22 May, 2014

કોઈ ભૂલવા માગે એટલે પત્રકારત્વ ડિલિટ ના થાય


આપણે અત્યાર સુધી માહિતીનો અધિકાર, શિક્ષણનો અધિકાર તેમજ ન્યાય મેળવવાના અધિકાર વિશે સાંભળ્યું હતું. પશ્ચિમી દેશોમાં રાઈટ ઓફ પ્રાઈવેસીની બોલબાલા છે અને હવે ત્યાં રાઈટ ટુ બી ફોરગોટનની ચર્ચા થઈ રહી છે. યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે રાઈટ ટુ બી ફોરગોટનઅંતર્ગત ચુકાદો આપ્યો છે કે, જો કોઈ વ્યક્તિ કે સંસ્થાની જૂની માહિતી અપ્રસ્તુત કે ગેરમાર્ગે દોરનારી હોય તો ગૂગલ સહિતના કોઈ પણ સર્ચ એન્જિને તેમની વિનંતી પછી તે દૂર કરવી જરૂરી છે. જો આવી માહિતી અખબારોમાં આવી હોય તો પણ ગૂગલે એ લિંક દૂર કરવી પડશે. ગૂગલના તરફદારોના મતે આ ચુકાદો સ્વાભાવિક રીતે જ આઘાત પહોંચાડનારો અને આશ્ચર્યજનક છે. ફ્રી સ્પિચ અને ફ્રી ઈન્ફોર્મેશનના તરફદારોનો સવાલ છે કે, જે માહિતી અખબારોમાં આવી ગઈ છે તેને ગૂગલ પરથી દૂર કરવાનો શું અર્થ? પરંતુ યુરોપિયન કોર્ટનું માનવું છે કે, સર્ચ એન્જિન આવી માહિતી શોધવાનું કામ સહેલું બનાવે છે તેથી તે દૂર કરવી જ જોઈએ.

જોકે, આ મુદ્દાની ચર્ચા કેવી રીતે શરૂ થઈ એ પહેલાં ટૂંકમાં તેનો ઈતિહાસ જાણી લઈએ. વર્ષ 2009માં સ્પેનના મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેઝ ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ગૂગલ પર માહિતી મળી કે, સોળેક વર્ષ પહેલાં તે આર્થિક સંકડામણમાં હતો ત્યારે તેના ઘરની હરાજી કરાઈ હતી અને આ માહિતી ગૂગલ પર દેખાઈ રહી છે. ગૂગલ પર આ માહિતી મળતા જ મારિયોએ સ્પેનના 19 વર્ષ જૂના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કરી દીધો. યુરોપિયન ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનની કલમ 17 અંતર્ગત, કોઈ પણ વ્યક્તિને રાઈટ ટુ બી ફોરગોટન અપાયો છે. આ કાયદા પ્રમાણે, જેની પાસે માહિતી છે તેમને ડેટા કંટ્રોલર તરીકે ઓળખવામાં આવ્યા છે. આ ચુકાદો આપતી વખતે ગૂગલે ડેટા કંટ્રોલરની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, લોકોના અંગત ડેટા ભેગા કરતી અને તેનું સંચાલન કરતી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ડેટા કંટ્રોલરગણાશે. આ વ્યાખ્યા પછી ગૂગલ, યાહૂ અને બિંગ સહિતના તમામ સર્ચ એન્જિન ડેટા કંટ્રોલરની વ્યાખ્યામાં આવી ગયા છે. અદાલતે કહ્યું છે કે, કોઈ વ્યક્તિની વિનંતી પછી ડેટા કંટ્રોલર ઈન્ટરનેટ પરથી જે તે માહિતી દૂર નહીં કરે તો તેમને ઊંચો દંડ પણ ફટકારવામાં આવશે.

મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેઝ

પ્રાઈવેસી મુદ્દે અત્યંત સંવેદનશીલ અમેરિકા અને યુરોપના દેશોમાં લાખો લોકોએ આ ચુકાદાને વધાવી લીધો છે. આ ચુકાદાની તરફેણમાં થતી દલીલોનો સૂર એવો છે કે, જો કોઈ વ્યક્તિએ વર્ષો પહેલાં કોઈ ગુનો કર્યો હોય અને હવે તે વ્યક્તિ સમાજમાં સારી રીતે જીવતી હોય તો પણ ગૂગલ જેવું સર્ચ એન્જિન તેને સુખેથી જીવવા નથી દેતું. જેમ કે, કોઈ વ્યક્તિ પર ડ્રગ્સનું સેવન કરીને હિંસા કરવાનો આરોપ છે, કોઈ પર શૉપ લિફ્ટિંગ (મૉલ્સ કે સ્ટોર્સમાંથી ચોરી કરવાની માનસિક બીમારી) નો આરોપ છે અને કોઈ પર બાળ યૌનશોષણ જેવા ગંભીર આરોપ છે. હવે ડ્રગ્સનું સેવન કરીને હિંસા કરનારી વ્યક્તિ કદાચ સુધરી પણ ગઈ હોઈ શકે છે. મૉલ કે સ્ટોરમાંથી એકવાર ઉઠાંતરી કરતા ઝડપાયેલી વ્યક્તિ આખી જિંદગી ચોરી જ કર્યા કરે એવું પણ ના કહી શકાય. એવી જ રીતે, બાળ યૌનશોષણ જેવા ગંભીર આરોપોમાંથી કોઈ નિર્દોષ છૂટ્યું હોઈ શકે છે. પરંતુ આવા કોઈ કિસ્સામાં ગૂગલ કોઈને છોડતું નથી. ગૂગલ કોઈને પોતાનો ગુનો ભૂલવા નથી દેતું અને સમાજને પણ કશું ભૂલવા દેતું નથી. આજે ગૂગલ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે અને તેથી આ ચુકાદો સામાન્યમાં સામાન્ય માણસ માટે પણ ખૂબ જ મહત્ત્વનો છે. હાલ તો આ ચુકાદાની સૌથી વધુ અસર યુરોપમાં છે.

યુરોપના કેટલાક દેશોમાં તો કોઈ ગુનેગારે કાયદા પ્રમાણે સજા ભોગવી લીધી હોય તો ચોક્કસ સમય પછી નોકરી આપનાર સમક્ષ ભૂતકાળ જાહેર નહીં કરવાના પણ હક્ક મળે છે. એ રીતે અદાલતે ગૂગલની વિરુદ્ધમાં આપેલો ચુકાદો પહેલી નજરે કદાચ યોગ્ય લાગે છે. કારણ કે, યુરોપના અનેક દેશોમાં નોકરી આપતા પહેલાં ગૂગલિંગ કરીને ઉમેદવારનો ઈતિહાસ ફંફોળવામાં આવે છે. નોકરી આપનારાની આ માનસિકતાના કારણે અનેક નિર્દોષોનોકરીથી વંચિત રહી જાય છે અને ગૂગલના કારણે તેમને અન્યાય થાય છે. જોકે, અદાલતોમાં તો અનેક આરોપીઓ પુરાવાના અભાવે  નિર્દોષ છૂટી જાય છે, પણ હકીકત કંઈક બીજી હોય છે. આ ચુકાદો આવતા જ ગૂગલની બ્રિટન ઓફિસમાં જ જૂના સંદર્ભો કાઢી નાંખવાની ચાળીસેક અરજી આવી ગઈ છે. ફક્ત સ્પેનમાં જ મારિયો જેવા બીજા બસ્સો જેટલા કેસ ચુકાદાની રાહ જોઈને પડ્યા છે. આ અરજીઓમાં કોઈ રાજકારણી પોતાના ભૂતકાળની વિગતોને હટાવવાની માગ કરી રહ્યો છે તો કોઈ જાણીતો ડૉક્ટર તેના દર્દીએ કરેલી ટીકા-ટિપ્પણીને ગૂગલ પરથી દૂર કરવાની માગ કરી રહ્યો છે અને આવી રીતે અનેક લોકો આ ચુકાદાનો હવાલો આપીને કહી રહ્યા છે કે, ગૂગલ પર તેમના વિશે દેખાતી માહિતી અપ્રસ્તુત છે કે તેમના પર જે આરોપો હતા તે સાબિત નથી થયા એટલે એ માહિતી હટાવી દેવી જોઈએ.

જોકે, રાજકારણીઓનો સવાલ છે ત્યાં સુધી જાહેર જીવનમાં હોય એવી વ્યક્તિને આ પ્રકારની સુવિધા સ્વાભાવિક રીતે મળી ના શકે, પરંતુ આ ચુકાદા પહેલાં પણ કેટલાક રાજકારણીઓ ગૂગલને પોતાનો ભૂતકાળ હટાવવા ગૂગલને અદાલત સુધી લઈ ગયા છે. એટલા માટે જ કેટલાક લોકો એવો ડર દર્શાવી રહ્યા છે કે, હવે ભવિષ્યમાં અનેક લોકો આ ચુકાદાને ટાંકીને પોતાના અંગત જીવન પર થયેલું પત્રકારત્વગૂગલ પરથી હટાવી દેવાની માગ કરી શકે છે. રાજકારણીઓ કહી શકે છે કે, મારા રાજકીય જીવનને અંગત જીવન સાથે કોઈ લેવાદેવા નથી. જો આમ થશે તો અનેક રાજકારણીઓના દાવા અદાલતોમાં ખડકાઈ જશે. આ સિવાય પણ બીજી અનેક મુશ્કેલીઓ છે. સૌથી પહેલાં તો એવું નક્કી કોણ કરશે કે, કઈ માહિતી રાખવી જોઈએ અને કઈ નહીં?, આ માહિતી અપ્રસ્તુત અને અસંબંધિત છે એવું કોણ નક્કી કરશે? તેમજ કઈ વ્યક્તિની માહિતી કેટલી રાખવી જોઈએ એવું નક્કી કરવાના ધારાધોરણો કેવી રીતે નક્કી કરી શકાય? અલબત્ત, આ માટે પણ અદાલતોના જ દ્વાર ખટખટાવા પડશે અને તેમના પર ભારણ વધી જશે. ફક્ત આ ચુકાદાના આધારે ભવિષ્યના ચુકાદા ના આપી શકાય, એ માટે એક નવી જ પદ્ધતિ વિકસાવવી જરૂરી છે.

અદાલતે લોકોના ભલા માટે આ ચુકાદો આપ્યો છે, પરંતુ ગૂગલ કે બીજા સર્ચ એન્જિનોની ટેકનિકલ મુશ્કેલીઓનો પણ પાર નથી. આ ચુકાદા પછી ગૂગલે યુરોપના કાયદા પ્રમાણે ફક્ત યુરોપમાં સર્ચ રિઝલ્ટ સેન્સર કરવા પડે. કારણ કે, અમેરિકામાં ફ્રી સ્પિચનો કાયદો છે એટલે ત્યાં સેન્સર કરવામાં ફરી પાછી મુશ્કેલી ઊભી થાય. યુરોપના અનેક દેશોની સરકારો ઈન્ટરનેટ સેન્સરશિપ માટે ચીન જેવી સજ્જડ ફાયરવૉલઊભી નહીં કરી શકે એ પણ હકીકત છે. વળી, આ કાયદો ભૂતકાળને ભૂંસવાની વાત કરે છે જેનાથી ફાયદા કરતા નુકસાન વધારે છે. કારણ કે, ઈન્ટરનેટ એક પ્રકારની ઓનલાઈન લાઈબ્રેરી છે અને તેના પરથી માહિતી હટાવવી એ લાઈબ્રેરીમાંથી ઈતિહાસના પુસ્તકો બાળવા બરાબર છે. આ તમામ માહિતી સર્ચ એન્જિનના કારણે જ તમામ લોકો માટે પહેલાં કરતા વધુ સરળતાથી ઉપલબ્ધ છે. ઊલટાનું ઈન્ટરનેટ પર તો લાઈબ્રેરી કરતા પણ વધુ સરળતાથી વિવિધ સંદર્ભો શોધી શકાય છે. જો કોઈ વ્યક્તિ નિર્દોષ છૂટી હોય તો મોટા ભાગે તે માહિતી પણ ઈન્ટરનેટ પર હોય જ છે. અપવાદરૂપ કિસ્સામાં આવું ના હોય તો પણ રાઈટ ટુ બિ ફોરગોટન જેવા કાયદાનો જડસુ અમલ કરવા જેવો નથી.

એક સમયે આર્થિક સંકડામણના કારણે મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેઝે પોતાના ઘરની હરાજી કરવી પડી હતી એ વાત તો લોકો ક્યારનીય ભૂલી ગયા હતા, પરંતુ આ ચુકાદા પછી તે ફરી એકવાર ચર્ચામાં છે. શું હવે લોકો ભૂલી જશે કે, એક સમયે મારિયોની આર્થિક હાલત પતલી થઈ ગઈ હતી. જે લોકો કોઈને નોકરીએ રાખતા પહેલાં ઈન્ટરનેટની મદદથી ઉમેદવારનો ભૂતકાળ તપાસે છે એવા લોકોની સંખ્યા પણ નહીંવત છે. આ મુશ્કેલીઓનો ઉકેલ લાવવા સરકારે બીજા ઉપાયો વિચારવા પડે, પરંતુ ઈન્ટરનેટ સેન્સરશિપ કદાચ અવ્યવહારુ ઉપાય છે. ઈન્ટરનેટનો ઉપયોગ કોણ-કેવો કરે છે તે વ્યક્તિગત વિચાર છે, તેમાં સરકારો કાયદાકાનૂનોની મદદથી વધુ પડતી દખલગીરી ના કરે એ જ બરાબર છે.

1 comment: