22 February, 2016

...અને હેડલીએ અમેરિકાને જેહાદની દુનિયામાં લઈ જવાની ઓફર કરી


મુંબઈની તાજ હોટેલ પર હુમલાનું કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીની એક પછી એક સનસનાટીભરી કબૂલાતોથી ભારત ખુશ છે, પાકિસ્તાન ભોંઠપ અનુભવી રહ્યું છે અને અમેરિકા હંમેશાંની જેમ અન્યાયી રીતે ન્યાય તોળી રહ્યું છે. જોકે, કેન્દ્ર સરકાર ઈશરત જહાં વિશેના હેડલીના ખુલાસા બાજુએ મૂકીને અને એનડીએ-યુપીએના કુંડાળામાંથી બહાર આવીને ફક્ત ‘ભારતની સરકાર’ તરીકે વિચારે તો હેડલીની જુબાનીમાં ખુશ થવા જેવું કશું નથી. ભારત સરકાર સિફતપૂર્વક ભૂલી રહી છે કે, અમેરિકાએ જ સ્વાર્થ ખાતર હેડલીને 'મોટો' થવા દીધો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સના કેટલાક અધિકારીઓ પહેલેથી જ જાણતા હતા કે, મુંબઈ પર હુમલો થવાનો છે. આ અંગે અમેરિકાએ ભારત સરકારને 'ગૂંચવાડાભરી આગોતરી જાણ' પણ કરી હતી, જેથી ગમે ત્યારે મુંબઈ હુમલાના ગુનામાંથી છટકી શકાય. એક પછી એક નાટ્યાત્મક વળાંકો ધરાવતી નવલકથાના પ્લોટનેય ટક્કર મારે એવી આ સત્ય ઘટના અને એના પાછળની સત્ય ઘટનાઓ ફક્ત સ્વાર્થને ધ્યાનમાં રાખીને ખેલાયેલા આંતરરાષ્ટ્રીય રાજકારણની કાળી ડિબાંગ બાજુ પ્રદર્શિત કરે છે.

વેલ, અમેરિકાને હેડલીનું કદ વધારવામાં કેમ રસ પડ્યો અને તેમનો શું સ્વાર્થ હતો એ સવાલનો જવાબ મેળવતા પહેલાં મુંબઈ હુમલાની ઘટના પાછળની ઘટનાનું બેકગ્રાઉન્ડ.  

મુંબઈ હુમલા માટે ટર્નિંગ પોઈન્ટ બનેલી ઘટના

પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૭માં લોકશાહીના ધજિયા ઉડાવીને સરમુખત્યાર પરવેઝ મુશર્રફ રાજ કરી રહ્યા હતા. મુશર્રફના શાસનમાં ઈસ્લામાબાદની લાલ મસ્જિદનું સંચાલન કરતા બે સગા ભાઈ મૌલાના અબ્દુલ અઝીઝ અને અબ્દુલ રશીદ ગાઝી પાકિસ્તાનનું બંધારણ ફગાવીને શરિયા કાનૂન લાગુ કરવા ઈચ્છતા હતા. તેઓ પાકિસ્તાનના કાયદા-કાનૂનને સતત પડકારતા હતા. લાલ મસ્જિદના વિશાળ કેમ્પસમાં તેઓ યુવક-યુવતીઓની જુદી જુદી મદરેસા પણ ચલાવતા. આ તમામ યુવાનો પર તેમનો પ્રચંડ પ્રભાવ હતો. તેઓ મસ્જિદની આસપાસની વીડિયો-સીડીની દુકાનો, મસાજ પાર્લરો અને ઈસ્લામ વિરોધી ધંધો-વ્યવસાય કરતા લોકો પર હુમલો કરવાનો પણ વિદ્યાર્થીઓને આદેશ આપતા. તેમનું કહેવું હતું કે, વીડિયો શૉપમાં પોર્ન ફિલ્મો વેચાય છે અને મસાજ પાર્લરોમાં મંત્રીઓ-પોલીસની મહેરબાનીથી વેશ્યાલયો ચલાવાય છે. આ બંને ભાઈઓએ સતત ૧૮ મહિના સુધી વિદ્યાર્થીઓની મદદથી ભાંગફોડ પ્રવૃત્તિ કરીને સ્થાનિક પોલીસ અને રાજકારણીઓને પરેશાન કરી નાંખ્યા હતા.

મૌલાના અબ્દુલ અઝીઝ અને અબ્દુલ રશીદ ગાઝી 

છેવટે જુલાઈ ૨૦૦૭માં પોલીસે લાલ મસ્જિદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, પરંતુ વિદ્યાર્થીઓએ પોલીસ પર પણ જીવલેણ હુમલા કર્યા અને વિદેશ મંત્રાલયમાં આગ લગાડી. આ બંને ભાઈઓ ૧,૩૦૦ યુવાનો (યુવાન શબ્દ છોકરા-છોકરી બંને માટે વપરાય, બાકી યુવક-યુવતી શબ્દો છે) તેમજ મસ્જિદની સુરક્ષા કરતા ૧૦૦ સશસ્ત્ર આતંકવાદીની મદદથી ઈસ્લામાબાદમાં ઈસ્લામિક શાસન સ્થાપવાના સપનાં જોતા હતા. છેવટે મુશર્રફે લાલ મસ્જિદમાં કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી લશ્કરને સોંપી, પરંતુ મસ્જિદમાં સૈનિકોને જોઈને મૌલાના ભાઈઓ વધુ ગુસ્સે થયા અને તેમણે લાઉડ સ્પીકરો પર ભડકાઉ નિવેદનો કર્યા. તેથી સશસ્ત્ર યુવાનો અને આતંકવાદીઓનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચ્યો.

મુશર્રફે ત્રીજી જુલાઈ, ૨૦૦૭ના રોજ ૧૦૦ આતંકવાદીઓને શરણે કરવા ૬૦ હજાર સૈનિકોનું ધાડું મોકલ્યું. જોકે, લાલ મસ્જિદમાં બેઠેલા આતંકવાદીઓએ શરણે થવાના બદલે સૈનિકોનો ૧૧મી જુલાઈ, ૨૦૦૭ સુધી સામનો કર્યો. નવ દિવસની ચાલેલી આ હિંસક અથડામણમાં ૧૫૦ વિદ્યાર્થી અને ૧૧ સૈનિકના મોત થયા, જ્યારે ૫૦ આતંકીની ધરપકડ કરાઈ. અહીં અફઘાન વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોવાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાનની શાંતિવાર્તા ઘોંચમાં પડી અને તાલીબાનોએ પાકિસ્તાનના વજિરિસ્તાન સહિતના પ્રદેશો પાછા મેળવવા વધુ ઘાતક યુદ્ધ શરૂ કર્યું. 

આ ઘટના ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે બની?

મુશર્રફે લાલ મસ્જિદ પર હુમલો કરવાનો આદેશ આપ્યા પછી પાકિસ્તાને અબજો રૂપિયા ખર્ચીને ઊભા કરેલા લાખો જેહાદીઓ પાકિસ્તાન વિરોધી થઈ રહ્યા હતા. તૈયબા જેવા પાકિસ્તાન સરકારના હાથા જેવા સંગઠનો કાશ્મીરના નામે ધંધો કરે છે એવો ખ્યાલ બળવત્તર થઈ રહ્યો હતો. એટલે પાકિસ્તાની યુવકો વિશ્વભરના મુસ્લિમોનું કલ્યાણ કરે એવા અલ કાયદા જેવા વૈશ્વિક સંગઠથી આકર્ષાયા હતા. પાકિસ્તાને ગ્લોબલ ઈમેજની પરવા કર્યા વિના મદરેસાઓ ધમધમતા કરીને, કટ્ટરવાદી નેતાઓ ઊભા કરીને અને લશ્કર-આઈએસઆઈની નિગરાની હેઠળ તાલીમ કેન્દ્રો સ્થાપીને ભારત વિરોધી યુવાનોની ફોજ તૈયાર કરી હતી, પરંતુ હવે તેઓ લશ્કર એ તૈયબા જેવા ભારત વિરોધી આતંકવાદી જૂથો છોડીને પાકિસ્તાનની  પણ શેહશરમ નહીં રાખતા તાલીબાનો સાથે જોડાતા હતા.


લાલ મસ્જિદ પરની કાર્યવાહી વખતની તસવીર

આ ટ્રેન્ડથી પાકિસ્તાન સરકાર, લશ્કર અને આઈએસઆઈ જોરદાર ડરી ગયા હતા. આ સ્થિતિ પાકિસ્તાનની 'નકારાત્મક' વિદેશ નીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા તેમજ ફક્ત કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતને પરેશાન કરનારા લશ્કર એ તૈયબા માટે જીવલેણ હતી. તેમના હજારો સભ્યો તાલીબાનો સાથે જોડાતા હતા. યુવાનોએ કાશ્મીરની લડાઈ માટે ફાળો આપવાનું અને ઉઘરાવવાનું બંધ કરી દીધું હતું. તૈયબાના કમાન્ડરોને અલ કાયદાની સખત ઈર્ષા થતી હતી. આ ઈર્ષામાંથી તૈયબાને પણ કંઈક 'મોટું આયોજન' કરીને પોતાનું સ્થાન મજબૂત કરવાની ચાનક ચઢી. આ સંજોગો તૈયબાને ભારતમાં મુંબઈ જેવા કોસ્મોપોલિટન શહેર પર ભયાનક હુમલો કરવાના વિચાર સુધી દોરી ગયા, જ્યાં અમેરિકનો, યુરોપિયનો અને યહૂદીઓની પણ વસતી હોય. જો તેઓ આવું કરે તો જ તેમના કામની પણ અલ કાયદાના આતંકની જેમ વિશ્વભરમાં નોંધ લેવાય. ટૂંકમાં, મુંબઈ હુમલાના વિચારનું બીજ રોપવામાં લાલ મસ્જિદ પર લશ્કરી કાર્યવાહીની ઘટના કારણભૂત હતી.

હવે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, તૈયબાએ ભારતમાં મોટો આતંકી હુમલો કરવાનું નક્કી કર્યા પછી હેડલીની એન્ટ્રી કેવી રીતે થઈ? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં હેડલી વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ.

હેડલી આઈડેન્ટિટી ક્રાઈસીસથી પીડાતો હતો

અમેરિકાના વોશિંગ્ટન સ્થિત સુખીસંપન્ન દંપત્તિ સૈયદ સલીમ ગિલાની અને એલિસ સેરિલ હેડલીના પરિવારમાં ૩૦મી જૂન, ૧૯૬૦ના રોજ દાઉદનો જન્મ થયો હતો. સૈયદ ગિલાની પાકિસ્તાનના જાણીતા રાજનીતિજ્ઞ અને બ્રોડકાસ્ટર હતા, જ્યારે મૂળ યુરોપિયન એલિસ હેડલી પાકિસ્તાન રાજદૂતાવાસમાં સેક્રેટરીના તરીકે ફરજ બજાવતા હતા. સૈયદ અને એલિસ અમેરિકાની હાઈ સોસાયટીમાં જાણીતું નામ છે. દાઉદના જન્મ પછી તુરંત જ તેઓ કાયમ માટે પાકિસ્તાનના લાહોરમાં જતા રહ્યા. જોકે, પાકિસ્તાનનું બંધિયાર વાતાવરણ એલિસને માફક ના આવતા તે અમેરિકા પરત જતી રહી, પરંતુ કાયદાકીય ગૂંચવણોના કારણે એલિસે હેડલીને પાકિસ્તાનમાં જ રાખવો પડ્યો. સૈયદ અને એલિસના છૂટાછેડા પણ થઈ ગયા. હવે દાઉદ પાકિસ્તાની રાષ્ટ્રવાદ અને ઈસ્લામિક રૂઢિચુસ્તતા વચ્ચે ઉછરી રહ્યો હતો. અહીં દાઉદને બીજા યુવાનો 'ગોરો' કહેતા હતા કારણ કે, તેની ચામડી અને આંખનો રંગ અમેરિકન જેવો હતો. પાકિસ્તાનમાં તેણે વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાતો પણ સાંભળી હતી. વળી, તે લશ્કરની સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી અન્ય વિદ્યાર્થીઓ સાથે રાજકારણ અને લશ્કરી ગતિવિધિની ઊંડી ચર્ચા કરવા સક્ષમ થઈ ગયો હતો.


ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની

આ દરમિયાન તેના પિતાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા, જે અત્યંત ઝઘડાળુ હોવાથી દાઉદને કાચી વયે  સાવકી માતાનો પણ પ્રેમ ના મળ્યો. છેવટે વર્ષ ૧૯૭૭માં ૧૭ વર્ષની વયે દાઉદ પોતાની માતા એલિસની મદદથી અમેરિકા ગયો. અહીં તેણે માતાના પબ-વાઈન બારમાં મદદ કરવાનું શરૂ કર્યું. જોકે, અહીંના લોકો તેને દાઉદ ગિલાની કરતા ડેવિડ હેડલી તરીકે વધારે ઓળખતા હતા. અમેરિકામાં પણ હેડલીએ મિલિટરી કોલેજમાં પ્રવેશ લીધો પણ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો. બાદમાં તેણે વીડિયો રેન્ટલ બિઝનેસ જમાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન હેડલીએ એક અમેરિકન વિદ્યાર્થિની સાથે લગ્ન કર્યા અને 'સાંસ્કૃતિક મતભેદો'ના કારણે તેઓ છૂટા પણ પડી ગયા. એ પછીયે તેણે કેનેડાની એક યુવતી સાથે લગ્ન કર્યા, જેણે હેડલીની આતંકી ગતિવિધિની અમેરિકન પોલીસને ફરિયાદ કરી દીધી હતી. આ યુવતીનું નામ આજેય ગુપ્ત છે. છેલ્લે હેડલીએ મોરોક્કોની મેડિકલની વિદ્યાર્થિની ફૈઝા આઉતલ્લાહ સાથે લગ્ન કર્યા. હેડલી અને ફૈઝાએ લાહોરમાં સ્થાયી થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેઓ પણ છૂટા પડી ગયા.

આ દરમિયાન તેની માતા પણ સૈયદ સાથેના છૂટાછેડા પછી બીજા ચાર લગ્ન કરી ચૂકી હતી. આ રીતે થયેલા ઉછેરના કારણે દાઉદ ઉર્ફે ડેવિડ આઈડેન્ટિટી ક્રાઈસીસનો ભોગ બન્યો હતો.

હેડલી અમેરિકાની નબળાઈ જાણી ગયો હતો 

હેડલીનો ઉછેર અમેરિકા અને પાકિસ્તાનની બે વિરોધાભાસી સંસ્કૃતિ વચ્ચે એક છિન્નભિન્ન પરિવારમાં થયો હોવાથી તે થોડો મનોરોગી બની ગયો હતો. અમેરિકામાં વર્ષ ૧૯૮૮માં તે એક ડ્રગ ડીલમાં ઝડપાયો હતો. એવું નહોતું કે, તેને પૈસાની જરૂર હતી પણ દુઃસાહસો કરવા તેની આદત બની ગઈ હતી. હેડલીને હંમેશાં એક 'બિગ આઈડિયા'ની જરૂર રહેતી. તેની ગુનાખોરીનો ઈતિહાસ તપાસતા આ વાતનો સંકેત મળે છે. આ ડ્રગ ડીલ તેની ખૌફનાક કારકિર્દીની શરૂઆત હતી. આ સજામાંથી મુક્તિ મેળવવા હેડલીએ અમેરિકન પોલીસને ડ્રગ્સના નેટવર્કની ઊંડી માહિતી આપવાની ઓફર કરી. આ ઓફરથી હેડલી લાંબા ગાળાની જેલમાંથી બચી ગયો અને જેલમાંથી બહાર આવીને અમેરિકન ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીનો ઈન્ફોર્મર બની ગયો. આ કામમાં 'કિક' વાગતી હોવાથી તે ખુશ હતો. જોકે, ઈન્ફોર્મર તરીકે કામ કરતી વખતે પણ હેડલી પર ડ્રગ્સની હેરાફેરીના ગુના નોંધાયા અને ત્યારે પણ તેણે અમેરિકન પોલીસને લાલચ આપીને છુટકારો મેળવ્યો હતો. 

છેવટે વર્ષ ૧૯૯૮માં હેડલી ન્યૂયોર્કમાં એક મોટી ડ્રગ્સ ડીલમાં ઝડપાયો, પરંતુ હવે તેના પાસે અમેરિકન ઈન્ટેલિજન્સમાં કામ કરવાનો દસ વર્ષનો અનુભવ હતો. આ વખતે હેડલીને મોટી સજા થઈ શકે એમ હોવાથી તેણે અમેરિકાને વધુ મોટી ઓફર કરી. અમેરિકન ઈન્ટેલિજન્સને શું જોઈએ છે એ ચબરાક હેડલી સારી રીતે જાણતો હતો. અમેરિકાની દુઃખતી નસ બરાબર પકડીને હેડલીએ અમેરિકન ઈન્ટેલિજન્સને ઓફર કરી કે, જો તમે મને જેલની સજામાંથી મુક્તિ અપાવશો તો હું તમને જેહાદની દુનિયામાં લઈ જઈશ. અમેરિકાએ આ ઓફર સ્વીકારી લીધી લીધી હતી.

પણ કેમ?, અમેરિકાને શું લાલચ હતી? અને લાલ મસ્જિદ પરનું ઓપરેશન અને હેડલીની ઓફરનો યોગાનુયોગ મુંબઈ પર કાળ બનીને કેવી રીતે આવ્યો- એ વિશે વાંચો આવતા અંકમાં...

(નોંધઃ આ લેખનો ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો.)

4 comments:

  1. સુપર્બ આર્ટિકલ.. વેરી એક્સક્લુસિવ ઇન્ફોર્મેશન...બ્રેવો...

    ReplyDelete
  2. Sandeep Rathod, Shwet Soni and Sandeep thx a lott. Keep WORTH Reading, Keep Sharing...

    ReplyDelete