31 December, 2012

‘પુષ્પક’, ‘અપ્પુરાજા’ અને હવે વધુ એક પ્રયોગ


‘તલાશ’ રિલીઝ થયા પછી ઈન્ડિયા ટીવીના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં આવેલા આમિરખાને પોતાના ટીવી શૉ ‘સત્યમેવ જયતે’ સંદર્ભે ટેલિવિઝન મીડિયાની તાકાતનો પુરાવો આપતા રજત શર્માના એક સવાલના જવાબ આપતા કહ્યું હતું કે, “થ્રી ઈડિયટ્સ ભારતની અત્યંત સફળ ફિલ્મો પૈકીની એક છે. પરંતુ આ ફિલ્મ કેટલા લોકોએ જોઈ? આશરે ચાર કરોડ લોકોએ. પરંતુ આ જ ફિલ્મ ટેલિવિઝન પર આવી ત્યારે કેટલા લોકોએ જોઈ? ફક્ત એક જ દિવસમાં 50 કરોડ લોકોએ...” આ આંકડા પરથી ટેલિવિઝન મીડિયાની શક્તિનો આપણને અંદાજ મળી શકે છે. વાત એમ છે કે, હંમેશાં નવા નવા પ્રયોગો કરીને ધ્યાન ખેંચનારા મેઘાવી અભિનેતા કમલ હસને પોતાની લેટેસ્ટ સ્પાય થ્રીલર ફિલ્મ ‘વિશ્વરૂપમ’ સિનેમાઘરોમાં રિલીઝ થાય એના એક દિવસ પહેલાં ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ) પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે.

કમલ હસનના આ નિર્ણયને પગલે કેટલાક ફિલ્મ વિતરકો સ્વાભાવિક રીતે જ નારાજ છે અને તેમણે ફિલ્મને ડીટીએચ પર રિલીઝ થતી અટકાવવા ધમપછાડા પણ કર્યા હતા. પરંતુ ‘સમયથી આગળ વિચારવા’ માટે જાણીતા કમલ હસને એરટેલ ડિજિટલ ટીવી સાથે કરાર કરી લીધા છે. આજ સુધી ક્યારેય કોઈ નિર્માતા કે દિગ્દર્શકેપોતાની ફિલ્મ રિલીઝના 12 કલાક પહેલાં ટીવી પર તે ફિલ્મ બતાવવાની હિંમત કરી નથી. આ અંગે કમલ હસન કહે છે કે, “આવું સાહસ કરવા એરટેલ ડીટીએચ સાથે જોડાતા મને આનંદ થાય છે. મનોરંજન અને ટેક્નોલોજીનો આ સમન્વય આગામી દિવસોમાં નવી ઊંચાઈ હાંસલ કરશે. મને એ વિચારથી જ આનંદ થાય છે કે, હવે બહુ બધા દર્શકો ઘરમાં શાંતિથી બેસીને ‘વિશ્વરૂપમ’ની મજા લેશે.”કમલ હસને 58 વર્ષની વયે ‘વિશ્વરૂપમ’ના નિર્માતા, દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા તરીકે પણકામ કર્યું છે.

‘વિશ્વરૂપમ’ 11મી જાન્યુઆરી, 2013ના રોજ સિનેમાઘરોમાં આવી રહ્યું છે, પરંતુ 10મી જાન્યુઆરી, 2013ના રોજ રાત્રે સાડા નવે એરટેલ ડીટીએચના પે પર વ્યૂ (પીપીવી) પર તમિળ, તેલુગુ અને હિંદીમાં ‘વિશ્વરૂપ’ નામે દર્શકોને બતાવવામાં આવશે. કમલ હસન જેવા ધરખમ અભિનેતાની નવીનક્કોર ફિલ્મ એરટેલ પર રિલીઝ થવાથી કંપનીને જોરદાર ફાયદો થશે, પરંતુ સાથે ફિલ્મ નિર્માતાને પણ તગડી કમાણી થશે. આ સોદામાં કમલ હસનને રૂ. 40 કરોડ ચૂકવાયા હોવાના અહેવાલ છે. આમ રૂ. 95 કરોડમાં બનેલી ફિલ્મનો ઘણો મોટો હિસ્સો અત્યારથી જ કમલ હસનને મળી ગયો છે. જોકે, કેટલાક લોકો એવી શંકા વ્યક્ત કરે છે કે, જો ભવિષ્યમાં બધા નિર્માતાઓ આવી રીતે ટેલિવિઝન પર ફિલ્મ રિલીઝ કરશે તો ફિલ્મ વિતરકોને જંગી નુકસાન થશે અને તેઓ ઈન્ડસ્ટ્રીમાંથી નામશેષ થઈ જશે.

‘વિશ્વરૂપ’ (હિંદી આવૃત્તિ)નું પોસ્ટર 

પરંતુ દરેક નવો પ્રયોગ પોતાની સાથે અનેક શંકાઓ લઈને આવતો હોય છે અને સમય જતાં તેનું યોગ્ય સમાધાન પણ થઈ જતું હોય છે. અહીં કહેવાનો અર્થ એ છે કે, ટેલિવિઝન આવવાથી રેડિયોનો જમાનો જતો નથી રહ્યો. ઊલટાનું અત્યારે સમગ્ર વિશ્વમાં પહેલાંથી અનેકગણા વધારે રેડિયો સ્ટેશનો છે. એવી જ રીતે, ઈન્ટરનેટ, ટેલિવિઝન કે રેડિયોના કારણે અખબારોની દુનિયા લુપ્ત નથી થઈ. એ વાતમાં કોઈ શંકા નથી કે, આ પ્રયોગ કરીને કમલ હાસને એક નવી જ ઈન્ડસ્ટ્રીને જન્મ આપ્યો છે. આ અંગે ભારતી એરટેલ ડીટીએચ/મીડિયાના સીઈઓ શશી અરોરા કહે છે કે, “અમને ગર્વ છે કે એરટેલ ડીટીએચ એક નવી જ ‘ઈન્ડસ્ટ્રી’ને સૌથી પહેલાં લૉન્ચ કરી રહ્યું છે...”

જોકે, આ ફિલ્મ જોવા માટે એરટેલ કનેક્શનદીઠ રૂ. 1000ની વસૂલાત કરવાનું છે. પરંતુ કંપનીનું કહેવું છે કે, “જો પાંચ વ્યક્તિનો એક પરિવાર ફિલ્મ જોવા જાય તો આટલો ખર્ચ થઈ જ જાય છે. વળી, તેમાં પણ ટ્રાન્સપોર્ટ અને ફૂડનો ખર્ચ સામેલ કરો તો તે સંખ્યા ઘણી મોટી થઈ જાય છે.” ફક્ત રૂ. 1000 ચૂકવીને ટેલિવિઝન પર ઘણાં બધા લોકો ફિલ્મ જોઈ શકે છે તે તેનો સૌથી મોટો ફાયદો છે. પરંતુ મૂળ વાત એ છે કે, આજે પણ ભારતમાં મલ્ટીપ્લેક્સ સિવાયના નાના થિયેટરોમાં લાખો નીચ મધ્યમવર્ગીય પરિવારો ફિલ્મોનો આનંદ માણે છે. આવો પાંચ વ્યક્તિનો પરિવાર ઘણાં ઓછા પૈસામાં ફિલ્મોનો આનંદ માણે છે. તેથી આ પ્રયોગની નાના થિયેટરો કરતા મલ્ટીપ્લેક્સના બિઝનેસને વધુ અસર થઈ શકે છે. કારણ કે, નીચ મધ્યમવર્ગીય પરિવાર કરતા ‘મલ્ટીપ્લેક્સ ફેમિલી’ને હાઈ ક્વૉલિટી હોમ થિયેટર પર ફિલ્મ જોવી વધુ માફક આવી શકે છે. 

જોકે, ભારતી એરટેલ સમગ્ર દેશમાં 75 લાખથી પણ વધુ દર્શકો ધરાવે છે. તેથી કંપનીને આશા છે કે, આ પ્રયોગ અત્યંત સફળ થશે. બીજી તરફ, ડીટીએચના ગ્રાહકો મોટે ભાગે શહેરોમાં જ હોય છે એવી પણ માન્યતાનું ખંડન કરતા કંપની કહે છે કે, અમારા આશરે 66 ટકા દર્શકો નાના નગરોના છે. પરંતુ ટેલિવિઝન પર ફિલ્મ પ્રદર્શિત કરતી વખતે નકલખોરી અને ચોરીનો પણ ભય રહે છે. એવી જ રીતે, દર્શકો ડીવીઆરની મદદથી આખેઆખી ફિલ્મ ‘સેવ’ કરી શકે છે. પરંતુ આ મુદ્દે પણ કંપનીએ વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા કરી છે. કારણ કે, કોઈ પણ દર્શક ફિલ્મ ‘સેવ’ તો કરી શકશે, પરંતુ 24 કલાક પછી તે આપોઆપ ‘ઈરેઝ’ થઈ જશે. વળી, જ્યાં સુધી પાઈરેસીનો સવાલ છે ત્યાં સુધી થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મો પણ આ દુષણનો ભોગ બને જ છે. આ માટે કોઈ પ્રયોગ પર પ્રતિબંધ મૂકવાના બદલે કડક નીતિ-નિયમો બનાવવાની જરૂર છે.

એ વાત પણ એટલી જ સાચી છે કે, થિયેટર અને ટેલિવિઝન પર ફિલ્મ જોવાનો અનુભવ ખાસ્સો જુદો હોય છે. એરટેલનો દાવો છે કે, તેઓ તમિલનાડુમાં 30 ટકા ડીટીએચ માર્કેટ ધરાવે છે. પરંતુ તમિલનાડુના ટેલિવિઝન દર્શકોની સૌથી મોટી મુશ્કેલી વીજળી છે. હા, અહીં વારંવાર વીજળી જવાથી ટેલિવિઝન દર્શકો તેમના મનપસંદ કાર્યક્રમોનો અવિરત આનંદ નથી ઉઠાવી શકતા. તમિલનાડુમાં ફક્ત ચેન્નાઈ શહેરમાં જ દિવસના 22 કલાક મળે છે. બાકીના રાજ્યમાં 14થી 16 કલાક નિયમિત પાવર-કટ હોય છે. અહીં ભાગ્યે જ સળંગ ત્રણ-ચાર કલાક વીજળી મળે છે. આવી સ્થિતિમાં દર્શકો ત્રણેક કલાકની ફિલ્મ કેવી રીતે જોઈ શકે? આમ છતાં, તમિળ, તેલુગુ અને હિંદીમાં તમિળ આવૃત્તિનો જ સૌથી વધુ ભાવ રખાયો છે.

એરટેલ રૂ. 40 કરોડ વસૂલવા ફિલ્મની વચ્ચે ભરપૂર એડવર્ટાઈઝમેન્ટ પણ બતાવવાનું છે. જોકે, કમલ હસન કદાચ બધું જ જાણે છે, લોકો ટીવી પર ટ્રેલરની જેમ ફિલ્મ જોશે અને પછી સિનેમાઘરોમાં ફિલ્મ જોવા ઉમટી પડશે. જોકે, આ બધી જ ધારણાઓ છે અને આ પ્રયોગથી કોને કેટલું નુકસાન અને કોને ફાયદો થશે તે તો સમય જ કહેશે. પરંતુ ડીટીએચ રિલીઝથી વધુ સારી પારિવારિક ફિલ્મો બનાવવાનું પ્રોત્સાહન મળી શકે છે. કારણ કે, ડીટીએચ પર ફક્ત યુ/એ પ્રમાણપત્ર ધરાવતી જ ફિલ્મ રિલીઝ થશે, ‘એ’ પ્રમાણપત્ર ધરાવતી નહીં. આ મોડેલ એટલી તો ખાતરી આપે જ છે કે, ડીટીએચ પર આવતી દરેક ફિલ્મનો દર્શક ‘પરિવાર’ હશે.

આ ફિલ્મ સ્પાય થ્રીલર છે. વિવિધ ફિલ્મ પ્રિવ્યૂઝ મુજબ કમલ હસને સખત મહેનત કરીને એક સુંદર મનોરંજક ફિલ્મ બનાવી છે. ચેન્નાઈની મધ્યમવર્ગીય પરિવારની પુત્રી નિરુપમા ઉચ્ચ અણુવિજ્ઞાનમાં અભ્યાસ માટે અમેરિકા જાય છે. ત્યાં તે વિશ્વનાથ નામના નૃત્યના શિક્ષકને પરણી જાય છે. તેઓ શાંતિમય જીવન વિતાવતા હોય છે. નિરુપમા પોતાનું પીએચ.ડી. પૂર્ણ કરવા માંગતી હોય છે. આ મુદ્દે તેઓ વચ્ચે ઝગડો થાય છે અને તેઓ છૂટા પડી જાય છે. બીજી તરફ, નિરુપમા પોતાના પતિના ચરિત્રમાંથી ખામીઓ શોધવા તેની પાછળ જાસૂસો લગાવી દે છે. આમ આ એક સીધીસાદી વાર્તા છે, પરંતુ કમલ હસનનો ‘ટચ’ તેને ઉત્તમ બનાવે છે.

આ અંગે કમલ હસન કહે છે કે, “હું ભરતનાટ્યમ, કુચીપુડી શીખ્યો હતો, અને હવે કથ્થક શીખ્યો. આ ફિલ્મમાં હું દસ ભૂમિકામાં છું. આ ઉપરાંત સ્ટંટ અને રિમેક (મલયાલમ, (હિંદી) માટે પણ મેં મહેનત કરી છે.” નોંધનીય છે કે, આ ફિલ્મની કોરિયોગ્રાફીનું કામ બિરજુ મહારાજે પાર પાડ્યું છે. ‘પુષ્પક’ હોય કે ‘અપ્પુ રાજા’ કમલ હસનની ફિલ્મો હંમેશાં સમયથી આગળ હોય છે. આ ફિલ્મમાં પણ તેણે ઓરો 3D સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધી ‘રેડ ટેઈલ્સ’ અને ‘રાઈઝ ઓફ ધ ગાર્ડિયન્સ’ એમ બે જ હોલિવૂડ ફિલ્મોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. ઓરો 3D એડવાન્સ સાઉન્ડ ટેક્નોલોજી 9.1 અને 13.1 સ્પીકરમાં ઉચ્ચ કક્ષાનો સાઉન્ડ આપે છે.

જોકે, કમલ હસનનું કહેવું છે કે, “લોકો મને સમયથી આગળ કેમ કહે છે તે હું નથી જાણતો. હું ખરેખર સમયથી પાછળ છું. કારણ કે હું સમજણની મર્યાદામાં બંધ છું. હું કદાચ મારા કેટલાક સાથીદારોથી આગળ હોઈ શકું છું, પરંતુ સમયથી આગળ નહીં. તમે મને તક આપો, હું નવી ક્ષિતિજોનું સર્જન કરીશ, પણ નવી ક્ષિતિજોનું સર્જન કરવું એ ‘લોન્લી બિઝનેસ’ છે. કારણ કે, મેં જે ફિલ્મો બનાવી છે તે કેટલાકને પસંદ ન પણ હોય. કદાચ તેઓ એ માટે તૈયાર નથી. આ માટે થોડો સમય લાગશે. પરંતુ હું તેને નિષ્ફળતા તરીકે નથી જોતો. તેનાથી મને નવા નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળે છે. હું એક્સલન્ટ બનવાનો પ્રયાસ કરું છું, પરફેક્ટ નહીં. કારણ કે, કોઈ પરફેક્ટ નથી.”

No comments:

Post a Comment