22 December, 2012

80 લાખ વર્ષથી ગ્લોબલ વૉર્મિંગને ટક્કર આપતું એમેઝોનનું જંગલ


આપણે અનેકવાર સાંભળી ચૂક્યા છીએ કે, ગ્લોબલ વૉર્મિંગ સામે ટક્કર લેવા માટે જંગલો સૌથી મજબૂત માધ્યમ છે. પરંતુ માનવીય પ્રવૃત્તિઓના કારણે આવી અમૂલ્ય કુદરતી સંપત્તિ ભયમાં મૂકાય છે. જેમ કે, દક્ષિણ અમેરિકા ખંડમાં નવ દેશોમાં પથરાયેલા એમેઝોનના જંગલોને વિજ્ઞાનીઓ આ વિસ્તારના ફેફસા કહીને નવાજે છે. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે, એમેઝોનના જંગલોમાં લાખો વર્ષોથી ગ્લોબલ વૉર્મિંગ સાથે ઝીંક ઝીલી રહ્યા છે.

‘ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન’ નામની જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ પેપર અનુસાર, એમેઝોનના જંગલોમાં અમુક પ્રજાતિની વનસ્પતિઓ પૃથ્વી પર એંશી લાખથી પણ વધુ વર્ષોથી જીવી રહી છે. આટલા વર્ષોમાં આ વનસ્પતિઓએ પૃથ્વી પર અનેકવાર ગરમ યુગનો સામનો કર્યો છે. આમ છતાં ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ આ વનસ્પતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ થઈ શકી છે. જોકે, આ સંશોધનનો એવો અર્થ કરવાની જરૂર નથી કે, જંગલોને ગ્લોબલ વૉર્મિંગને લઈને કોઈ ખતરો નથી. વિજ્ઞાનીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ વનસ્પતિઓ પૃથ્વી પર ગમે તેવા ખરાબ વાતાવરણમાં ભલે ટકી ગઈ, પરંતુ વિવિધ માનવીય પ્રવૃત્તિઓને પગલે સર્જાતા ગ્લોબલ વૉર્મિંગની આવી ટકાઉ પ્રજાતિઓ પર ખૂબ લાંબા ગાળે નકારાત્મક અસર થાય છે. વિજ્ઞાનીઓનો કહેવાનો અર્થ એ છે કે, આવનારી પેઢીઓના હિતમાં આપણે ગ્લોબલ વૉર્મિંગ જેવી મુશ્કેલીઓને ગંભીરતાથી તો લેવાની જ છે.

55 લાખ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું એમેઝોનનું જેગલ
અને જંગલમાંથી પસાર થતી એમેઝોન નદી 

આ સંશોધન દરમિયાન એમેઝોનના જંગલોમાં વિવિધ પ્રજાતિઓના જનીનિક ડેટાનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે, આ જંગલની અનેક વનસ્પતિઓ પૃથ્વી પર ઓછામાં ઓછા પચાસ લાખ વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. વિજ્ઞાનીઓ અગાઉ પણ આ વાત જાણતા હતા, પરંતુ તેમને અંદાજ ન હતો કે આ કેટલી પ્રજાતિની વનસ્પતિઓ પૃથ્વી પર આટલા બધા વર્ષોથી જીવી રહી છે. પર્યાવરણ વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ પૃથ્વી પર વર્ષ 2100માં સૌથી વધુ તાપમાન હશે, અને એ વખતે પણ એમેઝોનના જંગલોમાં લાખો વર્ષોથી જીવી રહેલી આ વનસ્પતિઓ જીવન ટકાવી રાખવામાં સફળ થશે.
‘ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન’ જર્નલને અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના ઈકોલોજિસ્ટ ક્રિસ્ટોફર ડિક જણાવે છે કે, “પૃથ્વીના વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર ન થાય ત્યાં સુધી આવી કોઈ પણ પ્રજાતિનો સામૂહિક વિનાશ નહીં થાય.” જોકે, આ નવું સંશોધન ઈકોલોજિકલ મોડેલિંગના આધારે કરેલા અનેક જૂના સંશોધનોને પડકારે છે. આવા અનેક સંશોધનોમાં એવું તારણ અપાયું છે કે, પૃથ્વીના તાપમાનમાં થતા થોડા થોડા વધારાના કારણે પૃથ્વી પરની અનેક વનસ્પતિ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. એનો અર્થ એ થયો કે, વ્યાપક દૃષ્ટિએ ગ્લોબલ વૉર્મિંગની અસર ભલે નહીંવત દેખાય પરંતુ તે માનવજાત માટે ગંભીર તો છે જ.

જોકે, પ્રોફેસર ક્રિસ્ટોફર ડિક અને તેમની ટીમે આ સંશોધન કરવા માટે મોલેક્યુલર ક્લોક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ડીએનએમાં થયેલા વિવિધ પરિવર્તનો જાણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંશોધન માટે તેમણે એમેઝોનમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી કુલ 12 એમેઝોનિયન વનસ્પતિના ડીએનએનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જેમાં કાપોક અને બાલસાનો પણ સમાવેશ થતો હતો. ત્યાર પછી સંશોધકોએ તાપમાનની દૃષ્ટિએ પૃથ્વી અત્યાર સુધી કેવા કેવા તબક્કાઓમાં પસાર થઈ તેનો ડેટા ડીએનએમાં થયેલા પરિવર્તનો સાથે સરખાવ્યો હતો. આ ડેટાનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓને માલુમ પડ્યું હતું કે, વનસ્પતિ જેટલી જૂની હોય એટલા વધુ ગરમ વાતાવરણમાં તે ટકી રહી હતી.

પ્રો. ક્રિસ્ટોફર ડિક
વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું કે, એમેઝોનમાં નવ પ્રજાતિની વનસ્પતિ 26 લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, જ્યારે સાત વનસ્પતિ એવી છે જે પૃથ્વી પર 56 લાખ વર્ષોથી જીવી રહી છે. આ ઉપરાંત ત્રણ પ્રજાતિની વનસ્પતિ એંશી લાખ વર્ષોથી અડીખમ છે. આટલી વર્ષોથી એમેઝોનના જંગલોમાં જીવી રહેલી વનસ્પતિઓ જોઈને સંશોધકો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. પ્રોફેસર ડિકે કહ્યું હતું કે, “આશ્ચર્યજનક રીતે આ ખૂબ જ જૂની વનસ્પતિઓ છે. અગાઉના સંશોધનો જણાવે છે કે, એમેઝોનમાં ઊભેલા કેટલીક પ્રજાતિના વૃક્ષોનો આશરે 26 લાખ વર્ષ પહેલાં જન્મ થયો હોઈ શકે છે.” ઈન્ટરગવર્મેન્ટલ પેનલે એમેઝોનમાં ક્લાઈમેટ ચેન્જની અસર મુદ્દે રજૂ પ્રમાણમાં ઓછું કાર્બન ઉત્સર્જન (કાર્બન એમિસન) ધારી લઈને કરેલા અહેવાલ મુજબ, આશરે 36થી 50 લાખ વર્ષ પહેલાં એમેઝોન વિસ્તારમાં હવાનું દબાણ વર્ષ 2100માં જેટલું હશે તેટલું જ હોઈ શકે છે. વિજ્ઞાનીઓએ વર્ષ 2100માં એમેઝોનમાં ઊંચુ કાર્બન ઉત્સર્જન ધારીને પણ એમેઝોનમાં 53 લાખથી એક કરોડ વર્ષ પહેલાં આ વિસ્તારમાં હવાનું દબાણ માપવાનો અભ્યાસ કર્યો હતો. આ અંગે પ્રોફેસર ક્રિસ્ટોફર ડિક જણાવે છે કે, “અમારી પાસે પુરાવા છે કે, એમેઝોનની સામાન્ય નિયોટ્રોપિકલ વનસ્પતિએ અત્યારના કરતા પણ વધુ ગરમ વાતાવરણનો સામનો કર્યો છે. જે દર્શાવે છે કે આ પ્રજાતિઓ નજીકના વર્ષોમાં થનારા ક્લાઈમેટ ચેન્જનો સરળતાથી સામનો કરી શકશે.”

આ રિસર્ચ પેપરના સહ-લેખક અને યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર સિમોન લુઈસ ગ્લોબલ વૉર્મિંગથી એમેઝોનને કોઈ નુકસાન નહીં થાય એ અંગે જણાવે છે કે, “હા, તે સારા સમાચાર છે પરંતુ તેનાથી આપણે ગ્લોબલ વૉર્મિંગની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ તે અને એમેઝોનના જંગલો કપાઈ રહ્યા છે તે મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો નહીં થાય. આપણે ભૂતકાળને સીધેસીધું ભવિષ્ય સાથે ન જોડી દેવું જોઈએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “એમેઝોનની વનસ્પતિઓએ અત્યારના કરતા અનેકગણું વધારે ગરમ તાપમાન સહન કર્યું છે. પરંતુ અત્યારે આ જંગલોમાં ખેતી અને ખાણકામ થઈ રહ્યું છે. પરિણામે અહીં રસ્તાઓ અને ખેતરો જોવા મળી રહ્યા છે.” આ અંગે પ્રોફેસર ક્રિસ્ટોફર ડિક કહે છે કે, “ખરી મુશ્કેલી એ છે કે, પૃથ્વી પર વીસ લાખ વર્ષથી ઠંડો યુગ ચાલી રહ્યો છે. આટલા સમયમાં એમેઝોનની કેટલીક વનસ્પતિઓએ ગરમ વાતાવરણમાં ટકી રહેવાની શક્તિ ગુમાવી દીધી હોઈ શકે છે.”

જીવસૃષ્ટિ, વનસ્પતિની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ જંગલ

જંગલ  વિસ્તાર ઘટવાના કારણે પર્યાવરણને લઈને અત્યંત
સંવેદનશીલ એવા ‘ટ્રી ફ્રોગ’ની વસતી સતત ઘટી રહી છે
એમેઝોનના વરસાદી જંગલો એમેઝોનિયા તરીકે પણ ઓળખાય છે. દક્ષિણ અમેરિકાનો એમેજોન બાસિન નામનો મોટા ભાગના વિસ્તાર પર એમેઝોનના જંગલો છવાયેલા છે. 70 લાખ સ્ક્વેર કિલોમીટરનો ઘેરાવો ધરાવતા એમેઝોન બાસિન પ્રદેશના 50 ટકાથી પણ વધુ વિસ્તારમાં વરસાદી જંગલો પથરાયેલા છે. એમેઝોનના જંગલો નવ દેશોના વિવિધ વિસ્તારોમાં પણ આવેલા છે, જેના પરથી આપણે કલ્પના કરી શકીએ છીએ કે તે કેટલા મોટા વિસ્તારમાં ફેલાયેલા હશે! જોકે, 60 ટકા જેટલું એમેઝોનનું જંગલ બ્રાઝિલમાં આવેલું છે. ત્યાર પછી પેરુમાં 13 ટકા, કોલમ્બિયામાં 10 ટકા અને વેનેઝુએલા, ઈક્વાડોર, બોલિવિયા, ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાનામાં પણ એમેઝોનના જંગલો છે. આ વિસ્તારનો અત્યંત મહત્ત્વનો પ્રદેશ હોવાના કારણે જ ચાર દેશોના રાજ્યો કે અન્ય વિભાગોના નામ ‘એમેઝોન’ પરથી લેવામાં આવ્યા છે. પૃથ્વી પરના કુલ વરસાદી જંગલોમાં અડધા જેટલો હિસ્સો તો એમેઝોનના જંગલોનો જ છે. વળી, વિશ્વના કોઈ પણ વરસાદી જંગલોની સરખામણીમાં આ જંગલો વનસ્પતિ અને જીવસૃષ્ટિની દૃષ્ટિએ પણ વધુ સમૃદ્ધ છે. વિશ્વની દસમાંથી એક જાણીતી પ્રજાતિ એમેઝોનના જંગલમાં વસવાટ કરે છે. અહીં 25 લાખથી પણ વધારે જાતિના જીવજંતુઓ, બે હજાર જાતિના પક્ષીઓ અને સ્તનધારી પ્રાણીઓ વસવાટ કરે છે. જોકે, અત્યાર સુધી એમેઝોનમાં 40 હજારથી વધુ ફૂલછોડ, 2,200 માછલીઓ, 1,294 પક્ષીઓ, 427 સ્તનધારીઓ, 428 ઉભયજીવીઓ (જમીન અને પાણી બંનેમાં રહેતા) અને 328 સરિસૃપોનું વૈજ્ઞાનિક રીતે પૃથક્કરણ કરાયું છે. વિજ્ઞાનીઓના મતે, પૃથ્વી પરની દર પાંચમાંથી એક પ્રજાતિનું પક્ષી એમેઝોનના જંગલમાં તેમજ દર પાંચમાંથી એક પ્રજાતિની માછલી એમેઝોનના નદીનાળામાં વસે છે. વિજ્ઞાનીઓએ અત્યાર સુધી ફક્ત બ્રાઝિલમાં જ 96,660થી 1,28,843 વચ્ચે કરોડરજ્જુ વિનાના જીવોની નોંધણી કરી છે. નિષ્ણાતોના મતે, એમેઝોનમાં ફક્ત એક સ્ક્વેર કિલોમીટરમાં એક હજારથી પણ વધુ પ્રજાતિના વૃક્ષો અને છોડ જોવા છે.

સતત ઘટી રહેલો જંગલ વિસ્તાર

બ્રાઝિલના પારા રાજ્યમાંથી પસાર થતો જંગલ
કાપીને બનાવવામાં આવેલો હાઈવે
એમેઝોનના જંગલોને માનવ વસવાટ અને શહેરીકરણના કારણે નુકસાન થઈ રહ્યું છે. પુરાતત્ત્વવિદોએ બ્રાઝિલના કાવેર્ના દ પેડ્રા પિન્ટાડા (પેઈન્ટેડ રોક કેવ) વિસ્તારમાં કરેલા ખોદકામ દરમિયાન પુરાવા મળ્યા છે કે, આમ તો અહીં 11,200 વર્ષ પહેલાં પણ માનવ વસવાટ હતો. જોકે, વર્ષ 1900માં થયેલી વસતી ગણતરી મુજબ અહીં દસ લાખ લોકો વસતા હતા અને વર્ષ 1980માં આ આંકડો ઘટીને બે લાખે પહોંચી ગયો હતો. જોકે, વર્ષ 1960ની આસપાસ એમેઝોનમાં ખેતીલાયક જમીન ઊભી કરવા માટે સ્થાનિકોએ મોટા પાયે વૃક્ષો કાપીને કે જંગલોમાં આગ લગાડવાનું શરૂ કર્યું હતું. જોકે, આ જમીનમાં ફળદ્રુપતાના અભાવે સ્થાનિકો ખેતી તો ન કરી શક્યા, પરંતુ તેનાથી પ્રકૃતિને વ્યાપક નુકસાન જરૂર થયું. કારણ કે, આ વિસ્તારની જમીનમાં ખૂબ થોડા સમય માટે જ સારો એવો પાક લઈ શકાયો હતો. છેવટે અહીં રહેતા લોકોને ફરી એકવાર અન્યત્રે જવું પડ્યું. પરંતુ ત્યાં જઈને પણ તેમણે ખેતીલાયક જમીન ઊભી કરવા જંગલોનો ખાત્મો કર્યો. બ્રાઝિલ સરકારના સત્તાવાર આંકડા મુજબ, ઓગસ્ટ 2011થી જુલાઈ 2012 સુધીમાં જ આશરે 4657 સ્ક્વેર કિલોમીટરનો જંગલ વિસ્તાર કપાઈને કે બળીને નષ્ટ થઈ ગયો છે. હાલ, આવા મોટા ભાગના જંગલ વિસ્તારોનો ઉપયોગ ખેડૂતો તેમના ઢોરને ચરાવા માટે કરી રહ્યા છે. વળી, તાજેતરમાં જ એમેઝોનમાં બે હાઈવેનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે. છેવટે, અગાઉના પાંચ વર્ષની સરખામણીએ વર્ષ 2005માં 18 ટકા વધુ જંગલ સાફ થઈ ગયા હતા. જોકે, હવે એમેઝોનને બચાવવા માટે વિવિધ દેશોની સરકાર આગળ આવી છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે.

No comments:

Post a Comment