શેરલોક હોમ્સ. આશરે ૧૩૧ વર્ષ પહેલાં અંગ્રેજી સાહિત્યકાર આર્થર કોનાન ડોયલે
સર્જેલા આ પાત્ર પરથી ડિસેમ્બરમાં વધુ એક ફિલ્મ આવી રહી છે,
'હોમ્સ એન્ડ વૉટ્સન'.
રજેરજની વિગતોની નોંધ
રાખતા પશ્ચિમી દેશો પાસે પણ ચોક્કસ જવાબ નથી કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ડિટેક્ટિવ કથાઓનું કેટલીવાર
એડપ્શન થયું? આવી ગણતરી શક્ય પણ નથી કારણ કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ૨૫૦થી પણ વધારે ફિલ્મ આવી ગઈ
અને ૧૦૦થી પણ વધુ અભિનેતા આ મહાન પાત્રને રૂપેરી પડદે જીવંત કરી ચૂક્યા છે. ફિલ્મોની
જેમ વિશ્વના અનેક દેશોમાં ટેલિવિઝન સિરીઝ, ઓપેરા, નાટકો, રેડિયો, પેરોડી, મ્યુઝિકલ્સ, કાર્ટૂન, કોમિક્સ, ક્વિઝ, ગેમ્સથી માંડીને પુસ્તકોમાં આજેય શેરલોક હોમ્સ છવાયેલા છે.
આ રીતે જુદા જુદા સ્વરૂપે થયેલા એડપ્શનનો આંકડો ૨૫ હજારથી પણ વધુ થવા જાય છે.
શેરલોક હોમ્સ આર્થર કોનાન ડોયલના ક્રિએટિવ દિમાગમાં જન્મેલું કોઈ કાલ્પનિક
પાત્ર હતું કે પછી હકીકતમાં એવો કોઈ માણસ હતો? ડોયલે કેવા સંજોગોમાં આ મહાન પાત્રનું સર્જન કર્યું હતું?
સવા સદીથી પણ વધુ સમય
પહેલાં ડોયલને આ પાત્ર રચવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે?
આજે આવા અનેક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.
***
વર્ષ ૧૮૭૭. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ. અનેક
વિદ્યાર્થીઓ મેડિકલના બોરિંગ લેક્ચરથી કંટાળે, પરંતુ એક પ્રોફેસર તેમાં અપવાદ. નામ એમનું જોસેફ બેલ.
મેડિસિનનું જ્ઞાન આપતી વખતે પણ તેઓ જાતભાતના વિષયો પર ઊર્જાસભર,
મનોરંજક અને રસપ્રદ લેક્ચર
આપીને વિદ્યાર્થીઓને ઉત્સાહથી છલકાવી દેતા. કોઈ દર્દી મળવા આવે ત્યારે પ્રો. બેલ
ફક્ત અવલોકન કરીને તેના ચરિત્રથી માંડીને વ્યવસાય સુધીની બાબતોનું સચોટ અનુમાન કરી
લેતા. જેમ કે, એકવાર એક દર્દી તેમને મળવા આવ્યો. પ્રો. બેલે તેના પર ડૉક્ટર નહીં પણ જાસૂસની
અદાથી નજર નાંખી અને કહ્યું:''વેલ, માય મેન. આર્મીમાં સર્વિસ કરતા હતા?
આર્મીમાંથી છુટા થયાને
તમને બહુ લાંબો સમય નહીં થયો હોય, બરાબરને? હાઈલેન્ડ રેજિમેન્ટમાં હતા? નોન-કમિશન્ડ ઓફિસર? તમારી ડયૂટી બાર્બાડોસમાં હતી ને?''
આર્થર કોનાન ડોયલ અને ડૉ. જોસેફ બેલ |
આશ્ચર્યની વાત એ હતી કે, પેલા દર્દીએ પ્રો. બેલના આ બધા જ સવાલોનો 'હા'માં જવાબ આપ્યો. ફક્ત ૧૮ વર્ષની ઉંમરે જોયેલા આ દૃશ્યની
આર્થર કોનાન ડોયલ પર ઘેરી અસર થઈ હતી. એ વખતે તેઓ પણ એડિનબર્ગ યુનિવર્સિટીમાં
મેડિકલના વિદ્યાર્થી હતા. તેમણે પ્રો. બેલને જબરદસ્ત કુતુહલથી પૂછ્યું પણ ખરું.
તમે આ દર્દીની બધી જ બાબતોનું આવું સચોટ અનુમાન કેવી રીતે કર્યું?
આ વાતનો પ્રો. બેલે
યુવાન ડોયલને આપેલો જવાબ ખરેખર રસપ્રદ હતો.
તેમણે કહ્યું કે, ''યૂ સી, જેન્ટલમેન. એ દર્દી એક આદરણીય અને અદબવાળો માણસ હતો,
પરંતુ મને મળવા આવ્યો
ત્યારે તેણે પોતાની હેટ નહોતી કાઢી. તેને આર્મીમાંથી છૂટા થયાને લાંબો સમય થયો હોત
તો તેને સિવિલિયન સામે પેશ થતાં આવડી ગયું હોત અને તેણે મને મળતી વખતે હેટ ઉતારી
હોત! એટલે મેં અનુમાન કર્યું કે, તેને આર્મીમાંથી છૂટા થયાને હજુ બહુ સમય નથી થયો. તે થોડો
અકડુ હતો એટલે મેં ધાર્યું કે, તે સ્કોટિશ હશે. તે મારી જોડે હાથીપગાની ફરિયાદ લઈને આવ્યો
હતો. અત્યારે વેસ્ટ ઈન્ડિઝમાં એ રોગનો વાયરસ ફેલાયો છે. વેસ્ટ ઈન્ડિઝ બહુ મોટો
પ્રદેશ છે, પરંતુ અત્યારે સ્કોટલેન્ડની હાઈલેન્ડ રેજિમેન્ટ બાર્બાડોસમાં છે. એટલે મેં
ધાર્યું કે, તે છેલ્લે બાર્બાડોસમાં ફરજ બજાવતો હશે! અને આ રોગના કારણે મેં પહેલી નજરે
ધારી લીધું હતું કે, તે અત્યારે આર્મીમાં નથી.
આર્થર કોનાન ડોયલે આત્મકથા 'મેમરીઝ એન્ડ એડવેન્ચર્સ'માં પણ આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. પ્રો. બેલ સ્કોટલેન્ડની
જાણીતી હસ્તી હતા. લંડનના કુખ્યાત અને આજદિન સુધી નહીં ઓળખાયેલા સિરિયલ કિલર 'જેક ધ રિપર' (મીડિયાએ આપેલું નામ)ને પકડવા સ્કોટલેન્ડ યાર્ડ ડૉ. બેલની
મદદ લીધી હતી. આવા ડૉ. બેલ સાથે ડોયલની દોસ્તી જામી ગઈ. મેડિકલ કોલેજમાં એડમિશન
લીધાના બીજા જ વર્ષે, ૧૮૭૮માં, નવું નવું શીખવાનો ઉત્સાહ ધરાવતા ડોયલ પ્રો. બેલના
આસિસ્ટન્ટ બની ગયા. ડોયલનું કામ પણ રસપ્રદ હતું, જે બાદમાં શેરલોક હોમ્સની વાર્તાઓ લખવામાં પણ મદદરૂપ થવાનું
હતું. કોઈ પણ દર્દીને પ્રો. બેલ પાસે મોકલતા પહેલાં ડોયલે તેમની પૂછપરછ કરીને એક
બેઝિક નોટ લખવાની રહેતી, જેથી પ્રો. બેલનો સમય ના બગડે. આ કામ કરતા કરતા ડોયલ પ્રો.
બેલના 'ડૉ. જ્હોન વૉટ્સન' બની ગયા. શેરલોકની વાર્તાઓમાં ડૉ. વૉટ્સન એક મહત્ત્વનું
પાત્ર છે, જે શેરલોકને ગુનાના મૂળ સુધી પહોંચવામાં ફોરેન્સિક મદદ કરે છે.
ડોયલે ડૉ. બેલના ક્લાર્ક તરીકે દસેક વર્ષ સુધી કામ કર્યું અને ૧૮૮૭માં પહેલી
નવલકથા લખી, 'એ સ્ટડી ઈન સ્કારલેટ'. એ નવલકથામાં તેમણે ડૉ. બેલના વ્યક્તિત્વમાં કલ્પનાના રંગ
ઉમેરીને એક મહાન પાત્રનું સર્જન કર્યું, ડિટેક્ટિવ શેરલોક હોમ્સ. આ નામ પણ ડોયલે રસપ્રદ રીતે
શોધ્યું હતું. ડોયલે પ્રિય સંગીતકાર આલફ્રેડ શેરલોક અને એ વખતના જાણીતા ડોક્ટર
ઓલિવર વેન્ડલ હોમ્સનું નામ ભેગું કરીને પોતાના ડિટેક્ટિવને 'શેરલોક હોમ્સ' નામ આપ્યું હતું. એક ભેજાબાજ લેખક તરીકે ડોયલ સારી રીતે
જાણતા હતા કે, ગુનેગાર સુધી પહોંચવા શેરલોક સાથે બીજું એક રસપ્રદ પાત્ર હશે તો જ વાચકોનો રસ
જળવાઈ રહેશે. આ વિચારમાંથી જન્મ થયો, ડૉ. જ્હોન વૉટ્સનનો. ડૉ. વૉટ્સન સજ્જન છે. તરંગી છે. શેરલોકના
ખાસ મિત્ર છે. ક્યારેક તેમને શેરલોકના આસિસ્ટન્ટ
તરીકે પણ દર્શાવાય છે, પરંતુ એક ખાસ વાત. કોઈ પણ ગુનાનું એનાલિસિસ કરીને તેના મૂળ
સુધી પહોંચવાની ડૉ. વૉટ્સનની આવડત શેરલોક હોમ્સથી ઓછી છે કારણ કે,
ડોયલનો હીરો શેરલોક
હોમ્સ છે.
ડોયલે પોતાની પહેલી નવલકથાને થ્રીલર બનાવવા જાતભાતના અખતરા કર્યા હતા. જેમ કે,
ગુનાની તપાસ કરવા માટે
શેરલોક એક મહત્ત્વનું સાધન વાપરતો, મેગ્નિફાઇંગ ગ્લાસ. એ પહેલાં વાચકોએ મેગ્નિફાઇંગ ગ્લાસનો
આવો ઉપયોગ જોયો ન હતો. જોકે, 'એ સ્ટડી ઈન સ્કારલેટ' નિષ્ફળ રહી. પહેલી જ નવલકથા 'ડિટેક્ટિવ થ્રીલર' લખીને નિષ્ફળ જનારા ડોયલે ૧૮૮૯માં હિસ્ટોરિકલ ફિક્શન જોનર
પર હાથ અજમાવ્યો અને 'મિકાહ ક્લાર્ક' નામની નવલકથા લખી. એ જ વર્ષે તેમણે હોરર એડવેન્ચર જોનરમાં
પણ ઘૂસ મારી અને 'ધ મિસ્ટરી ઓફ ક્લુમ્બર' લખી. આ ત્રણેય જોનરમાં સફળતા ના મળતા ડોયલે શેરલોક હોમ્સ
અને ડૉ. જ્હોન વૉટ્સનને ચમકાવતી પહેલી નવલકથાની સિક્વલ લખી,
'ધ સાઈન ઓફ ફોર'.
એ પણ નિષ્ફળ.
ત્યાર પછી ડોયલે ઘણાં બધા મેગેઝિનોમાં ટૂંકી વાર્તાઓ લખી,
જે થોડે ઘણે અંશે સફળ
રહી. આ દરમિયાન માર્ચ ૧૮૯૧માં ડોયલે એ વખતના જાણીતા 'સ્ટ્રેન્ડ' મેગેઝિનમાં શેરલોક હોમ્સને ચમકાવતી 'ધ વોઈઝ ઓફ સાયન્સ' નામની ટૂંકી વાર્તા લખી, જેમાં લોકોને રસ પડ્યો. એટલે 'સ્ટ્રેન્ડ'ના તંત્રીએ ડોયલને બીજી એક વાર્તા લખવાની ઓફર કરી અને જુલાઈ
૧૮૯૧માં તેમણે 'એ સ્કેન્ડલ ઈન બોહેમિયા' નામની ટૂંકી વાર્તા લખી. આ વાર્તા સુપરહીટ રહી. એ પછી ડોયલે
જીવનમાં ક્યારેય પાછું વળી જોયું નહીં અને શેરલોક હોમ્સે તો આજ દિન સુધી. ડોયલે
અનેકવાર જાહેરમાં કબૂલાત કરી હતી કે, 'એડિનબર્ગ યુનિવર્સિટીમાં ડૉ. જોસેફ બેલ સાથેની યાદોમાં
સાહિત્યિક કલ્પનાનું મિશ્રણ કરીને મેં શેરલોક હોમ્સનું પાત્ર ગૂંથ્યું હતું...'
એવી જ રીતે,
એક ડૉ. બેલને લખેલા એક
પત્રમાં ડોયલ વિના સંકોચે લખે છે કે, 'શેરલોક હોમ્સ ખુદ તમે છો અને એ માટે હું તમારો ઋણી છું... '
પ્રો. હેનરી લિટલજ્હોન |
ડોયલના 'શેરલોક હોમ્સ'માં ડૉ. જોસેફ બેલનું વ્યક્તિત્વ સૌથી વધારે ઝીલાયું એ વાત ખરી,
પરંતુ આ પાત્રમાં બીજી
પણ એક વ્યક્તિની છાંટ હતી. નામ એમનું, પ્રો. હેનરી લિટલજ્હોન. એ પણ ડૉ. બેલની જેમ સ્કોટિશ હતા અને
એડિનબર્ગ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના પ્રોફેસર હતા. એ દિવસોમાં ભયાવહ્
અકસ્માતો, હત્યાઓ અને શંકાસ્પદ મૃત્યુના કેસોમાં પોલીસ પ્રો. લિટલજ્હોનની મદદ લેતી.
તેમણે ફિંગરપ્રિન્ટ અને તસવીરી પુરાવાના આધારે જટિલ કેસ ક્રેક કરવાની પદ્ધતિઓ વિકસાવી
હતી. પ્રો. લિટલજ્હોને સ્કોટલેન્ડના બહુચર્ચિત આર્ડલમોન્ટ મર્ડર કેસમાં પોલીસને
ખૂબ મદદ કરી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, આલ્ફ્રેડ જ્હોન મોન્સોન નામના એક પ્રોફેસર અને તેમનો વીસ
વર્ષીય વિદ્યાર્થી સેસિલ હેમબરો દસમી ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ એક હન્ટિંગ ટ્રીપ પર ગયા. આ દરમિયાન
સ્કોટલેન્ડના આર્ડલમોન્ટ હાઉસ નજીક સેસિલને માથામાં ગોળી વાગી અને તેનું મૃત્યુ થઈ
ગયું. મામલો અદાલતમાં ગયો. આરોપી હતા, પ્રોફેસર મોન્સોન. તેમના વકીલોએ કહ્યું કે,
ગોળી તો અકસ્માતે વાગી
હતી. જોકે, મૃતકના પરિવારજનોએ તેને હત્યા ગણાવી. પોલીસ પર સત્ય બહાર લાવવાનું દબાણ હતું.
છેવટે પોલીસે પ્રો. લિટલજ્હોનની મદદ લીધી. તેમણે સેસિલની માથામાં ગોળી ઘૂસવાની
દિશા, ઘસરકા,
ખોપડીને થયેલું નુકસાન,
બળેલી ચામડી અને તેમાંથી
આવતી ગંધ વગેરે ચકાસીને કહ્યું કે, આ હત્યા છે. અદાલતે સંતોષ ખાતર બીજા પણ એક નિષ્ણાતને
બોલાવ્યા. એ હતા, ખુદ ડૉ. જોસેફ બેલ. તેમણે પણ પ્રો. લિટલજ્હોન સાથે સંમતિ દર્શાવી. જોકે,
પોલીસ પુરાવા ભેગા ના
કરી શકી અને પ્રો. મોન્સોન નિર્દોશ છૂટી ગયા, પરંતુ આ ઘટનાનો આધાર લઈને ડોયલે ડિસેમ્બર ૧૮૯૩માં 'ધ ફાઈનલ પ્રોબ્લેમ' વાર્તા લખી, જે ખૂબ લોકપ્રિય થઈ.
એ વાર્તામાં આર્થર કોનાન ડોયલે પ્રો. લિટલજ્હોનમાંથી પ્રેરણા લઈને શેરલોક
હોમ્સને ચમકાવ્યો હતો. ડોયલે પોતાના સમયના અનેક સનસનીખેજ ગુનાઇત કૃત્યો,
અદાલતી કાર્યવાહી,
ફોરેન્સિક નિષ્ણાતો અને
કાબેલ પોલીસ અધિકારીઓમાં કલ્પનાના રંગ ઉમેરીને શેરલોક હોમ્સ કેન્દ્રિત ૫૬ ટૂંકી
વાર્તા અને ચાર નવલકથા લખી. ડોયલે ૧૯૨૭ સુધી ડિટેક્ટિવ-થ્રીલર સાહિત્યનું સર્જન
કર્યું અને ૧૯૩૦માં હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું,
પરંતુ શેરલોક હોમ્સ
જીવશે ત્યાં સુધી ડોયલ પણ જીવતા રહેશે એ વાતમાં કોઈ શંકા નથી.
અરે વાહ !!
ReplyDeleteરસપ્રદ માહિતી
واہ
ReplyDelete