16 December, 2012

ચૂંટણી સર્વેક્ષણોની પોલંપોલ


ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ 87 બેઠકો માટે વિક્રમજનક કહી શકાય એવું 68 ટકા મતદાન થતાં ભલભલા ચૂંટણી વિશ્લેષકોની આંખ પહોળી થઈ ગઈ છે. જેમાં સુરતમાં 64, નવસારીમાં 72, તાપીમાં 76, વલસાડમાં 67, રાજકોટમાં 68.08, ભાવનગરમાં 68, અમરેલીમાં 65.06, પોરબંદરમાં 63.05, જામનગરમાં 63, જૂનાગઢમાં 67 અને સુરેન્દ્રનગરમાં 68 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં સૌથી ઓછું મતદાન જામનગરમાં છે, અને તે આંકડો પણ 63 ટકા જેટલો ઊંચો છે. ખેર, આટલા જંગી મતદાનથી એટલો તો કયાસ કાઢી જ શકાય છે કે છેક પ્રથમ તબક્કાના મતદાનના આગલા દિવસ સુધી આવતા ચૂંટણી સર્વેક્ષણોના જાતભાતના સમાચારો આ વખતે પણ ખોટા પડવાની સંભાવના વધુ છે. કારણ કે, આ ચૂંટણીમાં નવા સીમાંકન અને જ્ઞાતિવાદી સમીકરણો ઈવીએમમાંથી કેવી રીતે બહાર આવશે તેની સચોટ આગાહી કરવી અઘરી નહીં, લગભગ અશક્ય છે. વળી, ભાજપની આ પહેલી ચૂંટણી છે જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક સમયના શિસ્તબદ્ધ કાર્યકર કેશુભાઈ પટેલ પણ ભાજપની વિરુદ્ધ છે.

ચૂંટણી વિશ્લેષકો જણાવે છે કે, સૌરાષ્ટ્રની 48માંથી 30 બેઠકો પર તો પટેલો નિર્ણાયક પરિબળ સાબિત થવાના છે. જેમાં ભાજપે 20 અને કોંગ્રેસે 17 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કેશુભાઈના ગુજરાત પરિવર્તન પક્ષે 21 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. નવાઈની વાત એ છે કે, આવા મજબૂત ત્રિપાંખિયા જંગમાં પહેલીવાર સૌરાષ્ટ્રના મતદારોનો આંકડો એક કરોડનો આંકડો વટાવી ગયો છે. કેશુભાઈની વિસાવદર બેઠક પર પણ 65 ટકા મતદાન થયું છે. આ વાત શું દર્શાવે છે? ‘લેન્સઓનન્યૂઝ’ દ્વારા એક સર્વેક્ષણ કરીને પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં જ ઢંઢેરો પીટવામાં આવ્યો હતો કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગુજરાત પરિવર્તન પક્ષ ફક્ત એક જ બેઠક મેળવી શકશે. જ્યારે ભાજપ ગુજરાત વિધાનસભાની 182માંથી 122 બેઠક પર જીતીને લગભગ બે તૃતિયાંશ બહુમતી હાંસલ કરશે. આ સર્વેક્ષણમાં જણાવાયું હતું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ 53 બેઠક જ મેળવી શકશે.

સર્વેક્ષણો કરતી કંપનીઓનો દાવો હોય છે કે, સર્વેક્ષણ કરવાની તેમની રીત સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. પરંતુ સર્વેક્ષણ કરતી કંપનીઓ એવી ઘણી બધી બાબતોથી અજાણ હોય છે જેની ચૂંટણીના પરિણામો પર વ્યાપક અસર પડતી હોય છે. આપણી કમનસીબી છે કે, આજે પણ દેશના કોઈ પણ રાજ્યમાં યોજાતી ચૂંટણીમાં જાતિવાદી અને જ્ઞાતિવાદી સમીકરણો ખૂબ મોટી અસર કરે છે. વળી, ગુજરાતમાં અનેક બેઠકો પર પટેલ વિરુદ્ધ પટેલ જેવી સ્થિતિ છે. તો પછી, મતદાર કોને મત આપશે તે જ્ઞાતિવાદી પરિબળના આધારે કેવી રીતે કહી શકાય? ખાસ વાત તો એ છે કે, ગુજરાતમાં પહેલાં તબક્કામાં જ 68 ટકા મતદાન થયું છે ત્યારે ‘લેન્સઓનન્યૂઝ’નું સર્વેક્ષણ કહે છે કે, ભાજપ 46 ટકા અને કોંગ્રેસ 36 ટકા મત અંકે કરી શકશે, જ્યારે કેશુભાઈનો ગુજરાત પરિવર્તન પક્ષ ફક્ત છ ટકા મત મેળવી શકશે. બીજી તરફ, સૌરાષ્ટ્રમાં મતદારોનો આંકડો એક કરોડને વટાવી ગયો છે ત્યારે ચૂંટણીના પરિણામો જોવા રસપ્રદ બની રહેશે.



‘લેન્સઓનન્યૂઝ’નો દાવો છે કે તેમના પ્રતિનિધિઓએ 28 નવેમ્બરથી આઠ ડિસેમ્બર દરમિયાન 12,078 મતદારોને પૃચ્છા કરીને આ તારણ આપ્યું છે. આ સર્વેક્ષણ મુજબ, સૌરાષ્ટ્રના લેઉઆ પટેલો બહુ મોટી સંખ્યામાં કેશુભાઈની સાથે રહેશે, પરંતુ તેનાથી ભાજપની બેઠકોમાં કોઈ ફરક નહીં પડે. ઊલટાનું આ સર્વેક્ષણમાં તો ભાજપ 122 બેઠકો પર વિજય મેળવશે એવું કહેવાયું છે. નોંધનીય છે કે, ગઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 117 બેઠકો મેળવી હતી. આ સર્વેક્ષણ કહે છે કે, “અત્યારે પણ વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પુરુષો અને સ્ત્રીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.” તો પછી સતત દસ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભાજપ સરકારને એન્ટી-ઈન્કમ્બસી પરિબળ કેમ નથી નડતું? સર્વેક્ષણમાં આ વાતનો જવાબ આપતા કહેવાયું છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને પગલે મતદાન કરવા માટે ઊમટી પડતી મહિલાઓના કારણે એન્ટી-ઈન્કમ્બસી પરિબળ ધૂળધાણી થઈ જાય છે.

જોકે, સર્વેક્ષણોના કારણે જનમાનસ પર શું અસર થાય છે એવું સર્વેક્ષણ કોઈ કેમ નહીં કરતું હોય? કારણ કે, મોટા ભાગે તમામ કંપનીઓ પ્રમાણમાં સરખા જ પરિણામોની આગાહી કરે છે. ચૂંટણી પહેલાં થયેલા લગભગ આઠ સર્વેક્ષણોએ આ વખતની ચૂંટણીમાં મોદીને હોટ-ફેવરિટ ગણાવ્યા છે. જેમ કે, ઈન્ડિયા ટુડે-ઓઆરજીનું સર્વેક્ષણ કહે છે કે, ગુજરાત વિધાનસભાની વર્ષ 2012ની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 128 બેઠકો મેળવી શકશે. એવી જ રીતે સીએનએન-આઈબીએનનું સર્વેક્ષણ કહે છે કે, હાલ ગુજરાતમાં મુખ્યમંત્રી મોદીની લોકપ્રિયતાને પગલે ભાજપને અગાઉ ક્યારેય ન મળ્યા હોય એટલા 50 ટકા મત મળશે. આમ તો આ આંકડો વર્ષ 2007માં મેળવેલા મતો કરતા એક ટકો વધારે છે. જ્યારે કોંગ્રેસની 38 ટકા મતબેંક બે ટકાનો ઘટાડો થઈ 36 ટકા થઈ જશે અને કેશુભાઈ પટેલનો પરિવર્તન પક્ષ ત્રણ ટકા મત મેળવશે. તેનો અર્થ એ થયો કે, કેશુભાઈના કારણે મોદીને નહીં પણ કોંગ્રેસને નુકસાન થશે. મોટા ભાગના સર્વેક્ષણો જણાવે છે કે, જેવી રીતે ભાજપના ટેકેદાર કડવા પટેલો કેશુભાઈ તરફ વળી ગયા છે, એવી રીતે લેઉઆ પટેલો પણ કોંગ્રેસ છોડીને કેશુભાઈને સાથ આપી રહ્યા છે.

આ સર્વેક્ષણ કહે છે કે, ગુજરાતમા એન્ટી-ઈન્કમબસી કરતા પ્રો-ઈન્કમબસીનું પ્રમાણ વધારે છે. કારણકે, સર્વેક્ષણ દરમિયાન 52 ટકા લોકોએ કહ્યું હતું કે, ભાજપ જ સત્તામાં ચાલુ રહેવો જોઈએ. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2007માં 47 ટકા લોકોએ આમ કહ્યું હતું. ચૂંટણી વિશ્લેષકો પણ વારંવાર કહી રહ્યા છે કે, ગુજરાતમાં મોદીનો વિકલ્પ નથી. બીજી તરફ, સર્વેક્ષણો પણ કહે છે કે, વર્ષ 2009ની સરખામણીમાં મુસ્લિમોમાં નરેન્દ્ર મોદી પ્રત્યેના અણગમામાં ઘણો ઘટાડો થયો છે. કારણ કે, આ વખતે ફક્ત 23 ટકા મુસ્લિમોએ તેમના પ્રત્યે નારાજગી દર્શાવી છે, જ્યારે વર્ષ 2009માં આ આંકડો 44 ટકા હતો. પરંતુ ચૂંટણી સર્વેક્ષણો થોડા ઘણાં લોકોને અમુક સવાલો પૂછીને કરવામાં આવતા હોવાથી તે ખોટા પડવાની શક્યતા વધુ રહે છે. શું આ વખતે પણ ભાજપ સરકારની તરફેણના પરિણામો દર્શાવનારા સર્વેક્ષણો ખોટા પડશે?

જો કોઈ સર્વેક્ષણ સાચું પડે એનો અર્થ એ નથી કે તે વધુ સારી રીતે કે ઊંડા સંશોધન પછી કરાયું હતું. કારણ કે, ભારત જેવા દેશમાં યોજાતી ચૂંટણીઓમાં ધર્મ, જાતિ, જ્ઞાતિની સાથે અંગત લાભ-નુકસાન, ફિલ્મ સ્ટારો અને કરિશ્માઈ નેતાઓનો પ્રભાવ, ટૂંકા ગાળાના સ્વાર્થ, માધ્યમોમાં બતાવાતા-છપાતા સમાચારો વગેરે જેવા સૂક્ષ્મ પરિબળો પણ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. આ ઉપરાંત મતદારો પણ પોતાના અભિપ્રાય અંગે ખોટી માહિતી આપતા હોઈ શકે છે. વર્ષ 2007 અને 2012ની ચૂંટણીઓના સર્વેક્ષણોની વિશેષતા જાણવા જેવી છે. વર્ષ 2007માં વિવિધ સર્વેક્ષણોએ ભાજપને 90થી 120 બેઠકો મળશે એવી આગાહી કરી હતી. અર્થાત દરેક સર્વેક્ષણનું તારણ અલગ હતું. એક સર્વેક્ષણે તો કોંગ્રેસના વિજય અને ભાજપના પરાજયની આગાહી કરી હતી. વર્ષ 2007માં મોટા ભાગના સર્વેક્ષણો ખોટા પડતા સર્વે કરનારાઓએ શરમથી મોંઢુ છુપાવવાનો વારો આવ્યો હતો. નવાઈની વાત છે કે, વર્ષ 2012માં બધા સર્વેક્ષણોએ ભાજપને સ્પષ્ટ સ્પષ્ટ બહુમતી આપી દીધી છે. બધા સર્વેક્ષણોના આધારે એવું તારણ નીકળે છે કે, ભાજપને ઓછામાં ઓછી 120 બેઠક જરૂર મળશે. પરંતુ અપેક્ષાથી વધુ મતદાન અને નવા સીમાંકન જેવા પરિબળો ફરી એકવાર સર્વેક્ષણોને ખોટા પાડી શકે છે.

કોઈ પણ પક્ષના ઉમેદવારો ફક્ત ટિકિટ મેળવવા જ નહીં, પણ ટિકિટ મળ્યા પછી લોકોને આકર્ષવા તેમજ મીડિયામાં પોતાની તરફેણ અને વિરોધીની વિરુદ્ધમાં જાતભાતના સમાચારો છપાવવા પણ લખલૂટ ખર્ચ કરે છે. તાજેતરમાં જ આ અંગે ચૂંટણી પંચને માહિતી મળતા તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. બીજી તરફ, સટ્ટાખોરો ક્રિકેટ કે વરસાદ તો ઠીક ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે તેનો પણ સટ્ટો રમે છે, અને આ સટ્ટા માફિયાઓ પોતાને અનુકુળ દિશામાં પવન ફૂંકાય એ માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. ટેલિવિઝન ચેનલો કે અખબારો વિવિધ સર્વેક્ષણોને મહત્ત્વ આપવામાં પ્રમાણભાન ભૂલે છે. કરોડો મતદારોની વાત હોય ત્યાં મુઠ્ઠીભર લોકોનો સર્વે કરીને આખી ચૂંટણીના પરિણામોની આગાહી કરવી અશક્ય છે. જેવી રીતે ઘઉંની ગુણવત્તા જાણવા માટે આપણે મુઠ્ઠીમાં ઘઉં લઈને તપાસીએ છીએ કંઈક એવી રીતે સર્વેક્ષણો થાય છે. પરંતુ શહેરી-ગ્રામ્ય અને શિક્ષિત-નિરક્ષર માણસોને પોતાના આગવા ગમા-અણગમા હોય છે તે સર્વેક્ષણોમાં ભૂલી જવાય છે. કારણ કે તેઓ કોઈના લાભ માટે નહીં, પણ ફક્ત બિઝનેસ માટે સર્વેક્ષણો કરે છે. આમ તો ચૂંટણી પંચે ચૂંટણી ઝુંબેશ દરમિયાન તમામ સર્વેક્ષણો, ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં, છટકબારીઓ શોધીને આ ધંધો ચાલુ રહે છે. ખેર, નાગરિકોએ આવા સર્વેક્ષણોને મહત્ત્વ આપ્યા વિના મતદાન કરવું જોઈએ કારણ કે, તે ફિક્સ પણ હોઈ શકે છે.

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે. 

No comments:

Post a Comment