29 December, 2012

‘ટ્રોમા’માંથી બહાર આવવાનું વિજ્ઞાન


અત્યારે આખો દેશ બળાત્કારનો ભોગ બનીને મૃત્યુ પામનારી દિલ્હીની મેડિકલની વિદ્યાર્થિની પ્રત્યે સહાનુભૂતિ દાખવીને બળાત્કારીઓને કડકમાં કડક સજા આપવાની વાત કરી રહ્યો છે. આ ઘટનાને લઈને નાગરિકોનો મૂડ જોતા લાગી રહ્યું છે કે, બળાત્કારીઓને જેમ બને તેમ ઝડપથી સજા થશે. આ દરમિયાન સમાચાર હતા કે, યુવતીનો બોયફ્રેન્ડ જોરદાર ‘ટ્રોમા’માં છે. આપણે સમજી શકીએ છીએ કે, આ ઘટના વખતે હાજર તેના મિત્રને માનસિક આઘાત લાગ્યો હોય તો બળાત્કાર પછી તે યુવતીની સ્થિતિ કેવી હશે! બ્રિટિશ કવિ વૉલ્તેર દ લા મેરે કહ્યું હતું કે, “માણસનું મગજ ઘણું ધીમું કામ કરે છે. પહેલાં તે જોરદાર ઝાટકો આપે છે અને કલાકો પછી રૂઝાય છે.” 

ટ્રોમાથી પીડિત વ્યક્તિને એટલો જોરદાર આઘાત લાગ્યો હોય છે કે, તેનું બાકીનું જીવન દોઝખ બની જાય છે. કદાચ એટલે જ આવી વ્યક્તિ માટે સ્વૈચ્છિક મૃત્યુની માંગ કરવામાં આવે છે. વિશ્વભરમાં અને હવે ભારતમાં પણ વિવિધ કારણોસર ટ્રોમાથી પીડાતા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેમાં મોટા ભાગના લોકો ભૂકંપ, સુનામી કે પૂર જેવી કુદરતી હોનારતો, આતંકવાદી હુમલો તેમજ અન્ય લોકોનું પોતાની સાથે હિંસક વર્તન (જેમ કે બળાત્કાર) જેવા અનેક કારણોથી ટ્રોમાનો ભોગ બને છે. ભારતમાં દર વર્ષે કેટલા લોકો માનસિક આઘાતના કારણે મૃત્યુ પામે છે તેના કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ અમેરિકન સરકાર ટ્રોમાના દર્દીઓની સારવાર માટે દર વર્ષે 42 બિલિયન ડૉલરનો ખર્ચ કરે છે. મનોવિજ્ઞાનીઓનું માનવું છે કે, આ આઘાતમાંથી બહાર આવવું અઘરું છે પરંતુ અશક્ય નથી. ટ્રોમાનો સામનો કરીને ધીમે ધીમે સામાન્ય જીવન જીવી શકાય છે. વળી, ટ્રોમાથી પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે એ માટે તેના પ્રત્યે ‘સામાન્ય’ વ્યવહાર કરવો જરૂરી છે. આ સામાન્ય વ્યવહાર એટલે શું તે આપણે આગળ સમજીએ. સૌથી પહેલાં આ ટ્રોમાં શું છે તે સમજવું જરૂરી છે. સાદી ભાષામાં જબરદસ્ત માનસિક આઘાતને ટ્રોમા કહેવાય છે. વિશ્વભરમાં આ રોગના દર્દીઓમાં સતત વધારો થવાના કારણે વર્ષ 1980માં ‘ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ ડિસઓર્ડર’ નામની સંસ્થાએ ટ્રોમા રોગની વ્યાખ્યા આપતા સમજાવ્યું હતું કે, “ઓળખી શકાય એવો તણાવ અથવા સામાન્ય માણસોમાં જોવા મળતા તણાવના લક્ષણોમાં સતત વધારો.” કમનસીબે આ રોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં વધી રહી છે. પરંતુ સારા સમાચાર એ છે કે, તાજેતરમાં જ મનોવિજ્ઞાનીઓએ કેટલાક પ્રયોગો કરીને સજ્જડ પુરાવા આપ્યા છે કે, ગમે તેવા ટ્રોમાનો ભોગ બનેલી વ્યક્તિ પણ સામાન્ય જીવન જીવી શકે છે.

મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુદ્ધમાં બચી ગયેલા નાગરિકો, ટોર્ચર કે કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી ભાગી છૂટેલા લોકો પણ સામાન્ય જીવન જીવી શકે છે. હા, મોટા ભાગના લોકો આવા કોઈ પણ માનસિક આઘાતમાંથી બહાર આવી જાય છે. પરંતુ તેનો આધાર પણ જનીનિક બંધારણ અને અન્ય પરિબળો પર રહેલો છે. આ ઉપરાંત તાજા પ્રયોગોમાંથી જાણવા મળ્યું છે કે, અગાઉના કોઈ માનસિક આઘાતના કારણે પણ માનસિક રીતે નબળા પડી ગયેલા લોકો ટ્રોમામાંથી બહાર ન આવી શકે એવું બની શકે છે.

વિજ્ઞાન કહે છે કે, ખરેખર તો આવા કોઈ દર્દીને ચોક્કસ કેવી સારવાર આપીને સાજો કરી શકાય એ કહેવું અઘરું છે. કારણ કે, માનસિક આઘાત કેમ લાગ્યો છે તેમજ આવી ઘટના પછી અન્ય લોકો તેની સાથે કેવું વર્તન કરે છે જેવા પરિબળો પણ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. જેમ કે, બળાત્કારની ઘટના પછી યુવતી સાથે માતા-પિતા, ભાઈ-બહેન, સગાંવ્હાલા, મિત્રો અને અન્ય લોકોનું વર્તન યુવતીની માનસિક સ્થિતિ પર ઘણી અસર કરી શકે છે. હા, યુવતી સાથે વધુ પડતી સહાનુભૂતિ બતાવવી જરૂરી નથી, પરંતુ તેની સાથે સામાન્ય વ્યવહાર કરવો જરૂરી છે. બીજી તરફ, બળાત્કાર કે છેડતીનો ભોગ બનેલી યુવતીની તસવીરો છાપવાથી પણ તેની માનસિક સ્થિતિ પર વિપરિત અસર પડી શકે છે.

ઉંદર અને માણસ પર કરાયા પ્રયોગ

આ વર્ષે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં આયોજિત ‘ઈન્ટરડિસિપ્લિનરી કોન્ફરન્સ ઓફ કલ્ચર, માઈન્ડ એન્ડ બ્રેઈન’માં મનોવિજ્ઞાનીઓની એક ટીમે ટ્રોમા શું છે તે સમજાવવા ટ્રોમેટિક એક્સપિરિયન્સનું મોડેલ રજૂ કર્યું હતું. આ માટે તેમણે લેબોરેટરીના ઉંદર અને બાળ સૈનિક (ચાઈલ્ડ સોલ્જર)નું ઉદાહરણ આપ્યું હતું. આ મોડેલ બનાવનારા અમેરિકાની ઈમોરી પ્રાઈવેટ રિસર્ચ યુનિવર્સિટીના ન્યૂરોબાયોલોજિસ્ટ પોલ પ્લોસ્કીએ વર્ષ 1990માં આ મોડેલ બનાવ્યું હતું. એ વખતે તેઓ માતા પાસેથી બચ્ચા ને અલગ કરી દેવાથી તેમની માનસિક હાલત કેવી થાય છે તે જાણવા માંગતા હતા.

ન્યૂરોબાયોલોજિસ્ટ પોલ પોલસ્કી 
પોલ પોલસ્કીએ ઉંદરના બચ્ચા ને તેમની માતા પાસેથી એકથી 24 કલાક સુધી જુદા કરી દીધા હતા. તેમણે 15 મિનિટથી લઈને 180 મિનિટ સુધી તેમને અલગ રાખ્યા હતા. પરંતુ 15 મિનિટ પછી બચ્ચા  ધીમે ધીમે માનસિક તણાવનો ભોગ બનતા જોવા મળ્યા હતા. કારણ કે, ઘરેલુ કે જંગલ વિસ્તારમાં રહેતા ઉંદર તેમના બચ્ચા  માટે ખોરાક શોધવા જાય ત્યારે 15 મિનિટ જેટલો સમય એકલા છોડી દેતા હોય છે. પરંતુ 15 મિનિટ સુધી માતા ન આવે તેનો અર્થ બચ્ચા  એવો કરતા હોઈ શકે છે કે, તેમની માતા શિકારીનો કોળિયો થઈ ગઈ છે. જોકે, 15 મિનિટ પછી માતાને દરમાં પાછી મોકલતા તે બધા જ બચ્ચા ને સૂંઘવા માંડી હતી અને તેમને દૂધ પીવડાવ્યું હતું. 

એટલું જ નહીં, ઉંદરોની માતા પરત આવીને તેમની સાથે વિશિષ્ટ શૈલીમાં વાતો પણ કરતી હતી. પરંતુ 180 મિનિટ સુધી માતાને બચ્ચા થી અલગ કરી દીધા પછી લગભગ તમામ માદા ઉંદર ભયભીત હોય તેવા ઉદગારો કાઢતી હતી. વળી, તે પોતાના બચ્ચા ની પણ અવગણના કરતી હતી. બીજી તરફ, બચ્ચા  પણ ભયભીત થયા હોય એવા અવાજો કાઢતા હતા. નવાઈની વાત તો એ છે કે, આ તમામ બચ્ચા એ બાકીના જીવનમાં માનસિક તણાવનો સામનો કરતી વખતે વધુ પડતી પ્રતિક્રિયા આપી હતી.

મનોવિજ્ઞાનની દુનિયામાં આ 15/180 મોડેલ સ્ટાન્ડર્ડ ગણાય છે, જે દર્શાવે છે કે, લાંબા સમય સુધી છૂટા પડ્યા પછી ઉંદરના ચિંતિત બચ્ચાની સ્ટ્રેસ હોર્મોન એક્ટિવિટી, બ્રેઈન સ્ટ્રક્ચર અને અન્ય બંધારણમાં કાયમી બદલાવ આવી ગયો હતો. મનોવિજ્ઞાનીઓ એકમતે સ્વીકારે છે કે, આ પ્રયોગના આધારે વિજ્ઞાનીઓએ ટ્રોમા અને તેની અસરોનો ઊંડો અભ્યાસ કરી શક્યા હતા. ડૉ. પોલસ્કી જણાવે છે કે, “ઉંદર અને તેના બચ્ચાને ફરી એ જ પાંજરામાં મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમને લાગ્યું હતું કે, આ જગ્યા અસુરક્ષિત છે.”

આ વાત માલુમ પડતા વિજ્ઞાનીઓએ ઉંદરોની નેવિગેશનલ સ્કિલ ચકાસવા માટે આઠ ઓરડા ધરાવતા એક નાનકડા પાંજરામાં મૂક્યા. પરંતુ અહીં પણ માતા અને બચ્ચા વચ્ચે 180 મિનિટની જુદાઈ પછી ઉંદરોના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું ન હતું. પરંતુ માદા ઉંદરને આ પાંજરામાં મૂકતા જ તેણે એક-બે ઓરડા ચકાસીને ‘ઘર’ બદલ્યુ હતું, અને બચ્ચા મળતા જ તેણે વ્હાલ વરસાવ્યું હતું. આ જ પ્રયોગ ડૉ. પોલસ્કીએ સતત બીજા દિવસે પણ દોહરાવ્યો હતો. ત્યાર પછી સળંગ આઠ દિવસ પણ તેમણે આમ કરી જોયું હતું. જેમાં તેમને જાણવા મળ્યુ હતું કે ઉંદરે રહેવા માટે આઠેય દિવસ અલગ અલગ ઓરડા પસંદ કર્યા હતા.

સાઈકિયાટ્રિસ્ટ બ્રાન્ડન કોહર્ટ
તો શું બચ્ચાએ બાકીનું જીવન આઘાતમાં વિતાવ્યું હતું? વિજ્ઞાનીઓ જવાબ આપે છે, ના. પરંતુ કેટલાક બચ્ચામાં થોડા સમય સુધી માનસિક આઘાતની અસરો રહી તો કેટલાકની થોડો વધુ લાંબા સમય સુધી રહી. પરંતુ બાદમાં માતાએ બચ્ચાને સુરક્ષિત વાતાવરણ આપ્યું અને રોજિંદુ જીવન ફરી એકવાર સામાન્ય થઈ ગયા પછી ઉંદરો ફરી એકવાર ખુશીથી જીવતા હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, લેબોરેટરીમાં કરેલા આ પ્રયોગ માણસજાત માટે કેટલો બંધ બેસી શકે? પરંતુ વિજ્ઞાનીઓએ નેપાળના બાળ સૈનિકો પર પણ આવો પ્રયોગ કર્યો હતો. જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના સાઈકિયાટ્રિસ્ટ અને મેડિકલ એન્થ્રોપોલોજિસ્ટ બ્રાન્ડન કોહર્ટે આવા 141 બાળકો પર પ્રયોગ કર્યો હતો જે જીવનના કેટલાક વર્ષો માઓવાદી ક્રાંતિકારીઓ સાથે વિતાવીને પોતાના ગામ પાછા ફરે છે. નોંધનીય છે કે, વર્ષ 1996થી 2006 સુધી નેપાળમાં સિવિલ વૉર ચાલ્યું હતું.

આ તમામ બાળકો પાંચથી 14 વર્ષની ઉંમરે ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયા હતા અને આટલી નાની ઉંમરમાં જ તેમણે હિંસા જોઈ હતી. વળી, તેઓ કુટુંબથી અલગ થઈ ગયા હતા. આ પ્રયોગમાં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું કે, આ બાળકોની માનસિક તંદુરસ્તી પર યુદ્ધની અસર ઓછી હતી, પરંતુ યુદ્ધમાંથી પાછા આવ્યા પછી તેમના કુટુંબીજનોએ કરેલા વર્તનની અસર વધુ હતી. જે ગામમાં બાળકોને કલંકિત કે બહિષ્કાર કરાયો હતો તેમની માનસિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. આવા બાળકો ટ્રોમાનો ભોગ બન્યા હતા. પરંતુ જે ગામમા બાળકો પરત ફરતા કોઈ નાનકડો પ્રસંગ યોજીને તેમનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેઓ ખૂબ જ આનંદિત હતા. આ બાળકોમાં તણાવનું પ્રમાણ પણ મર્યાદિત હતું.

આ બાળકોનો ગ્રામજનો અને કુટુંબીજનોએ સ્વીકાર કરી લેતા તેમને મનોવૈજ્ઞાનિક મદદ મળી હતી. તમામ બાળકો ખુશ રહેતા હતા અને ખૂબ ઝડપથી સામાન્ય જીવન જીવવા લાગ્યા હતા. આ વાત સાબિત કરે છે કે, ટ્રોમાનો ભોગ બનેલી વ્યક્તિને કુટુંબીજનો, સગા-વ્હાલાં અને મિત્રોનો સહકાર મળતા તેઓ ખૂબ ઝડપથી તેમાંથી બહાર આવી શકે છે. જોકે, મોટા ભાગના વૈજ્ઞાનિક પ્રયોગોની જેમ આ પ્રયોગ અંગે પણ કેટલાક વિજ્ઞાનીઓ શંકાશીલ છે. પરંતુ ‘વેલકમ ટુ યોર બ્રેઈન’ અને ‘વેલકમ ટુ યોર ચાઈલ્ડ્સ બ્રેઈન’ના સહલેખિકા અને ન્યૂરોસાયન્ટિસ્ટ સાન્ડ્રા એમોલ્ટ કહે છે કે, “ટ્રોમામાંથી બહાર આવવામાં સામાજિક વાતાવરણ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

કદાચ આપણે અયોગ્ય ઘટનાઓને સંપૂર્ણપણે દૂર ન કરી શકીએ, પરંતુ આપણે બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓ કે એવા કોઈ પણ દર્દીઓને ઉત્તમ સામાજિક વાતાવરણ તો પૂરું પાડી જ શકીએ છીએ. ડૉ. સાન્ડ્રા એમોલ્ટ કહે છે કે, આવું વલણ રાખીને આપણે શક્ય તેટલો લાભ ઉઠાવી શકીએ છીએ.

No comments:

Post a Comment