ભારતના મહાન સંગીતકારો પૈકીના એક પંડિત રવિ શંકરે 11મી ડિસેમ્બરે 92 વર્ષની
વયે છેલ્લાં શ્વાસ લીધા. પં. રવિ શંકરના મૃત્યુના સમાચાર સાંભળીને ભારતના
અમેરિકાસ્થિત રાજદૂત નિરુપમા રાવે ટ્વિટ કર્યું હતું કે, “તેમની છેલ્લી કોન્સર્ટ
અત્યંત દુઃખદાયક હતી. અનુષ્કા અને તેઓ સંપૂર્ણ રાગમાં હતા. એક દીવડો બુઝાઈ ગયો.”
પં. રવિ શંકર વર્ષોથી અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા હતા. કેલિફોર્નિયામાં તેમના ઘર નજીક એક ઓપન મેમોરિયલમાં 21મી ડિસેમ્બરે યોજાયેલી પ્રાર્થના સભામાં હાજર લોકોને અનુષ્કાએ કહ્યું હતું કે, “મારા પિતાજીની લાઈફ સેલિબ્રેટ કરવા બદલ આપ સૌનો આભાર...”
પં. રવિ શંકર વર્ષોથી અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા હતા. કેલિફોર્નિયામાં તેમના ઘર નજીક એક ઓપન મેમોરિયલમાં 21મી ડિસેમ્બરે યોજાયેલી પ્રાર્થના સભામાં હાજર લોકોને અનુષ્કાએ કહ્યું હતું કે, “મારા પિતાજીની લાઈફ સેલિબ્રેટ કરવા બદલ આપ સૌનો આભાર...”
પં. રવિ શંકરે ખરા અર્થમાં લાઈફ સેલિબ્રેટ કરી હતી. તેઓ જીવનભર સંગીતના માધ્યમથી
પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ બની રહ્યા હતા. કદાચ એટલે જ જ્યોર્જ હેરિસન પં. રવિ શંકરને
‘ગોડફાધર ઓફ વર્લ્ડ મ્યુઝિક’ કહેતા હતા. પં. રવિ શંકરની પ્રાર્થના સભામાં સ્વ. જ્યોર્જ
હેરિસનના વિધવા ઓલિવિયા હેરિસન અને વિશ્વ વિખ્યાત સંગીતકાર ઝુબીન મહેતાએ પણ ખાસ
હાજરી આપી હતી. તેઓ સંગીત વિશ્વના મલ્ટી-કલ્ચર્ડ આઈકન ગણાતા હતા. એ કાર્યક્રમમાં ઓલિવિયા હેરિસને કહ્યું હતું કે, “રવિજી વિશ્વના મહાન નાગરિકો પૈકીના એક હતા.
તેમના વિશે હું આનાથી વધુ ભવ્ય વાત વિચારી શકતી નથી”
પં. રવિ શંકરની હાજરીમાં ઝુબીન મહેતા પણ પોતાની જાતને તુચ્છ સમજતા હતા. આ અંગેનું
કારણ આપતા તેમણે કહ્યું હતું કે, “... કારણ કે, કોઈ પણ પ્રકારના સ્ટેજ કે કોઈ પણ રાતે પરફોર્મ કરતી વખતે, તેઓ સતત રચના તૈયાર કરતા હતા. બિલકુલ એવી રીતે જેવી રીતે તેઓ
એકધારી સિતાર વગાડતા.” પં. રવિ શંકર શું હતા અને કલાના માધ્યમથી તેઓ શું કરવા
માંગતા હતા તેનો આપણને ‘કોન્સર્ટ ફોર બાંગ્લાદેશ’ પરથી ખ્યાલ આવી શકે. આમ તો
તેમણે કારકિર્દીમાં અનેકવાર લોકહિતના જાહેર કાર્યક્રમો માટે કોન્સર્ટનું આયોજન કર્યું હતું, પરંતુ
‘કોન્સર્ટ ફોર બાંગ્લાદેશ’ તમામ બેનિફિટ કોન્સર્ટ માટે
બ્લૂપ્રિન્ટ સમાન બની ગઈ હતી.
વર્ષ 1971માં જ્યોર્જ હેરિસન અને પં. રવિ શંકર દ્વારા ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર
ગાર્ડન વિસ્તારમાં બે ઓપન મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરાયું હતું, જેમાં દિગ્ગજ સંગીતકારોએ ચાળીસેક હજાર લોકો સમક્ષ પર્ફોર્મ કર્યું હતું. એ કોન્સર્ટ યોજવાનો હેતુ પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)ના વિસ્થાપિતો પ્રત્યે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનો અને તેમના
માટે ભંડોળ એકત્રિત કરવાનો હતો. વર્ષ 1971 દરમિયાન પૂર્વ પાકિસ્તાનમાં ભયાનક
‘ભોલા’ વાવાઝોડું ત્રાટક્યું હતું. હજુ આ કારમી કુદરતી હોનારતમાં બહાર આવે એ
પહેલાં પૂર્વ પાકિસ્તાનના રાજકારણીઓ કોઈ પણ ભોગે પોતાને પાકિસ્તાથી અલગ કરવા પ્રયત્નશીલ
હતા. બીજી તરફ, પૂર્વ પાકિસ્તાનના રાજકારણીઓના ઈરાદા સમજી ગયેલી પાકિસ્તાન સરકારે આ
વિસ્તારમાં કડક મિલિટરી એક્ટિવિટી શરૂ કરી અને તેને પગલે ખૂબ મોટી સંખ્યામાં
લોકો વિસ્થાપિત થયા. સત્તાવાર આંકડા પ્રમાણે, બાંગ્લાદેશ લિબરેશન વૉર વખતે
ભારતમાં જ 70 લાખ લોકોએ આશરો લીધો હતો.
આ વિસ્થાપિતો માટે યોજેલી ભવ્ય કોન્સર્ટ ત્યાર પછી બેસ્ટસેલિંગ ‘લાઈવ આલબમ’
બની હતી. આ કોન્સર્ટમાં એક્સ બિટલ રિન્ગો સ્ટાર, બોબ ડાયલન, એરિક ક્લેપટન, બિલી
પ્રિસ્ટોન, લિઓન રસેલ અને ‘બેડફિંગર’ બેન્ડે પરફોર્મ કર્યું હતું. એટલું જ નહીં, પં. રવિ શંકર અને ભારતના વધુ એક વિશ્વવિખ્યાત સંગીતકાર અલી અકબર ખાને બીજી એકવાર પરફોર્મ
કર્યું હતું. આ કોન્સર્ટથી ખુશખુશાલ થઈને રવિ શંકરે કહ્યું હતું કે, “ફક્ત એક જ
દિવસમાં, આખું વિશ્વ બાંગ્લાદેશનું નામ જાણે છે...” આ કોન્સર્ટમાંથી રવિ શંકર અને
તેમના સહ-સંગીતકારોએ અઢી લાખ અમેરિકન ડૉલરનું ભંડોળ એકઠું કર્યું અને યુનિસેફમાં જમા કરાવ્યું. કેટલાક સાંસ્કૃતિક ઈતિહાસકારો ‘કોન્સર્ટ ફોર
બાંગ્લાદેશ’ને સામાજિક, કલાત્મક અને કોમર્શિયલ સ્તરે 20મી સદીનો માઈલસ્ટોન પ્રસંગ કહે
છે. કારણ કે, આ કોન્સર્ટ યોજીને રવિ શંકરે સામાજિક પ્રતિબદ્ધતા માટે સંગીત કે કલાના
અન્ય કોઈ માધ્યમનો કેવો ઉપયોગ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એપલ ફિલ્મ્સે આ ભવ્ય કોન્સર્ટની એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી, જે 1927માં
અમેરિકામાં પ્રદર્શિત કરાઈ હતી. ત્યાર પછી 1985 સુધીમાં ‘કોન્સર્ટ ફોર
બાંગ્લાદેશ’ લાઈવ આલબમ અને ફિલ્મમાંથી 1.20 કરોડ અમેરિકન ડૉલર ભેગા કરીને આ કમાણી
પણ વિસ્થાપિતો માટે ખર્ચવામાં આવી હતી. એ વખતે એવો સવાલ પણ ઉઠ્યો હતો કે, કેમ
ભારતમાંથી ફક્ત એકમાત્ર હિંદુસ્તાની કે કર્ણાટકી સંગીતકાર બાંગ્લાદેશની પ્રજા માટે
આવું ઉમદા કાર્ય કરી રહ્યો છે? આ અંગે કોમ્યુનિસ્ટ કલ્ચર થિયરિસ્ટ ચિનમોહન સેહાનાબિસે કહ્યું હતું કે,
“અગાઉ પં. રવિ શંકર ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન (ઈપ્ટા) સાથે જોડાયેલા હતા. કદાચ
તેમનામાં એ પ્રતિબદ્ધતાના અવશેષો હજુ પણ જીવિત છે.” તેઓ 1946માં
‘ઈપ્ટા’માં મ્યુઝિક ડિરેક્ટર તરીકે જોડાયા હતા.
સોલ સ્વિમરે બનાવેલી ‘કોન્સર્ટ ફોર બાંગ્લાદેશ’ની ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર |
પં. રવિ શંકર તેમની કારકિર્દીમાં ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. પં. રવિ શંકરને મરણોત્તર
લાઈફ ટાઈમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. આ અંગે ગ્રેમી એવોર્ડના
પ્રવક્તા સ્ટીફની શેલે કહ્યું હતું કે, “તેમની પસંદગી તેમના મૃત્યુ પહેલાં કરાઈ
હતી, અને મૃત્યુના થોડા દિવસ પહેલાં જ તેમણે આ સન્માન સ્વીકારવાનું કહ્યું હતું.” પં. રવિ શંકરને ભારત અને અમેરિકાની અનેક યુનિવર્સિટીઓએ માનદ્ ડિગ્રી આપીને નવાજ્યા હતા. તેઓ આંતરરાષ્ટ્રીય સંગીતના સાચા રાજદૂત ગણાતા હતા. વળી, ભારતીય સંગીતને એક
પરફોર્મર, કમ્પોઝર, શિક્ષક અને લેખક તરીકે પશ્ચિમમાં લોકપ્રિય બનાવવામાં પણ તેમનો
સિંહફાળો હતો.
હાલ પં. રવિ શંકરની પુત્રી અનુષ્કા શંકર અને તેમની દત્તક પુત્રી નોરાહ જોન્સ તેમનો
વારસો સંભાળી રહી છે. રસપ્રદ વાત તો એ છે કે, નોરાહ જોન્સ 2003માં જ આઠ
ગ્રેમી એવોર્ડ જીતીને સૌથી વધુ ગ્રેમી જીતનારી મહિલા સંગીતકાર બની હતી, જ્યારે
અનુષ્કા ગ્રેમી એવોર્ડ 2003માં બેસ્ટ વર્લ્ડ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં નોમિનેટ થઈ
હતી. એવી જ રીતે, ગ્રેમી એવોર્ડ 2013માં અનુષ્કા અને પં. રવિશંકર વ્યક્તિગત રીતે બેસ્ટ
વર્લ્ડ મ્યુઝિક આલબમ માટે નોમિનેટ થયા હતા. સંગીતવિશ્વના સર્વોચ્ચ એવોર્ડમાં
પિતા-પુત્રી સામસામે આવ્યા હોય એવી એ પહેલી ઘટના હતી
પં. રવિ શંકર છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકા સ્થાયી થયા હોવા છતાં તેમનામાં
ભારતીયપણું અકબંધ હતું. બે વર્ષ સતત મનોમંથન કરીને પં. રવિ શંકર જુલાઈ, 1938માં બાબા
ઉસ્તાદ અલાઉદ્દીન ખાન પાસે સંગીતની તાલીમ લેવા માટે મધ્યપ્રદેશના મૈહર ગામ ગયા
હતા. કારણ કે, વિવિધ ગ્લેમરસ કાર્યક્રમો માટે મોટા ભાઈ ઉદયશંકર સાથે વિશ્વપ્રવાસ
કરવો તેમને પસંદ ન હતો. આ અંગે પં. રવિ શંકરે કહ્યું હતું કે, “તે અઘરો નિર્ણય હતો,
પરંતુ છેવટે હું બધી જ મૂંઝવણો સામે જીતી ગયો અને બાબા પાસે જવાનો નિર્ણય કર્યો. હું
તેમને પસંદ હોય તેવું જીવન જીવવા માંગતો હતો. હું તેમનો ગુસ્સો જાણતો હોવાથી થોડો
મૂંઝાયેલો હતો. પરંતુ હું માથાના વાળ મુંડાવીને, સીધાસાદા કપડાં પહેરીને મૈહર
પહોંચી ગયો. કારણ કે, મને લાગતું હતું કે, મારામાં પરિવર્તન આવી ગયું છે. એ પછી તો જંગલ અને
ડુંગરોથી ઘેરાયેલું મૈહર સંગીતના અવાજથી જીવંત થઈ જતું.”
રવિ શંકર (જમણે) ગુરુ ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સાથે (વચ્ચે) |
પં. રવિ શંકરને મૈહરમાં નાનકડો ઓરડો અપાયો હતો. ત્યાં ઉંદરો અને સાપની ભરમાર હતી. દિવસે
પણ ત્યાંનું વાતાવરણ ડરામણું લાગતું હતું. આ ઉપરાંત ત્યાં મચ્છર, વંદા, માખી, ગરોળીનો ત્રાસ હતો તેમજ બારી-બારણાના પણ વિચિત્ર અવાજ આવ્યા કરતા. રાત્રે વળી ઘુવડની કિકિયારીઓ સંભળાતી અને આખો વિસ્તાર ડરામણો લાગતો. આ અંગે પં. રવિ શંકર કહ્યું હતું કે, “મને લાગે છે
કે, મારા તીવ્ર સંકલ્પના કારણે હું ત્યાં ટકી ગયો. કદાચ એ નિર્ણયના
કારણે હું તૂટી ગયો હોત! કારણકે,
મારા સપનાં તીવ્ર હતા. મને એ વાતાવરણમાં અનુકુળ થતાં જ છ મહિના લાગ્યા.” જોકે, આવા
વાતાવરણમાં પં. રવિ શંકર બાબા પાસે કલાકોના કલાકો સુધી સિતાર અને સુરબહાર શીખતા અને
રિયાઝ કરતા.
પોતાના ગુરુ ઉસ્તાદ અલાઉદ્દીન ખાન વિશે પં. રવિ શંકરે કહ્યું હતું કે, તેઓ ખૂબ જ ધાર્મિક
હતા, પરંતુ તેઓ જાતપાતના ભેદભાવોથી જોજનો દૂર હતા. તેમને મૈહરના મા શારદાના
મંદિરમાં પણ પ્રવેશવાની મનાઈ હતી. પરંતુ તેમની ધર્મપ્રિયતા જોઈને બાબાના પ્રખર
અનુયાયી બ્રિજનારાયણ સિંઘજીએ સંતોને વિનંતી કરી હતી કે, બાબાને પ્રાર્થના કરવા
મંદિરમાં પ્રવેશવા દે. અલાઉદ્દીન ખાન હિંદુઓની વસતી ધરાવતા ગામમાં જન્મ્યા હતા અને
તેમના મોટા ભાઈ પણ ‘કાલી સિદ્ધ’ હતા. બાબા પાસે વિવિધ હિંદુશાસ્ત્રોનું
જબરદસ્ત જ્ઞાન હતું. તેઓ દિવસમા પાંચ વાર નમાજ પઢતા ધર્મનિષ્ઠ મુસ્લિમ પણ હતા.
કદાચ આવા ગુરુ મળવાના કારણે જ પં. રવિ શંકરે સંગીતના માધ્યમથી વિવિધ સંસ્કૃતિને એકબીજાની
નજીક લાવવાનો સફળ પ્રયાસ કરી શક્યા હતા. પં. રવિ શંકરે એકવાર કહ્યું હતું કે, “જો આપણે એવું
માનીએ કે, નાતજાતના ભેદભાવ વિનાનું જીવન જીવવામાં આપણને સંગીત મદદરૂપ થઈ શકે છે તો
તે ખૂબ સારી વાત હશે. ફક્ત હિંદુ અને મુસ્લિમ વચ્ચે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ
નહીં, પરંતુ સમગ્ર વિશ્વના અન્ય ધર્મના લોકો વચ્ચે પણ. પરંતુ આવું થઈ શકે છે એવું આપણે
જાણી પણ નથી શકતા. આપણે આપણું સંગીત વિશ્વના તમામ લોકો સાથે વહેંચી શકીએ છીએ.”
વિશાલભાઈ , પંડિત રવિશંકર વિષે ખુબ અનેરી માહિતી , આપવા બદલ આભાર :)
ReplyDelete:-) Thx
ReplyDelete