરક્રાફ્ટનો પ્રતિબંધિત એરસ્પેસ
અને વિવાદાસ્પદ ઝોનમાં જ ઉપયોગ કરાય છે. જોકે, હવે બ્રિટિશ સંશોધકોએ જેટસ્ટ્રીમ
મિશન હેઠળ મહાકાય કોમર્શિયલ એરક્રાફ્ટને સિવિલયન એરક્રાફ્ટની જેમ જ ઉડાડી શકાય એ
માટેની ટેક્નોલોજી અને વિવિધ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવા આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
પ્રોજેક્ટ શું છે?
બ્રિટિશ સંશોધકોએ તૈયાર કરેલું પાઈલટ વિહિન
એરક્રાફ્ટ લેંકેશાયરના વૉર્ટન એરપોર્ટ પરથી ઉડાન ભરવાનું છે. આ એરક્રાફ્ટ તૈયાર
કરનારા એન્જિનિયરોએ નિર્ણય કર્યો છે કે, ટેસ્ટ ફ્લાઈટ વખતે એરક્રાફ્ટમાં એક પાઈલટ ઉડાન ભરશે. આ ટેસ્ટ ડ્રાઈવ આમ તો ગૂગલના ડ્રાઈવર
વિનાની કાર જેવી જ છે. ડ્રાઈવર વિહિન કારની જાહેર માર્ગ પર ટ્રાયલ લેતી વખતે
અકસ્માત નિવારવા કારમાં એક ડ્રાઈવર પણ હતો. પાઈલટ વિહિન એરક્રાફ્ટને સંશોધકોએ હજુ કોઈ નામ આપ્યું
નથી. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સંશોધકોને વિશ્વાસ છે કે, અમેરિકા કે યુરોપના
માર્ગો પર ડ્રાઈવર વિહિન કાર પહેલાં આકાશમાં પાઈલટ વિનાના એરક્રાફ્ટ જોવા મળશે એ વાતમાં કોઈ શંકા
નથી.
હાલના અત્યાધુનિક એરક્રાફ્ટ પણ ઓટોમેટિક ટેક-ઓફ, ફ્લાઈંગ અને ઉતરાણ કરવા સક્ષમ છે. એટલું જ નહીં, આવા એરક્રાફ્ટ પોતાની જાતે નિર્ધારિત સ્થળે પણ પહોંચી શકે છે. જોકે, આ પ્રયોગમાં સંશોધકોને એ માલુમ પડશે કે, શું પાઈલટ વિહિન એરક્રાફ્ટ પાઈલટ ની મદદ વિના મુસાફરોને સુરક્ષિત રીતે લઈ જવા તેમજ હવાઈ ટ્રાફિકના નીતિનિયમોને અનુસરવા કંટ્રોલ રૂમની સૂચનાઓનું પાલન કરી શકવા સક્ષમ છે કે નહીં?
બ્રિટિશ ટેસ્ટ ફ્લાઈટ્સ પ્રોજેક્ટ અંગે વિષદ છણાવટ કરવા તાજેતરમાં જ લંડનમાં ‘ઓટોનોમસ
સિસ્ટમ્સ ટેક્નોલોજી રિલેટેડ એરબોર્ન ઈવોલ્યુશન એન્ડ એસેસમેન્ટ’ (ASTRAEA) દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આશરે 62
મિલિયન પાઉન્ડના આ પ્રોજેક્ટમાં બ્રિટન સરકાર સહિત એઓએસ, બીએઈ સિસ્ટમ, કેસિડિયન,
કોભમ, ક્વેન્ટી-ક્યૂ, રોલ્સ રોયસ અને થેલ્સ જેવી વિવિધ કંપનીઓ પણ સહયોગ આપી રહી
છે.
પાઈલટ વિહિન એરક્રાફ્ટને સ્કોટલેન્ડ
સુધી ઉડાવીને સંશોધકો એ જાણવા માંગે છે કે, એરટ્રાફિક કંટ્રોલર્સ એરક્રાફ્ટના
ગ્રાઉન્ડ પાઈલટ સાથે યોગ્ય રીતે સંવાદ
સાધી શકે છે કે નહીં? આ
પ્રોજેક્ટમાં સુરક્ષિત અને વિશ્વસનીય રેડિયો અને સેટેલાઈટ લિંકના મુદ્દાનો પણ
સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, કોઈ સંજોગોમાં આ લિંક ખોરવાઈ જાય એ માટે પણ
એન્જિનિયરો તૈયાર છે. આવી સ્થિતિમાં પણ એરક્રાફ્ટ સૂચના ન મળે ત્યાં સુધી પોતાની
જાતે નિયંત્રણમાં રહી શકે છે અથવા તે પોતાની ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને
ઉતરાણ કરી શકે છે.
પ્રતિકૂળ સંજોગોમાં યોગ્ય નિર્ણય લેવા માટે પાઈલટ વિહિન એરક્રાફ્ટમાં ‘સેન્સ એન્ડ એવોઈડ’ની ક્ષમતા
હોવી જરૂરી છે. એરક્રાફ્ટને આવી ક્ષમતા ટ્રાન્સપોન્ડરની મદદથી અપાઈ છે, જે અન્ય
એરોપ્લેન અને એરટ્રાફિક કંટ્રોલરને પોતાની હાજરી અંગે મોટો અવાજ કરીને સંકેત આપે
છે. જોકે, આકાશમાં ઉડતા તમામ એરક્રાફ્ટમાં સામેના પાઈલટ વિહિન એરક્રાફ્ટનો અવાજ સાંભળવાની વ્યવસ્થા હોતી
નથી. એવી જ રીતે, આકાશમાં થોડા નીચે ઉડી રહેલા લાઈટ એરક્રાફ્ટ અને ગ્લાઈડર્સ પાસે
તો રેડિયોની પણ વ્યવસ્થા નથી હોતી. આવી સ્થિતિમાં પાઈલોટે ખૂબ સાવધ રહેવું પડે છે.
પાઈલટ વિહિન એરક્રાફ્ટનો પાઈલટ કંઈક આવો હશે |
આ સ્થિતિનું નિવારણ લાવવા પાઈલટ વિહિન એરક્રાફ્ટમાં વીડિયો કેમેરા ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાયો છે. આ કેમેરાની મદદથી ગ્રાઉન્ડ પાઈલટ કોકપિટમાં હાજર નહીં હોવા છતાં પોતાના માર્ગમાં શું આવી રહ્યું છે તે જોઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત આવા તમામ અભ્યાસ કરાઈ રહ્યા છે. આ ઉપરાંત ખરાબ વાતાવરણમાં પાઈલટ વિહિન એરક્રાફ્ટ કેવી રીતે કામ કરે છે તે દિશામાં પણ અભ્યાસ થઈ રહ્યો છે. આ અંગે લેમ્બર્ટ ડોપિંગ-હેપનસ્ટેલ જણાવે છે કે, “અત્યાર સુધીના પ્રયોગોમાં માલુમ પડ્યું છે કે, ‘સેન્સ એન્ડ એવોઈડ’ ટેક્નોલોજી માણસની જેમ જ કામ કરી શકે છે.”
આ એરક્રાફ્ટ કટોકટીની સ્થિતિમાં પણ સુંદર રીતે કામગીરી કરી શકે એમ છે. જેમ કે,
એન્જિન ફેઈલ્યોર જેવા સંજોગોમાં તે નેવિગેશનલ મેપનો ઉપયોગ કરીને ઉતરાણ કરવા યોગ્ય
સ્થળ પસંદ કરી શકે છે. વળી, ગ્રાઉન્ડ પાઈલટ પણ વીડિયો કેમેરાની મદદથી યોગ્ય સ્થળે જ
ઉતરાણ કરવા તેને સંચાલિત કરી શકે છે. હા,
ગ્રાઉન્ડ પાઈલટ સાથેનો સંપર્ક કપાઈ જાય તો
પણ પાઈલટ વિહિન એરક્રાફ્ટ ઈમેજ-રેકગ્નિશન સોફ્ટવેર
અને ઈન્ફ્રારેડ કેમેરાની મદદથી યોગ્ય સ્થળે ઉતરાણ કરી શકે છે.
પાઈલટ વિહિન એરક્રાફ્ટ ડિઝાઈન કરતા
પહેલાં ASTRAEAના સંશોધકોએ એરટ્રાફિક ડેટા પર ઊંડુ સંશોધન કર્યું છે. આમ
છતાં, પાઈલટ વિહિન એરક્રાફ્ટ વાસ્તવિક
દુનિયામાં યોગ્ય કામ આપી શકે છે કે નહીં, એ માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ
ઉપરાંત સંશોધકો બ્રિટનની સિવિલ એવિયેશન ઓથોરિટી સાથે પણ પાઈલટ વિહિન એરક્રાફ્ટને પ્રમાણિત કરવા કામ કરી રહ્યા
છે. જોકે, સંશોધકોનો ઈરાદો ફક્ત પાઈલટ વિહિન એરક્રાફ્ટને પ્રમાણિત કરવા પૂરતો નથી,
પરંતુ તેઓ એ પણ શીખી રહ્યા છે કે આખરે પાઈલટ વિહિન એરક્રાફ્ટનો ઉપયોગ કરતા પહેલાં શું
તકેદારી રાખવાની જરૂર છે.
ભવિષ્યમાં થનારા ફાયદા-ગેરફાયદા
ટેક્નોલોજી ફ્યૂચરિસ્ટ જણાવી રહ્યા છે કે, આ ટેસ્ટ ભવિષ્યના વિશાળ બજાર તરફ એક
નાનકડું પગલું છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સંશોધકોનું કહેવું છે કે, અમેરિકન
સંસદે પણ તેમની એવિયેશન રેગ્યુલેટરી ઓથોરિટીને વર્ષ 2015 સુધી એર ટ્રાફિક કંટ્રોલ
સિસ્ટમમાં પાઈલટ વિહિન એરક્રાફ્ટનું સંકલન
કરવાનું કહ્યું છે. અગાઉ યુદ્ધ સિવાય પણ ડ્રોન પ્રકારના પાઈલટ વિનાના એરક્રાફ્ટનો ઉપયોગ થતો હતો, પરંતુ એ
એરક્રાફ્ટની કામગીરી અત્યંત મર્યાદિત હોવાથી તેમને એરટ્રાફિક કંટ્રોલના કોઈ
નીતિનિયમો લાગુ પડતા ન હતા. જેમ કે, એરિયલ ફોટોગ્રાફી માટે પણ પાઈલટ વિનાના એરક્રાફ્ટનો ઉપયોગ થતો હતો. વળી, આ
એરક્રાફ્ટને પણ રેડિયો-કંટ્રોલ્ડ મોડેલ એરક્રાફ્ટની જેમ જમીન પરથી તો નિયંત્રિત કરાતા
જ હતા. પરંતુ બ્રિટિશ સંશોધકોએ વિકસાવેલા એરક્રાફ્ટનો સિવિલિયન એરક્રાફ્ટ તરીકે
ઉપયોગ કરી શકાશે.
આ પ્રોજેક્ટ અંગે એન્જિનિયરોને આશા છે કે, પાઈલટ વિનાના એરક્રાફ્ટ ઘણાં કામ કરી શકે છે અને તેનો
ખર્ચ પાઈલટ એરક્રાફ્ટ કે હેલિકોપ્ટરથી ઘણો
ઓછો આવશે. જેમ કે, તેની મદદથી ટ્રાફિકની દેખરેખ, સરહદીય વિસ્તારમાં પેટ્રોલિંગ, પોલીસ
સર્વેઈલન્સ અને વીજ-થાંભલાની તપાસ જેવા ઘણાં કામ થઈ શકે છે. વળી, જ્યાં પાઈલટ ની
જાનને જોખમ હોય એવા વિસ્તારમાં પણ આવા એરક્રાફ્ટને મોકલી શકાય છે. ખાસ કરીને
જંગલોમાં આગ ફાટી નીકળી હોય કે ન્યૂક્લિયર પાવર અકસ્માત સર્જાયો હોય ત્યારે પણ
તેનો ઉપયોગ કરી શકાય છે. પાઈલટ વિહિન એરક્રાફ્ટ
રેસ્ક્યૂ મિશન અને પર્યાવરણીય પ્રવૃત્તિનો અભ્યાસ કરવા માટે પણ ઉપયોગી સાબિત થશે.
ASTRAEAના ડિરેક્ટર લેમ્બર્ટ ડોપિંગ-હેપનસ્ટેલ |
આ સિવાય હંગામી ધોરણે વાઈ-ફાઈ કે મોબાઈલ ફોન સર્વિસ જોઈતી હોય ત્યારે પણ આવા એરક્રાફ્ટ માનવજાત માટે ઉપયોગી સાબિત થશે. ભૂકંપ, સુનામી કે પૂર જેવી કુદરતી હોનારતોમાં આ ટેક્નોલોજીથી હજારો-લાખો લોકોના જીવ બચાવી શકાય છે. જોકે, હજુ થોડા વર્ષો સુધી પાઈલટ વિહિન એરક્રાફ્ટમાં પણ પાઈલટ ની ભૂમિકા રહેશે, પરંતુ કોકપિટમાં નહીં. આ અંગે ASTRAEAના ડિરેક્ટર લેમ્બર્ટ ડોપિંગ-હેપનસ્ટેલ જણાવે છે કે, “હા, પાઈલટ વિહિન એરક્રાફ્ટનું સંચાલન પાઈલટ ના હાથમાં જ હશે, પરંતુ પાઈલટ જમીન પર હશે અને કદાચ એકથી વધુ એરક્રાફ્ટનું એકસાથે નિયંત્રણ કરી રહ્યો હશે!”
કેટલાક ટેક્નોલોજી વિશ્લેષકોનું માનવું છે કે, વર્ષ 2020 સુધીમાં જ પાઈલટ વિહિન એરક્રાફ્ટ અને સર્વિસનો બિઝનેસ 50 બિલિયન
ડૉલરને આંબી જશે. એવી જ રીતે, નજીકના ભવિષ્યમાં પાર્સલ સર્વિસ આપતી કોમર્શિયલ
ફ્લાઈટ્સના પાઈલટ પણ ભૂતકાળ બની જશે. જોકે,
એવી પણ શંકા છે કે આટલી ગળાકાપ સ્પર્ધામાં એરલાઈન્સ કંપનીઓ કોકપિટમાં પાઈલટ ન હોય એવા એરક્રાફ્ટ માટે મુસાફરોને આકર્ષી શકશે
ખરી? કદાચ એવું પણ બને
કે, આવી ફ્લાઈટમાં એક પાઈલટ રાખવાની
એરલાઈન્સ કંપનીઓને જરૂર પડે!
જોકે, આ ટેક્નોલોજીનો વ્યાપ વધવાના કારણે રોજગારીમાં અનેકગણો ઘટાડો થશે એ
વાતની પણ નોંધ લેવી જરૂરી છે. હજુ થોડા વર્ષ પહેલાં જ મહાકાય એરક્રાફ્ટમાં પાંચ
ટેક્નિશિયનનો ક્રૂ મેમ્બર રખાતા, જેમાં બે પાઈલટ, ફ્લાઈટ એન્જિનિયર, નેવિગેટર અને
રેડિયો ઓપરેટરનો સમાવેશ થતો હતો. ટેક્નોલોજીનો વિકાસ થતાં સૌથી પહેલાં રેડિયો
ઓપરેટરનો હોદ્દો નાબૂદ થયો, પછી નેવિગેટર અને ત્યાર પછી વર્ષ 1970ની આસપાસ જેટ યુગ
વખતે ફ્લાઈટ એન્જિનિયરોની પણ જરૂર ન રહી. હવે, ઓટોનોમસ ફ્લાઈટ સિસ્ટમનો જેમ જેમ
વિકાસ થશે તેમ તેમ કો-પાઈલટ ની પણ જરૂર નહીં રહે.
નોંધઃ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.
No comments:
Post a Comment