15 December, 2012

ભારતીય ડાયનોસોરના અંતનું રહસ્ય


પૃથ્વી પર કરોડો વર્ષ પહેલાં ડાયનોસોર નામના મહાકાય પ્રાણીઓ વિચરતા હતા એ તો વિજ્ઞાનીઓએ સાબિત કરી નાંખ્યું છે. વિશ્વભરના અનેક મ્યુઝિયમોમાં મહાકાય ડાયનોસોરના અશ્મિઓ આ વાતની સાબિતી છે. સ્ટીવન સ્પિલબર્ગની ‘જુરાસિક પાર્ક’ ફિલ્મમાં આ પ્રાણીઓ કેટલા શક્તિશાળી છે તે ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ આ અત્યંત શક્તિશાળી અને મહાકાય ડાયનોસોર પ્રજાતિનો નાશ કેવી રીતે થયો તે વિશે  વિજ્ઞાનીઓ વચ્ચે આજે પણ મતભેદ છે. જોકે, મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે, લાખો-કરોડો વર્ષ પહેલાં કોઈ મહાકાય આકાશી ઉલ્કા પૃથ્વી પર પડી હશે તેના કારણે આવા અનેક મહાકાય પ્રાણીઓનો અંત આવ્યો હોઈ શકે છે! બીજી તરફ, તાજેતરમાં જ કેટલાક વિજ્ઞાનીઓએ એક સંશોધન થકી આ થિયરીને પડકારી છે. આમ છતાં આ દિશામાં હજુ વધુ ચોક્કસ પુરાવા શોધવા વિજ્ઞાનીઓની મથામણ સતત ચાલુ છે.

ભારતીય ઉપખંડમાં પણ આવા અનેક પ્રજાતિના મહાકાય ડાયનોસોર વિચરતા હતા અને ભારતના અનેક પ્રદેશોમાંથી આજે પણ ડાયનોસોરના અશ્મિ મળી રહ્યા છે. વિજ્ઞાનીઓ માને છે કે, એક સમયે ભારતીય ઉપખંડ પર એક મહાકાય ઉલ્કા અથડાવાના કારણે આવા અનેક વિરાટ પ્રાણીઓ નાશ પામ્યા હતા. જોકે, અમેરિકન જિયોફિઝિકલ યુનિયનની પાંચમી ડિસેમ્બરે યોજાયેલી વાર્ષિક સભામાં કેટલાક જિયોફિઝિસ્ટ્સે એક નવું સંશોધન રજૂ કરીને દાવો કર્યો છે કે, ભારતમાં કરોડો વર્ષ પહેલાં વિચરતા ડાયનોસોરનો અંત કોઈ ઉલ્કાપિંડના કારણે નહીં પણ લાવાના કારણે થયો હતો.આ સંશોધન મુજબ, કરોડો વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં આવેલા ડેક્કન ટ્રેપ્સ નામનો સમગ્ર વિસ્તાર જ્વાળામુખી ફાટવાના કારણે ખેદાનમેદાન થઈ ગયો હતો. આ જ્વાળામુખી ફાટ્યા પછી ખૂબ મોટો વિસ્તાર સલ્ફર અને કાર્બન ડાયોક્સાઈડના કારણે ઝેરી થઈ ગયો હતો. પરિણામે ડાયનોસોર તો ઠીક નાના-મોટા અનેક જીવો આ ઝેરી વાતાવરણમાં નાશ પામ્યા હતા. ડેક્કન ટ્રેપ્સ વિસ્તારમાં ફાટેલો આ જ્વાળામુખી એટલો પ્રચંડ હતો કે, તેના કારણે અચાનક જ પૃથ્વી પરના તાપમાનમાં વધારો અને દરિયાનું પાણી ઝેરી થઈ જવા જેવી સ્થિતિ સર્જાઈ હશે એવું વિજ્ઞાનીઓ માની રહ્યા છે.

અમેરિકન જિયોફિઝિકલ યુનિયનની વાર્ષિક સભામાં વિજ્ઞાનીઓએ એ વાત પર ચર્ચા કરી હતી કે, આખરે 650 લાખ વર્ષ પહેલાં પૃથ્વી સાથે કોઈ મહાકાય ઉલ્કા પિંડ અથડાવાના કારણે ડાયનોસોરનો નાશ થયો હતો કે પછી જ્વાળામુખી ફાટવાના કારણે આ ઘટના સર્જાઈ હતી? પૃથ્વી પર આશરે 650 લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર વિચરતા અનેક જીવોના સામૂહિક નાશની આ ઘટનાને વિજ્ઞાનીઓ ક્રેટેસિયસ-પેલોજિન એક્સ્ટિન્શન ઈવેન્ટઅને ટૂંકમાં કે.ટી. એક્સ્ટિન્શનતરીકે ઓળખે છે. કારણ કે, ક્રેટેશિયસ કાળ લેટિનમાં ક્રેટા’ (creta) તરીકે ઓળખાય છે, અને તેના જર્મન ભાષાંતર ક્રેડ’ (Kreide) પરથી કેશબ્દ લેવામાં આવ્યો છે.

અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના
જિયોસાયન્ટિસ્ટ ગ્રેટા કેલર 
આ સંશોધન વિશે માહિતી આપતા અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના જિયોસાયન્ટિસ્ટ ગ્રેટા કેલર જણાવે છે કે, “અમને મળેલી આ નવી માહિતીના કારણે પ્રાણીઓના સામૂહિક નાશ કેવી રીતે થયો તે વિશે ફરી એકવાર વિચારવાની જરૂર પડી છે.” ગ્રેટા કેલર ઘણાં વર્ષોથી દલીલ કરી રહ્યા છે કે, ભારતીય ડાયનોસોરનો નાશ જ્વાળમુખી ફાટવાના કારણે થયું છે, ઉલ્કા પિંડ અથડાવાના કારણે નહીં. પરંતુ હવે તેમણે પોતાના સંશોધનોની તરફેણમાં કેટલીક મજબૂત પુરાવા રજૂ કર્યા છે. અત્યાર સુધી અનેક વિજ્ઞાનીઓ માનતા હતા કે, મેક્સિકોના ચિક્સક્લબમાં 650 લાખ વર્ષ પહેલાં એક મહાકાય ઉલ્કા પિંડ અથડાયો હતો અને તેના કારણે વાતાવરણમાં કરોડો ટન ઝેરી કચરો અને ગેસ ઠલવાયો હતો. આ ઘટ્ટ ઝેરી ધુમાડાના કારણે અનેક મહિનાઓ સુધી સૂર્યપ્રકાશ પણ પૃથ્વી પર પ્રવેશી શક્યો ન હતો. પરિણામે પૃથ્વીનું વાતાવરણ ધીમે ધીમે અત્યંત ઠંડુ થઈ ગયું હતું અને આવા વાતાવરણમાં લગભગ તમામ ડાયનોસોરના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયા હતા. આ દરમિયાન સમુદ્રનું પાણી પ્રદૂષિત થવાથી અનેક દરિયાઈ જીવોનો પણ નાશ થયો હતો. વિજ્ઞાનીઓનું માનવું છે કે, કદાચ આ ઉલ્કાપિંડ અથડાવાના કારણે જ જ્વાળામુખી, ભૂકંપ અને સુનામી જેવી ઘટનાઓ થઈ હોઈ શકે છે!

આ અંગે પોર્ટુગલની યુનિવર્સિટી ઓફ લિસ્બનના જિયોસાયન્ટિસ્ટ એરિક ફોન્ટ કહે છે કે, “આમ તો ભારતીય ડાયનોસોરનો સામૂહિક નાશ થયો તેના થોડા સમય પહેલાં જ ડેક્કન ટ્રેપ્સ અસ્તિત્વમાં આવ્યો હતો. એટલે ડાયનોસોરના નાશ માટે તે સંપૂર્ણ કે આંશિક રીતે જવાબદાર હોઈ શકે છે.” વર્ષ 2009માં કેટલીક તેલ કંપનીઓએ ભારતના પૂર્વીય દરિયા કાંઠે ડ્રિલિંગ શરૂ કર્યું ત્યારે સમુદ્રના તળિયેથી આશરે 3.3 કિલોમીટર નીચે કરોડો વર્ષ પહેલાં જામી ગયેલો લાવારસનો કચરો મળી આવ્યો હતો. નોંધનીય છે કે, ગ્રેટા કેલર અને તેમની ટીમે આ તમામ ડેટાનું વિશ્લેષણ કરવાની મંજૂરી લીધી હતી. આ સંશોધનોમાં તેમને કે.ટી. એક્સ્ટિન્શન યુગમાં નાશ પામેલા ડાયનોસોરના સંખ્યાબંધ અશ્મિ મળી આવ્યા હતા. જોકે કરોડો વર્ષોની ભૂસ્તરીય ઘટનાઓના અંતે આ લાવારસ અને તેમાં દટાયેલા અશ્મિ ડેક્કન ટ્રેપ્સથી આશરે 1,603 કિલોમીટર દૂર મળી આવ્યા હતા.

આ અશ્મિઓ પર લાવાના જેમ જેમ સ્તર રચાતા ગયા તેમ તેમ સૂક્ષ્મ દરિયાઈ જીવોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જે દર્શાવે છે કે, જ્વાળામુખી ફાટ્યા પછીના અનેક વર્ષો સુધી તેની નકારાત્મક અસરો થતી રહી હતી. ધીમે ધીમે મોટા ભાગની પ્રજાતિઓનો અંત આવ્યો હતો અને ગમે તેવા વિપરિત વાતાવરણમાં પણ ટકી જતા અત્યંત સૂક્ષ્મ જીવો (ગ્રૂમ્બિલિટ્રીઆ) જ બચ્યા હતા. અશ્મિઓમાં તેમના અસ્તિત્વના પણ પુરાવા મળ્યા છે. ગ્રેટા કેલર અને તેમની ટીમે ઈજિપ્ત, ઈઝરાયેલ, સ્પેન, ઈટાલી અને અમેરિકામાંથી મળેલા અશ્મિઓમાં પણ આવું જોવા મળ્યું છે. ભારતમાંથી મળેલા અશ્મિઓમાં જોવા મળતા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરતા માલુમ પડ્યું છે કે, તેમના મૃત્યુ સલ્ફર અને કાર્બન ડાયોક્સાઈડના કારણે જ થયા છે. આ પ્રકારના ઝેરી ગેસ જ્વાળામુખી ફાટવાથી જ ફેલાય છે અને તેના કારણે જ સમુદ્રમાં પણ ઝેરી કચરો ઠલવાય છે. પરંતુ આવા વાતાવરણમાં પણ તે સૂક્ષ્મ જીવો ટકી ગયા હતા.

ગ્રેટા કેલર કહે છે કે, “અમે તેને ડિઝાસ્ટર ઓપર્ચ્યુનિસ્ટ કહીએ છીએ. તે વંદા જેવા છે. જ્યારે પણ પૃથ્વી પર પ્રતિકૂળ સંજોગો ઊભા થાય છે ત્યારે તેઓ ટકી શકે છે.” પૃથ્વી પર સલ્ફર (એસિડિક વરસાદના સ્વરૂપમાં)નો હુમલો થાય અથવા સમુદ્રનું પાણી ઝેરી થઈ જાય ત્યારે પણ પૃથ્વી પર આ જીવો ટકી શકે છે. આ દરમિયાન ભારતમાંથી મળેલા વિવિધ અશ્મિ પરથી સાબિત થાય છે કે, પૃથ્વી પર અને સમુદ્ર બંનેમાં જીવોના સામૂહિક નાશ માટે અવકાશીય નહીં પણ જ્વાળામુખીય ઘટનાઓ જવાબદાર હતી. કારણ કે, કોઈ અવકાશીય દુર્ઘટનામાં પૃથ્વી પર વિચરતા જીવોના સામૂહિક નાશ થઈ જાય એટલા મોટા પ્રમાણમાં સલ્ફર કે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ન હોઈ શકે. ગ્રેટા કેલર અને તેમની સાથેના અનેક સંશોધકોએ મેક્સિકોમાં ચિક્સક્લબમાં કરેલા સંશોધનો વખતે જ કહ્યું હતું કે, ડાયનોસોરનો નાશ ઉલ્કાપિંડ અથડાવાના કારણે થયો હોવાનું માનવું અઘરું છે. પરંતુ હવે તેમણે પોતાની થિયરીની તરફેણમાં મજબૂત પુરાવા રજૂ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે.

ડેક્કન ટ્રેપ્સ શું છે?

મહારાષ્ટ્રના માથેરાનમાંથી દેખાતો ડેક્કન ટ્રેપ્સ 
જોકે, ડેક્કન ટ્રેપ્સ વિસ્તાર શું છે તે જાણવું પણ જરૂરી છે. ભૂસ્તરશાસ્ત્રમાં ખડકોના સર્જન માટે ‘ટ્રેપ’ શબ્દનો ઉપયોગ કરાય છે. આશરે 600થી 680 લાખ વર્ષ પહેલાં પશ્ચિમ અને મધ્ય ભારતમાં જ્વાળામુખી ફાટવાના કારણે ડેક્કન પ્લેટ પર ડેક્કન ટ્રેપ્સ નામના વિશાળ વિસ્તારનું સર્જન થયું હતું.જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલા પૃથ્વી પરના ખૂબ મોટા વિસ્તારો પૈકીના એકમાં તેની ગણના થાય છે. આ જ્વાળામુખીનો લાવારસ ધીમે ધીમે ઠંડો પડ્યો ત્યારે 1,93,051 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો હતો, અને તેની જાડાઈ બે હજાર મીટર હતી. તેના પરથી આપણને અંદાજ આવી શકે છે કે, આટલા પ્રચંડ જ્વાળામુખીની રાખ કેટલા કિલોમીટર સુધી ફેલાઈ હશે અને તેનાથી દરિયાના પાણીમાં કેટલું ઝેર ફેલાયું હશે! નોંધનીય છે કે, એ સમયે એટલે કે, 600થી 680 લાખ વર્ષો પહેલાં પૃથ્વી પરથી લગભગ તમામ જીવોનો અંત આવી ગયો હતો. એ વખતે અત્યારના મુંબઈ નજીક પણ જ્વાળામુખી ફાટવાનું ચાલુ થયું હતું અને આશરે 30 હજાર વર્ષ સુધી આવા નાના-મોટા જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ ચાલી હતી. આ જ્વાળામુખીનો લાવારસ હાલના ભારતના લગભગ અડધા જેટલા ક્ષેત્રફળમાં ફરી વળ્યો હતો. જોકે, ભૂર્ગભીય ફેરફારોના કારણે સમયાંતરે તેનો વિસ્તાર ઘટી ગયો હતો.

No comments:

Post a Comment