યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે (કેગ) એક પછી એક જંગી રકમના કૌભાંડના આંકડા જાહેર થતાં એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ ભારે નિરાશ થઈ ગઈ છે. હજુ થોડા વર્ષ પહેલાં કૌભાંડની વ્યાખ્યા કટકી કે લાંચ લઈને ચોક્કસ હક્કો નિશ્ચિત કંપનીને ફાળવી દીધા ત્યાં સુધી મર્યાદિત અને સીધીસાદી હતી. પરંતુ એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમની અયોગ્ય ફાળવણી, એસ બેન્ડ ફાળવણીમાં થયેલું નુકસાન અને હવે કોલસાના બ્લોકની ફાળવણીમાં સરકારને થયેલા નુકસાન મુદ્દે ‘કેગ’ દ્વારા જાહેર થયેલા અહેવાલો અને આંકડા સામાન્ય માણસની સમજ બહારના અને અત્યંત નિરાશા પ્રસરાવે એવા છે.
કેગના અહેવાલ બાદ ચોતરફથી ભીંસમાં મૂકાયેલી કોંગ્રેસે ‘કેગ’ની સામે જ પ્રહારો
કરવા માંડ્યા છે. દરમિયાન ત્રણ મહિનાની આંતરિક તપાસ બાદ આ કૌભાંડમાં સીબીઆઈ તપાસનો
ધમધમાટ પણ શરૂ થયો છે. સીબીઆઇએ ચાર ઓગસ્ટ, મંગળવારે દેશના 10
અલગ-અલગ શહેરના 30 સ્થળે દરોડા પાડીને પાંચ કંપની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી
હાથ ધરી છે. સીબીઆઈ તપાસનો દોર આગળ વધતો જાય તેમ કંપનીઓની સાથે રાજકારણીઓ અને
અધિકારીઓ પણ આરોપીના પાંજરામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. કદાચ આ કેસની તપાસ
કોંગ્રેસ માટે 2G કેસ કરતાં પણ વધારે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ વખતે તો ટેલિકોમ મંત્રી એ. રાજા હતા અને
કોલસા કૌભાંડ દરમિયાન આ મંત્રાલય તો ખુદ વડાપ્રધાન પાસે હતું.
‘કેગ’ વિનોદ રાય |
‘કેગ’ના અહેવાલ મુજબ સરકારે જે રકમ વસૂલીને કંપનીઓને કોલસા બ્લોકની ફાળવણી કરી છે તેનાથી રૂ. 1.86 લાખ કરોડનું નુકસાન થયું છે. પરંતુ કોંગ્રેસનો વાંધો એ છે કે, આ આંકડા ‘નોશનલ’ એટલે કે, અંદાજિત છે. તેથી આ વખતે કોંગ્રેસે કંટાળીને ખુદ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિનોદ રાયને જ આડે હાથ લીધા છે, અને તેમના પર રાજકીય મહત્ત્વકાંક્ષાના આરોપ લગાવ્યા છે. વળી, કોલસા કૌભાંડમાં તો પ્રામાણિક છબી ધરાવતા ડૉ. મનમોહન સિંઘ કેન્દ્રસ્થાને છે. કારણ કે, ‘કેગ’ના અહેવાલ મુજબ કોલસા બ્લોકની અયોગ્ય ફાળવણી થઈ ત્યારે આ ખાતું ખુદ વડાપ્રધાન સંભાળી રહ્યા હતા. પરંતુ આ વખતે તો સામાન્ય રીતે શાંત છબી ધરાવતા અને બહુ ઓછું બોલતા વડાપ્રધાને પણ કોલસા કૌભાંડ મુદ્દે સંસદમાં 32 મુદ્દાનું વિસ્તૃત નિવેદન આપીને ‘કેગ’ના અહેવાલને ખામીભરેલો ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે, “આ અહેવાલ મુજબ, કોલસાના બ્લોકની હરાજી કરવામાં મોડું થવાથી અનેક પ્રાઈવેટ કંપનીઓને જંગી ફાયદો થયો છે. વળી, ‘કેગ’ની ધારણાઓ અને વિવિધ આંકડા મુજબ મોડું થવાથી પ્રાઈવેટ કંપનીઓને 1.86 લાખ કરોડનો ફાયદો થયો છે. પરંતુ ‘કેગ’નું આ અવલોકન તદ્દન વિવાદાસ્પદ છે.” (બીજી તરફ, માધ્યમો પણ ‘કેગ’ના અહેવાલને ટાંકીને ‘1.86 લાખ કરોડનું કોલસા કૌભાંડ’ કે ‘સરકારી તિજોરીને નુકસાન 1.86 લાખ કરોડ’ જેવા શીર્ષકો હેઠળ સતત સમાચારો પ્રસિદ્ધ કરે છે. ખરેખર ‘કેગ’ના અહેવાલમાં સ્પષ્ટ લખ્યું છે કે, સરકારની યોગ્ય નીતિના અભાવના કારણે કેટલીક કંપનીઓને રૂ. 1.86 લાખ કરોડનો લાભ થયો છે.)
વડાપ્રધાનની જેમ ‘કેગ’ની ટીકા કરનારા મુખ્ય ત્રણ મુદ્દાના આધારે આ અહેવાલને પાયાવિહોણો ગણાવે
છે. જેમાં પહેલો મુદ્દો કોલસાના બ્લોકની ફાળવણીથી સરકારને કોઈ નુકસાન નથી ગયું એ
હોય છે. બીજો મુદ્દો ‘કેગ’ નીતિવિષયક
પ્રશ્નોમાં માથું મારે છે અને તેના બંધારણીય હક્કોનું ઉલ્લંઘન કરે છે એ હોય છે.
જ્યારે ત્રીજો મુદ્દો સૌથી આઘાતજનક છે, જેમાં કોંગ્રેસના
દિગ્વિજય સિંઘ જેવા નેતાઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, ‘કેગ’
આ બધું પ્રસિદ્ધિ માટે કરે છે!
‘કેગ’ જેવી સ્વતંત્ર સંસ્થા બેજવાબદારીથી
અહેવાલ તૈયાર કરે અને બંધારણીય મર્યાદાની બહાર જઈને કામ કરે એ વાત માનવી ઘણી અઘરી
છે. જે લોકો આવા મુદ્દાના આધારે ‘કેગ’ના
અહેવાલને ખામીયુક્ત કહી રહ્યા છે તેનું વિશ્લેષણ કરીએ તો પણ એટલું તો સ્પષ્ટ જણાય
છે કે, ક્યાંકને ક્યાંક ગરબડ જરૂર થઈ છે. જેમ કે, કોંગ્રેસના મતે કોલસાના બ્લોકની ફાળવણીમાં સરકારી તિજોરીને એક પૈસાનું
નુકસાન થયું નથી, એ ખુલાસો જ પાયાવિહોણો છે. પરંતુ કોંગ્રેસ
પોતાની ભૂલોથી જ એટલી ત્રસ્ત છે કે, પી.ચિદમ્બરમ અને કબિલ
સિબ્બલ જેવા કોંગ્રેસની ‘થિંક ટેંક’ ગણાતા
નેતાઓ હજુ પણ 2G સ્પેક્ટ્રમ કે કોલસાના બ્લોકની ફાળવણીમાં સરકારી તિજોરીને નુકસાન નહીં થયાની પિપૂડી
વગાડી રહ્યા છે.
આ ઉપરાંત કોંગ્રેસ ‘કેગ’
પર નીતિવિષયક પ્રશ્નોમાં માથું મારવાનો અને બંધારણીય મર્યાદાનું
ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવે છે. પરંતુ ઓડિટિંગના વિદ્યાર્થીઓને એક સિદ્ધાંત
શીખવવામાં આવે છે કે, “ઓડિટર વૉચડૉગ છે, પણ તેમણે કરડવાનું નથી.” બસ, ભારતમાં
‘કેગ’ની સ્થાપના પણ આ કામ માટે જ થઈ
છે. ‘કેગ’એ સરકાર દ્વારા કેટલો
ખર્ચ થાય છે એની સાથે એ ખર્ચની ‘ગુણવત્તા’ શું છે તેનું પણ ધ્યાન રાખવાનું છે. તેથી
એક અર્થમાં ‘કેગ’ વ્હિસલ બ્લૉઅરનું પણ
કામ કરે છે. હા, 2G સ્પેક્ટ્રમની અને હવે કોલસા બ્લોકની ફાળવણીમાં ‘કેગ’એ જાહેર કરેલા
કૌભાંડના આંકડા અંદાજિત છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે, તાજેતરમાં
કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમ ફાળવણીના થયેલા નુકસાનના ‘કેગ’ના ‘અંદાજિત’ આંકડાને યોગ્ય
ઠેરવ્યા હતા. ખરેખર આટલા ઝીણવટપૂર્વકના કામ માટે તો ‘કેગ’ને અભિનંદન આપવા જોઈએ. વળી, આ અહેવાલના આધારે એટલું
તો કહી જ શકાય કે, આપણે અપૂરતા કુદરતી સ્રોતોની ફાળવણી કરવા
માટે કાયદેસરની અને તટસ્થ સિસ્ટમની જરૂર છે, જેનાથી સરકારી
તિજોરીને મહત્તમ ફાયદો થાય. સર્વોચ્ચ અદાલત 2G સ્પેક્ટ્રમના ચુકાદા દરમિયાન હરાજી પદ્ધતિ કાયદેસરની ગણાવી
ચૂકી છે. ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) કાયદાનું વિસ્તરણ કરીને આ પદ્ધતિનો તેમાં
પણ સમાવેશ કરવો જોઈએ.
‘કેગ’ના અહેવાલના ટીકાકારો ત્રીજો મુદ્દો
એ ઉઠાવે છે કે ‘કેગ’ની કાર્યશૈલી જોતા
લાગે છે કે તે પ્રસિદ્ધિ માટે આ બધું કરે છે. કોંગ્રેસના બકબકિયા નેતા દિગ્વિજય
સિઁધે તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિનોદ રાય પર જ આરોપ લગાવ્યો છે કે,
તેઓ પણ પૂર્વ કેગ ટી.એન. ચર્તુવેદીના જેમ રાજકીય મહત્વકાંક્ષા ધરાવે
છે. (ટી.એન.ચર્તુવેદી નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયા હતા.) પરંતુ સૌથી મોટો સવાલ એ
છે કે, ધારો કે વિનોદ રાય રાજકીય મહત્ત્વકાંક્ષા ધરાવતા હોય
તો પણ આપણે ઉપર જોઈ ગયા તેમ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમ ફાળવણીમાં ‘કેગ’ દ્વારા જાહેર કરેલા આંકડાને યોગ્ય ઠેરવ્યા હતા.
શું દિગ્વિજય સિંઘ પાસે આ વાતનો જવાબ છે? વળી, કોલસાના બ્લોકની ફાળવણી કરવામાં પણ કોઈ પારદર્શિતા રખાઈ નથી એ પણ દેખીતું
છે. જો, ‘કેગ’એ અંદાજેલા આંકડા બહુ
મોટા હોય તો પણ આ અહેવાલ બિલકુલ પાયાવિહોણો નથી થઈ જતો. આ ઉપરાંત કોંગ્રેસ કહે છે
તેમ ‘કેગ’ સનસનીખેજ આંકડા આપીને
અહેવાલને જાણી જોઈને જાહેર કરે છે એવું માની લઈએ તો પણ રાજકારણીઓને ઘેરી
નિદ્રામાંથી જગાડવા આ વ્યૂહ અકસીર સાબિત થયો છે.
આવા કોઈ પણ કારણોસર ‘કેગ’ના અહેવાલોની ટીકા સરકારની નબળાઈ જ છતી કરે છે. સ્વામિનાથન
ઐયરે તાજેતરમાં જ લખ્યું હતું કે, “આજે, ‘કેગ’ એક એક્ટિવિસ્ટ બની ગઈ છે... એક એક્ટિવિસ્ટ તરીકે ‘કેગ’ અતિરેક કરતી હોવા છતાં તે લોકશાહીનું સાચું મૂલ્ય દર્શાવે
છે. સર્વોચ્ચ અદાલતની જેમ ‘કેગ’એ પણ ખાતરી આપી છે કે, હવે ભવિષ્યમાં તમામ કુદરતી સ્રોતોની હરાજી થશે. વહેલા તે
પહેલાના ન્યાયે લહાણીની કુટેવ ચલાવી લેવાશે નહીં.
ભારત સરકારના પૂર્વ સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમ જણાવે છે કે, “ફક્ત ‘કેગ’ જ એવી સંસ્થા છે જે ડર રાખ્યા વિના સરકારને પ્રશ્નો પૂછીને ઝીણવટપૂર્વકની
તપાસ કરી શકે છે. તેથી જ બંધારણના ઘડવૈયાઓએ ‘કેગ’ને દૂર કરવાની સત્તા નથી આપી, અને કોમ્પ્ટ્રોલર એન્ડ
ઓડિટર જનરલ સામે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ વિધિસરનું તહોમતનામું દાખલ
કરીને જ કાર્યવાહી કરી શકાય છે...” તેઓ ઉમેરે છે કે,
“હા, સંસદ પાસે ‘કેગ’ના કોઈ કામ અંતર્ગત ખુલાસો માંગવાનો અધિકાર છે. સંસદ તેમને હાજર રહેવા
હુકમ કરી શકે છે અને પ્રશ્નો પણ પૂછી શકે છે, અને આ માટે જ
આપણા પાસે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી છે જ.”
દેશમાં કૌભાંડોની મોસમ જોતા લાગે છે કે, રાજકારણીઓ લોકપાલ આવવા ન દે ત્યાં સુધી હાલની બંધારણીય
સંસ્થાઓને મહત્ત્વનો દરજ્જો મળવો જ જોઈએ.
No comments:
Post a Comment