હાલ મુંબઈના કેટલાક પોશ વિસ્તારોથી લઈને ગંદી દીવાલો બોલિવૂડ મ્યુરલ્સ (ભીંતચિત્રો)થી સજાવાઈ રહી છે. આ મ્યુરલ્સ જોતા પહેલો ઉપરછલ્લો વિચાર એ જ આવે કે, કોઈ નવી ફિલ્મ પ્રદર્શિત થવાની હશે! પરંતુ ‘અનારકલી’ જેવી ફિલ્મ અને રાજેશ ખન્નાના પોસ્ટરો જોતા આપણને સ્પાર્ક થાય કે, અરે આ કંઈ નજીકના ભવિષ્યમાં પ્રદર્શિત થનારી ફિલ્મનું માર્કેટિંગ કરવાનું ગતકડું નથી, પણ કંઈક બીજું છે. વાત એમ છે કે, આવતા વર્ષે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. હા, ભારતની પહેલી ફૂલ લેન્થ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ વર્ષ 1913માં બની હતી. જોકે તે સાઈલેન્ટ એટલે કે, મૂંગી ફિલ્મ હતી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100 વર્ષની ભવ્ય ઉજવણી કરવા રણજિત દહિયા નામના કલાકારે મુંબઈની દીવાલોને બોલિવૂડ થીમ પ્રમાણે સજાવવાનું અભિયાન ઉપાડ્યું છે.
રણજિત દહિયા |
રણજિત દહિયાએ જૂન 2012માં પોતાના મિત્ર ટોની પીટર્સ સાથે મળીને બોલિવૂડ આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈની દીવાલોને બોલિવૂડ મ્યુરલ્સથી સજાવવાનો નિર્ણય લીધો હતો. ખડતલ કદકાઠીના, બેઠી દડીના અને લાંબા કાળા વાળ ધરાવતા
33 વર્ષીય રણજિત બોલિવૂડના જબરદસ્ત પ્રશંસક છે. પરંતુ જ્યારે વર્ષ
2008માં તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમને નવાઈ લાગી કે,
‘મુંબઈ શહેરમાં બોલિવૂડની કોઈ હાજરી જ નથી.”
આમ પણ મુંબઈ શહેરને જોઈને આપણે કલ્પના પણ કરી શકતા નથી કે, અહીં દર વર્ષે વિશ્વની સૌથી વધુ ફિલ્મો બને છે. વળી, વિશ્વભરમાં પણ તે ફિલ્મોના કારણે જ ઓળખાય છે. પરંતુ રણજિત કોઈ સામાન્ય માણસની જેમ આવું વિચારીને બેસી રહે એમાંના નહોતા. પછી તો, જૂન
2012 સુધીમાં તેમણે જાણીતી ક્લાસિક હિન્દી ફિલ્મ ‘અનારકલી’,
અમિતાભ બચ્ચન અને સ્વ. રાજેશ ખન્નાના મ્યુરલ્સ ચીતરી દીધા. જોકે, આ જેવા તેવા નહીં, પરંતુ
24 ફૂટ ઊંચા અને
42 ફૂટ પહોળા પેઈન્ટિંગ હતા. હાલ અનેક હિન્દી ફિલ્મ સ્ટારો જ્યાં રહે છે તેવા બાંદ્રામાં આવા મ્યુરલ્સ નજરે પડે છે. આમ તો, ભારતીય સિનેમામાં કોઈ ફિલ્મનું માર્કેટિંગ કરવા હેન્ડ પેઈન્ટેડ પોસ્ટરોનો લાંબો ઈતિહાસ છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી આ કળા લુપ્ત થઈ ગઈ છે. ફિલ્મ પ્રોડ્યુસરો જથ્થાબંધ પોસ્ટર બનાવવાનો ઓર્ડર આપે છે, અને તેમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો જ ઉપયોગ થવો સ્વભાવિક છે. જોકે, રણજિતને આ પ્રકારના મ્યુરલ્સથી ‘પોસ્ટર યુગ’ જીવંત થવાની આશા છે.
‘અનારકલી’નું મ્યુરલ |
રણજિતે પોતાના બોલિવૂડ પ્રેમ અને વૉલ પેઈન્ટિંગના પ્રેમનું સુંદર સંયોજન કર્યું છે. મુંબઈની શુષ્ક, નીરસ દીવાલો અને તેના પર સામાન્ય સ્તરનું ગ્રાફિટી પેઈન્ટિંગ જોઈને તેમને ધ વૉલ પ્રોજેક્ટ કરવાની પ્રેરણા મળી હતી. તેઓ પોતાના વતન હરિયાણાના સોનીપતમાં આ કળા શીખ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, તેમને ખરાબ વર્તન કરવા બદલ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા પછી તેઓ આ કળાના ઉસ્તાદ થયા હતા. વાત એમ છે કે, આ વધારાના સમયમાં તેમણે લોકોના ઘરનો વ્હાઈટ વૉશ કરવાનું કામ કર્યું. બાદમાં ફરી એકવાર સ્કૂલમાં એન્ટ્રી લીધી અને ત્યાં એક દિવસ તેમને સરસ્વતી દેવીનું ભીંતચિત્ર દોરવાની તક મળી. પછી તો તેમણે ટ્રક, સ્ટોર અને રેસ્ટોરન્ટમાં પણ ભીંતચિત્રો દોર્યા અને તેમને પોતાનામાં રહેલી કળાની ઓળખ થઈ.
તેમણે વર્ષ 1990માં નવી દિલ્હીના ગોલ્ચા સિનેમામાં પોતાનું પહેલું હેન્ડ પેઈન્ટેડ બોલિવૂડ
પોસ્ટર તૈયાર કર્યું હતું. જોકે, ત્યાર પછી તેઓ ફાઈન આર્ટ્સનો પદ્ધતિસરનો અભ્યાસ
કરવા ચંદીગઢ કોલેજ ઓફ આર્ટમાં ગયા અને બાદમાં અમદાવાદની પ્રખ્યાત નેશનલ
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનમાંથી પણ ડિગ્રી લીધી. તેઓ કહે છે કે, “આ અભ્યાસ દરમિયાન
હું દીવાલને સાફ કરવાથી લઈને તેના પર કેવી રીતે પેઈન્ટિંગ કરવું તે તમામ બાબતો
ઝીણવટપૂર્વક શીખ્યો. મ્યુરલ્સ એટલે દીવાલ અને કળાનો સંગમ. આ બંને વચ્ચે કેમેસ્ટ્રી
ઊભી કરવી એ ખૂબ મહત્ત્તવની વાત છે.” આજે પણ રણજિત એ જ શૂઝ બ્રશનો ઉપયોગ કરે છે,
જેનાથી તેઓ ટ્રક પેઈન્ટિંગ કરતા હતા.
રણજિત માટે
પણ કળાની કદર કરનારા લોકોનું મહત્ત્વ ઘણું વધારે છે. તેઓ કહે છે કે, “મુંબઈમાં વૉલ
પેઈન્ટિંગ કર્યા પછી એક પરિવાર મને ગુલદસ્તો આપી ગયો હતો. તમને નવાઈ લાગશે કે, આ
વ્યક્તિ મારા ‘અનારકલી’ પેઈન્ટિંગ નજીક પાણીપુરી વેચે છે, અને મારી પાસે
પાણીપૂરીના પૈસા પણ નથી લેતો. વાત એમ છે કે, કદર કરનારા લોકોના કારણે અમને પ્રેરણા
મળતી રહે છે.”
બાંદ્રામાં
રહેતા સ્થાનિક લોકો પણ રણજિત દ્વારા નિસ્વાર્થ ભાવે થતા કામની કદર કરે છે. જોકે,
એવું પણ નથી કે, તમામ લોકો તેમના વૉલ પેઈન્ટિંગથી ખુશ છે. અમિતાભ બચ્ચનનું
પેઈન્ટિંગ કરતી વખતે એક વ્યક્તિએ રણજિતને લાફો ઝીંકી દીધો હતો. વળી, લોકો મહેનત
કરીને સજાવેલી દીવાલો પર પાન-મસાલાની પિચકારી મારતા પણ ખચકાતા નથી. તેઓ કહે છે,
“પરંતુ હું પોતે જ જઈને આવા ડાઘા સાફ કરી દઉ છું.”
ફિલ્મ ‘દીવાર’નું અમિતાભ બચ્ચનું મ્યુરલ |
આ પ્રોજેક્ટના બજેટ વિશે પૂછતા તેઓ કહે છે કે, “આ પ્રોજેક્ટમાં અમને મદદ નથી મળી. હું એક ગ્રાફિક ડિઝાઈનર છું, અને તેમાંથી પૈસા કમાઈને આ પ્રોજેક્ટ આગળ વધારુ છું.” જ્યારે રણજિતના ભાગીદાર ટોની પીટર્સ પ્રોડક્શન કંપની ચલાવે છે, અને તેઓ આ પ્રોજેક્ટમાં મદદ કરી રહ્યા છે. જોકે, તેઓ કોઈ કલાકાર નથી, પરંતુ આ પ્રોજેક્ટના ફાઈનાન્સ જેવા પાસાં તેઓ સંભાળે છે. કારણ કે, આવું એક વૉલ પેઈન્ટિંગ તૈયાર કરતા દસ દિવસ થાય છે, અને તેનો ખર્ચ 27થી 37 હજાર આવે છે. વળી, દીવાલો અંગત મિલકતો હોવાથી પેઈન્ટિંગ કરવા પદ્ધતિસરની મંજૂરી પણ લેવી પડે છે.
મુંબઈમાં
રહેણાક વિસ્તારોની દીવાલો પર પેઈન્ટિંગ કરવાની મોટે ભાગે મંજૂરી મળી જાય છે. પરંતુ
ક્યારેક લોકોને સમજાવવા અઘરા પડી જાય છે. જેમ કે, એક મહિલાએ પેઈન્ટિંગની મંજૂરી
આપવા તેઓ પાસે રૂ. 50 હજારની માગણી કરી હતી. ઊલટાનું આ પ્રોજેક્ટમાં આર્થિક મદદ
માટે તેમણે લોકોને સમજાવવા પડે છે. બીજી તરફ, રણજિત કે ટોની પોતાના પેઈન્ટિંગ પર કોઈ
કંપનીનું નામ કે લોગો પણ મૂકવા નથી માંગતા. પરિણામે તેમને કોર્પોરેટ તરફથી પણ
આર્થિક મદદ નથી મળી રહી. જોકે, અનેક મુશ્કેલીઓ છતાં રણજિતને મુંબઈનો ઉત્સાહ ગમે છે
અને તેઓ ક્યારેય આ શહેર છોડીને જવા નથી માંગતા. કારણ કે, તેમને અહીંની દરેક દીવાલ
પર મ્યુરલની સંભાવના દેખાય છે.
મુંબઈમાં
ચોમાસું પૂરું થતા જ રણજિત હિન્દી સિનેમાની પહેલી આઈટમ ગર્લ હેલનને પેઈન્ટ કરવાનો
એક મોટો પ્રોજેક્ટ ઉપાડવાના છે. આ ઉપરાંત તેઓ મુંબઈની ગલીઓમાં હિન્દી ફિલ્મોના
સંગીતકારો, દિગ્દર્શકો અને વિલનોના પચાસેક પેઈન્ટિંગ દોરવાનું પણ આયોજન કરી રહ્યા
છે.
આશા રાખીએ
કે, હિન્દી સિનેમાની શતાબ્દીની કલાત્મક ઉજવણી કરવા 100 કરોડ ક્લબના કોઈ દિગ્દર્શક
કે ફિલ્મ સ્ટાર્સ જરૂર રણજિતની મદદે આવશે.
સરસ આઈડીયા...સરસ લેખ
ReplyDeleteખૂબ ખૂબ આભાર ઊર્વીશભાઈ :-)
Delete