18 December, 2012

હું રોજની એક ફિલ્મ બનાવવા માંગુ છું: ગજેન્દ્ર આહિર


આપણામાંથી ઘણાંએ નાનપણમાં હરતાફરતા બાયોસ્કોપમાં પાંચ મિનિટથી પણ ઓછી ચાલતી જાતભાતની કોમેડી ફિલ્મ જોવાની મજા માણી હશે! એવી જ રીતે, લગભગ એંશીના દાયકામાં ઉત્તર ભારત અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ‘જાત્રા ટૉકિઝ’ એટલે કે, ‘ટુરિંગ ટૉકિઝ’ પ્રખ્યાત હતી. જોકે, આ હરતીફરતી ટૉકિઝમાં આખેઆખી ફૂલલેન્થ મરાઠી ફિલ્મો નાનકડા તંબૂઓમાં દર્શાવાતી હતી. પરંતુ આવા હરતાફરતા થિયેટરો મોટે ભાગે મેળા અને શિયાળાની રાત્રિઓમાં જ જોવા મળતા હતા. આજથી અઢી દાયકા પહેલાં નાનકડા નગરો અને ગામડાંમાં રહેતા લોકો માટે મોટા શહેરોના થિયેટરો સુધી પહોંચવું સરળ ન હતું ત્યારે આવા ‘જાત્રા ટૉકિઝ’નું લોકોમાં જોરદાર આકર્ષણ હતું. આ વાત યાદ કરવાનું કારણ છે સાતમી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર દરમિયાન થિરુવનંતપુરમમાં આયોજિત 17મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કેરલ. અહીં 11થી 13 ડિસેમ્બર સુધી રોજેરોજ ‘ટુરિંગ ટૉકિઝ’ નામની મરાઠી ફિલ્મ દર્શાવવામાં આવી હતી, જેને વિવેચકોએ ખૂબ વખાણી હતી.

ભારતીય સિનેમાના એકસોમાં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એવા સમયે ‘ટુરિંગ ટૉકિઝ’ જેવી સુંદર ફિલ્મ આવી છે અને લોકોને તે પસંદ પણ પડી છે. ‘ટુરિંગ ટૉકિઝ’ ભારતમાં સિનેમેટિક ટેક્નોલોજીનો વ્યાપ લોકો સુધી પહોંચ્યો ન હતો ત્યારે લોકો કેવી રીતે ફિલ્મો જોતા હતા તેનો પણ દસ્તાવેજ છે. બાદમાં નાના નગરો અને ગામડાંની આસપાસ થિયેટરો બનતા ગયા અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ વધતી ગઈ. વર્ષ 1977 સુધી ફક્ત મહારાષ્ટ્રમાં જ આવા બે હજાર હરતાફરતા થિયેટર હતા, પરંતુ હાલ તેની સંખ્યા ફક્ત 48 છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા જાણીતા મરાઠી ફિલ્મ દિગ્દર્શક ગજેન્દ્ર આહિરે લગભગ ત્રણ વર્ષ ઊંડુ સંશોધન કરીને આશરે બે વર્ષના સમયગાળામાં ‘ટુરિંગ ટૉકિઝ’ બનાવી છે.

‘ટુરિંગ ટૉકિઝ’ ફિલ્મનું પોસ્ટર

આ ફિલ્મની વાર્તા ‘ચાંદી ટૉકિઝ’ નામના હરતાફરતા થિયેટરની માલિક ચાંદી નામની એક યુવતીની આસપાસ ફરે છે. ચાંદીના કામમાં ફિલ્મ દિગ્દર્શક બનવાનું સ્વપ્ન સેવતો તેનો ભાઈ પણ તેને સાથ આપી રહ્યો છે. તેનો પિતા બાબુશેઠ દારૂડિયો અને જુગારી છે. એટલે ચાંદી તેના ટિકિટ કાઉન્ટર પર હંમેશાં તાળું લગાવી રાખે છે. કારણ કે, તેનો દારૂડિયો બાપ તક મળતા જ બાળકોની બધી જ કમાણી ઉડાવી દે છે. એક દિવસ તેનો બાપ બધી જ કમાણી લઈને ભાગી જાય છે અને જુગારમાં ઉડાવી દે છે. પરંતુ હવે ચાંદી દેવાદાર થઈ જાય છે. તેનો માલિક વ્યાજ સાથે દેવુ ભરપાઈ કરવા ચાંદીને છ મહિનાની મુદત આપે છે.

આ ફિલ્મ અંગે ગજેન્દ્ર આહિર જણાવે છે કે, “આ આખી ફિલ્મમાં મેં ચાંદી તેની કંપની ચાલુ રાખવા માટે કેવો સંઘર્ષ કરે છે તેનું નિરૂપણ કર્યું છે.” ફિલ્મ બનાવતા બે વર્ષ જેટલો સમય કેવી રીતે વિતી ગયો એ વાત કરતા તેઓ કહે છે કે, ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા મહારાષ્ટ્રમાં જ્યાં પણ જાત્રા થિયેટરો આવતા ત્યાં અમે શૂટિંગ કરવા પહોંચી જતા હતા. આ માટે અમે મહારાષ્ટ્રના અનેક અંતરિયાળ વિસ્તારોમાં શૂટિંગ કર્યું હતું. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના લગભગ તમામ ધાર્મિક મેળાઓમાં હજુ પણ આવી હરતાફરતા થિયેટરો જોવા મળે છે. ‘ટુરિંગ ટૉકિઝ’ના નિર્માતા અને જાણીતા મરાઠી અભિનેત્રી તૃપ્તિ ભોઈર છેલ્લાં પાંચ વર્ષથી ફિલ્મ જોવાની આ પરંપરા લુપ્ત ન થઈ જાય એ માટે પ્રયત્નશીલ છે. જોકે, એક તબક્કે તેમને લાગ્યું કે, ફક્ત અમુક લોકોને મદદ કરીને કશું નહીં વળે. આ વાત લોકો સુધી પણ પહોંચવી જોઈએ. બસ, આ વિચારમાંથી જ સર્જન થયું, ‘ટુરિંગ ટૉકિઝ’નું.

ગજેન્દ્ર આહિર

હાલના મલ્ટીપ્લેક્સ યુગમાં પણ ભારતના એવા હજારો ગામડાં છે જ્યાં રહેતા લોકો માટે થિયેટર સુધી જવું ઘણું અઘરું છે. ભારતમાં રહેતા કરોડો લોકોએ આજે પણ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોઈ નથી. આ સ્થિતિમાં હરતાફરતા થિયેટરો લોકસંપર્કનું મજબૂત માધ્યમ બની શકે છે. આ અંગે તૃપ્તિ ભોઈર કહે છે કે, “થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં 500 જેટલા આવા થિયેટરો હતા, પરંતુ તેમાંના ઘણાં ઓછા થિયેટરો સારી કમાણી કરી શકે છે. આ એવા લોકો છે જે સિનેમાને ચાહે છે અને તેઓ પોતાની ફિલ્મ બતાવવાની કળાને લુપ્ત થવા દેવા નથી માંગતા. પરંતુ દુઃખની વાત એ છે કે, તેઓ એ નથી જાણતા કે પોતાના બિઝનેસનો વ્યાપ વધારીને સારી કમાણી કેવી રીતે કરી શકાય.”

રસપ્રદ વાત તો એ છે કે, હરતાફરતા થિયેટરો જતા હોય એવા મહારાષ્ટ્રના ગામડાંમાં ‘ટુરિંગ ટૉકિઝ’ દર્શાવવા દિગ્દર્શક અને નિર્માતાએ ક્રિએટિવ પોસ્ટર અને લકી ડ્રો જેવા જાતભાતના નુસખા અજમાવ્યા હતા. આ ફિલ્મ દર્શાવીને તેઓ હરતાફરતા થિયેટરો ચલાવતા લોકોને લાભ પહોંચાડવા માંગતા હતા. તૃપ્તિ ભોઈર જણાવે છે કે, “કમનસીબે આ સંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે. પરંતુ મલ્ટીપ્લેક્સની જેમ એક જ મેદાનમાં એકથી વધુ તંબૂ ઊભા કરીને પણ ‘ટુરિંગ ટૉકિઝ’ જીવતી રાખી શકાય છે.” મૂળ વાત એ છે કે, આ ફક્ત મનોરંજક ફિલ્મ નથી, પરંતુ ઉત્તર ભારતના અનેક ગામડાંઓની કથા છે, જ્યાં એક સમયે આવા હરતાફરતા થિયેટરોની બોલબાલા હતી.

આ અંગે ગજેન્દ્ર આહિર જણાવે છે કે, “મારે સમાજને ઘણું બધું કહેવું છે, અને એટલે જ જો શક્ય હોય તો હું રોજની એક ફિલ્મ બનાવવા ઈચ્છું છું.” આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ગજેન્દ્ર મરાઠી નાટકોથી કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ આટલા વર્ષોમાં તેઓ 40 ફિલ્મો બનાવી ચૂક્યા છે. તેઓ કહે છે કે, “મારી પાસે ઢગલાબંધ વાર્તાઓ છે અને તે બધી જ મારે કહેવી છે. મને વ્યક્ત કરવું ગમે છે અને મને સતત કામ કરવું પસંદ છે. બીજું, નિર્માતાઓને પણ મારા પર વિશ્વાસ છે અને તેથી હું વધુને વધુ ફિલ્મો બનાવું છું.” આટલી ઝડપથી ફિલ્મો બનાવતા ગજેન્દ્ર પોતાની ફિલ્મોનું પ્રમોશન પણ નથી કરતાં. કારણ કે, તેમને એવું લાગે છે કે, એ કામ મારું નહીં, નિર્માતાનું છે. તેઓ કહે છે કે, “હું ફિલ્મો બનાવ્યા સિવાય બીજું કશું જ કરતો નથી. આ પ્રશ્ન એટલે ઊભો થયો છે કે, મરાઠી સિનેમા પાસે નિર્માતાઓ નથી. નિર્માતાઓ ઘણું કામ કરતા હોય છે, પરંતુ કમનસીબે આપણે પૈસા રોકે તેને નિર્માતા કહીએ છીએ.”

તૃપ્તિ ભોઈર

જોકે, ગમે તેટલી સારી ફિલ્મ બનાવીએ પરંતુ તે લોકો સુધી પહોંચે જ નહીં તો તેનો કોઈ અર્થ નથી હોતો. પરંતુ ગજેન્દ્ર આહિર કહે છે કે, “દરેક ફિલ્મ તેની ગુણવત્તા મુજબ લોકો સુધી પહોંચે જ છે. જો તેમાં ગુણવત્તા હશે તો તે લોકો સુધી પહોંચશે અને હું અગાઉ પણ તે અનુભવી ચૂક્યો છું. નિર્માતાને પૈસા મળવા જોઈએ, પરંતુ તે કામ મારું નથી. આ કામ તેમણે કરવાનું છે. આજે તો એવો ટ્રેન્ડ છે કે, જે મૂવીનું વધુ પ્રમોશન થયું હોય અને જેની સારી એવી એડવર્ટાઈઝિંગ થઈ હોય તે સારી મૂવી. પરંતુ હું તેની સાથે અસહમત છું.” હવે તેઓ અમિતાભ બચ્ચને લઈને ‘આનંદભુવન’ નામની હિંદી ફિલ્મ લઈને આવી રહ્યા છે, પરંતુ આ ફિલ્મ ફક્ત ટેલિવિઝન પર જ રજૂ થવાની છે.

નોંધનીય છે કે, ગજેન્દ્ર આહિર ખૂબ જ ઝડપથી ફિલ્મો બનાવવા માટે પણ જાણીતા છે. ‘સૈલ’ નામની મરાઠી ફિલ્મ તેમણે ફક્ત પાંચ જ રાત્રિમાં બનાવી દીધી હતી, એવી જ રીતે મરાઠી ફિલ્મ ‘વાસુદેવ બલવંત’ તેમણે 28 દિવસમાં પૂરી કરી નાંખી હતી. જો તમે ફિલ્મ મેકર ના હોત તો શું કરતા હોત એવા સવાલનો જવાબ આપતા તેઓ કહે છે કે, હું શિક્ષક હોત અને ભવિષ્યમાં હું લોકોને ફિલ્મ મેકિંગ ભણાવવાનો છું.

No comments:

Post a Comment