11 September, 2012

પોતાને જીવિત સાબિત કરવા ખર્ચી કાઢ્યા 24 વર્ષ


દેશભરમાં રાશન કાર્ડથી લઈને આધાર કાર્ડ મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળે છે. પરંતુ તમે એ વાત ક્યારેય નોંધી છે કે, આવી કતારોમાં મહિલાઓની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં હોય છે. આમ છતાં ધોમધખતા તાપમાં ઊભી રહીને રાશન કાર્ડ મેળવતી મહિલાઓ લગ્નની નોંધણી માટે જાગૃત નથી. એવી જ રીતે, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ માટે પડાપડી કરતી શહેરની મહિલાઓ પણ લગ્નનું પ્રમાણપત્ર મેળવવામાં ઉદાસીન છે. લગ્નનું પ્રમાણપત્ર નહીં હોવાના કારણે પુરુષ કરતા મહિલાઓને વધુ સહન કરવું પડે છે એ વાત યાદ રાખવી જરૂરી છે. આવા અનેક કિસ્સા આપણે સાંભળીએ છીએ પણ કમનસીબે ‘ન્યૂઝ વેલ્યૂ’ ધરાવતા કિસ્સા જ ટીવી ચેનલો કે અખબારોમાં ચમકતા હોય છે. આવી જ એક ઘટનાની એક ન્યૂઝ ચેનલ અને કેટલાક રાષ્ટ્રીય અખબારોએ નોંધ લીધી હતી. અશરફી દેવી નામની આ મહિલાના ફક્ત 12 વર્ષની ઉંમરે એક વિધુર સાથે લગ્ન કરી દેવાયા હતા, 19 વર્ષે માતા બની ગઈ હતી, 23 વર્ષે પતિએ ઘરની બહાર કાઢી મૂકી હતી અને 40 વર્ષે ખોટા પ્રમાણપત્રના આધારે મૃત જાહેર કરી દેવાઈ હતી. પરિણામે અશરફી દેવીએ ફક્ત એક પ્રમાણપત્રના અભાવે જિંદગીના 24 વર્ષ પોતાને જીવિત સાબિત કરવામાં વિતાવવા પડ્યા છે.

અશરફી દેવીનો જન્મ વર્ષ 1960માં બિહારના રોહતાસ જિલ્લાના બારૂન ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેના માતાપિતાએ ફક્ત 12 વર્ષની ઉંમરે નાનકડી અશરફીના લગ્ન તેમના જ ગામના ખેડૂત રમઝાન સિંઘ સાથે કરી દીધા હતા. જોકે, રમઝાન સિંઘ અને અશરફી દેવીએ પોતાના લગ્નની નોંધણી કરાવી ન હતી. ગ્રામ્ય ભારતમાં આજે પણ લગ્નોની નોંધણીનું પ્રમાણ નહીવત છે. પરિણામે અશરફી દેવી પાસે પોતાના લગ્નને કાયદેસરતા આપવા કોઈ જ દસ્તાવેજો નથી. જોકે, અશરફી દેવીને બરાબર યાદ છે કે, તેમના બહુ નાની વયે લગ્ન કરી દેવાયા હતા. એ દિવસે તેમને દુલ્હનની લાલ સાડી પહેરાવીને સજાવાયા હતા અને તેમના લગ્નના દિવસે આખો દિવસ મહોલ્લામાં લાઉડ સ્પિકર પર હિન્દી ફિલ્મોના ગીતો વાગ્યા હતા.

અશરફી દેવીને વર્ષ 1988માં મૃત જાહેર કરાયા હતા.

અશરફી દેવીના લગ્ન ફક્ત 12 વર્ષની ઉંમરે કરી દેવાયા હોવા છતાં તેઓ ખુશ હતા. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી ન હતી. તેમના લગ્ન થયાના થોડા જ દિવસમાં તેમને જાણ થઈ કે, તેઓ રમઝાન સિંઘના બીજા પત્ની છે. ખરેખર તે વિધુર હતો અને અગાઉ પણ લગ્ન કરી ચૂક્યો હતો. પરંતુ તેની પહેલી પત્ની ઝલકિયા દેવીનું આ લગ્નના થોડા સમય પહેલાં જ મૃત્યુ થયું હતું. આમ છતાં રૂઢિચુસ્ત સમાજ અને નાની ઉંમરના કારણે અશરફી દેવી પતિનો વિરોધ કરી શકે એમ ન હતા. છેવટે ફક્ત 19 વર્ષની વયે તેમણે એક બાળકીને જન્મ આપ્યો. હવે, અશરફી દેવીની કુખે પુત્રીનો જન્મ થયો હોવાથી રમઝાન સિંઘે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો.

અશરફી દેવી જણાવે છે કે, “મારી પુત્રીના જન્મના ચાર જ વર્ષમાં પતિએ અમને કાઢી મૂક્યા, અને પછી અમે મારા માતા-પિતાના ઘરે રહેતા હતા.” આવી રીતે વર્ષો વીતી ગયા અને તેમની પુત્રી બિમલા દેવી પણ પરણવાને લાયક થઈ ગઈ. અશરફી દેવીએ શાકભાજીનો ધંધો કરતા અનિલકુમાર સિંઘ નામના યુવક સાથે ધામધૂમથી પુત્રીના લગ્ન કરાવ્યા. આ લગ્નનો ખર્ચ અશરફી દેવીના પિતા અને ભાઈએ ઉઠાવ્યો. કદાચ અશરફી દેવીને લાગ્યું કે, પુત્રીનું યોગ્ય યુવક સાથે લગ્ન કરાવીને તેમનું જીવન સુધરી ગયું છે. પરંતુ અશરફી દેવી શાંતિથી જીવન જીવે એ કદાચ વિધાતાને મંજૂર નહોતું.

એક દિવસ અશરફી દેવીને સમાચાર મળ્યા કે, રમઝાન સિંઘે સૂર્યપૂરા પંચાયતમાં અશરફી દેવીના મૃત્યુનું ખોટું પ્રમાણપત્ર બનાવડાવીને ત્રીજા લગ્ન કરી દીધા છે. આ સમાચાર મળતા જ અશરફી દેવીના ગુસ્સાનો પાર ન રહ્યો. અશરફી દેવીના મૃત્યુનું પ્રમાણપત્ર 30 ડિસેમ્બર, 1988ના રોજ ઈસ્યૂ કરાયુ હતું. આમ રમઝાને 40 વર્ષની વયે અશરફીને મૃત્યુ જાહેર કરી દેતા તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા. જોકે, અશરફી દેવીએ આત્મવિશ્વાસ સાથે સૌથી પહેલાં પોતાને જીવિત સાબિત કરવાનો નિર્ણય લીધો, અને પોલીસ, રાજકારણીઓ અને અદાલતોમાં ચક્કર કાપવાના શરૂ કર્યા.

અશરફી દેવી કહે છે કે, “મેં અનેક લોકોના દરવાજા ખટખટાવ્યા, પોલીસથી લઈને અદાલતોના. હું જીવતેજીવ તેમની સામે ઊભી હોવા છતાં કોઈ મને સત્તાવાર રીતે જીવિત સાબિત કરી શકે એમ ન હતું. છેવટે એક સમયે મેં પણ આશા છોડી દીધી હતી.” પોતે જીવિત છે એવું સાબિત કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેથી માતાપિતા અને ભાઈને પોતાના કારણે કોઈ ધાક-ધમકીનો સામનો ન કરવો પડે એ માટે અશરફી દેવી પુત્રીના ઘરે રહેવા જતા રહ્યા. અશરફી દેવીના જમાઈ અને પુત્રી પણ બારૂનમાં તેમની ઝૂંપડીથી અડધો કિલોમીટર દૂર જ રહેતા હતા. આ દરમિયાન તેમને રમઝાન સિંઘ અને તેની નવી પત્ની સુભોગા દેવીની ધમકીઓ મળતી રહેતી હતી. બીજી તરફ, લગ્નનું પ્રમાણપત્ર નહીં હોવાના કારણે તેઓ એવું પણ સાબિત કરી શકે એમ ન હતા કે, રમઝાન સિંઘ તેમનો પતિ છે.

આ દરમિયાન રમઝાન સિંઘે વર્ષ 1993-94માં અશરફી દેવી પર ચોરીના ખોટા આરોપો મૂકીને તેમને જેલની સજા કરાવી. વળી, અશરફી દેવીને કાગળ પર મૃત્યુ જાહેર કરીને તેણે પોતાની તમામ સંપત્તિના વારસાઈ હક્ક નવી પત્નીને આપી દીધા હતા. પરંતુ અશરફી દેવીના જીવનનું એક જ લક્ષ્ય હતું કે, કોઈ પણ ભોગે તેઓ રમઝાન સિંઘના સત્તાવાર પત્ની છે અને પોતે જીવિત છે એવું સાબિત કરવું. છેવટે તેમણે સૂર્યપૂરા પંચાયતમાં પોતાને જીવિત જાહેર કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરી. પરંતુ ભારતમાં તો વ્યક્તિને ન્યાય મળે એ પહેલાં તેનો સ્વર્ગવાસ થઈ ગયો હોય એવા અનેક દાખલા મોજુદ છે. જોકે, અશરફી દેવી થોડા નસીબદાર હોવાથી તેમને ન્યાય મળ્યો. પંચાયતે વિવિધ પુરાવાનો અભ્યાસ કરીને આઠ મહિના બાદ અશરફી દેવીને જીવિત જાહેર કર્યા. અશરફી દેવી જીવિત છે એવું સાબિત કરવા પુરાવા જોવાની શું જરૂર છે, એ ત્યાં હાજર પત્રકારો પણ સમજી શક્યા ન હતા. હા, પંચાયતનો ચુકાદો આવવાનો હતો ત્યારે અશરફી દેવી અને તેમનો પરિવાર, રમઝાન સિંઘ અને તેની નવી પત્ની, ગ્રામજનો, સ્થાનિક પોલીસ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને કેટલાક પત્રકારો પણ હાજર હતા. 

ગ્રામ્યના વડા સંધ્યા સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે વિવિધ હકીકતો અને પુરાવાના આધારે અશરફી દેવીને ન્યાય અપાવ્યો છે અને જાહેર કર્યું છે કે તેઓ જીવિત છે.” આ ચુકાદાથી સ્વભાવિક રીતે જ અશરફી દેવી સૌથી વધુ ખુશ છે. તેઓ કહે છે કે, “હવે, મારી પાસે મારા અસ્તિત્વના પુરાવા છે. હું મૃત્યુ નથી પામી.” ભારતમાં અશરફી દેવી જેવી કદાચ લાખો મહિલાઓ છે, જે અસ્તિત્વની ખોજમાં જિંદગી ખર્ચી કાઢે છે. સમયની સાથે આવી અનેક અશરફી દેવીનું જીવન ધીમે ધીમે ઓગળતું જાય છે. કોઈને અશરફી દેવીની જેમ અસ્તિત્વના પુરાવા મળી જાય છે. પરંતુ ક્યારેક તે ક્ષણજીવી પણ સાબિત થતા હોય છે. રમઝાન સિંઘ હજુ પણ અશરફી દેવીના અસ્તિત્વનો ઈનકાર કરી રહ્યો છે. રમઝાન કહે છે કે, “અશરફી દેવી વર્ષ 1988માં જ મૃત્યુ પામી હતી. મને ખબર નથી પડતી કે, કેમ આ મહિલા મારી પત્ની હોવાનો દાવો કરે છે. તેને જ પૂછોને, હું શું કહું?

રમઝાન સિંઘ અને અશરફી દેવીએ લગ્નની નોંધણી પણ કરાવી ન હતી. જો અશરફી દેવીએ લગ્નની નોંધણી કરાવી હોત અને લગ્નના પ્રમાણપત્રનો નાશ થઈ ગયો હોત તો પણ સત્તાવાર રેકોર્ડના આધારે તેમને રમઝાન સિંઘના પત્ની સાબિત કરી શકાયા હોત! પરંતુ હવે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા અશરફી દેવી પાસે બીજા 24 વર્ષનું જીવન બચ્યું નથી.

લગ્નનું પ્રમાણપત્ર અને તેની જરૂરિયાત

લગ્નનું પ્રમાણપત્ર કોઈ પણ વ્યક્તિના લગ્નનો સત્તાવાર પુરાવો છે. પોતાને કોઈ વ્યક્તિની કાયદેસરની પત્ની કે પતિ સાબિત કરવા આ પુરાવો કામ લાગે છે. આ ઉપરાંત પાસપોર્ટ મેળવવા કે લગ્ન પછી પતિની અટક ધારણ કરવા પણ આ પ્રમાણપત્ર ઉપયોગી છે. ભારતમાં ધ હિંદુ મેરેજ એક્ટ, 1955 અને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અંતર્ગત લગ્નની નોંધણી થાય છે. કાયદા મુજબ, લગ્ન કરવા માટે પુરુષ અને સ્ત્રીની લઘુતમ ઉંમર અનુક્રમે 21 અને 18 વર્ષ હોવી ફરજિયાત છે. હિંદુ મેરેજ એક્ટ મુજબ, લગ્ન કરતી વખતે પુરુષ અને સ્ત્રી બંને અપરીણિત હોવા જરૂરી છે અથવા અગાઉ લગ્ન કર્યા હોય તો છૂટાછેડા થયેલા અને જો છૂટાછેડા લીધા ન હોય તો પતિ કે પત્નીનું મૃત્યુ થઈ ગયું હોવું જરૂરી છે. આ ઉપરાંત લગ્ન કરતી વખતે સ્ત્રી અને પુરુષ બંને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ અને કોઈ પણ પ્રકારે કાયદાથી પ્રતિબંધિત અવસ્થામાં ન હોવા જોઈએ.

હિંદુ મેરેજ એક્ટ તમામ હિંદુને લાગુ પડે છે, જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ ભારતના તમામ નાગરિકો માટે છે. ભારતના કોઈ પણ ખૂણામાં રહેતું અને કાયદા મુજબ લગ્ન કરનારું યુગલ સ્થાનિક સિવિક સેન્ટરમાં જઈને લગ્નની નોંધણી કરાવી શકે છે. જોકે, હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન કરનારને હિંદુ મેરેજ એક્ટ મુજબ આપમેળે કાયદેસરતા મળી જાય છે. હિંદુ વિધિ મુજબ, લગ્ન કરનારે રજિસ્ટ્રાર સાથે લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ પાસપોર્ટ મેળવવા, પતિની અટક ધારણ કરવા અને વિદેશમાં સ્થળાંતર કરવા લગ્નનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. આમ કરીને ભારત સરકારે લગ્નના પ્રમાણપત્રને આંશિક રીતે ફરજિયાત બનાવ્યું છે. જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ, હિંદુ વિધિ સિવાયના કોઈ પણ ધર્મ મુજબ કરેલા લગ્ન તેમજ લગ્ન અધિકારી દ્વારા નોંધાયેલા લગ્નને કાયદેસરતા આપે છે. પરિણામે આજે પણ ભારતમાં પરીણિત લોકોના ચોક્કસ આંકડા મેળવવાનો એકમાત્ર આધાર વસતી ગણતરી માટે ભારતના તમામ નાગરિકો પાસે ભરાવાતું ફોર્મ છે, જેમાં પાંચ નંબરના ખાનામાં વ્યક્તિએ પોતે પરીણિત છે કે અપરીણિત તે જણાવવાનું હોય છે. પરિણામે સ્વભાવિક રીતે જ ભારતમાં નોંધાયેલા લગ્નોના ચોક્કસ આંકડા મળવા મુશ્કેલ છે.

જોકે, કેટલાક કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર લગ્નને કાયદેસરતા બક્ષવા માટે મહત્ત્વનો પુરાવો બની શકે છે. કારણ કે, આજે પણ ગ્રામ્ય ભારતમાં થતા હજારો લગ્નોમાં શહેરોમાં થતા લગ્નોની જેમ લગ્નના આલબમ, ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી જેવા પુરાવા ઉપલબ્ધ હોતા નથી.

3 comments:

  1. વિચિત્ર કિસ્સો છે. લગ્નમાં જે હાજર હતા, તેમની એફિડેવિટ લઈ શકાય, તેમજ વોટર કાર્ડ પણ ન બનાવ્યુ હોય? લગ્નનાં ભલે ન હોય, પણ ત્યાર પછીના કોઇ ફોટોગ્રાફ પણ ન મળે? પુત્રીનો ડી.એન.એ. ટેસ્ટ કરાવી શકાય. પુત્રીના જન્મના દાખલામાં મા-બાપ બન્નેના નામ હોય છે. વળી પોલિસ કેસ વખતે કયા નામથી કાગળીયા (એફ.આઈ.આર.) બન્યા? સૌથી છેલ્લું- જો કેસ જીતી ગયા તો બનાવટી ડેથ સર્ટીફિકેટનો ગુનો બને છે, જેમા દક્તર પણ દોષી છે, તે કાર્યવાહી વિષે કોઇ સમાક્હાર નથી. ત્યા પણ ઘણાં એન.જી.ઓ. ચાલતા જ હોવા જોઇએ જે મદદ કરી શકે.

    ReplyDelete