02 September, 2012

હોલિવૂડનું ભારતમાં આક્રમક ‘બ્રાન્ડિંગ’


ભારત વિશ્વના બજાર તરીકે ઊભરી રહેલો દેશ છે. આપણો દેશ એવા યુગમાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં એક પણ ક્ષેત્ર એવું નથી જેને વૈશ્વિકરણ અને ઉપભોક્તાવાદની અસર ન થઈ હોય. ભારતનો નવધનિક વર્ગ અને ખાસ કરીને ભારતની મલ્ટીપ્લેક્સ જનરેશન પશ્ચિમી રંગરૂપમાં પૂરેપૂરી રંગાઈ ગઈ છે. આજના ભારતમાં એક થા ટાઈગરકે ગેંગ્સ ઓફ વાસેપુરની સાથે ક્રિશ્ના ઓર કંસજેવી એનિમેટેડ ફિલ્મને પણ બજાર મળી જાય છે. મલ્ટીપ્લેક્સ કલ્ચરમાં હોલિવૂડની ફિલ્મો પણ નિયમિત રીતે પ્રદર્શિત થાય છે. વળી, ભારત જેવા વિશાળ બજારને ગંભીરતાથી લઈને હોલિવૂડના નિર્માતાઓ પોતાની ફિલ્મો હિન્દી સહિત તેલુગુ, તમિળ જેવી પ્રાંતીય ભાષાઓમાં પણ તૈયાર કરીને પ્રદર્શિત કરે છે. પરિણામે હોલિવૂડની ફિલ્મો ભારતમાં જબરદસ્ત કમાણી કરે છે. હવે તો, હોલિવૂડના નિર્માતાઓ ભારતમાં થતા નફાનો સ્વાદ ચાખી ગયા છે, અને તેથી દેશના ખૂણેખૂણે પોતાની ફિલ્મોનું આક્રમક માર્કેટિંગ રહ્યા છે, અને આ માટે તેમને દેશ-વિદેશની બ્રાંડનો પણ પૂરતો સહકાર મળી રહ્યો છે.

જેમ કે, થોડા સમય પહેલાં ભારતમાં પ્રદર્શિત થયેલી આઈસ એજ-4’ના હોલિવૂડના નિર્માતાઓએ ભારતમાં જુદી જુદી સાત બ્રાંડ સાથે કરાર કર્યા હતા. જેમાં એમટીઆર મિલ્ક ડ્રિંક્સ, મેક્ડોનાલ્ડ્સ, એમસીડી, ક્રેક્સ કોર્ન રિંગ્સ, પર્ફેટી એલ્પેન્લાઈબ સ્વર્લ, એલજી ઈલેક્ટ્રોનિક્સ 3D ટીવી અને ધ મોબાઈલ સ્ટોર સામેલ છે. આ યાદી પર નજર કરતા જણાય છે કે, આમાંની મોટા ભાગની બ્રાંડ બાળકોથી લઈને કિશોરો અને યુવાનો માટેની છે. ઉપભોક્તાવાદના આ યુગમાં બાળકો પણ બજારનું અભિન્ન અંગ બની ગયા છે. આ વાતનો એવો અર્થ પણ કાઢી શકાય કે, આ તમામ બ્રાંડ પોતાના ગ્રાહકો સુધી પહોંચવા માટે એક એનિમેશન ફિલ્મનો સહારો લઈ રહી છે. નવી બ્રાંડ્સ પોતાની વિવિધ ઓફરોને ફિલ્મના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે, અને આ અત્યારના બજારોનો ઊભરતો ટ્રેન્ડ છે.

‘આઈસ એજ-4’નું પોસ્ટર 

જોકે, ફિલ્મના કદ અને તેની પહોંચની રીતે જોઈએ તો આજે પણ ભારતમાં હિન્દી ફિલ્મોનું વર્ચસ્વ છે. પરંતુ, બ્રાંડ સાથેના જોડાણની વાત આવે છે ત્યારે હોલિવૂડની ફિલ્મો મેદાન મારી જાય છે. આ વાત સાબિત કરે છે કે, મલ્ટીપ્લેક્સ ભારત ગ્રામ્ય ભારત પર આડકતરું વર્ચસ્વ ધરાવે છે. મોટી બ્રાંડ નાના શહેરોના થિયેટરમાં માર્કેટિંગ કરવા નથી જતી. ભારતસ્થિત હોલિવૂડ સ્ટુડિયોના એક ઉચ્ચ અધિકારી કહે છે કે, “કુલ 30 ટકા ડીલ હોલિવૂડની ફિલ્મો માટે થાય છે.અહીં એક વાત યાદ કરવા જેવી છે કે, ભારતમાં બોલિવૂડની સરખામણીમાં હોલિવૂડની જૂજ ફિલ્મો પ્રદર્શિત થાય છે. તેથી હોલિવૂડની ફિલ્મો સાથે થતી ડીલનો આંકડો ખૂબ મોટો ગણાય. આવી ડીલ કરીને કંપનીઓ ફિલ્મનો એક મિલકતની જેમ ઉપયોગ કરે છે.

જ્યાં સુધી એનિમેશન ફિલ્મોની ગુણવત્તાની વાત છે ત્યાં સુધી હોલિવૂડ વિશ્વના કોઈ પણ ફિલ્મ ઉદ્યોગ કરતા આગળ છે. પરિણામે આ ફિલ્મોને વિશ્વભરના દર્શકો મળે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં હોલિવૂડના અનેક સ્ટુડિયોએ ફિલ્મના પ્રકાર મુજબ ભારતમાં કરાતા માર્કેટિંગ ખર્ચમાં 50થી 100 ટકાનો વધારો કર્યો છે. હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કેટલાક આંકડા મુજબ, હાલ ભારતમાં હોલિવૂડની ફિલ્મોનો 11થી 12 ટકા હિસ્સો છે, જ્યારે બે વર્ષ પહેલાં આ આંકડો સાતથી આઠ ટકાની આસપાસ હતો. જોકે મીડિયા એનાલિસ્ટ જણાવે છે કે, બ્રાંડનું બજાર હોલિવૂડની મોટી ફિલ્મો સુધી મર્યાદિત છે. નાના બજેટની હોલિવૂડ ફિલ્મોને આટલો સારો પ્રતિસાદ નથી મળતો. કારણ કે, આવી ફિલ્મોને એનિમેટેડ કે સુપરહીરોની ફિલ્મો જેટલા મોટા પ્રમાણમાં દર્શકો નથી મળતા.

ભારતમાં વર્ષ 2008થી હોલિવૂડની ફિલ્મોના બજારમાં વધારો થયો, અને એ વખતે બજારમાં તેનો હિસ્સો પાંચેક ટકા હતો. પરંતુ ત્યાર પછી આક્રમક માર્કેટિંગ અને મલ્ટીપ્લેક્સમાં સતત વધારો થવાના કારણે ભારતમાં હોલિવૂડની ફિલ્મોનો વ્યાપ સતત વધતો ગયો. આ ઉપરાંત હોલિવૂડ નિર્માતાઓ પણ પોતાની ફિલ્મોને પ્રાંતીય ભાષામાં પ્રદર્શિત કરવાનું મહત્ત્વ સમજવા લાગ્યા હતા. આવા વિવિધ કારણોથી હોલિવૂડની ફિલ્મો ભારતીય બજારમાં મજબૂત રીતે પગપેસારો કરી શકી છે. ફિક્કી અને કેપીએમજીનું અનુમાન છે કે, આ વર્ષે હોલિવૂડની ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન 20થી 25 ટકા વધશે, જે વર્ષ 2010માં 14 ટકા હતું.

વિશ્વભરમાં ફિલ્મો માર્કેટિંગનું મજબૂત માધ્યમ રહી છે. મલ્ટીપ્લેક્સ ભારતમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં જ એક બ્રાંડ લાખો લોકો સુધી પહોંચી જાય છે. વળી, સોશિયલ નેટવર્કિંગના જમાનામાં ફિલ્મની ઝડપ અન્ય કોઈ પણ માધ્યમ કરતા અનેકગણી વધારે છે. જેના થકી ઉદ્યોગપતિઓ પોતાની બ્રાંડની આક્રમક ઝુંબેશ કરે છે, અને ઝડપના આ યુગમાં બીજા લોકો પણ જલદીથી આવું કરી લેવા પ્રેરાય છે. જેમ કે, અમૂલ કે કેડબરીની બોર્નવિલેએ ધ અમેઝિંગ સ્પાઈડરમેનઅને ધ ડાર્ક નાઈટ રાઈઝીસસાથે હાથ મિલાવ્યા પછી વધુ સાત બ્રાંડે ફોક્સ સ્ટાર સ્ટુડિયો સાથે આઈસ એજ-4: કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટમાટે જોડાણ કર્યું હતું. આ ફિલ્મ 27મી જુલાઈએ અંગ્રેજી, હિન્દી, તમિળ અને તેલુગુમાં પ્રદર્શિત થઈ હતી. ફોક્સ સ્ટાર સ્ટુડિયોની કાર્સ-2’, ‘પાઈરેટ્સ ઓફ કેરેબિયન: ઓન સ્ટ્રેન્જર ટાઈડ્સ’, ‘ધ સિક્રેટ ઓફ ધ યુનિકોર્ન’, ‘ધ એવેન્જર્સઅને મેન ઈન બ્લેક:3’ જેવી ફિલ્મો સાથેનું જોડાણ પણ લગભગ તમામ કંપનીઓને ફળ્યું હતું.

ભારતની હિન્દી અને અન્ય પ્રાંતીય ભાષાની ફિલ્મો પણ બ્રાંડ માટે ગ્રાહકો સુધી પહોંચવાનું લોકપ્રિય માધ્યમ છે. પરંતુ છેલ્લાં બે વર્ષમાં હોલિવૂડની ફિલ્મોને બ્રાંડ તરફથી એકધારો પ્રતિસાદ મળી રહ્યો છે, અને તેથી અનેક કંપનીઓ ફિલ્મ પ્રદર્શિત થાય એ પહેલાં જ ફિલ્મો સાથે મળીને કો-બ્રાન્ડિંગ કરી રહી છે. કંપનીઓ અને ફિલ્મ સ્ટારો એક કાંકરે બે પક્ષી મારી રહ્યા છે. તેઓ ફિલ્મ પ્રમોશન માટે વિવિધ શહેરોમાં જઈને ફિલ્મની સાથે બ્રાંડનું પણ માર્કેટિંગ કરી રહ્યા છે. જેમાં રિબોક, સેવન સી કોડલિવર ઓઈલ, કેલોજ, હોર્લિક્સ અને મેક જેવી બ્રાંડનો સમાવેશ થાય છે. આવી અનેક બ્રાંડ હોલિવૂડની ફિલ્મો સાથે મળીને ધૂમ નાણાં ખર્ચી રહી છે. વળી, પહેલાં કરતા અનેક ગણું વ્યાપક વિતરણ થવાના કારણે કંપનીએ બ્રાન્ડિંગ પાછળ કરેલો ખર્ચ વસૂલ થઈ જાય છે. થોડા સમય પહેલાં હિન્દી ફિલ્મો મોટે ભાગે 400 પ્રિન્ટ અને હોલિવૂડની ફિલ્મો 50 પ્રિન્ટ સાથે રજૂ થતી હતી. પરંતુ આજે આ આંકડામાં અઢી ગણો વધારો થયો છે.  જેમ કે, ‘ધ અમેઝિંગ સ્પાઈડરમેનઅંગ્રેજી, હિંદી, તમિળ અને તેલુગુ એમ કુલ ચાર ભાષામાં 1,236 પ્રિન્ટ સાથે રજૂ થઈ હતી. વળી, તેને 3D, 2D અને આઈમેક્સ ફોર્મેટમાં પણ પ્રદર્શિત કરાઈ હતી. જ્યારે ધ ડાર્ક નાઈટ રાઈઝીસદેશભરમાં 650 પ્રિન્ટ સાથે રજૂ થઈ હતી.

હોલિવૂડની ફિલ્મો એક ચોક્કસ વર્ગને જ અપીલ કરી હોવાથી નિર્માતાઓ પણ ચોક્કસ અભિગમ સાથે જ ફિલ્મો રજૂ કરે છે. બીજું, મંદીના સમયમાં હોલિવૂડની ફિલ્મો બ્રાન્ડિંગ કરવાની પૂરતી તક આપે છે, અને કંપનીઓ ઓછા ખર્ચે અસરકારક માર્કેટિંગ કરી શકે છે. નવાઈની વાત તો એ છે કે, ટેલિવિઝનમાં માર્કેટિંગ કરવાનો ખર્ચ હોલિવૂડની ફિલ્મો કરતા અનેકગણો વધુ થાય છે. વળી, એનિમેશન ફિલ્મો તો બાળકો અને પરિવારોમાં બ્રાન્ડિંગ કરવાની જોરદાર તક આપે છે. ફક્ત એક જ ફિલ્મમાં ધમાકેદાર માર્કેટિંગ કરીને કોઈ પણ બ્રાંડ પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે.

No comments:

Post a Comment