“મારી સાથે સૌથી સારું કંઈ થયું હોય તો તે એ છે કે, હું એકદમ યોગ્ય દેશમાં
યોગ્ય સમયે જન્મ્યો છું.”આ શબ્દો વિશ્વના સૌથી સફળ રોકાણકાર ગણાતા વૉરન બફેટે
ઉચ્ચાર્યા હતા. બફેટનો જન્મ અમેરિકામાં વર્ષ 1930માં થયો હતો. બફેટની વાત સો ટકા
સાચી હતી. કારણ કે, દાયકાઓ પહેલાં ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે એવું સર્વેક્ષણ
કર્યું હતું કે, વર્ષ 1988માં જન્મ લેવા માટે સૌથી ઉત્તમ દેશ કયો હશે. જાતભાતની
વૈજ્ઞાનિક ગણતરીઓ અને તારણોનો અભ્યાસ કરીને નિષ્ણાતોએ 50 દેશની એક યાદી જાહેર કરી
હતી, જેમાં અમેરિકા બિનવિવાદાસ્પદ રીતે પ્રથમ ક્રમે હતું. પરંતુ હવે આ જ સંસ્થાએ
વર્ષ 2012માં આવો જ એક વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે કે, વર્ષ 2013માં જન્મ લેવા માટે
સૌથી ઉત્તમ દેશ કયો હશે. જવાબ છે, સ્વિત્ઝર્લેન્ડ.
આમ તો વિદેશી સંસ્થાઓ આવા જાતભાતના સર્વેક્ષણો કરતી રહે છે, પરંતુ તેનું
મહત્ત્વ કચરા ટોપલીના કચરાથી વધારે હોતું નથી. જોકે, આ સર્વેક્ષણ વિશ્વ
પ્રતિષ્ઠિત સામયિક ‘ધ ઈકોનોમિસ્ટ’ની સિસ્ટર કંપની ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (ઈઆઈયુ)
દ્વારા કરવામાં આવ્યું હોવાથી તેને વિશ્વભરના દેશો ગંભીરતાથી લે છે. આ યાદીમાં
ભારતને 66મો ક્રમ અપાયો છે. આપણો ટચૂકડો પાડોશી દેશ શ્રીલંકા આપણાથી આગળ 53માં ક્રમે
છે. હા, આપણે એટલો સંતોષ લઈ શકીએ છીએ કે, પાકિસ્તાન 75માં ક્રમે છે, પરંતુ તે
આપણાથી કંઈ ખાસ પાછળ ન ગણાય. આ સિવાય રશિયા 72માં અને બાંગ્લાદેશ 77માં ક્રમે છે.
જ્યારે અફઘાનિસ્તાન, ભૂતાન અને નેપાળનો આ યાદીમાં સમાવેશ સુદ્ધાં કરવામાં આવ્યો
નથી. અમેરિકાને પછાડીને મહાસત્તા બનવા આતુર ચીન આ યાદીમાં 49માં ક્રમે છે. જોકે,
અમેરિકાનો ક્રમ 16મો છે, અને હજુ ચીને ત્યાં સુધી પહોંચવા ઘણી મજલ કાપવાની બાકી
છે.
ઈઆઈયુએ કરેલા આ અભ્યાસનો હેતુ એ શોધવાનો હતો કે, કયા દેશની સરકાર તેના
પ્રજાજનોને જીવનપર્યંત ઉત્તમ આરોગ્ય, સુરક્ષા અને સમૃદ્ધ જીવન પ્રદાન કરી શકે છે. આ
સર્વેક્ષણમાં માલુમ પડ્યું છે કે, સ્વિત્ઝર્લેન્ડ એક એવો દેશ છે જ્યાં રહેતા લોકો
અત્યંત સુખી હોવાનો અહેસાસ કરે છે. અહીં એ વાત ન ભૂલવી જોઈએ કે, આ પ્રકારના
સર્વેક્ષણોમાં વિકાસદર, કુલ ઘરેલુ ઉત્પાદન, માથાદીઠ આવક અને માળખાકીય સવલતોના બદલે
જાહેર આરોગ્ય, પ્રજાની સુરક્ષા તેમજ પ્રજાજનોમાં પરસ્પર અને જાહેર સંસ્થાઓમાં વિશ્વાસની
લાગણી વગેરે જેવા માપદંડો પર વધુ ભાર મૂકવામાં આવે છે.
જો આ પ્રકારના માપદંડોનો આધાર લઈને આ સર્વેક્ષણ કરાયું હોય તો ભારત જેવો મહાન સંસ્કૃતિ
ધરાવતો દેશ આ યાદીમાં કેમ પાછળ રહી ગયો? શું ભારતમાં જન્મ લેવો એ
કમનસીબી છે? કેટલાક લોકો આ મુદ્દે ભારતની વસતીને જવાબદાર ગણી રહ્યા છે.
પરંતુ ચીન જેવો વધુ વસતી ધરાવતો દેશ આપણાથી ઘણો આગળનો ક્રમ મેળવી શક્યો છે. ભારતમાં
છેક આઝાદીકાળથી જાહેર આરોગ્ય, જાહેર સુરક્ષા અને પ્રજામાં પરસ્પર વિશ્વાસની
લાગણીનો સતત છેદ ઉડતો રહ્યો છે. વળી, ભારતનું સંપૂર્ણ રાજકારણ જાતિ અને જ્ઞાતિવાદ
પર આધારિત છે. પ્રજાને પણ પોતાની જાતિ કે જ્ઞાતિના આગેવાનોનો મોહ છૂટતો નથી, જેનો
રાજકારણીઓ બખૂબી લાભ ઉઠાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, દાયકાઓ પહેલાં ઈઆઈયુએ,
‘વર્ષ 1988માં જન્મ લેવા માટે ઉત્તમ દેશ કયો’ એ મુજબનો અભ્યાસ કર્યો હતો, જેમાં ભારતને 27મો
ક્રમ અપાયો હતો. તેનો અર્થ એ છે કે, આટલા વર્ષોમાં ભારતના હ્યુમન હેપ્પીનેસ
ઈન્ડેક્સ એટલે કે, માનવ સુખાંકમાં સતત ઘટાડો જ થયો છે.
યુરોપના મોટા ભાગના દેશોએ ગામડાંને મહત્ત્વ આપ્યું છે અને પાછળ રહી જવાની
લ્હાયમાં ઔદ્યોગિકરણ પાછળ આંધળી દોટ નથી લગાવી. જ્યારે ઔદ્યોગિકરણનો દિશાહીન વિકાસ
કરવાના કારણે ભારત પર્યાવરણીય મુશ્કેલીઓનો પણ ભોગ બન્યું છે. નફ્ફટ રાજકારણીઓ અને
ઉદાસીન પ્રજાના કારણે ભારતના લગભગ તમામ ઐતિહાસિક સ્થળો, સ્મારકો અને પ્રવાસન
સ્થળોએ પણ ગંદકીના ઢેર સામાન્ય છે. ભારતના આર્થિક પાટનગર ગણાતા મુંબઈના લાખો
મધ્યમવર્ગીય લોકો અત્યંત ગીચ અને ગંદકીભર્યા વિસ્તારોમાં આવેલી વસાહતોમાં નાનકડા
રૂમમાં રહે છે. અહીં ફાઈવ સ્ટાર હોટેલોની નજીકમાં જ ઝૂંપડપટ્ટીઓ જોવા મળે છે. સરકારની
અયોગ્ય નીતિઓના કારણે દેશમાં શહેરો પરનું ભારણ સતત વધી રહ્યું છે. સ્વ. બાળ ઠાકરે
કે રાજ ઠાકરે જેવા નેતાઓ આડકતરી રીતે આવી દિશાહીન નીતિઓનો જ ફાયદો ઉઠાવતા હતા.
ભારતના અનેક અંતરિયાળ ગામોમાં આજે પણ પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, બાળકોને
શિક્ષણની સુવિધા નથી મળતી અને શાળાઓમાં ખાઈ શકાય એવો ખોરાક નથી મળતો. વળી, મતબેંક
જતી ના રહે એવા ભયે ડરી ડરીને ઘડેલી નીતિઓના કારણે શિક્ષણના ક્ષેત્રને પણ વ્યાપક
નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ નીતિઓના કારણે જ દેશમાં ઉચ્ચ શિક્ષણ એક ધંધો બની
ગયું છે. હા, એક અભ્યાસ અનુસાર ભારતમાં ડૉક્ટરેટ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા
સતત વધી રહી છે. પરંતુ આટઆટલા સંશોધનો થવા છતાં તેનાથી દેશ કે સમાજને કોઈ ફાયદો
થતો નથી. આ પાછળનું રહસ્ય જાણવા તમારે ફક્ત જે વિદ્યાર્થીઓ કેવા વિષયોમાં સંશોધન
કરે છે તેના પર નજર કરવી જોઈએ. જોકે, શિક્ષણ પાછળ જંગી ખર્ચ કર્યા પછી પણ વિદ્યાર્થીઓને
નોકરી મેળવવામાં ફાંફા પડે છે. પરિણામે ભારત ‘બ્રેઈન ડ્રેઈન’ જેવી વિશિષ્ટ પ્રકારની
મુશ્કેલીથી પણ પીડાય છે, એટલે કે દેશના પ્રતિભાશાળી યુવાનો દેશમાં ભણીગણીને
ગુણવત્તાયુક્ત જીવનની લાલચમાં વિકસિત દેશોમાંસેટલ થઈ રહ્યા છે.
બીજી તરફ, ભારત એક ખેતીપ્રધાન દેશ હોવા છતાં સરકારની નીતિઓ એટલી બોદી છે કે,
વિશ્વમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા પણ આ જ દેશમાં થાય છે. ભારતમાં જગતનો તાત
કહેવાતો ખેડૂત પોતાના પરિવારનું જ ભરણપોષણ કરી શકતો નથી. સરકારની ક્રૂર આર્થિક
નીતિઓના કારણે કરોડો ખેડૂતોને બે ટંકનું ભોજન મેળવવા માટે પણ વલખાં મારવા પડે છે. નાણાંકીય
કટોકટીના કારણે અહીં દર 30 મિનિટે એક ખેડૂત આત્મહત્યા કરે છે. ખેડૂતોનું જીવન
ટકાવી રાખવા માટે સરકાર કરોડો રૂપિયાની રાહતો જાહેર તો કરે છે, પરંતુ આ રાહતો
નેતાઓ અને અધિકારીઓની મિલિભગતથી વચ્ચે જ ક્યાંક સ્વાહા થઈ જાય છે. મોટા
ઉદ્યોગગૃહોને અબજો રૂપિયાની લોન આપીને તેને ભૂલી જવાની ઉદારતા દાખવનારી બેંકો પણ
ખેડૂતોને પાંચ-દસ હજાર રૂપિયાની મદદ કરવામાં ગલ્લાંતલ્લાં કરે છે. થોડા સમય અગાઉ
ભારત સરકારે બેંકોને કુલ લોનના અમુક ટકા ખેડૂતો અને ગ્રામીણ ગરીબોને આપવી ફરજિયાત
છે, એવો જૂનો નિયમ યાદ કરાવવાની જરૂર પડી હતી. દુઃખની વાત તો એ છે કે, ગરીબ લોકોની
મામૂલી લોન ભરપાઈ ના થાય તો બેંકો પોતાની બેલેન્સ શીટ પર વિપરિત અસર પડવાની ભીતિ
વ્યક્ત કરે છે, પરંતુ કિંગફિશર જેવા મોટા હાથીઓને ભૂલી જાય છે.
ઈઆઈયુનો અભ્યાસ કહે છે કે, “વર્ષ 2013માં હોંગકોંગ, કેનેડા કે આયર્લેન્ડમાં
જન્મ લેનારા બાળકનું ભવિષ્ય અમેરિકન બાળક કરતા સારું હશે.”તો પછી ભારતનું સ્થાન
આમાં ક્યાં હોવું જોઈએ તે આપણે સૌએ નક્કી કરવાનું છે. વર્ષ 1988માં થયેલા આવા
અભ્યાસમાં અમેરિકા પ્રથમ નંબરે હતું, પરંતુ ત્યાર પછી તે ક્યારેય પહેલાં નંબરે નથી
આવ્યું. ઈઆઈયુએ કરેલા સર્વેક્ષણમાંજે તે દેશની પ્રજામાં સંતોષનુંમહત્ત્વ કેટલું છે
તે પરિબળની પણ ગણતરી કરાઈ છે. આ અભ્યાસમાં જે તે દેશના કેટલા ટકા લોકો માને છે
તેમની સરકાર પ્રજાનું જીવનધોરણ ઊંચુ લાવવા પૂરતા પ્રયત્ન કરી રહી છે, સરકારના
પ્રયત્નોથી સમયાંતરે કેટલા લોકોના જીવનમાં સુધારો થાય છે, ગુનાખોરીનું પ્રમાણ
કેટલું છે તેમજ લોકોનું કૌટુંબિક જીવન કેટલું સમૃદ્ધ છે તેનો પણ મહત્ત્વના માપદંડ
તરીકે આધાર લેવામાં આવ્યો છે.
ઈઆઈયુએ આવા કુલ 11 માપદંડનો આધાર લઈને આ સર્વેક્ષણ
કર્યું છે. આ અભ્યાસમાં ભૌગોલિક સ્થિતિ, વસતી દર, જન્મ-મૃત્યુદર, સામાજિક-સાંસ્કૃતિ
સ્થિતિ તેમજ વૈશ્વિક અર્થતંત્રમાં જે તે દેશનું સ્થાન ક્યાં છે તે પરિબળોની પણ
વિશેષ છણાવટ કરવામાં આવી છે. ઈઆઈયુએ જે તે દેશના લોકોની વર્ષ 2030માં માથાદીઠ આવક
શું હશે તેની પણ વૈજ્ઞાનિક ગણતરી કરી છે. કારણકે, આ સર્વેક્ષણનો હેતુ વર્ષ 2013માં
કયા દેશમાં જન્મ લેવો ઉત્તમ હશે એ શોધવાનો હતો. તેથી વર્ષ 2013માં જે બાળક જન્મે
તે વર્ષ 2030 સુધી 18 વર્ષનું થઈ ગયું હોય. વર્ષ 2013માં જન્મેલા બાળકનું ભવિષ્ય
કેવું હોઈ શકે તેની ધારણા કરવા માટે આવી ગણતરી કરવી જરૂરી હતી.
નવાઈની વાત એ છે કે, આ પ્રકારના અભ્યાસમાં નાનકડું અર્થતંત્ર ધરાવતા દેશો જ ટોપ
ટેનમાં હોય છે. માનવ સુખાંક એટલે કે, હ્યુમન હેપ્પીનેસ ઈન્ડેક્સને લઈને જ્યારે પણ આવા
અભ્યાસ થાય છે ત્યારે મોટા ભાગે નાનકડા દેશો મેદાન મારી જાય છે. વળી, ટોપ ટેનમાં પાંચ
દેશ તો યુરોપના છે. જોકે, દક્ષિણ યુરોપના ગ્રીસ, પોર્ટુગલ અને સ્પેન જેવા દેશો
અગાઉ કરતા પાછળ પડી ગયા છે. યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા ત્રણ દેશો જર્મની,
ફ્રાંસ અને બ્રિટનમાંથી એક પણ દેશ ટોપ ટેનમાં સ્થાન મેળવી શક્યો નથી. ઈઆઈયુના
કંટ્રી ફોરકાસ્ટિંગ સર્વિસના ડિરેક્ટર લાઝા કેકિકના કહેવા પ્રમાણે, વિશ્વ આર્થિક
કટોકટી અનુભવતું હોવા છતાં અત્યાર જેવો સમય પહેલાં ક્યારેય ન હતો. વિકાસનો દર
સમગ્ર વિશ્વમાં ઘટ્યો છે, પરંતુ આવકનું સ્તર ઐતિહાસિક છે. સમગ્ર વિશ્વના આયુષ્યદરમાં
ધીમા પરંતુ મક્કમ દરે વધી રહ્યું છે. વિશ્વમાં રાજકીય સ્વતંત્રતા ફેલાઈ રહી છે.
તાજેતરમાં જઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ક્રાંતિનો જુવાળ તેનું એક
ઉત્તમ ઉદાહરણ છે. જોકે, વૈશ્વિક મંદીની ઊંડી અસર યુરો ઝોન પર પડી છે, ખાસ કરીને
બેકારી અને અંગત સુરક્ષા જોખમાયા છે. પરિણામે કૌટુંબિક અને સામાજિક જીવન પર
નકારાત્મક અસર થઈ છે.
80 દેશોની આ યાદીમાં નાઈજિરિયાને સૌથી છેલ્લો ક્રમ અપાયો છે. એટલે એવું કહી
શકાય કે, વર્ષ 2013માં ત્યાં જન્મ લેનારા વિશ્વના સૌથી કમનસીબ બાળકો
હશે! આ યાદીમાં છેલ્લા દસ એટલે કે, 71થી 80માં અનુક્રમે
ઈન્ડોનેશિયા, સીરિયા, રશિયા, કઝાકસ્તાન, પાકિસ્તાન, અંગોલા, બાંગલાદેશ, યુક્રેન,
કેન્યા અને નાઈજિરિયા છે. જ્યારે ભારત આ દેશોની ખૂબ નજીક એટલે કે, છેક 66માં ક્રમે
છે. પરંતુ ભારતીયોએ આશા રાખવી જોઈએ કે, વર્ષ 1988માં 27માં ક્રમેથી વર્ષ 2012માં
છેક 66માં ક્રમે ધકેલાયેલું ભારત થોડા વર્ષોમાં કમસેકમ છેલ્લાં દસ દેશોથી તો આગળ
નીકળી જ ગયું હશે અને ભારતમાં જન્મ લેનારા કરોડો બાળકો પોતાને કમનસીબ નહીં સમજતા
હોય!
વર્ષ 2013માં જન્મ લેવો શ્રેષ્ઠ સાબિત થશે એ ટોપ ટેન દેશ.
1. સ્વિત્ઝર્લેન્ડ
2. ઓસ્ટ્રેલિયા
3. નોર્વે
4. સ્વિડન
5. ડેનમાર્ક
6. સિંગાપોર
7. ન્યૂઝીલેન્ડ
8. નેધરલેન્ડ
9. કેનેડા
10. હોંગકોંગ
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે.
No comments:
Post a Comment