25 November, 2012

‘કેગ’માં ચૂંટણી પંચની એક્શન રિપ્લે?


(નોંધઃ આ લેખ લખ્યો ત્યારે હજુ આર. પી. સિંગે ‘કેગ’ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું ન હતું.  જોકે, આર. પી. સિંગનું નિવેદન પણ વિવિધ પ્રકારની શંકાઓથી પર નથી. વળી, તેમના નિવેદનથી કોંગ્રેસને ક્લિન ચિટ પણ નથી મળી જતી. ખરેખર તો આર. પી. સિંગ જવાબદાર અધિકારી હોય તો પછી તેમણે છેક અત્યારે કેમ આ નિવેદન કર્યું? વળી, કોઈના દબાણમાં આવીને  ‘કેગ’ના અહેવાલમાં ફેરફાર કરાયા હોય એ વાત જ બકવાસ છે.)

વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા રાજ્યમંત્રી નારાયણસામીએ ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા (મલ્ટી મેમ્બર બોડી) બનાવવાની વાત કરતા જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોમનવેલ્થ, કોલ બ્લોક અને સ્પેક્ટ્રમ ખામીયુક્ત ફાળવણીને લગતા વિવિધ કૌભાંડો અને રાજકારણીઓની ઉદ્યોગપતિઓ સાથેની મિલિભગત મુદ્દે ‘કેગ’ના આક્રમક વલણની ચોતરફ ચર્ચા થઈ રહી છે, એવા જ સમયે વડાપ્રધાન કાર્યાલયના મંત્રી ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાની વાત કરે ત્યારે હોબાળો થવો સ્વાભાવિક છે. નારાયણસામીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવા સક્રિયપણે વિચારી રહી છે. આ નિવેદનને વિરોધ પક્ષો અને સિવિલ સોસાયટી સાચી કે ખોટી રીતે ‘કેગ’ની બંધારણીય સત્તા પરની તરાપ માની રહ્યા છે. જોકે, જોરદાર વિરોધ વચ્ચે યુપીએ સરકારે ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. પરંતુ નારાયણસામીના નિવેદન પરથી રાજકીય વિશ્લેષકો અનુમાન કરી રહ્યા છે કે, નજીકના ભવિષ્યમાં કેન્દ્ર સરકાર ચૂંટણી પંચની જેમ ‘કેગ’ને પણ બહુ-સભ્યક બનાવી દેશે એ વાતમાં કોઈ શંકા નથી.

છેલ્લાં કેટલાક વર્ષોમાં વિવિધ કૌભાંડો મુદ્દે જવાબ આપીને થાકી ગયેલી યુપીએ સરકારના મંત્રીઓ ‘કેગ’ વિશે બેફામ નિવેદનો કરી ચૂક્યા છે. જેમાં, ‘કેગ’ ફક્ત સનસનાટી ફેલાવવા આ બધું કરી રહ્યા છે એવા મનઘડંત નિવેદનનો પણ સમાવેશ થાય છે. કદાચ એટલે જ 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ ગયાની જોરશોરથી જાહેરાત કરીને મનીષ તિવારી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર કોંગ્રેસી મંત્રીઓ દોષનો ટોપલો ‘કેગ’ પર ઢોળ્યો હતો. ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આટઆટલા કૌભાંડો બાદ જ કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવા કેમ સક્રિય થઈ ગઈ? યુપીએના સાથી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમે (ડીએમકે) પણ ‘કેગ’ને ચૂંટણી પંચની જેમ બહુ-સભ્યક સંસ્થા બનાવવા તરફેણ કરી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે, 2G સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપીઓ એ. રાજા અને કનીમોઝી ડીએમકેને નેતાઓ છે. વળી, કનીમોઝી તો કરુણાનિધિના પુત્રી છે.

‘કેગ’ વિનોદ રાય 

જો વર્તમાન ‘કેગ’ સારી રીતે કામ કરી રહ્યા હોય તો સરકારને આવું વિચારવાની જરૂર જ શું કામ પડી રહી છે? જો, કોઈ કંપની સારી રીતે કામ કરતી ન હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેની ખામીઓ શોધીને તેને ઉકલેવાના પ્રયાસો કરશે. પરંતુ કંપનીનો ઓડિટર નહીં બદલી નાંખે. એવી જ રીતે, કેન્દ્ર સરકારે પણ ‘કેગ’માં કંઈ સુધારાવધારા કરવાના બદલે પોતાનું ગવર્નન્સ સુધારવાની જરૂર છે. બીજી તરફ, ‘કેગ’ પણ અત્યાર સુધી ક્યારેય વિવાદમાં સપડાઈ નથી કે તેની કાર્યવાહી પણ શંકાસ્પદ રહી નથી.

આમ છતાં કેટલાક બંધારણીય નિષ્ણાતો ઉદાર મત વ્યક્ત કરતા કહે છે કે, જો સરકાર ખરેખર કોઈ સુધારો કરવા માંગતી હોય તો ‘કેગ’ની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કરવો જોઈએ. જેમ કે, ‘કેગ’ને પસંદ કરતી સમિતિમાં વડાપ્રધાન કે ગૃહ મંત્રાલયની સાથે, લોકસભા અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતાઓનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ. આવી કોઈ સિસ્ટમ ન હોય તો સરકાર કોઈ માનીતા અધિકારીને વફાદારીની ‘ભેટ’ આપવા ખાતર ‘કેગ’ તરીકે નિમણૂક કરે એવી શંકા રહે છે. એ વાત અલગ છે કે, કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલા ‘કેગ’ પ્રામાણિકતાથી કામ કરે છે. પરંતુ એક વાત નક્કી છે કે, ‘કેગ’ની પસંદગી પ્રક્રિયામાં હજુ પણ સુધારાને અવકાશ છે. કારણ કે, આ પ્રક્રિયામાં કોઈનેય ખાતરી નથી હોતી કે, ‘કેગ’ તેમનું કામ કરવા સ્વતંત્ર છે કે નહીં?

ખરેખર પૂર્વ ‘કેગ’ વી. કે. શૂંગ્લુના વડપણ હેઠળ નિમાયેલી સમિતિએ એક અહેવાલ રજૂ કરીને ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવાની ભલામણો કરી હતી. આ દરમિયાન યુપીએ સરકાર વિવિધ કૌભાંડોથી ઘેરાયેલી હોવાથી ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાનું વિચારી શકે એમ પણ ન હતી. નવાઈની વાત એ છે કે, કેબિનેટ સેક્રેટરિયેટે એપ્રિલ 2011માં જ ‘કેગ’ વિનોદ રાયને પત્ર લખીને શૂંગ્લુ સમિતિની ભલામણો મુદ્દે તેમનું મંતવ્ય માંગ્યું હતું. આ પત્રથી ‘કેગ’ વિનોદ રાય અને તેમના સહકર્મચારી ડેપ્યુટી ‘કેગ’ને સ્વાભાવિક રીતે જ ભારે આશ્ચર્ય થયું હતું. કારણ કે, તેમનું અનુમાન હતું કે કેન્દ્ર સરકારે ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાનો વિચાર હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. જોકે, વિનોદ રાયે કેબિનેટ સેક્રેટરિયેટને વળતો પત્ર લખી સ્પષ્ટ જણાવ્યું હતું કે, “આવી બંધારણીય સંસ્થામાં ફક્ત એક જ વડો હોવો જોઈએ. એક જ વડાનો અર્થ આપખુદશાહી નથી થતો. તેની સમગ્ર કામગીરી વિવિધ સભ્યોની બનેલી સમિતિને જવાબદાર હોય છે.”

‘કેગ’ને પાંચ ડેપ્યુટી ‘કેગ’ પણ ફાળવવામાં આવ્યા હોય છે. ‘કેગ’ દ્વારા તૈયાર કરાયેલા તમામ ઓડિટ રિપોર્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવાનું અને તેને અંતિમ રૂપ આપવાનું કામ આ પાંચેય ડેપ્યુટી ‘કેગ’ કરે છે. વર્ષ 2008માં જ કેન્દ્ર સરકારે ‘કેગ’ની પાંચ ડેપ્યુટી ‘કેગ’ની ભલામણોનો સ્વીકાર કર્યો છે. આટલા હોદ્દેદારોની નિમણૂક પછી આ વિભાગને કોઈ વધારાના ફેરફારોની જરૂર જ નથી. એટલું જ નહી, ‘કેગ’માં સરકાર દ્વારા નિમાતા તમામ હોદ્દેદારો વિવિધ પ્રકારની સંસ્થાઓનું ઓડિટ કરવા માટે પૂરતી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય છે. ‘કેગ’ વિનોદ રાયે પણ કેબિનેટ સેક્રેટરિયેટને લખેલા પત્રમાં ઉપરોક્ત તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

‘કેગ’ને બહુ-સભ્યક સમિતિ બનાવવા માંગતા લોકોને જડબાતોડ જવાબ આપતા વિનોદ રાયે આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, આશરે 34 કોમનવેલ્થ દેશોમાં ‘કેગ’ જેવી સંસ્થામાં ફક્ત એક જ વડો છે. જ્યારે બંધારણીય નિષ્ણાત સુભાષ કશ્યપ જણાવે છે કે, “એક સભ્ય હોય કે ત્રણ, તેનાથી કોઈ ફર્ક પડતો નથી. બધો જ આધાર આ ઉચ્ચ બંધારણીય હોદ્દા પર નિમાયેલી વ્યક્તિના વ્યક્તિત્વ પર આધારિત છે. ફક્ત એક જ સભ્ય ધરાવતી ‘કેગ’ પણ ત્રણ સભ્યોની ‘કેગ’ કરતા વધુ સારું કામ કરી શકે છે.” પરંતુ મૂળ વાત એ છે કે, જો હાલની વ્યવસ્થા સારી રીતે કામ કરતી હોય તો તેને બદલવા માટે સરકારને ‘સક્રિય’ કેમ થઈ છે. આ સક્રિયતા પાછળ શૂંગ્લુ સમિતિની ભલામણો નહીં પણ વર્તમાન ‘કેગ’ પ્રત્યે યુપીએ સરકારનો ગુસ્સો કારણભૂત છે.

પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન પણ આવી જ રીતે રાજકારણીઓના ગુસ્સાનો ભોગ બન્યા હતા. પોતાને મળેલી બંધારણીય સત્તાને સારી રીતે ઓળખતા શેષાને ભારતમાં આક્રમક રીતે ચૂંટણી સુધારા કર્યા હતા. બાદમાં કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં બે નાયબ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી હતી. એ વાત અલગ છે કે, ચૂંટણી પંચને બહુ-સભ્યક બનાવ્યા પછી પણ તેની કામગીરી ઘણી અસરકારક રહી છે. જોકે, આપણે ચૂંટણી વખતે ચૂંટણી કમિશનરો વચ્ચે પણ સર્જાતા મતભેદોને પણ ન ભૂલવા જોઈએ. આ અંગે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ચૂંટણી પંચ અને ‘કેગ’ની સરખામણી બિલકુલ અયોગ્ય છે. કારણ કે, તે બંનેનું કામ બિલકુલ અલગ છે. એક ‘કેગ’ 1.76 લાખ કરોડ, બીજા ‘કેગ’ ફક્ત રૂ. 50 કરોડ અને ત્રીજા ‘કેગ’ બિલકુલ નુકસાન નહીં થયાનો અહેવાલ આપે એ શક્ય છે?

‘કેગ’ના અહેવાલમાં પણ એકથી વધુ રીતે ગણતરી કરીને અંદાજિત આંકડા આપવામાં આવ્યા હોય છે. જેમ કે, 2G સ્પેક્ટ્રમ મુદ્દે કેગએ રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એ. રાજાના સમયગાળામાં કરાયેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલા અંદાજિત નુકસાનની ગણતરી ચાર રીતે ગણતરી કરી શકાય એમ છે. આ ચારેય રીતથી કરેલી ગણતરીના આંકડા અનુક્રમે રૂ. 67,364 કરોડ, રૂ. 69,626 કરોડ, રૂ. 57,666 કરોડ અને રૂ. 1,76,645 કરોડ છે. વિનોદ રાયે વિવિધ કૌભાંડોમાં આપેલા ચોક્કસ અહેવાલોની જેમ જ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, “ઓડિટ રિપોર્ટને ‘કેગ’ અંતિમ રૂપ આપે તે પહેલાં તે વિવિધ તબક્કામાંથી પસાર થયો હોય છે. એનો અર્થ એ છે કે, હાલની સિસ્ટમમાં કોઈ ખામી નથી. કારણ કે, તમામ ઓડિટ રિપોર્ટમાં એક વ્યક્તિનું નહીં પણ સરકારે નિમેલી સમિતિએ જ નિર્ણય લીધા હોય છે.”

વિવાદ કેવી રીતે શરૂ થયો?

વી. નારાયણસામી
વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતા નારાયણસામીએ 11મી નવેમ્બરે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા (મલ્ટી-મેમ્બર બોડી) બનાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. એક પછી એક કૌભાંડો તરફ સફળતાપૂર્વક આંગળી ચીંધનારી ‘કેગ’ની આક્રમક કાર્યવાહીથી યુપીએ સરકાર રીતસરની કંટાળી ગઈ છે. આવા સમયે કેન્દ્ર સરકારના ‘કેગ’ વિશેના ‘ગુપ્ત એજન્ડા’નો નારાયણસામીએ ‘પર્દાફાશ’ કરી દેતા હોબાળો મચી જવો સ્વાભાવિક હતો. પરંતુ નારાયણસામીએ પણ દોષનો ટોપલો મીડિયા પર ઢોળતા કહ્યું કે, “હું આવું કશું બોલ્યો જ નથી. મારું નિવેદન તોડી-મરોડીને રજૂ કરાયું છે.”

જોકે, નારાયણસામીને જવાબ આપતા પીટીઆઈએ ઈન્ટરવ્યૂ લીધાના બીજા જ દિવસે 12મી નવેમ્બરે પ્રેસ રિપોર્ટર સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરી હતી. જેમાં પૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વી. કે. શૂંગ્લુના ‘કેગ’ને મલ્ટી-મેમ્બર બોડી બનાવવાના પ્રસ્તાવ વિશે પૂછતાં કેન્દ્રીય મંત્રી સ્પષ્ટ કહે છે કે, “કેન્દ્ર સરકાર ‘કેગ’ને એકથી વધુ સભ્યવાળું બનાવવાના પ્રસ્તાવ પર સક્રિયતાથી વિચારે છે.” એટલું જ નહીં, નારાયણસામીએ એમ પણ કહ્યું હતું કે, “‘કેગ’ ખૂબ અધીરા થઈ ગયા છે. તેઓ એમ માને છે કે, આ બંધારણીય સંસ્થા તેમના માપદંડ પ્રમાણે ચાલવી જોઈએ.” નોંધનીય છે કે, પૂર્વ ‘કેગ’ વી. કે. શૂંગ્લુએ ‘કેગ’માં પારદર્શકતા લાવવા માટે ત્રણ સભ્યની ભલામણ કરી હતી. 

નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

No comments:

Post a Comment