01 September, 2012

વધુ અને સારી ફિલ્મો એજ મારું મિશનઃ નીલા પાંડા


“મને લાગે છે કે, સિનેમા સમાજનું પ્રતિબિંબ છે. હું લોકોને હળીમળીને તેમજ ડોક્યુમેન્ટ્રી ફિલ્મો અને ટ્રાવેલિંગના મારા અનુભવોના આધારે વિવિધ મુદ્દા પર વાર્તા કહુ છું. જેમાં કન્યા ભ્રૂણ હત્યા, સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવ, સ્ત્રીહિંસા વગેરે જેવા અનેક વણઉકલ્યા પ્રશ્નો સામેલ હોય છે. વળી, અહીં ડોક્યુમેન્ટ્રી કલ્ચરનો અભાવ હોવાથી, આપણે મનોરંજનની સાથે લોકો સાથે જોડાઈને આવું મોજું ઊભું કરવું જોઈએ.” આ શબ્દો ધડમાથા વગરની એક્શન અને કોમેડી ફિલ્મો જ્યાં બને છે તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ એક દિગ્દર્શકના છે. જોકે, તેમની કોઈ ફિલ્મ રૂ. 100 કરોડ ક્લબમાં સામેલ નથી. પરંતુ અત્યાર સુધી તેઓ પાંચ શોર્ટ ફિલ્મ, બે ટીવી સીરિયલ અને 27 ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી ચૂક્યા છે. ફક્ત 38 વર્ષના આ મહાશય એટલે નીલા મધબ પાંડા. હવે તેઓ કન્યા ભ્રૂણ હત્યા જેવા સામાજિક વિષય પર ‘જલપરી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. પરંતુ સૌથી મજેદાર વાત તો એ છે કે, આ એક બાળ ફિલ્મ છે.

નીલા મધબ પાંડા 
જોકે, 100 કરોડ ફિલ્મ ક્લબના જમાનામાં આવી ફિલ્મો બનાવવી ઘણી અઘરી છે. પરંતુ ‘જલપરી’ના દિગ્દર્શક નીલા પાંડા કહે છે કે, “આ ગંભીર ફિલ્મ નથી. આ શહેરના બે બાળકોની વાર્તા છે, જે પહેલીવાર પોતાના ગામ જાય છે. હા, અહીં આવી ફિલ્મ બનાવવી એક સ્ટ્રગલ છે. પરંતુ અમારા જેવા લોકો જ્યાં સુધી ફિલ્મ નથી બનાવતા ત્યાં સુધી અમે તાજગી નથી અનુભવતા. પોતાના વિચારો અને દૃષ્ટિને અભિવ્યક્ત કરવી એ જ સાચી સ્વતંત્રતા છે. આ શબ્દને લોકો ખોટી રીતે સમજે છે, અને તેઓ તેને ‘સ્વતંત્ર ફાઈનાન્સ’ કરીને ફિલ્મ બનાવવી એ અર્થમાં લઈ લે છે. ‘આઈ એમ કલામ’ બનાવવા મેં મારી પત્નીના દાગીના વેચી માર્યા હતા, અને મારી બધી બચત વાપરી નાંખી હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે, આ બધુ પાછું મળી જશે. અમે બિઝનેસમેન નથી, જે રૂ. એક કરોડનું રોકાણ કરીને રૂ. બે કરોડ કમાઈ લે. વધુ અને સારી ફિલ્મો બનાવવી એ મારું મિશન છે.”

‘જલપરી’ને દરેક ઉંમરના લોકોને રસ પડે એવી હોવાથી ફિલ્મ સમીક્ષકોએ તેને ફેમિલી એડવેન્ચર કેટેગરીમાં મૂકી છે. ફિલ્મની વાર્તા એક પરિવારની આસપાસ ફરે છે. શહેરમાં રહેતો આ પરિવાર ઘણાં વર્ષો પછી પોતાના ગામ જાય છે. આ પરિવારમાં બે બાળકો પણ છે, જે પહેલીવાર પિતાના ગામ આવ્યા હોય છે. ગામમાં કન્યા ભ્રૂણ હત્યાને લઈને છોકરીઓની સંખ્યા જબરદસ્ત રીતે ઘટી ગઈ છે. જ્યાં આ બંને બાળકોને પાણીની તંગી અને ગામના લોકોની અંધશ્રદ્ધાનો સામનો કરવો પડે છે. આટલી સરળ કથાવસ્તુ ધરાવતી ફક્ત 100 મિનિટની આ ફિલ્મ દર્શકોને અલગ જ દુનિયામાં લઈ જાય છે. વળી, બાળ ફિલ્મોમાં તો એક અલગ સૃષ્ટિની રચના કરવી બહુ મોટો પડકાર હોય છે. આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા તનિષ્ઠા ચેટરજી કહે છે કે, “બાળકોની ફિલ્મોમાં પણ ગંભીર વિષયો ઉપાડવા અત્યંત જરૂરી છે. કારણ કે, આજની પેઢીને સમાજના દુષણોનો પરિચય કરાવવા ફિલ્મ સૌથી મજબૂત માધ્યમ છે. તેમને નાનપણથી જ આવી ફિલ્મો બતાવવામાં આવશે તો તેઓ આવા દુષણોની ભયાનકતા સમજી શકશે.”

‘જલપરી’ ફિલ્મનું એક દૃશ્ય 
‘જલપરી’ જેવી ફિલ્મો બનાવવા ફક્ત વાર્તા પર વિશ્વાસ રાખવો પડે છે, અને સ્ટાર હરીફાઈથી દૂર રહેવું પડે છે. આવી ફિલ્મો બનાવવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સામાજિક નિસબત ધરાવતા નિર્માતાઓ અને ધીરજવાન દિગ્દર્શકો હોવા જરૂરી છે. નીલા પાંડા કહે છે કે, “ઈન્ડસ્ટ્રીમાં હંમેશાં બ્લોકબસ્ટર ફિલ્મોની બોલબાલા હોય છે. પરંતુ મારો હેતુ આ ક્ષેત્રમાં હરીફાઈ કરવાના બદલે, બીજા એક ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. આપણે સારી ફિલ્મો જોવાની સંસ્કૃતિ અને આદત વિકસાવવાની જરૂર છે. આપણે આ ક્ષેત્રને સમજવાની પણ જરૂર છે, જેમાં તમે ‘કહાની’, ‘વિકી ડોનર’ અને ‘આઈ એમ કલામ’ જેવી ફિલ્મોને મૂકી શકો છો.”

વળી, નીલા ટેલેન્ટેડ લોકો સાથે કામ કરવાનો અને તેવા લોકોને ફિલ્મોમાં તક આપવાનો આગ્રહ રાખે છે. જેમ કે, ‘આઈ એમ કલામ’ માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતેલો હર્ષ માયર, ‘હુ તુ તુ’માં શ્રેષ્ઠ સહ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતેલા સુહાસિની મૂલે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ એડિટર અપૂર્વ અસરાની પણ ‘જલપરી’ની ટીમમાં સામેલ હતા. જોકે, નીલા અત્યંત સહજભાવે જણાવે છે કે, “તેઓ તેમના એવોર્ડના કારણે મારી ટીમમાં નહોતા. મારી ફિલ્મને ખરેખર તેમની જરૂર હતી. આ બધાની સાથે ફિલ્મના અન્ય સભ્યો પણ આવી ફિલ્મો બનાવવામાં વ્યસ્ત હોય છે. તેઓ પાસે નાના ટેક્નિશિયનને હેન્ડલ કરવાની પણ સેન્સિબિલિટી હોય છે. સારી ટેકનિકલ ટીમને એક મંચ પર લાવવી હંમેશાં અઘરું કામ હોય છે. તેથી હું લેખકથી શરૂઆત કરું છું, પછી ટેકનિકલ ક્રૂ અને પછી કલાકારો. હું માનુ છું કે, દિગ્દર્શક પાસે તેના હૃદયની નજીક હોય એવી વાર્તા હશે તો ફિલ્મ નિર્માણ સરળ થઈ જશે. હું જાણું છું, મને કોણ જોઈએ છે. ‘જલપરી’ના બે નવા બાળ કલાકારો લહેરખાન અને ક્રિશાંગ ત્રિવેદી પણ લોકોનું ધ્યાન ખેંચી શક્યા છે.”

હવે નીલા એક ઓસ્ટ્રેલિયન પ્રોડ્યુસર સાથે મોટી ફિલ્મ લઈને આવવાના છે. આ ફિલ્મમાં હોલિવૂડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી કલાકારો સામેલ હશે. આ અંગે માહિતી આપતા તેઓ કહે છે કે, “આ ફિલ્મ ખાદ્ય અસુરક્ષા (ફૂડ ઈનસિક્યોરિટી) જેવા વિષય પરની ફ્યૂચરિસ્ટિક એપિક ડ્રામા હશે. આ ઉપરાંત અમે ‘જાને ભી દો યારો’ જેવી હોસ્પિટલ ડ્રામાની સ્ક્રીપ્ટ પણ તૈયાર કરી રહ્યા છે. ઓરિસ્સાની આદિજાતિઓ પરની ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું કામ પણ ચાલુ છે.” એકસાથે આટલા ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા મૂળ ઓરિસ્સાના નીલા પાંડા મુંબઈના બદલે દિલ્હીમાં રહેવાનું પસંદ કરે છે. આ માટે તેઓ એવું કારણ આપે છે કે, મને મુંબઈમાં કામ કરવું ગમે છે. પરંતુ હું સોશિયલ-પોલિટિકલ ફિલ્મો બનાવતો હોવાથી દિલ્હી મારા માટે ફળદ્રુપ શહેર છે. નીલા જેવા પ્રતિબદ્ધ યુવા ફિલ્મમેકર ‘જલપરી’ જેવી ફિલ્મ ન બનાવી તો જ નવાઈ.

નોંધનીય છે કે, ‘જલપરી’ 31 ઓગસ્ટે દેશભરમાં પ્રદર્શિત થઈ રહી છે. જુલાઈમાં આયોજિત કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘જલપરી’નું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે, જ્યાં ફિલ્મ ખૂબ વખણાઈ હતી. આ ઉપરાંત નવેમ્બર 2012માં ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં યોજાનારા એશિયા પેસિફિક સ્ક્રીન એવોર્ડ્સમાં પણ ‘જલપરી’ નોમિનેટ થઈ છે. આપણે આશા રાખીએ કે, ભારતીય દર્શકો ‘જલપરી’ પસંદ કરે અને નીલા પાંડાને સામાજિક નિસબત ધરાવતી વધુ એક ફિલ્મ બનાવવા પત્નીના દાગીના વેચવા ના પડે!

No comments:

Post a Comment