હજુ થોડા વર્ષો પહેલાં જ ભારતમાં રેલવે અકસ્માતો એટલા નિયમિત ધોરણે થઈ રહ્યા હતા કે, લોકો મજાકમાં કહેતા હતા કે, જો તમારે આત્મહત્યા કરવી હોય તો જ ભારતીય રેલવેમાં મુસાફરી કરવી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં દેશમાં હવાઈ દુર્ઘટનાઓ પણ સામાન્ય થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને મિલિટરી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકારણીઓને જેની નિયમિત ધોરણે સર્વિસ લે છે કે તેવા પ્રાઈવેટ કંપનીના હેલિકોપ્ટરો તૂટી પડવાના આંકડા જોતા લાગે છે કે, ભારત સરકાર કદાચ હવાઈ દુર્ઘટનાઓને ગંભીરતાથી નથી લઈ રહી! ગુજરાતમાં 29 અને 30 ઓગસ્ટે સળંગ બે દિવસ હેલિકોપ્ટર ક્રેશની ઘટનાઓ બનતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) પણ ઉંઘમાંથી સફાળુ જાગીને આ દુર્ઘટના પાછળના કારણો શોધવામાં લાગી ગયું છે. પહેલી દુર્ઘટના વડોદરા નજીક ગોધરામાં સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ પર બની, જેમાં આસારામ બાપુ અને તેમના ત્રણ સાધકોને લઈને જતું હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે અચાનક વીસેક ફૂટની ઊંચાઈએથી નીચે પડવા લાગ્યુ હતું. જેમાં તમામનો આબાદ બચાવ થયો હતો. ત્યાર પછી તુરંત બીજા દિવસે જામનગર એરફોર્સ બેઝના બે MI-17 હેલિકોપ્ટર સરમત નજીક એકબીજા સાથે અથડાયા અને ઘટના સ્થળે જ નવ સૈન્ય અધિકારીઓના મૃત્યુ થયા.
હેલિકોપ્ટર દુર્ઘટના મોટે ભાગે ખરાબ હવામાનના કારણે
થતી હોય છે, પરંતુ ગોધરા અને
જામનગરમાં બનેલી બંને ઘટના વખતે તો વાતાવરણ બિલકુલ સાફ હોવાથી સૈન્યના હેલિકોપ્ટર
તૂટી પડવાની ઘટનાને માનવીય ભૂલ ગણાવાઈ રહી છે. આ બંને હેલિકોપ્ટર સમાંતરે ઉડી રહ્યા હતા ત્યારે તેમની પાંખો અથડાતા આ
દુર્ઘટના સર્જાઈ હતી. તાજા અહેવાલો મુજબ, બે હેલિકોપ્ટર આકાશમાં
અથડાયા હોય એવી આ દેશની પહેલી ઘટના છે. આ હેલિકોપ્ટરોમાં કોઈ દેખીતી ખામી પણ નહીં હોવાનું સૈન્ય અધિકારીઓ જણાવી રહ્યા
છે. આ ઉપરાંત બંને હેલિકોપ્ટર
રાત્રે ઉપયોગમાં લઈ શકાય એવા ઊંચી કક્ષાના હતા, અને તેથી લશ્કરની ત્રણેય પાંખો દ્વારા પણ તેનો ઉપયોગ થતો હતો. તો પછી આખરે
હેલિકોપ્ટરની પાંખો એકબીજા સાથે અથડાઈ કેવી રીતે?
જામનગરમાં તૂટી પડેલા હેલિકોપ્ટર |
જામનગરની દુર્ઘટનામાં ચોપર પાઈલોટોએ સ્ટાન્ડર્ડ
ઓપરેટિંગના નીતિનિયમો પાળ્યા ન હોવાથી એટલે કે, પાઈલોટો આડે રસ્તે ફંટાયા હોય તો જ આવી દુર્ઘટના સર્જાઈ શકે એવું નિષ્ણાતો
માની રહ્યા છે. જોકે, આ ‘રેર’ કેસ છે, અને તેમાં બ્લેક
બોક્સના આધારે તપાસ અહેવાલ આવે પછી જ કંઈ કહી શકાય. જો પાઈલોટો ખરેખર નિશ્ચિત માર્ગથી આડા રસ્તે ગયા હોય તો આ ‘કોકપિટ ઈનડિસિપ્લિન’નો કેસ ગણી શકાય. છેલ્લાં એક-બે વર્ષમાં જ ભારતમાં
હેલિકોપ્ટર તૂટી પડવાની અનેક ઘટનાઓ બની છે. તેથી એવું માનવાની પણ બિલકુલ જરૂર નથી કે, દરેક વખતે ‘કોકપિટ ઈનડિસિપ્લિન’ના કારણે જ દુર્ઘટના
સર્જાઈ હશે. જામનગરની દુર્ઘટના માનવીય
ભૂલના કારણે સર્જાઈ હોય તો પણ ભારતમાં અવારનવાર બનતી હવાઈ દુર્ઘટનાઓને નજરઅંદાજ
કરી શકાય એમ નથી. તેનું સૌથી મોટું કારણ
એ છે કે, ભારત સરકાર સામાન્ય
રીતે વિદેશોમાંથી જ હેલિકોપ્ટરોની ખરીદી કરે છે, અને જામનગરમાં દુર્ઘટના પામેલા બે હેલિકોપ્ટર પણ સરકારે બ્રિટન પાસેથી જ
ખરીદ્યા હતા. પરિણામે સૌથી મહત્ત્વનો
સવાલ એ છે કે, ભારત સરકાર સૈન્ય માટે
વિદેશમાંથી આવા સાધનો ખરીદતા પહેલાં પૂરતી ચકાસણી કરે છે કે નહીં. કારણ કે, સરકારો હજારો કરોડો
રૂપિયા ચૂકવીને લશ્કર માટે વિમાનો કે હેલિકોપ્ટરો વસાવતી હોય છે.
આ પહેલાં પણ ભારતમાં મિગ-21 વિમાનો તૂટી પડવાની ઘટનાઓ અવારનવાર થતી હતી. છેવટે ભારતીય વાયુસેનાએ કંટાળીને મિગ-21 લડાકૂ વિમાનોને વર્ષ 2017
સુધી સેવામાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો, અને તેની જગ્યાએ એસયુ-30,
એમકેઆઈ અને સ્વદેશમાં બનેલા એલસીએ જેવા અત્યાધુનિક એરક્રાફ્ટને વાયુસેનામાં
સામેલ કર્યા હતા. નવાઈની વાત તો છે કે, એ નિર્ણય પછી ભારતમાં
એર ક્રેશની ઘટના જવલ્લે જ જોવા મળી છે. ભારતીય વાયુ સેનામાં ઓગસ્ટ 2011
સુધી 946 મિગ-21 વિમાનો હતા. પરંતુ 45 વર્ષમાં કુલ 476 એરક્રાફ્ટ વિવિધ
દુર્ઘટનાઓમાં નાશ પામ્યા હતા. આ અંગે રજૂ કરાયેલા
અહેવાલમાં ખુદ રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, મિગ-21ની મોટા ભાગની
દુર્ઘટનાઓ જૂની ટેકનિકના કારણે થઈ છે. આ વિમાનો ભારત સરકારે રશિયા પાસેથી ખરીદ્યા હતા. તેથી એવા પણ આરોપો થયા હતા કે, રશિયાએ મસમોટી રકમ
લઈને ભારતને જૂની ટેક્નોલોજી પધરાવી દીધી છે.
જોકે, ગોધરા નજીક આસારામ
બાપુના હેલિકોપ્ટરમાં થયેલી દુર્ઘટના સૈન્ય હેલિકોપ્ટરોથી ઘણી અલગ હતી. ગોધરામાં દુર્ઘટના
પામેલું હેલિકોપ્ટર પ્રાઈવેટ કંપની ફાસ્ટ હેલિચાર્ટર દ્વારા ઓપરેટ થતું હતું, અને તે ચોપર આશરે વીસ
વર્ષ જૂનું હતું. પરંતુ કંપનીના સીઈઓ રવિન્દ્રસિંઘનું
કહેવું છે કે, આ ક્રાફ્ટ ફ્લાઈંગ
માટે બિલકુલ સુરક્ષિત અને સજ્જ હતું, અને તેનો નિયમિત ઉપયોગ
પણ થતો હતો. આ દુર્ઘટના વખતે
રવિન્દ્રસિંઘ પોતે જ પાઈલોટિંગ કરી રહ્યા હતા. આમ છતાં આવી દુર્ઘટના કેમ થઈ તેનો તેમની પાસે કોઈ જવાબ નથી. હજુ મે, 2012માં જ ઝારખંડના
મુખ્યમંત્રી અર્જુન મુંડાના પ્રાઈવેટ હેલિકોપ્ટરને પણ આવો જ અકસ્માત નડ્યો હતો અને તેમનો આબાદ બચાવ થયો હતો. ભારતમાં પ્રાઈવેટ ફેરી સર્વિસનો ઉપયોગ મોટે ભાગે
રાજકારણીઓ અને વીઆઈપી કરતા હોવા છતાં તેનો એક સંગઠિત બિઝનેસની જેમ વિકાસ થઈ શક્યો
નથી. જોકે નિષ્ણાતો જણાવી
રહ્યા છે કે, હવે સ્થિતિમાં બદલાવ
આવ્યો છે અને પ્રાઈવેટ કંપનીઓ પણ દૃઢપણે માની રહી છે કે, ‘એક્સિડન્ટ મીન્સ બેડ બિઝનેસ’.
ભારતમાં રોટરી વિંગ સોસાયટી ઓફ ઈન્ડિયા હેલિકોપ્ટર ઓપરેશન પર નજર રાખે છે. આ સંસ્થાના જનરલ
સેક્રેટરી બી.એસ. સિવાચ કહે છે કે, “આજે ઓપરેટરો સુરક્ષાને
લઈને ખૂબ સજાગ છે. કારણ કે, અકસ્માતોના કારણે
તેમણે બિઝનેસ ગુમાવવાનો વારો આવે છે.”
હાલ દેશભરની પ્રાઈવેટ કંપનીઓમાં ઈન્ડિયન એરફોર્સના
પૂર્વ પાઈલોટો જ એરક્રાફ્ટ કે હેલિકોપ્ટરો ઉડાવી રહ્યા છે. જોકે, ભારત હજુ ‘હેલિકોપ્ટર કંટ્રી’ નથી, કારણ કે આજે પણ દેશમાં
ફક્ત 300 જ સિવિલ હેલિકોપ્ટર છે, જેમાંના મોટા ભાગના
હેલિકોપ્ટર પૂણે-મુંબઈ-નવી દિલ્હી કોરિડોર પર
ઉડતા હોય છે. આ સેવા પણ મોટે ભાગે
રાજ્ય સરકારો, રાજકીય પક્ષો કે
કોર્પોરેટ ગૃહો દ્વારા લેવામાં આવે છે. અત્યાર સુધી એવું બનતું હતું કે, પ્રાઈવેટ કંપનીઓ
હેલિકોપ્ટરના મેઈન્ટેન્સ અને પાઈલોટોની તાલીમ માટે હંમેશાં ઉદાસીન રહેતી હતી. કારણ કે, વિદેશોમાંથી ખરીદેલા
ખરીદેલા અમુક પ્રકારના હેલિકોપ્ટર ઓપરેટ કરવા પાઈલોટોને નવેસરથી તાલીમ આપવી જરૂરી
હોય છે. વળી, ભારતમાં પ્રાઈવેટ
હેલિકોપ્ટર ઓપરેશનનો બિઝનેસ અસંગઠિત હોવાથી પણ
અકસ્માતોની સંખ્યા વધી રહી છે, એવો પણ એક તર્ક
નિષ્ણાતો રજૂ કરી રહ્યા છે.
ભારતીય રાજકારણીઓ અને હવાઈ
દુર્ઘટના
ભારતીય રાજકારણીઓનો હવાઈ દુર્ઘટના સાથેનો સંબંધ ઘણો જૂનો છે. સંજય ગાંધી, માધવરાવ સિંધિયા, વાય.એસ. રાજશેખર રેડ્ડી, જીએમસી બાલયોગી, એસ. મોહન કુમારમંગલમ, દોરજી ખાંડુ, ઓ.પી. જિંદાલ અને સુરેન્દ્રસિંઘ જેવા અનેક ભારતીય નેતાઓ હવાઈ દુર્ઘટનામાં માર્યા ગયા છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર એપ્રિલ 2011ના રોજ તવાંગથી ઈટાનગર વચ્ચેના ગીચ જંગલોમાં તૂટી પડતા તેમનું મોત થયું હતું. એવી જ રીતે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર પણ સપ્ટેમ્બર 2009માં ચિતૂર જિલ્લાના ગીચ જંગલોમાં તૂટી પડતા તેઓ મૃત્યુ પામ્યા હતા.
હરિયાણાના તત્કાલીન વીજ મંત્રી અને સ્ટીલ ટાયકૂન ઓ.પી. જિંદાલ તથા હરિયાણાના
તત્કાલીન કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંઘ માર્ચ 2005માં ચોપર તૂટી પડવાથી ઉત્તરપ્રદેશના સરહાનપુરમાં મોતને ભેટ્યા હતા. થોડા પાછળ જઈએ તો, સપ્ટેમ્બર 2004માં મેઘાલયના
કોમ્યુનિટી ડેવલપમેન્ટ મિનિસ્ટર સી.સંગમા પણ ચોપર
ક્રેશમાં માર્યા ગયા હતા. એ પહેલાં માર્ચ 2002માં લોકસભાના તત્કાલીન
સ્પીકર અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગી પણ આંધ્રપ્રદેશમાં હેલિકોપ્ટર
દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. અરુણાચલ પ્રદેશના
શિક્ષણ મંત્રી ડેરા નાતુંગ મે 2001માં પવન હંસ
ક્રાફ્ટમાં અન્ય પાંચ સાથીદારો સાથે પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે એર ક્રેશમાં
મોતને ભેટ્યા હતા. જોકે, ઉપરોક્ત કિસ્સામાં
અકસ્માતનું મુખ્ય કારણ ખરાબ હવામાનના કારણે પાઈલોટ યોગ્ય સ્થળે ઉતરાણ કરવાનો
નિર્ણય ન લઈ શક્યા એવું અપાયું હતું.
આ ઉપરાંત સપ્ટેમ્બર 2001માં કોંગ્રેસના એક સમયના કેબિનેટ મંત્રી માધવરાવ સિંધિયા, જુલાઈ 1994માં પંજાબના રાજ્યપાલ સુરેન્દ્રનાથ, જૂન 1980માં ઈન્દિરા ગાંધીના
પુત્ર સંજય ગાંધી અને મે 1973માં ઈન્દિરા ગાંધીની
સરકારમાં સ્ટીલ મિનિસ્ટર મોહન કુમારમંગલમના મૃત્યુ પણ હવાઈ દુર્ઘટનામાં જ થયા હતા. જ્યારે વર્ષ 2004માં પીઢ કોંગ્રેસી
નેતા અહેમદ પટેલ, પૃથ્વીરાજ ચવાણ અને
કુમારી સેલજાનો ગુજરાતમાં એક હવાઈ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો. એવી જ રીતે પંજાબના
પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ, ભાજપના પૂર્વ પ્રમુખ
રાજનાથસિંઘ અને અગ્રણી નેતા મુખ્તાર અબ્બાસ નક્વીના હેલિકોપ્ટરોને પણ અકસ્માત
નડ્યો હતો, પરંતુ આ અકસ્માતો
ગંભીર ન હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.
નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે.
No comments:
Post a Comment