16 August, 2012

કમાન્ડોથી ઘેરાયેલા રાજકારણીઓને હથિયારોનું બેફામ વેચાણ


આપણે છેલ્લાં કેટલાક દિવસથી હરિયાણાના સિરસાના અપક્ષ વિધાનસભ્ય ગોપાલ કાંડાના સમાચારો વાંચી અને સાંભળી રહ્યા છીએ. ગીતિકા શર્મા નામની પૂર્વ એર હોસ્ટેસના આત્મહત્યાના કેસમાં તેમની ભૂમિકા અત્યંત શંકાસ્પદ છે. ગોપાલ કાંડાએ વર્ષ 2009માં હરિયાણાની ચૂંટણી વખતે 63 કરોડની જંગી સંપતિ જાહેર કરી હતી અને એ વખતે તેમની સામે 10 ગંભીર ગુના નોંધાયેલા હતા. નવાઈની વાત તો એ છે કે, આ દરમિયાન તેઓ પોતાની માલિકીની રાઈફલ અને પિસ્તોલ પણ ધરાવતા હતા. કાંડાએ ચૂંટણી વખતે આ હથિયારો જાહેર કર્યા એનો અર્થ એ છે કે, તેમની પાસે આ હથિયારોનું લાઈસન્સ હતું. તેમને ફક્ત સુરક્ષા માટે આ લાઈસન્સ આપવામાં આવ્યું હતું. આખરે 10 ગંભીર ગુનામાં સંડોવાયેલી વ્યક્તિ પોતાની સુરક્ષા માટે ચિંતિત હોય એ સમજી શકાય એવી બાબત છે. આપણી કમનસીબી છે કે, વિશ્વના સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં રાજકારણીઓ તમામ પ્રકારના નીતિનિયમોમાંથી બાકાત છે. સામાન્ય માણસ તો કદાચ એવું પણ વિચારતો હશે કે, રાજકારણીઓને પોતાના મત વિસ્તારમાં સિક્યોરિટી સ્ટાફ સાથે શૂટિંગ પ્રેક્ટિસ કરવાની છૂટ અપાઈ હશે. કદાચ એટલે જ તેઓ ચૂંટણીમાં જીતની હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરતા હોય છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, બિહાર, રાજસ્થાન અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પણ આ દૃશ્ય સામાન્ય છે. આ જીતના જશ્નમાં ગોળી વાગવાથી ક્યારેક કોઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે, અને કદાચ તેણે પણ પોતાના નેતાને મત આપ્યો હોય છે!

તાજેતરમાં જ આરટીઆઈ એક્ટિવિસ્ટ અંબરીશ પાંડેએ કસ્ટમ વિભાગના એન્ટી સ્મગલિંગ યુનિટમાં અરજી કરીને દેશના કયા સાંસદોને કેટલા હથિયારો વેચવામાં આવ્યા એના આંકડા માંગ્યા હતા. જેના આધારે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ ઈલેક્શન વૉચ નામની સંસ્થાઓએ દેશના તમામ સાંસદોને વેચેલા હથિયારોનું પૃથક્કરણ કરતા કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ અભ્યાસમાં માલુમ પડ્યું છે કે, 31 ઓગસ્ટ, 2001થી 12 એપ્રિલ, દરમિયાન ભારત સરકાર પાસેથી 82 સાંસદોએ બંદૂકો ખરીદી છે, અને તેમાંના 18 સાંસદોને તો તેમની સામે વિવિધ ગુનાની તપાસ ચાલતી હતી ત્યારે જ  હથિયારો વેચાયા હતા. વળી, આ સાંસદો સામે સામાન્ય નહીં પણ હત્યા, હત્યાની કોશિષ કે અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ઉત્તરપ્રદેશના સમાજવાદી પક્ષના સાંસદ આતિક અહેમદ સામે હત્યા, હત્યાની કોશિષ સહિત સૌથી વધુ 44 ગુના નોંધાયેલા છે. ત્યાર પછીના ક્રમે સમાજવાદી પક્ષના જ સાંસદો મહારાષ્ટ્રના અબુ આસિમ આઝમી અને ઉત્તરપ્રદેશના રાકેશ સાચન છે, જેમની સામે સાત જેટલા ગંભીર ગુનાની તપાસ ચાલી રહી છે. ગુનેગાર સાંસદોને વેચેલા હથિયારો કસ્ટમ વિભાગે જપ્ત કર્યા હતા, અને બાદમાં વીઆઈપી, સાંસદોને ‘વહેલા તે પહેલા’ના ધોરણે બજારમૂલ્ય કરતા ઘણાં ઓછા ભાવે વેચી માર્યા હતા.

આતિક અહેમદ
અબુ આસિમ આઝમી
રાકેશ સાચન

હવે, સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, દેશમાં નિયમ પ્રમાણે લગભગ તમામ સાંસદોને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે. આમ છતાં તેમને હથિયારો કેમ વેચવામાં આવ્યા? એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં પણ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. વળી, 18 સાંસદો તો ગુનેગાર છે અને તેમની સામે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે તેમને હથિયારો વેચવામાં આવ્યા એ મુદ્દે પણ સરકાર સમક્ષ ખુલાસો માંગવામાં આવ્યો છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ પાસે લાયસન્સ હોય તો પણ તેને આવી રીતે હથિયાર આપવામાં આવતા નથી. આપણે એવું ક્યારેય સાંભળ્યુ નથી કે, કોઈ રાજકારણી પર હુમલો થયો, રસ્તામાં તેમને લૂંટી લેવાયા કે પછી તેમના ઘરે ચોરી થઈ. પરંતુ આપણે રોજેરોજ સમાચારો વાંચીએ, સાંભળીએ છીએ કે, કોઈ વ્યક્તિ પર લૂંટના ઈરાદે હુમલો થયો કે કોઈના ઘરમાં, દુકાનમાં ચોરી થઈ ગઈ વગેરે. આમ છતાં સરકાર સામાન્ય વ્યક્તિ પાસે લાયસન્સ હોય તો પણ તેની સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે. બીજી તરફ, જેમને હથિયારો વેચવામાં આવ્યા છે તેવા રાજકારણીઓ કે વીઆઈપી પાસે હથિયાર છે કે નહીં એની પણ સમયાંતરે યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. પરિણામે આજે પણ દેશના અનેક વિસ્તારોમાં બ્લેક માર્કેટમાં ખૂબ ઊંચી કિંમતે હથિયારોનું વેચાણ કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મોટા ભાગના રાજકારણીઓ પોતાનું હથિયાર ખોવાઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી દે છે, અને સરકાર પાસેથી સસ્તામાં ખરીદેલા હથિયારોનું ઊંચી કિંમતે વેચાણ કરી દે છે.

અંબરીશ પાંડે કહે છે કે, “નાણાં મંત્રાલય હેઠળના સેન્ટ્રલાઈઝ્ડ સેલ પોઈન્ટ હેઠળ સરકાર વીઆઈપીઓને અનૌપચારિક, અબાધિત અને અપારદર્શક વેચાણ કરી શકે છે. જેમ કે, સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરોના નિવૃત્ત ડીજી કક્ષાના અધિકારી એસ.પી.એસ. પુંડિરને વિવિધ કેસની તપાસ દરમિયાન જોખમ રહેતું હોવા છતાં બંદૂક આપવાની ના પાડી દેવાઈ હતી, અને ડેસ્ક જોબ કરતા અન્ય એક અધિકારીને હથિયારની ફાળવણી કરાઈ હતી. અમારી પાસેના પુરાવા દર્શાવે છે કે, કુલ 800માંથી આવી રીતે 40 જેટલી અપવાદરૂપ વ્યક્તિને હથિયારો વેચવામાં આવ્યા છે.” ઉપરોક્ત બંને સંસ્થાઓના અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે, સાંસદોએ ખરીદેલા હથિયારોમાં રજર રાઈફલ M-77 માર્ક 11, બેરેટા પિસ્તોલ, 0.22બોર આસ્તા પિસ્તોલ, 7.65mm ઝેક પિસ્તોલ, 7.65mm વૉલ્ધર પિસ્તોલ, કોલ્ટ રિવોલ્વર, રેમિંગ્ટન રાઈફલ વગેરેનો સમાવેશ થાય છે. વિધિની વક્રતા તો એ છે કે, ચારેય તરફ સુરક્ષા કવચથી ઘેરાયેલા નેતાઓને અત્યંત સહેલાઈથી હથિયારોના લાયસન્સ અને હથિયારોની બેફામ ફાળવણી થઈ રહી છે. બીજી તરફ, સામાન્ય પ્રજા અને મહિલાઓ છડેચોક લૂંટાઈ રહી છે. વર્ષ 2011માં નવી દિલ્હી પોલીસ સમક્ષ આશરે 500 જેટલી મહિલાઓએ બંદૂકનું લાયસન્સ લેવા અરજી કરી હતી. પરંતુ દિલ્હી પોલીસે તેમાંથી ફક્ત 33 મહિલાના લાયસન્સ મંજૂર કર્યા હતા. જોકે, આ પૈકી કેટલીક મહિલાઓ પેલા રાજકારણીઓ જેવી પણ હશે, જે ફક્ત શોખ ખાતર બંદૂક રાખતી હશે, અને પછી કદાચ બ્લેક માર્કેટમાં વેચી દેતી હશે!

ગંભીર ગુનાના આરોપી સાંસદોને વેચાયેલા હથિયારો 

  1. આતિક અહેમદ, ઉત્તરપ્રદેશ, રજર રાઈફલ M-77 માર્ક 11, 30.6mm 782-22893
  2. અબુ આસિમ આઝમી, મહારાષ્ટ્ર, 9mm પિસ્તોલ, પીપીકે, 0.380 બોર 156987
  3. રાકેશ સાચન, ઉત્તપ્રદેશ, પી. બેરેટા પિસ્તોલ
  4. પી.ડી.એલાનગુઆન, તમિળનાડુ, 0.22 બોર આસ્તા પિસ્તોલ
  5. અફઝલ આઝમી, ઉત્તરપ્રદેશ, 0.32 બોર પિસ્તોલ
  6. બ્રજેશ પાઠક, ઉત્તરપ્રદેશ, 7.65mm ઝેક પિસ્તોલ 047251
  7. કપિલ મુનિ, ઉત્તરપ્રદેશ, રજર રિવોલ્વર, 0.357 મેગ્નમ
  8. સંગીતાકુમારી દેવ, ઓરિસ્સા, 7.65mm બેરેટા પિસ્તોલ
  9. રાકેશ પાંડે, ઉત્તરપ્રદેશ, S&W રિવોલ્વર, કેલ 0.44LR
  10. આર.કે.સિંઘ પટેલ, ઉત્તરપ્રદેશ, બ્રાઉનિંગ પિસ્તોલ, 0.32 બોર
  11. ધરમરાજ સિંઘ, ઉત્તરપ્રદેશ, 0.32 બોર રિવોલ્વર
  12. એસ. સૈદુઝ્ઝામન, ઉત્તરપ્રદેશ, 7.65mm વૉલ્ધર પિસ્તોલ
  13. દયાભાઈ વી. પટેલ, દીવ-દમણ, 0.32 બોર રિવોલ્વર
  14. સી.કુપ્પુસ્વામી, તમિળનાડુ, 7.65mm વૉલ્ધર પિસ્તોલ
  15. જુઆલ ઓરમ, ઓરિસ્સા, 0.32 બોર રિવોલ્વર
  16. આર.કે. પાંડે, ઝારખંડ, 0.32 બોર રિવોલ્વર
  17. યશવીરસિંઘ, ઉત્તરપ્રદેશ, કાર્લ વૉલ્ધર પિસ્તોલ 9mm કુર્ઝ
  18. રવિન્દ્રસિંઘ પાંડે, ઝારખંડ, પાર્કર હૉલ રાઈફલ 30.06 બોર
આ તમામ સાંસદો સામે કોઈને કોઈ ગંભીર ગુનાની તપાસ ચાલી રહી હતી ત્યારે તેમને સરકાર દ્વારા હથિયારો વેચવામાં આવ્યા હતા. આ યાદીમાં ઓરિસ્સાના મહિલા સાંસદ સંગીતાકુમારી દેવનો પણ સમાવેશ થાય છે, જેમની સામે આઈપીસી 294 મુજબ ત્રણ ગુનાની તપાસ ચાલી રહી છે. નોંધનીય છ કે, જાહેરમાં અશ્લીલ હરકત કરવા બદલ આઈપીસી 294 મુજબ ગુનો નોંધવામાં આવે છે.


નોંધઃ દેશના કયા પક્ષના, કયા સાંસદોને, કયા હથિયારો ફાળવાયા અને તેમની સામે કઈ કલમ હેઠળ   કયા ગુના નોંધાયેલા છે વગેરે વિસ્તૃત માહિતી મેળવવા આપ આ લિંક પરથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. http://adrindia.org/content/analysis-guns-sold-mps

3 comments:

  1. very good research and good point that should come forward in the society

    ReplyDelete
  2. Thanking you, Mihir GYANI and Binita for visited my blog....

    ReplyDelete