25 September, 2012

જર્મન સંસ્કૃતિને જાણવા અને માણવાનું સરનામું ઓક્ટોબરફેસ્ટ


માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી મેળા વિવિધ પ્રકારની ઉજવણી, સંવાદ અને લોકસંપર્કનું સાધન રહ્યા છે. વિશ્વની દરેક સંસ્કૃતિમાં જાતભાતના મેળાનો મહિમા છે. હજારો વર્ષોથી મેળા યોજાઈ રહ્યા છે. હા, મેળાની ઉજવણીમાં થોડો બદલાવ જરૂર આવ્યો છે, પરંતુ મેળાની બાબતમાં વિશ્વભરની પ્રજાનો ઉત્સાહ આજે પણ અકબંધ છે. કારણ કે, આખરે માનવી સામાજિક પ્રાણી છે. જર્મનીમાં 22મી સપ્ટેમ્બરથી વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય એવા ‘ઓક્ટોબર બિયર ફેસ્ટિવલ’ની શરૂઆત થઈ છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંતમાં શરૂ થતો આ બિયર ફેસ્ટિવલ ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી 16 દિવસ ચાલે છે. ટૂંકમાં ‘ઓક્ટોબરફેસ્ટ’ તરીકે ઓળખાતો આ વિશ્વનો સૌથી લાંબો ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલને માણવા દર વર્ષે વિશ્વભરના 50 લાખ પ્રવાસી જર્મનીના બેવરિયા રાજ્યના મ્યુનિક શહેરની મુલાકાત લે છે. જર્મન સંસ્કૃતિને સમજવા ઓક્ટોબરફેસ્ટ ઘણો મહત્ત્વનો પ્રસંગ છે. આ ફેસ્ટિવલ એટલો લોકપ્રિય છે કે, આજે અમેરિકા, કેનેડા, બ્રિટન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ચિલી, કોલમ્બિયા, પેલેસ્ટાઈન અને ભારતમાં પણ ઓક્ટોબર મહિનામાં બિયર ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.

સામાન્ય રીતે ઓક્ટોબરફેસ્ટ 16 દિવસનો હોય છે. પરંતુ વર્ષ 1994માં પશ્ચિમ અને પૂર્વ જર્મની એક થઈ ગયા પછી ત્રીજી ઓક્ટોબરને રાષ્ટ્રીય તહેવાર જાહેર કરાયો હતો. બીજી તરફ, ઓક્ટોબર બિયર ફેસ્ટિવલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જર્મન સરકારે એવું નક્કી કર્યું છે કે, જો ઓક્ટોબરનો પ્રથમ રવિવાર પહેલી કે બીજી તારીખે આવે તો તેને જર્મન યુનિટી ડે એટલે કે, ત્રીજી તારીખ સુધી લંબાવવો. તેથી ઓક્ટોબરનો પહેલો રવિવાર બીજી ઓક્ટોબરે આવે તો આ ફેસ્ટિવલ 17 દિવસ અને પહેલી ઓક્ટોબરે આવે તો 18 દિવસ સુધી ઊજવાય છે. આ સિવાય પણ સમય-સંજોગોને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલના આયોજનમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે, વર્ષ 2010માં ફેસ્ટિવલ ઓક્ટોબરના પહેલા સોમવાર સુધી લંબાવાયો હતો. કારણ કે, એ દિવસે ઓક્ટોબર ફેસ્ટિવલને 200 વર્ષ પૂર્ણ થયા હતા.

ઓક્ટોફેસ્ટમાં એકસાથે આઠ-દસ મગ લઈને
બિયર પીરસવો એ પણ એક કળા છે

આ ફેસ્ટિવલમાં સોળ જ દિવસમાં જ સાત મિલિયન લિટર બિયર પીવાઈ જાય છે. જોકે, મ્યુનિકમાં આવતા લાખો પ્રવાસીઓના કારણે પણ વિવિધ પ્રકારના બિયરની ખપત વધુ થાય છે. વળી, અહીં વિશિષ્ટ રીતે રાંધેલી રોસ્ટેડ પોર્ક અને ગ્રીલ્ડ હેમ હોક જેવી ભૂંડના માંસની વાનગીઓ, ચિકન તેમજ સ્વાદિષ્ટ નોન-વેજ ડિશ સાથે ચીઝ નૂડલ્સ, ગ્રીલ્ડ ફિશ, પોટેટો પેનકેક અને રેડ કેબેજ જેવી પરંપરાગત જર્મન વાનગીઓનો લ્હાવો લેવા પણ પ્રવાસીઓ ઊમટી પડે છે. હા, જર્મનીમાં પીરસાતો બિયર પણ અનેક રીતે વિશિષ્ટ હોય છે. કારણ કે, ફેસ્ટિવલમાં ‘જર્મન બિયર પ્યોરિટી લૉ’ હેઠળ ફક્ત છ ટકા આલ્કોહોલ ધરાવતો બિયર જ પીરસી શકાય છે. એટલું જ નહીં, ઓક્ટોબર ફેસ્ટિવલ બિયર બનાવવા ફક્ત પાણી, જવજળ અને હોપ્સ નામના ફૂલોના રસનો જ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ફેસ્ટિવલમાં પીરસાતો બિયર મ્યુનિક શહેરમાં જ બનાવાયેલો હોય છે. નવાઈની વાત તો એ છે કે, આ પ્રકારનો દારૂ બનાવવાની કાયદેસરતા ફક્ત પાંચ કંપની પાસે છે, અને ‘ઓક્ટોબરફેસ્ટ બિયર’ શબ્દ ક્લબ ઓફ મ્યુનિક બ્રેવરીઝનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.

ઓક્ટોબરફેસ્ટનું સૌથી સુંદર આયોજન કોઈ હોય તો તે છે, બિયરના પ્રકાર મુજબ ટેન્ટ ઊભા કરવા. આ ટેન્ટ ફક્ત બે જ પ્રકારના હોય છે, મોટા અને નાના. મોટા ટેન્ટમાં એક હજારથી લઈને આઠેક હજાર લોકો બેસી શકે છે, અને નાના ટેન્ટમાં એકસોથી લઈને પાંચસો વ્યક્તિના બેસવાની વ્યવસ્થા હોય છે. અહીં સામાન્ય રીતે 14 મોટા અને 20 નાના ટેન્ટ હોય છે. આ દરેક ટેન્ટને ખાસ નામ હોય છે અને તે દરેકમાં દર વર્ષે એક જ પ્રકારનો બિયર અને વાનગીઓ પીરસાય છે. વળી, દરેક ટેન્ટનું આગવું સંગીત પણ હોય છે. આમ કરવાથી ફૂટબોલ ટીમની જેમ ટેન્ટના પણ ચાહકો ઊભા થાય છે. જેમ કે, હીપ્પોડ્રોમ નામના ટેન્ટની અંદર 3,200 અને બહાર હજાર લોકો બેસી શકે છે. દર વર્ષે ફેસ્ટિવલમાં મુલાકાતીઓને સૌથી પહેલાં આ જ ટેન્ટ જોવા મળે છે. કારણ કે, તેની જગ્યા પણ દર વર્ષે એ જ હોય છે. અહીં વાઈઝમ અને સેક્ત (સ્પાર્કલિંગ વાઈન) જેવા બિયરની સાથે ઓક્ટોબરફેસ્ટના ક્લાસિકલ સંગીતની મજા લઈ શકાય છે. તો, ઓચસેનબ્રાટેરી નામના ટેન્ટમાં સ્પેટન નામનો બિયર અને બળદના માંસની જાતભાતની વાનગીઓ પીરસાય છે. આ ટેન્ટની અંદર 5,900 અને બહાર 1,500 લોકો બેસી શકે છે. જ્યારે ગ્લોકલ રિટ નામના નાના ટેન્ટમાં ફક્ત 140 લોકો બેસી શકે છે. પરંતુ આ ટેન્ટમાં જર્મન કલાકારોના અને જર્મન સંસ્કૃતિને દર્શાવતા તૈલ ચિત્રો, એન્ટિક ચીજવસ્તુઓ અને રસોઈના સાધનો જોઈ અને ખરીદી શકાય છે. આમ દરેક ટેન્ટ જર્મન સંસ્કૃતિની ઓળખ કરાવે છે.


મોટા ટેન્ટની અંદરનું દૃશ્ય 

પરંપરાગત ચીજવસ્તુઓ વેચતો નાનકડો ટેન્ટ

વર્ષ 1950થી મ્યુનિકના મેયર બપોરે બાર વાગ્યે બિયરનું પહેલું પીપ ભરીને ઓક્ટોબરફેસ્ટ ખૂલ્લો મૂકે છે, અને આ દરમિયાન ફેસ્ટિવલને બાર બંદૂકોની સલામી પણ આપવામાં આવે છે. ત્યાર પછી મેયર બાવરિયા સ્ટેટના મંત્રી કે પ્રમુખને બિયરનો પહેલો ગ્લાસ આપે છે. ઓક્ટોબરફેસ્ટની સાથે કૃષિ મેળો અને ભવ્ય ઘોડા દોડનું પણ આયોજન થતું હતું, પરંતુ વર્ષ 1960થી ઘોડા દોડ બંધ કરી દેવાઈ છે. બીજી તરફ, આ જ વર્ષથી જર્મનીનો બિયર ફેસ્ટિવલ વિશ્વભરમાં લોકપ્રિય થતો ગયો. શરૂઆતમાં વિશ્વભરના ફોટોગ્રાફરો પરંપરાગત કપડાંમાં સજ્જ જર્મનોની તસવીરો લેવા ફેસ્ટિવલમાં આવતા હતા. દુનિયાના ખૂણે ખૂણે ઓક્ટોબરફેસ્ટને પહોંચાડવામાં આ ફોટોગ્રાફરોનો પણ સિંહફાળો છે.

જોકે, વર્ષો પહેલાંના અને અત્યારના ઓક્ટોબરફેસ્ટમાં આસમાન જમીનનો તફાવત છે. આજે મ્યુનિકના થેરેસિનવિઝ નામના હાર્દસમા 42 હેક્ટર વિસ્તારમાં યોજાતા આ ફેસ્ટિવલમાં ક્ષમતા કરતા વધુ બિયર પી જતા યુવાનોની સારવાર કરવી અને તેમને સાચવવા એ પણ મોટો પ્રશ્ન છે. યુવાનો ભૂલી જાય છે કે, વધુમાં વધુ છ ટકા આલ્કોહોલ ધરાવતા બિયરમાં સુગરનું પ્રમાણ ખૂબ ઊંચુ હોય છે. જોકે ફેસ્ટિવલમાં જર્મન રેડ ક્રોસ એક હજાર વોલેન્ટિયર ડૉક્ટરો સાથે ખડે પગે સેવા આપે છે. આ સિવાય મ્યુનિક પોલીસ, ફાયર વગેરેની ખાસ ટુકડીઓ પણ ફરજ પર હોય છે. આ સિવાય અહીં અલાયદો ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ નામનો તંબૂ ઊભો કરવામાં આવે છે. અહીં મુલાકાતીઓ ખોવાયેલી ચીજવસ્તુઓ જ નહીં, પોતાના બાળકો પણ મેળવી શકે છે. વળી, વર્ષ 1970થી તો જર્મન ગે ઓર્ગેનાઈઝેશન ઓક્ટોબરફેસ્ટમાં ‘ગે ડે’નું પણ આયોજન કરે છે. જર્મનીના સંગીતનો પરિચય મેળવવા પણ આ ફેસ્ટિવલ ઉત્તમ છે. જોકે, બાળકો અને ઘરડાં લોકોને ધ્યાનમાં રાખીને વર્ષ 2005થી અહીં ‘ક્વાયટ ઓક્ટોબરફેસ્ટ’નો ખ્યાલ અમલી કરાયો છે. જે અંતર્ગત સાંજે છ વાગ્યા સુધી 85 ડેસિબલથી વધુ અવાજે સંગીત વગાડી શકાતું નથી.ફેસ્ટિવલમાં વિવિધ રાઈડ્સ
જર્મનીના મ્યુનિક શહેરની  થેરેસિનવિઝ નામની  42 હેક્ટર જગ્યામાં જ્યાં
ઓક્ટોબર ફેસ્ટિવલ ભરાય છે તેની રાત્રે લીધેલી એરિયલ તસવીર 

ઓક્ટોબરફેસ્ટના અંતે એક હજાર ટન કચરો પેદા થાય છે. જોકે, સતત 16 દિવસ સુધી રોજેરોજ સવારે આખું 42 હેક્ટરનું મેદાન સંપૂર્ણ સાફ કરવામાં આવે છે. આ આયોજન સિટી ઓફ મ્યુનિક અને સ્પોન્સર સંયુક્ત ભાગીદારીમાં હોય છે. જેમાં હંગામી ધોરણે ઊભા કરાયેલા 1,800 ટોઈલેટનો પણ સમાવેશ થાય છે. જોકે, દર વર્ષે ટોઈલેટની સંખ્યા પણ સતત વધતી રહે છે. વળી, ફેસ્ટિવલમાં રખાયેલા ટેન્ટમાં મોબાઈલ પર વાતચીત કરવા પર પણ પ્રતિબંધ છે. તેથી વર્ષ 2005માં આયોજકોએ મોબાઈલ ફોન જામર્સ લગાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જર્મનીમાં જામિંગ ડિવાઈસનો ઉપયોગ ગેરકાયદે હોવાથી આ યોજના પડતી મૂકાઈ હતી, અને સાઈન બોર્ડ લગાવીને સંતોષ માન્યો હતો.

આ ફેસ્ટિવલ આયોજનની દૃષ્ટિએ અન્ય મેળા કરતા અનેકગણો ચડિયાતો છે. ભારત જેવા તહેવારોના દેશે પોતાના તહેવારો, પરંપરા અને વિવિધ મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે લોકપ્રિય બનાવવા તે આવા વૈશ્વિક લોકપ્રિયતા ધરાવતા ફેસ્ટિવલોમાંથી શીખવું જોઈએ.

બિયર ફેસ્ટિવલની ઉજવણીનો ઈતિહાસ

રાણી થેરેસ ઓફ
સાક્સ-હિલ્ડબરઘોસેન
જર્મનીના રાજા લુડવિગ પહેલાએ 12 ઓક્ટોબર, 1810ના રોજ રાણી થેરેસ ઓફ સાક્સ-હિલ્ડબરઘોસેન સાથે લગ્ન કર્યા હતા. આ રાજવી લગ્નમાં આખા મ્યુનિકની પ્રજાને આમંત્રણ અપાયું હતું. એકસાથે આટલા લોકોની ખાણીપીણી અને ઉજવણીની વ્યવસ્થા નામના વિસ્તારમાં કરાઈ હતી. આજે 42 હેક્ટરમાં ફેલાયેલી આ જગ્યા રાણીના નામ પરથી થેરેસિનવિઝ તરીકે ઓળખાય છે. જેનો જર્મન ભાષામાં અર્થ થાય છે, થેરેસાનું ખેતર. આ લગ્નમાં લોકોના મનોરંજન માટે રાજવી પરિવારે એક ઘોડા દોડનું આયોજન કર્યું હતું. પરંતુ વર્ષ 1950થી આવી દોડ બંધ કરી દેવાઈ છે. જ્યારે છેલ્લાં 200 વર્ષમાં કોલેરાનો રોગચાળો અને વિશ્વ યુદ્ધ જેવા કારણોસર ઓક્ટોબરફેસ્ટ કુલ 24 વાર રદ કરાયો છે. વર્ષ 1980માં જર્મન જમણેરી જૂથના સભ્યોએ ઓક્ટોબરફેસ્ટમાં પાઈપ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં 13 લોકોનો મોત નિપજ્યા હતા, અને 269 લોકોને ઈજા થઈ હતી. 

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.

3 comments:

 1. જર્મન લોકો પોતાના સાહિત્ય અને સંસ્કૃતિ વિષે ખુબ જ અદભુત વિભાવના ધરાવતા હોય છે માટે તો તેઓ બબ્બે વિશ્વયુદ્ધ ખમ્યા બાદ , ફરી એકવાર વટ ભેર ઉભા થઇ શક્યા છે .

  જર્મનીની સફર કરાવવા બદલ , આભાર .

  ReplyDelete
  Replies
  1. સાચી વાત નિરવ... જર્મનો પોતાની સંસ્કૃતિને દિલોજાનથી પ્યાર કરે છે...
   બ્લોગ વાંચવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર...

   Delete
 2. જિંજર બ્રેડ :D મારી જર્મન હાઉઝમેટ ઇઝાબેલે મને ૨૦૦૯માં આપી હતી. તેનાં પર મૂઝલ લખેલું હતું. જેનો જર્મનમાં મતલબ નાનો ઉંદર તેવો થાય છે. Apparently it's suppose to be cute :D

  ReplyDelete